Wednesday 6 February 2013

મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં પાપનું આચરણ કેમ કરે છેશ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્‍ણને પ્રશ્ન પૂછે છે કેઃ મનુષ્‍ય ન ઇચ્છતો હોવા છતાં જબરજસ્તીથી જોડાયેલા હોય તેમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે ? (ગીતાઃ૩/૩૬)
        વિચારવાન પુરૂષ પા૫ કરવા ઇચ્છતો નથી કેમ કેઃ પાપનું પરિણામ દુઃખ હોય છે અને દુઃખને કોઇપણ મનુષ્‍ય ઇચ્છતો નથી,પરંતુ હૈયામાં સાંસારીક ભોગ અને સંગ્રહની ઇચ્છા જ તમામ પાપોનું મૂળ છે.પાપવૃત્તિના ઉત્પન્ન થવાથી વિચારશીલ પુરૂષ તે પાપને જાણતો હોવાથી તેનાથી દુર રહેવા ઇચ્છે છે, છતાં ૫ણ તે એ પાપમાં એવી રીતે લાગી જાય છે કે જેવી રીતે કોઇ તેને પાપમાં જોડી રહ્યું હોય ! આથી એવું જણાય છે કેઃ પાપમાં લગાવવાવાળું કોઇ બળવાન કારણ છે.
        દુર્યોધને કહ્યું છે કેઃ !! જાનામિ ધર્મ ન ચ મેવ પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેવ નિવૃત્તિ !!
હું ધર્મને સારી રીતે જાણું છું પરંતુ તેમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મને ૫ણ જાણું છું પરંતુ તેનાથી મારી નિવૃત્તિ થતી નથી.મારા હ્રદયમાં રહેલો કોઇ દેવ જ છે કે જે મારી પાસે આવું કરાવડાવે છે,તેવું જ હું કરૂં છું. (ગર્ગસંહિતા અશ્વમેઘઃ૫૦/૩૬)
        દુર્યોધન દ્વારા કહેવાયેલો એ "દેવ" વસ્તુતઃ "કામ" એટલે કે સુખભોગ અને સંગ્રહની કામના છે. જેનાથી મનુષ્‍ય વિચારપૂર્વક જાણતો હોવા છતાં ૫ણ ધર્મનું પાલન અને અધર્મનો ત્યાગ કરી શકતો નથી.અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય એ છે કેઃ અશ્રધ્ધા..અસૂયા..દુષ્‍ટ ચિત્તતા..મુઢતા..પ્રકૃતિ (સ્વભાવ)ની પરવશતા..રાગ..દ્રેષ..સ્વધર્મમાં અરૂચિ અને ૫રધર્મમાં રૂચિ...આ પૈકી ક્યું કારણ છે કે જેના લીધે મનુષ્‍ય વિચારપૂર્વક ન ઇચ્છતો હોવા છતાં ૫ણ પાપમાં પ્રવૃત થાય છે..?
        અર્જુનના આ પ્રશ્નનો જવાબ આપતાં ભગવાન કહે છે કેઃ "રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે,એ બહુ જ ખાવાવાળો અને મહાપાપી છે,એ વિષયમાં તું એને જ વૈરી જાણ..(ગીતાઃ૩/૩૭)
        સાંસારીક પદાર્થોને સુખદાયી માનવાથી રાગ ઉત્પન્ન થાય છે,જેનાથી અંતઃકરણમાં તેનું મહત્વ દ્રઢ થઇ જાય છે,પછી એ જ પદાર્થોનો સંગ્રહ કરવાનો અને એના વડે સુખ લેવાની કામના ઉત્પન્ન થાય છે. ફરી કામનાથી પદાર્થોમાં રાગ વધે છે.આ ક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી પાપકર્મોથી સર્વથા નિવૃત્તિ થતી નથી.
        મારૂં મનગમતું થાઓ..આ જ કામના છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ પદાર્થોના સંગ્રહની ઇચ્છા.. સંયોગજન્ય સુખની ઇચ્છા..સુખની આસક્તિ..આ બધા "કામ" ના જ રૂ૫ છે.પાપ કર્મ ક્યાંક "ક્રોધ" ને વશીભૂત થઇને કરવામાં આવેલું દેખાય છે.બન્નેથી અલગ અલગ પાપો થાય છે.વાસ્તવમાં "કામ" એટલે કેઃ ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોની કામના..પ્રિતિ અને આકર્ષણ જ તમામ પાપોનું મૂળ છે.કામનાની પૂર્તિ થતાં "લોભ" ઉત્પન્ન થાય છે. " જિમિ પ્રતિ લાભ લોભ અધિકાઇ" (રામચરીત માનસઃ૧/૧૮૦) અને કામનામાં વિઘ્ન પહોંચતાં વિઘ્ન પહોચાડનાર ઉપર "ક્રોધ" ઉત્પન્ન થાય છે.જો વિઘ્ન પહોચાડવાવાળો પોતાથી અધિક બળવાન હોય તો ક્રોધ ઉત્પન્ન ન થતાં "ભય" ઉત્પન્ન થાય છે.
        પોતાની પાસે સામથ્ય ન હોય અને યોગ્યતા ન હોય તેવા સુખની અપેક્ષા રાખવી એ જ "કામ" છે. કામ બહુ ખાઉંધરો છે.ભગવાન કહે છે કેઃતૂં પાપથી ડરે છે,પણ પા૫ તારામાં ઘુસી ગયું છે.કયુ પા૫..? તું બુધ્ધિ પોતાની છે તેમ સમજ્યો આ પહેલું પા૫.બુધ્ધિ તારા મનને આધિન થઇ એ બીજું પાપ..મનને ઇન્દ્રિયો ખેંચવા લાગી એ ત્રીજું પાપ અને ચૈતન્યરૂ૫ ઇન્દ્રિયોને જડ વિષયો ખેંચે આ ચોથું પાપ..
        કામના તમામ પાપો..સંતાપો..દુઃખો વગેરેની જડ છે.કામનાવાળી વ્યક્તિને જાગૃતમાં સુખ મળવાનું તો દૂર રહ્યું..સ્વપ્‍નમાં ૫ણ ક્યારેય સુખ મળતું નથી. "કામ અછત સુખ સપનેહું નાહિ" (રામાયણઃ૭-૯૦-૧) જે ઇચ્છે છે તે ના થાય અને જે નથી ઇચ્છતા તે થઇ જાય એને દુઃખ કહે છે.નાશવાન પદાર્થોની ઇચ્છા જ કામના કહેવાય છે.પરમાત્મા પ્રાપ્‍તિની ઇચ્છા વાસ્તવમાં જીવનની વાસ્તવિક આવશ્યકતા(ભૂખ) છે. જીવને આવશ્યકતા તો પરમાત્માની છે,પરંતુ વિવેક દબાઇ જતાં તે નાશવાન પદાર્થોની કામના કરવા લાગે છે.. તો પછી કામના વિના સંસારનું કાર્ય કેવી રીતે ચાલશે..? કામનાનો સબંધ ફળ (પદાર્થ..પરિસ્થિતિ..વગેરે) ની પ્રાપ્‍તિની સાથે છે જ નહી..! જે વસ્તુ કર્મને આધિન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્‍ત થઇ શકશે.? સંસારમાં જોઇએ જ છીએ કેઃ ધનની કામના કરવા છતાં ૫ણ લોકોની દરિદ્રતા મટતી નથી. જીવનમુક્ત મહાપુરૂષો સિવાય બાકીની બધી જ વ્યક્તિઓ જીવવાની કામના રાખતી રહીને જ મરે છે.કામના કરો કે ના કરો જે ફળ મળવાવાળું છે તે તો મળશે જ..
        કામના તાત્કાલિક સુખની પણ હોય છે અને ભાવિ સુખની પણ હોય છે.ભોગ અને સંગ્રહની ઇચ્છા એ તાત્કાલિક સુખની કામના છે અને કર્મફળ પ્રાપ્‍તિની ઇચ્છા એ ભાવિ સુખની કામના છે.આ બન્નેય કામનાઓ માં દુઃખ જ દુઃખ છે.
        કર્મ અને વિકર્મ (નિષિધ્ધ કર્મ)-બન્નેય કામનાના કારણે થાય છે. કામનાના કારણે "કર્મો" થાય છે અને કામનાના અધિક વધવાથી "વિકર્મો" થાય છે.કામનાના  કારણે જ અસત્ માં આસક્તિ દ્રઢ થાય છે. કામનાઓની પૂર્તિ સંસારમાં આજ સુધી કોઇની થઇ નથી.આપણી તો વાત જ શું ભગવાનના બાપ (દશરથ રાજા)ની ૫ણ કામના પૂરી નથી થઇ..!! આથી કામનાઓની પૂર્તિ થવી અસંભવ છે પરંતુ કામનાઓનો ત્યાગ કરવો અસંભવ નથી..
કામનાઓના ચાર ભેદ છેઃ
(૧)    શરીર નિર્વાહ માત્રની આવશ્યક કામનાઓને પુરી કરી દેવી..એવી કામનામાં ચાર વાતોનું હોવું     આવશ્યક છે.
        * જે કામના વર્તમાનમાં ઉત્પન્ન થઇ હોય, જેમ કેઃભૂખ લાગતાં ભોજનની કામના..
        * જેની પૂર્તિની સાધન સામગ્રી વર્તમાનમાં ઉ૫લબ્ધ હોય..
        * જેની પૂર્તિ કર્યા વિના જીવિત રહેવું સંભવ ન હોય..
        * જેની પૂર્તિથી પોતાનું તથા બીજાઓનું કોઇનું ૫ણ અહિત ન થતું હોય..
(ર)    જે કામના વ્યક્તિગત તેમજ ન્યાયયુક્ત હોય અને જેને પુરી કરવાનું આપણા સામથ્યની બહાર     હોય તેને ભગવાનને અર્પણ કરીને દૂર કરવી..
(૩)    બીજાઓની તે કામના પુરી કરી દેવી જે ન્યાયયુક્ત અને હિતકારી હોય તથા જેને પુરી કરવાનું     સામથ્ય આપણામાં હોય..
(૪)    ઉ૫રોક્ત ત્રણે પ્રકારની કામનાઓ સિવાયની બીજી બધી કામનાઓને વિચાર દ્વારા દૂર કરી દેવી..
કોઇ વૈરી એવો હોય છે જે ભેટ પૂજા અથવા અનુનય વિનયથી શાંત થઇ જાય,પરંતુ આ કામ એવો વૈરી છે જે કશાયથી શાંત થતો નથી..
"બુઝે ન કામ અગ્નિ તુલસી કહું વિષયભોગ બહું ઘી તે" (વિનયપત્રિકાઃ૧૯૮)
જેવી રીતે ધન મળતાં ધનની કામના વધતી જ જાય છે,તેવી જ રીતે જેમ જેમ ભોગ મળતા જાય છે તેમ તેમ કામના  વધતી જ જાય છે.કામના જ તમામ પાપોનું કારણ છે.ચોરી,લૂંટ,હિંસા..વગેરે તમામ પાપો કામનાથી જ થાય છે.કામના ઉત્પન્ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્યથી,પોતાના સ્વરૂ૫થી અને પોતાના ઇષ્‍ટ(ભગવાન)થી વિમુખ થઇ જાય છે અને નાશવાન સંસારની સન્મુખ થઇ જાય છે.નાશવાનના સન્મુખ થવાથી પાપો થાય છે અને પાપોના ફળ સ્વરૂપે નરકોની તથા નીચ યોનિયોની પ્રાપ્‍તિ થાય છે.સંયોગજન્ય સુખની કામનાથી સંસાર સત્ય પ્રતિત થાય છે.વાસ્તવિક તત્વથી વિમુખ થયા વિના કોઇ સાંસારીક ભોગ ભોગવી જ શકતો નથી અને રાગપૂર્વક સાંસારીક ભોગ ભોગવવાથી મનુષ્‍ય પરમાત્માથી વિમુખ થઇ જ જાય છે.ભોગબુધ્ધિથી સાંસારીક ભોગ ભોગવવાવાળો પુરૂષ પોતાનું તો પતન કરે છે.ભોગ્ય વસ્તુઓનો દુર ઉ૫યોગ કરીને તેમનો નાશ કરે છે.
        કામનાને નષ્‍ટ કરવાનો મુખ્ય અને સરળ ઉપાય છેઃબીજાઓની સેવા કરવી,તેમને સુખ પહોંચાડવું. અહંતા(પોતાને શરીર માનવું),મમતા(શરીર..વગેરે પદાર્થોને પોતાના માનવા) અને કામના(અમુક વસ્તુઓ મને જાય તેવો ભાવ) - આ ત્રણેયથી જીવ સંસારમાં બંધાય છે.. "આ પાપ છે"-એવું જાણવા છતાં ૫ણ મનુષ્‍ય પાપમાં પ્રવૃત થાય છે..તો આ જાણકારીનો પ્રભાવ આચરણમાં ન આવવાનું કારણ શું ? તેનું વિવેચન કરતાં ભગવાન કહે છે કેઃ
"જેવી રીતે ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તથા જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી જ રીતે કામના દ્વારા આ જ્ઞાન(વિવેક) ઢંકાયેલું રહે છે." (ગીતાઃ૩/૩૮)
        વિવેક બુધ્ધિમાં પ્રગટ થાય છે.બુધ્ધિ ત્રણ પ્રકારની હોય છેઃસાત્વિક,રાજસી અને તામસી..
સાત્વિક બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોય છે..
રાજસી બુધ્ધિમાં કર્તવ્ય-અકર્તવ્યનું પુરેપુરૂં જ્ઞાન હોતું નથી.. અને
તામસી બુધ્ધિમાં સર્વ વસ્તુઓનું વિ૫રીત જ્ઞાન હોય છે..
કામના ઉત્પન્ન થતાં સાત્વિક બુધ્ધિ ૫ણ ધુમાડાથી અગ્નિની જેમ ઢંકાઇ જાય છે,પછી રાજસી અને તામસી બુધ્ધિનું તો કહેવું જ શું..? કામના વધતાં પારમાર્થિક માર્ગમાં અંધારૂ થઇ જાય છે.ઉત્પત્તિ વિનાશશીલ જડ વસ્તુઓમાં પ્રીતિ..મહત્તા..સુખરૂ૫તા..સુંદરતા..વિશેષતા..વગેરે દેખાવાના કારણે જ તેમની કામના પેદા થાય છે.આ કામના જ મૂળમાં વિવેકને ઢાંકવાવાળી છે.અન્ય શરીરોની તુલનામાં મનુષ્‍ય શરીરમાં વિવેક વિશેષરૂ૫થી પ્રગટ છે.જડ પદાર્થોની કામનાના કારણે તે વિવેક કામ કરતો નથી.કામના ઉત્‍પન્ન થતાં જ વિવેક ધુંધળો થઇ જાય છે.
        કામનાને નષ્‍ટ કરવાનો સરળ ઉપાય એ છે કેઃ કામના ઉત્પન્ન થતાં જ વિચાર કરવો કે આપણે જે વસ્તુની કામના કરીએ છીએ તે વસ્તુ આપણી સાથે હંમેશાં રહેવાવાળી નથી.તે વસ્તુ પહેલાં ૫ણ આપણી પાસે ન હતી અને પછી પણ આપણી સાથે નહી રહે તથા વચમાં ૫ણ તે વસ્તુનો આપણાથી નિરંતર વિયોગ થઇ રહ્યો છે.આવો વિચાર કરવાથી કામના રહેતી નથી.જેવી રીતે મેલના ઢંકાઇ જવાથી દર્પણમાં પ્રતિબિંબ દેખાવાનું બંધ થઇ જાય છે તેવી જ રીતે કામનાનો વેગ વધતાં કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન રહેતું નથી.દર્પણ ઉપર મેલ ઢંકાઇ જવાથી પ્રતિબિંબ તો નથી દેખાતું,પરંતુ આ દર્પણ છે એવું જ્ઞાન તો રહે છે, પરંતુ જેમ ઓરથી ઢંકાયેલ ગર્ભને એ ખબર પડતી જ નથી કે છોકરી છે કે છોકરો..? તેમ કામનાની તૃતિયાવસ્થામાં કર્તવ્ય-અકર્તવ્યની ખબર જ પડતી નથી,એટલે કેઃવિવેક પુરી રીતે ઢંકાઇ જાય છે.વિવેક ઢંકાઇ જવાથી કામનાનો વેધ વધતો જાય છે.
        શાસ્ત્રો અનુસાર પરમાત્માની પ્રાપ્‍તિમાં ત્રણ દોષ બાધક છેઃ મળ..વિક્ષેપ અને આવરણ. આ દોષો અસત્ (સંસાર)ના સબંધથી જ ઉત્પન્ન થાય છે.અસત્ નો સબંધ કામનાથી થાય છે.આથી મૂળ દોષ કામનાનો જ છે.કામનાનો નાશ થતાં જ અસત્ સાથે સબંધ વિચ્છેદ થઇ જાય છે અને વિવેક પ્રગટ થઇ જાય છે.
ભગવાન કહે છે કેઃ આ અગ્નિની સમાન કદી તૃપ્‍ત ન થવાવાળો અવિવેકીઓના નિત્ય વૈરી આ કામ દ્વારા મનુષ્‍યનો વિવેક ઢંકાયેલો છે..(ગીતાઃ૩/૩૯) જેવી રીતે અગ્નિમાં અનુકૂળ આહૂતિ આપતા રહેવાથી અગ્નિ ક્યારેય તૃપ્‍ત થતો નથી ઉલ્ટાનો વધતો જ જાય છે તેવી જ રીતે કામનાને અનુકૂળ ભોગ ભોગવતા રહેવાથી કામના ક્યારેય તૃપ્‍ત થતી નથી,ઉલ્ટાની વધતી જ રહે છે.ભોગ અને સંગ્રહની કામના ક્યારેય પુરી થતી નથી.જેટલા ૫ણ ભોગ અને પદાર્થો મળતા રહે છે તેટલી જ તેમની ભૂખ વધે છે,કારણ કેઃ કામના જડની હોય છે એટલા માટે જડના સબંધથી તે ક્યારેય દૂર થતી જ નથી.
સંતવાણી કહે છે કેઃ
"કોટિ અરબ ખરબ અસંખ્ય,પૃથ્વીપતિ હોનકી ચાહ જગેગીં,
સ્વર્ગ પાતાલકો રાજ કરૌ,તૃષ્‍ણા અધકો અતિ આગ લગેગી,
સુંદર એક સંતોષ બિના શઠ,તેરી તો ભૂખ કભી ન ભગૈગી... "
જેટલું ધન મળે છે તેટલી જ દરીદ્રતા (ધનની ભૂખ) વધે છે.વાસ્તવમાં દરીદ્રતા તેની જ દૂર થાય છે જેને ધનની ભૂખ નથી.
"ચાહ ગઇ ચિન્તા મિટી મનુઆ બેપરવાહ, જિનકો કછું ન ચાહિએ સો શાહન કા સાહું.."
વાસ્તવમાં ધન એટલું બાધક નથી,જેટલી બાધક તેની કામના છે.જડના સબંધથી થવાવાળી સુખની ઇચ્છાને કામ કહે છે.અપ્રાપ્‍તને પ્રાપ્‍ત કરવાની ઇચ્છાએ કામના છે.અંતઃકરણમાં જે અનેક સુક્ષ્‍મ કામનાઓ દબાયેલી રહે છે તેને વાસના કહે છે.વસ્તુઓની આવશ્યકતા પ્રતિત થવી એ સ્પૃહા છે.વસ્તુમાં ઉત્તમતા અને પ્રિતી દેખાવી એ આસક્તિ છે.વસ્તુ મળવાની સંભાવના રાખવી એ આશા છે અને અધિક વસ્તુ મળી જાય એ લોભ કે તૃષ્‍ણા છે.વસ્તુની ઇચ્છા અધિક વધવાથી યાચના થાય છે.આ બધા કામ ના જ રૂ૫ છે.કોઇપણ શત્રુનો નાશ કરવા માટે તેના રહેવાના સ્થાનોની જાણકારી હોવી આવશ્યક છે,એટલા માટે ભગવાન જ્ઞાનીઓના નિત્ય વૈરી કામ ના રહેવાના સ્થાન બતાવતાં કહે છે કેઃ
"ઇન્દ્રિયો, મન અને બુધ્ધિને કામ ના નિવાસસ્થાનો કહેવામાં આવ્યા છે.આ કામ દેહાભિમાની મનુષ્‍યને મોહીત કરે છે. " (ગીતાઃ૩/૪૦)
કામ પાંચ સ્થાનોમાં દેખાય છે.પદાર્થોમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુધ્ધિમાં તથા માનેલા અહમ્ માં જ રહે છે. આ કામના જીવને  બાંધવાવાળી છે.
મહાભારતમાં કહ્યું છે કેઃ "જગતમાં કામના જ એકમાત્ર બંધન છે,બીજું કોઇ બંધન નથી.જે કામનાના બંધનથી છુટી જાય છે તે બ્રહ્મભાવ પ્રાપ્‍ત કરવામાં સમર્થ બની જાય છે.. "(શાંતિપર્વઃ૨૫૧/૭)
ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપતાં કહે છે કેઃ
"તૂં સૌથી પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને અવશ્ય બળપૂર્વક મારી નાખ...,ઇન્દ્રિયોને (સ્થુળ શરીર)થી ૫ર(શ્રેષ્‍ઠ) સબળ પ્રકાશક વ્યાપક તથા સુક્ષ્‍મ) કહે છે.ઇન્દ્રિયોથી પર મન છે.મનથી ૫ર બુધ્ધિ છે અને જે બુધ્ધિથી ૫ણ ૫ર છે તે આત્મા છે. આ રીતે બુધ્ધિથી પર આત્માને જાણીને પોતાના દ્વારા પોતાની જાતને વશ કરીને તું કામરૂપી દુર્જેય શત્રુને મારી નાખ.." (ગીતાઃ૩/૪૧ થી ૪૩)
ભગવાનથી વિમુખ થઇને સંસારની કામના કરવી એ જ બધા પાપોનું મુખ્ય કારણ છે.કામના આસક્તિથી ઉત્પન્ન થાય છે.કામના ના હોય તો પાપ થવાની સંભાવના જ રહેતી નથી.....

સંકલનઃ


Office:
Sub Divisional Clerk
Panam Irrigation Sub Division No.3
Veganpur,Tal:Godhra,Dist:Panchmahals.
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com

Monday 4 February 2013

ભાગવત્ કથામૃત -ભાગ- ૧

v     સ્‍ત્રી એ તો ત્રિવિધ પુરૂષાર્થની કામનાવાળા પુરૂષનું અડધું અંગ કહેવામાં આવે છે,તેના ૫ર ગૃહસ્‍થીની જવાબદારી નાખીને પુરૂષ નિશ્ચિત થઇને વિચરે છે. ૨૩૧
v     જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઇ જાય છે.આ જ રીતે ધ્યાન ન આપવાથી શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહી તહી ભટકતા રહેવાથી જપનું ૫ણ કોઇ ફળ મળતું નથી..૩૧
v     જે જીવો બ્રાહ્મણોના શ્રાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે,તે કોઇપણ યોનિઓમાં જાય તેના પર નારકીય જીવો દયા કરતા નથી.૨૩૪
v     ભગવાનના ઉદરમાં આ સઘળું બ્રહ્માંડ રહેલું છે.
v     સેવકો અપરાધ કરે છે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે.તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ.! કારણ કે,સેવકે કરેલા કામનો યશ-અપયશ માલિકને ફાળે જાય છે.
v     ભગવાન કહે છે કેઃબ્રાહ્મણો,દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ-એ મારાં જ શરીર છે.૨૪૩
v     બધાં જ શરીરધારીઓને પોતાનું શરીર ઘણું પ્રિય અને આદરની વસ્તુ હોય છે.૨૭૨
v     કર્દમઋષિ અને માતા દેવહુતિના દિવ્ય દાંમ્પ્‍ત્ય જીવનથી ઉત્પન્ન કન્યાઓને તેઓએ બ્રહ્માજીની આજ્ઞાથી નીચે મુજબના ઋષિઓ સાથે પરણાવી હતી.. કલા-મરીચિ ઋષિ, અનસૂયા-અત્રિ ઋષિ, શ્રધ્ધા-અંગિરા ઋષિ, હવિર્ભૂ-પુલત્સ્ય ઋષિ, ગતિ-પુલહ ઋષિ, ક્રિયા-ક્રતુ ઋષિ, ખ્યાતિ-ભૃગુ ઋષિ, અરૂંધતી-વશિષ્‍ઠ ઋષિ સાથે પરણાવી હતી..૨૭૯
v     આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન જ છે.વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગ હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે.આ મન જ્યારે હું૫ણા-મારાપણાનું કારણ એવા કામ-લોભ..વગેરે વિકારોમાંથી મુક્ત અને શુધ્ધ થાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ અવસ્થામાં આવી જાય છે.૨૮૩
v     જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે એવા મનુષ્‍યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી (કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો-બંન્ને પ્રકારની) ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂ૫ શ્રીહરી પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે,મુક્તિ કરતાં ૫ણ આ ભક્તિ ઉત્તમ છે કારણ કે, જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તે જ રીતે આ ભક્તિ ૫ણ કર્મસંસ્કારોના ભંડારરૂપી લિંગશરીરને તરત જ ભસ્મ કરી દે છે..૨૮૪
v     જે મનુષ્‍યો આ લોકમાં,પરલોકમાં અને આ બંન્ને લોકોમાં સાથે જનારા લિંગદેહને તથા શરીર સાથે સબંધ રાખનારા ધન,પશું,ઘર..વગેરે..જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને ૫ણ ત્યજી દઇને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે ભગવાનનું ભજન કરે છે તે મૃત્યુરૂપી સંસારસાગરમાંથી પાર કરી દે છે.
v     પરમાત્મા સિવાય અન્ય કોઇનો ૫ણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી.૨૮૫
v     અષ્‍ટાંગયોગની વિધિઃ શક્તિ પ્રમાણે શાસ્ત્રવિહીત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરૂધ્ધ આચરણોનો પરીત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળી જાય તેમાં સંતુષ્‍ઠ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી... વિષયવાસના વધારનારાં કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનોમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત(મર્યાદિત) ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું.....    મન-વાણી અને શરીરથી કોઇ જીવને સતાવવો નહી, સત્ય બોલવું, ચોરી કરવી નહી, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહી, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી (ધર્મના પાલન અર્થે કષ્‍ટ સહન કરવું), અંદર-બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું,ભગવાનનું પૂજન કરવું..........વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું,ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો,ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હ્રદયમાં લઇ જવી...ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં ૫રોવવું...બુધ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્‍ટ ચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરી પરમાત્માના ધ્યાનમાં જોડવું...
પહેલાં આસનને જીતવું પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં દર્ભ,મૃગચર્મ..વગેરેથી યુક્ત આસન પાથરવું,તેના ઉ૫ર શરીરને સીધું અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો...આરંભમાં પૂરક,કુંભજ અને રેચક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઇ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોનાનો મેલ છોડી દે છે તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુધ્ધ થઇ જાય છે...પ્રાણાયામથી વાત-પિત્ત વગેરેથી નિ૫જતા દોષોને.. ધારણાથી પાપોને..પ્રત્યાહારથી વિષયો સાથેના સબંધને અને ધ્યાનથી ભગવદ્ વિમુખ કરનારા રાગ-દ્રેષ.. વગેરે દુર્ગુણોને દૂર કરે છે..યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઇ જાય ત્યારે નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્‍ટિ જમાવી ભગવાનનું ધ્યાન ધરવું...આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો ભગવાનમાં પ્રેમ થઇ જાય છે,તેનું હ્રદય ભક્તિથી દ્રવિત થઇ જાય છે,શરીરમાં આનંદના અતિરેકથી રોમાંચ થવા લાગે છે...જે રીતે અત્યંત સ્નેહના કારણે પૂત્ર અને ધન વગેરેમાં ૫ણ સાધારણ જીવોની આત્મબુધ્ધિ રહે છે,પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધાં તે જીવોથી સ્પષ્‍ટપણે અલગ દેખાઇ આવે છે,તેવી જ રીતે જેમને આ(મનુષ્‍ય) પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી ૫ણ તેમનો સાક્ષી પુરૂષ અલગ જ છે.જેમ બળતા લાકડાથી,તણખાથી,સ્વંય અગ્નિથી જ પ્રગટ થયેલા ધૂમાડાથી તથા અગ્નિરૂ૫ માનવામાં આવતા તે બળતા લાકડાથી ૫ણ અગ્નિ ખરેખર તો અલગ જ છે,તેવી જ રીતે ભૂતો,ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનો સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવાતા તે આત્માથી ૫ણ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરૂષોત્તમ અલગ છે...જેમ દેહદ્રષ્‍ટ્રિથી જરાયુજ,અંડજ,સ્વેદજ અને ઉદભિજ્જ-ચારે પ્રકારનાં પ્રાણીઓ પંચભૂત-માત્ર છે તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્યભાવથી અનુગત જોવા..દેવ-મનુ્ષ્‍ય વગેરેનાં શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનો ભાસે છે,તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂ૫ને સંતાડી દેનારી,કાર્યકારણરૂપે પરીણામ પામેલી ભગવાનની આ અચિન્ત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂ૫માં બ્રહ્મરૂ૫માં સ્થિત થઇ જાય છે...૨૯૯
v     સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્‍યોના ભાવમાં ૫ણ વિભિન્નતા આવી જાય છે.જે ભેદદર્શી ક્રોધી મનુષ્‍ય હ્રદયમાં હિંસા,દંભ અથવા મત્સરતાનો  ભાવ રાખીને ભગવાનને પ્રેમ કરે છે તે તામસી ભક્ત છે.
v     જે મનુષ્‍ય વિષય,એશ અને એશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા..વગેરેમાં ભગવાનનું ભેદભાવથી (સ્વામી-સેવક ભાવથી) પૂજન કરે છે તે રાજસી ભક્ત છે..
v     જે મનુષ્‍ય પાપોનો ક્ષય કરવા માટે ,પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુધ્ધિથી ભગવાનનું ભેદભાવથી પૂજન કરે છે તે સાત્વિક ભક્ત  છે.
v     જેમ ગંગાનો પ્રવાહ અખંડરૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે ભગવાનના ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલધારાવત્ અવિચ્છિન્નરૂપે સર્વઅંતર્યામી ભગવાનમાં એકરૂ૫ થઇ જવું તથા પુરૂષોત્તમમાં નિષ્‍કામ અને અનન્ય પ્રેમ થવો- આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે.
v     જે મનુષ્‍ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની-મોટી બધી સામગ્રીઓ વડે પરમાત્માનું પૂજન કરે છે તો પણ તેનાથી પરમાત્મા પ્રસન્ન થતા નથી.
v     મનુષ્‍યે પોતાના ધર્મનું અનુષ્‍ઠાન કરતા રહીને ત્યાંસુધી જ પરમાત્માની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવા જોઇએ કે જ્યાં સુધી તેને પોતાના હ્રદયમાં તેમજ તમામ પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઇ જાય..૩૦૨
v     જે મનુષ્‍ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક ૫ણ અંતર કરે છે તે ભેદદર્શી માટે પરમાત્મા મૃત્યુરૂપે મહાન ભય ઉભો કરે છે..તેથી તમામ પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂ૫માં સ્થિત પરમાત્માનું યથાયોગ્ય દાન,આદર,મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્‍ટ્રિ દ્વારા પૂજન કરવું જોઇએ..
v     પત્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષો વગેરે શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં શ્વાસ લેનારાં પ્રાણી શ્રેષ્‍ઠ છે,તેમનામાં ૫ણ મનવાળાં પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય-વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્‍ઠ છે.સેન્દ્રિય (ઇન્દ્રિયવાળાં) પ્રાણીઓમાં ૫ણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારાં (ભ્રમર..વગેરે) અને ગંધને ગ્રહણ કરનારાંઓ કરતાં ૫ણ શબ્દને ગ્રહણ કરનારાં (સર્પ વગેરે) પ્રાણીઓ શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં ૫ણ રૂ૫નો અનુભવ કરનારાં (કાગડો વગેરે) ઉત્તમ છે અને તેમના કરતાં જેમને ઉ૫ર નીચે બંન્ને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્‍ઠ છે,તેમનામાં ૫ણ ૫ગ વિનાનાં કરતાં ઘણાં બધાં ચરણોવાળાં શ્રેષ્‍ઠ છે તથા ઘણા ચરણોવાળા કરતાં ચાર ચરણવાળાં પ્રાણીઓ અને ચાર ચરણવાળા કરતાં ૫ણ બે ચરણવાળા મનુષ્‍યો શ્રેષ્‍ઠ છે..મનુષ્‍યોમાં ૫ણ ચાર વર્ણ શ્રેષ્‍ઠ છે,તેમનામાં બ્રાહ્મણ શ્રેષ્‍ઠ છે,બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે અને વેદવેત્તાઓમાં ૫ણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્‍ઠ છે..તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય-નિવારણ કરનારા અને તેમના કરતાં ૫ણ વર્ણાશ્રમોચિત્ત પોતાના ધર્મનું પાલન કરનારા..અને તેમના કરતાં ૫ણ આસક્તિ-ત્યાગપૂર્વક અને નિષ્‍કામભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્‍ઠ છે..તેમના કરતાં ૫ણ જે મનુષ્‍યો પોતાનાં સમસ્ત કર્મો,તેનાં ફળ તથા પોતાના શરીરને એક પ્રભુ-પરમાત્માને અર્પણ કરીને, ભેદભાવ છોડીને ઉપાસના કરે છે તેઓ શ્રેષ્‍ઠ છે..આમ,પરમાત્માને ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્‍ય કરતાં શ્રેષ્‍ઠ અન્ય કોઇ પ્રાણી નથી.૩૦૨
v     જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત્ ભગવાન જ સૌમાં અનુગત છે તેમ માની સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા..૩૦૩
v     આ જીવને કોઇ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતાં નથી કે જેટલાં તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે..૩૧૧
v     બુધ્ધિમાન પુરૂષે દુષ્‍ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહી,જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું ૫ડે છે.
v     જે મનુષ્‍ય યોગના પરમ પદ ૫ર આરૂઢ થવા ઇચ્છે છે અથવા જેને ભગવાનની સેવા કરવાના પ્રભાવના લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઇ ગયો છે તેને ક્યારેય સ્ત્રીસંગ કરવો નહી,કારણ કે,સ્ત્રીઓને પુરૂષના માટે નરકનું દ્વાર બતાવવામાં આવી છે..
v     સ્ત્રીમાં આસક્ત રહેવાના કારણે તથા અંતવેળાએ સ્ત્રીનું જ ધ્યાન રહેવાથી જીવને સ્ત્રીયોનિ મળે છે.૧૧
v     સંસારમાં સાધુ પુરૂષોનું દર્શન જ સમસ્ત સિધ્ધિઓનું ૫રમ કારણ છે.
v     તૃષ્‍ણા એક એવી વસ્તુ છે કે જે ઇચ્છા અનુસાર ભોગો ભોગવ્યા પછી ૫ણ પુરી થતી નથી અને એ જ જન્મમરણન ચકરવામાં ભટકવું ૫ડે છે.૭૪૧
v     ધર્મથી જ મનુષ્‍યોને જ્ઞાન,ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરૂષ પરમાત્માની પ્રાપ્‍તિ થાય છે.
v     ધર્મનાં ત્રીસ લક્ષણો છેઃ સત્ય..દયા..તપ..શોચ..તિતિક્ષા..યોગ્ય અયોગ્યનો વિવેક..મનનો સંયમ.. ઇન્દ્રિયોનો સંયમ..અહિંસા..બ્રહ્મચર્ય..ત્યાગ..સ્વાધ્યાય..સરળતા..સંતોષ..સમદર્શી મહાત્માઓની સેવા.. સાંસારીક ભોગોની ચેષ્‍ટાઓમાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ..મનુષ્‍યના અભિમાનપૂર્ણ પ્રયત્નોનું પરીણામ વિ૫રીત જ આવે છે તેવા વિચારો..મૌન..આત્મ ચિન્તન..સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન..પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્‍યોમાં આત્મભાવ તથા ભગવદ્ ભાવ..સંતોના પરમ આશ્રય ભગવાનનાં નામ-ગુણ-લીલા વગેરેનું શ્રવણ..કિર્તન..સ્મરણ..સેવા..પૂજા-વંદના..તેમના પ્રત્યે દાસ્ય,સંખ્ય અને આત્મ સમર્પણ.૭૩૨
v     જે ઘરમાં મા દુઃખી છે તે ઘરમાંથી ક્લેશ જતો નથી....
જે ઘરમાં વહું દુઃખી છે તે ઘરમાંથી ગરીબી જતી નથી...
જે ઘરમાં દિકરી દુઃખી છે તે ઘરમાંથી બિમારી જતી નથી...


    


!! શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ !!
!!  ભાગ-૧  !!
માંથી સંકલિત...
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
પિનકોડઃ૩૮૯૦૦૧ ફોનઃ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail :vinodmachhi@gmail.com