ૐકાર નું રહસ્ય
મનની ઉપર નિયંત્રણ કરીને શબ્દોથી ઉચ્ચારણ કરવાની
ક્રિયાને મંત્ર કહે છે.મંત્રવિજ્ઞાનનો સૌથી વધારે પ્રભાવ અમારા મન અને તન ઉપર પડે
છે.મંત્રનો જપ એક માનસિક ક્રિયા છે.કહેવામાં આવે છે કે જેવું મન તેવું તન..એટલે કે
જો અમે માનસિક રૂપથી સ્વસ્થ્ય છીએ તો અમારૂં તન પણ સ્વસ્થ્ય રહેશે. મનને સ્વસ્થ્ય
રાખવા માટે મંત્રનો જપ કરવો આવશ્યક છે. ૐનું ઉચ્ચારણ કરવાથી ઘણી બધી સમસ્યા તનાવ તથા બિમારીઓ દૂર
થાય છે.ॐ તમામ મંત્રોનો બીજ મંત્ર છે.ઘરમાં ૐનું નિયમિત ઉચ્ચારણ કરવાથી વાસ્તુદોષો દૂર થાય છે,તન અને મન શુદ્ધ રહે છે અને માનસિક શાંતિ
મળે છે. ૐમાં
ત્રિદેવોનો વાસ હોય છે.
ૐ તત્ સત્ આ ત્રણ પરમાત્માનાં નામ છે,તે
પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો, બ્રાહ્મણો (બ્રહજ્ઞાની સંતો,ઋષિ-મુનિઓ)
અને યજ્ઞોની રચના કરી છે માટે વૈદિક સિદ્ધાંતોને માનવાવાળા શાસ્ત્રવિધિથી નિયત
યજ્ઞ-દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ૐ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા(અ.૮/૧૨-૧૩)માં ભગવાન કહે છે કેઃ “બધી ઇન્દ્રિયોના તમામ દ્વારોને રોકીને મનને
હ્રદય-પ્રદેશમાં સ્થિર કરીને પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપીને યોગધારણામાં સમ્યક
પ્રકારે સ્થિત થઇને જે સાધક ૐ એ એક અક્ષર બ્રહ્મનું માનસિક ઉચ્ચારણ અને મારૂં એટલે કે
નિર્ગુણ નિરાકાર પરમ અક્ષર બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે એ મનુષ્ય
પરમગતિને પામે છે.”
અંત સમયે તમામ ઇન્દ્રિયોના દ્વારોનો સંયમ કરી લે એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ-આ
પાંચેય વિષયોથી કાન ત્વચા નેત્ર રસના અને નાક-આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોને તથા
બોલવું,
ગ્રહણ કરવું, ચાલવું, મૂત્રત્યાગ અને મળત્યાગ-આ પાંચેય ક્રિયાઓથી વાણી હાથ પગ
ઉપસ્થ અને ગુદા- આ પાંચેય કર્મેન્દ્રિયોને હટાવી લે એનાથી ઇન્દ્રિયો પોતાના
સ્થાનમાં રહેશે.મનનો હ્રદયમાં જ નિરોધ કરી લેવો એટલે કે મનને વિષયો તરફ ના જવા
દેવું એથી મન પોતાના સ્થાન હ્રદયમાં રહેશે.પ્રાણોને મસ્તકમાં ધારણ કરી લેવા એટલે
કે પ્રાણો ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કરીને દશમા દ્વાર બ્રહ્મરંધમાં પ્રાણોને રોકી
લેવા.મનથી સંકલ્પ વિકલ્પ ન કરવા અને પ્રાણો ઉપર અધિકાર પ્રાપ્ત કરવો એને જ
યોગધારણામાં સ્થિત થવું કહે છે. ત્યાર પછી એક અક્ષર બ્રહ્મ ૐ (પ્રણવ)નું માનસિક ઉચ્ચારણ કરવું અને પરમાત્માનું એટલે
કે નિર્ગુણ નિરાકાર પરમ અક્ષર બ્રહ્મનું સ્મરણ કરવું.
