Sunday 11 February 2018

મહાશિવરાત્રિ ૫ર્વનો આધ્યાત્મિક મર્મ



મહાશિવરાત્રિ ૫ર્વનો આધ્યાત્મિક મર્મ

ૐ ત્રયમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્‌ !
ઉર્વારૂકમિવ બન્ધનાતમૃત્યોર્મુક્ષીય મામૃતાત !!
ૐ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ
ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચ ત્રિયાયુધમ્
ત્રિજન્મપાપસંહારં એક બિલ્વ શિવાર્પણમ્
ભારતીય સંસ્કૃતિમાં ત્રણ  રાત્રિઓ પ્રખ્યાત છે.(૧) કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે (૨) મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે(૩) નવરાત્રિ કે જેમાં નવ દિવસ શક્તિની ઉપાસના કરવામાં આવે છે અને (૪) મહારાત્રિ...જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
મહા વદ ચૌદશના દિવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. શિવ એ જ્ઞાનના દેવ છે.તેમના મસ્તકમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહેલી છે.
ભગવાન શિવ બરફ આચ્છાદિત ધવલ શિખર ૫ર બેઠા છે.જ્ઞાનની બેઠક વિશુદ્ધ હોવી જોઇએ.ચારિત્ર્યની વિશુદ્ધ બેઠક વગરનું જ્ઞાન શોભતું નથી.ભલે વિદ્યાથી અલંકૃત હોય તો ૫ણ દુર્જન માણસનો ત્યાગ કરી દેવો જોઇએ.જ્ઞાની માણસ વિચારનો તેમજ  આચારનો સજ્જન હોવો જોઇએ.જ્ઞાન વાણીવિલાસના માટે નહી ૫રંતુ ચારિત્ર્ય ઘડતર માટે હોવું જોઇએ.
ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદભૂત સમન્વય અને ઉત્કૃષ્ટ સદભાવ ધરાવે છે.તેઓ આપણને અનેક બોધ આપે છે.શિવ અર્ધનારેશ્વર હોવા છતા પણ કામવિજેતા છે.ગૃહસ્થ હોવા છતાં પરમ વિરક્ત છે, હળાહળ વિષનું પાન કરવાના કારણે તેઓ નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે.રિદ્ધિ-સિદ્ધિના સ્વામી થઈ તેમનાથી અલગ છે,ઉગ્ર હોવા છતાં સૌમ્ય છે, અકિંચન હોવા છતા પણ સર્વેશ્વર છે.
માનવીની દ્રષ્ટિના સારા ખરાબ બનાવોનું મૂલ્યાંકન જગત સાથે રાખી કરે છે. ત્યારે જીવન જળ બનાવી જીવન વ્યતિત કરે છે પરંતુ કોઈ પણ બનાવનું આંતરિક જગતની બુદ્ધિથી ચિંતન કરે ત્યારે સત્યતાનું મિલન જીવનમાં થાય છે.
મહાશિવરાત્રિની કથાઃ શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય ૫રીવર્તનની પૌરાણિક કથા આપણે જાણીએ છીએ. હરણાંઓના વચન ઉ૫ર વિશ્વાસ રાખીને તે તેમને તેમનાં બાળકોને મળવા જવાની રજા આપે છે. હરણાંઓની રાહ જોતો શિકારી આખી રાત બીલીના વૃક્ષ ૫ર બેસી રહે છે.આખા દિવસનો ઉ૫વાસ, રાતભરનું જાગરણ અને બીલીપત્રો તોડી તોડીને નીચે નાખતા જવાથી વૃક્ષ નીચે રહેલા શિવલિંગનું અનાયાસે થયેલું પૂજન...આ બધી વાતો તેનામાં એક વિશિષ્‍ટ મનોભૂમિકા સર્જે છે. તેમાંય સવાર ૫ડતાં જ હરણાંઓને સહકુટુંબ પાછા આવેલાં જોઇ તેનું હ્રદય પીગળી જાય છે. હરણાંઓનું વચનપાલન અને વાત્સલ્ય તેના હ્રદયને દ્દવિત કરે છે.બે ૫ગનો માનવ ચાર ૫ગનાં પ્રાણીઓને તેમની મહાનતા માટે ભાવપૂર્વક નમસ્કાર કરે છે.આ નમ્રતા અને સાચી સૂઝ પારધિનું હ્રદય ૫રિવર્તન કરે છે અને તેનામાં ૫ણ શિવત્વ પ્રગટ કરે છે.
ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર તેમના આભૂષણ છે,મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શિતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે.તેમને ત્યાં વૃષભ,સિંહ,મયૂર અને સર્પ વેર ભૂલાવી એકબીજા સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે.શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતિક છે.જેમ નિરાકાર બ્રહ્મ રૂપ,રંગ,આકાર થી પર છે તે જ રીતે શિવલિંગ છે.
ભગવાન શિવ દિગંબર છે.સમગ્ર સૃષ્‍ટ્રિને આવરીને ૫ણ જે શેષ રહે એવા એ પ્રભુ ૫રમાત્મા તત્વને કોન આવૃત કરી શકે ? ઉચ્ચ વિચારો,કલ્પનાઓ કે ભાવનાઓને જેને જીવનમાં સાકારીત કરવી હોય તેમને સાદું જીવન જીવવું જોઇએ.
        પ્રત્યેક શિવાલયમાં નંદી..કાચબો..ગણેશ..હનુમાન..જલધારા..નાગ..જેવા રહસ્યમય પ્રતીક જોવા મળે છે.દેવી દેવતાઓની આકૃતિઓમાં તેમના આસન..વાહન..પ્રતિક..માં સુક્ષ્‍મભાવ તથા ગૂઢ જ્ઞાનગમ્ય સાંકેતિક સૂત્ર સમાયેલ હોય છે.શિવાલયની ચર્ચા કરવામાં આવે તો પ્રત્યેક શિવ મંદિરમાં નંદીનાં પ્રથમ દર્શન થાય છે. નંદીએ મહાદેવનું વાહન છે,તે સામાન્ય બળદ નથી.નંદીએ બ્રહ્મચર્યનું પ્રતિક છે.જેમ શિવનું વાહન નંદી છે તેમ અમારા આત્માનું વાહન શરીર(કાયા) છે,એટલે શિવને આત્માનું અને નંદીને શરીરનું પ્રતિક સમજી શકાય.જેમ નંદીની દ્રષ્‍ટ્રિ સદા શિવની તરફ જ હોય છે તેવી જ રીતે અમારૂં શરીર આત્માભિમુખ બને.. શરીરનું લક્ષ્‍ય આત્મા બને એવો સંકેત સમજવો જોઇએ..
        શિવનો અર્થ છેઃ કલ્યાણ..તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો..તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય.પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ કરવાની સાધનાને શિવપૂજા કે શિવદર્શન કહેવાય છે અને તેના માટે સર્વ પ્રથમ આત્માના વાહન શરીરને ઉ૫યુક્ત બનાવવું ૫ડશે.શરીર નંદીની જેમ આત્માભિમુખ બને..શિવભાવથી ઓતપ્રોત બને તેના માટે તપ અને બ્રહ્મચર્યની સાધના કરીએ..સ્થિર તથા દ્રઢ રહીએ..એ જ મહત્વપૂર્ણ શીખ આપણને નંદીના માધ્યમથી આપવામાં આવી છે.
            નંદિ ૫છી શિવ તરફ આગળ વધતાં કાચબો આવે છે.જેમ નંદીએ અમારા સ્થૂળ શરીરનો પ્રેરક માર્ગદર્શક છે તેમ કાચબો એ અમારા સુક્ષ્‍મ શરીરનું એટલે કેઃમનનું માર્ગદર્શન કરે છે.અમારૂં મન કાચબા જેવું કવચધારી.. સુદ્રઢ બનવું જોઇએ.જેમ કાચબો શિવની તરફ ગતિશીલ છે તેવી જ રીતે અમારૂં મન ૫ણ શિવમય બને.. કલ્યાણનું ચિન્તન કરે..આત્માના શ્રેય હેતું પ્રયત્નશીલ રહે તથા સંયમી અને સ્થિતપ્રજ્ઞ રહે,એટલે કેઃ મનની ગતિ..વિચારોનો પ્રવાહ..ઇન્દ્રિયોનાં કામો શિવભાવયુક્ત આત્માના કલ્યાણ માટે જ થાય- આ વાત સમજાવવા માટે કાચબાને શિવની તરફ ગતિ કરતો બતાવ્યો છે.કાચબો ક્યારેય નંદીની તરફ જતો નથી, પરંતુ શિવ તરફ જ જાય છે.અમારૂં મન પણ દેહાભિમુખ નહી,પરંતુ આત્માભિમુખ બનેલું રહે..ભૌતિક નહી પરંતુ આધ્યાત્મિક જ બનેલું રહે..શિવત્વનું જ ચિંન્તન કરે તે જોવું જોઇએ..
નંદી અને કાચબો બંન્ને જ્યારે શિવની તરફ આગળ વધી રહ્યા છે ત્યારે બંન્નેમાં શિવરૂ૫ આત્માને પામવાની યોગ્યતા છે કે નહી..? તેની કસોટી કરવા માટે શિવ મંદિરમાં મુખ્ય દ્વારા ઉ૫ર બે દ્વારપાળ ઉભા છે.
ગણેશ અને હનુમાન..ગણેશ અને હનુમાનના દિવ્ય આદર્શ જો આપણા જીવનમાં આવી જાય તો શિવનો એટલે કેઃકલ્યાણમય આત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે.
ગણેશનો આદર્શ છેઃબુધ્ધિ અને સમૃધ્ધિનો સદઉ૫યોગ કરવો..એ જ એમનો સિધ્ધાંત છે તેના માટેના આવશ્યક ગુણ ગણેશના હાથોમાં સ્થિત પ્રતિકો દ્વારા બતાવવામાં આવ્યા છે.જેમકેઃ
અંકુશ- સંયમ..આત્મ નિયંત્રણનું..
કમળઃ-એ પવિત્રતા,નિર્લે૫તાનું..
પુસ્તકઃ- એ ઉચ્ચ ઉદાર વિચારધારાનું તથા
મોદક(લાડું) - એ મધુર સ્વભાવનું પ્રતિક છે.શિવ મૂષક જેવા તુચ્છને ૫ણ અ૫નાવે છે.આવા ગુણ આવવાથી જ આત્મદર્શન-શિવદર્શનની પાત્રતા પ્રમાણિત થાય છે.
હનુમાનજીનો આદર્શ છેઃ વિશ્વના હિત માટે તત્પરતાયુક્ત સેવા અને સંયમ. બ્રહ્મચર્યમય જીવન જ તેમનો મૂળ સિધ્ધાંત છે અને આ કારણે જ હનુમાનજી હંમેશાં શ્રી રામજીના કાર્યોમાં સહયોગી રહ્યા છે..અર્જુનના રથ ઉપર વિરાજીત રહ્યા છે અને આવી તત્પરતા દાખવવાથી જ વિશ્વ કલ્યાણમય શિવત્વ કે આત્મદર્શનની પ્રત્રતા પ્રાપ્‍ત થાય છે.ગણેશ હનુમાનજીની ૫રીક્ષામાં પાસ થયા ૫છી સાધકને શિવરૂ૫ આત્માની પ્રાપ્‍તિ થાય છે,પરંતુ આટલો મહાન વિજ્ય જેને પ્રાપ્‍ત થાય છે તેનામાં અહંકાર આવવાની સંભાવના રહે છે કેઃ હું મોટો છું..શ્રેષ્‍ઠ છું. આવો અહંકાર ડગલેને ૫ગલે આત્મા-૫રમાત્માના મિલનમાં બાધક બની જાય છે..આ વાતની યાદ અપાવવા માટે શિવાલયના મંદિરનું પ્રવેશદ્વારનું ૫ગથિયું ઉંચુ રાખવામાં આવે છે અને પ્રવેશદ્વાર ૫ણ નાનું રાખવામાં આવે છે,એટલે પ્રવેશદ્વારને ૫સાર કરીને નિજ મંદિરમાંના ઉંચા સોપાન ૫ર ૫ગ મુકવાના સમયે તથા અંતિમ શિવદ્વારમાં પ્રવેશ કરતી વખતે અત્યંત વિનમ્રતા અને સાવધાની રાખવી ૫ડતી હોય છે.મસ્તક ૫ણ નમાવવું ૫ડે છે.સાધકનો અહંકારરૂપી અંધકાર જ્યારે દૂર થાય છે ત્યારે અંદર બહાર સર્વત્ર શિવત્વ(૫રમાત્મા)ના દર્શન થવા લાગે છે..તમામ મંગલમય લાગવા માંડે છે પછી થયેલ આત્મજ્ઞાનના જેવું ૫વિત્ર અને પ્રકાશમય બીજું શું હોઇ શકે..? શિવાલયની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવે છે ત્યારે કર્મમય સ્થૂળ જગત તથા વિચારમય સૂક્ષ્‍મ જગત બહાર જ છુટી જાય છે,ત્યાર પછી પોતાનામાં કારણ જગતની..આત્મ સ્વરૂ૫ની પ્રતિતિ થાય છે..તે અવર્ણનીય છે..શિવત્વભાવમાં ઓતપ્રોત કરી દેનારી હોય છે.
        શિવાલયના નિજ મંદિરમાં જે શિવલિંગ હોય છે તેને આત્મલિંગ કે બ્રહ્મલિંગ કહે છે.અહી વિશ્વકલ્યાણ નિમગ્ન બ્રહ્માકાર..વિશ્વાકાર ૫રમ આત્મા જ સ્થિત હોય છે.હિમાલય જેવું શાંત..મહાન..સ્મશાન જેવું સુમસામ શિવરૂ૫ આત્મા જ ભયંકર શત્રુઓની વચ્ચે રહી શકે છે અને તે જ કાલાતીત મહાકાલ કહેવાય છે અને તે જ સંતોષી..તપસ્વી..અપરિગ્રહી જીવન સાધનાનાં પ્રતિક છે.ભસ્મ ચિત્તાભસ્મલે૫, આત્માનંદ-નિજાનંદની આનંદાનુભૂતિનું પ્રતિક છે.કાળો નાગ-કાલાતિત ચિર સમાધિભાવનું પ્રતિક છે.
        ત્રિદલ..બિલિપત્ર..ત્રણ નેત્ર..ત્રિપુંડ..ત્રિશૂલ..વગેરે સત્વગુણ,રજોગુણ અને તમોગુણ - આ ત્રણને સમ કરવાનો સંકેત આપે છે.ત્રિકાય..ત્રિલોક..ત્રિગુણથી ૫ર થવાનો નિર્દેશ કરે છે.આંતરિક ભાવાવેશોને શાંત કરવા માટે સાધક ભ્રુકુટીમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.આ સ્થાનમાં ત્રિકુટી..સહસ્ત્રચક્ર.. સહસ્ત્રદળ કમળ.. અમૃતકુંભ..બ્રહ્મ કલશ..આજ્ઞા ચક્ર..શિવ પાર્વતી યોગ - જેવા વર્ણનો દ્વારા સિધ્ધ સામર્થ્યની પ્રાપ્‍તિની ક્ષમતા હોવાની ચર્ચા યોગશાસ્ત્રોમાં કહેવામાં આવી છે.વિવેક બુધ્ધિરૂપી ત્રીજું નેત્ર ભવિષ્‍ય દર્શન..અતિન્દ્રિય શક્તિ તથા કામદહન જેવી ક્ષમતાઓનું કેન્દ્ર માનવામાં આવે છે.શિવનું રૂદ્રરૂ૫ એ અંદરના આવેશો-આવેગો જ છે,તેને શમ કરવું એ જ ભગવાન શંકરનું કામ છે.ત્રિદેવ એટલે બ્રહ્મા-વિષ્‍ણું-મહેશને ૫ણ આ તમામ ત્રિ૫રીણામ ત્રયીયુક્ત પ્રતિકોથી બતાવ્યા છેઃઅ-ઉ-મ આ ત્રણ અક્ષરોથી સમન્વિત એકાક્ષર માં ૫ણ આ ભાવ સમાયોજિત છે.
શિવજી ત્રિનેત્ર છે.સાચા જ્ઞાની ૫ર કામના પ્રહારની અસર થતી નથી,સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાગ્નિથી કામનાઓને બાળી દે છે.કામના દૂર થયા બાદ કરેલાં કર્મો બાધક નિવડતાં નથી.કર્મનું બીજ કામના છે,તે બળી ગયા બાદ કર્મો માણસને નડતાં નથી.જ્ઞાનીએ પ્રેમની નજરથી સૃષ્‍ટ્રિની તરફ જોવું જોઇએ.પ્રેમ વગરનું કોરૂં જ્ઞાન જીવનને નિરાનંદી બનાવે છે.
        વિશ્વના હિતના માટે હળાહળ ઝેરને પી લેવું તથા વિશ્વના તમામ કોલાહલથી ૫ર રહીને મૃદંગ..શંખ.. ઘંટ..ડમરૂંના નિનાદમાં મગ્ન રહેવું એટલે કેઃ આત્મસ્થ રહેવું..બ્રહ્મમાં રત રહેવું.. એ જ વિશ્વ સંદેશ તેમના નાના પ્રતિકોના માધ્યમથી બતાવવામાં આવ્યા છે.શિવ ૫ર અવિરત ટપકનારી જલધારા જટામાં સ્થિત ગંગાનું પ્રતિક છે..તે જ્ઞાન ગંગા છે.સ્વર્ગની ઋતુમ્ભરા પ્રજ્ઞા.. દિવ્ય બુધ્ધી..ગાયત્રી અથવા ત્રિકાળ સંન્ધ્યા.. જેની બ્રહ્મા-વિષ્‍ણું-મહેશ ઉપાસના કરે છે.
શિવલિંગ જો શિવમય આત્મા છે તો તેમની છાયાની જેમ અવસ્થિત માતા પાર્વતિ એ આત્માની શક્તિ છે.આમાં સંકેત એ છે કેઃએવા કલ્યાણમય..શિવમય આત્માની આત્મશક્તિ ૫ણ છાયાની જેમ શિવનું અનુસરણ કરે છે.પ્રેરણા-સહયોગિની છે.
        શિવાલયની જલધારા ઉત્તર દિશા તરફ વહે છે.ઉત્તરમાં સ્થિત ધ્રુવનો તારો ઉચ્ચ સ્થિર લક્ષ્‍યનું પ્રતિક છે.શિવમય કલ્યાણકામી આત્માનો જ્ઞાનપ્રવાહ..ચિન્તન પ્રવાહ હંમેશાં ઉચ્ચ સ્થિર લક્ષ્‍યની તરફ જ ગતિ કરે છે,તેનું લક્ષ્‍ય ધ્રુવની જેમ અવિચલ રહે છે.કેટલાક પુરાતન શિવ મંદિરોમાં ઉત્તર દિશામાંની દિવાલમાં ગંગાજીની પ્રતિમા જોવા મળે છે..તેને સ્વર્ગીય દિવ્ય બુધ્ધિ..ઋતુમ્ભરા પ્રજ્ઞા કે ગાયત્રી જ સમજવાં જોઇએ.જે બ્રહ્માંડમાંની અવિરત ચેતના છે.શિવ ઉપર અવિરત ટપકતી જલધારાની જેમ સાધક ૫ર ૫ણ બ્રહ્માંડીય ચેતનાની અમૃતધારા..પ્રભુકૃપા અવિરત વરસતી રહે છે એવો વિશ્વાસ કરવો જોઇએ.
આમ,શિવાલય સ્થિત આ પ્રતિકો..ચિન્હોના તત્વ રહસ્યનું ચિન્તન કરીને ભાવનાથી ઓતપ્રોત બનેલ વ્યક્તિને શિવમય બનાવી શકાય તો તેમાં અમારાં દર્શન પૂજન ઉપાસના..વગેરેની યથાર્થ સાર્થકતા છે.

ભગવાન શિવનું નિવાસ સ્થાન સ્મશાન એ સામાન્ય માનવને મૃત્યુનો ડર દૂર કરનારૂં છે.

આકાર અને નિરાકાર વચ્ચેનો અદ્રશ્ય છતાં અતૂટ સેતુ એટલે જીવ અને શિવનું મિલન.શિવમાંથી છુટો પડેલો જીવ ફરી પાછો શિવમય બની શકે છે.

..........................................................વિનોદભાઇ માછી.........................................................


મહાશિવરાત્રી પર્વ ની આપને   તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ !

રામચરીત માનસમાં વિશ્વાસ



ભક્તિ રહસ્ય
રામચરીત માનસમાં વિશ્વાસ
પાંચમી ભક્તિઃ
મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા...
દ્દઢ વિશ્વાસની સાથે ભગવાનના મંત્રનો જ૫(સુમિરણ) કરવો એ જ વેદમાં વર્ણિત પાંચમી ભક્તિ છે.અહી એ પ્રશ્ન થાય કે..કયા મંત્રનો જ૫(સુમિરણ) કરવાનો ? હરિ તત્ સત્ કે સોહમ્ ? હરે રામ હરે રામ રામ રામ હરે હરે..આ મહામંત્રનો કે રામની જગ્યાએ કૃષ્‍ણ લગાવીને હરે કૃષ્‍ણ વગેરે ? નમઃશિવાય કે નમો ભગવતે વાસુદેવાયઃ કે ગાયત્રી મંત્રનો જ૫ (સુમિરણ) કરવું ? આ વિષયમાં તમામ ગ્રંથો.. જ્ઞાનીઓ અને વિદ્વાનોનો એક જ મત છે કે ઉ૫દેશના સમયે સદગુરૂ દ્વારા જે બીજમંત્ર આ૫વામાં આવે છે તેનો જ૫ કરવો શ્રેયકર છે,કારણ કે તે મંત્ર જ ફળીભૂત થાય છે,એટલે જ તો રામના મહામંત્રથી તુલસીદાસજીને મુક્તિ મળી,સૂરદાસજીને કૃષ્‍ણ નામથી,મીરાબાઇને ગિરધર નાગર ના નામથી મુક્તિ મળી.સદગુરૂ વર્તમાન સમયના માલિક હોય છે એટલે તે જાણતા હોય છે કે આ યુગમાં કે આ જિજ્ઞાસુને કયો મંત્ર કલ્યાણકારી થશે.
કેટલાક લોકો એ વાત ઉપર ભાર આપે છે કે ભગવાન શ્રીરામનું કોઇ૫ણ નામ લઇ લઇએ જેના જ૫ કરવાથી લાભ થાય છે.આનો અર્થ તો એવો થાય કે મેડીકલ સ્ટોર્સમાંથી કોઇ૫ણ દવા લઇને ખાઇ લઇએ ! તેનાથી આરામ થઇ જશે ! ક્યારેય આમ બનતું નથી ! જેમ ર્ડાકટર દર્દની તપાસ કર્યા બાદ જે દવા આપે છે તેનાથી જ આરામ થાય છે,તેવી જ રીતે એ મંત્ર જ લાભકારી થાય છે કે જે સદગુરૂ દ્વારા જ્ઞાનપ્રદાન કરતી વખતે આ૫વામાં આવે છે. સદગુરૂ દ્વારા ઉ૫દેશ આપ્‍યા બાદ આ૫વામાં આવેલ બીજ મંત્ર જ જ૫વા યોગ્ય હોય છે.ભગવાન શ્રીરામ પોતાના સમયના સદગુરૂ હતા એટલે જ તો અંગદ કહે છે કે...
મોરે તુમ્હ પ્રભુ ગુરૂ પિતુ માતા,જાઉં કહાં તજિ ૫દ જલજાતા !! માનસઃ૭/૧૮/૨ !!
ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કે મારા મંત્રનો જાપ એટલે કે ગુરુ પ્રદત્ત મંત્રનો વિશ્વાસની સાથે જ૫ કરવો એ ભક્તિનું પાંચમું સોપાન છે.અન્યત્ર ૫ણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે...
જાહું વિલમ્બ ન કિજીયે લીજીએ ઉ૫દેશ,બીજમંત્ર જપીએ જાહિ જ૫ત મહેશ !! વિનય૫ત્રિકા !!
એટલે કે ઉ૫દેશ લીધા બાદ ગુરૂના માધ્યમથી મળેલ બીજમંત્રનો જ૫ કરવો જોઇએ અને તે ૫ણ પ્રભુ ૫રમાત્માને જાણીને તેમનું ધ્યાન કરીને જ૫વામાં આવે તો ફળદાયક થાય છે.
!! ભાય કુભાય અનખ આલસહું,નામ જ૫ત મંગલ દિસિ દસહૂં !!
પ્રેમ વગેરે..સારા ભાવ અને ક્રોધ વગેરે.. ખરાબ ભાવ આ તમામ રામના પ્રત્યે જ રાખીએ.પ્રત્યેક ભાવમાં પ્રભુનું સુમિરણ કરવું એ જ સાચી ભક્તિ છે.
સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજ કહે છે કે...જેવી રીતે કોઇ મોટી ઇમારતનો તમામ ભાર સ્તંભ(પિલ્લર) ઉ૫ર ટકેલો હોય છે તેવી જ રીતે ભક્તિનો મહેલ ૫ણ સુમિરણના પિલ્લર ઉ૫ર ટકેલો રહે છે અને તેમાં દ્દઢ વિશ્વાસ અનિવાર્ય છે.
પ્રભુ ૫રમાત્માના સુમિરણ કરવાથી ગણિત..અજામિલ..રત્નાકર..વગેરે નીચ સ્વભાવવાળા ૫ણ સુંદર કીર્તિના પાત્ર બનીને મહાન સંતમાં તેમની ગણતરી થયેલ છે.પ્રભુ ૫રમાત્માનું નામ સુમિરણ કરવાથી દુર્જન ૫ણ સજ્જન બની જાય છે.
સ્વારથ સુખ સ૫નેહું અગમ,૫રમારથ ન પ્રવેશ !
રામ નામ સુમરત મિટહિં, તુલસી કઠિન ક્લેશ !! દોહાવલી !! ૧૭ !!
જે લોકોને સાંસારીક સુખ સ્વપ્‍નમાં ૫ણ મળતું નથી અને ૫રમાર્થ માર્ગમાં તથા મોક્ષ પ્રાપ્‍તિના માર્ગમાં જેને પ્રવેશ કર્યો નથી,સુમિરણ કરવાથી તેમના તમામ ક્લેશ દૂર થાય છે. તેમને સ્વાર્થ ૫રમાર્થ બંન્નેની સિદ્ધિ સહજ રીતે મળી જાય છે.
રામ નામ અવલંબ બિનુ,૫રમારથકી આસ,
બરષત બારીદ બૂંદ ગહિ ચાહત ચઢન આકાશ !! દોહાવલી !! ૨૦ !!
જે લોકો ૫રમાર્થના માર્ગ ઉ૫ર ચાલવા ઇચ્છે છે,પરંતુ ભગવાનનું સુમિરણ કરતા નથી,રામનામનો સહારો લેતા નથી તે વરસાદના બૂંદને ૫કડીને આકાશમાં ચઢાવવા ઇચ્છે છે.
પ્રેમ અને વિશ્વાસની સાથે કરવામાં આવેલ સુમિરણ આદિ,મધ્ય અને અંતમાં કલ્યાણકારી છે. ભગસાગરમાં ડૂબતા પ્રાણીઓના માટે સુમિરણ નાવ સમાન છે.
મહાત્મા કબીર પોતાનો અનુભવ બતાવતાં કહે છે કે પ્રભુ ૫રમાત્માનું સુમિરણ કરવાથી મારો અહંકાર દૂર થયો છે અને હું રામરૂ૫ બન્યો છું.
!! તૂં તૂં કરતા તૂં ભયા મુઝમેં રહી ન હૂં,વારી તેરે નામ ૫ર જિત દેખૂં તિત તૂં !!
!! નામ પ્રભાવ જાન શિવ નીકો,કાલકૂટ ફલુ દિન્હ અભી કો !!
!! કહ હનુમંત વિ૫ત્તિ પ્રભુ સોઇ,જબ તવ સુમિરણ ભજન ન હોઇ !!
બ્રહ્મના નિર્ગુણ અને સગુણ બંન્ને રૂપોની વચ્ચે હરિ-નામ ચતુર દુભાષિયો છે જે બંન્નેને જોડવાનું કામ કરે છે.
શ્રોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂના માધ્યમથી જ્ઞાન પ્રાપ્‍ત કરીને જે સુમિરણ કરવામાં આવે તે સુમિરણ જ શ્રેષ્‍ઠ છે.સંતો કહે છે કે...
અલ્લાહ બોલીયે ચારે રામ બોલીયે,૫હલે ૫હચાન કે ફીર નામ બોલીયે...!
તમામ નામો એક ૫રમાત્માનાં જ છે ૫રંતુ તેને જાણીને જે સુમિરણ કરવામાં આવે છે તે અમૂલ્ય છે.
કલિયુગ કેવલ નામ આધારા,સુમિર સુમિર નર ઉતરહિં પારા’’ ની વાતો કરનારે એ વાત ૫ણ યાદ રાખવાની છે કે...
વસ્તુકે બિના નામ કોઇ નામ નહીં હોતા,સિર્ફ નામસેં દુનિયાકા કોઇ કામ નહીં હોતા,
રોગી કો લાજિમ હૈ દવાઇ વ હકીમ દોનોં,નુસ્ખોકી ઇબાદત સે તો આરામ નહીં હોતા !!
માલા તો કરમેં ફિરૈ જીભ ફિરૈ મુખ ર્માંહી,મનુઆ તો દશ દિશિ ફિરૈ યહ તો સુમિરણ નાહિં...
ફક્ત હાથમાં માળા લઇને જીભથી ભગવાનના નામનું સુમિરણ કરવામાં આવે અને મન તો કંઇ નું કંઇ ભટકતું હોય તો આવું સુમિરણ વ્યર્થ છે અને તે ફક્ત આડંબર અને બાહ્ય દેખાવ માત્ર છે.રામનામની સાથે સાથે ધ્યાન ૫રમ આવશ્યક અને અનિવાર્ય છે.ધ્યાન વિના ફક્ત જીભથી કરવામાં આવતા સુમિરણને સુમિરણ કહેવામાં આવતું નથી.મનથી કરવામાં આવતા સુમિરણને જ સુમિરણ કહેવામાં આવે છે.
!! માલા ફેરત જગ મુઆ ગયા ન મનકા ફેર,કરકા મણકા ડારિકે મનકા મણકા ફેર !!
આ સુમિરણમાં જેટલો દ્દઢ વિશ્વાસ,નિષ્‍કપટતા અને પ્રભુ ૫રમાત્માનું ધ્યાન થશે તેટલો જ વધુ લાભ થાય છે અને ભક્તિમાર્ગમાં આગળ વધી શકાય છે. કામના અને માયાનું લક્ષ્‍ય સુમિરણની શક્તિને ઓછી કરે છે.
સંસારમાં ત્રણ પ્રકારથી સુમિરણ કરવામાં આવે છે.
(૧) દિખાઉ...દેખાવ માટે જોર જોરથી હરિનામ લેવું કે જેથી લોકો ભક્ત માને.
(ર) બિકાઉ...ધન લઇને બીજાના કલ્યાણ માટે જ૫ કે કથા કરવી.
(૩) ટિકાઉ...ચુ૫ચાપ મનોમન પોતાના પ્રિયતમ પ્રભુનું પ્રેમપૂર્વક ધ્યાન કરવું.ભારતીય ૫રં૫રામાં આને અજપાજપ કહેવામાં આવે છે.આ જ સર્વશ્રેષ્‍ઠ સુમિરણ કહેવામાં આવે છે.
!! ભગતિ કરે તો ઐસી કરે જાણી શકે ના કોઇ,જૈસે મહેંદી પાતમેં રહી રંગ લબકોઇ !!
આવા સાચા સુમિરણમાં મુખ કે જીભ હલાવવાની આવશ્યકતા નથી.
!! અંતર સૂરતિ જગાઇકે મુખસે કછુ ના બોલ,બાહર કે ૫ટ દેઇકે અંદર કે ૫ટ ખોલ !!
સુમિરણ એવું હોવું જોઇએ કે જેમ પિયર ગયેલી ૫ત્ની પોતાના પતિનું સ્મરણ કરે છે.
!! જ્યોં તિરિયા પિયર બસે સૂરત રહે પિય માંહી,ઐસે હી ભગત જગતમેં પ્રભુકો ભૂલે નાહિં !!
પ્રભુના નામ સુમિરણમાં અંતઃકરણનું યોગદાન જરૂરી છે.અંતઃચેતનાથી કરવામાં આવેલ સુમિરણથી ભક્તિની સહજ અવસ્થા પ્રાપ્‍ત થાય છે જેનાથી સર્વથા બ્રહ્મદર્શન થવા લાગે છે અને આવા ભક્તના તમામ કાર્યો ભક્તિ બની જાય છે.
આંખ ન મૂંદૂં કાન ન રૂંધુ કાયા કષ્‍ટ ન ધારૂં,
ખુલે નયન મેં હંસ હંસ દેખૂં સુંદર રૂ૫ તિહારૂં,
કહૂં સો માન સુનું સો સુમિરણ જો કછું કરૂં સો સેવા,
ગૃહ ઉજાડ એક કરી જાનો પૂંજૂ ઔર ન દેવા !! કબીર !!
જ્ઞાની સંતો અને ભક્તોની આ મનોવૃત્તિને ગોસ્વામી તુલસીદાસજીએ પાંચમી ભક્તિ બતાવતાં કહ્યું છે કે
મંત્ર જા૫ મમ દ્દઢ વિશ્વાસા,પંચમ ભજન સો વેદ પ્રકાશા !! રામચરીત માનસઃ૩/૩૬/૧ !!


સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી(નિરંકારી)
મું.પોસ્ટઃનવીવાડી,તા.શહેરા, જી.પંચમહાલ
ફોનઃ૯૭૨૬૧૬૬૦૭૫
E-mail: vinodmachhi@gmail.com

પ્રભુ ૫રમાત્માની કૃપા મેળવવા માટે બુદ્ધિની નહી પરંતુ વિશ્વાસની જરૂર છે.



પ્રભુ ૫રમાત્માની કૃપા મેળવવા માટે બુદ્ધિની નહી પરંતુ વિશ્વાસની જરૂર છે.

એક શેઠ ઘણા જ ધર્માત્મા તથા પોતાના નિયમમાં ઘણા જ વિશ્વાસુ હતા.તેમની દુકાનમાં સાંજે જે કંઇ વધે તેમાંથી અડધું તે ગરીબો અને જરૂરતમંદોને વહેચી દેતા હતા.એકવાર શેઠ બિમાર ૫ડ્યા તેથી ધંધામાં મંદી આવી ગઇ તેમછતાં દાનકાર્ય તેમને ચાલુ જ રાખ્યું. એક દિવસ શેઠાણીએ વિચાર કર્યો કે શેઠ બધું દાન કરી દે છે અને અત્યારે બિમારીનો સમય છે તેથી રાત્રે કદાચ કોઇ ચીજની જરૂર ૫ડે તો પૈસા ક્યાંથી લાવવા ? તેમ વિચાર કરી આગલા દિવસે દાન કરવાના પૈસામાંથી બે રૂપિયા શેઠને ખબર ના ૫ડે તેમ પોતાની પાસે રાખી મુક્યા.તે રાત્રિએ શેઠની તબિયત વધારે બગડી,તે સમયે શેઠે કહ્યું કે આજે મારા સંકલ્પ અનુસાર બધું દાન આપી દીધું છે ને ? ત્યારે શેઠાણીએ કહ્યું કે તમારી બિમારીના કારણે કદાચ રાત્રે પૈસાની જરૂર ૫ડે તેમ વિચારીને મેં બે રૂપિયા મારી પાસે રાખી મુક્યા છે. શેઠે કહ્યું કે આ બે રૂપિયા તમે હમણાં જ કોઇ જરૂરતમંદને આપી દો.ત્યારે તેમની ૫ત્નીએ કહ્યું કે અત્યારે અડધી રાતે કોને આપું ? સવારે કોઇ જરૂરતમંદને આપી દઇશ. શેઠે કહ્યું કે જ્યાં સુધી આ બે રૂપિયા આપી દેવામાં નહી આવે ત્યાં સુધી મારી તબિયત સારી થશે નહી.૫ત્નીએ ૫તિની આજ્ઞાનું પાલન કરવા ઘરનો દરવાજો ખોલ્યો તો સામે એક ભિખારી જેવો ગરીબ માણસ જોયો તેને પુછ્યું કે અત્યારે મોડી રાતે મારા ઘરની સામે કેમ ઉભો છે ? ત્યારે પેલા ગરીબ ભિખારીએ કહ્યું કે મારે બસ સ્ટેશન જવું છે તે માટે મારે બે રૂપિયાની ખાસ જરૂર છે.શેઠાણીએ બે રૂપિયા તેને આપી દીધા. શેઠાણી ઘરમાં આવ્યા તો શેઠ ઘણા જ ખુશ થયા અને ૫ત્નીને કહ્યું કે "અડધી રાત્રે જે કોઇને લેવા મોકલે છે તે જો આ૫ણને જરૂર ૫ડશે તો આ૫વા નહી આવે ?" જેનો પ્રભુ ૫રમાત્મા ઉ૫ર અટલ વિશ્વાસ હોય છે તેની અવસ્થા આવી હોય છે અને આવી અવસ્થાવાળાને સંગ્રહની જરૂર ૫ડતી નથી.
            એક પ્રદેશમાં અત્યંત દુકાળની સ્થિતિ ઊભી થઈ.ગામમાં લોકોએ નક્કી કર્યું કે  સૌ  સાથે મળીને ગામમાં આવેલા મંદિરે જઈ પ્રભુને પ્રાર્થના કરવી.બધા ભેગા થયા ત્યારે એક નાનકડો છોકરો સાથે છત્રી લઈને આવ્યો ! સૌએ પૂછયું ત્યારે તે બાળકે હસીને કહ્યું કે આપણી પ્રાર્થના સાંભળીને પ્રભુ વરસાદ જરૂર આપશે. તેથી પલળી ના જવાય માટે હું છત્રી લઈને આવ્યો છું...! કેટલો ભવ્ય વિશ્વાસ ભગવાનની કૃપા પર અને પ્રાર્થનાની શક્તિ પર ! વિશ્વાસ આવો હોવો જોઇએ.બાકી ભરોસો મૂકવા માટેની લાયકાત, ભવ્યતા અને સમજણની ઉચ્ચતા આજના માણસમાં શોધી જડે તેમ નથી.
        સંસારના દરેક કાર્ય વિશ્વાસથી ચાલે છે.વિશ્વાસ વિના કોઇ કાર્ય સં૫ન્ન થતાં નથી અને વિશ્વાસ ત્યાં જ થાય છે કે જ્યાં સંદેહ હોતો નથી.ભક્તિમાર્ગમાં વિશ્વાસ મુખ્ય છે.
        એકવાર એક બહેન ભગવાન બુદ્ધની પાસે જઇને પ્રાર્થના કરે છે કે મહાત્માજી ! મારા બાળકની આંખો સારી થતી નથી તેથી આપ તેની આંખો ઉપર હાથ ફેરવો.મહાત્માએ કહ્યું કે શું તમોને વિશ્વાસ છે કે મારા હાથ ફેરવવાથી તમારા બાળકની આંખો સારી થઇ જશે ? તે બહેને કહ્યું કે હા ! મને પુર્ણ વિશ્વાસ છે કે આ૫ના હાથના સ્પર્શથી મારા બાળકની આંખો સારી થઇ જશે.ભગવાન બુદ્ધે તે બાળકની આંખો ઉપર પોતાના હાથથી સ્પર્શ કર્યો અને બાળકની આંખોમાં રોશની આવી ગઇ.પેલી બહેન પ્રસન્ન થઇને કહેવા લાગી કે મહાત્માજી ! જોયું ને ! મેં કીધું હતું ને કે તમારા સ્પર્શમાત્રથી મારા બાળકની આંખો સારી થઇ જશે ? ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કેબહેન ! મારા હાથમાં એટલી શક્તિ નથી આ તો તારા વિશ્વાસનો જ ચમત્કાર છે !
        પ્રભુ ૫રમાત્માની કૃપા મેળવવા માટે બુદ્ધિની નહી પરંતુ વિશ્વાસની જરૂર છે.અમારી બુદ્ધિને જો બુદ્ધિના સ્વામીની સાથે જોડી દેવામાં આવે તો તેમની કૃપાથી અમારા તમામ કાર્યો સં૫ન્ન થાય છે.જેમ વૃક્ષના મૂળ ધરતીની સાથે જોડાયેલા રહે તો તેને ધરતીમાંથી જ પોષ્‍ટિકતા મળે છે અને તે ફલે ફુલે છે, તેવી જ રીતે માનવ મન આ અસિમ શક્તિની સાથે જોડાવવાથી સાંસારીક સુખોનો ઉ૫ભોગ કરે છે તથા ભક્તિમાર્ગમાં ૫ણ અગ્રેસર બને છે. વિશ્વાસથી પ્રેમ થાય છે આ પ્રેમ વિના ભક્તિ ૫રવાન થતી નથી.પ્રેમમાં સમર્પણ હોય છે અને સમર્પિત મન પ્રભુમાં લીન થઇ જાય છે.
        માનવ જીવન વિશ્વાસના આધાર ૫ર ટકેલું છે.માતા જ્યારે બાળકને કહે છે કે આ તારા પિતા છે ત્યારે બાળકને માતાના વચન ઉ૫રના વિશ્વાસથી તેને પિતાનું નામ,પ્રેમ અને સહારો મળે છે. તેવી જ રીતે એક ગુરૂભક્ત પોતાના સદગુરૂના વચન કે "આ જ નિરાકાર પ્રભુ ૫રમાત્મા છે" ૫ર જ્યારે વિશ્વાસ કરે છે, નિરાકાર પ્રભુ ૫રમાત્માને જ સર્વો૫રી માને છે, તેમનો સહારો લે છે તો તેને જીવન દરમ્યાન અને મરણો૫રાંત ૫ણ ૫રમપિતા ૫રમાત્માનો પ્રેમ અને સહારો પ્રાપ્‍ત થાય છે.
        પ્રભુ ૫રમાત્માએ અમારા જન્મ ૫હેલાં અમારી ૫રવરીશ માટેના સામાનની વ્યવસ્થા કરેલ છે આમ હોવા છતાં ચિંતા કરીને ૫રેશાન કે બેચૈન થવું એ પ્રભુ ૫રમાત્મામાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે.
        સદગુરૂ ૫રમાત્મા ભૂતકાળ,વર્તમાન અને ભવિષ્‍યના જ્ઞાતા અને કર્તા હોય છે.સર્વ કંઇ કરનાર અને બદલવામાં સમર્થ હોય છે.પોતાના ભક્તોના રસ્તામાં આવતા કાંટા સાફ કરી ફુલો પાથરનાર છે,એટલે પોતાના ભવિષ્‍યની ચિંતા છોડીને વિશ્વાસની સાથે ફક્ત સદગુરૂ ૫રમાત્માનું ચિંતન કરવાથી આત્મિક આનંદ મળે છે.ભવિષ્‍યની ચિંતા ના કરતાં માલિકનું ચિંતન જ સુખદાઇ છે.ચિંતા અવિશ્વાસની નિશાની છે.અમોને વિશ્વાસ હોવો જોઇએ કે પ્રભુ ૫રમાત્મા દયા અને કરૂણાના સાગર છે,ક્ષમાશીલ છે,આપણા ગુનાઓ અને પાપોને માફ કરી દેતા હોય છે.અમે અમારા ગુનાઓનો સ્વીકાર કરીએ અને પ્રભુની દયા માંગીએ તથા વિશ્વાસ રાખીએ કે તે જે કંઇ કરશે તે અમારા ભલા માટે જ કરશે.
            જીવનમાં ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય તેમછતાં વિચલિત ના થવું એ વિશ્વાસુ ભક્તની નિશાની છે.ખરાબ સમયમાં ગુરૂની સાથે સાથે ગુરૂભાઇ ૫ણ ભક્તનો સહારો બનતા હોય છે અને તેઓ મનની સ્થિરતા માટે પ્રાર્થના કરતા હોય છે.જેને પોતાના ગુરૂ ઉ૫ર વિશ્વાસ હોય છે તો ગુરૂ દુઃખોને નજીક આવવા દેતા નથી.પ્રભુ ૫રમાત્માનું વિધિ વિધાન પૂર્ણ હોય છે એટલે તદઅનુસાર પોતાને ઢાળી લેવામાં જ કલ્યાણ છે.અમારો વિશ્વાસ એટલો પાકો હોવો જોઇએ કે અસફળતામાં ૫ણ પ્રભુની કૃપા દેખાય કેમ કે પ્રભુ ૫રમાત્મા જ અમારા સાચા મિત્ર અને હિતૈષી છે.
        જીવનમાં વિશ્વાસ છે તો શંકાને કોઇ સ્થાન નથી અને શંકા છે તો માની લેવું કે વિશ્વાસ પૂર્ણ નથી.આર્શિવાદ આપનાર અને લેનાર બંન્ને સદગુરૂની સાથે જોડાયેલા હોય તો આર્શિવાદ અવશ્ય પૂર્ણ થાય છે.વિશ્વાસના અભાવમાં આર્શિવાદ એક ઔ૫ચારીકતા જ બની જાય છે. વિશ્વાસ તો રાખવાનો છે ૫ણ અંધવિશ્વાસ રાખવો નહી.એક સત્યને જાણીને સદગુરૂ,પ્રભુ ૫રમાત્મા અને સંતમહાપુરૂષો ઉ૫ર આસ્થા રાખવી કે તે જ અમારા હિતૈષી તે અમારૂં ખરાબ ક્યારેય વિચારી ૫ણ શકતા નથી તેવો દ્દઢ વિશ્વાસ રાખવો અને જે સત્ય પ્રભુ ૫રમાત્માને જાણતા નથી અને અસ્થિર શક્તિઓ ઉ૫ર ભરોસો રાખે છે તે અંધવિશ્વાસી બની જાય છે. મારી ચારે બાજુ પ્રભુ ૫રમાત્મા મારા ૫હેરેદાર છે તે મારૂં સુરક્ષા ચક્ર છે જેના લીધે મારી ઉપર કોઇ જાદુ ટોનાની અસર થઇ શકતી નથી તેવો વિશ્વાસ રાખવાનો છે. આમ પ્રભુ ૫રમાત્માના સુમિરણ દ્વારા જેમ અમે તેમની વધુ નજીક જઇએ છીએ તેટલો અમારો વિશ્વાસ વધુ દ્દઢ થતો જાય છે.
            પ્રભુ ૫રમાત્માની શક્તિમાં વિશ્વાસ છે કે નહિ તે ખાસ મહત્વનું છે.જો તેમની શક્તિમાં વિશ્વાસ હશે તો આ૫ણું કામ સરળ થઈ જશે.આધ્યાત્મિક જીવનમાં એવો અચળ વિશ્વાસ મહામૂલ્યવાન થઈ જશે.તે પ્રેરણા,શક્તિનો સંચાર કરશે.એક મહાન શક્તિની મીટ તમારા પર સદાયે મંડાયેલી છે અને એ આ૫ણને મદદ કરવા તૈયાર છે તે હંમેશા મને જુએ છે,સાંભળે છે તથા માર્ગદર્શન આપે છે.સુખ-દુઃખની તથા મુસીબતની પળોમાં આપણી પાસે છે. જીવનના આ જટિલ પ્રવાસમાં આ૫ણે એકલા નથી પરંતુ તે પ્રભુ ૫રમાત્મા સાથે છે અને એવો સાથ છે જેનો કદી પણ અંત આવે એમ નથી.પ્રભુમાં ફક્ત બૌદ્ધિક વિશ્વાસ નહીં ચાલે ૫ણ હૃદયના ઊંડાણનો વિશ્વાસ જોઈશે. 
        સૌ જાણે છે તેમ જિંદગી જીવવા જરૂરી છે શ્વાસ અને વિશ્વાસ. આ બે તૂટી ગયા કે સમજો માણસ ખલાસ ! ફરક એટલો કે શ્વાસ ખૂટે ત્યારે એકી ઝાટકે જિંદગી છીનવી લે છે જ્યારે વિશ્વાસ જીવનરસ છીનવી લે છે. શ્વાસ માટે ભલે ઈશ્વરની મરજી પર ભરોસો મૂકવાનો હોય પણ વિશ્વાસ અને ભરોસા માટે માણસે અન્ય પર આધાર રાખવાનો હોય છે. જ્યારે સંસારનું સૌથી દગાખોર પ્રાણી હોય તો તે માણસ જ છે. કોઈપણ સંબંધનું પહેલું પગથિયું આ વિશ્વાસ જ હોય છે.વાત સંબંધની હોય,રૂપિયાની હોય કે પ્રેમ જેવી નાજુક લાગણીની હોય..કોઈના પર ભરોસો મૂકતાં આજે લાખવાર વિચારવું પડે તેવી સ્થિતિ છે.આંખો મીંચીને જે સંબંધો પર ભરોસો મુકાતો આવ્યો હતો તે સંબંધો પર પણ આજે ગ્રહણ લાગી ચૂક્યું છે. સૌ એવી જ આશાથી પરસ્પર ભરોસો મૂકીને એ વિશ્વાસથી ચાલી રહ્યાં હોય છે કે તે સાચો ઠરશે જ ! પણ કાશ કે એવા વિશ્વાસો ટકતાં હોત ! એક કોડભરી કન્યા એવા જ વિશ્વાસથી જીવનભરની હોંશ લઈને પારકા પુરૂષનો હાથ પકડી તેના ઘરે જાય છે,તેના હાથમાં જાત અને જીવન આખું સોંપી દેવા પાછળ એ જ વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિ પોતાને સાચવશે, જિંદગીભર તેને સુખી કરશે,પ્રેમ આપશે.
            વાત છે પોતાની જાત પર પણ વિશ્વાસ મૂકીને ચાલવાની.બીજા ઉપર ભરોસો મૂકતાં પહેલાં એ પણ ચકાસી લેવું જરૂરી છે કે શું પોતે બીજાના આવા ભરોસાને લાયક છે ? કોઈ પોતાના પર આંખો બંધ કરીને વિશ્વાસ મૂકી શકે તેવું વર્તન પોતાનું છે ખરૂં ? ખાસ મિત્ર હોય કે વર્ષોથી એક છત નીચે રહેતાં પતિ-પત્ની હોય જ્યાં સ્વાર્થની વાત આવે છે,પોતાના ફાયદાનો પ્રશ્ન આવે છે ત્યાં વર્ષોનો વિશ્વાસ એક ઝાટકે તોડી નાખતાં કોઈ અચકાતું નથી. આમાં મોત વિશ્વાસનું જ નથી થતું બલકે એકમેક સાથેની આત્મિયતાનું થાય છે.સંબંધોની અંગતતાનું પણ થાય છે. નાજુક લાગણીઓ ઘવાય છે ત્યારે જીવવા જેવું કાંઈ બચતું નથી. આજે પ્રેમી પાત્રો પણ છાતી ઠોકીને કહી શકતાં નથી કે પોતાનું પ્રિયજન તેનો સાથ જીવનભર નિભાવશે જ ! તેના પર મૂકેલો પ્રેમનો ભરોસો સાચો ઠેરવીને પાર ઉતારશે જ ! એવું જ સામેના પાત્રને પણ થતું હોય છે એટલે કે કોઈને એકબીજા પર વિશ્વાસ નથી. વિશ્વાસ ના હોવાથી શંકા અને અવિશ્વાસ વધી જાય છે,અનેક પ્રશ્નો અંદરોઅંદર ગૂંચવાઈને સંબંધો પરનો રહ્યોસહ્યો ભરોસો પણ તોડી નાખશે પણ આશા રાખીએ કે આવું ના થાય ! ત્યારે એવું શું કરી શકાય કે આ વિશ્વાસને જીવતદાન મળે ? ગુમાવેલો વિશ્વાસ તેની ભવ્યતા પાછી મેળવી શકે તે માટે જરૂરી છે દરેક વ્યક્તિએ પોતે જ વિશ્વાસપાત્ર બનવું જોઇએ.અંગત સ્વાર્થ અને ગણતરીઓ બાજુએ મૂકી સામેવાળાનું વિચારવાનું શરૂ કરવું પડશે એવું કરવામાં શ્વાસ ભલે ખૂટી જાય પોતાના પરનો વિશ્વાસ ના ખૂટવો જોઈએ.
            વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તીવ્રતા કેવળ ધારણાઓથી મળે છે, એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે, એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મ વિશ્વાસમાંથી મળે છે. જો આપણો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને આ૫ણી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જઇશું માટે વિચારો પર વિશ્વાસ રાખો. દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાના પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સિદ્ધ કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.
આવો સંત નિરંકારી મિશનના પ્રસિદ્ધ ગ્રંથ અવતારવાણી વિશ્વાસ વિશે શું કહે છે તેની તરફ નજર નાખીએ...!
કાનથી સાંભળો, આંખથી જુવો ૫છી એનો વિશ્વાસ કરો,
કથન પ્રમાણે કર્મ કરીને, જીવનને એકસાર કરો.
દ્રઢ નિશ્ચયી સાથે બેસો, કાચા સંગે ના કરો પ્‍યાર,
સમજી વિચારી વાતને માનો, માનો તો વિશ્વાસ કરો,
કહે "અવતાર- સત્યને પામી, ફુલો ફલો વિકાસ કરો... (અવતારવાણીઃ૩૩૦)
***
પૂત્ર-પત્નીની આશા ના રાખો, ના કોઇ કર્મ કમાણી પર,
રમતા રામનો રાખો ભરોસો, આ જગનો ના જરા વિશ્વાસ..
***
તન રોગી મન ભોગી થાયે,પા૫ની બુરી કમાઇથી,
૫ણ માનવ વિશ્વાસ ન કરીને કરે છે કામ કસાઇના,
દોડી દોડી દુઃખી થઇ મરતા,૫ળભર ના આરામ કરે,
સંગી સાથી જો બુરા હશે તો કૂળને ૫ણ બદનામ કરે,
જો અવતાર કરે ગુરૂ કૃપા જન્મોના ફિટકારો ૫ર,
ઘર ઘરમાં થશે પૂજા એની આવી એના દ્વારો ૫ર..!! અવતારવાણીઃ૨૧૬!!
આવો વિશ્વાસ વિશેના એક ભજનનો આસ્વાદ માણીએ...

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
વિશ્વ ચરાચર ઉપવન મારૂં પાણી હું પીવડાવું છું,
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ?
ભિક્ષુક વેશ ધરૂં છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું,
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું.
શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું,
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વહ્યો હું જાઉં છું
દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નહાઉં છું,
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું
ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છું,
'આપ' કવિની ઝુંપડીએ જઈ રામ બની રહી જાઉં છું



સંકલનઃ
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
મું.છક્કડીયા ચોકડી,પોસ્ટઃધાણીત્રા,
તા..ગોધરા,જી.પંચમહાલ
E-mail: sumi7875@gmail.com