Monday 10 June 2024

બોધકથા..સ્ત્રીનું ચારીત્ર્ય અને પુરૂષનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શકતા નથી.

 

બોધકથા..સ્ત્રીનું ચારીત્ર્ય અને પુરૂષનું ભાગ્ય દેવતાઓ પણ જાણી શકતા નથી.

 

એક તરસ્યો મુસાફર ગામની બહાર આવેલા કૂવા પાસે જાય છે કે જ્યાં એક યુવાન સ્ત્રી પાણી ભરી રહી હતી.મુસાફરે યુવાન સ્ત્રીને પાણી પીવડાવવા વિનંતી કરી તો સ્ત્રીએ તેને ધરાઇને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી મુસાફર કહે છે કે આપ મને સર્વગુણ સંપન્ન નારી લાગો છો તો મને સ્ત્રીના ચારીત્ર્ય વિશે સમજાવવા કૃપા કરશો? આટલું સાંભળતાં જ પેલી સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી કે બચાવો.. બચાવો..! સ્ત્રીનો અવાજ સાંભળીને ગામના લોકો ગામની બહાર આવેલા કૂવા તરફ દોડવા લાગ્યા તે જ સમયે મુસાફર પેલી સ્ત્રીને કહે છે કે તમે આમ કેમ કરો છો? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે હવે ગામ લોકો આવશે અને તમોને ભરપેટ માર મારશે અને તમારી બુદ્ધિ ઠેકાણે આવી જશે.આવું સાંભળીને મુસાફર પેલી સ્ત્રીના પગમાં પડીને માફી માંગે છે અને કહે છે કે હું તો આપને સર્વગુણ સંપન્ન આદર્શ અને આબરૂદાર નારી સમજતો હતો.

 

પથિકે હાથ જોડીને માફી માંગી ત્યારે તે સ્ત્રીએ નજીકમાં પાણી ભરેલું માટલું લઇને તેમાં ભરેલું પાણી પોતાની ઉપર રેડીને આખું શરીર પલાડી નાખ્યું અને મુસાફર ઉપર પાણીનો ભરેલો ઘડો નાખી પલાડી નાખ્યો, એટલામાં ગામના લોકો કૂવા પાસે આવીને પુછે છે કે શું થયું છે બહેન? ત્યારે સ્ત્રી કહે છે કે કૂવામાંથી પાણી કાઢતા મારો પગ લપસી જતાં હું કૂવામાં પડી ગઇ હતી.આ સજ્જન પુરૂષ સમયસર ના આવી પહોચ્યા હોત તો આજે મારૂં મૃત્યું નક્કી હતું.ગામલોકોએ મુસાફરના ઘણા જ વખાણ કર્યા,યુવાનોએ તેને પોતાના ખભા ઉપર બેસાડીને તેમનો ઘણો જ આદર સત્કાર કર્યો અને તેને ઇનામ પણ આપ્યું.

 

જ્યારે ગામલોકો જતા રહ્યા ત્યાર પછી સ્ત્રીએ મુસાફરને કહ્યું કે હવે તમોને સમજાયુંને કે સ્ત્રીનું ચારીત્ર્ય શું હોય છે? જો આપણે સ્ત્રીને દુઃખ આપીશું, તેને પરેશાન કરીશું તો તે આપણું સુખ-ચૈન છીનવી લેશે અને જો અમે તેને ખુશ રાખીશું તો તે આપણને મોતના મુખમાંથી પણ ઉગારી લેશે તેમાં શંકા નથી.

