Saturday, 5 July 2014

દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર



દેવર્ષિ નારદ ભક્તિ સૂત્ર
ત્રણ લોકમાં ભ્રમણ કરનારા નારદજી દેવતાઓ, સંત-મહાત્માઓ અને જનમાનસ સાથે સીધો સંવાદ કરતા હતા. સુખ દુ:ખ જાણીને સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. આ જ કારણને લીધે તેઓ દેવ અને દાનવ બંનેમાં લોકપ્રિય હતા. એમને સૃષ્ટિના પ્રથમ સંવાહક અથવા તો સંવાદદાતા પણ કહેવામાં આવે છે.
પુરાણો અનુસાર દેવર્ષિ‌નું પદ મળ્યું હોય એવા ભારતીય ઋષિઓમાં એકમાત્ર વ્યક્તિ નારદમુનિ હતા. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ નારદજી દેવી-દેવતાઓમાં સંવાદનું માધ્યમ બન્યા હતા. હંમેશાં સજાગ રહેનારા નારદમુનિ બ્રહ્માજીના માનસ પુત્રો સનક, સનંદન, સનત અને સનાતન કરતાં નાના હતા. બ્રહ્માજી પાસેથી મળેલા વરદાન અનુસાર આકાશ, પાતાળ અને પૃથ્વી એમ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હતા
Ø      ભક્તિ ઈશ્વરના પ્રતિ પરમ પ્રેમરૂપા છે અને અમૃતસ્વરૂપા પણ છે.જેને મેળવીને મનુષ્ય સિધ્ધ તથા અમર થઇ જાય છે અને તૃપ્ત થઇ જાય છે. જેની પ્રાપ્તિ થવાથી મનુષ્ય ન કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, ન શોક કરે છે, ન દ્વેષ કરે છે, ન કોઇ વસ્તુમાં આસક્ત થાય છે, અને ન તો તેને ઉત્સાહ (વિષય ભોગોની પ્રાપ્તિમાં) થાય છે.જે પરમ પ્રેમરૂપા ભક્તિને જાણીને જ મનુષ્ય ઉત્તમ થઇ જાય છે, સ્તબ્ધ (શાંત) થઇ જાય છે અને આત્મારામ બની જાય છે.તે (ભક્તિ) કામના યુક્ત નથી,કારણ કે તે ભક્તિ નિરોધસ્વરૂપા છે. લૌકિક અને વૈદિક (સમસ્ત) કર્મોંના ત્યાગને નિરોધ કહેવાય છે.તે પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને એની પ્રતિકૂળ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહેવાય છે.આપણા પ્રિયતમ ભગવાનને છોડીને બીજા આશ્રયોનો ત્યાગનું નામ અનન્યતા છે.
Ø      લૌકિક અને વૈદિક કર્મોંમા ભગવાનને અનુકૂળ કર્મ કરવું એજ એની પ્રતિકૂળ વિષયોમાં ઉદાસીનતા છે. વિધિ-નિષેધથી અતિત અલૌકિક પ્રેમ પ્રાપ્ત કરવાનો મનમાં દ્રઢ઼ નિશ્ચય કર્યા પછી પણ શાસ્ત્રની રક્ષા કરવી જોઇએ એટલે કે ભગવદાનુકૂળ શાસ્ત્રોક્ત કર્મ કરવા જોઇએ નહીં તો પડી જવાની સમ્ભાવના છે.લૌકિક કર્મોંને પણ ત્યાં સુધી બાહ્યજ્ઞાન રહેવા સુધી વિધિપૂર્વક કરવા જોઇએ.
Ø      પરાશરનન્દન શ્રીવ્યાસજીના મતાનુસાર ભગવાનની પૂજા આદીમાં અનુરાગ થવો એ ભક્તિ છે.
Ø      શ્રીગર્ગાચાર્યના મતમાં ભગવાનની કથા વગેરેમાં અનુરાગ થવો એજ ભક્તિ છે.
Ø      શાણ્ડિલ્ય ઋષિના મતાનુસાર આત્મરતિનાં અવરોધી વિષયોમાં અનુરાગ થવો એજ ભક્તિ છે,પરંતુ દેવર્ષિ નારદનાં મતમાં આપણા બધા કર્મોંને ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું થોડું પણ વિસ્મરણ થવાથી થતી પરમ વ્યાકુળતા એજ ભક્તિ છે.જેમકે વ્રજગોપીયોંની ભક્તિ.ગોપી પ્રેમમાં માહાત્મ્ય જ્ઞાન (પરમાર્થ જ્ઞાન)નો અપવાદ ન હતો.ભગવાનને ભગવાન જાણ્યા વિના કરવામાં આવેલ પ્રેમ, જારની (પ્રેમની) સમાન છે.એમાં (જાર પ્રેમમાં) પ્રિયતમના સુખથી, એ સુખ (પરમાર્થ સુખ) નથી.(૧)
Ø      પ્રેમરૂપા ભક્તિ તો કર્મ, જ્ઞાન, અને યોગથી પણ શ્રેષ્ઠતર છે કારણ કે (એ ભક્તિ) ફલરૂપા છે. ઈશ્વરનો પણ અભિમાનથી દ્વેષભાવ છે તથા દૈન્યથી (દીનથી) પ્રિયભાવ છે.ભક્તિનું સાધન જ્ઞાન જ છે, આચાર્યોનો આ મત છે.બીજા (આચાર્યો) નો મત છે કે ભક્તિ અને જ્ઞાન પરસ્પર એકબીજાને આશ્રિત (આધારિત) છે.
Ø      સનત્કુમાર વગેરે અને નારદજીના મતાનુસાર ભક્તિ સ્વયં ફલરૂપા છે.
Ø      રાજગૃહ અને ભોજનાદિમાં પણ એવું જ જોવા મળે છે. (ભૂખ દૂર કરવાની ઇચ્છા કોઇ નથી કરતું, ભોજન કરવાની ઇચ્છા કરે છે ન તો એનાથી (જાણવા માત્રથી) પ્રસન્નતા થશે, ન તો એની (આત્માની) ક્ષુધા (ભૂખ) મટશે તેથી (સંસારના બંધનોથી) મુક્ત થવાની ઇચ્છા રાખનાર લોકોએ ભક્તિ જ ગ્રહણ કરવી જોઇએ.(ર)
Ø      ભક્તિ સાધન વિષયત્યાગ અને સંગત્યાગથી સમ્પન્ન હોય છે.અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.
Ø      લોકસમાજમાં પણ ભગવદ ગુણ-શ્રવણ (ભક્તિનું સાધન) અને કીર્તનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.પ્રેમભક્તિની પ્રાપ્તિનું સાધન મુખ્યતા મહાપુરુષોની કૃપાથી અથવા ભગવદ કૃપાના લેશ માત્રથી (પ્રાપ્ત) થાય છે,પરંતુ મહાપુરુષોનો સંગ દુર્લભ, અગમ્ય અને અમોઘ છે.ભગવાનની કૃપાથી જ (મહાપુરુષોનો) સંગ પણ મળે છે,કારણ કે ભગવાનમાં અને ભક્તમાં ભેદનો અભાવ હોય છે,એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચે કોઇ ભેદ હોતો નથી તેથી મહાપુરુષોના સંગની જ સાધના કરો, એની જ સાધના કરો..દુસંગનો સર્વદા (હંમેશા) જ ત્યાગ કરો,કારણ કે તે (દુસંગ) કામ, ક્રોધ, મોહ, સ્મૃતિભ્રંશ (યાદ શક્તિનો નાશ), બુધ્ધિનાશ તથા સર્વનાશનું કારણ છે.આ (કામ, ક્રોધ, મોહ આદિ) પહેલા તરંગની જેમ આવી સમુદ્રનો આકાર લઇ લે છે. (તથા ખુબજ જલદી મનને ઘેરી લે છે.)
Ø      કોણ તરે છે? માયાથી કોણ તરે છે? એટલે કે આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી કોણ તરી જાય છે ? તેનો જવાબ છે કે જે બધા સંગોનો પરિત્યાગ કરે છે, જે મહાનુભાવોની સેવા કરે છે, અને જે મમતા રહિત હોય છે.
Ø      જે નિર્જન સ્થાન પર નિવાસ કરે છે, જે લૌકિક બંધનોને તોડી નાખે છે, જે ત્રણે ગુણોથી પાર થઇ જાય છે, તથા જે યોગ અને ક્ષેમનો પરિત્યાગ કરી દે છે. (જે પ્રાપ્ત ન થાય એની પ્રાપ્તિને યોગ અને જે પ્રાપ્ત થાય તેના સંરક્ષણને ક્ષેમ કહેવાય, અર્થાત્ ન કશું મેળવવાની ઇચ્છા, ન કશું બચાવવાની ઇચ્છા) જે કર્મ ફળનો ત્યાગ કરે છે, કર્મોનો પણ ત્યાગ કરે છે અને ત્યારે બધુ જ ત્યાગ કરીને જે નિદ્વંદ્વ થઇ જાય છે.
Ø      જે વેદોનો પણ ભલીભાઁતિ પરિત્યાગ કરી દે છે, અને અખંડ, અસીમ ભગવત પ્રેમ પ્રાપ્ત કરી લે છે તે તરે છે (આ માયાથી ઘેરાયેલ સંસારમાંથી), તે તરે છે, તથા લોકોને પણ પાર (કિનારે) લઇ જાય છે.(૩)
Ø      ગૂંગાના સ્વાદની જેમ પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય (કહી નહી શકાય તેવુ) છે.ગૂંગાના સ્વાદની જેમ.
Ø      કોઇ યોગ્ય પાત્રમાં (પ્રેમી ભક્તમાં) આવો પ્રેમ પ્રગટ પણ થાય છે.પરમ પ્રેમરૂપા ભક્તિ ગુણ રહિત છે, કામના રહિત છે, પ્રતિ ક્ષણ વધતી જાય છે, વિચ્છેદ રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.
Ø      પરમ પ્રેમરૂપા ભક્તિને મેળવીને પ્રેમી ભક્ત આ પ્રેમને જ જુએ છે, પ્રેમને જ સાંભળે છે, પ્રેમનું જ વર્ણન કરે છે, અને પ્રેમનું જ હંમેશા ચિંતન કરે છે.
Ø      ગૌણી ભક્તિ ગુણભેદથી અથવા આર્તાદિભેદથી ત્રણ પ્રકારની હોય છે. (તામસી એટલે કે દંભી, રાજસી એટલે કે કંઇક મેળવવા માટે તથા સાત્વિકી એટલે કે ચિત્ત શુધ્ધ કરવા માટે એમ ત્રણ પ્રકારની ભક્તિ હોય છે.) (આર્તભક્તિ જગત ભોગથી મુક્તિ માટે, અર્થાત્ પ્રભુ પ્રાપ્તિ માટે કે જેમા જિજ્ઞાસુ પ્રભુ પ્રાપ્તિ માટેની તીવ્ર ઇચ્છા-સંયમની સ્થિતિ થી વૈરાગ્ય સુધી પહોંચે છે.એમાં પૂર્વ-પૂર્વ ક્રમની ભક્તિ, ઉત્તર-ઉત્તર ક્રમની ભક્તિ કરતા કલ્યાણકારિણી હોય છે.(સાત્વિક રાગસિકથી કલ્યાણકારિણી ઇત્યાદિ)અન્ય બધાની અપેક્ષા ભક્તિ સુલભ છે. કારણ કે ભક્તિ સ્વયં પ્રમાણરૂપ છે, તેથી અન્ય પ્રમાણની આવશ્યકતા નથી.
Ø      ભક્તિ શાંતિરૂપા અને પરમાનન્દરૂપા છે.લોકહાનિની ચિંતા ભક્તોએ નહીં કરવી જોઇએ, કારણ કે ભક્તે પોતાને તથા લૌકિક અને વૈદિક (બધા પ્રકારના) કર્મોને ભગવાનને અર્પણ કરી દીધા છે,પરંતુ જ્યાર સુધી ભક્તિમાં સિદ્ધિ ન મળે ત્યાં સુધી લોકવ્યવહારનો ત્યાગ નહી કરવો જોઇએ,પરંતુ કર્મોના ફળ ત્યાગ કરીને (નિષ્કામ ભાવથી) એ ભક્તિનું સાધન કરવું જોઇએ.
Ø      स्त्रिधननास्तिकचरित्रं न श्रवणीयम् ॥ સ્ત્રી, ધન, નાસ્તિક, અને વેરીનું ચરિત્ર નહી સાંભળવું જોઇએ.
Ø      અભિમાન, દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ.
Ø      બધા આચાર ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો કામ, ક્રોધ, અભિમાન વગેરે હોય તો તે પણ ભગવાનના પ્રતિ જ કરવા જોઇએ.
Ø      ત્રણ રૂપોનો (સ્વામી, સેવક, અને સેવા અથવા પ્રિયતમ, પ્રિયતમા અને પ્રેમ) ભંગ કરી નિત્ય દાસ ભક્તિથી અથવા નિત્ય કાંતા ભક્તિથી પ્રેમ જ કરવો જોઇએ, પ્રેમ જ કરવો જોઇએ.(૪)
Ø      એકાંત (અનન્ય) ભક્ત જ શ્રેષ્ઠ છે. (એકાંત જેનો પ્રેમ ફક્ત ભગવાન માટે હોય.)આવા અનન્ય ભક્ત કણ્ઠાવરોધ, રોમાઞ્ચ અને અશ્રુ યુક્ત નેત્રોથી પરસ્પર સમ્ભાષણ કરતા તેના કુળને અને પૃથ્વીને પવિત્ર કરે છે.આવા ભક્ત તીર્થોને સુતીર્થ, કર્મોને સુકર્મ, અને શાસ્ત્રોને સત્-શાસ્ત્ર કરી દે છે,કારણ કે તે તન્મય છે. (આવા ભક્તમાં પ્રભુનાં ગુણ પરિલક્ષિત થવા લાગે છે.)(આવા ભક્તના આવિર્ભાવ જોઇને) પિતરગણ પ્રમુદિત થાય છે, દેવતા નાચવા લાગે છે, અને આ પૃથ્વી સનાથા થઇ જાય છે.આવા ભક્તમાં જાતિ, વિદ્યા, રૂપ, કુળ, ધન, અને ક્રિયાદિનો કોઇ ભેદ નથી,કારણ કે બધા ભક્ત ભગવાનના જ છે.
Ø      ભક્તે વાદ-વિવાદ નહી કરવો જોઇએ,કારણ કે વાદ-વિવાદમાં બાહુલ્યનો અવકાશ છે અને તે અનિયત છે. (વિવાદ ભક્તિ માટે નથી, પ્રતિષ્ઠા માટે હોય છે.) (પ્રેમા ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તે શાસ્ત્રોનું મનન કરતું રહેવું જોઇએ અને એવા કર્મ પણ કરવા જોઇએ જેનાથી ભક્તની વૃદ્ધિ થાય.
Ø      સુખ, દુઃખ, ઇચ્છા, લાભ, વગેરેનો (પૂર્ણ) ત્યાગ થઇ જાય એવા કાળની રાહ જોયા વિના અડધી ક્ષણ પણ (ભજન વિના) વ્યર્થ કાઢવી જોઇએ નહી.
Ø      પ્રેમા ભક્તિના સાધકે અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિકતા આદિ આચરણીય સદાચારોનું ભલીભાઁતિ પાલન કરવું જોઇએ.
Ø      દરેક સમયે, સર્વભાવથી નિશ્ચિંત થઇને (ફક્ત) ભગવાનના જ ભજન કરવા જોઇએ.એ ભગવાન (પ્રેમપૂર્વક) કીર્તિત થવાથી તુરંત જ પ્રકટ થાય છે અને ભક્તોને તેમનો અનુભવ કરાવી દે છે.
Ø      ત્રણેય (કાયિક, વાચિક, માનસિક) સત્યોમાં (અથવા ત્રણેય કાળોમાં સત્ય ભગવાનની) ભક્તિ જ શ્રેષ્ઠ છે, ભક્તિ જ શ્રેષ્ઠ છે.
Ø      આ પ્રેમારૂપ ભક્તિ એક હોવા છતાંય...(૧) ગુણમાહાત્મ્યાસક્તિ જગતને ભગવાનનું પ્રકટ માની તેના પર આસક્તિ...(૨) રૂપાસક્તિ ઇન્દ્રિયાતીત, ચૈતન્ય સ્વરૂપ, આનંદપ્રદ, સત્ રૂપમાં આસક્તિ...(૩) પૂજાસક્તિ ભગવાનની પૂજા કરવામાં આસક્તિ...(૪) સ્મરણાસક્તિ ભગવાનનું સદા સ્મરણ કરવામાં આસક્તિ...(૫) દાસ્યાસક્તિ સ્વયંને પ્રભુનો દાસ માની તેના પર આસક્તિ...(૬) સખ્યાસક્તિ પ્રભુ બધાનો મિત્ર છે એમ માની તેના પર આસક્તિ (૭) કાંતાસક્તિ એક પ્રભુ જ પુરુષ છે, બાકી બધા પ્રિયતમા છે. એવું માનવું...(૮) વાત્સલ્યાસક્તિ પ્રભુને સંતાન માનવું ૯) આત્મનિવેદનાસક્તિ પ્રભુને સર્વસ્વ સમર્પણ કરી દેવામાં આસક્તિ...(૧૦) તન્મયતાસક્તિ પ્રભુમાં તન્મય, તેમની સાથે અભિન્નતા... (૧૧) પરમવિરહાસક્તિ પ્રભુથી વિયોગનો અનુભવ કરીને, પુનઃ મિલનની તડપના પ્રતિ આસક્તિ.....એમ અગિયાર પ્રકારની હોય છે.
Ø      કુમાર (સનત્કુમારાદિ), વેદવ્યાસ, શુક્રદેવ, શાણ્ડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌણ્ડિન્ય, શેષ, ઉદ્ધવ, આરૂણિ, બલિ, હનુમાન, વિભીષણ, આદિ ભક્તિતત્વના આચાર્યગણ લોકોની નિન્દા-સ્તુતિનો કોઇ પણ ભય કર્યા વિના એકમતથી એવું જ કહે છે કે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે.(૫)
Ø       


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmachhi@gmail.com

No comments:

Post a Comment