Tuesday 10 September 2013

ગુજરાતી ભજનો-ર1)        કોઇ દુઃખની પથારીમાં સંત ના સૂવે રે..

2)        ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

3)        આનંદ મંગલ કરું આરતી

4)        અપૂર્વ અવસર એવો ક્યારે આવશે

5)        અમે તો તારાં નાનાં બાળ

6)        આપજો આપજો સારું સઘળું

7)        આપને તારા અંતરનો એક તાર

8)        મારો હાથ જાલી ને લઈ જશે

9)        એક જ દે ચિનગારી

10)    ઓ પ્રભુ મારું જીવન તારું દિવ્ય અર્ઘ્ય બની રહો

11)    ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે

12)    ચિત્ત તું શીદને ચિંતા ધરે

13)    જનની જીવો રે ગોપીચંદની

14)    જીભલડી રે તને હરિગુણ ગાતાં આવતી આળસ ક્યાંથી રે?
15)    જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો
16)    જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે
17)    જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
18)    જ્યાં લગી આત્મા અંગમાં છે
19)    તમે મન મુકીને વરસ્યાં
20)    તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં
21)    તિલક કરતાં ત્રેપન થયાં
22)    ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
23)    દિલમાં દીવો કરો રે દીવો કરો

24)    ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

25)    ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની

26)    નાથ, હું જેવો તેવો પણ તારો

27)    નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના

28)    પગ મને ધોવા દ્યો રઘુરાય

29)    પ્રભુજીને પડદામાં રાખ મા

30)    ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું

31)    ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો

32)    પ્રેમળ જ્યોતિ તારો દાખવી

33)    મંગલ મંદિર ખોલો

34)    મંદિર તારું વિશ્વ રૂપાળું

35)    મને કહોને પરમેશ્વર કેવા હશે ?

36)    માગું હું તે આપ, પ્રભુજી

37)    ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી

38)    મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

39)    મારી નાડ તમારે હાથ

40)    જીવન અંજલિ થાજો !

41)    મારે માથે હજાર હાથવાળો

42)    તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ

43)    મૈત્રીભાવનું પવિત્ર ઝરણું

44)    રંગાઇ જાને રંગમાં

45)    રાખ સદા તવ ચરણે અમને

46)    રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે

47)    રામબાણ વાગ્યા હોય તે જાણે

48)    વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે

49)    વૈષ્ણવ નથી થયો તું રે

50)    શંભુ ચરણે પડી

51)    સંતકૃપાથી છૂટે માયા

52)    સદગુરુ શરણ વિના અજ્ઞાનતિમિર ટળશે નહિ રે

53)    સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

54)    સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ

55)    શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

56)    સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

57)    હરિજન હોય તેણે હેત ઘણું રાખવું

58)    હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે

59)    હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને

60)    હાં રે મને રામનામની ધૂન લાગી

61)    હાથ મારો મૂકશો મા

62)    હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી

63)    એટલું માંગી લવ
 


કોઇ દુઃખની પથારીમાં સંત ના સૂવે રે..
કોઇ દુઃખની પથારીમાં સંત ના સૂવે રે..
                   ઝુલા સુખના બાંધજે...સંતોને સુખ આપજે...
હવે તો હેતની તારી આ ડાળીએ સંતો સૌ છે બંધાયા (ર)
હો..જ્ઞાનનો ઝાડ તૂં તારી આ પ્રિતમાં પાંદડે પાંદડે સમાયા,તારા મૂળોની બાંધમાં બાંધીને તૂં રાખજે... ઝુલા સુખના બાંધજે..
ઘેરાયા વાદળો જગમાં ક્રોધ ના.. વેરની વિજળીઓ ગાજે (ર)
હો..થયો છે ઝેરીલો જગનો માનવી..હેતની ડાળીઓ ના કાજે..
આવા હૈયામાં પ્રિતનો પડાવો તારો નાખજે... ઝુલા સુખના બાંધજે..
નદીઓ નીરની ઝરઝર વહેતી..થાશે તારા જ્ઞાનની..
હો... ઓઢણી લીલી જગ આ ઓઢશે..દાતા તારા નામની..
એવા ડરની દરોડી રોપવા તૂં આવજે... ઝુલા સુખના બાંધજે..
દુઃખના આંસુ સંતોની આ આંખમાં ન આવે..
હો... સુખમાં તરતી તારી છબીઓ..આંખમાં જોવા આવે


 

 

 

 

 

  

 

 

 

 

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.

પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.

અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.

સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.

વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.

આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.

ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.

ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.

જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.

ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.

તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.

અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.

કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.

ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.

મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.

 

આનંદ મંગલ કરું આરતી

આનંદ મંગલ કરું આરતીહરિ ગુરુ સંતની સેવા
પ્રેમ ધરી મંદિર પધરાવુંસુંદર સુખડાં લેવાઆનંદ મંગલ

રત્ન જડીત બાજોઠ ઢળાવ્યામોતી ચોક પૂરાવ્યા,
રત્ન કુંભ વત બાહર ભીતરઅકળ સ્વરૂપી એવાઆનંદ મંગલ

અનહદ વાજાં ભીતર વાગેઆનંદ રૂપી એવા,
જેને આંગણ તુલસીનો ક્યારોશાલિગ્રામની સેવાઆનંદ મંગલ

સંત મળે તો મહાસુખ પામુંગુરુજી મળે તો મેવા,
ત્રિભુવન તારણ ભગત ઉધારણપ્રગટ્યા દરશન દેવાઆનંદ મંગલ

અડસઠ તીરથ ગુરુજી ને ચરણેગંગા જમના રેવા,
કહે પ્રીતમ ઓળખ અણસારોહરિના જન હરિ જેવાઆનંદ મંગલ


અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

- શ્રીમદ રાજચંદ્ર
અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... અમે તો તારાં.
દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... અમે તો તારાં.
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... અમે તો તારાં.
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.
 

આપજો આપજો સારું સઘળું

આપજો આપજો સારું સઘળું મને,
હે પ્રભુ, આજ આખા દિવસમાં;
બાળ ગણી વ્હાલ મારા ઉપર આણજો,
જેથી હું રહું બધો દિવસ સુખમાં.
આપજો આપજો સદગુણો આપજો,
આપજો વળી બહુ શુભ વિચારો;
આપજો આપજો આપની ભક્તિને,
આપજો વળી મને સંગ સારો.
આપજો આપજો મીઠી વાણી મને,
રાખજો મારું મન ખૂબ રાજી;
સૌનું હું કામ કરું એવું બળ આપજો,
સૌની સેવા કરું, જેથી ઝાઝી.
સૌથી બહુ આપજો આપ પ્રભુની કૃપા,
જેથી મળશે મને જે હું માગું;
માગ્યું નથી સારું જે તેહ પણ આપજો,
એટલું બોલી હું પાય લાગું.

 આપને તારા અંતરનો એક તાર

આપને તારા અંતરનો એક તાર,
બીજું હું કાંઇ ન માંગું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું. ... આપને

તુંબડું મારું પડ્યું નકામું,
કોઇ જુએ નહીં એના સામું,
બાંધીશ મારા અંતરનો ત્યાં તાર,
પછી મારી ધૂન જગાવું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું .... આપને

એકતારો મારો ગૂંજશે મીઠું,
દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું,
ગીતની રેલાશે એક અખંડિત ધાર,
તેમાં થઇ મસ્ત હું રાચું,
સુણજે આટલો આર્ત તણો પોકાર,
બીજું હું કાંઇ ન માંગું  ... આપને


મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં, સેવા કરી શિ ઘનશ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે, રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના, કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
ઓ પ્રભુ મારું જીવન તારું દિવ્ય અર્ઘ્ય બની રહો.
રામ તું છે, રહીમ તું છે, કૃષ્ણ તું છે ઈસા મસીહ,
તું પરમ પરબ્રહ્મ તત્વ,
સાર સર્વ પુરાણ તું ... ઓ પ્રભુ.
રહેજે સદા વિચાર વાણી વર્તને અવ હર ઘડી
અંતરે પ્રતિબિંબ તારું,
દિવ્ય તેજે ઝળહળો ... ઓ પ્રભુ.
હે કૃપાના સિંધુ તેં કરુણા કરીને કૃમળ કર્યા
સર્વની રુચિ એ ભણી,
તેં એક રુચિએ કર્યા .. ઓ પ્રભુ
ઉરે સદા તવ સ્નેહભીની મંજરી મહેકી રહો,
પૂર્ણ પ્રાપ્તિની સભરતામાં
શેષ જીવન આ વહો ... ઓ પ્રભ
કોઈ સહાય નથી, વિના હરિ કોઈ સહાય નથી.