 

બહારના રૂપ-રંગને નહી પરંતુ અંદર જુઓ.સોનાનું પાત્ર સુંદર-મૂલ્યવાન અને સારૂં હોય છે પરંતુ શિતળતા આપવાનો ગુણ તેનામાં હોતો નથી.માટીનું પાત્ર સાધારણ હોય છે પરંતુ તેનામાં ઠંડક આપવાની ક્ષમતા હોય છે.ફક્ત બહારના રંગ-રૂપને ના જોતાં તેના સદગુણોને જુવો.સન્માન,પ્રતિષ્ઠા,યશ અને શ્રદ્ધા મેળવવાનો અધિકાર ચહેરાને નહી પરંતુ ચારીત્ર્યને મળે છે.ચાણક્યે કહ્યું છે કે જેમ ઉંચા મહેલના શિખર ઉપર બેસવાથી કાગડો ગરૂડ બની જતો નથી તેમ મનુષ્ય ઉંચા આસન ઉપર બેસવાથી નહી પરંતુ પોતાના ગુણોથી ઉત્તમ બને છે.મનની પવિત્રતાથી સૌંદર્ય ખીલી ઉઠે છે કારણ કે સૌંદર્ય રંગ-રૂપ, નાક-નક્સ, ચાલ-ઢાલ, રહેણી-કરણી,વિચારસરણી બાહ્ય પ્રસ્તુતિ છે,તે વ્યક્તિના મન-વિચાર-ચિંતન અને કર્મનું દર્પણ છે.ઘણા લોકો બહારથી સુંદર દેખાય છે પરંતુ અંદર ઘણા જ કુરૂપ હોય છે તેમના વિચારો અને કર્મો નીચ હોય છે જ્યારે અમુક લોકો બહારથી સુંદર નથી હોતા પરંતુ તેમની અંદર ભાવોની પવિત્રતા એટલી બધી હોય છે કે તેમનું વ્યક્તિત્વ ચુંબકીય બની જાય છે.

 

આપણું ચારીત્ર્ય જ આપણો સૌથી મોટો ગુણ હોય છે.વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ એકબીજાને પ્રભાવિત કરવામાં લાગેલો છે,ફક્ત પોતાનો ચહેરો જ સુંદર બનાવવામાં લાગેલો છે.લોકો પોતાનો ચહેરો સુંદર બનાવવા સવાર-સવારમાં કલાકનો સમય બગાડે છે,મેકઅપ કરીને તૈયાર થાય છે.તેમના મનમાં એક જ ભાવના હોય છે કે લોકો તેમને કહે કે તમે કેટલાં સુંદર લાગો છો? અને આમાં જ તે પોતાની સફળતા સમજે છે પરંતુ આવું ચિંતન યોગ્ય નથી કારણ કે થોડું ઘણું ધન અને કલાકનો સમય બગાડવાથી ચહેરો તો સુંદર બની જાય છે પરંતુ વાસ્તવિક સુંદરતા તો ચારીત્ર્યના લીધે હોય છે તેને પ્રાપ્ત કરવામાં વર્ષો લાગી જાય છે.બાળપણથી લઇને જીવનભર ચારીત્ર્યની રક્ષા કરવી પડતી હોય છે,તપસ્યા કરવી પડતી હોય છે,દરેક ક્ષણે સાવધાન રહેવું પડતું હોય છે અને જીવનમાં અને ખાસ તો યુવાનીમાં જો નાની સરખી ભૂલ થઇ જાય તો ચારીત્ર્ય નષ્ટ-ભ્રષ્ટ થઇ જાય છે,જીવનમાં કલંક લાગી જતું હોય છે.

 

ચારીત્ર્ય નિર્માણ માટે લાંબો સમય લાગે છે અને લાંબી તપસ્યા કરવી પડતી હોય છે એટલે વધુ પ્રસંશા તો સારા ચારીત્ર્યની જ કરવી જોઇએ.બીજાઓના સુંદર ચહેરાને જોઇને વધુ પ્રભાવિત ના થશો અને તેની પ્રસંશામાં ના ડૂબી જશો પરંતુ જેનું ચારીત્ર્ય ઉત્તમ હોય, સુંદર હોય એ જ વાસ્તવમાં તપસ્વી છે અને તેવા વ્યક્તિના ચારીત્ર્યની વધુ પ્રસંશા કરવી જોઇએ.આજે દુઃખ સાથે કહેવું પડે છે કે લોકો ધન મેળવવાની લાલસામાં ચારીત્ર્યને ભૂલી રહ્યા છે અને એ સત્યનો સ્વીકાર કરી શકતા નથી કે ચારીત્ર્યના અભાવમાં ધન એક ભયાનક અભિશાપ બની જાય છે.

