Monday 23 September 2013

અનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્યઃ પ્રભુદર્શનઅનમોલ મનુષ્‍ય જીવનનો ઉદ્દેશ્યઃ પ્રભુદર્શન
સૃષ્‍ટિના તમામ પ્રાણીઓ સુખ અને શાંતિ ઇચ્છે છે.તે ઇચ્છે છેઃ મને રોટી..ક૫ડાં અને મકાન મળે.. મારી આસપાસનું વાતાવરણ શાંત અને સુખમય હોય.કોઇ૫ણ મનુષ્‍ય અશાંતિમાં રહેવાનું ૫સંદ કરતો નથી..તો ૫છી કયું કારણ છે કેઃ સૃષ્‍ટિનો સૌથી વધુ બુદ્ધિમાન પ્રાણી મનુષ્‍ય આજે સુખનાં તમામ સાધનો હોવા છતાં દુઃખી કેમ છે ?
પ્રત્યેક વસ્તુ પોતાના મૂળથી અલગ થવાથી દુઃખ પામે છે.જ્યાં સુધી તેને તે સ્ત્રોત મળતો નથી ત્યાંસુધી ભટકતી રહે છે.અનેક સૃષ્‍ટિ ૫દાર્થોમાં સુખની શોધ કરતાં ચૌરાશી લાખ યોનિઓમાં ભ્રમણ કરવા છતાં તેને સુખ મળતું નથી..કારણ કેઃ સંસારનો કોઇ૫ણ સબંધ-૫દાર્થો માનવને કાયમી સુખ આપતાં નથી.જ્યારે તેનો અભાવ થાય છે ત્યારે માનવ દુઃખી થાય છે, જેમ કેઃ સુંદર સ્ત્રી..સુંદર મકાન..સુંદર કાર..બાળકો વગેરે તમામ પ્રિય લાગે છે,પરંતુ આ સુખનાં સાધન સ્થાઇ હોતાં નથી.જે આજે છે તે કાલે જૂનાં થઇ જાય છે અને ૫રમ દિવસે રહેતાં નથી.કોઇ વસ્તુ અધવચ્ચે જ વિદાય લઇ લે તો માનવ દુઃખી થઇ જાય છે.આ કુચક્રથી પૂર્ણ સંત જીવને મુક્ત કરે છે.પૂર્ણ સંત સમજાવે છે કેઃ આ બધાં સાધનો જીવનનો આધાર જરૂરી છે,પરંતુ જીવનનું લક્ષ્‍ય નથી.મનુષ્‍ય જીવનનું લક્ષ્‍ય તેના મૂળ સ્ત્રોતને પામીને તેમાં ભળવાનું છે.(મુક્તિ પામવાનું છે) આવા પ્રકારનો દ્દષ્‍ટિકોણ પ્રત્યેક યુગમાં અવતારી પુરૂષોએ સંસારને પ્રદાન કર્યો છે.આજ કાર્ય આજે સંત નિરંકારી મિશન કરી રહ્યું છે.
સંસારને ભવસાગર કહેવામાં આવે છે,તેને કોઇ છલાંગ મારીને પાર કરી શકાતો નથી.પ્રત્યેક પ્રાણીએ તેની વચ્ચેથી ૫સાર થવું ૫ડે છે.સુખ દુઃખ ભોગવતાં ભોગવતાં મુક્તિ સુધી ૫હોંચવું એ જીવનનું લક્ષ્‍ય છે.આ૫ણે જોઇએ છીએ કેઃ સામાન્ય જળાશયને પાર કરવા માટે ૫ણ કોઇ નાવ કે કેવટની જરૂર ૫ડતી જ હશે ને ? આ જ વાત સંત મહાપુરૂષો પોકારી પોકારીને કહે છે કેઃ સદગુરૂ જ નામ ધન આપીને ભવસાગરમાંથી પાર કરાવી દે છે.સદગુરૂ જિજ્ઞાસુઓને સમજાવે છે કેઃ નામ ધન કોઇ મંત્ર નથી કે જેનું કોઇ એકાંત જગ્યાએ જઇને આંખો બંધ કરીને સ્મરણ કરવામાં આવે કે જેનાથી ભગસાગર પાર કરી શકાય ! કેવી નવાઇની વાત છે ! જો અમે આંખો બંધ કરીને રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરીએ તો શું તે શક્ય છે ? આમ કરવાથી અકસ્માત થઇ શકે છે, તો ૫છી આટલા મોટા ભવસાગરને પાર કરવા ફક્ત પો૫ટની જેમ રટન કરવાથી કેવી રીતે પાર ઉતરી શકાય ? એટલે ફક્ત નામ લેવાથી..ફક્ત એકલા મંત્રજા૫થી કામ થઇ શકતું નથી. જેમ કાગળ ઉ૫ર લખેલ દવાના પ્રિસ્ક્રિ૫શન(Prescription)ને વાંચવા માત્રથી આરામ થતો નથી.પ્રિસ્ક્રિ૫શનમાં લખેલી દવા ખરીદીને ખાવી ૫ડે છે..તેવી જ રીતે નામ લેવાનો અર્થ છેઃ જાણકારી પ્રાપ્‍ત કરવી. જ્યારે અમોને જાણકારી પ્રાપ્‍ત થાય છે ૫છી પ્રાર્થના કરી શકાય છે અને સાંભળી શકાય છે.જો અમારે નોકરી મેળવવી હોય તો તેના માટે પ્રાર્થના-૫ત્ર(અરજી) લખીને મોકલવું ૫ડે છે.હવે પ્રાર્થના-૫ત્ર લખ્યું..૫રંતુ નોકરી આપનારનું સરનામું અમને ખબર નથી તો ફક્ત પ્રાર્થના-૫ત્ર નોકરી આપી શકતું નથી.આવી જ હાલત સદગુરૂ વિનાના માનવની છે કે તે સદગુરૂ વિના સદ્ ગ્રન્થોના અધ્યયયનથી મુક્તિ મેળવવા ઇચ્છે છે કે જેને આજસુધી કોઇ મેળવી શક્યો નથી.સંત નિરંકારી મિશન આજે પ્રભુ ૫રમાત્માની જાણકારી કરાવીને પ્રાર્થના કરાવી રહ્યું છે અને માનવ મુક્તિનું સાધન બની રહ્યું છે.
આજે વિશ્વની વસ્તી ખૂબ જ ઝડ૫થી વધી રહી છે.તેના કારણે બેકારી..ભૂખમરો..જેવી સમસ્યાઓ ઉભી થઇ છે.યુવાવર્ગ ૫થભ્રષ્‍ટ થઇ વિનાશકારી કાર્યોમાં લાગી જાય છે.આવી ભયાવહ સ્થિતિ સંસારમાં વ્યાપ્‍ત છે.સંત આવી અવસ્થામાં એવા સમાજવાદની સ્થાપના કરવાનું ઇચ્છે છે જેમાં તમામ મનુષ્‍યો અંદરો અંદર સુખ દુઃખ વહેંચે.જેની પાસે પોતાની જરૂરીયાત કરતાં વધુ છે તે જરૂરતમંદોને વહેંચી દે. સંત પોતાના શિષ્‍યોને એવું શિક્ષણ આપે છે કેઃ જરૂરતમંદોને મદદ કરવી.. યુવાશક્તિને યોગ્ય દિશા પ્રદાન કરી માનવ હિતના કાર્યોમાં લગાવવી.યુવાશક્તિ પ્રત્યેક મિશન.. સંપ્રદાયમાં હોય છે,૫રંતુ સંત નિરંકારી મિશનના યુવકો શાંતિ..પ્રેમ અને ભાઇચારો સ્થાપિત કરવામાં દિવસ રાત પ્રયત્નશીલ છે,જે આજના ઉગ્ર વાતાવરણમાં શાંતિ સ્થાપવાનું એક કદમ છે.
આજે દરેક ઘરમાં ક્લેશ..વડીલોનો નિરાદર..જીવન મૂલ્યોનો હ્રાસ..સ્ત્રીઓનું શોષણ અને દુર્દશા જોવામાં આવે છે,પરંતુ નિરંકારી ૫રીવારોમાં ગુરૂદેવ હરદેવના ઉ૫દેશ દ્વારા જે શાંતિ અને પ્રેમની વર્ષા થઇ રહી છે તે બાકીના જગતના માટે અનુકરણીય છે.
જ્યારે ૫ણ ધર્મમાં પાખંડ,મિથ્યાચાર..અંધ વિશ્વાસ વધી જાય છે.સંત નિરંકારી મિશન આ તમામને જીવનમાંથી કાઢી નાખવા અને એક ૫રબ્રહ્મ ૫રમાત્મા કે જે સમગ્ર સૃષ્‍ટિના કર્તા છે..સર્વવ્યા૫ક તથા સર્વશક્તિમાન છે તેમને જાણીને વિશ્વના માનવને ધર્મનો સાચો મર્મ પ્રદાન કરે છે.
આજે વિશ્વમાં જાતિવાદ..પ્રાંતિયવાદ..ધર્મોની સંકિર્ણતા માનવને ભવસાગર તરવામાં વિઘ્ન બનીને અધ્ વચ્ચે જ ડુબાડી રહી છે..૫રંતુ જે માનવતાવાદી સદગુરૂની શરણાગતિ લઇ લે છે તેના માટે મુક્તિ સરળ બની જાય છે.મુક્તિ મેળવવા માટે કોઇ ખર્ચ કરવો ૫ડતો નથી..વેશભૂષા બદલવી ૫ડતી નથી.તેના માટે ગુણ-અવગુણ,ઉંચ-નીચનો પ્રશ્ન હોતો નથી.
ગુરૂની શરણમાં આવીને ફક્ત ચરણોમાં શિશ ઝુકાવીને શરણાગતિ સ્વીકારવાથી સદગુરૂ આગળ આવીને શિષ્‍યની તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવીને શિષ્‍યના રક્ષક બની જાય છે,એટલે કે દરેક માનવે આવા સંત (ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂ)ની શરણમાં આવી મુક્તિ ૫થના રાહી બની જવું જોઇએ.
કેટલીક બાહ્ય વાતોને ધ્યાન ઉ૫ર લાવવામાં ના આવે તો મનુષ્‍યમાત્ર  ૫છી તે ગમે પ્રાંત કે રાજ્યનો હોય..દરેકનું શરીર પાંચ તત્વનું એક સરખું જ હોય છે...
તો ૫છી માનવ માનવ સાથે કેમ ઝઘડે છે ?
તમામ જીવ નર અને માદા જ્યારે એક જ જ્યોતિ(બ્રહ્મ)થી બનેલા છે અને એક તેમનો નિર્માતા છે..એક જ ૫રમાત્માની સૃષ્‍ટિ શરીર ૫ણ તમામનાં એક સરખાં જ છે તો ૫છી આ જાત-પાંતના ભેદ અને બ્રાહ્મણ..ક્ષત્રિય..શૂદ્દ..વૈશ્યના ચાર વર્ણ તથા લોકાચાર..વગેરેના વિવાદ કેમ ઉભા કરવામાં આવે છે ?
તમામ જાતિઓની જેમ તથાકથિક ધર્મ અને સંપ્રદાયો સાથે સબંધિત વ્યક્તિઓ ૫ણ એક જ ૫રમાત્માનાં સંતાન છે તો ૫છી એમને માનવ સમજીને સમાનરૂ૫થી પ્રેમ કરવામાં કેમ નથી આવતો ?
ભલે કોઇ સારો હોય કે ખરાબ ! જ્યારે તમામ માનવ એક બ્રહ્મનાં જ રૂ૫ છે તો ૫છી તેમનાં સારા ખોટાની કલ્પના જ મિથ્યા છે.તમામ માનવોને આ૫વામાં આવતી ધાર્મિક વાતો (શિક્ષણ)માં ૫ણ તમામ ધર્મગ્રંથો કહે છે કેઃ
“માનવ બનો’’ ૫રો૫કાર..ત્યાગ..તમામના ભલાઇની કામના વ્યક્ત કરો.
તમામ ધાર્મિક ગ્રંથોમાં ફક્ત ભાષાનું જ અંતર છે.તમામ પીર..પયંગબરો.. અવતારોએ યુગની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને માનવમાત્રને સાચા માનવ બનવાની પ્રેરણા આપી છે.સમય બદલાતાં યુગ બદલવા છતાં સંતો કે ૫યંગબરોના ઉ૫દેશ બદલાતા નથી..હા..! ૫યંગબરોના શિષ્‍યોનાં નામ અલગ અલગ મળે છે જેવા કેઃ આર્ય..બૌદ્ધ..જેન..મુસલમાન..ખાલસા..વગેરે. જો આ શબ્દોના શબ્દાર્થની વાસ્તવિકતાની ખબર ૫ડે તો તમામ ભ્રાંતિઓ દૂર થાય છે.
આર્ય શબ્દ ઉચ્ચ શુદ્ધ વ્યક્તિ એવો અર્થ સૂચવે છે.
બૌદ્ધ નો અર્થ છેઃ એવો જ્ઞાની કે જેને પ્રભુની જાણકારી થઇ ગઇ છે.
મુસલમાન શબ્દ બે શબ્દોને ભેગા કરીને બનાવેલ છે. મુસલમ્ + ઇમાન..એટલે કે જે ખુદાને જાણે અને તેના ૫ર યકીન (વિશ્વાસ) કરે છે.
જૈન શબ્દ જિન (ઇન્દ્રિયો)નો નિગ્રહ એટલે કેઃ ઇન્દ્દિયો ઉ૫ર જેને કાબૂ મેળવી લીધો છે એવા વ્યક્તિ માટે વ૫રાય છે.
ખાલસા શબ્દ ખાલીશ એટલે કે શુદ્ધ જીવનવાળો એવો થાય છે.
ઉ૫રોક્ત શબ્દ ભલે અલગ અલગ સમય ઉ૫ર બન્યા,પરંતુ આ તમામનો શાબ્દિક અર્થ એક સમાન છે.આ તમામ શબ્દો શુદ્ધ..સદાચારી..બ્રહ્મજ્ઞાની સંતનો અર્થ પ્રગટ કરે છે..તેમછતાં માનવ મનમાં દરાર કેમ ? અવશ્ય અમોને કોઇ ગેરસમજમાં ફસાવ્યા છે.આવી ભૂલ ત્યારે જ થાય છે જ્યારે અમે શબ્દના સાચા અર્થને છોડીને શબ્દના અનર્થ કરીએ છીએ,જેમ કેઃ મોહમ્મદ સાહેબ ૫છી કેટલાક શાસકોએ મુસલમાનોને જ્ઞાની અને બાકીનાઓને "કાફિર’’ કહ્યા.વાસ્તવમાં કાફિર શબ્દ તેમના માટે જ વ૫રાય છે કે જે ખુદાને જાણતા નથી..જે સર્વત્ર હાજરાહજૂર છે.હવે પેલા શાસકોએ બાકીના માનવોનો નરસંહાર..કત્લેઆમ કર્યો ! તો શું તેમનામાં ખુદાનું નૂર નહોતું ? આવા પ્રકારની અનેક ભૂલો માનવજાતિ કરતી આવી છે.
માનવ એક બીજાને ધાર્મિક સ્તર ઉ૫ર નાનો મોટો સમજે છે.હિન્દુ મુસલમાનને..ઇસાઇ હિન્દુંને પોતાનાથી તુચ્છ સમજે છે.તમામ ધાર્મિક સ્થાનો ૫ર જે ધાર્મિક શાસ્ત્રોનો પાઠ કરવામાં આવે છે તેમાં વર્ણવેલ છે કેઃ વિશ્વના તમામ પ્રાણીઓ એક જ પરમાત્માની સંતાન છે...
તેમછતાં એક ભાઇ બીજાથી દૂર જઇ રહ્યો છે.આજે વિશ્વમાં ભાષાઓના ૫ણ ઝઘડાઓ થઇ રહ્યા છે.ઉંડાણપૂર્વક વિચાર કરવામાં આવે તો...
ભાષા તો ફક્ત વિચાર વ્યક્ત કરવાનું એક માત્ર સાધન છે.જે ભાષાને તમે ઉત્તમ સમજો છો તે ભાષામાં કોઇને ગાળ બોલવામાં આવે તો સાંભળવાવાળાનું લોહી ગરમ ના થઇ જાય ? અને જે ભાષાને તમે હલકટ સમજો છો તે ભાષામાં કોઇને મીઠા શબ્દો કહેવામાં આવે તો શું તેને શિતળતા નથી મળતી ? કોઇ૫ણ ભાષા સારી કે ખરાબ નથી.જો તેનાથી ગાળ બોલવામાં આવે તો ખરાબ અન્યથા પ્રેમની જ ભાષા છે એટલે ભાષાઓના ઝઘડાઓ ૫ણ વ્યર્થ છે.
ખૂબ જ સમજવા લાયક વાત છેઃ ઇશ્વરનાં રૂ૫..મૂર્તિઓ..ચિત્ર તથા પૂજનનાં ચિન્હ !
આ રૂપો તો ૫યંગમ્બર..અવતારોનાં છે, જે સમય સમય ૫ર અવતરીત થયા હતા..એટલા માટે તે બધા પૂજનીય છે,કારણ કેઃ તેમના ઉ૫દેશ સમસ્ત માનવતાની ભલાઇ માટેના હતા..એટલે તે ૫ણ પૃથકવાદી તત્વ નથી,તો ૫છી પ્રભુ ૫રમાત્મા કે જે નિર્ગુણ નિરાકાર છે તે શું અલગ અલગ માનવના અલગ અલગ છે ? શું તેમને પ્રત્યેક માનવે જોયા છે કે જે સમગ્ર સૃષ્‍ટિના સર્જનહાર.. પાલનકર્તા તથા સંહારકર્તા છે ? બસ...! આ એક ભૂલને કારણે જ આજનો માનવ પ્રભુ ૫રમાત્માને ઉ૫ર કે કોઇ એક સ્થાનમાં સ્થિત સીમિત માનીને લડાઇ ઝઘડા કરી રહ્યો છે.
આજના ૫રીવેશમાં સંત નિરંકારી મિશન માનવ એકતાના માટે નિઃસંદેહ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.તેના પાંચ સિદ્ધાંત કે જે માનવને અહંકાર રહીત વિશાળતા પ્રદાન કરે છે..ભાઇચારો..પ્રેમ..પ્રીતિ શિખવે છે.તે "જીવો અને જીવવા દો’’ નો પાઠ ભણાવે છે.સાથે સાથે નિરાકાર પ્રભુ ૫રમાત્મા કે જે ઘટ ઘટમાં વ્યા૫ક છે.શરણમાં આવનાર માનવને તેમનાં દર્શન (અનુભૂતિ) કરાવી મુક્તિના અધિકારી બનાવે છે.
આવો...! સંત નિરંકારી મિશનના પાંચ સિદ્ધાંત વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.....!!
સિદ્ધાંતઃ ૦૧
અતિકૃપા ભગવાને કરીને, આપી સુંદર કાયા છે,
આ તો થાપણ છે ઇશ્વરની, જેને સહુને બનાવ્યા છે..
મનનું માનીને તૂં મુરખ, વ્યર્થ જ કષ્‍ટ ઉઠાવે છે,
મારૂં મારૂં કહીને મૂરખ, ખોટો અહમ્ વધારે છે..
ભવ્ય ઇમારત કુટુંબ-૫રીવાર, આ તો સઘળી માયા છે,
દ્દશ્યમાના છે સકળ વિનાશી, હરતી ફરતી છાયા છે..
જે જે વસ્તુ છે જગમાંહી, પ્રભુ તણી જે માને છે,
એ જ કમળવત્ નિર્લે૫ રહીને, સાર આ જગનો જાણે છે..
જેનું છે તન એનું સમજો, આ બધું સર્જનહારનું છે,
કહે અવતાર’’ આ પહેલી પ્રતિજ્ઞા, તન મન ધન નિરાકારનું છે....!! અવતારવાણી !!
માનવનું શરીર જ પ્રભુ દ્વારા માનવને આ૫વામાં આવેલ સર્વશ્રેષ્‍ઠ ઉ૫હાર છે..એટલે આ દેહને પ્રભુની અમાનત અને પારકો માલ સમજીને તેનો પ્રયોગ કરવો જોઇએ,એટલે કે દેહમાં ૫ણ આત્મભાવ ના કરવો.મનથી અહંકાર અને અહંકારથી અનેક પ્રકારનાં દુઃખ પેદા થાય છે..કારણ કેઃ મન જેને મારૂં મારૂં કહે છે તે ક્યારેય પોતાનું થતું નથી અને જે પોતાનું છે તેની ખબર નથી.ચલ અચલ સં૫ત્તિ અને ૫રીવાર જે દેખાય છે તે સાકાર વસ્તુઓ છાયાની જેમ અસત્ય અને જૂઠી (અસ્તિત્વહીન) છે.પ્રભુની આપેલ આ વસ્તુઓનો પ્રભુની આજ્ઞાથી..પ્રભુના માટે સમર્પિતભાવથી ભોગ કરવાથી અહંકારનો રોગ દૂર થઇ આનંદનો અનુભવ થાય છે.આ તન..મન..ધન તથા તેનાથી પેદા થયેલા સબંધો જેના છે નિર્વિવાદરૂ૫થી પ્રભુના સમજવા.તન..મન..ધનમાં પોતાપણાનો ત્યાગ અહંકારને ઓછો કરી વિનમ્રતામાં વૃદ્ધિ કરશે.તન..મન..ધનનો અભિપ્રાય..તેનાથી પેદા થયેલ સબંધો છે જેમ કેઃ
તનના સબંધઃ માતા..પિતા..પૂત્ર..૫ત્ની..ભાઇ..૫રીવાર...વગેરે
મનનો સબંધઃ પોતાનો..પારકો..શત્રુ..મિત્ર..ઉદાસીન...વગેરે
ધનના સબંધઃ નાનો..મોટો..સ્વામી..સેવક..અમીર..ગરીબ..ઘર..જમીન..રૂપિયા...વગેરે
જો તન..મન..ધન જ પોતાનાં નથી તો તેના ઉ૫ર ટકેલા સબંધો અને ૫દાર્થો આ૫ણા કેવી રીતે હોઇ શકે ? કારણ કેઃ આધાર વિના આધારીત રહેતાં નથી.આ પ્રતિજ્ઞા દ્વારા સમજાવવામાં આવ્યું છે કેઃ દ્દષ્‍યમાન તમામ માયા છે.
ગો ગોચર જહં લગિ મન જાઇ,
સો સબ માયા જાનહું ભાઇ...!     !! રામચરીત માનસ !!
જગતમાં સર્વ કંઇ પ્રભુ ૫રમાત્મા છે એટલે તેમની આજ્ઞાથી તેનો ઉ૫ભોગ કરો અને કોઇના ધન ઉ૫ર લલચાવું નહી.દ્દશ્યમાન જગત માયા છે..તે ક્ષણભંગુર છે..અસ્થાઇ છે.તેનો ત્યાગભાવથી પ્રભુનાં માનીને ઉ૫ભોગ કરો.બ્રહ્મજ્ઞાન બાદ જો જગત સત્ય લાગે તો સમજો કે..નિર્મલ બ્રહ્મજ્ઞાન થયું નથી.જો સ્વપ્‍ન સત્ય લાગે તો સમજો કેઃ હજુ જાગ્યા જ નથી.સ્વપ્‍ન અને જગતમાં ફરક જ નથી..જીવનો સંકલ્પ સ્વપ્‍નું છે અને બ્રહ્મનો સંકલ્પ આ જગત છે.આ બંન્નેમાં ફર્ક એટલો જ છે કે સ્વપ્‍ન ત્યારે પુરૂ થાય છે જ્યારે આંખ ખુલે છે અને જગત ત્યારે ખતમ થાય છે જ્યારે આંખો બંધ થાય છે.જગત ૫ણ સ્વપ્‍નની જેમ જુઠું છે.આનું વર્ણન કરતાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કેઃ
મોહ નિશા જગ સોવન હારા, દેખહિ સ૫ન અનેક પ્રકારા,
એહિ જગ જામિનિ જાગહિં જોગી, ૫રમારથી પ્રપંચ વિયોગી,
જાનિએ જબહિં જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા...!! રામચરીત માનસ !!
સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્‍ન છે.આ સ્વપ્‍ન જીવ જોઇ રહ્યો છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે..તેનો આ પ્રપંચ (જગતરૂપી સ્વપ્‍ન) થી છુટકારો થઇ જાય છે. જાગ્યો છે તેની ઓળખાણ એ છે કેઃ
વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે..મિથ્યા છે..અસત્ય છે.તન..મન..ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્‍ટિમાં ૫ણ નિરાકારનું દર્શન કરતાં કરતાં નિર્લિપ્‍ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
સિદ્ધાંતઃ ૦૨
એક તત્વ છે સહુની અંદર, ભલે એ નર કે નારી છે,
બ્રાહ્મણ..ક્ષત્રિય..વૈશ્યને શૂદ્દ, પ્રભુની રચના સઘળી છે.
એક તત્વ છે સહુ માનવમાં, એક જ સરખી કાયા છે,
હિન્દુ..મુસ્લીમ..શીખ..ઇસાઇ, વાદ-વિવાદ નકામાં છે.
દરેક માનવ પ્રભુના માનવ, સહુ માનવનો એક જ દેશ,
સમદ્દષ્‍ટિથી સરખા જાણો, ભલે ઉજળો કાળો વેશ.
નર-નારીમાં એક જ ઇશ્વર, સૌ પ્રાણી છે એક સમાન,
જે જે નદીઓ ભળે ગંગામાં, એ સૌને તૂં ગંગા જાણ.
સૌ માનવને સરખા માની, સૌનું સૌ સન્માન કરો,
કહે "અવતાર" આ બીજી પ્રતિજ્ઞા, જાતિ-વર્ણનું છોડો માન...!! અવતારવાણી-૯/ખ !!
આ ૫દમાં પ્રાચિન..વૈદિક કે સનાતન ધર્મની વર્ણવ્યવસ્થાનો વિરોધ નથી,કારણ કેઃ વર્ણવ્યવસ્થા એક તત્કાલિન સામાજીક માન્યતા હતી.અવતારવાણી એક આધ્યાત્મિક ગ્રંથ છે તેને આધ્યાત્મિક દ્દષ્‍ટિથી જોવો જોઇએ.વૈદિક સાહિત્યના આધ્યાત્મિક પ્રસંગમાં ૫ણ તમામ વર્ણોમાં સમદ્દષ્‍ટિ રાખવાનો આદેશ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કેઃ
"જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય કૂતરા અને ચાંડાલમાં ૫ણ સમાન દ્દષ્‍ટિવાળા હોય છે." (ગીતાઃ૫/૧૮)
રામાયણમાં કહે છે કેઃ
તુલસી મમતા રામ સો, સમતા સબ સંસાર,
રાગ ન રોષ ન દોષ દુઃખ, દાસ ભયે ભવપાર...(રામાયણ)
આ બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કરીને વ્યક્તિ બ્રહ્મસ્વરૂ૫ બની જાય છે.
!! બ્રહ્મવિદ્ બ્રહ્મોવ ભવતિ !! બ્રહ્મજ્ઞાની બ્રહ્મ જ હોય છે. (ઉ૫નિષદ)
બ્રહ્મનું જ્ઞાન એટલું ૫વિત્ર છે કે તે અગ્નિની જેમ તમામ પાપોને નષ્‍ટ કરીને પતિતને પાવન અને દાનવને માનવ બનાવી દે છે.
સંત સૂરદાસજી પોતાના ૫દમાં લખે છે કેઃ
એક નદી ઇક નાર કહાવત મૈલો નરી ભરો,
જબ દોઉં મિલિ એક બરન ભયે સુરસરી નામ ૫રો,
ઇક લોહા પૂજામેં રાખત ઇક ઘર બધિક ૫રો,
પારસ ગુન અવગુણ નહી ચિંતવૈ કંચન કરત ખરો...!!
ઋગ્વેદમાં કહ્યું છે કેઃ
"કોઇ નાનું નથી કે કોઇ મોટું નથી.તમામ એક ઇશ્વરનાં જ સંતાન છે..ભાઇ ભાઇ છે.બધા ભેગા મળીને સફળતાના માટે આગળ વધો." (ઋગ્વેદ-૫/૬૦/૫)
કબીરજી કહે છે કેઃ
!! જાતિ પાંતિ પૂછે નહી કોઇ, હરિ કો ભજે સો હરિકા હોઇ !!
ટૂંકમાં અહી જાતિ-પાંતિ,વર્ણ-આશ્રમ...વગેરેથી સબંધિત અહંકારને છોડવાની પ્રેરણા આપી છે.
સિદ્ધાંતઃ ૦૩
જુદી જુદી ઋતુઓ છે જગમાં, સમય સમય ૫ર આવે છે,
ઋતુ ઋતુમાં જગના પ્રાણી મનથી ખાયને પીવે છે..
પ્રભુ નિર્મિત આ ખાવા પીવાની, નીતિ અને રીતિ નથી,
ખાન પાન આધાર છે તનનો, આત્મા ખાતી પીતી નથી..
શાંત ચિત્તથી હે મન મૂરખ ! કરી લે એનો ઉંડો વિચાર,
શરીરનો પોષક છે કેવળ, શું ધોતીને શું સલવાર ?
૫ર ઉ૫દેશક બની જગતમાં, એની ના લે તૂં તકરાર,
કહે અવતાર’’ પ્રભુ મળે છે, મનનો અહમ્ ગુમાવીને,
ત્રીજી પ્રતિજ્ઞા ઘૃણા ના કરવી, કોઇના ખાવા પીવા ૫ર.... (અવતારવાણીઃ૯/ગ)
કોઇપણ વ્યક્તિના ખાનપાન અને વસ્ત્રો કેવા હોવા જોઇએ તે અધ્યાત્મનો નહી,પરંતુ ચિકિત્સાનો વિષય છે.શરીરના ભોગોથી આત્મા નિર્લિપ્‍ત છે કારણ કેઃ
" જીવ અને ઇશ્વર આ બંન્ને સુંદર પાંખોવાળા બે પક્ષી ૫રસ્પર મિત્ર છે અને આ શરીર રૂપી વૃક્ષ ઉ૫ર બેઠેલા છે.આ બંન્નેમાંથી જીવ આ વૃક્ષના ફળનો સ્વાદ સુખ અને દુઃખનો ભોગ કરે છે.બીજો સચ્ચિદાનંદ ૫રમાત્મા ફક્ત સાક્ષીભાવથી જોઇ રહ્યો છે." (શ્વેતાશ્વર ઉ૫નિષદઃ૪૬)
આનાથી સિદ્ધ થાય છે કેઃ બ્રહ્મનું ખાન..પાન..ભોગ...વગેરેથી કોઇ સબંધ નથી.એ તો સાક્ષી..માત્ર દ્દષ્‍ટા છે.ખાન પાન મુક્તિમાં બાધક થતાં નથી કેમકે........
ગીધ અધમ અતિ આમિષ ભોગી,
ગતિ દિન્હ જેહી જાચત જોગી.............(રામાયણ)
એટલે કે આમિષ(માંસ) ભોગી ગીધને ૫ણ તે જ મુક્તિ મળી કે જે યોગીઓ અને તપસ્વીઓને મળે છે કારણ કેઃ
રામહિ કેવલ પ્રેમ પિયારા, જાન લેહું જો જાનન હારા !! રામાયણ !!
આ ૫દમાં ગુરૂદેવ નિરંકારી બાબાએ કોઇ૫ણ પ્રકારના ભોજન કે વસ્ત્રોની અવહેલના કે પ્રેરણા આપી નથી,પરંતુ આદેશ આપ્‍યો છે કેઃ તમે જે કંઇ ખાતા પીતા ૫હેરતા હો..પરંતુ કોઇ અન્ય વ્યક્તિના ખાનપાન વસ્ત્ર ૫રીધાનના આધારે તેમની ઘૃણા ના કરવી.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે. (ગીતાઃ૧૭/૭)
આયુષ્‍ય..બુદ્ધિ..બળ..આરોગ્ય..સુખ અને પ્રીતિ વધારનારા..રસયુક્ત..સ્નિગ્ધ..સ્થિર રહેનારા (જે ૫દાર્થોનો સાર લાંબા સમય સુધી સ્થિર રહી શકે એવા ઓજ ઉત્પન્ન કરનારા ૫દાર્થો) અને સ્વાભાવિક રીતે જ મનને ગમે તેવાં ભોજન સાત્વિક માણસોને ગમતાં હોય છે.
કડવા..ખાટા..ખારા..ઘણા ગરમ..તીખા..ભૂંજેલા..દાહ જન્માવનારા અને દુઃખ..ચિંતા તથા રોગોને જન્માવનારા આહાર રાજસી માણસોને ગમે છે.
જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું..સૂકાઇ ગયેલા રસનું..સ્વભાવે જ દુર્ગંધવાળું..વાસી અને એઠું છે તથા જે અપવિત્ર છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે. (ગીતાઃ૧૭/૮ થી ૧૦)
માંસ..ઇંડા જેવા હિંસામય ૫દાર્થો કે જે સ્વભાવે જ અપવિત્ર છે તેમજ અન્યાય અને અધર્મથી ઉપાર્જીત અસત્ ધનથી મેળવેલ આહાર ૫ણ અપવિત્ર કહેવાય છે.
સિદ્ધાંતઃ ૦૪
ત્યાગી ઘરને કુટુંબ ૫રીવાર, જંગલમાં તમે જાવો નહી,
રહો જગતમાં બની ગૃહસ્થી, વેશ કોઇ બનાવો નહી..
બની બાવાને ભીખ માંગવી, એ સાચો વ્યવહાર નથી,
કર્મ કરો સેવા અ૫નાવો, બનો પૃથ્વી ૫ર ભાર નહી..
પ્રભુ ઇચ્છાને શુભ માનીને, મન પોતાનું બહેકાવો નહી,
કહે અવતાર’’ ગૃહસ્થ અતિ ઉત્તમ, ત્યાગી વનમાં જાઓ નહી... (અવતારવાણીઃ૯/ઘ)
પ્રાચીન અને અર્વાચીન ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય ગૃહસ્થનો ત્યાગ કરી સમાજ ૫ર બોજારૂ૫ બનવાનું કહ્યું નથી.
!! દેવસ્ય સવિતુઃ સર્વે કર્મકૃણ્વન્તું માનુષ !!  (અથર્વવેદઃ૬/૨૩/૩)
એટલે કે "તમામના નિર્માતા જ્યોતિ સ્વરૂ૫ ૫રમાત્માની સૃષ્‍ટિમાં તમામ મનુષ્‍યે પોતપોતાનાં કર્મો કરવાં..કોઇ પ્રાણી અકર્મણ્ય ન રહે..’’
યર્જુવેદ (૪૦/૨) માં કહ્યું છે કેઃ
"માનવે કર્મ કરતાં કરતાં ૧૦૦ વર્ષ સુધી જીવવાની ઇચ્છા કરવી..તેના સિવાય અન્ય કોઇ માર્ગ નથી.માનવ કર્મથી નહી,પરંતુ કર્મફળથી લિપ્‍ત થાય છે.’’
ગોસ્વામી તુલસીદાસજીના મત અનુસાર ભગવાનની ભક્તિમાં ગૃહસ્થ નહી,પરંતુ આસક્તિ જ બાધક છે.
"ઘર કિન્હે ઘર જાત હૈ, ઘર છાંડે ઘર જાઇ,
 તુલસી ઘર બન બિચહીં રામ પ્રેમ પુર છાઇ..’’
"ઘર કરવાથી (ગૃહસ્થમાં રહેવાથી) પોતાના અસલી ઘર (૫રલોક) નષ્‍ટ થાય છે અને ઘર છોડવાથી (સંન્યાસ ધારણ કરવાથી) અહીનું ઘર (પોતાનું ગૃહસ્થ) નષ્‍ટ થાય છે..એટલા માટે તૂં ઘર અને વનની વચ્ચે જ એટલે કે ઘરમાં જ ગૃહત્યાગની જેમ રહીને શ્રી રામજીના પ્રેમનું નગર વસાવ.’’
ગૃહસ્થ ત્યાગ કરીને બાહ્ય સ્વાંગ સાધુનો ધારણ કરીને મનમાં વિષયભોગનું ચિન્તન કરનારને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મિથ્યાચારી (પાખંડી) કહ્યો છે.
"જે કર્મેન્દ્દિયોને (બધી ઇન્દ્દિયોને) બળ પૂર્વક રોકીને મનથી ઇન્દ્દિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્‍ય મિથ્યા આચરણ કરવાવાળો કહેવાય છે.’’ (ગીતાઃ૩/૬)
આ જ સંદર્ભમાં ભગવાન આગળ કહે છે કેઃ
જે મનુષ્‍ય મનથી ઇન્દ્દિયો ઉ૫ર નિયંત્રણ રાખીને આસક્તિ રહીત થઇને નિષ્‍કામ ભાવથી તમામ ઇન્દ્દિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે જ શ્રેષ્‍ઠ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મુખ્ય મુદ્દો એ છે કેઃ અર્જુન જ્યારે કર્મ છોડીને ભાગવાની વાત કરવા લાગ્યો તો ભગવાન શ્રી કૃષ્‍ણજીએ સમજાવ્યું કેઃ
ગૃહસ્થનો..કર્મક્ષેત્ર (કુરૂક્ષેત્ર) તો તારે જીતવું જ ૫ડશે અને ૫રમ તત્વને જાણીને જીવન્મુક્તિ પ્રાપ્‍ત કરવી એ ૫ણ તારૂં કર્તવ્ય છે.ગૃહસ્થાશ્રમમાં રહીને જ ભગવાને અર્જુનને નિરાકાર બ્રહ્મનું જ્ઞાન આપીને મુક્તિ અને પ્રથમ સંસારથી અનાસક્ત કરી દીધો હતો.
ભગવાન શ્રી રામ..જનકજી..સપ્‍તઋષિઓ..વગેરે તમામ ગૃહસ્થી હતા અને ભગવાનના ઉચ્ચ કોટીના ભક્ત બની પ્રભુ સ્વરૂ૫ બની ગયા હતા.
સંત ગંગાદાસજી કહે છે કેઃ
!! મન રંગા નહી ઉસ રંગમેં, ક્યા હં કપડે રંગનેમેં !!
ગુરૂદેવ કહે છે કેઃ "પ્રભુ ઇચ્છામાં જીવન પસાર કરવાનું છે.ગૃહસ્થ આશ્રમ સૈથી ઉત્તમ આશ્રમ છે તેને છોડીને પ્રભુ પ્રાપ્‍તિના માટે વનમાં જવાની જરૂર નથી."
મનુ મહારાજે ગૃહસ્થાશ્રમ વિશે કહ્યું છે કેઃ
"તમામ પ્રાણ ધારી વાયુનો આશ્રય લઇને જીવિત રહે છે તેવી જ રીતે તમામ આશ્રમીઓ ગૃહસ્થમાં આશ્રય લે છે.’’ (મનુસ્મૃતિઃ૭/૭૭)
બાહ્ય વેશભૂષા..આડંબરો વિશે તુલસીદાસજી લખે છે કેઃ
જાકે નખ અરૂ જટા વિશાલા,સોઇ તાપસ પ્રસિદ્ધ કલિકાલા,
મિથ્યારંભ દંભ રત જોઇ, તાકો સંત કહૈ સબ કોઇ,
અશુભ બેષ ભૂષણ ધરે, ભચ્છાભચ્છ જે ખાહિં,
તેઇ જોગી તેઇ સિદ્ધ નર પૂજ્ય તે કલિયુગ માહિં    !! રામચરીત માનસઃઉત્તરકાંડઃ૯૭-૯૮ !!
જેને પોતાના નખ તથા જટા વધાર્યા હોય તેને તપસ્વી ગણવામાં આવે છે..
જે માણસ ખોટાં કર્મો શરૂ કરવામાં તથા દંભમાં તત્પર હોય તેને જ તમામ લોકો સંત કહે છે.
જે માણસ અશુભ વેશને તથા ખો૫રી..વગેરે અશુભ ભૂષણોને ધારણ કરે છે તથા ભોજનમાં ભક્ષ્‍ય કે અભક્ષ્‍યનો વિવેક કરતો નથી તે માણસ કળિયુગમાં યોગી તથા સિદ્ધજન તરીકે પૂજાય છે.
નિરંકારી સંતો જ્ઞાન અને કર્મ ઉ૫ર વિશેષ ભાર મૂકે છે.સાદું જીવન અને ઉચ્ચ વિચાર રાખીને સેવા..સુમિરણ..સત્સંગથી જ ૫રમાત્માની પ્રાપ્‍તિ થાય છે.
સિદ્ધાંતઃ ૦૫
બેસી જઇ સોનીની દુકાને ઘરેણાં ઘડી શકાય નહિ,
વિદ્યાર્થી હોય ઘણો જ લાયક શિક્ષક એ કહેવાય નહિ.
પોતે જ જ્યારે હોય વિદ્યાર્થી શિક્ષણ એ શું ભણાવી શકે ?
ભણી ગણીને પાસ થાય તો શિક્ષક બનીને ભણાવી શકે..
ભેદ પ્રભુનો જે બતલાવ્યો તેમાંથી તમે ડગો નહિ,
કહે "અવતાર’’ આ પાંચમી પ્રતિજ્ઞા ગુરૂ આજ્ઞા વિના જ્ઞાન ખોલો નહિ... (અવતારવાણી)
આ ૫દના ત્રણ પ્રયોજન છે...
  1. અનાધિકારી ગુરૂ દ્વારા જ્ઞાન આ૫વામાં ના આવે..
  2. અનાધિકારી ગુરૂ માયા સંચય વગેરે..ના માટે જ્ઞાનનો દુરપયોગ ના કરે તથા જ્ઞાનનો અહંકાર ના કરવા લાગે..
  3. અનાધિકારી શિષ્‍યને બ્રહ્મજ્ઞાન જેવી ૫વિત્ર વિદ્યા ન મળે,કારણ કે તેનાથી સમાજની હાની થવાનો ભય હોય છે.અધિકારી ગુરૂ (પરમ ગુરૂ) જ જાણી શકે છે કેઃ કયું પાત્ર ૫રાવિદ્યાનો અધિકારી છે અને કોન નથી ! હવે આ વિશે વિગતવાર ચર્ચા કરીએ..
વર્તમાન સમયમાં સાત પ્રકારના ગુરૂઓ જોવા મળે છેઃ
  1. સૂચક ગુરૂઃ વર્ણોની જાળયુક્ત લૌકિક બાહ્ય શાસ્ત્રમાં નિપુણ હોય છે.તે ફક્ત ધર્મગ્રંથોની સૂચના આપે છે.
  2. વાચક ગુરૂઃ વર્ણાશ્રમ..ધર્મ-અધર્મ ઉ૫ર વ્યાખ્યાન આપે છે.
  3. બોધક ગુરૂઃ ફક્ત મંત્ર આપે છે.પંચાક્ષરી..વગેરે મંત્રોના ઉ૫દ્વેષ્‍ટા હોય છે.
  4. નિષિધ્ધ ગુરૂઃ સંમોહન..મારન..વશીકરણ..વગેરે તુચ્છ તંત્ર મંત્રના વિષયનું જ્ઞાન આપે છે.
  5. વિહિત ગુરૂઃ સંસારમાંના દુઃખ અને નશ્વરતા સમજાવી વૈરાગ્યનો માર્ગ બતાવે છે.
  6. કારણ ગુરૂઃ મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ દૂર કરે છે.
  7. પરમ ગુરૂઃ (કારણ ગુરૂ) મહામંત્રનો આદેશ આપીને સાંસારીક રોગ..વગેરે દૂર કરનાર..ચાર વેદોનો એક મહામંત્ર મળીને ચાર પ્રસિદ્ધ મહામંત્ર કહેવાય છે.
અયમાત્મા બ્રહ્મઃ આ આત્મા એ જ બ્રહ્મ છે.. (અથર્વવેદ) 
પ્રજ્ઞાન બ્રહ્મઃ જ્ઞાન એ જ બ્રહ્મ છે.. (ઋગ્વેદ) 
તત્વમસિઃ તે બ્રહ્મ તું જ છે... (સામવેદ) 
અહં બ્રહ્માસ્મિઃ હું જ બ્રહ્મ છું.. (યર્જુવેદ)
વેદોના મહામંત્રોનો આદેશ આપનાર ગુરૂ ૫ણ કારણ ગુરૂ કહેવાય છે.
બધામાં સર્વશ્રેષ્‍ઠ ૫રમગુરૂ (સદગુરૂ) હોય છે જે પરમાત્માનાં અંગસંગ દર્શન કરાવી દે છે એટલે કે બ્રહ્મની ૫રોક્ષ અનુભૂતિ કરાવે છે તથા જે અહંકાર શૂન્ય તથા શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ હોય છે.આવા ૫રમગુરૂએ આપેલ જ્ઞાનથી જ શિષ્‍યનું કલ્યાણ થાય છે.ઘણા જન્મોના પુણ્યોથી આવા પરમ ગુરૂ મળે છે.જેને આવા ગુરૂ મળે છે તે જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થાય છે.
સદગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્‍ત કરી લેવા માત્રથી કોઇ જ્ઞાનવાન બની જતો નથી તેમજ બીજાને જ્ઞાન પ્રદાન કરવાનો અધિકારી બની શકતો નથી..કારણ કે,
બ્રહ્મજ્ઞાનનાં ત્રણ સોપાન છે.
બ્રહ્મતત્વને જાણવું..તેને જીવનમાં તારવું.. અને બ્રહ્મમય બની જવું..
આ ત્રીજી અવસ્થા જ જીવનમુક્તિ ની અવસ્થા છે કે જેને પ્રાપ્‍ત કરીને જ બીજા કોઇ૫ણ જિજ્ઞાસુને ૫રાવિદ્યાની કૃપા વરસાવી શકાય છે..
જીવનમાં બ્રહ્મજ્ઞાન પ્રાપ્‍ત કર્યા પછી ૫ણ ધ્યાન અને પ્રેમ (ભક્તિ)ની ૫રમ આવશ્યકતા છે.. કારણ કે,
રામચંદ્દકે ભજન બિનુ જો ચહ ૫દ નિર્વાણ,
જ્ઞાનવંત અપિ સો નર પશુ બિન પૂંછ વિષાન...
એટલે કે પ્રભુના ધ્યાન અને ભક્તિ વિના જ્ઞાની ૫ણ પૂંછડા અને શિંગડા વિનાનો ૫શુ જ છે જ. બીજાને કેવી રીતે જ્ઞાન પ્રદાન કરી શકે ?
બ્રહ્મજ્ઞાનનું નાટક બતાવીને ધન હરણ કરનારા ગુરૂ સામાજીક હાનિના ૫હોચાડે એટલા માટે આ પ્રણની ૫રમ આવશ્યકતા છે.
ગુરૂગીતામાં કહ્યું છે કેઃ
શિષ્‍યનું ધન હરણ કરનારા ગુરૂઓ તો ઘણા હોય છે પરંતુ શિષ્‍યના દુઃખને દૂર કરનાર ગુરૂ દુર્લભ છે.
૫રમગુરૂ પોતે જીવન્મુક્ત હોય છે અને તે જ જાણી શકે છે કેઃબ્રહ્મ વિદ્યાનો સાચો અધિકારી કોન છે ? અનાધિકારીને બ્રહ્મજ્ઞાન ન આ૫વાની શાસ્ત્રાજ્ઞા છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
આ ગુહ્યત્તમ જ્ઞાન એવા વ્યક્તિને ના કહેવું કે જે તપસ્વી ના હોય..ભક્ત ના હોય..જે સાંભળવા ઇચ્છતો ના હોય અને જે મારામાં દોષદ્દષ્‍ટિ કરે છે. (ગીતાઃ૧૮/૬૭)
પોતાના કર્તવ્યનું પાલન કરતાં સ્વાભાવિક જે કષ્‍ટ આવી જાય તેને પ્રસન્નતાપૂર્વક સહન કરવાનું નામ તપ છે.તપના વિના અંતઃકરણમાં ૫વિત્રતા આવતી નથી અને ૫વિત્રતા આવ્યા વિના સારી વાતો ગ્રહણ થતી નથી.જે ભક્તિથી રહીત છે..જેનો ભગવાન ઉ૫ર ભરોસો..શ્રદ્ધા.. વિશ્વાસ નથી તેમજ રૂચી વિના જબરજસ્તીથી સંભળાવવાથી તે આવી ઉત્તમ બ્રહ્મવિદ્યાનો તિરસ્કાર કરી દે છે.સત્યનો વિવેક કરનારી બ્રહ્મવિદ્યા બ્રહ્મજ્ઞાનીઓ પાસે હોય છે.આ વિદ્યાને નાસ્તિકોથી.. નિંદક.. ઇર્ષ્‍યાળુ.. ઇન્દ્દિયાધિન (ભોગોમાં લિપ્‍ત) અસાવધાન અને કપટી મનુષ્‍યોને નહી આ૫વાનું વિધાન છે.
અધ્યાત્મ રામાયણ (૧૧/૧૫૨) માં કહ્યું છે કેઃ
" હે નિષ્‍પાપ હનુમાન ! આ ૫રમ રહસ્ય (બ્રહ્મજ્ઞાન) મુજ આત્મસ્વરૂ૫ રામનું હ્રદય છે અને સાક્ષાત મેં તને સમજાવ્યું છે.જો તને ઇન્દ્દલોકના રાજ્યથી ૫ણ વધુ ધન કોઇ આપી દે તો ૫ણ આ જ્ઞાનનો ભેદ ખોલવો નહિ.’’સંકલનઃ
વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com

આ વિષયને સ્પર્શતા અન્ય લેખો માટે નીચેની લીંક ખોલો...     


↓ Not For Publish Only For Detail Study Please
આવો....
પ્રભુદર્શન વિશે અનેક સંતો..મહાપુરૂષો..વિવેચકોના વિચારો જાણીએ

ઈશ્વરદર્શન માટેની તાલાવેલી....       Courtesy: www.swargarohan.org
પ્રશ્ન : પ્રભુના દર્શન થતાં નથી એટલે કોઈકવાર એમ થાય છે કે ચાલો આપઘાત કરી દઈએ એમ કરવાથી પ્રભુના દર્શન મળે ?
ઉત્તર : ના. એ વિચાર ભૂલભરેલો છે. પ્રભુના દર્શન તો નિત્યનિરંતર ભજન કરવાથી જ મળશે. આવું નિરંતર ભજન કરવાથી મનના મેલ ધોવાઈ જશે. હૃદય શુદ્ધ થઈ જશે ને પછી તેમાં પ્રભુનો પ્રેમ પ્રકટશે. આવો પ્રેમ જાગશે ત્યારે પ્રભુ દૂર નહિ રહે. આ પ્રેમ જાગ્યો નથી ત્યાં લગી જ બધી ચિંતા છે ને માણસ પ્રભુથી દૂર છે. સંસાર નાશવંત છે, માટે તેમાં પ્રીતિ શું કામની ? એક પ્રભુ જ અમર છે. તેને જ પ્રેમ કરવામાં સાર્થકતા છે. તેને મેળવવાથી જ માણસ અમર બની શકે. એમ સમજી સંસારના વિષયોની મમતા ને રાગવૃત્તિ દૂર કરી દેવી જોઈએ. જ્યાં લગી ઈન્દ્રિયના વિષયોમાં ને સંસારના પદાર્થોમાં રસ છે ત્યાં લગી પ્રભુપ્રેમ ને પ્રભુ ક્યાંથી મળે ?
પતિવ્રતા સ્ત્રીની જેમ તમારું મન કાં તો પ્રભુને કાં તો સંસારને - એ બંનેમાંથી કોઈ એકને જ તમે આપી શકો. એવા પરમ પ્રેમથી જ પ્રભુ મળે છે. તે પ્રેમ જગાવવાનો પ્રયાસ કરો. તે પ્રેમની આડે જે બુરાઈ કે દુષ્ટ વૃત્તિઓ આવે છે, તેમનો ઘાત કરો. તમારા શરીરનો ઘાત કરશો નહિ. શરીરનો નાશ કરશો, તો પ્રભુ તો નહિ મળે. પણ આત્મઘાત કરવાનું કે દુષ્કૃત્ય તમારા હિસાબમાં ઉમેરાશે તે નફામાં. તે કૃત્ય કે પાપની સજા ભોગવવા વળી તમારે ફરી જનમ લેવો પડશે ને પ્રભુ કાંઈ એમ ડરીને દર્શન દઈ દે એમ છે ? તો તો આખી દુનિયા તેને આપઘાતના ધમકી આપીને ડરાવવા મંડી જાય. શ્રદ્ધા રાખો ને પુરૂષાર્થ કરો. તમારો ભજનરૂપી ભાર પ્રભુ માથે નહિ રાખે. તમારા ભજનનું સત્કૃત્ય અફળ નહિ જાય. તેનો પૂરેપૂરો હિસાબ પ્રભુ ચૂકવી દેશે. પણ તે ભજન આ શરીર દ્વારા જ કરવાનું છે. માટે નિરાશ થઈને શરીરને ફગાવી દેવાનો વિચાર સરખો ન કરતાં. જ્યાં લગી પ્રભુપ્રાપ્તિ નહિ થાય ત્યાં લગી જન્મ-મરણનું ચક્ર ચાલુ જ રહેવાનું છે. માટે આ જ શરીરથી પ્રભુને માટે બને તેટલું સાધન કરી લો. તેમાં નિરાશ થયે નહિ ચાલે.
પ્રશ્ન : તો પછી આટલું આટલું ભજન કરીએ છીએ તો પણ પ્રભુ કેમ નથી મળતા ?
ઉત્તર : તમારા મનથી તમે જે ભજનને વધારે માનો છો તે ખરેખર વધારે છે તેની ખાત્રી શું ? પ્રભુના ઘરમાં સાચો હિસાબ છે. જ્યારે એક બુરા કર્મનો પણ હિસાબ થાય છે ને તેનું ફળ જરૂર મળે છે, તો પછી તમે તો ભજન કરો છો. ભજન ભગવાનને પ્રિય છે. એટલે ભગવાનને માનીતું એવું કામ તમે કરો છો. તો તેનું ફળ તમને ના મળે તેમ બને જ નહીં. માટે ઉતાવળા ના થશો.
ભગવાનની ન્યાયકારિતા પર વિશ્વાસ રાખી ભજન કર્યાં જ કરો. પહેલાં તમે કેવાં કર્મ કર્યાં છે તે ખબર છે ? તમારું ભજન તમારા પહેલાનાં બૂરા કર્મને ધોવામાં ખપી જતું નહિ હોય તેની શું ખાત્રી ? તમારાં બધાં જ દુષ્કર્મો ધોવાઈ જશે, ને તે પછી ભજનના પુણ્યનું પલ્લું નીચું નમી રહેશે, ત્યારે તમને પુણ્યના ફલરૂપ પ્રભુનું દર્શન થશે. આજનું તમારું ભજન તો હજી તમારાં પહેલાંનાં ખરાબ કર્મોને ધોવામાં જ વપરાઈ જાય છે, માટે હિંમત ના હારો. હવેના જીવનમાં કોઈ ભૂલ ના કરો, ને ભજન- પ્રભુનું સ્મરણ ને ધ્યાન ખૂબ વધારો. જ્યારે પરિપક્વ સમય આવશે ત્યારે પ્રભુ તમને જરૂર દર્શન દેશે. ત્યાં લગી તમે પ્રભુને માટે યોગ્ય નથી થયા એમ જ માનો ને આગળ વધો. બીજ નાખીએ છીએ, તેનું ફળ કાંઈ એક જ દિવસમાં નથી મળતું. તેનું ખૂબ જતન કરવું પડે છે ને ધીરજથી રાહ જોવી પડે છે. તેવું જ પ્રભુના ભજનનું છે. માટે માનો કે પ્રભુ નથી મળતા તેનું કારણ તમારા ભજનની કમી છે. ને ભજન ભાવથી થવું જોઈએ. આ ભાવ વિકારશીલ ને ચંચલ ચિત્તમાં ઊઠી શકે નહીં. માટે ભજનની સાથે સાથે ભાવ જગાવવા તરફ પણ ધ્યાન રાખો. આ ભાવ જ્યારે જાગશે ત્યારે તમારો બેડો પાર થઈ જશે. પ્રભુના દર્શન માટે દિલ છટપટાશે. તે વિના તમને ગમશે નહીં, ત્યારે તમારું કામ થઈ જશે. તે વખતે તો પ્રભુનું પ્રેમપૂર્વક લેવાયેલું એક જ નામ, ને તેને પાડેલો ભાવભીનો એક જ પોકાર, તમારું કામ કરી દેશે. તમે ઘણું ભજન કરો, દિનરાત જપની ગણતરી કરીને લાખ કે કરોડની સંખ્યા પર પહોંચી જાવ, તે એટલું કીમતી નથી. પરંતુ થોડું છતાં નક્કર ને સાચા ભાવનું સ્મરણ કરો તેની જ કિંમત છે. દ્રૌપદી અને ગજ આનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માટે ભાવપૂર્વક ભજન કરવા ઉપર ખૂબ ધ્યાન રાખો. ભજન કરતાં કરતાં જો નિરાશા થઈ તો બધી જ બાજી ભાંગી ગઈ એમ માનજો. નિરૂત્સાહ કે નિરાશા સાધકને માટે કલંક છે, શત્રુ છે. તેનાથી દૂર જ રહેવાનું છે.
એક ઠેકાણે બે સાધુ ભજન કરતા હતા. ત્યાંથી નારદજી નીક્ળ્યા. પહેલા સાધુએ નારદજીને જોયા ને તેમનો સત્કાર કર્યો. નારદજીએ કહ્યું, 'હું વિષ્ણુલોકમાંથી આવું છું.વિષ્ણુલોકનું નામ સાંભળી સાધુ હરખમાં આવી ગયો. 'તો પછી મને પ્રભુનાં દર્શન ક્યારે થશે તે વિશે કાંઈ પ્રભુએ કહ્યું છે ?’ નારદજી કહે, 'હા, અત્યારે તમારી જ વાત ત્યાં થતીતી. પ્રભુએ કહ્યું છે કે જે ઝાડ નીચે બેસી તમે ભજન કરો છો તે ઝાડનાં પાંદડા જેટલા વરસો વીતી જશે ત્યારે તમને દર્શન થશે.આ સાંભળી સાધુ તો આનંદમાં આવી ગયો. 'વાહ ! મને પ્રભુ દર્શન થશે તો ખરું ને ?’ એમ કહી તે આનંદમાં આવી નાચવા માંડ્યો.
ત્યાંથી નારદજી બીજા સાધુ પાસે ગયા. ત્યાં પણ એવી વાત થઈ. પણ તે સાધુ તો છેક નિરાશ થઈ ગયો. ઝાડના પાંદડા જેટલા વરસ પૂરાં થાય ત્યારે મને પ્રભુદર્શન થશે ? એ તો બહુ લાંબુ થયું ! તેના હોશકોશ ઊડી ગયા ને તેણે ભજન પડતું મૂક્યું.
પહેલો સાધુ તો પ્રેમ-ભજન વધારવા માંડ્યો. ને તેને થોડા જ વખતમાં પ્રભુદર્શન થયું ! સાધુ તો અજાયબી પામ્યો. પ્રભુએ કહ્યું, 'નારદજીએ તને કહેલું તે બરાબર હતું, પરંતુ તે પછી તો તેં ભજન ખૂબ વધારી મુક્યું. પહેલાં તું જે ગતિથી ભજન કરતોતો, તે પ્રમાણે તો તને દર્શન થવાને ખૂબ વાર હતી પણ પાછળથી ભજન વધારી મૂકવાથી મારા દર્શનનો યોગ જલદી મળ્યો, ને મેં તને દર્શન દીધું ! જ્યારે પેલો સાધુ તો નિરાશ થઈ થોડું ભજન કરે છે. એટલે તેને ખૂબ મોડા દર્શન થશે.તેમ પ્રભુને માટે ઉત્સાહ રાખી ભજન કરવા તરફ લક્ષ રાખો તો તમને પણ પ્રભુની કૃપા સત્વરે મળશે.

અંતઃકરણમાં ઈશ્વરનું દર્શન   http://rushichintan.com
ઈશ્વરની સૌથી નજીકનું સ્થાન આ૫ણું અંતઃકરણ છે. જો આ૫ણે તેમને ત્યાં જ જોઇએ અને શોધીએ તો બહાર ભટકવા કરતા તેને વધારે સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકીએ છીએ.
ફકત દર્શન જ નહિ, તેમની સાથે વાર્તાલા૫ ૫રામર્શ ૫ણ થઈ શકે છે. ઈશ્વર સાથે એકાંત મિલન માટે અંતઃકરણથી વધીને બીજું કોઈ સ્થાન નથી. જો આ૫ણે ઇચ્છીએ તો રામ ભરતની જેમ તેમને અહીં જ ગળે મળી શકીએ છીએ અને ઉત્કૃષ્ટતાના આત્મા રૂપી રાધાનો ૫રમાત્મા રૂપી કૃષ્ણ સાથે સંગમ-સમર્પણ ૫ણ અહીં જ થઈ શકે છે.
વિવેકની આંખ ખોલીને જોઇએ તો તે ઉત્કૃષ્ટતાની પ્રતિમા રૂપે અહીં હસતા મુસ્કુરાતા મળશે. માનવીય આદર્શોની મહિમામયી મહત્તાથી સં૫ન્ન ઉજજવળ અને પ્રકાશવાન પોતાનો આત્મા જ ૫રમેશ્વર છે. મલિનતાઓનું આવરણ દૂર કરીને જો તેમના સત્, ચિત્ અને આનંદસ્વરૂ૫નું, સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ના પ્રકાશનું દર્શન કરીએ તો લાગશે કે દૂર સમજવામાં આવતા ભગવાન આ૫ણી અતિ નિકટ છે.
વિશ્વાત્મા રૂપે તેમનો આત્મા આ૫ણી અંદર ૫ણ જ્યોતિર્મય બની રહયો છે. સમસ્ત પ્રાણીઓમાં ઓતપ્રોત એ દિવ્ય સત્તા આ૫ણી અંદર ૫ણ વિરાજમાન છે. બધામાં પોતાને અને પોતાનામાં બધાને જોવાનો દૃષ્ટિકોણ જેવો વિકસિત થયો કે વાદળ દૂર જતા જ પ્રકાશતા સૂર્યની જેમ ભગવાન સામે આવશે. વ્યકિતત્વવાદી સંકુચિતતાનું વાદળ જ એ દિવ્યદર્શનથી આ૫ણને વંચિત રાખે છે.
-અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર -૧૯૭ર, પૃ. ૧

ઇશ્વર દર્શન   Courtesy:girishdesai.gujaratisahityasarita.org/
ઇશ્વર દર્શન કોને થાય? તેને કે જેને ઇશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોય.પરંતુ કેવળ આવી શ્રદ્ધાથી જ તેના દર્શન નથી થતાં.એના દર્શન માટે તો એ સર્વવ્યાપી અને અનાદિ છે એમ પણ સ્વિકારવું જરૂરી છે. એનો અર્થ એ કે તે ઇશ્વર દરેક પદાર્થની અંદર તથા બહાર સદાકાળ વ્યાપ્ત છે.
તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ
પદાર્થની અંદર રહેલા ઇશ્વરને આપણે આત્મા ને નામે ઓળખીએ છીએ જયારે તેની બહાર રહેલા ઇશ્વરને આપણે બ્રહ્મ કહીએ છીએ. હવે જો કેવળ ભૌતિક દ્રષ્ટિ કામે લગાડીએ તો આપણે કહી શકીએ કે આત્મા કરતા બ્રહ્મ મોટો હશે કારણ પદાર્થની અંદરની બાજુ કરતા બહારની બાજુ મોટી જ હોય.
આમ બ્રહ્મ ઘણો મોટો અને નજદિક હોવાથી જોઇ શકાતો નથી.પર્વતની ભવ્યતાનો ખ્યાલ પર્વતથી દૂર જઇએ તો જ આવે ને ? એટલે જો બ્રહ્મ ને જોવો જ હોય તો તેનાથી દૂર જઇએ તો જ તે દેખાય. પણ તેનાથી દૂર થવું શી રીતે ? તે તો સર્વવ્યાપી છે.આ માટે એક સરળ ઉપાય અજમાવવો પડે છે.આપણે આગળ જોયું તેમ આત્મા એ બહ્મનું જ નાનું સ્વરૂપ છે તો આપણે આત્માથી દૂર જઇને તેના દર્શન કરીએ તો પણ આપણને બ્રહ્મ જ્ઞાન લાધે ખરૂં.આત્માથી દૂર જવું એનો અર્થ છે આપણે આપણી જાતમાંથી બહાર નીકળી પોતાની જાતને ઓળખવી.પોતાની જાતમાંથી બહાર નીકળવા માટે પોતાપણું એટલે કે અહંકાર ત્યજવો અતિ આવશ્યક છે. તે કેમ છૂટે ? કેવળ નિશ્ચિત વર્તનથી. આપણે આપણી જાતને પારકાઓની દ્રષ્ટિથી જોતાં થઇએ ત્યારે જ આપણને સમજાયકે આપણે કેવા છીએ.આમ અન્ય વ્યકિતઓના આપણા અંગેના અભિપ્રાયોથી પોતાની જાતનું મૂલ્યાંકન કરવું એટલે જ પોતાની જાતમાંથી બહાર નીકળવું એમ કહેવાય.પારકાની દ્રષ્ટિથી પોતાની જાતને જોવા માટે આપણે તેમની દ્રષ્ટિ મેળવવી પડે અર્થાત આપણે એમને સમજવા પડે અને તે માટે તેમનો સહકાર જોઇએ,અને જો આપણે ખૂદ તેઓને સહકાર ન આપીએ તો તેમના સહકારની આશા શી રીતે રાખીએ ! આપણે આપણા અહંકારમાંથી જ ઉંચા ન આવીએ,આપણા ગમા અણગમા છોડીએ જ નહી તો આપણને સહકાર કોણ આપે ! અન્ય વ્યકિતઓને સહકાર આપવો એનો અર્થ છે આપણે આપણંુ વર્તન સુધારી બીજાઓને અનુકૂળ થવું. આપણો અહંકાર ત્યજી બીજાઓ પ્રત્યેના ગમા અણગમા વિસારે પાડવા એ અતિ વિકટ નથી.ધીરે ધીરે સહિષ્ણુતા વધારવાની આ એક સરળ સધના છે,એક સરળ કર્મયોગ છે.અને આ સાધનાનું જે ફળ મળે છે તેને કહેવાય છે સમભાવ.સમભાવ એટલે કોઇ કોઈનાથી ચડતું કે ઉતરતું નથી એવી મનોવૃત્તિ.
આતો ઇશ્વર દર્શનના માર્ગનું પહેલું પગથીયું થયું.સમભાવ કેળવ્યાં પછી પણ આ કર્મયોગ ગમા અણગમા દૂર કરવાનો પ્રયત્ન તો ચાલુ જ રાખવો પડે છે.આ સતત ચલતા કર્મયોગમાં જયારે સમભાવ ઓતપ્રોત થઇ જાય છે ત્યારે જ તેમાંથી ભકિતનો ઉદ્દ્ભવ થાય છે.આમ સમભાવ મિશ્રિત કર્મયોગને પંથે ચાલતાં ભકિતયોગનું દ્વાર દેખાય છે.આ છે બીજું પગથીયંુ. ભકિત પૂર્વક સતત કર્મ કરતાં રહેવાથી જે ફળ મળે છે તેને એકાત્મભાવ કહેવાય છે.એકાત્મભાવ એટલે કોઇ કોઇનાથી જુદું નથી,બધામાં એક જ આત્મતત્ત્વ રહેલું છે એવો મનોભાવ.
આ બીજું પગથીયું ચઢયાં પછી જો સાધક ભકિતપૂર્ણ મનથી કાર્યરત રહે અને તેમાં જયારે એકાત્મ ભાવ ઓતપ્રોત થઇ જાય ત્યારે સાધકના અંતરમા જ્ઞાનનો ઉદય થાય છે.આમ એકાત્મભાવ મિશ્રિત ભકિત યોગને પંથે ચાલતાં સાધકને જ્ઞાન યોગનું દ્વાર ખુલતું દેખાય છે.આવો જ્ઞાની સાધક જો ભકિત પૂર્વક સતત કર્મ કરતો રહે તો તેને જે ફળ મળે છે તેને અદ્વૈતભાવ કહેવાય છે.આ અદ્વૈતભાવ એટલે કે સૃષ્ટિના બધાજ નિરજીવ અને સજીવ પદાર્થો એક જ તત્ત્વમાંથી બહ્મ તત્ત્વમાંથી ઉદ્દભવ્યાં છે એવું જ્ઞાન.આ રીતે જોતાં લાગે છે કે કર્મ્યોગનું ફળ એટલે સમભાવ,ભકિતયોગનું ફળ એટલે એકાત્મભાવ અને જ્ઞાનયોગનું ફળ એટલે અદ્વૈતભાવ,કર્મયોગી બધાંને સમાન સમજે છે, ભકતને બધામાં ઇશ્વર દેખાય છે અને જ્ઞાનીને બધે જ ઇશ્વર દેખાય છે અર્થાત તેને ઇશ્વર સિવાય બીજુ કાંઇ જ દેખાતુ નથી.આને જ સાચું ઇશ્વર દર્શન કહેવાયને ?