હિન્દુધર્મના
મહાન આઠ દાનવીરોની કથા ભાગ-૨
હિન્દુધર્મમાં દાનનું ઘણું જ મહત્વ બતાવવામાં આવ્યું છે.
હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો દૈત્યરાજ બલિ,મહર્ષિ દધીચિ,મહારાજ નૃગ,રાજા હરિશ્ચંદ્ર,રાજા
શિબિ,રાજા રઘુ,બર્બરીક અને દાનવીર કર્ણ
થઇ ગયા. અગાઉના
લેખમાં આપણે મહાન દાનવીર દૈત્યરાજ બલિ વિશે
જાણ્યું હતું.આજે મહર્ષિ દધીચિ,મહારાજ નૃગ,રાજા હરિશ્ચંદ્ર,રાજા શિબિ વિશે જાણીએ..
બ્રહ્મજ્ઞાનનું દાન આપનાર વ્યક્તિ સૌથી મોટી દાની
છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃ દાન-ભોગ અને
કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે.માણસે
પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં-પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં
કરવો જોઇએ.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો.
સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને ૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ
નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું.જીવનમાં
આ૫ણે જે કંઇ ખાધું-પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..?
તેનું જ મૂલ્ય છે.
જે વ્યક્તિ
આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
(ર) મહર્ષિ દધીચિ..મહર્ષિ અથર્વણના પૂત્ર તથા બ્રહ્માના પૌત્ર દધીચિએ દાનની
સર્વોત્તમ પરિભાષા સ્થાપિત કરી છે.તેઓ બ્રહ્મજ્ઞાની હતા.તે અહર્નિશ ભગવાનના ધ્યાનમાં
લાગેલા રહીને તપ કરતા હતા. એકવાર અશ્વિનીકુમારો તેમની પાસે બ્રહ્મવિદ્યાનું જ્ઞાન
પ્રાપ્ત કરવા માટે આવે છે.ઇન્દ્ર અશ્વિનીકુમારોને હીન સમજતા હતા એટલે તેમને પ્રતિજ્ઞા
કરી હતી કે જે કોઇ અશ્વિનીકુમારોને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપશે તેનું મસ્તક કાપી
નાખવામાં આવશે.ઇન્દ્રના ભયના કારણે તેમને કોઇ જ્ઞાનોપદેશ આપતું નહોતું પરંતુ તેમને
જ્યારે મહર્ષિ દધીચિ પાસે આવીને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવા વિનંતી કરી તો મહર્ષિ
તૈયાર થઇ ગયા. અશ્વિનીકુમાર એવું નહોતા ઇચ્છતા કે ઇન્દ્ર મહર્ષિનું મસ્તક કાપી
નાખે એટલે તેમને એક ઘોડાનું મસ્તક કાપી લાવી મહર્ષિના મસ્તકની જગ્યાએ લગાવી દીધું
અને તેમના મસ્તકને ઔષધિઓમાં રાખવામાં આવ્યું.હવે મહર્ષિ અશ્વમુખથી અશ્વિનીકુમારોને
બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવા લાગ્યા.જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી ત્યારે આવીને
અશ્વનું મસ્તક કાપીને લઇ જાય છે.અશ્વિનીકુમારોએ સુરક્ષિત રાખેલ મસ્તકને ફરીથી
મહર્ષિના ધડ ઉપર લગાવી દીધું.આમ ઇન્દ્રની નીચતાનો કોઇ પ્રભાવ દધિચી ઉપર ના પડ્યો
અને અશ્વિનીકુમારોને બ્રહ્મવિદ્યા મળી હતી.તેમને અનંતકાળ સુધી ભગવાન શિવનું તપ કરીને અથાહ પુણ્ય
ભેગું કર્યું હતું.
આ ઘટનાના થોડા સમય બાદ ત્વષ્ટાના અગ્નિકુંડમાંથી એક
વૃતાસુર નામના દૈત્ય પેદા થાય છે.તે પરાક્રમી હતો.તેને પોતાના પરાક્રમથી સ્વર્ગલોક
ઉપર અધિકાર પ્રાપ્ત કરી ઇન્દ્રને ભગાડી મુક્યો.જયારે વૃત્રાસુરનો અત્યાચાર વધી ગયો
ત્યારે તેનો વધ કરવા માટે દેવરાજ ઇન્દ્રને એક મહાન દિવ્ય અસ્ત્રની આવશ્યકતા હતી તે
સમયે બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીલોકમાં અંગિરા ગોત્રમાં જન્મેલા મહર્ષિ દધીચિના
હાડકામાં તેમના સંચિત પુણ્યોના કારણે એટલું બળ છે કે તેનાથી બનેલ અસ્ત્રથી
વૃત્તાસુરનો વધ થઇ શકશે.દેવરાજ ઇન્દ્રે ઘણા જ સંકોચ સાથે મહર્ષિ દધીચિને પોતાની
સમસ્યા બતાવી.તે સમયે દધીચિએ તત્કાળ પોતાના પ્રાણ ત્યાગ કરીને તેમના અસ્થિઓમાંથી
વિશ્વકર્માજીએ વજ્રનું નિર્માણ કર્યું જેનાથી દેવરાજ ઇન્દ્રે વૃત્તાસુરનો વધ કર્યો
હતો.આ ઘટના અમદાવાદમાં ઘટી હતી કે જ્યાં આશ્રમ
રોડ ઉપર આજે દધીચિ આશ્રમ છે ત્યાં તેમના આરાધ્ય દૂધાધારી મહાદેવનું મંદિર વિદ્યમાન
છે.દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે તેમની જન્મજયંતિ ઉજવાય છે.
(૩) મહારાજ નૃગ..મહારાજ નૃગ ભગવાન શ્રીરામના પૂર્વજ અને મહારાજ
ઇક્ષ્વાકુના પૂત્ર હતા.તેમની દાનવીરતા એવી હતી કે તે દરરોજ અનેક ગાયોનું દાન કરતા
હતા અને દાન કરતાં પહેલાં તમામ ગાયોના શિગડાને સોનાથી અને પગની ખરીઓને ચાંદીથી
શણગારતા હતા અને ગાય સાથે એક વાછરડાનું પણ દાન કરતા હતા.એકવાર તેમને એક બ્રાહ્મણને
જે ગાયનું દાન આપ્યું હતું તે ગાય પરત તેમની ગૌશાળામાં પરત આવી જાય છે.રાજા નૃગને
આ વાતની ખબર પડતી નથી તેથી તે ગાયને અન્ય બ્રાહ્મણને દાનમાં આપી દે છે.જ્યારે
પહેલા બ્રાહ્મણને આ વાતની જાણ થાય છે તો આ બંન્ને બ્રાહ્મણો વચ્ચે વિવાદ થાય
છે.બંન્ને બ્રાહ્મણો કહે છે કે આ ગામ મને દાનમાં મળી હતી.બંન્ને બ્રાહ્મણો ફરીયાદ
લઇને રાજા નૃગ પાસે જાય છે પરંતુ રાજા નૃગ રાજકાજમાં વ્યસ્ત હોવાથી તેઓને મળી શકતા
નથી એટલે બ્રાહ્મણો ક્રોધિત થઇને રાજા નૃગને પતન થવાનો શ્રાપ આપે છે પરીણામ સ્વરૂપ
તેમનો જન્મ પૃથ્વી ઉપર વર્ષો સુધી કાચિંડાના રૂપે થાય છે.દ્વાપરયુગમાં ભગવાન
શ્રીકૃષ્ણના હાથે તેઓ શ્રાપમુક્ત થાય છે.ભગવાન શ્રીરામે પોતાના સ્વમુખે રાજા નૃગની
દાનવીરતાની લક્ષ્મણ સમક્ષ ચર્ચા કરી હતી.