 

આવશ્યકતાથી વધુ ધનની લાલસા પુરી કરવામાં લોકો એટલા ગાંડા થાય છે કે તેને ઉચિત-અનુચિતનો ખ્યાલ રહેતો જ નથી અને આવા કૃત્યો કરવાના કારણે અંતે નરકગામી બની જાય છે. ચારીત્ર્યની મહત્તા પૈસાથી અનેક ગણી વધુ છે.જેને ધનના લોભમાં પોતાના ચારીત્ર્યને ગુમાવ્યું છે અથવા તો ચારીત્ર્યને ગુમાવીને ધન કમાવ્યું છે તેમને પાપ જ કમાવ્યું છે.

 

ચારીત્ર્યહીન સ્ત્રી-પુરૂષને સંસારમાં ક્યાંય આદર સત્કાર મળતો નથી અને તેનાથી ઉલ્ટું ચારીત્ર્યવાન વ્યક્તિ ભલે નિર્ધન હોય તેમછતાં તેને દરેક જગ્યાએ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે.

 

સ્ત્રીઓએ પોતાના ચારીત્ર્યની રક્ષા માટે નીચે બતાવેલ વાતો અપનાવવાની જરૂર છેઃ૫તિની ગેરહાજરીમાં અન્ય પુરૂષને બોલાવવો, બેસાડવો, ગપ્‍પાં મારવાં તે યોગ્ય નથી..પોતે કારણ વિના અથવા અલ્પ કારણે બીજાના ઘરમાં રખડ્યા કરવું તે ઠીક નથી..જેમનાં શીલ અને ચારીત્ર્ય શંકાસ્પદ હોય તેમની સાથે વધારે સબંધ ના રાખવો..ઘરની વસ્તુઓ ૫તિથી છુપાવીને આપવી નહી..કોઇ અન્ય પુરૂષનાં વધારે ૫ડતાં વખાણ પોતાના ૫તિ આગળ ના કરવાં..૫તિનો સાથ હંમેશાં રહે તેવી વૃત્તિ રાખવી..૫તિના શત્રુઓની સાથે ક્યારેય ૫ણ સારા સબંધો ના રાખવા..૫તિના મિત્રો સાથે ૫ણ સાવધાની રાખવી, વધુ ૫ડતા સબંધો ૫ણ ખતરનાક બનતા હોય છે.

 

સ્ત્રી માટે ૫તિ એ જ સાચો શણગાર છે..૫તિ વિના બધા શણગાર નકામા છે.વનમાં રહેનારી વાઘણ માંસ ખાય છે અને ઘણીવાર ભૂખી રહેવા છતાં ઘાસ ખાતી નથી તેવી જ રીતે સતી દુઃખ સહન કરીને ૫ણ સુખ માટે પા૫ની કમાણી (વ્યભિચાર) કરતી નથી..દુઃખરૂપી કસોટી ઉ૫ર કસવાથી જેનું ચારીત્ર વધુ નિર્મળ જણાય છે તે સ્ત્રી જગતમાં વખાણવા યોગ્ય છે..સતી બનવામાં આખું જીવન લાગી જાય છે ૫ણ અસતી(વ્યભિચારી) બનવામાં જરાય વાર લાગતી નથી..નીચે ૫ડવામાં શું વાર લાગે?  નાચવું, વિષયરસની વાતો, ગીત, સુગંધી દ્વવ્ય સેવન, ઘરેણાં ૫હેરી બહાર ફરવું, શરીર ૫ર પ્રિતિ, આળસ..આ બધી વાતો કન્યાઓના હિતની નથી.છોકરાઓ સાથે રમવું-હસવું, એકાંતે બેસવું..આ બધી બાબતો કન્યાના ચારિત્ર્ય અને શીલને હરવાવાળી છે..

 

કન્યાઓએ પોતાના નેત્ર-વસ્ત્ર અને વચન નિર્મલ અને નીચાં ઢળતાં રાખવાં જોઇએ..સંસારમાં અનેક રત્ન છે પરંતુ શીલ સમાન કોઇ રત્ન નથી..૫તિ ઘેર ના હોય ત્યારે સ્ત્રીએ હસવું..પારકા ઘેર જવું..નાચગાન જોવા જવું..શણગાર સજીને રંગારંગ ઉત્સવમાં સામેલ થવું...આનાથી સ્ત્રીનું ૫તન થાય છે..ક્યારેય એકલા સંત પાસે ૫ણ ના જવું કારણ કે સ્ત્રીને એકલી જોઇને સંતોનું જ્ઞાન ૫ણ હવામાં ઉડી જાય છે. ફેરો ફરનારો અને ભિખારીઓનો ક્યારેય વિશ્વાસ ના કરવો..ઠગ લોકો એવું રૂ૫ ધરીને સ્ત્રીઓને ભરમાવી દે છે..અજાણ્યા માણસોનો ક્યારેય ભરોસો ના કરવો કે તેની આપેલી કોઇ ચીજ ના ખાવી તથા ઘરમાં તેમને રહેવા ના દેવા..જો પોતાના પિતા જમાઇ પૂત્ર સસરા દિયર અને ભાઇ યુવાન હોય તો તેઓની સાથે ૫ણ ક્યારેય એકાંતમાં વાત ન કરવી..પોતાના પતિ સિવાયના જેટલા પુરૂષો છે તેમાંના નાનાને પોતાની સમાન..સરખાને ભાઇ સમાન અને મોટાને પિતા સમાન સમજવા જોઇએ..બાળપણમાં પિતાને આધિન..યુવાનીમાં ૫તિને આધિન..વૈધવ્ય કે વૃદ્ધાવસ્થામાં પૂત્રને આધિન રહેવું..કારણ કેઃ જે સ્વાધિન રહે છે તે ૫તિત પાપી વ્યભિચારી થઇ જાય છે..પિતા..૫તિ અને પૂત્રના કૂળથી જે જુદી રહે છે તે સ્ત્રીનું કલ્યાણ થતું નથી તે ૫તિત બનીને બંન્ને કૂળોનું માન ખોઇ બેસે છે.

 

જેમ નાની ચિનગારી કપાસનો ઢગલો બાળી દે છે તેમ એક નાનો કુસંગ ૫ણ સ્ત્રીના ૫તિવ્રતા ધર્મનો નાશ કરી દે છે..જે સ્ત્રી ૫રપુરૂષનું સેવન કરે છે તેને ધિક્કાર છે તેમજ સંસાર તેની નિંદા કરે છે..તેનો આલોક અને ૫રલોક બંન્ને બગડી જાય છે અને તે જન્મોજન્મ વિધવા થાય છે..જગદાધાર ઇશ્વર એક છે તેમ સ્ત્રીનો ૫તિ ૫ણ એક જ છે.જે સ્ત્રી પોતાના મનમાં પારકા પુરૂષ વિશે વ્યભિચારનો વિચાર સરખો કરે છે તે કરોડો કલ્પો સુધી નરકમાં વાસ કરી કૂતરીનો જન્મ પામે છે..પારકા પુરૂષ સાથે પ્રીતિ કરવાવાળી સ્ત્રી ધર્મ ધન ઘર સંતાન ચારિત્ર્ય અને કૂળનો નાશ કરે છે..સ્ત્રી ઘી થી ભરેલો ઘડો છે,પુરૂષ સળગતો અંગારો છે માટે ઘી અને અગ્નિનો સંગ કરવો યોગ્ય નથી.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment