Friday, 6 September 2013

ગુજરાતી ભજનો



નરસિંહ મેહતાના ભજન
  1. જળકમળ છાંડી જાને બાળા
  2. ભુતળ ભક્તિ પદારથ
  3. વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
  4. આજની ઘડી રળિયામણી
  5. ઊંચી મેડી તે મારા સંતની રે
  6. રામ સભામાં અમે
  7. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
  8. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
  9. મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
  10. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
  11. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
  12. સુખદુઃખ મનમાં ન આણીએ
  13. પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
  14. જાગીને જોઉં તો
  15. ધ્યાન ધર હરિતણું
  16. ધ્યાન ધર, ધ્યાન ધર
  17. નારાયણનું નામ જ લેતાં
  18. આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી
  19. હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
  20. હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે

    જળકમળ છાંડી જાને બાળા

    જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
    જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળકમળ

    કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
    નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ જળકમળ

    નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
    મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ જળકમળ

    રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
    તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો જળકમળ

    મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
    જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો જળકમળ

    લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
    એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ જળકમળ

    શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
    શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ જળકમળ

    ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
    ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો જળકમળ

    બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
    સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો જળકમળ

    નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
    મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે જળકમળ

    બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
    અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને જળકમળ

    થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
    નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો જળકમળ

    ભુતળ ભક્તિ પદારથ

    ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
    પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે ભુતલ

    હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
    નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે ભુતલ

    ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
    ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે ભુતલ

    ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
    અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે ભુતલ

    એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
    કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે ભુતલ

    વૈષ્ણવજન તો

    વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
    પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રેવૈષ્ણવ જન

    સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
    વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રેવૈષ્ણવ જન

    સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
    જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રેવૈષ્ણવ જન

    મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
    રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રેવૈષ્ણવ જન

    વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
    ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રેવૈષ્ણવ જન

    આજની ઘડી રળિયામણી

    આજની ઘડી તે રળિયામણી
    મારો વાલાજી આવ્યાની વધામણી જી રે આજની ઘડી

    તરિયા તોરણ તો બંધાવિયા
    મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે આજની ઘડી

    લીલુડા વાંસ વઢાવીએ
    મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે આજની ઘડી

    પૂરો સોહાગણ સાથિયો
    વ્હાલો આવે મલકતો હાથિયો જી રે …. આજની ઘડી

    જમુનાનાં જળ મંગાવીએ
    મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે આજની ઘડી

    સહુ સખીઓ મળીને વધાવીએ
    મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે આજની ઘડી

    તન મન ધન ઓવારીએ
    મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે આજની ઘડી

    રસ વાધ્યો અતિ મીઠડો
    મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે આજની ઘડી

    ઊંચી મેડી તે મારા સંતની રે

    ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ.. હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ..

    અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
    મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો માલી ન જાણી રામ.. હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે….

    અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
    ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે….

    નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
    નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે….

    રામ સભામાં અમે

    રામ સભામાં અમે રમવાને ગ્યાંતાં
    પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.

    પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
    બીજે પિયાલે રંગની હેલી રે
    ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
    ચોથે પિયાલે થઈ ઘેલી રે રામ સભામાં

    રસ બસ થઇ રંગ રસિયા સાથે,
    વાત ન સુઝે બીજી વાટે રે
    મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
    તે મારા મંદિરીયામાં મ્હાલે રે રામ સભામાં

    અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
    અખંડ સૌભાગી અમને કીધાં રે
    ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
    દાસી પરમ સુખ પામી રે રામ સભામાં

    જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

    જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
    તે તણો ખરખરો ફોક કરવો;
    આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
    ઊગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત

    હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
    શકટનો ભાર જેમ શ્વાન તાણે;
    સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
    જોગી જોગેશ્વરા કોક જાણે જે ગમે જગત

    નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
    શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
    રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
    ભવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત

    ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
    માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
    જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
    તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત

    ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
    જેહને જે ગમે તેને પૂજે,
    મન કર્મ વચનથી આપ માની લહે
    સત્ય છે એ જ મન એમ સુઝે જે ગમે જગત

    સુખ સંસારી મિથ્યા કરી માનજો,
    કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
    જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
    જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું જે ગમે જગત

    જાગને જાદવા

    જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
    તુજ વિના ધેનમાં કોણ જાશે ?
    ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
    વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

    દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
    કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
    હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
    ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને

    જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
    મધુરીશી મોરલી કોણ વહાશે ?
    ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
    બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને

    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
    મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!

    સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
    પ્રહ્લાદને ઉગારિયોવ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!

    ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
    સાચી વેળાના મારા વ્હાલમાતમે ભક્તોને આપ્યા સુખ રે!

    પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
    નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજોતમે સુભદ્રાબાઈના વીર રે!

    રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
    બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!

    ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
    સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!

    તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
    વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!

    હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
    રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!

    હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
    મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
    જુજવે રૂપ અનંત ભાસે;
    દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
    શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે અખિલ બ્રહ્માંડમાં

    પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
    વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
    વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
    શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં

    વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
    કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
    ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
    અંતે તો હેમનું હેમ હોયે અખિલ બ્રહ્માંડમાં

    ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
    જેહને જે ગમે તેને પૂજે;
    મન-વચન-કર્મથી આપ માની લહે,
    સત્ય છે એજ મન એમ સૂઝેઅખિલ બ્રહ્માંડમાં

    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
    જોઉં પટંતરો એ જ પાસે;
    ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
    પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં

    જ્યાં લગી આત્મા તત્વ
    જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,
    ત્યાં લગી સાધના સર્વ જૂઠી,
    મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો
    માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

    શુ થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી
    શું થયું ઘેર રહી દાન દીધે ?
    શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,
    શું થયું વાળ લુંચન કીધે ?

    શું થયું તપ ને તીરથ કીધા થકી,
    શું થયું માળ ગ્રહી નામ લીધે ?
    શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
    શું થયું ગંગાજલ પાન કીધે ?

    શું થયું વેદ વ્યાકરણ વાણી વદ્યે,
    શું થયું રાગ ને રંગ માણ્યે ?<
    શું થયું ખટ દર્શન ભેદ સેવ્યા થકી,
    શું થયું વરણના ભેદ આણ્યે ?

    એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,
    જ્યાં લગી પરમ પરબ્રહ્મ ન જોયો;
    ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,
    રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
    સુખદુઃખ મનમાં ન આણીએ
    સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,
    ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં ... સુખદુઃખ
    નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;
    અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી ... સુખદુઃખ
    પાંચ પાંડવ સરખાં બંધવા, જેને દ્રૌપદી રાણી;
    બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિંદ્રા ન આણી ... સુખદુઃખ
    સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;
    રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી ... સુખદુઃખ
    રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;
    દશ મસ્તક છેદાઇ ગયાં, બધી લંકા લૂંટાણી ... સુખદુઃખ
    હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી;
    તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ ઘેર પાણી ... સુખદુઃખ
    શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;
    ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી ... સુખદુઃખ
    એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે;
    જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે ... સુખદુઃખ
    સર્વ કોઇને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી;
    ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈયાના સ્વામી ... સુખદુઃખ
    પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
    પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
    હરનિશ એને ધ્યાવું રે,
    તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,
    મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી
    અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
    દુર્વાસાએ માનભંગ કીધો રે,
    મેં મારું અભિમાન તજીને,
    દશ વાર અવતાર લીધો રે ... પ્રાણ થકી
    ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,
    મારા સેવકની સુધ લેવા રે,
    ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,
    મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી
    લક્ષ્મીજી અર્ધાંગના મારી,
    તે મારા સંતની દાસી રે,
    અડસઠ તીરથ મારા સંતને ચરણે,
    >
    કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી
    સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,
    સંત સૂએ તો હું જાગું રે,
    જે મારા સંતની નિંદા કરે,
    તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી
    મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
    વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
    એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
    તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી
    બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,
    ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
    વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,
    ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી
    જાગીને જોઉં તો
    જાગીને જોઉં તો જગત દીસે નહિ,
    ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
    ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
    બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગીને
    પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
    અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
    ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
    થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગીને
    વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
    કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
    ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
    અંતે તો હેમનું હેમ હોયે ... જાગીને
    જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
    રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
    ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું'
    એને સમર્યાંથી કૈં સંત સીધ્યા ... જાગીને
    ધ્યાન ધર હરિતણું
    ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
    જે થકી જન્મનાં દુઃખ જાયે;
    અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
    માયા દેખાડીને મૃત્યુ વહાયે.


    સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
    શરણ આવે સુખ પાર ન્હોયે;
    અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
    કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

    પટક માયા પરી, અટક ચરણે હરિ,
    વટક મા વાત સુણતાં જ સાચી;
    આશનું ભવન આકાશ સુધી રચ્યું,
    મૂઢ એ મૂળથી ભીંત કાચી.

    અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
    તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
    ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
    લીંબુ લહેકાવતાં રાજ લેવું.

    સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
    તે તણા સુજશ તો જગત બોલે;
    નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
    અવર વેપાર નહીં ભજન તોલે.
    ધ્યાન ધર, ધ્યાન ધર
    ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
    અંતર ભાળની એક સુરતિ;
    દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
    અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર

    મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
    ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
    કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
    >
    નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર

    મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
    ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
    તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
    ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ... ધ્યાન ધર

    સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
    દરસશે દેહીથી ભજન કરતાં;
    નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
    કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન ધર.
    નારાયણનું નામ જ લેતાં
    નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
    મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

    કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
    ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ... નારાયણનું નામ.

    પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
    ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે ... નારાયણનું નામ.

    ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
    તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે ... નારાયણનું નામ.

    વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
    ભણે નરસૈંયોવૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે ... નારાયણનું નામ.
    નાથને નીરખી
    આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
    સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

    જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
    પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

    વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
    હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

    કાલિંદીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
    સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

    ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
    ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

    અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
    પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.
    હળવે હળવે હળવે હરિજી
    હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે;
    મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

    કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
    લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

    ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
    ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

    ભાંગી ભાંગી ભાંગી મારા ભવની ભાવટ ભાંગી રે,
    જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

    પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
    મળિયો મળિયો મળિયો, મહેતા નરસૈંયાનો સ્વામી રે.

    હરિને ભજતાં હજી કોઈની લાજ

    હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

    જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે.

    વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

    વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે.      હરિને

    વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

    ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.    હરિને

    વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

    પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે.       હરિને

    વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;

    ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.    હરિને
ગંગાસતી અને પાનબાઈ ના ભજન
વીજળીને ચમકારે

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કેવાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી વીજળીને ચમકારે

મેરુ તો ડગે

મેરુ તો ડગે જેનાં મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી - મેરુ.

ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી, રાખે વચનમાં વિશ્વાસ રે જી મેરુ.

હરખ ને શોકની આવે નહી હેડકી, આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને તોડે માયા કેરા ફંદજી મેરુ.

તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં, તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો, અલખ પધારે એને દ્વારજી મેરુ.

સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે, શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યાં અંતરનાં માન રે મેરુ.

સંગત કરો તો તમે એવાની કરજો, જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં, જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી મેરુ.

એટલી શિખામણ દઈ
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું,
ને વાળ્યું સતીએ પદ્માસન રે,
મન વચનને સ્થિર કરી દીધું
ને અંતર જેનું છે પ્રસન્ન રે...એટલી.

ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું
>
ને લાગી સમાધિ અખંડ રે,
મહાદશ પ્રગટાવી તે ઘડી
ને એકાગ્ર થયા પંડ બ્રહ્માંડ રે...એટલી.

બ્રહ્મ રૂપ જેની વૃત્તિ બની ગઈ
ને અંતર રહ્યું નહિ લગાર રે,
સુરતાએ સુનમાં જઈ વાસ કીધો,
ને અરસપરસ થયા એકતાર રે..એટલી.

નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ
ને વૃત્તિ લાગી પીંડની પાર રે,
ગંગા સતીનું શરીર પડી ગયું,
ને મળી ગયો હરિમાં તાર રે...એટલી.
ઊલટ સમાવ્યો સૂલટમાં
ઊલટ સમાવ્યો સૂલટમાં
ને સૂરતા ગઈ સૂન માંય રે,
ભાળી સ્વામીની ભોમકા
ને હરિ જોયા અખંડ સુન માંય રે ... ઉલટ.

આવરણ મટી ગયા
ને હવે થયો છે આનંદ રે,
>
બ્રહ્મ ભાળ્યા એક તારમાં
ને તૂટ્યો પ્રપંચનો ફંદ રે ... ઉલટ.

અવિનાશી મેં અખંડ જોયા
ને જ્યાં નામ રૂપનો નાશ રે,
સચ્ચિદાનંદ પુરણ સદા સ્વામી
ને તેને જોઈ લ્યો ઉલ્લાસ રે ... ઉલટ.

અવાચ પદ અખંડ અનામી
ને તેને જોઈ થયો ઉલ્લાસ રે,
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં
ને કીધો મુળ અવિદ્યાનો નાશ રે ... ઉલટ.
અસલી જે સંત હોય તે
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત

અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત.

જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત

મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં
ને રહેવું નહીં ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં
ને માથે સદગુરુજીનો હાથ રે ... અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં
ને કરવા નહીં સતગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી
જ્યારે જણાય માંહ્યલાનો મરમ ... અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું
ત્યારે પર પંથથી રહેવું દુર રે,
મોહ તો સઘળો પછી છોડી દેવો
ને હરિને ભાળવા ભરપૂર રે ... અભ્યાસ જાગ્યા પછી

મંડપને મેલા પછી કરવા નહીં
એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા
બાળવા હોય પરિપૂર્ણ રાગ રે .... અભ્યાસ જાગ્યા પછી
અંત:કરણથી પૂજાવાની આશા
અંત:કરણથી પૂજાવાની આશા રાખે
ને એને કેમ લાગે હરિનો સંગ રે,
શિષ્ય કરવા નહિ એવા જેને
પૂરો ચડ્યો ન હોય રંગ રે ... અંતઃકરણથી.

અંતર નથી જેનું ઉજળું,
ને જેને મોટાપણું મનમાંય રે,
તેને બોધ નવ દીજીએ
>
ને જેની વૃત્તિ હોય આંયને ત્યાંય રે ... અંતઃકરણથી.

શઠ નવ સમજે સાનમાં
ને ભલે કોટિ ઉપાય કરે,
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય
ને એવાની અંતે ફજેતી થાય રે ... અંતઃકરણથી.

એવાને ઉપદેશ કદી નવ દેવો
ને ઊલટી ઉપાધિ વધતી જાય રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
એવાનો કરવો નહિ ઈતબાર રે ... અંતઃકરણથી.
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
ને એવું કરવું નહિ કામ રે,
આપણી વસ્તુ ન જાય અવસ્થા
ને એ જવાનું લેવું નહિ નામ રે ... દળી દળીને.

સેવા કરવી છેલ્લા જનમવાળાની
ને ભજનમાં જોવા સંસ્કાર રે,
જોવા પૂરવનું પુરૂષારથ હોય એહનું
ને તો મેળવવો વાતનો એકતાર રે .... દળી દળીને.

વિષયવાળાને આ વાત ન કહેવી,
ને એથી રાખવું અલોપ રે,
દેખાદેખી એ મરને કંઠી બંધાવે,
ને શુદ્ધ રંગનો ચડે ના ઓપ રે ... દળી દળીને.


ઉત્તમ જો કર્મ કરે ફળની આશાએ
ને એવાને ન લાગે હરિનો લેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એઓ ક્યાંથી ભાળે અખંડ દેશ રે ... દળી દળીને.
ઝીલવો જ હોય તો રસ
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે;
અગમ અગોચર રસનું નામ છે
એ તો પુરણ અધિકારીને ઠેરાશ ... ઝીલવો જ હોય

માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ
જુઓને વિચારી તમે મનમાં,
દૃશ્ય પદારથ નથી રે'વાનું પાનબાઈ,
સુણોને ચિત્ત દઈને વચનમાં ... ઝીલવો જ હોય.

આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય.
કોટિ કે જનમની મટાડો કલ્પના ત્યારે,
જાતિ રે પણું વયું જાય ... ઝીલવો જ હોય.

દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સેજે આનંદ વરતાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
આપમાં આપ મળી જાય ... ઝીલવો જ હોય.
જીવ ને શિવની થઈ એકતા
જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે ... જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
>
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે ... જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે ... જીવ ને.


સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે ... જીવ ને.
છૂટાં છૂટા તીર અમને મારો મા
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી
મુજથી સહ્યાં નવ જાય રે
કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા
મુખથી નવ સહેવાય રે
આપોને વસ્તુ અમને લાભ જ લેવા
પરિપૂર્ણ કરોને કાય રે ...  છૂટાં છૂટાં તીર

બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ
બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર

બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ
પરિપૂર્ણ વચનમાં વર્તાય જો,
ગંગા સતી રે એમ જ બોલિયા
પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર
ચક્ષુ બદલાણી ને
ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે ... ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
>
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે ... ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે ... ચક્ષુ.

ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે ... ચક્ષુ.
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..

ભજની જનોએ ભક્તિમાં રેવું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે કુપાત્રની પાસે

સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે કુપાત્રની પાસે
ગુપત રસ આ જાણી લેજો
ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ!
જેથી જાણવું રહે નહિ કાંઈ,
ઓઘ રે આનંદના કાયમ રહે,
ને સેજે સંશય બધા મટી જાય ... ગુપત.

શુરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ,
માયલું મન ફરી ઊભું ન થાય;
કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ,
જેથી જનમ મરણ સહેજે મટી જાય ... ગુપત.

પરપંચનાં તોડી નાખો પડલ પાનબાઈ,
તો તો પચરંગી પાર જણાય;
જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ,
ભાવ કભાવ મનમાં નહિ થાય ... ગુપત.

મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ,
ભજન કરો ભરપૂર,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
વરસાવો નિર્મળ નર ... ગુપત.
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે
પાનબાઈને થયો અફસોસ રે,
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો
ને મટી ગયો મનનો સર્વે શોક રે ... ગંગા સતી

અંતરમાં બદલ્યું ને નિર્મળ થઈને બેઠાં
સંકલ્પ સમરું ચિત્તમાંહી રે,
હાણ ને લાભની મટી ગઈ કલ્પના
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંહ્ય રે ... ગંગા સતી

જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને
રસ તો પીધો અગમ અપાર રે,
એક નવધા ભક્તિને સાધતાં,
મળી ગયો તુરિયામાં તાર રે .... ગંગા સતી

ત્યાં તો એટલામાં અજુભા આવ્યા
તેને કરાવ્યો સત્સંગ રે,
ગંગા સતી પ્રતાપે પાનબાઈ બોલિયા રે
હવે કોણ ચડાવે પુરણ રંગ રે ... ગંગા સતી
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ
કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે,
ને સમજીને રહીએ ચુપ રે,
લાલચ આપે ને દ્રવ્ય કરે ઢગલા રે,
ભલે હોય શ્રીમંત કે ભૂપ રે …. કુપાત્રની પાસે ..

ભજની જનોએ ભક્તિમાં રેવું ને,
કરવો સ્મરણ નિરધાર રે….
અજ્ઞાની આગળ નવ ઉચ્ચરવું ને,
બાંધવા સૂરતા કેરા તાર રે કુપાત્રની પાસે

ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી
ને ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે,
રાખવો રે એમાં ઘણો સ્નેહ રે કુપાત્રની પાસે


સંશય ટળે ને મનડું ગળે ને
રાખે નહીં કોઈના પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
એવાને દેખાડવો હરિનો દેશ રે કુપાત્રની પાસે
કળજુગ આવ્યો હવે કારમો
કળજુગ આવ્યો હવે કારમો રે,
તમે સુણજો નર ને નાર,
ભક્તિ ધરમ તે માંહે લોપાશે,
રહેશે નહિ તેની મર્યાદ .... કળજુગ.

ગુરુજીના કીધાં ચેલો નહીં માને
ને ઘેરઘેર જગાવશે જ્યોત
નર ને નારી મળી એકાંતે બેસશે,
ને રહેશે નહિ આત્મ ઓળખાણ ... કળજુગ.

વિષયના વેપારમાં ગુરુજીને વામશે,
જૂઠાં હશે નર ને નાર,
આડ ધરમની ઓથ લેશે,
પણ રાખે નહિ અલખ ઓળખાણ ... કળજુગ.

એક બીજાના અવગુણ જોવાશે
ને કરશે તાણવાણ રે,
કજીયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે,
નહિ આવે ધણી મારો દ્વાર .... કળજુગ.

સાચા મારા ભઈલા અલખ આરાધે
ને ધણી પધારે એને દ્વાર રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે કરજો સાચાનો સંગ ... કળજુગ.
ધ્યાન ધારણા કાયમ રાખવી
ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તરપત ન થાવું,
વિશેષ રાખવો ઉલ્લાસ રે ... ધ્યાન.

ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ ન રહેવું,
ને ભલે કબજે કર્યું પોતાનું મન રે ... ધ્યાન.

આઠે પહોર રે'વું આનંદમાં,
જેથી વધુ વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નીમ રે ... ધ્યાન.

નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દુજો રંગ રે ... ધ્યાન.
પી લેવો હોય તો રસ પી લેજો
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભક્તો કાળનો
વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને<
અચાનક ખાશે તમને કાળ રે .... પી લેવો હોય

જાણવી રે હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ
નહિંતર જમીનમાં વસ્તુ જાશે રે,
નખશીખ ગુરુજીને હૃદયમાં ભરીએ રે
ઠાલવવાનું ઠેકાણું કહેવાશે રે ... પી લેવો હોય

આપ રે મૂવા વિના અંત નહીં આવે ને
ગુરુ જ્ઞાન વિના ગોથાં ખાશે રે,
ખોળામાં બેસાડી તમને વસ્તુ આપું
આપવાપણું તરત જડી જાવે રે .... પી લેવો હોય

વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ
મન મેલીને થાઓ હોંશિયાર રે,
ગંગા સતી એમ બોલિયા રે
હેતના બાંધો હથિયાર રે .... પી લેવો હોય
પરિપૂર્ણ સતસંગ
પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે ... પરિપૂર્ણ.

નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે ... પરિપૂર્ણ.

સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે ... પરિપૂર્ણ.

મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે ... પરિપૂર્ણ.
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
ને રાખવો વચનનો વિશ્વાસ રે
સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં
ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં

રંગ ને રૂપમાં રમવું નહીં
ને કરવો ભજનનો અભ્યાસ રે,
સતગુરુ સંગે નીર્મળ રહેવું
ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં

દાતા ને ભોક્તા હરિ એમ કહેવું
ને રાખવું નીર્મળ ધ્યાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું
ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં

અભ્યાસી થઈને પાનબાઈ એવી રીતે રહેવું
ને જાણવો વચનનો મરમ રે
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ,
છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
હેઠા ઊતરીને પાસ લાગ્યા
હેઠા ઊતરીને પાસ લાગ્યા
ને ઘણો છે એનો ઉપકાર રે,
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી,
ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે હેઠા.

અખંડ અમર અવિનાશી ભાળ્યા,
ને વસ્તુ છે અગમ અપાર રે,
દયા કરીને મુજને દરસાવ્યા
ને અનામ એક નિરધાર રે હેઠા.

સમજીને વાસના સમાઈ ગઈ,
ને અનુપમ છે એક રૂપ રે,
આતમને ભિન્ન નવ જાણો,
ને એ તો છે શુદ્ધ નિરંજન ભુપ રે હેઠા.

સરવેની સાથે મિત્રતા રાખજો,
ને નહિ પ્રીત નહિ વેર રે,
>
ગંગા રે સતી પ્રતાપે પાનબાઈ બોલિયાં રે,
એવું સમજીને કરવી લે'ર રે હેઠા.
માણવો હોય તો રસ
માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે'વું હતું તે કહી દીધું પાનબાઈ!
હવે રે'ણી પાળવા હેતથી હાલો ... માણવો.

રે'ણી થકી જોને રામ રીઝે પાનબાઈ!
રે'ણી થકી રોમરોમ ભીંજાય,
રે'ણી થકી રસ શરીરમાં પરવરે,
રે'ણી થકી ઉગાવો જોને થાય ... માણવો.

રે'ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે'ણી થકી અમર જોને થવાય,
રે'ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ!
રે'ણી થકી પાર પોગી જોને જવાય ... માણવો.

રે'ણી તે સરવથી મોટી પાનબાઈ!
રે'ણીથી મરજીવા બની જોને જાય;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે'ણી પાળ્યેથી આનંદ વરતાય ... માણવો.
મનડાને સ્થિર કરે
મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે
ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે
માયા કરે નહીં કાંઈ રે ... મનડાને.

અભ્યાસ આદર્યો ને ભ્રમણાઓ ભાંગી
આનંદ ઉપજ્યો અપાર રે
આઠેય પહોર એ તો મસ્ત થઈને રહે
સાધી સાહેબ સાથે તાર રે...

સત વસ્તુમાં જેનું ચિતડું બળી ગયું ને
ચારે વાણીથી એ પાર જી
સપનાનો મોહ આવા ગુણીજન કરે નહીં
હરદમ ભજનમાં હોંશિયાર જી

વાસના બળી ગઈ, તૃષ્ણા ટળી ગઈ ને
મોહની મટી ગઈ તાણાવાણ જી
ગંગા સતી રે એમ બોલિયા રે પાનબાઈ
સાચા સાધુની ઓળખાણ જી .... મનડાને સ્થિર
મનડાને સ્થિર કરી
મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં,
દેખાડું હરિ કેરો દેશ રે,
હરિનો દેશ તમને એવો દેખાડું,
જ્યાં નહીં વર્ણ ને નહીં વેશ જી ... મનડાને.

સુક્ષ્મ સૂવું ને સુક્ષ્મ ચાલવું
સુક્ષ્મ કરવો વે'વાર રે,
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ,
ને વૃત્તિ ન ડોલે લગાર જી ... મનડાને.

કુબુદ્ધિવાળાનો સંગ નવ કરવો
રહેવું એકાંતે અસંગ રે,
કૂંચી બતાવું એનો અભ્યાસ કરવો,
નિત્ય રે ચડાવવો નવો રંગ જી ... મનડાને.

ચિત્તને વિષયમાંથી ખેંચી લેવું
રેવું સદાય ઈન્દ્રિય-જીત રે,
ગંગા સતી રે એમ બોલિયાં પાનબાઈ,
વિપરીત થાશે નહીં ચિત્ત જી ... મનને.
મન વૃત્તિ જેની સદાય નીર્મળ
મન વૃત્તિ જેની સદાય નીર્મળ
પડે નહીં ભવસાગર માંહ્ય રે,
સદગુરૂના ચરણમાં ચિત્ત મળી ગયું
લાગે નહીં માયા કેરી છાંય રે ....

પિતૃ, ગ્રહ, દેવતા કોઈ નડે નહીં
જેનું બંધાણું વચનમાં ચિત્ત રે
આવરણ એને એકે નહીં આવે
વિપરિત નથી જેનું મન રે .... મન વૃતિ જેની

અંતર કેરી આપદા સર્વે મટી ગઈ
જેને સદગુરુ થયા મહેરબાન રે
મન કર્મ થકી જેણે વચન પાળ્યું
મેલી દીધું અંતર કેરું ભાન .... મન વૃતિ જેની

હાનિ અને લાભ એકે નહીં જેને ઉરમાં
જેને માથે સદગુરુનો હાથ રે,
ગંગા સતી જોને એમ જ બોલિયા
ટળી ગયા ત્રિવિધનાં તાપ રે .... મન વૃત્તિ જેની
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ રે નમાવી
કર જોડી લાગવું પાય રે .... ભક્તિ રે કરવી એણે

જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિરમાણ રે ... ભક્તિ રે કરવી એણે

પારકાનાં અવગુણ કોઈના જુએ નહીં,
એને કહીએ હરિ કેરા દાસ રે,
આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે
એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે ... ભક્તિ રે કરવી એણે

ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ
રાખજો વચનમાં વિશ્વાસ રે,
ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ
હરિજન હરિ કેરા દાસ રે .... ભક્તિ રે કરવી એણે
વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં,
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા,
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે ... વચન.

ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે,
ને જમાવી આસન એકાંત માંય,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયો,
ને વરતે છે એવાં વ્રતમાન રે ... વચન.

ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,
ને તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે,

ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો,
>
ને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે ... વચન.
વચન વિવેકી જે
વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય,
યથાર્થ વચનની સાન જેણે જાણી રે
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે વચન વિવેકી.

વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે પાનબાઈ,
ઈ તો ગત ગંગાજી કહેવાય,
એક મના થઈને આરાધ કરે તો,
નકળંક પ્રસન્ન થાય રે... વચન વિવેકી.

વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ!
વચને મંડાય પ્રભુનો પાઠ,
વચન ન પૂરાય તે તો નહિ રે અધૂરો,
વચનનો લા'વે જોને ઠાઠ રે ... વચન વિવેકી.

વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
કરવો વચન વાળાનો સંગ રે ... વચન વિવેકી.
લાભ જ લેવો હોય તો
લાભ જ લેવો હોય તો બેસો એકાંતમાં
ને મૂકીને બતાવો અપાન રે,
એ કૂંચીથી બ્રહ્મનાં તાળાં ઉઘડે
ને લાગે રે ભજનમાં એક તાર રે .... લાભ જ લેવો હોય તો

પ્રથમ મુખ્ય ધારણ રાખો ને
દશાને રાખો ગંભીર રે,
નિયમ બારુ નહીં બોલવું નહીં ને
ધારણા રે રાખવી ધીર રે .... લાભ જ લેવો હોય તો

આહાર તો સર્વે સદગુણી કરવો
ને રૂડી રે પાળવી રીત રે
ગુરૂજીના વચનને મૂકવું નહીં
ને રાખવી પૂરણ રીત રે ... લાભ જ લેવો હોય તો

ખટમાસ એકાંતમાં આસન જીતવું બાઈ
ત્યારે અડધો યોગ કહેવાય રે,
ગંગા સતી તો એમ રે બોલિયા
પછી અભ્યાસ વધતો જોને જાય રે .... લાભ જ લેવો હોય તો
યોગી થવું હોય તો
યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાવના હોય તો હિંમત રાખો,
ને જેનો પરિપૂર્ણ સરવમાં વાસ રે ... યોગી.

રજોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણોનો નાશ રે ... યોગી.

સત્વગુણમાં ભેદ છે મોટો,
ને એક શુદ્ધ બીજો મલિન કે'વાય
મલિન ગુણોનો ત્યાગ કરવો,
ને પરિપૂર્ણ યોગી થાય રે ... યોગી.

વિદેહદશા તેહની પ્રગટે તેથી,
ત્રણ ગુણોથી થયો પાર રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂર્યાતિતમાં તાર રે ... યોગી.
શીલવંત સાધુને વારે વારે નમીએ
શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેના બદલે નહીં વ્રતમાન રે
ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે
જેને મહારાજ થયાં મહેરબાન રે .... શીલવંત સાધુને

શત્રુ ને મિત્ર જેને એકેય નહીં ઉરમાં ને
પરમારથમાં જેને ઝાઝી પ્રીત રે,
મન કર્મ વાણીએ એ તો વચનમાં ચાલે
એવી રૂડી પાળે જોને રીત રે .... શીલવંત સાધુને

આઠે પહોર એ તો મસ્ત થઈને રહે ને
એનાં જાગી ગયો તુરિયનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી માન્યું ને
સદાય ભજનનો જેને આરત રે ... શીલવંત સાધુને

સંગત તમે જ્યારે એવાની કરશો
ત્યારે ઉતરશો ભવ પાર રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
દેખાડે હરિ કેરા દ્વાર .... શીલવંત સાધુને
વીણવો હોય તો રસ
વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત;
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ ... વીણવો.

આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,
કોઈને કહ્યો નવ જાય;
એ રસ હું તમને બતાવું પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય .... વીણવો.

આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ!
ત્યારે લેર સમાય ... વીણવો.

આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો
નિરખ્યા ત્રિભુવનનાથ ... વીણવો.
વિવેક રાખો તમે સમજી ચાલો
વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે ... વિવેક.

અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે'ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે ... વિવેક.

અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે .... વિવેક.

દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે ... વિવેક.
વસ્તુ વિચારીને દીજીએ
વસ્તુ વિચારીને દીજીએ
જોજો તમે સુપાત્ર રે,
વરસા સુધી અધિકારીપણું જોવું
ને ફેર ન રહે અણુમાત્ર રે ... વસ્તુ.

ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે,
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે
જે આવી લાગે એને પાય રે ... વસ્તુ.


એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે ... વસ્તુ.
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો
સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે ... સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે ... સ્થિરતાએ


લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે ... સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે ... સ્થિરતાએ.
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું
સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ
ઉપજે આનંદ કેરા ઓઘ રે,
સિદ્ધ અનુભવો જેના ઉરમાં પ્રગટે
ને મટી જાય માયા કેરો ક્ષોભ રે ... સાનમાં રે

ચૌદ લોકથી વતન છે ન્યારું પાનબાઈ
એની તો કરી લો ઓળખાણ રે,
વ્યથા રતે બોધ વચનનો સુણો પાનબાઈ
મટી જાય મનની તાણવાણ રે ... સાનમાં રે

વચન થકી ચૌદ લોક રચાણાં ને,
વચન થકી ચંદા ને સૂરજ રે,
વચન થકી રે માયા ને મેલવી રે
વચન થકી વરસે સાચા નૂર રે .... સાનમાં રે

વચન જાણ્યું એણે સર્વે જાણ્યું પાનબાઈ
ભણવું પડે બીજું કાંઈ ન રે,
ગંગા સતી એમ કરી બોલ્યાં રે
નડે નહીં માયા કેરી છાંય રે .... સાનમાં રે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે
સમજવી સદગુરુ કેરી શાન રે,
વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી
મેલી દેવું અંતરનું માન રે .... સર્વ ઈતિહાસનો

પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની થઈ છે
જેણે શીશને કર્યા કુરબાન રે,
વિપત તો એના ઉરમાં ન આવે
જેને મહારાજ થયા મહેરબાન રે ... સર્વ ઈતિહાસનો

શીશ તો પડે જેના, ધડ નવ રહે
જેણે સાચો રે માંડ્યો સંગ્રામ રે,
પોતાનું શરીર જેણે વ્હાલું નવ કીધું,
ત્યારે રીઝે આતમરામ રે .... સર્વ ઈતિહાસનો

ભક્તિ વિના પાનબાઈ, ભગવાન રીઝે નહીં
ભલે કોટિ રે કરે ઉપાય રે,
ગંગા સતી તો એમ જ બોલિયા
આપદા ભક્તિ વિના નવ જાય રે ... સર્વ ઈતિહાસનો
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી
ને અભ્યાસે જીતવો અપાન રે .... સરળ ચિત્ત રાખી

રજ કર્મથી સદા દૂર રહેવું
ને કાયમ કરવો અભ્યાસ રે
પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં
ને શીખવો વચનનો વિશ્વાસ રે .... સરળ ચિત્ત રાખી
ડાબી રે ઇંગલા ને જમણી રે પિંગલા
ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું
ને કાયમ રહેવું રસમાણ રે .... સરળ ચિત્ત રાખી

નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે
એમ નક્કી જાણવું નિરધાર રે,
ગંગા સતી એમ રે બોલિયા રે
ખેલ છે અગમ અપાર રે .... સરળ ચિત્ત રાખી
સદગુરુના વચનના થવા અધિકારી
સદગુરુ વચનના થવા અધિકારી
મેલી દો અંતરનું અભિમાન,
માન મેલીને તમે આવો મેદાનમાં,
સમજો ગુરુજીની શાન રે ... સદગુરુના.

અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે
હીં થાય સાચેસાચી વાત,
આંટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે
પ્રભુજી દેખાશે આપોઆપ રે ... સદગુરુના.

સત્સંગ રસ એ તો અગમ અપાર છે,
>
તે તો પીવે કોઈ પીવનહાર,
તનમનની જ્યારે સુધબુધ ભૂલાશે
ત્યારે અરસપરસ મળશે એકતાર રે ... સદગુરુના.

ધડ રે ઉપર જેને શીશ નવ મળે
એવો ખેલ છે ખાંડા કેરી ધાર,
એમ રે તમારું તમે શીશ ઉતારો
તો તમને રમાડું બાવન વાર રે ... સદગુરુના.

હું અને મારું ઈતો મનનું કારણ પાનબાઈ!
એ મન જ્યારે મટી જાય,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
ત્યારે અંતરમાં અલખ દેખાય રે ... સદગુરુના.


જેસલ તોરલ ના ભજન
પાપ તારું પરકાશ જાડેજા

પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !એમ તોરલ કહે છે જી

દાસી જીવણ  ના ભજન
વારી વારી જાઉં રે

વારી વારી જાઉં રે;
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર


ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી નાવું રે. - વારી0


શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. - વારી0


શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. - વારી0


દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. - વારી0

અજવાળું હવે અજવાળું

અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.

સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. - ગુરુ આજ

જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ

ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ

દાસી જીવણ સત ભીમનાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . - ગુરુ આજ

બંગલાનો બાંધનાર

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?...0


લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં;
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


આ રે બંગલામાં દસ દસ દરવાજા;
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


કડિયા-કારીગરની કારીગરી નથી એમાં;
પાણીની બનાવી હવેલી મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા;
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


નટવર શેઠની નોટિસો રે આવી;
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા;
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ;
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ...0 ભાડૂતી બંગલો


દાસી જીવણ જાઓ ગુરુજીને ચરણે;
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ...0 ભાડૂતી બંગલો

મોરલો મરતલોકમાં આવ્યો

મોર, તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો;
મોરલો મરતલોકમાં આવ્યો.


લાલ ને પીળો મોરલો અજબ રંગીલો;
વર થકી આવે વેલો;
સતી રે સુહાગણ સુંદરી રે;
સૂતો તારો શેર જગાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..


ઇંગલા ને પિંગલા મેરી અરજું કરે છે રે;
હજી રે નાથજી કેમ નાવ્યો;
કાં તો શામળીયે છેતર્યો ને કાં તો;
ઘર રે ધંધામાં ઘેરાયો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.- મોર, તું તો..

મનવો હુઓ રે બૈરાગી
મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી,
મારી લય તો ભજનમાં લાગી રે.
સંસાર ને સાર સર્વે વિસરીયો,
બેઠો રે સંસારીયો ત્યાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
કામને કાજનું એ કાઢવા રે લાગે,
મનડાની મમતા જાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
મંત્ર સજીવન શ્રવણે સાંભળીયો રે,
મુરલી મધુરી ધૂન લાગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
રાજ મોરાર ને રવિ ગુરૂ મળીયા,
ભક્તિ ચરણની માગી રે.
મનવો હુઓ રે બૈરાગી..
દેવાયત પંડિત ના ભજન
વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ

 
વીરા પાતર પરખ્યા વિના સંગડો ન કરીએ હો જી,

ઓલ્યા સરગની ઉપાધિ કરશે હા...


વીરા હિમનો ડરેલ એક ઉંદર હતો જી હો જી,

તેને હંસલે પાંખુમાં લીધો...હા,


વીરા ટાઢ રે ઊતરીને હંસની પાંખુ રે કાપી જી,

પાંખુ પાડી તે અળગો થયો રે હા.


વીરા સજીવનમંત્ર એક વિપ્રે રે ભણીયો જી હો જી,

તેણે મુવેલો વાઘ જીવાડયો ...હા,


વીરા ઈ રે વાઘ રે વિપ્રને માર્યો જી હો જી,

પડકારીને પેલે રે થાપે રે હા.


વીરા દુધ ને સાકર લઈને વસિયલ સેવ્યો જી હો જી,

તનમનથી વખડાં નવ છાંડયા...હા,


વીરા અજ્ઞાની જીવને તો જ્ઞાન નહીં આવે જી હો જી,

ભલે વાંચીને વેદ સંભળાવે હા.


વીરા ભવના ભુખ્યા રે નર તો ભમે રે ભટકતાં જી,

એના લેખ તો લખાણા હોય અવળા રે હા,


દેવલ ચરણે દેવાયત પંડિત બોલિયાં જી,

ઈતો સમજેલ નરથી સવાયા હા.

વીરા અંગના ઉજળા બગલા મનના મેલા

વીરા અંગના ઉજળા બગલા મનના મેલા,

ઈ તો ધ્યાન સંતો જેવા ધરશે હા,


વીરા ભિક્ષા કારણ બગલો ભક્ષણ લાવે,

ઈ તો ચાંચેથી મછિયાં ખાવે રે,


ખભે કાવડ આદરી ધોરી ધમરા ઝીલે ભાર,

એ... મન જેણે માર્યા રે જી.


ખમયલનું ભાઈ ખાંડુ બાંધો,

બાંધો શીલ બરછી હથિયાર.


પંદર કરોડની મંડળી જેના પ્રહલાદરાજા મુખિયાર,

દશ કરોડના મન ડગી ગયા,

કરોડ પાંચ ચડ્યા નિર્વાણ.


છવ્વીસ કરોડની મંડળી જેના હરિશ્ચંદ્રરાજા મુખિયાર,

અઢાર કરોડના મન ડગી ગયા,

કરોડ નવ ચડયા નિર્વાણ.


છત્રીસ કરોડની મંડળી જેના બલીરાજા મુખિયાર,

ચોવીસ કરોડના મન ડગી ગયા,

કરોડ બાર ચડયા નિર્વાણ.


જે ઘેર નારી કુંભારજા, એ તો કરે પરની આશ,

ઇ ભાઈઓની વેલડી એમ ફળે,

જેમ ફળે ચોરાશીની ખાણ.


જે ઘેર નારી શીલવંતી, તે મા'લે દેવને દ્વાર,

ભાઈઓની વેલડી એમ ફળે,

જેમ ફળે આંબાની શાખ.


કળજુગ આંબો એમ ફળ્યો,

જેના ફળ ચાખશે શશિયાર,

શીલ સંતોષી ખમાવાળા, મારા સાહેવના છડીદાર.


પાંચા, સાતા, નવા, બારા, કરોડ તેત્રીસનો આધાર,

દેવાયત પંડિત બોલ્યા, ઈ પંથ ખાંડાની ધાર.

દેવાયત પંડિત દા'ડા દાખવે

દેવાયત પંડિત દા'ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.


પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.


ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.


પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.


ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.


કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.


જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,

ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.


કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,

કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, નકળંક ધરશે નામ,

દેવાયત પંડિત એમ બોલ્યા, ઈ છે આગમનાં એંધાણ.

ગુરૂ તારો પાર ન પાયો રે

ગુરૂ તારો પાર ન પાયો રે,

પ્રૂથ્વી માલેક તારો પાર ન પાયો રે,

હા રે હા ગવરીપુત્ર ગણેશ દેવને સમરોજી, સમરો શારદા માત.


હા રે હા જમીન આસમાન મુળ વિના માંડયું જી,

થંભ વિના આભ ઠેરાવ્યો રે.


હા રે હા સુન શિખર ગઢ અલક અખેડાજી,

વરસે નુર સવાયો રે.


હા રે હા ઝળહળ જયોતું દેવા તારી ઝળકેજી,

દરશન વિરલે પાયો રે.


હા રે હા શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલ્યા જી,

સંતનો બેડલો સવાયો રે.

લોભી આતમને સમજાવો રે

લોભી આતમને સમજાવો રે,

મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે જી.


હંસલા મેલીને બગલાને કોણ સેવેજી,

બગલા બાહેર ધોળા ને મનના મેલા રે.


હીરલા મેલીને પથરાને કોણ સેવેજી,

પથરા ઉપર ભીના ને અંદર કોરા રે.


કેસર મેલીને કેસુડાને કોણ સેવેજી,

કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે.


સુગરા મેલીને નુગરાને કોણ સેવેજી,

નુગરા નિશ્ચે નરકે લઈ જાય.


શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા,

મારા સંતનો બેડલો સવાયો રે.

ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા

એ ધણીની વાટુ જોતા ધણીનો મારગડો નિહાળતા,

અસલ જુગ તો જતા રિયા,

એવી દીધી વાસા પાળો અમ ઘરે આવો આતમરામજી.


આકાશે દેવતા સમરે, હા એ ધણીને પાતાળે ભોરીંગ,

માનવી મ્રૂતલોક સમરે, સમરે સરગાપરનો નાથ.


અંતક્રોડે સાધુ સમરે, હા એ ધણીની મેઘ જપે માળા,

વિશ્વાસ ઊભી વાટનો ભાઈ, એને કંઠડે વરમાળ.


સાહેબના મોલ હીરે જડિયા, હા રે ધણીના રત્ન જડિયા થંભા,

મીરા મો'લ પધારેશે ભાઈ, એને ટોડે નહીં તાળા.


પશ્ચિમના ધણી પાટે પધારો, હા રે જુગપતિ દીધી વાસા પાળો,

લીલુડે ઘોડે ચડી ભાઈ હંસલે ઘોડે ચડી, તારી મેદની સંભાળો.


બોલિયા દેવાયત પંડિત, હા રે જુગમાં કરો જેજેકાર,

કાળીંગારો કોપ ટાળો, સાહેબ સતશણગાર.

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર

પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે એંશી હજાર-લાખ જોધાર હો જી,

ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી, ભગવા નિશાન ફરકશે હો જી.


ઉતરખંડથી હનુમો ચડશે એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

રાતા છે ઘોડા ને રાતી છે ટોળી, રાતા નિશાન ફરકશે હો જી.


પાતાલદેશથી કાળીનાગ ચડશે, એંસી હજાર-લાખ ઘોડા રે હો જી,

કાળા છે ઘોડા ને કાળી છે ટોપી, કાળા નિશાન ફરકશે હો જી.


બાર બાર મણની કમાનુ ઝાલશે, તેર તેર મણના ભલકા હો જી,

હનુમાન જોધા ત્યાં જઈ લડશે, કાળીંગાને મારશે હો જી.


બાર બાર મણના ડંકા ઝીલશે, જઈ પાવે પહોંચાડશે હો જી,

પાવાનો પતાઈ રાજ કરશે, તે દિ' કાળીંગાને મારશે હો જી.


અમદાવાદથી પાવા સુધી, પિતળની ધાણી મંડાશે હો જી,

કુડીયા કપટીયા ભુવા, પાવરિયાને ધાણીએ ધાલશે હો જી.


સોળ કળાનો સુરજ ઊગશે, તે દિ' તાંબાવરણી ધરતી થશે હો જી,

નવસે નવાણુ નદીઓ તુટી જશે, તે દિ' રેવાજી પાઘડી પને થશેજી.


મેઘાને માથે સોનાનુ બેડુ, તે દિ' નકળંગ નાળિયેર ઝિલશે,

આબુગઢ જુનાગઢ તોરણ બંધાશે, તે દિ' નકળંગ નાર પરણશે.


સોળ સે સતાણુ વરસ, અઠાણુ નવાણુ સાલમાં થશે હો જી,

દેવાયત પંડિત ઈમ વદે, તે દિ' નકળંગ નાર પરણશે હો જી.

લીરબાઈ ના ભજન
રમતો જોગી રે કયાંથી આવ્યો

રમતો જોગી રે કયાંથી આવ્યો,

આવી મારી નગરીમાં અલખ જગાયો રે,

વેરાગણ હું તો બની.


કાચી કેરી રે આંબા ડાળે,

એની રક્ષા કરે કોયલરાણી રે.


કોરી ગાગર રે ઠંડા પાણી,

એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.


કાન મેં કુંડળ રે જટાધારી,

એને નમણું કરે નર ને નારી રે.


બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,

મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.

આ જુગ જાગો હો જી

આ જુગ જાગો હો જી,

મોટા મુનીવર ને સાધુ તેડાવો,

બેની મારા ભાયલા હો જી.


ઘરનો ઉંબરો ઓળાંડી ન શકો તો,

તમે પારકે મંદિરીયે શીદને મા'લો.


ઘરનો દીવડિયો તમે વાસી ન શકો તો,

પારકે મંદિરીયે જયોતું શીદને પરકાશો.


નદી ને નાળા જો તાગી ન શકો તો,

તમે સમદર કાયકુ હિલોળો.


વીંછીની વેદના ખમી ન શકો તો,

તમે વસીયલને શીદને જગાડો.


લીરબાઈ કે'છે ઈ તો સતની કમાયું,

કરીને ઉતરજો ભવપાર હો જી.

હા રે ગુરૂજી સતની વેલડીએ

હા રે ગુરૂજી સતની વેલડીએ,

એવા રૂડાં દત્તફળ લાગ્યા રે.


બીજ વેરતી બીજક જાણી વાવી છે વિશ્વાસ આણી,

કરણીના કયારા બાંધ્યા ને,

પ્રેમના સિંચ્યા છે પાણી જી.


ઊગી છે અમરવેલી એણે,

પાડુ તો પિયાળે મેલી,

ફાલીને ફુલી છે નિજિયા ધરમની વેલી જી.


ભાયલાના ભાગ્ય જાગ્યા,

વેલડીએ દત્તફળ લાગ્યા,

મુમના માલે અમરાપરમાં મોંઘા જી.


વાત તો પ્રહલાદે જાણી,

રાજા હરિશ્ચંદ્ર તારાદે રાણી,

પાંચ પાંડવ દ્રૌપદી રાજા બલિને ઓળખાણી જી.


ભાયલાસુ ભાવ રાખી,

ડાળ્યું મેલી ફળ ચાખો,

સતગુરૂ પરતાપે બોલિયા લીરબાઈ,

ચિત્ત હરીચરણે રાખો જી.

હા રે ગુરૂજી આજ મારે આંગણે

હા રે ગુરૂજી આજ મારે આંગણે,

મોટા મુનીવર મળ્યા હો જી.


બીજ થાવર રેન રૂડી,

જામાની જુગત જડી,

આજે વરતાણી મારે આનંદની ઘડી હો જી.


આવતાને આદર દીજે,

પગ ધોઈ પાહોળ લીજે,

એવી રે કમાણીમાં મારો સાયબોજી રીઝે હો જી.


પાટ માંડી કળશ થાપિયા,

જાગી જયોત જુગત જાણી,

કોળીને પાહોળ આપણી ગત્યમાં વરતાણી હો જી.


મોતીડાના ચોક પુરી બેઠા છે ધણીના નુરી,

કરી લ્યો ને કમાયું વેળા જાય છે રે વઈ હો જી.


સાધુ આગળ હાથ જોડી, આવી દ્વાર ખડી,

બોલિયા લીરબાઈ અમને વસ્તુ અમર રે જડી હો જી.

કાયા કેરી કોટડી એમાં મન વણઝારો

કાયા કેરી કોટડી એમાં મન વણઝારો,

શબદની ગુંજયું કરી લેજો,

શબદુના લાલ સોદાગર વીરા મારા,

હીરા દેખી વણજુ કરી લેજો.


તન કેરા ત્રાજવા મન કેરા તોલાં,

હિરલા પદારથ તોળી લોજો,

ધારણે બેઠો મારો વીરો વણઝારો,

નમતેરી ધારણા લેજો.


મેલા મનને ફુલ ફટકતા રે'વે,

ઉન ભાયલાથી ન્યારા રે'જો,

આપ ડુબે ઓરનકુ ડુબાવે,

એને ટાળા દઈને તરજો.


આપકુ તારે ઓરનકુ તારે,

એને દલડાની ગુંજયું કે'જો,

ગુઢા ગરવા સાયરા સરખા,

સો ભાયલા ભેળા રે'જો.


માજમ રાત્યની હુઈ મશાલું,

ધ્યાન ધણીનું ધરજો,

દોય કર જોડી લીરબાઈ બોલ્યા,

સહેજે સહેજે તમે તરજો.

જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો

જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો,

જેને વિશ્વબંધુએ વખાણે હા.


જી રે વીરા... કુબુધ્ધિરૂપી કોયલા કરોડો આ કાયામાં,

એને તમે બ્રહ્માગ્નિથી પરજાળો રે હા.


જી રે વીરા... ધુમાડો ધુંધવે ત્યાં લગી ધારણા રાખો,

પછી એને બાંધી કઠણ તાએ તાવો.


જી રે વીરા... બંકનાળેથી ધમણ ધમાવો,

ઉલટા પવન સુલટ ચલાવો હા.


જી રે વીરા... આવા આવા ઘાટ તમે સંસારમાં ઘડજો,

તો તમે ખોટ જરિયે ન ખાશો હા.


ગુરૂના પરતાપે સતી લીરબાઈ બોલિયાં,

ત્યારે તમે સાચા કસબી ગણાશો.


મીરાબાઈ ના ભજન
મુખડાની માયા લાગી

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા મુખડાની માયા

ઝેર તો પીધા જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ગોવિંદો પ્રાણ અમારો

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસગોવિંદો

રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથગોવિંદો

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથગોવિંદો….

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથગોવિંદો

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષગોવિંદો

ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંયગોવિંદો….

સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….

ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો

મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂરગોવિંદો

જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

મેરે તો ગિરિધર ગોપાલ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ મેરે તો

ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ મેરે તો

ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ મેરે તો

દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ મેરે તો

અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ મેરે તો

કર્મનો સંગાથી

હે કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી

એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેરકર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાયકર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી

એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટકર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેરકર્મનો સંગાથી.

એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેરકર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્યકર્મનો સંગાથી

રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસકર્મનો સંગાથી.

 મારે જાવું હરિ મળવાને

માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને,
હરિ મળવાને, પ્રભુ મળવાને ... માછીડા હોડી હંકાર.
તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ,
સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર ... મારે જાવું.
આણી તીર ગંગા ને પેલી તીર જમના, વચમાં વસે નંદલાલ,
કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ ... મારે જાવું.
વૃંદાવનની કુંજગલીનમાં, ગોપી સંગ રાસ રમનાર,
બાઈ મીરાં કહે ગિરિધર નાગર, કૃષ્ણ ઉતારો પેલે પાર ... મારે જાવું.
 
આવો તો રામરસ પીજીએ

આવો તો રામરસ પીજીએ
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.
તજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લહાવો લીજીએ ... હો ભાગ્યશાળી.
મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દૂર કરી દીજીએ ... હો ભાગ્યશાળી.
દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીએ ... હો ભાગ્યશાળી.
રામનામ રીઝીએ, આનંદ લીજીએ,
દુર્જનિયાંથી ન બ્હીજીએ ... હો ભાગ્યશાળી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીએ ... હો ભાગ્યશાળી.
પાયોજી મેને

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો પાયોજી મેને

રામ રાખે તેમ રહીએ

રામ રાખે તેમ રહીએ, ઓધવજીરામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએરામ રાખે તેમ રહીએ

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએઓધવજી, રામ રાખે તેમ રહીએ

પગ ઘુંઘરું બાંધી નાચી રે

પગે ઘુંઘરું બાંધી નાચી રે ટેક

મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે પગ

લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે પગ

વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે પગ

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે પગ

એ રી મૈં તો પ્રેમદિવાની
એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ ... એ રી મૈં તો પ્રેમદિવાની.

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.


ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા
નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ,
પ્રેમ થકી અમને પ્રભુજી મળ્યા હો જી.

આણી તીરે ગંગા વ્હાલા! પેલી તીરે જમના,
વચમાં ગોકુળિયું રૂડું ગામ રે ... પ્રેમ થકી.

વૃંદા તે વનના ચોકે રાસ રચ્યો છે, વ્હાલા!
સોળસે ગોપીમાં ઘેલો કાન રે ... પ્રેમ થકી.

અન્ન ન ભાવે, નયણે નિંદ્રા ન આવે, વહાલા!
સેજે પધારો સુંદરશ્યામ રે ... પ્રેમ થકી.

બાઈ મીરાં કે પ્રભુ! ગિરિધરના ગુણ વહાલા!
છેલ્લી ઘડીના રામોરામ રે ... પ્રેમ થકી.
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,
રાતી કરું, ગીત ગાતી ફરું ... હું રોઈ રોઈ.
અન્ય કોઈ મારી નજરે ન આવે,
વર તો એક ગિરિધારી વરું ... હું રોઈ રોઈ.

સેવા ને સ્મરણ એનું જ નિશદિન,
હૃદયકમળમાં ધ્યાન ધરું ... હું રોઈ રોઈ.


મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ગંગા-જમનામાં ન્હાતી ફરું ... હું રોઈ રોઈ.
હરિ વસે છે હરિના જનમાં
હાં રે હરિ વસે હરિના જનમાં
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? હરિ.

ભેખ ધરીને તમે શીદ ભટકો છો?
પ્રભુ નથી વન કે અરણ્યમાં રે ... હરિ.


કાશી જાઓ ને તમે ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી પવનમાં રે ... હરિ.

જોગ કરો ને ભલે જગન કરાવો,
પ્રભુ નથી હોમ હવનમાં રે ... હરિ.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિના જનમાં રે ... હરિ.
સુખ છે તમારા શરણમાં
પ્રભુ વિના બીજે ક્યાંયે સુખ નથી, હો શામળિયાજી
સુખ છે તમારા શરણમાં.

સુખ છે તમારા શરણમાં,
એ મારા ગુરુ એ કહ્યું કરણમાં ... હો શામળિયાજી!

જપતપ તીરથ મારે ચારે પદારથ,
એ સૌ આપના છે ચરણમાં ... હો શામળિયાજી.
પ્રેમ કરીને હૃદયમંદિરે, પધારો - વ્હાલા!
ન જોશો જાત કુળ વરણમાં ... હો શામળિયાજી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!
આડે આવજો મારા મરણમાં ... હો શામળિયાજી.
રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી
ને રામ રમકડું જડિયું

રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું
નહિ કોઈના હાથે ઘડિયું રે
મને રામ રમકડું જડિયું

મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે
મને રામ રમકડું જડિયું

સૂના શિખરના ઘાટથી ઉપર
અગમ અગોચર નામ પડિયું રે
મને રામ રમકડું જડિયું

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર
મન મારું શામળિયા સંગ જડિયું રે
મને રામ રમકડું જડિયું
રામદેવપીર ના ભજન
રામદેવપીરની આરતી

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળેપીછમ ધરાસુ

ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે

વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે

દૂરા રે દેશાસુ બાબા આવે તારે જાતરી
સમાધી કે આગે આવી નમન કરે
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે

હરિ શરણાં મે ભાટી હરજી તો બોલ્યા
નવા રે ખંડા મે નિશાન ફીરે
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે
રામદેવપીરની ધુન

આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર
આ દ્વારકાધીશના અંશકારીરામદેવપીર જય રામદેવપીર
આ નકલંક છે નેજાધારીરામદેવપીર જય રામદેવપીર
આ દિવ્ય વિભુતી અમત્કારીરામદેવપીર જય રામદેવપીર
આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ આવ્યા પોકરણગઢ નગરીરામદેવપીર જય રામદેવપીર
આ પ્રગટ્યા કંકુ પગલા કરીરામદેવપીર જય રામદેવપીર
આ પારણિયે પોઢ્યા હરીરામદેવપીર જય રામદેવપીર
આ પ્રભુ પધારિયા કૃપા કરીરામદેવપીર જય રામદેવપીર
આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ કનક આભુષણધારીરામદેવપીર જય રામદેવપીર
આ મખમલના જામધારીરામદેવપીર જય રામદેવપીર
આ શસ્ત્ર ખડગ ભાલાધારીરામદેવપીર જય રામદેવપીર
આ શત્રુ કાજ પ્રલયકારીરામદેવપીર જય રામદેવપીર
આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ અજુકત અતુલ બળધારીરામદેવપીર જય રામદેવપીર
આ દેવશ્રી અસિમદયા ધારીરામદેવપીર જય રામદેવપીર
આ સૃષ્ટિ તણા કલ્યાણકારીરામદેવપીર જય રામદેવપીર
આ પરદુઃખે પરોપકારીરામદેવપીર જય રામદેવપીર
આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો

આ દૃષ્ટોના દમનકારીરામદેવપીર જય રામદેવપીર
આ દિન તણા રક્ષણકારીરામદેવપીર જય રામદેવપીર
આ ભક્તોના તારનહારીરામદેવપીર જય રામદેવપીર
આ જનજનના પાલનકારીરામદેવપીર જય રામદેવપીર
આ અલખધણીના અવતારીરામદેવપીર જય રામદેવપીર

ભાવિક ભક્તો ભાવધારી રામાપીરની જય બોલો
શ્રધ્ધાળુ સૌ નરનારી હિંદવાપીરની જય બોલો
 રમો રમો રામદેવ

રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી
જીવો રામદેવજીજીવો રામદેવજીરમો રમો રામદેવ
સમરો બાર બીજના પતિ

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
એની અદ્ભુત છે રે ગતિસમરો બાર બીજના પતિ… (૩)

લીલા ઘોડે પીર રામદેવ બેઠા ધરમની ધજા ફરકતી
ગત ગંગા આરાધે પીરને…(૨) મળી જતીને સતી….
સમરો બાર બીજના પતિ… (૩)

નવ રે ખંડમાં નોબત વાગે અખંડ જ્યોતિ જરકતી
સોનાની ચાખડીને ભમરીયો ભાલો શોભે તાજયતિ
સમરો બાર બીજના પતિ… (૩)

અનેક ભક્તોના દુઃખડા ટાળ્યા, ટાળી છે વીપતી
મુવા ભાણેજ સજીવન કર્યો હરખે બેની હરખતી
સમરો બાર બીજના પતિ… (૩)

મોટા મોટા શીશ નમાવે, ભાવે દુનિયા ભજતી
પરગટ પીરના પરગટ પરચા ઠેરઠેર સ્થાપના થતી
સમરો બાર બીજના પતિ… (૩)

નરનારી મળી ઉતારે આરતી મુર્તિ સુંદર શોભતિ
દાસ કાશી ગુરૂ પ્રતાપે ચાહું શરણાગતિ
સમરો બાર બીજના પતિ… (૩)

સમરો બાર બીજના પતિ, બાર બીજના પતિ,
એની અદ્ભુત છે રે ગતિસમરો બાર બીજના પતિ… (૩)
 
રામ રુણીચા કે મેરે બાબા

રામ રુણીચા કે મેરે બાબા દયા મહેર કરો,
આપ બીન કૌન સુને આપ જરા ગૌર કરો.

કૌન હૈ આપ સા દાતા જો સુને મેરી બાબા,
બાત હે જૈસી ભી જો આપ સંભાલો બાબા.
સબકી સુન લેતે હૈ તો અબ મુજપે ભી વિચાર કરો
રામ રુણીચા કે મેરે બાબા દયા મહેર કરો

કૌન સા ભાર હૈ પ્રભુ મેરા આપકે ચરણો મે,
લાખો પલતે હૈ આજ આપકે ચરણો મે.
અપને ચાકર કી પ્રભુ અબ તો કુછ સંભાલ કરો,
રામ રુણીચા કે મેરે બાબા દયા મહેર કરો

છોડકર આપકા દર ઔર કહા જાઊ બાબા,
કૌન ઐસા હૈ જો દુઃખ મેરા મીટા દેવે બાબા.
મુલ નાદાન કી પરખ આપ અબ ન ઔર કરો,
રામ રુણીચા કે મેરે બાબા દયા મહેર કરો
રામાપીરનો હેલો

એ હરજી હાલો દેવળે, ને પુજવા રામાપીર
એ કોઢીયાના કોઢ મટાડ્યા, બાબો સાજા કરે શરીર

હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

હેલો મારો સાંભળો રણુંજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક,
પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક.
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

વાણીયોને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય.
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ઉચી ઉચી ઝાંડીયુને વસમી છે વાટ,
બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ઉંચા ઉંચા ડુંગરાને વચમાં છે ઝોર,
મારી નાખ્યો વાંણીયોને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ઉભી ઉભી અબળા કરે રે પોકાર
સોગઠે રમતા પીરને કાને ગયો સાદ.
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
વાણીયાને વહારે થયા રામદેવ પીર.
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ઉઠ ઉઠ અબળા ધડ-માથુ જોડ,
ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખઈશ,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

આંખે કરુ આંધળોને ડીલે કાઢું કોઢ,
દુનિયા જાણે પીર રામદેવનો ચોર,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

ગાઈ દલુ વાણીયો ભલી રાખી ટેક,
આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ,
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી

હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો જીહે જી રે મારો હેલો સાંભળો જી
ધૂપને રે ધુમાડે

હે એવા આરતીને ટાણે રે વેલા આવજો,
હે આવજો આવજો અજમલનાં કુંવર રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો..
હે એવા માતા મીનળ તે કાગળ મોકલે,
હે સગુણાબેની જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો..
હે એવા પિતા અજમલજી કાગળ મોકલે,
હે વિરમદેવજી જુએ તમારી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો..
હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે,
હે દાણીબાઈ જુએ ઝાઝેરી વાટ રે..
રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો..
વાગે ભડાકા ભારી
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી.....
બાર બીજનાં ધણીને સમરું, નકલંકી નેજાધારી રે,
ભજનના વાગે ભડાકા ભારી....
ધ્રૃવ રાજાને અમર રાખ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી,
સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરીએ ન્હોર વધારી,
ભજનના વાગે ભડાકા ભારી.....
સતી રુપાંદેનું સત રાખવા, માળી બન્યાં છે મુરારિ,
માલે રુપાનાં હેરણા હેર્યાં,આરાધે મોજડી ઉતારી,
ભજનના વાગે ભડાકા ભારી....
તોળી રાણીએ ત્રણ નર તાર્યા,જેસલ ઘરડાની નાર,
સુધન્વાને બળતો ઠાર્યો, કકડતાં તેલ જ ઠારી,
ભજનના વાગે ભડાકા ભારી....
પળ પળ પીર રામદેને સમરું, તું છો મારે અલેક અવતારી,
દોઈ કર જોડી ભાઠી હરજી બોલ્યાં, ધણી ધાર્યો નેજાધારી,
ભજનના વાગે ભડાકા ભારી....
વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી,
ભજનના વાગે ભડાકા ભારી.....  
     
સુવિચાર
પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે.
સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે.
મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.

જમા જાગરણનો

જમા જાગરણનો કુંભ સ્થપાયા અમને મલિઆ જતી-સતી
કે ગરવા પાટે પધારો ગણપતિ ....... ગરવા
નિજ્યા પંથના મંડપ રોપ્યો ધર્મ ધજા ફરકતી
ગત ગંગા આરાધે દાતા નાર નારી એક મતિ..... ગરવા
વેદ ભણતા બ્રહ્મા આવ્યા આવ્યા માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સંગમાં માતા પાર્વતી સતી ..... ગરવા
તેત્રીશ કોટી દેવ આવ્યા આવ્યા શ્રી લક્ષ્મીપતિ
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યા હનુંમોજાતી ..... ગરવા
નવનાથ ને સિદ્ધ ચોરાસી આવ્યા શ્રી ગોરખજતી
પોકરનગઢથી પીર રામદે પધાર્યા બારબીજના પતિ ..... ગરવા
કેશવ તમને વિનવે સ્વામી મંગળ કરો મુરતી
ધૂપ-દીપ જળહળતી જ્યોતિ ઉતારું આરતી ..... ગરવા

સમય મારો સાધજે વ્હાલા

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો.

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો.

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીતછોડે પ્રાણ. ….. સમય મારો.

પ્રભુ તારું ગીત મારે ગાવું છે

પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પીવું છે પ્રભુ તારું ગીત

આવે જીવનમાં તડકા ને છાંયા
માંગુ છું પ્રભુ તારી જ માયા
ભક્તિના રસમાં ન્હાવું છે પ્રભુ તારું ગીત

ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે પ્રભુ તારું ગીત

તું વીતરાગી હું અનુરાગી
તારા ભજનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે પ્રભુ તારું ગીત

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી

જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

માબાપને ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી

કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી

લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી

લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી

સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી

ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.

ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ,
અબ રૈન કહાં જો સોવત હૈ.

જો સોવત હૈ સો ખોવત હૈઓ,
જો જાગત હૈ સો પાવત હૈ…….

ટુક નીંદસે અંખિયાં ખોલ જરા,
ઓ ગાફિલ રબસે ધ્યાન લગા.
યહ પ્રીત  કરનકી રીત નહીં,
રબ જાગત હૈ તૂ સોવત હૈ……

અય જાન, ભુગત કરની અપની,
ઓ પાપી, પાપમેં ચૈન કહાં?
જબ પાપકી ગઠરી સીસ ધરી,
ફિર સીસ પકડ ક્યોં રોવત હૈ?

જો કાલ કરે સો આજ કર લે.
જો આજ કરે સો અબ કર લે,
જબ ચિડિયન ખેતી ચુગિ ડાલી,
ફિર પછતાયે ક્યા હોવત હૈ?

પગ મને ધોવા દ્યો

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી
પ્રભુ મને શક પડ્યો મનમાંહ્ય, પગ મને ધોવા દ્યો

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા,
ગુહ બોલ્યો ગમ ખાઈપગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની,
આજીવિકા ટળી જાય પગ મને.

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે,
ભણેલ ભૂલી જાય ! પગ મને.

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી,
પગ પખાળી જાય પગ મને.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે,
શું લેશો ઉતરાઈ’ … પગ મને.

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
કાગલ્યે નહિ ખારવાની,
ખારવો ઉતરાઈ પગ મને.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું

 
ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ

 
ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજનકૃષ્ણનું નામ..

ગુરુજીના નામની માળા

સદાય ભવાની સહાય કરો, ને સન્મુખ વસો ગણેશ
પંચ દેવ મળીને રક્ષા કરો, હો.. ગુરુ બહ્મા વિષ્ણુ મહેશ

ગુરુ ગોવિંદ દોનો ખડે, ને કિસકો લાગુ પાય..
બલીહારી ગુરુ આપની, જિન્હે ગોવિંદ દિયો બતાય..

ગુરુજીના નામની હોમાળા છે ડોકમાં
નારાયણ નામની હોમાળા છે ડોકમાં

જુઠુ બોલાય નહીં, ખોટુ લેવાય નહીં
અવળુ ચલાય નહીં હોમાળા છે ડોકમાં

ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં
કોઇને દુભવાય નહીં હોમાળા છે ડોકમાં

પરને પીડાય નહીં, હું પદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હોમાળા છે ડોકમાં

ધન સંધરાય નહીં, એકલા ખવાય નહીં
ભેદ રખાય નહીં હોમાળા છે ડોકમાં

હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં
હે નારાયણ ભૂલાય નહીં હો.. માળા છે ડોકમાં

 
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની
ધૂણી રે ધખાવી બેલી

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની
ધૂણી રે ધખાવી બેલી

મારા રામ, તમે સીતાજીને તોલે ન આવો

રામ રામ રામ
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો

તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તોયે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો

મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે

રંગાઇ જાને રંગમાં

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

રાખનાં રમકડાં

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં

રામદેવપીર નો હેલો

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

વાણીયો ને વાણીયણ જાત્રાએ જાય,
માલ દેખી ચોર વાંહે વાંહે જાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

ઊંચી ઊંચી ઝાડીઓ ને વસમી છે વાટ,
બે હતા વાણીયા ને ત્રીજો મળ્યો ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

ઉંચા ઉંચા ડુંગરા ને વચમાં ચોર,
મારી નાખ્યો વાણીયો ને માલ લઈ ગ્યા ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

ઉભી ઉભી અબળા કરે રે પોકાર,
સોગઠે રમતા વીરને કાને ગ્યો અવાજ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

લીલુડો છે ઘોડલો ને હાથમાં તીર,
વાણીયાની વ્હારે ચડ્યા રામદેવપીર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

હેલો મારો સાંભળો,રણુંજાના રાજ
હુકમ કરો તો વીર જાત્રાયુ થાય,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

ઊઠ ઊઠ અબળા તુ ધડ-માથું જોડ,
ત્રણેય ભૂવનમાંથી ગોતી લાવુ ચોર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જાઈશ,
વાણીયાનો માલ તુ કેટલા દાડા ખાઈશ,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

હો હો હેલો મારો સાંભળો,
રણુંજાના રાજા,અજમલજીના બેટા,
વિરમદે ના વીરા,રાણી નેસલ ના ભરથાર,
મારો હેલો સાંભળો હો હો હો હો જી

શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી

આવકારો મીઠો આપજે રે

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠોઆપજે રે જી

હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડુંકાપજે રે જી………

માનવીની પાસે કોઈ….માનવી ન આવેરે……(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…. આપજે રે….જી….

કેમ તમે આવ્યા છો ?…એમ નવ કેજેરે……(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠોઆપજે રે….જી….

વાતું એની સાંભળીનેઆડું નવ જોજે….રે……(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠોઆપજે રે….જી….

કાગએને પાણી પાજેસાથે બેસી ખાજે..રે….(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠોઆપજે રે….જી….

તમે મારાં દેવનાં દીધેલ છો

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

માદેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
માદેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

માદેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રેબાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. તમે…..

સમજણ વિના રે સુખ નહીં જંતને રે

સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે કવિ ઊગે રે નિજ ગુરુજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.. સમજણ..

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતા રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.. સમજણ..

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે,
એને લઈ રૂમાં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. સમજણ..

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણીરહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. સમજણ..

કોઇ લાખ કરે ચતુરાઇ

કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા લેખ મિટે ના રે ભાઇ
જરા સમજો ઇસકી સચ્ચાઇ રે, કરમકા લેખ મિટે ના રે ભાઇ.
ઇસ દુનિયામેં ભાગ્યસે આગે, ચલે ન કિસીકા ઉપાય.

કાગજ હો તો સબ કોઇ બાંચે, કરમ ન બાંચા જાય,
એક દિન કિસ્મતકે કારણ બનમેં ચલે રઘુરાઇ.
કરમકા લેખ મિટે ના રે ભાઇકોઇ

હરિશ્ચંદ્રને સતકે કારણ, રાજ કો ઠોકર લગાઇ,
કરમકા લેખ મિટે ના રે ભાઇકોઇ

કાહે તૂ મનવા ધીરજ ખોતા, કાહે તૂ નાહક રોય,
અપના સોચા કભી નહીં હોતા, ભાગ્ય કરે સો હોય.
ચાહે હો રાજા, ચાહે ભિખારી, ઠોકર સભીને યહાં ખાઇકોઇ

જરા સમજો ઇસકી સચ્ચાઇ રે, કરમકા લેખ મિટે ના રે ભાઇ.
કોઇ લાખ કરે ચતુરાઇ, કરમકા લેખ મિટે ના રે ભાઇ

તારી એક એક પળ જાય

તારી એક એક પળ જાય સવા લાખની,
તું તો માળા રે જપી લે મારા રામની,

સાથે આવ્યો શું લઈ જશો? આવ્યો તેવા ખાલી જશો;
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી... તું તો માળા...

જૂઠા જગના જૂઠા ખેલ, મનવા ! મારું તારું મેલ,
તું તો છોડી દે ચિંતા આખા ગામની... તું તો માળા...

રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાનો ચોર,
મેં તો મૂર્તિ જોઈ છે મારા રામની... તું તો માળા...

ભક્તિ ખાંડા કેરી ધાર, ઊંઘણશિનું નહિ કામ;
હાંરે મને લાગી રે લગન, આંખે આંસુડાંની હેલી,
નંદુ ચેતીને તું ચાલ યમ તણા મારથી... તું તો માળા...

દલડાં સંભારો તમે, હ્ર્દયે વિચારો આપણાં,
પૂરવ જનમનાં સમાચારને(૨)

પેલા પેલા ભવમાં રાણી
 
પેલા પેલા ભવમાં રાણી,
તમે હતાં મેના ને અમે રે પોપટ રાજા રામનાં(૨)
પારધીએ આવી અમને ફાંસલો નાખ્યો ને
ફાંસલે વીંધાણા મારા પ્રાણ રાણી પીંગળા,
ઈ રે કારણીયે હું મરણ જ પામ્યો ને,
 
તું કેમ નાવી મારી રાણી પીંગળા…… દલડાં(૨)

બીજા બીજા ભવમાં રાણી,
તમે હતાં મૃગલી ને અમે હતાં મૃગ સરદાર રે (૨)
કદલી રે વનમાં ચારો ચરવાંને ગ્યાં ત્યારે
પારધીએ મારેલાં બાણ રાણી પીંગળા
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને
તું કેમ નાવી મારી સાથ રાણી પીંગળા હો.. દલડાં(૨)

ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તમે હતાં બ્રાહ્મણીને અમે હતાં પંડિતરાય રે
િવજીને કારણે, ફૂલ વીણવાં ગ્યાં ત્યારે
ડસેલો કળૂડો નાગ રે..
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને..(૨)

ચોથા ચોથા ભવમાં રાણી,
તમે તો પીંગળા ને અમે રે ભરથરી રાય રે (૨)
ચાર ચાર જુગના રાણી ઘરોવાસ ભોગવ્યાં તો યે
તું ના ચાલી મારી સાથ રે .. રાણી પીંગળા(૨)

કાયાને કારણે મેં ભેખ જ લીધો ને (૨)
ભિક્ષા દિયોને મોરી માય રાણી પીંગળા…. હો દલડાં સંભારો (૨)
હરી તુ ગાડું મારું

હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું

મનનો મોરલિયો
મનનો મોરલિયો રટે તારું નામ
મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ

એકવાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝૂંપડીએ આવો રાધેશ્યામ

સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશ
સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશ
રાત દિવસ મને સુઝે નહીં કામ
મારી ઝૂંપડીએ આવો રાધેશ્યામ
-
મનનો મોરલિયો

આંખેથી મને વ્હાલા ઓછું દેખાય છે
દર્શન વિના મારું દિલડું દુભાય છે
નહીં રે આવો તો વ્હાલા જશે મારા પ્રાણ
મારી ઝૂંપડીએ આવો રાધેશ્યામ
-
મનનો મોરલિયો

એકવાર વ્હાલા તારી ઝાંઝી જો થાય
આંસુનાં બિંદુથી હું ધોઉં તારા પાય
માંગુ સદા તારા ચરણોમાં વાસ
મારી ઝૂંપડીએ આવો રાધે શ્યામ શ્યામ



No comments:

Post a Comment