(૪) દાનવીર રાજા
હરિચંદ્ર..તેમને તો દાનની તમામ હદો પાર કરી દીધી હતી.તેઓ અયોધ્યાના સૂર્યવંશી ભગવાન
શ્રીરામના પૂર્વજ હતા.તેઓ રાજા ત્રિશંકુ અને સત્યવ્રતાના પૂત્ર હતા.તેમને સો રાણીઓ
હતી તેમાં મુખ્ય પટરાણી તારામતી હતા.સત્યની જ્યારે પણ ચર્ચા કરવામાં આવે છે ત્યારે
રાજા હરિચંદ્રનું નામ અવશ્ય લેવામાં આવે છે.તેમને દાનમાં પોતાનું સમગ્ર સામ્રાજ્ય
મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું હતું ત્યારબાદ મહર્ષિ વિશ્વામિત્રે દક્ષિણાના
રૂપમાં પાંચસો સોનામહોરો માંગી હતી.તેની વ્યવસ્થા કરવા માટે તેમને પોતાની જાતને
સ્મશાનમાં એક ચાંડાલને વેચીને ત્રણ સોનામહોરો મહર્ષિ વિશ્વામિત્રને દક્ષિણાના
રૂપમાં આપી હતી.ધર્મના માટે પોતાની પત્ની તારામતી અને પૂત્ર રોહિતનું પણ દાન કરી
દીધું હતું.જ્યારે તેમનો એકમાત્ર પૂત્ર રોહિતનું મૃત્યુ થાય છે ત્યારે તેમને
સત્યના માટે પોતાનો રસ્તો બદલ્યો નહોતો અને પોતાની પત્ની પાસે પોતાના જ પૂત્રના
અગ્નિસંસ્કાર કરવા માટે કર માંગ્યો હતો.પત્ની કરના પૈસા ક્યાંથી લાવે? ત્યારે તેમની પત્નીએ પોતાની સાડીનો અડધો ભાગ ફાડીને પોતાના
પતિને કરના રૂપમાં આપ્યો હતો.આ ઘટના પછી આકાશ માર્ગે દેવતાઓ આવીને તેમની ઉપર
પુષ્પવૃષ્ટિ કરી હતી અને મહર્ષિ વિશ્વામિત્રે તેમની તમામ સંપત્તિ પરત આપી દીધી
હતી.આ ઘટના પછી તેમનો યશ યુગો યુગો સુધી ફેલાયો હતો. સત્યની પરીક્ષા જરૂર થાય છે
પરંતુ અંતે તો ઇશ્વરની મદદથી સત્યની જ જીત થાય છે.
(૫) મહાન દાનવી૨
રાજા શિબિ ઉશીનર..યમુના નદીની બંન્ને તરફ જલા અને ઉપજલા નામની બે નદીઓ આવેલી છે
તેના કિનારે રાજા શિબિ ઉશીનરે યજ્ઞો કરીને ઇન્દ્રથી ઉંચુ સ્થાન પ્રાપ્ત કર્યું
હતું.એકવાર નૃપશ્રેષ્ઠ રાજા શિબિની પરીક્ષા કરવા દેવરાજ ઇન્દ્ર બાજ પક્ષી અને
અગ્નિદેવ કબૂતરનું રૂપ ધારણ કરીને તેમના યજ્ઞમંડપમાં જાય છે.પોતાની રક્ષા કરવા
રાજાનો આશ્રય લઇ કબૂતર આવીને તેમના ખોળામાં બેસી જાય છે.તે સમયે બાજ આવીને કહે છે
કે હે રાજન ! પૃથ્વી ઉપરના તમામ રાજાઓ આપને ધર્માત્મા કહે છે.કબૂતર મારો આહાર
છે.આપ ધર્મના લોભથી તેની રક્ષા ના કરો અને કબૂતરને મારા હવાલે કરી દો.
રાજા શિબિએ કહ્યું કે આ
કબૂતર તમારા ભયથી પોતાના પ્રાણ બચાવવા મારા શરણમાં આવ્યું છે તેનું રક્ષણ કરવું એ
મારો પરમ ધર્મ છે. બાજે કહ્યું કે મહારાજ ! તમામ પ્રાણીઓ આહારથી ઉત્પન્ન થાય છે, આહારથી તેમની વૃદ્ધિ થાય છે અને આહારથી જ જીવિત રહે છે.
પ્રજાનાથ ! આજે આપ મને ભોજનથી વંચિત કરશો તો મારૂં મૃત્યુ થશે.મારૂં મૃત્યુ થતાં
મારી પત્ની-પૂત્ર પરીવાર અસહાય થતાં નષ્ટ થશે.આમ આપ એક કબૂતરની રક્ષા કરીને ઘણા
બધા પ્રાણીઓની રક્ષા નથી કરી રહ્યા !
સત્ય પરાક્રમી નરેશ ! જે ધર્મ બીજા કોઇ ધર્મના માટે બાધક છે તે ધર્મ નહી પણ કુધર્મ
છે. જે બીજા કોઇપણ ધર્મનો વિરોધ ના કરીને પ્રતિષ્ઠિત થાય છે તે વાસ્તવિક ધર્મ
છે.ધર્મ અને અધર્મનો નિર્ણય કરતી વખતે પાપ અને પુણ્યની તરફ દ્રષ્ટિ રાખીને વિચાર
કરવો જોઇએ અને જેનાથી અધિક પુણ્ય થાય તે ધર્મને આચરણમાં લાવવો જોઇએ. રાજા
શિબિએ કહ્યું કે પક્ષીશ્રેષ્ઠ ! તમારી વાતો અત્યંત કલ્યાણમય ગુણોથી યુક્ત છે.તમે
ધર્મના જ્ઞાતા છો.તમે આ ઉદ્યોગ ફક્ત ભોજન પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છો તો
આહારનો પ્રબંધ તો અન્ય બીજી રીતે પણ થઇ શકે છે.તમે ઇચ્છો તેને તમારા ભોજન માટે
પ્રસ્તુત કરી શકું તેમ છું.
બાજે કહ્યું કે મહારાજ ! હું
અન્ય કોઇપણ પ્રાણીને આહાર નહી બનાવું.મારો આહાર ફક્ત કબૂતર છે તેને મારા હવાલે કરી
દો.રાજાએ કહ્યું કે હું શિબિદેશનું સમૃદ્ધશાળી રાજ્ય તને સોંપું છું પરંતુ મારા
શરણમાં આવેલ પક્ષીનો ત્યાગ કરી શકતો નથી.ત્યારે બાજ પક્ષી કહે છે કે જો આપનો આ
કબૂતર ઉપર સ્નેહ હોય અને તેને મારા હવાલે કરી શકો તેમ ના હોય તો તેના વજન બરાબર તમારૂં
માંસ કાપીને ત્રાજવામાં મૂકો જેનાથી મારી તૃપ્તિ થશે.ત્યારપછી પરમ ધર્મજ્ઞ રાજા શિબિએ
પોતાના શરીરનું માંસ કાપીને ત્રાજવામાં મુકવાનું શરૂ કર્યું પરંતુ બીજા ત્રાજવામાં
મુકેલ કબૂતર રાજાના માંસની સરખામણીએ વજનમાં ભારે નીકળ્યું ત્યારે મહારાજ શિબિએ
ફરીથી પોતાનું માંસ કાપીને ત્રાજવામાં મુક્યું આમ વારંવાર માંસ કાપીને મુકવા છતાં
કબૂતરના વજન બરાબર ના થતાં રાજા શિબિ પોતે ત્રાજવામાં બેસી ગયા.
આવું બન્યા પછી બાજ કહે છે
કે હે ધર્મજ્ઞ નરેશ ! હું ઇન્દ્ર છું અને આ કબૂતર અગ્નિદેવ છે.અમે બંન્ને આપના
ધર્મની પરીક્ષા કરવા માટે તમારી યજ્ઞશાળામાં આવ્યા હતા.આપે એક પક્ષીના માટે પોતાના
શરીરનું માંસ કાપીને આપ્યું આ આપની પ્રકાશમાન કીર્તિ યુગો સુધી રહેશે.ત્યારબાદ
ઇન્દ્ર અને અગ્નિદેવ દેવલોક ચાલ્યા ગયા અને ધર્માત્મા રાજા શિબિ સ્વર્ગલોકમાં જતા
પહેલાં દેવતાઓ પાસે વરદાન માંગ્યું કે જનમોજનમ અવધ
નગરીમાં જ મારો જન્મ થાય અને આજે મારી કસોટી કરી છે તેવી કસોટી કળિયુગમાં કોઇ
મનુષ્યની ના કરશો.(મહાભારતમાંથી સાભાર)
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
હરિશ્ચંદ્ર 147
દધીચિ 155
No comments:
Post a Comment