ચિંતારહિત શી રીતે થવાય ? : દાદા ભગવાન
ચિંતા ખરેખર
શું છે? આ ચિંતા શાથી થાય છે? ચિંતાનું પરિણામ શું? અને ચિંતારહિત શી રીતે થવાય? એની યથાર્થ સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે જે અત્રે પ્રશ્નોત્તરી અને આપ્તસૂત્રનાં સ્વરૂપમાં આપેલ છે.
ચિંતા કરે તે
કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થવાથી તે કાર્ય સ્વયં સુધરી જાય !
મોટા માણસોને
મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંઘે ને આ
શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે.
ચિંતા કોને
કહેવાય? વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય.
વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું અને મનને બીજા કામે લગાડી
દેવું.
"ચિંતારહિત શી રીતે થવાય?: ચિંતા અને તણાવથી મુક્ત થાઓ" નાં સંબંધિત પ્રશ્નોતરી
- ચિંતા કોને કહેવાય?
- શા માટે ચિંતાને અહંકાર ની નિશાની કહી છે?
- ટેન્શન એટલે શું?
- શું હું ચિંતામુક્ત ધંધો કરી શકું?
- ચિંતા શા માટે ના કરવી?
- ચિંતા બંધ કરવા શું કરવું?
- શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
- વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
- ખરેખર કર્તા કોણ છે?
- ચિંતાથી મુક્ત કેવીરીતે થવાય? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!
ચિંતા કોને કહેવાય?
વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચાર એટલે શું ? એક વિચાર ચાલુ થયા તે અમુક હદની ઉપર ગયા એટલે ચિંતા કહેવાય. હદ સુધી વિચાર કરવાનાં. વિચારોની નોર્માલિટી કેટલી ? મહીં વળ ચઢે નહીં ત્યાં સુધી. વળ
ચઢે એટલે બંધ કરી દેવું. વળ ચઢે પછી ચિંતા શરૂ થઈ જાય. આ અમારી શોધખોળ છે.
ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો
અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ
કરી દેવું જોઈએ. એ એબોવ નોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે
અમે વિચાર તો કરીએ, પણ જે એબોવ નોર્મલ થયું ને ગૂંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે મહીં જોતા રહ્યા
ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ?
દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે
લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી અને છે ય એવું જ. આ તો બધા
મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી
? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબીચ્યુએટેડ.
પ્રશ્નકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને
!
દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે
નીકળે, પણ એકદમ ના જાય ને પાછી !
શા માટે ચિંતાને અહંકાર ની નિશાની કહી
છે?
પ્રશ્નકર્તા : ચિંતા એ અહંકારની નિશાની છે,
એ જરા સમજાવવા વિનંતી છે.
દાદાશ્રી : ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? કે એના મનમાં એમ લાગે છે કે, 'હું જ આ ચલાવી લઉં છું.' તેથી એને ચિંતા
થાય છે. 'આનો ચલાવનાર હું જ છું' એટલે એને 'આ છોડીનું શું થશે, આ છોકરાંનું શું થશે, આમ કામ પૂરું નહીં થાય તો શું થશે ?' એ ચિંતા પોતે માથે લે છે. પોતે કર્તા માને પોતાની જાતને કે 'હું જ માલિક
છું ને હું જ કરું છું.' પણ એ પોતે કર્તા છે
નહીં ને ખોટી ચિંતાઓ વહોરે છે.
સંસારમાં હોય ને ચિંતામાં જ રહે અને એ ચિંતા
ના મટે, તો પછી એને કેટલાંય અવતાર રહ્યા ! કારણ કે ચિંતાથી જ અવતાર બંધાય.
આ ટૂંકી વાત તમને કહી દઉં છું, આ ઝીણી વાત તમને કહી દઉં છું કે આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની
સ્વતંત્ર શક્તિ હોય ! તો પછી આ લોકોએ ઈગોઈઝમ કરવાનો શો અર્થ
છે ?
આ બીજી શક્તિ કામ કરી રહી છે. હવે એ શક્તિ આપણી નથી, એ પરશક્તિ છે અને સ્વશક્તિને જાણતો નથી એટલે પોતે પણ પરશક્તિને આધીન છે; અને આધીન એકલો જ નહીં, પણ પરાધીન પણ
છે,
આખો અવતાર જ પરાધીન છે.
ટેન્શન એટલે શું?
પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ?
ચિંતાનું તો સમજાયું,
હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને
કહેવું ?
દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં સર્વસ્વ ના હોય, બધી રીતના તણાવ હોય. નોકરીનું ઠેકાણું નહીં પડે ? શું થશે ? એક બાજુ બૈરી માંદી છે, તેનું શું થશે ? છોકરો સ્કૂલમાં બરાબર જતો નથી, તેનું શું ? આ બધું, બધો તણાવ, એને ટેન્શન કહેવાય. અમે તો સત્યાવીસ વર્ષથી ટેન્શન જ જોયેલું નહીંને !
હવે કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ
જાગૃતિ છે અને ચિંતા એટલે જીવ બળ્યા કરવો.
શું હું ચિંતામુક્ત ધંધો કરી શકું?
પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે,
બહુ અડચણો આવે છે.
દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે
બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું
નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો
ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ
પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ
પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં
તમારાં વહુ-છોકરાં બધા જ પાર્ટનર્સ છે ને ?
પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં.
દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ.
એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. ચિંતાથી કશું વધી જાય ખરું ?
પ્રશ્નકર્તા : નથી વધતું.
દાદાશ્રી : વધતું નથી ? તો પછી એ ખોટો વેપાર કોણ કરે ? જો ચિંતાથી વધી જતું હોય તો તે કરવું.
ચિંતા બંધ કરવા શું કરવું?
જીવ બાળ્યા કરે એવી ચિંતા તો કામની જ નહીં !
જે શરીરને નુકસાન કરે અને આપણી પાસે જે આવવાની વસ્તુ હતી, તેને પણ પાછું આંતરે. ચિંતાથી જ
સંજોગો એવાં ઊભાં થઈ જાય. અમુક વિચાર કરવાના છે સારાસારના કે એવાં, પણ આ ચિંતા એટલે શું ? કે એને ઈગોઇઝમ કહ્યો છે. એ ઇગોઈઝમ ના હોવો ઘટે. 'હું કંઈક છું અને હું જ ચલાવું છું', એનાથી એને ચિંતા હોય અને 'હું હોઈશ તો જ આ કેસનો નિકાલ થશે.' એનાથી ચિંતા થતી હોય છે. એટલે ઇગોઇઝમ ભાગનું ઓપરેશન કરી નાખવાનું; પછી જે વિચાર રહ્યા સારાસારના, તેનો વાંધો નહીં. એ પછી મહીં લોહી ના બાળે, નહીં તો આ ચિંતા તો લોહી બાળે, મન બાળે. ચિંતા થતી હોય ને, તે ઘડીએ બાબો કશું કહેવા આવ્યો હોય તો એની પર
પણ ઉગ્ર થઈ જાય, એટલે બધી રીતે નુકસાન કરે છે. આ અહંકાર એવી વસ્તુ છે કે પૈસા હોય કે પૈસા
ના હોય. પણ કોઈ કહેશે કે, 'આ ચંદુભાઈએ મારું બધું બગાડ્યું.' તો પણ પાર
વગરની ચિંતા ને પાર વગરની ઉપાધિ ! અને જગત તો આપણે ના
બગાડ્યું હોય તો ય કહેને ?
શું મારે ભવિષ્યની ચિંતા કરવી જોઈએ?
માણસોને ત્રણ વર્ષની એકની એક છોડી હોય તો
મનમાં એમ થાય કે આ મોટી થશે ત્યારે એને
પૈણાવી પડશે, એનો ખરચ થશે. એવું ચિંતા કરવાની ના કહી છે.
કારણ કે એનો ટાઈમીંગ ભેગો થશે ત્યારે બધા એવિડન્સ
ભેગા થશે. માટે એના ટાઈમીંગ આવતાં સુધી તમે
એમાં હાથ ઘાલશો નહીં. તમે તમારી મેળે છોડીને ખાવાનું-પીવાનું આપો, ભણાવો-ગણાવો
બધું. બીજી બધી આગળની ભાંજગડ નહીં કરો. આજના દિવસ
પૂરતી જ ભાંજગડ કરો, વર્તમાનકાળ પૂરતી. ભૂતકાળ તો વહી ગયો. જે તમારે ભૂતકાળ છે એને ક્યાં ઉથામો છો ? નથી ઉથામતાને એટલે ભૂતકાળ વહી ગયો. એને કોઈ મૂર્ખ માણસે ય ઉથામે નહીં. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે તો પછી આપણે વર્તમાનમાં રહેવું. અત્યારે ચા પીતાં
હોયને તો ચા નિરાંતે પીવી, કારણ ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. આપણે શું ભાંજગડ ? એટલે
વર્તમાનમાં રહેવું, ખાતાં હોય તે ઘડી એ તો ખાવામાં પૂર્ણ ચિત્ત પરોવીને ખાવું. ભજિયાં શેનાં છે એ બધું નિરાંતે
જાણવું. વર્તમાનમાં રહેવું એનો અર્થ શું કે ચોપડો
લખતા હોય તો બિલકુલ એક્યુરેટ, એમાં જ ચિત્ત રાખવું જોઈએ. કારણ કે ભવિષ્યકાળમાં ચિત્ત જાય છે, તેથી આજનો ચોપડો બગડે છે. ભવિષ્યનાં વિચારો પેલા
કચકચ કરતાં હોય તેથી આજના લખાણનાં ચોપડા પેલાં બગડી જાય છે, ભૂલચૂક થઈ જાય છે. પણ જે
વર્તમાનમાં રહે છે તેની એક પણ ભૂલ થતી નથી, ચિંતા થતી નથી.
વર્તમાનમાં રહો. ચિંતા શા માટે કરો છો?
કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું
શેઠાણી, 'તમે કેમ સામે આવીને
બેઠાં ?' તો કહે, 'સમી રીતે જમતા
નથી શેઠ કોઈ દહાડો ય.' એટલે હું સમજી ગયો. ત્યારે મેં શેઠને પૂછયું, ત્યારે કહે, 'મારું ચિત્ત બધું ત્યાં જતું રહે છે.' મેં કહ્યું, 'એવું ના કરશો. વર્તમાનમાં થાળી આવી એને પહેલું એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની
ચિંતા ના કરો. જે પ્રાપ્ત વર્તમાન હોય એને ભોગવો.'
ચિંતા થતી હોય તો પછી જમવા માટે રસોડામાં
જવું પડે ? પછી બેડરૂમમાં સૂવા જવું પડે ? અને ઓફિસમાં કામ પર ?
પ્રશ્નકર્તા : એ પણ જઈએ.
દાદાશ્રી : એ બધાં ડિપાર્ટમેન્ટ છે. તો આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા
ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ
ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું.પણ બીજામાં ડિવિઝનમાં જમવા ગયા એટલે પેલી ઉપાધિ પેલા ડિવિઝનમાં અને આ જમવા
ગયા તો ટેસથી જમવું.બેડરૂમમાં ગયા તો પેલી ઉપાધિ
ત્યાંની ત્યાં રાખવી. આમ ગોઠવણી નથી એ માણસ માર્યો જાય. જમવા બેઠો હોય, તે ઘડીએ ચિંતા કરે કે ઓફિસમાં શેઠ વઢશે
ત્યારે શું કરીશું ? અલ્યા, વઢશે ત્યારે
દેખ લેંગે ! અલ્યા, જમને નિરાંતે !
ભગવાને શું કહેલું કે, 'પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.' એટલે શું કે જે પ્રાપ્ત છે એને ભોગવો ને !
ખરેખર કર્તા કોણ છે?
કર્તા કોણ છે ? આ સંજોગો કર્તા
છે. આ બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય
તો કાર્ય થાય એવું છે. તો આપણા હાથમાં સત્તા નથી, આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે ! સંજોગો ભેગા થાય એટલે કાર્ય થઈ જ જાય. કોઈ માણસ માર્ચ મહિનામાં
વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય અને જૂનની પંદરમી
તારીખ થઈ એટલે એ સંજોગો ભેગાં થયા, કાળનો સંજોગ ભેગો થયો, પણ વાદળાનો
સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ
પડે ? પણ વાદળાં ભેગા થયા, કાળ ભેગો થયો; પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ
ભેગા થયા એટલે વરસાદ પડે જ. એટલે સંજોગ ભેગા થવા જોઈએ. માણસ સંજોગોને આધીન છે, પણ પોતે એમ
માને છે કે હું કંઈક કરું છું, પણ એ કર્તા છે એ પણ સંજોગના આધીન છે. એક સંજોગ
વિખરાયો, તો એનાથી એ કાર્ય ના થઈ શકે.
ચિંતાથી મુક્ત કેવીરીતે થવાય? – આત્મજ્ઞાન પ્રાપ્ત કરો!
પ્રશ્નકર્તા : ચિંતા કેમ છૂટતી નથી ?
ચિંતાને છોડવાને માટે શું કરવું ?
દાદાશ્રી : ચિંતા બંધ થયેલી હોય, એવો માણસ જ ના હોય. કૃષ્ણ ભગવાનના ભક્તને ય ચિંતા બંધ થયેલી ના હોય
ને ! અને ચિંતાથી જ્ઞાન બધું આંધળું થઈ જાય, ફ્રેકચર થઈ જાય.
વર્લ્ડમાં એક માણસ એવો ના હોય કે જેને ચિંતા
ના થતી હોય. બાવો-બાવલી બધાને કો'ક દહાડો તો થતી
હોય. બાવાને ય છે તે ઈન્કમટેક્ષ ના હોય, સેલટેક્ષ ના હોય, ભાડું ના હોય, નાડું ના હોય તો
ય કો'ક દહાડો ચિંતા થાય. શિષ્ય જોડે માથાકૂટ થઈ જાય તો યે ચિંતા થઈ જાય. આત્મજ્ઞાન વિના ચિંતા જાય
નહીં.
એક કલાકમાં તો તારી બધી જ ચિંતાઓ હું લઈ લઉં
છું અને ગેરન્ટી આપું છું કે એકે ય ચિંતા થાય તો વકીલ કરીને કોર્ટમાં
મારા પર કેસ ચલાવજે. આવાં અમે હજારો લોકોને
ચિંતા રહિત કર્યા છે. મૂઆ માગ, માગું તે આપું તેમ છું પણ જરા પાંસરું માગજે. એવું માગજે કે જે કદી તારી પાસેથી જાય નહીં. આ
નાશવંત ચીજો ના માગીશ. કાયમનું સુખ માગી લેજે.
અમારી આજ્ઞામાં રહે તો એક ચિંતા થાય તો દાવો
માંડવાની છૂટ આપી છે. અમારી આજ્ઞામાં
રહેવાનું. અહીં બધું મળે એવું છે. આ બધાને શરત કઈ કરી છે, જાણો છો તમે ? એક ચિંતા થાય
તો મારી ઉપર બે લાખ રૂપિયાનો દાવો માંડજો.
દાદાશ્રી : થાય જ નહીં.
ચિંતા ગઈ, એનું નામ
સમાધિ. એનાથી પછી પહેલાં કરતાં કામે ય વધારે થાય, કારણ કે
ગૂંચારો ના રહ્યો ને પછી ! આ ઓફિસે જઈને બેઠાં કે કામ ચાલ્યું. ઘરના વિચાર ના આવે, બહારના વિચાર
ના આવે, બીજા કશા વિચાર જ ના આવે ને સંપૂર્ણ એકાગ્રતા રહે.
- ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે.
- જ્યારે ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું વધારે. અને જ્યારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય સ્વયં સુધરી જશે !
- ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય !
- એવી પરિસ્થિતના સામા થજો, ઉપાય કરજો, પણ ચિંતા ના કરશો.
- પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.
- વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ.
- આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં.
- કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ જાગૃતિ છે અને ચિંતા એટલે જીવ બળ્યા કરવો.
- ઘડી પહેલાં થઈ ગયું, તેની ચિંતા શું ? જેનો ઉપાય નથી, તેની ચિંતા શું ? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો, માટે એની ચિંતા કરવાની ના હોય.
- આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું.
· ખરેખર 'કર્તા કોણ છે' એ નહીં સમજાવાથી ચિંતા થાય છે. કર્તા
સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. નિમિત્ત માત્ર છે.
· ચિંતા કાયમની ક્યારે
જાય ? કર્તાપણું છૂટે ત્યારે ! કર્તાપણું છૂટે
ક્યારે ? આત્મજ્ઞાન પામે ત્યારે.
· ચિંતા ગઈ, એનું નામ સમાધિ. એનાથી પછી પહેલાં કરતાં કામે ય વધારે થાય, કારણ કે ગૂંચારો ના રહ્યો ને પછી ! આ ઓફિસે જઈને બેઠાં કે કામ
ચાલ્યું. ઘરના વિચાર ના આવે, બહારના વિચાર ના આવે, બીજા કશા વિચાર
જ ના આવે ને સંપૂર્ણ એકાગ્રતા રહે.
· 'હું જ આ બધું
ચલાવું છું' એમ જબરજસ્ત રહ્યા કરે ને, તેનાં ફળ રૂપે ચિંતા ઊભી થાય.
ચિંતા કેવી રીતે બંધ
કરવી? : જેમ 'આપણે મરણ
પામવાના છે' તેવું જાણે છે બધા. મરણ સાંભરે છે, તેને શું કરે છે આ લોકો ? યાદ આવે છે ત્યારે શું કરે છે ? એને ધક્કો મારી દે છે. આપણને કશું થઈ જશે તો, યાદ આવે ત્યારે ધક્કો મારી દે છે. એવી આ ચિંતાઓ જેને મહીં થાય ને ત્યારે ધક્કો મારી દેવો કે અહીં
નહીં બા.
પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના
આવે,
ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના ય કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉં. અને
બૈરાં-છોકરાં બધાં ભાગીદાર છે, તો તે કોઈ
જાણતાં જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ
બધું ય ! એટલે પછી મને અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના
કરે,
ભાગીદાર છે બધાં, તો ય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું.
-દાદા ભગવાન
No comments:
Post a Comment