ૐ શબ્દ ત્રણ અક્ષરોથી બનેલ છે જે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશનું
પ્રતિક છે. ૐનો એક અર્થ પ્રાર્થના કે સ્તુતિ કરવી એવો થાય છે.અ ઉ મ
પ્રત્યેક અક્ષરમાં ઇશ્વરના અલગ અલગ નામો સમાયેલ છે. અ-થી વ્યાપક,સર્વદેશીય અને ઉપાસના કરવા યોગ્ય,
ઉ-થી બુદ્ધિમાન, સૂક્ષ્મ, તમામ સદગુણોનું મૂળ અને નિયમ બનાવનાર અને મ-થી અનંત અમર જ્ઞાનવાન અને
પાલનહાર.બીજો અર્થ જોઇએ તો 'અ' એટલે સમાન અને જાગ્રત અવસ્થા, 'ઉ' એટલે સ્વપ્નાવસ્થા અને 'મ' એટલે આત્મા કે મનની
સ્વપ્નરહીત નિદ્રા કે સુષુપ્ત અવસ્થા. ૐમાં ઉપર
અર્ધચંદ્ર અને ટપકું છે તે ચોથી અવસ્થા 'તુરીયાવસ્થા' થાય છે.
ૐકારના ત્રણ અક્ષરો લંબાઈ પહોળાઈ
અને ઉંડાણના માપસૂચક છે.કોઈપણ પ્રકારના માપ-રૂપ કે આકારથી પર રહેલા પરમાત્માનું સૂચન
કરે છે.આ ત્રણ વર્ણ ઈચ્છા-ભય અને ક્રોધનો અભાવ સૂચવે છે.આ ત્રણ અક્ષરો નર-નારી અને
નાન્યતર જાતિનું સૂચન કરે છે.ત્રણે મળીને સર્જક અને સર્જન બંનેને પોતાનામાં સમાવી
લેતાં પરમપુરૂષનું પ્રતીક બને છે.આ ત્રણ અક્ષરો સત્વ-રજસ અને તમસના ગુણ સૂચવે છે.આ
ત્રણ અક્ષરો ભૂત-ભવિષ્ય અને વર્તમાનના ત્રણ કાળનું સૂચન કરે છે.આ ત્રણ અક્ષરો
વિદ્યા આપનાર માતા-પિતા અને ગુરૂનું સૂચન કરે છે.યોગાભ્યાસની ત્રણ કક્ષા આસન-પ્રાણાયામ
અને પ્રત્યાહારના સોપાનથી પ્રાપ્ત થતી સમાધિનું પ્રતિક બને છે.આ ત્રણેય વિશ્વના
સર્જક બ્રહ્મા-વિષ્ણુ અને સંહારક ભગવાન શિવની દિવ્ય ત્રિમૂર્તિના પ્રતીક તથા આત્મસાક્ષાત્કારનું
પ્રતિક બને છે.
અનેકવાર ૐનું ઉચ્ચારણ કરવાથી શરીર તનાવરહિત બને છે,શરીરમાંના ઝેરી તત્વોને દૂર થાય છે,
હ્રદય અને લોહીના પ્રવાહને સંતુલિત રાખે છે,પાચનશક્તિ
તેજ બને છે, થાક દૂર થાય છે, અનિદ્રાની
સમસ્યા દૂર થાય છે, ફેફસા મજબૂત બને છે,આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે.
ૐકારં બિન્દુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ
યોગિનાઃ
કામદં મોક્ષદં ચૈવ ૐકારાય નમો નમઃ
ૐકાર સર્વ પ્રકારની કામનાઓને પૂરી કરનાર અને મોક્ષ આપનાર
છે,એ
બિંદુ સાથેના ૐકારનું યોગીઓ નિત્યનિરંતર ધ્યાન કરે છે એવા ૐકારને હું નમસ્કાર કરૂં છું એવો અર્થ થાય છે. ૐ મંત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થ આપનાર છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment