Saturday, 15 June 2024

ભીમાશંકર જ્યોર્તિલિંગની કથા

 

ભીમાશંકર જ્યોર્તિલિંગની કથા

ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન પણ છે.આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે.આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો.મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું.અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકર મંદિર અને ભીમારથી નદીનો ઉલ્લેખ જોવા મળે છે.અહીંના પટાંગણમાં રોમન શૈલીનો એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ આપ્યો હતો.ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે.કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી.બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા.દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી,તેમને પણ અહીં પુજવામાં આવે છે.ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે,આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે.આ સાથે અહીં સર્વતીર્થ,કુશારણ્ય તીર્થ અને જયકુંડ આવેલા છે.કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે.તે શિવના બાર જ્યોતીર્લિંગમાંનું એક છે.શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે.આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે.પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર,નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે.આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે. જંગલોની અવિરત હારમાળા,પર્વતના શિખરો,ભીમા નદીના પાણીનો ગણગણાટ આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે.

આપણા દેશમાં એવા ઘણા સ્થળો છે જ્યાં ગયા પછી જુદો જુદો ભાવ જાગૃત થાય છે.આજથી હજારો વર્ષો પહેલાં સહ્યાદ્રિ પર્વતની આજુબાજુના વિસ્તારમાં એક પ્રભાવશાળી,અતિશય ખુબસૂરત કર્કટી નામની રાક્ષસી રહેતી હતી.લોકો ઉપર તેનું વર્ચસ્વ હતું.સમાજમાં તેનું બહુમાન થતું હતું.લોકો તેનો પડ્યો બોલ ઝીલતા હતા.લોકો તેની સલાહ લેવા આવતા હતા.તેને એક નાનો હોશિયાર ચબરાક ભીમ નામનો પૂત્ર હતો.આપણી એવી સમજણ છે કે રાક્ષસ એટલે લાંબા દાંત,મોટા નખ,ભયંકર બિહામણો ચહેરો હોય પરંતુ આ સત્ય નથી.’’ખાઓ-પીવો અને મજા કરો..એવું ભોગવાદી જીવન જીવનાર,ભગવાનને ન માનનાર,ભોગોમાં જ રચ્યાપચ્યા રહેનારને રાક્ષસ કહેવામાં આવે છે.’’

એકવાર પોતાનો ભૂતકાળ યાદ આવતા વૃક્ષની પાછળ છુપાઇને કર્કટી રડી રહી હતી તે ભીમ જોઇ જાય છે.અનેકોનો આધાર મારી ર્માં નિરાધારની જેમ કેમ રડે છે? ત્યારે કર્કટી કહે છે કે બેટા મને મારો ભૂતકાળ યાદ આવતાં હૈયું ભરાઇ આવ્યું છે.ભીમ કહે છે કે ર્માં તને મારા બાપુજીની યાદ આવી? મને પણ યાદ આવે છે.તૂં મને બતાવ કે મારા પિતાજી કોન છે? ક્યાં રહે છે? તેમનું નામ શું છે? ભીમે જ્યારે બહુ જીદ કરી ત્યારે કર્કટી કહે છે કે તર્કટ-વિરાટ નામના શક્તિશાળી વીર સાથે ઠાઠમાઠથી મારૂં લગ્ન થયું. અમારા દિવસો ખુબ જ સુખમાં પસાર થતા હતા.એકવાર ઋષિમુનીઓ સાથે રામ આવ્યા અને મારા પતિ સાથે ખટપટ થતાં રામે મારા પતિને મારી નાખ્યા.વિરાટના મૃત્યુ સાથે જ મારૂં સંસારસુખ હણાઇ ગયું.મારા સ્વપ્નો વેરવિખેર થઇ ગયા.વિધવા દશામાં હું પિયર આવી.મારા માતાપિતા પણ દુઃખી થયા અને તેમને પણ બ્રાહ્મણો અને ઋષિઓ ઉપર નફરત ઉભી થઇ.તે સમયે ઋષિમુનીઓને માનનારો અગત્સ્યનો શિષ્ય સુતિક્ષ્ણ રાજા હતો.વેર લેવાની વૃત્તિથી મારા પિતા સુતિક્ષ્ણ પાસે ગયા,સંઘર્ષ થતાં તેને મારા પિતાને પણ  મારી નાખ્યા.

હું યુવાન,રૂપવતી,સુંદરતાની મૂર્તિ અને કડક સ્વભાવની હોવાથી આસપાસના લોકો મારાથી દબાયેલા રહેતા અને મારો આદર કરતા હતા.મારો હાથ પકડવાની કે મારી ઉપર ખરાબ નજર કરવાની કોઇ હિંમત નહોતું કરતું પરંતુ એક દિવસ એક યુવકે અજ્ઞાત સ્થાનમાં મારો હાથ પકડ્યો,અમારી ચાર આંખો એક થઇ.તે શૂરવીર હતો અને ઋષિમુનીઓનો કટ્ટર વિરોધી હતો.હું ખુબ ખુશ થઇ,અમારી વચ્ચે પ્રિત બંધાઇ અને અમે એકબીજા સાથે પરણવાનું વચન આપ્યું.અમારા દિવસો આનંદમાં જતા હતા,તે લંકાનો રાજકુંવાર કુંભકર્ણ હતો.તારો જનમ થાય ત્યાર પહેલાં જ તેમને લંકામાં જવું પડ્યું.મેં તેમની સાથે લંકા જવાની જીદ કરી ત્યારે તેણે કહ્યું કે મોટાભાઇને કહીને તને ઠાઠમાઠથી લઇ જઇશ.હું તેમની રાહ જોઇ રહી હતી ત્યારે જ મને સમાચાર મળ્યા કે રામ-રાવણના યુદ્ધમાં તારા પિતાજીને રામે હણી નાખ્યા છે.હવે તૂં જ એકમાત્ર સહારો છે એમ કહીને કર્કટી રડી પડે છે.ભીમના મનમાં ઋષિમુનિઓ વિરૂદ્ધ કર્કટીએ હળાહળ ઝેર રેડ્યું.ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને પોતાની ર્મા ઉપર થયેલ અન્યાયનો બદલો લેવા તે તૈયાર થયો.

તમામ હકીકત સાંભળીને ભીમ અત્યંત ક્રોધે ભરાયો અને તેણે ભગવાન વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું.આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી.કરૂણામય સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેની તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી અને આ શક્તિના જોરે ભીમાસુર બેફામ બન્યો. જેમને મારી ર્માં ને બે બે વાર વિધવા બનાવી,મારા પિતાને માર્યા તેમની સામે બદલો લઇશ.તેને ઇશ્વરવિમુખ સમાજ નિર્માણ કર્યો.ઋષિમુનિઓનો સંહાર કરતો ગયો.તે સમયે ફક્ત સુદક્ષિણ નામનો રાજા બાકી રહ્યો હતો તેને પકડીને સહ્યાદ્રિ પર્વત ઉપર કેદ કર્યો.મૂર્તિપૂજા બંધ થઇ.યજ્ઞો બંધ થયા.

થોડા સાત્વિક લોકો સહ્યાદ્રિ પર્વત ઉપર ભેગા થયા.આ કર્મયોગીઓની નિષ્ઠા જોઇ ભગવાને વિરાટ સ્વરૂપે તેમને દર્શન આપ્યા અને કહ્યું કે ડરો છો શા માટે? જગતમાંથી શ્રદ્ધા નિષ્ઠા અને મક્કમતા રાક્ષસોથી હટશે નહી માટે તમે લડવા જાઓ તમારી સાથે ઇશશક્તિ ઉભી છે.હુંકારમાંથી પ્રચંડ શક્તિ નિર્માણ થઇ તેઓના પરસેવા અને લોહીથી નદી વહેવા લાગી તે નદી એ જ ભીમાનદી.ભીમાનદીના કાંઠે સુદક્ષિણ અને ભીમાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ભીમાસુર મરાયો.સુદક્ષિણ રાજા બન્યો ત્યારે તેણે કહ્યું કે ભગવાન અમારૂં સદભાગ્ય કે આપના દર્શન થયા.અમારા કરતાં વધારે તપશ્ચર્યા કરનારને પણ આપનાં દર્શન થતા નથી પરંતુ અમોને દર્શન થયા તેનું કારણ ભીમ હતો તે વીર હતો તેને અને આ રાક્ષસોના સંહાર કરવા તમે આવ્યા તેમણે જે સત્યાનાશ કર્યો છે તેના પુનઃનિર્માણ કરવા, ભક્તોને સાંત્વના આપવા તમે અહી જ રહો.ભક્તોની ભક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તે રીતે શત્રુની પ્રચંડ શક્તિના લીધે ભગવાનને આવવું પડ્યું તેનું લોકોને સ્મરણ રહે તેથી ભીમનું નામ ભગવાન શિવના નામ સાથે જોડી દેવામાં આવ્યું તે ભીમાશંકર જ્યોર્તિલિંગ.

 

આલેખનઃ

શ્રી વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment