Wednesday 16 July 2014

અંતકાળમાં ભગવત્સ્મરણ



અંતકાળમાં ભગવત્સ્મરણ
અંતકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા ક્લેવરમ્ !
યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશયઃ !!   (શ્રીમદ ભગવદ્ ગીતાઃ૮/૫)
જે મનુષ્‍ય અંતકાળમાં મારૂં સ્મરણ કરતાં કરતાં શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂ૫ને જ પ્રાપ્‍ત થાય છે તેમાં કોઇ સંદેહ નથી.
પ્રથમ અંતકાલે ચ...એટલે કે અંતકાળમાં, એટલે કે મનુષ્‍યના મૃત્યુના સમયે,૫રંતુ મનુષ્‍યનું મૃત્યુ અથવા અંતકાળનો કોઇ નિશ્ચિત સમય નથી હોતો.
બીજું મામેવ સ્મરન્... એટલે કે મારૂં સ્મરણ અથવા પ્રભુનું ધ્યાન.અંતકાળમાં પ્રભુનું સ્મરણ ત્યારે જ થાય છે કે જ્યારે આ૫ણા જીવનમાં પ્રભુ સ્મરણનો અભ્યાસ હોય છે.
        રાવણ શત્રુતાના સબંધે..કંસ ભયના કારણે..વિભીષણ શરણાગતિના કારણે તથા ભક્ત હનુમાન શ્રદ્ધાથી હંમેશાં પ્રભુના નામને જ૫તા હતા,એટલે જ તો રાવણ અને કંસને ૫ણ અંતમાં મુક્તિ(પ્રભુના ધામની પ્રાપ્‍તિ) મળી હતી.
અજામિલ અંત સમયમાં નારાયણ..નારાયણ સ્મરણ કરતાં કરતાં વિષ્‍ણુલોકને પ્રાપ્‍ત થયા હતા.
!! અંત મતિ સો ગતિ !!
જ્યારે અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ થવા માટે મનુષ્‍યે શું કરવું જોઇએ..? તેનો ઉપાય બતાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે કેઃ
"તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ ૫ણ કર,આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ. "(ગીતાઃ૮/૭)
સ્મરણ ત્રણ જાતનું હોય છેઃ
(૧) બોધજન્યઃપોતાનું જે હોવાપણું છે તેને યાદ કરવું ૫ડતું નથી.પરંતુ શરીરની સાથે જે એકતા માની લીધી છે તે ભૂલ છે.બોધ થતાં તે ભૂલ દૂર થઇ જાય છે,પછી પોતાનું હોવાપણું સ્વતઃસિધ્ધ         રહે છે. બોધજન્ય સ્મરણ નિત્ય નિરંતર ચાલુ રહે છે તે કદિ નષ્‍ટ થતું નથી, કેમકેઃ આ સ્મરણ પોતાના નિત્ય સ્વરૂ૫નું છે.
(ર)સબંધજન્ય સ્મરણઃ જેને આપણે પોતે માની લઇએ છીએ તે સબંધજન્ય સ્મરણ છે.જેમકે શરીર આ૫ણું છે,સંસાર આ૫ણો છે-આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી,જ્યાં સુધી આ૫ણે "આ આપણું નથી" એવું નથી માની લેતા ૫રંતુ ભગવાન વાસ્તવમાં આપણા છે.આ૫ણે માનીએ કે ના માનીએ, જાનીએ કે ના જાનીએ, આ૫ણે દેખાય કે ના દેખાય તો ૫ણ આ૫ણા છે.આ૫ણે બધા તેમના અંશ છીએ,આ૫ણે તેમનાથી અલગ નથી.જ્યાં સુધી આ૫ણે શરીર સંસારની સાથે આ૫ણો સબંધ માનીએ છીએ ત્યાં સુધી ભગવાનનો આ વાસ્તવિક સબંધ સ્પષ્‍ટ થતો નથી.
(૩) ક્રિયાજન્ય સ્મરણઃ ક્રિયાજન્ય સ્મરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો ૫ણ પોતાના બંન્ને હાથોને છુટા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે છે,તેવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ અભ્યાસજન્ય સ્મરણ છે,આ અભ્યાસજન્ય સ્મરણના પણ ત્રણ પ્રકાર છે..
Ø  સંસારનું કાર્ય કરતા રહીને ભગવાનને યાદ રાખવા..
Ø  ભગવાનને યાદ રાખતા રહીને સંસારનાં કાર્યો કરવાં..
Ø  કાર્યને ભગવાનનું જ સમજવું...
ભગવાન કહે છે કેઃતમામ સમયે મને જ યાદ કર,કારણ કેઃ આ જીવનનું કોઇ ઠેકાણું નથી,એટલા માટે હે અર્જુન..! યુધ્ધ કરો અને મને યાદ ૫ણ કરતા રહો.
        ભગવાન શ્રીકૃષ્‍ણએ અર્જુનને માધ્યમ બનાવીને સંપૂર્ણ માનવતાને સંદેશ આપ્‍યો છે કેઃ હે માનવો ! તમે મારૂં સ્મરણ કરતાં કરતાં યુધ્ધ કરો એટલે કેઃ કામ..ક્રોધ..લોભ..મોહ..રાગ-દ્રેષ..ઇર્ષા..ઘૃણા સાથે યુધ્ધ કરો.આ તમામ વિકારોને જીતો.મન અને બુધ્ધિને મારામાં લગાડીને મારા બતાવેલા રસ્તા ઉ૫ર ચાલો. આમ કરશો તો તમો મને પ્રાપ્‍ત થશો.
        હવે શ્રી ભગવાનનો આદેશ પ્રયાણકાળનો છે.જો અંતકાળ સન્નિક્ટ આવી જાય તો શું કરવું જોઇએ? "ભક્તિયુક્ત માણસ અંત સમયે નિશ્ચળ મનથી અને યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્‍ટ કરીને (શરીર છોડવાથી)  સ્મરતો સ્મરતો તે ૫રમ દિવ્ય પુરૂષને જ પ્રાપ્‍ત થાય છે. "(ગીતાઃ૮/૧૦)
        ગીતામાં ભગવાન કહે છે કેઃ તમામ ઇન્દ્રિયોને જેના દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે તેને રોકીને સંયમ કરી લેવો,તેનાથી ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહેશે અને મનને હ્રદયમાં રોકી લેવું એટલે કેઃ મનને વિષયોની તરફ ન જવા દેવું..તેનાથી મન હ્રદયમાં રહેશે..ત્યારબાદ પ્રાણોને મસ્તકમાં ધારણ કરી લેવા એટલે કેઃપ્રાણોને દશમા દ્વાર(બ્રહ્મરંધ)માં રોકી લેવા.મનમાં સંકલ્પ-વિકલ્પ ન કરવા..પ્રાણો ઉપર અધિકાર પ્રાપ્‍ત કરી લેવો. આ જ "યોગ ધારણા" છે.
મહાભારતના શાંતિ૫ર્વમાં ભગવાને કહ્યું છે કે...
મારા ધ્યાનના માટે મન અને વાણીના અહંકારનો ત્યાગ કરી ભક્તિભાવથી સ્મરણ કરતો સાધક જ્ઞાનાનંદથી તૃપ્‍ત તથા નિષ્‍કામ બની જાય છે તથા પોતાના અંતઃકરણમાં એક પ્રભુ ૫રમાત્માને સ્થિત જાણીને અવ્યયસ્વરૂ૫ બની જાય છે,પછી તેને આ સંસારમાં પાછું આવવું ૫ડતું નથી,તે તૃષ્‍ણાથી રહિત થઇ મોક્ષને પ્રાપ્‍ત કરે છે...
અંતકાલિન ચિંતન અને તેના અનુસાર ગતિને એક દ્રષ્‍ટાંત દ્વારા સમજી લઇ શકાય છેઃ
એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને                  (કે કદાચ ફોટામાં એવું ન આવી જાય) તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી..
        આ જ રીતે અંતકાળમાં મનુષ્‍યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્‍ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્‍યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્‍ન જુવે છે અને તેના સ્વપ્‍ન જેવું જ મરણ હોય છે, એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્‍યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કેઃમૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે,કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે. " વાસુદેવઃસર્વમ્"
સંત કવિ તુલસીદાસજીએ રામચરીત માનસના કિષ્‍ક્રિન્ધાકાંડમાં કહ્યું છે કેઃ
" જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંત રામ કહિ આવત નાહિ"
તુલસીદાસજી મહારાજની વાત સત્ય છે.અંતકાળમાં મનુષ્‍ય એટલો થાકી જાય છે એટલો બેસુધ બની જાય છે કેઃ તેને ધ્યાન રહેતું જ નથી કે હું ક્યાં છું અને શું કરી રહ્યો છું.વાત કફ અને પિત્તથી તે શિથિલ થઇ જાય છે તે અચેત અવસ્થામાં સરી ૫ડે છે.બોલી શકતો નથી.ત્યાં સુધી કે તે કંઇક કહેવા ઇચ્છે છે,પરંતુ હાથ ૫ણ ઉઠાવી શકતો નથી.આવી ગંભીર અચેતન અવસ્થામાં તે મન,વચન,કર્મથી ભગવાનનું સુમિરણ,ધ્યાન, ચિંતન કરી શકતો નથી.જો મનુષ્‍યએ જીવનભર નામ સુમિરણનો અભ્યાસ કર્યો હોય,પરંતુ સંજોગોવશાત્  વાત,કફ,પિત્તના કારણે અંત સમયે ભગવાનનું નામ લઇ શકે તેમ ના હોય તો તે ભક્તના બદલે ભગવાન કહે છે કેઃ હું નામ લઇશ,ફક્ત નામ જ નહી લઉં,પરંતુ હું તે જીવનભર નામ સુમિરણ કરનારને ૫રમગતિ પ્રદાન કરૂં છું.
ભગવાનની એક વિશેષ છુટ છે કેઃ અંતકાળમાં મનુષ્‍યની જેવી મતિ હોય છે તેવી જ ગતિ થાય છે. ભગવાને આ નિયમમાં દયાથી ભરેલી એક વિલક્ષણ વાત બતાવી છે કેઃઅંતિમ ચિંતન અનુસાર મનુષ્‍યને તે યોનિની પ્રાપ્‍તિ થાય છે.૫રમ દયાળું ભગવાને પોતાના માટે કોઇ વિશેષ નિયમ બનાવ્યો નથી,પરંતુ સામાન્ય નિયમમાં પોતાને સામેલ કરી લીધા છે.ભગવાનની દયાની વિલક્ષણતા છે કેઃજેટલા મૂલ્યમાં કૂતરાની યોનિ મળે એટલા જ મૂલ્યમાં ભગવાન મળી જાય છે.
        અંતકાળે જે કોઇનું ચિંતન થાય છે તેના અનુસાર જ જન્મ લેવો ૫ડે છે,૫રંતુ એનું તાત્પર્ય એ નથી કેઃમકાનને યાદ કરતા રહીને શરીર છોડવાથી મકાન બની જશે..ધનને યાદ કરવાથી ધન બની જશે..૫રંતુ મકાનનું ચિંતન થવાથી જીવાત્મા તે મકાનમાં ઉંદર..ગરોડી..વગેરે બની જશે અને ધનનું ચિંતન કરવાથી તે સા૫ બની જશે..તાત્પર્ય એ થયું કેઃઅંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓના માટે જ છે,નિર્જીવ(જડ) પદાર્થોના માટે નથી.આથી જડ ૫દાર્થોનું ચિંતન થવાથી તે તેમનાથી સબંધિત કોઇ સજીવ પ્રાણી બની જશે.મનુષ્‍યેત્તર(૫શુ..૫ક્ષી..વગેરે) પ્રાણીઓને પોત પોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળના સ્મરણનો કાયદો બધી જગ્યાએ લાગુ ૫ડે છે,પરંતુ મનુષ્‍ય શરીરમાં એ વિશેષતા છે કેઃતેનું અંતકાળનું સ્મરણ કર્મોના આધિન નથી,૫રંતુ પુરૂષાર્થને આધિન છે.પુરૂષાર્થમાં મનુષ્‍ય સ્વતંત્ર છે તેથી જ તો અન્ય યોનિઓ કરતાં તેનો અધિક મહિમા છે..

ભગવાને મનુષ્‍યને સાધન ભક્તિ કરીને પોતાનો ઉધ્ધાર કરવાનો અવસર આપ્‍યો છે,પરંતુ તેને કંઇ કર્યું જ નહી.હવે બિચારો આ મનુષ્‍ય અંતકાળમાં બીજું સાધન કરવામાં અસમર્થ છે,એટલા માટે બસ પરમાત્માને યાદ કરી લે તો તેને પરમાત્માની પ્રાપ્‍તિ થઇ જાય છે.સાંભળવા,સમજવા અને માનવામાં જે કંઇ આવે છે તે બધુ પરમાત્માનું જ સમગ્ર રૂ૫ છે,આથી જે તેને ૫રમાત્માનું જ સ્વરૂ૫ માનશે તેને અંતકાળમાં ૫ણ પરમાત્માનું જ ચિંતન થશે અને ૫રમાત્માનું ચિંતન થવાથી તેને ૫રમાત્માની જ પ્રાપ્‍તિ થશે..
        ભગવાને અહી એક વિશેષ છુટ આપી છે કેઃ મરણાસન્ન વ્યક્તિના ગમે તેવા આચરણ રહ્યા હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ જાય છે.દરેક મનુષ્‍યના માટે સાવધાન થવાની જરૂર છે કે તે પ્રત્યેક ક્ષણે ભગવાનનું સુમિરણ કરે..એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે,કેમ કેઃ અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી જશે.વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે.એવું કાંઇ નક્કી નથી કે આટલા વર્ષો,આટલા મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે.મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે,આથી પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.
        કોઇપણ બિમાર મરણાસન્ન વ્યક્તિ હોય તો તેના ઇષ્‍ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ.જેવી જેની ઉપાસના હોય અને જે ભગવાનમાં તેની રૂચી હોય,જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને સંભળાવવું જોઇએ.જે સ્વરૂ૫માં તેની શ્રધ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી જોઇએ.જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કિર્તન કરવું જોઇએ,જેથી તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુ મંડળ બનેલું રહે.ભગવત્સબંધી વાયુ મંડળ રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી.ભગવાનની યાદ આવવાથી "હું શરીર છું" અને શરીર "મારૂં" છે તેની યાદ રહેતી નથી,ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્‍તિ થઇ જાય છે.
        મૃત્યુ અવશ્યમ્ભાવી છે તેને રોકી શકાતું નથી,પરંતુ મંગલમય બનાવી શકાય છે.આ વાતને સમજાવતાં મહા મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને કહે છે કેઃ "હે રાજન ! પોતાના કલ્યાણના સાધન તરફ અસાવધાન રહેનાર પુરૂષ વર્ષો લાંબી આયુષ્‍યને અનજાણમાં જ વ્યર્થ ગુમાવી દે છે તેનાથી શું લાભ..? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલ ઘડી બે ઘડી ૫ણ શ્રેષ્‍ઠ છે કારણ કેઃ તેના દ્વારા પોતાના કલ્યાણની ચેષ્‍ટા કરી શકાય છે.રાજર્ષિ ખટવાંગ પોતાના આયુષ્‍યની સમાપ્‍તિનો સમય જાણીને બે ઘડીમાં જ સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાનના અભય ૫દને પ્રાપ્‍ત થઇ ગયા હતા.
મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહે છે કેઃ
"મૃત્યુનો સમય આવતાં મનુષ્‍યએ ગભરાવવું જોઇએ નહી.તેમને વૈરાગ્યના શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા તોડી નાખવી.સદગુરૂએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરૂમંત્રનું નિરંતર સુમિરણ કરવું.પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ સુમિરણને ન ભુલવું.બુધ્ધિની સહાયતાથી મનના દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષય વાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કેઃ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય. "
ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છે કેઃતમો પોતાના વૈભવ વિલાસને,ઘર પરીવારને તથા સગાં સબંધીઓને અંતકાળે યાદ ના કરતાં ફક્ત મને જ યાદ કરો.મારૂં જ સુમિરણ,ધ્યાન,ચિંતન કરો જેનાથી તમે મારામાં જ ભળી જશો.
અંતકાળમાં ભગવાનની સ્મૃતિ બનેલી રહે તેના માટે ભગવાનના નામનું સુમિરણ..ભગવાનની લીલાઓનું ચિંતન..ભગવાનની કથાનું શ્રવણ..સંતમહાપુરૂષોનો સત્સંગ કરવો જોઇએ.જે ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તેના માટે અંતકાળમાં ભગવાનની સ્મૃતિ સુલભ બની જાય છે કારણ કે ભગવાને આશ્વાસન આપ્‍યું છે કે જે જીવનભર મારૂં ચિન્તન કરે છે તેને કદાચ અંતકાળમાં કંઠ રૂધાઇ જતાં પ્રભુ નામ સુમિરણ ના થઇ શકે તેવા સમયે હું તેમનું સ્મરણ કરૂં છું.આમ અંતિમ સમયની સ્મૃતિ પુરૂષાર્થસાધ્ય નહીં ૫રંતુ ભગવત્કૃપાસાધ્ય છે અને આ ભગવત્કૃપા શરણાગત ભક્તના માટે સહજ સુલભ છે,એટલે જન્મ-મરણના બંધનથી છુટવા ભગવાનની શરણાગતિ અને ભગવાનના નામનું સતત સુમિરણ એકમાત્ર ઉપાય છે...
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
"પૂત્ર પૂત્રી સગાં સબંધી, ઢળતી એ તો છાયા છે,
ધન ધાન્યને સુંદર મહેલો, આ બધી માયા છે.
સૌને એકદિન જાવાનું છે, જગમાં જે કોઇ આવ્યો છે,
જે શ્વાસને તૂં તારા સમજે, એ ૫ણ માલ ૫રાયો છે.
એકવાર જોઇ આ પ્રભુને, જેને ૫ણ ગુણ ગાયા છે,
કહે "અવતાર" કદિ૫ણ એ નર, યોનિઓમાં ના આવ્યો છે.. "(અવતારવાણીઃ૧૬૩)



સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com
From: Kalyan: 14/6/88/2014


 ˜ 

Saturday 5 July 2014

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર



દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર
ત્રણ લોકમાં ભ્રમણ કરનારા નારદજી દેવતાઓ, સંત-મહાત્માઓ અને જનમાનસ સાથે સીધો સંવાદ કરતા હતા. સુખ દુ:ખ જાણીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. આ જ કારણને લીધે તેઓ દેવ અને દાનવ બંનેમાં લોકપ્રિય હતા. એમને સૃષ્ટિના પ્રથમ સંવાહક અથવા તો સંવાદદાતા પણ કહેવામાં આવે છે.
પુરાણો અનુસાર દેવર્ષિ‌નું પદ મળ્યું હોય એવા ભારતીય ઋષિઓમાં એકમાત્ર વ્યક્તિ નારદમુનિ હતા. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ નારદજી દેવી-દેવતાઓમાં સંવાદનું માધ્યમ બન્યા હતા. હંમેશાં સજાગ રહેનારા નારદમુનિ બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનત અને સનાતન કરતાં નાના હતા. બ્રહ્માજી પાસેથી મળેલા વરદાન અનુસાર આકાશ, પાતાળ અને પૃથ્વી એમ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હતા
Ø      ભક્તિ ઈશ્વરના પ્રતિ પરમ પ્રેમરૂપા છે અને અમૃતસ્વરૂપા પણ છે.જેને મેળવીને મનુષ્ય સિધ્ધ તથા અમર થઇ જાય છે અને તૃપ્ત થઇ જાય છે. જેની પ્રાપ્તિ થવાથી મનુષ્ય ન કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, ન શોક કરે છે, ન દ્વેષ કરે છે, ન કોઇ વસ્તુમાં આસક્ત થાય છે, અને ન તો તેને ઉત્સાહ (વિષય ભોગોની પ્રાપ્તિમાં) થાય છે.જે પરમ પ્રેમરૂપા ભક્તિને જાણીને જ મનુષ્ય ઉત્તમ થઇ જાય છે, સ્તબ્ધ (શાંત) થઇ જાય છે અને આત્મારામ બની જાય છે.તે (ભક્તિ) કામના યુક્ત નથી,કારણ કે તે ભક્તિ નિરોધસ્વરૂપા છે. લૌકિક અને વૈદિક (સમસ્ત) કર્મોંના ત્યાગને નિરોધ કહેવાય છે.તે પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને એની પ્રતિકૂળ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહેવાય છે.આપણા પ્રિયતમ ભગવાનને છોડીને બીજા આશ્રયોનો ત્યાગનું નામ અનન્યતા છે.
Ø      લૌકિક અને વૈદિક કર્મોંમા ભગવાનને અનુકૂળ કર્મ કરવું એજ એની પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા છે. વિધિ-નિષેધથી અતિત અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં દ્રઢ઼ નિશ્ચય કર્યા પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઇએ એટલે કે ભગવદાનુકૂળ શાસ્ત્રોક્ત કર્મ કરવા જોઇએ નહીં તો પડી જવાની સમ્ભાવના છે.લૌકિક કર્મોંને પણ ત્યાં સુધી બાહ્યજ્ઞાન રહેવા સુધી વિધિપૂર્વક કરવા જોઇએ.
Ø      પરાશરનન્દન શ્રીવ્યાસજીના મતાનુસાર ભગવાનની પૂજા આદીમાં અનુરાગ થવો એ ભક્તિ છે.
Ø      શ્રીગર્ગાચાર્યના મતમાં ભગવાનની કથા વગેરેમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
Ø      શાણ્ડિલ્ય ઋષિના મતાનુસાર આત્મરતિનાં અવરોધી વિષયોમાં અનુરાગ થવો એજ ભક્તિ છે,પરંતુ દેવર્ષિ નારદનાં મતમાં આપણા બધા કર્મોંને ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું થોડું પણ વિસ્મરણ થવાથી થતી પરમ વ્યાકુળતા એજ ભક્તિ છે.જેમકે વ્રજગોપીયોંની ભક્તિ.ગોપી પ્રેમમાં માહાત્મ્ય જ્ઞાન (પરમાર્થ જ્ઞાન)નો અપવાદ ન હતો.ભગવાનને ભગવાન જાણ્યા વિના કરવામાં આવેલ પ્રેમ, જારની (પ્રેમની) સમાન છે.એમાં (જાર પ્રેમમાં) પ્રિયતમના સુખથી, એ સુખ (પરમાર્થ સુખ) નથી.(૧)
Ø      પ્રેમરૂપા ભક્તિ તો કર્મ, જ્ઞાન, અને યોગથી પણ શ્રેષ્ઠતર છે કારણ કે (એ ભક્તિ) ફલરૂપા છે. ઈશ્વરનો પણ અભિમાનથી દ્વેષભાવ છે તથા દૈન્યથી (દીનથી) પ્રિયભાવ છે.ભક્તિનું સાધન જ્ઞાન જ છે, આચાર્યોનો આ મત છે.બીજા (આચાર્યો) નો મત છે કે ભક્તિ અને જ્ઞાન પરસ્પર એકબીજાને આશ્રિત (આધારિત) છે.
Ø      સનત્કુમાર વગેરે અને નારદજીના મતાનુસાર ભક્તિ સ્વયં ફલરૂપા છે.
Ø      રાજગૃહ અને ભોજનાદિમાં પણ એવું જ જોવા મળે છે. (ભૂખ દૂર કરવાની ઇચ્છા કોઇ નથી કરતું, ભોજન કરવાની ઇચ્છા કરે છે ન તો એનાથી (જાણવા માત્રથી) પ્રસન્નતા થશે, ન તો એની (આત્માની) ક્ષુધા (ભૂખ) મટશે તેથી (સંસારના બંધનોથી) મુક્ત થવાની ઇચ્છા રાખનાર લોકોએ ભક્તિ જ ગ્રહણ કરવી જોઇએ.(ર)
Ø      ભક્તિ સાધન વિષયત્યાગ અને સંગત્યાગથી સમ્પન્ન હોય છે.અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
Ø      લોકસમાજમાં પણ ભગવદ ગુણ-શ્રવણ (ભક્તિનું સાધન) અને કીર્તનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.પ્રેમભક્તિની પ્રાપ્તિનું સાધન મુખ્યતા મહાપુરુષોની કૃપાથી અથવા ભગવદ કૃપાના લેશ માત્રથી (પ્રાપ્ત) થાય છે,પરંતુ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે.ભગવાનની કૃપાથી જ (મહાપુરુષોનો) સંગ પણ મળે છે,કારણ કે ભગવાનમાં અને ભક્તમાં ભેદનો અભાવ હોય છે,એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ ભેદ હોતો નથી તેથી મહાપુરુષોના સંગની જ સાધના કરો, એની જ સાધના કરો..દુસંગનો સર્વદા (હંમેશા) જ ત્યાગ કરો,કારણ કે તે (દુસંગ) કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ (યાદ શક્તિનો નાશ), બુધ્ધિનાશ તથા સર્વનાશનું કારણ છે.આ (કામ, ક્રોધ, મોહ આદિ) પહેલા તરંગની જેમ આવી સમુદ્રનો આકાર લઇ લે છે. (તથા ખુબજ જલદી મનને ઘેરી લે છે.)
Ø      કોણ તરે છે? માયાથી કોણ તરે છે? એટલે કે આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી કોણ તરી જાય છે ? તેનો જવાબ છે કે જે બધા સંગોનો પરિત્યાગ કરે છે, જે મહાનુભાવોની સેવા કરે છે, અને જે મમતા રહિત હોય છે.
Ø      જે નિર્જન સ્થાન પર નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે ત્રણે ગુણોથી પાર થઇ જાય છે, તથા જે યોગ અને ક્ષેમનો પરિત્યાગ કરી દે છે. (જે પ્રાપ્ત ન થાય એની પ્રાપ્તિને યોગ અને જે પ્રાપ્ત થાય તેના સંરક્ષણને ક્ષેમ કહેવાય, અર્થાત્ ન કશું મેળવવાની ઇચ્છા, ન કશું બચાવવાની ઇચ્છા) જે કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મોનો પણ ત્યાગ કરે છે અને ત્યારે બધુ જ ત્યાગ કરીને જે નિદ્વંદ્વ થઇ જાય છે.
Ø      જે વેદોનો પણ ભલીભાઁતિ પરિત્યાગ કરી દે છે, અને અખંડ, અસીમ ભગવત પ્રેમ પ્રાપ્ત કરી લે છે તે તરે છે (આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી), તે તરે છે, તથા લોકોને પણ પાર (કિનારે) લઇ જાય છે.(૩)
Ø      ગૂંગાના સ્વાદની જેમ પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય (કહી નહી શકાય તેવુ) છે.ગૂંગાના સ્વાદની જેમ.
Ø      કોઇ યોગ્ય પાત્રમાં (પ્રેમી ભક્તમાં) આવો પ્રેમ પ્રગટ પણ થાય છે.પરમ પ્રેમરૂપા ભક્તિ ગુણ રહિત છે, કામના રહિત છે, પ્રતિ ક્ષણ વધતી જાય છે, વિચ્છેદ રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.
Ø      પરમ પ્રેમરૂપા ભક્તિને મેળવીને પ્રેમી ભક્ત આ પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, અને પ્રેમનું જ હંમેશા ચિંતન કરે છે.
Ø      ગૌણી ભક્તિ ગુણભેદથી અથવા આર્તાદિભેદથી ત્રણ પ્રકારની હોય છે. (તામસી એટલે કે દંભી, રાજસી એટલે કે કંઇક મેળવવા માટે તથા સાત્વિકી એટલે કે ચિત્ત શુધ્ધ કરવા માટે એમ ત્રણ પ્રકારની ભક્તિ હોય છે.) (આર્તભક્તિ જગત ભોગથી મુક્તિ માટે, અર્થાત્ પ્રભુ પ્રાપ્તિ માટે કે જેમા જિજ્ઞાસુ પ્રભુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા-સંયમની સ્થિતિ થી વૈરાગ્ય સુધી પહોંચે છે.એમાં પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ, ઉત્તર-ઉત્તર ક્રમની ભક્તિ કરતા કલ્યાણકારિણી હોય છે.(સાત્વિક રાગસિકથી કલ્યાણકારિણી ઇત્યાદિ)અન્ય બધાની અપેક્ષા ભક્તિ સુલભ છે. કારણ કે ભક્તિ સ્વયં પ્રમાણરૂપ છે, તેથી અન્ય પ્રમાણની આવશ્યકતા નથી.
Ø      ભક્તિ શાંતિરૂપા અને પરમાનન્દરૂપા છે.લોકહાનિની ચિંતા ભક્તોએ નહીં કરવી જોઇએ, કારણ કે ભક્તે પોતાને તથા લૌકિક અને વૈદિક (બધા પ્રકારના) કર્મોને ભગવાનને અર્પણ કરી દીધા છે,પરંતુ જ્યાર સુધી ભક્તિમાં સિદ્ધિ ન મળે ત્યાં સુધી લોકવ્યવહારનો ત્યાગ નહી કરવો જોઇએ,પરંતુ કર્મોના ફળ ત્યાગ કરીને (નિષ્કામ ભાવથી) એ ભક્તિનું સાધન કરવું જોઇએ.
Ø      स्त्रिधननास्तिकचरित्रं न श्रवणीयम् ॥ સ્ત્રી, ધન, નાસ્તિક, અને વેરીનું ચરિત્ર નહી સાંભળવું જોઇએ.
Ø      અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ.
Ø      બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે પણ ભગવાનના પ્રતિ જ કરવા જોઇએ.
Ø      ત્રણ રૂપોનો (સ્વામી, સેવક, અને સેવા અથવા પ્રિયતમ, પ્રિયતમા અને પ્રેમ) ભંગ કરી નિત્ય દાસ ભક્તિથી અથવા નિત્ય કાંતા ભક્તિથી પ્રેમ જ કરવો જોઇએ, પ્રેમ જ કરવો જોઇએ.(૪)
Ø      એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (એકાંત જેનો પ્રેમ ફક્ત ભગવાન માટે હોય.)આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે,કારણ કે તે તન્મય છે. (આવા ભક્તમાં પ્રભુનાં ગુણ પરિલક્ષિત થવા લાગે છે.)(આવા ભક્તના આવિર્ભાવ જોઇને) પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી,કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે.
Ø      ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ,કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.) (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.
Ø      સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.
Ø      પ્રેમા ભક્તિના સાધકે અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.
Ø      દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.
Ø      ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.
Ø      આ પ્રેમારૂપ ભક્તિ એક હોવા છતાંય...(૧) ગુણમાહાત્મ્યાસક્તિ જગતને ભગવાનનું પ્રકટ માની તેના પર આસક્તિ...(૨) રૂપાસક્તિ ઇન્દ્રિયાતીત, ચૈતન્ય સ્વરૂપ, આનંદપ્રદ, સત્ રૂપમાં આસક્તિ...(૩) પૂજાસક્તિ ભગવાનની પૂજા કરવામાં આસક્તિ...(૪) સ્મરણાસક્તિ ભગવાનનું સદા સ્મરણ કરવામાં આસક્તિ...(૫) દાસ્યાસક્તિ સ્વયંને પ્રભુનો દાસ માની તેના પર આસક્તિ...(૬) સખ્યાસક્તિ પ્રભુ બધાનો મિત્ર છે એમ માની તેના પર આસક્તિ (૭) કાંતાસક્તિ એક પ્રભુ જ પુરુષ છે, બાકી બધા પ્રિયતમા છે. એવું માનવું...(૮) વાત્સલ્યાસક્તિ પ્રભુને સંતાન માનવું ૯) આત્મનિવેદનાસક્તિ પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દેવામાં આસક્તિ...(૧૦) તન્મયતાસક્તિ પ્રભુમાં તન્મય, તેમની સાથે અભિન્નતા... (૧૧) પરમવિરહાસક્તિ પ્રભુથી વિયોગનો અનુભવ કરીને, પુનઃ મિલનની તડપના પ્રતિ આસક્તિ.....એમ અગિયાર પ્રકારની હોય છે.
Ø      કુમાર (સનત્કુમારાદિ), વેદવ્યાસ, શુક્રદેવ, શાણ્ડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરૂણિ, બલિ, હનુમાન, વિભીષણ, આદિ ભક્તિતત્વના આચાર્યગણ લોકોની નિન્દા-સ્તુતિનો કોઇ પણ ભય કર્યા વિના એકમતથી એવું જ કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.(૫)
Ø       


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com