બંધા મા બલમાં તું બાલક, મમતામાં મનથી;
સૂતો કેમ ધરીને ધીરજ, ધામ ધરા ધનથી?

ભજ ભૂધરને ભાળ કરીને, શમ-દમ સાધનથી;
અવર તણી સેવા શા માટે, અરર! કરે અમથી?

કાળ કરાળ તણો ભય ભારે, જો મન માંહી મથી;
કરશે તે થઈ શકશે કેશવ, આ ઉત્તમ તનથી. 

ગુજારે જે શિરે તારે

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

-
બાલશંકર કંથારિયા

ચિત્ત તું શીદને ચિંતા ધરે

ચિત્ત તું શીદને ચિંતા ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે ... ટેક
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે ... કૃષ્ણને
નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે ... કૃષ્ણને
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે ?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે ... કૃષ્ણને
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે ... કૃષ્ણને
થનાર વસ્તુ થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે ... કૃષ્ણને
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
એમાં ફેર પડે નહીં કોઇથી, શીદ કુંટાઇ તું મરે ... કૃષ્ણને
તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
આપતણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે ... કૃષ્ણને
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે ... કૃષ્ણને
- દયારામ

જનની જીવો રે ગોપીચંદની

જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી,
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી.

ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી કહ્યાં કઠણ વચનજી,
રાજસાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી.

ઉઠી ન શકે રે ઉંટિયો, બહુ બોલાવ્યો વાજંદજી,
તેને રે દેખી ત્રાસ ઉપન્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી.

ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસે નારજી,
મંદિર ઝરુખા મેલી કરી, આસન કીધલાં બહારજી.

એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી,
ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતાં નાવે છેક જી.

ક્યાં ગયું કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી,
ન રહ્યું તે નાણું રાજા નંદનું, સર્વ સુપન વેવારજી.

છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી,
દેવદાનવ મુનિ માનવી, સર્વે જાણો સુપનજી.

સમજી મૂકો તો સારુ ઘણું, જરૂર મુકાવશે જમજી,
નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઈ સમજી.

- નિષ્કુળાનંદ

જીભલડી રે તને હરિગુણ ગાતાં

જીભલડી રે તને હરિગુણ ગાતાં આવતી આળસ ક્યાંથી રે?
લવરી કરતાં નવરાઈ ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે.

પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે,
ઝઘડો કરવા ઝૂઝે વહેલી, કાયર હરિગુણ ગાવા રે.

અંતકાળે કોઈ કામ ન આવે, વહાલા વેરીની ટોળી રે,
વજન ધારીને સર્વસ્વ લેશે, રહેશો આંખો ચોળી રે.

તલ મંગાવો ને તુલસી મંગાવો, રામનામ સંભળાવો રે,
પ્રથમ તો મસ્તક નહીં નમતું, પછી શું નામ સુણાવો રે?

ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એ કેમ હોલવાશે રે?
ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે?

માયાઘેનમાં ઊંઘી રહે છે, જાગીને જો તું તપાસી રે,
અંત સમે રોવાને બેઠી, પડી કાળની ફાંસી રે.

હરિગુણ ગાતાં દામ ન બેસે, એકે વાળ ન ખરશે રે,
સહેજ પંથનો પાર ન આવે, ભજન થકી ભવ તરશે રે.
(આશ્રમ ભજનાવલી - પદ 132)
રાગ ખમાજ, તાલ ધુમાલી
જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે
ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે
-         સુન્દરમ્
જે કોઇ પ્રેમઅંશ અવતરે
જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.
સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ સુતને જરે;
કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે ... પ્રેમરસ
સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે;
ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે ... પ્રેમરસ
સોમવેલી રસપાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;
વગરવંશીને વમન કરાવે વેદવાણી ઓચરે ... પ્રેમરસ
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;
મત્સ્યભોગી બગલો મુક્તફળ દેખી ચંચુ ના ભરે ... પ્રેમરસ
એમ કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠ ના ફરે;
દયા પ્રીતમ શ્રી ગોવર્ધનધર, પ્રેમભક્તિએ વરે ... પ્રેમરસ
- દયારામ

જેને રામ રાખે રે

જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.

ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,
થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;
તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.

નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,
ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.

બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,
પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.

રજ કાતરણી લઈને બેઠા દરજી તો દીનદયાલ,
વધે ઘટે તેને કરે બરાબર, સૌની લે સંભાળ;
ધણી તો ધીરાનો રે, હરિ તો મારો હીંડે હકે.

- ધીરા ભગત

જ્યાં લગી આત્મા અંગમાં છે

જ્યાં લગી આત્મા અંગમાં છે,
ત્યાં લગી હરિ હરિ તું કહે ... ટેક
હાલતાં હરિ ને ચાલતાં હરિ,
ને બેસતાં હરિ તું કહે;
સુતાં પહેલાં જે સ્મરણ કરે ભાઇ,
તેની બોલો જય જય ... જ્યાં
લીધા રે સરખું નામ હરિનું,
લઇ શકે તો લે,
દીઘા રે સરખું દાન છે અન્નનું,
દઇ શકે તો દે ... જ્યાં
આ રે સંસારીઓ સર્વે ખોટા
ને સાચી વસ્તુ બે;
એક તો પુણ્ય, બીજું હરિભજન ભાઇ,
જીવડા સમજી લે ... જ્યાં
દૃષ્ટ પદારથ સર્વે ખોટા ને
આત્મા અખંડ છે;
કીડી થકી તે કુંજર લગણ ભાઇ,
કાળચક્કરનો ભે ... જ્યાં
એક દિન આંગણે દીવા, વિવાહ, ને વળી
ઢોલ શરણાઇ વાગે;
કહે 'જીવણ ' એવો એક દિન આવશે,
સ્મશાને ધગશે ... જ્યાં
કવિ જીવણ
 તમે મન મુકીને વરસ્યાં
અમે જનમજનમના તરસ્યાં
તમે મુશળધારે વરસ્યાં
અમે જનમજનમના તરસ્યાં
હજારે હાથે તમે દીધું પણ,
ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો,
તોયે અમે અજ્ઞાની.
તમે અમૃતરૂપે વરસ્યાં
અમે ઝેરના ઘૂંટડા સ્પર્શયાં. તમે...
સાદે સાદે શાતા આપે
એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને
અમે કદી ના પીછાણી
તમે મહેરામણ થઈ ઉમટયાં
અમે કાંઠે આવી અટકયાં. તમે....
સ્નેહની ગંગા તમે વહાવી
જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જગાવી
આતમ ઉજવળ કરવા
તમે સૂરજ થઇને ચમક્યાં
અમે અંધારામાં ભટક્યાં. તમે...

તરણાં ઓથે ડુંગર રે

તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઇ દેખે નહીં;
અજાજૂથ માંહે રે, સમરથ જોણે સહી ... ટેક
સિંહ અજામાં કરે ગર્જના, કસ્તુરી મૃગરાજન;
તલની ઓથે જેમ તેલ રહ્યું છે, કાષ્ઠમાં હુતાશન;
દધિ ઓથે ધૃતજ રે, વસ્તુ એમ છૂપી રહી ... તરણાં
કોને કહું ને કોણ સાંભળશે અગમ ખેલ અપાર;
અગમ કેરી ગમ નહિ રે, વાણી ન પહોંચે વિસ્તાર;
એક દેશ એવો રે, બુદ્ધિ થાકી રહે તહા ... તરણાં
મન પવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ;
રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, તેણે રચ્યાં બ્રહ્માંડ;
ઠામ નહિ કો ઠાલો રે, એક અણુમાત્ર કહાં ... તરણાં
સદગુરુજીએ કૃપા કરી ત્યારે, આપ થયા પ્રકાશ;
શાં શાં દોડી સાધન સાધે, પોતે પોતાની પાસ;
દાસ ધીરો કહે છે રે, જ્યાં જોઉં ત્યાં તું હી તું હી ... તરણાં
- ધીરા ભગત

 તિલક કરતાં ત્રેપન થયાં

તિલક કરતાં ત્રેપન થયાં,
ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ,
તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન,
તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ,
પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન,
તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત,
ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
દેહાભિમાન હૂતો પાશેર,
વિધ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો,
ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય,
આત્મજ્ઞાન મૂળગું ખોય.
- અખો
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી.. ત્યાગ

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિય વિષય આકાર જી

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિય વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી

પળમાં જોગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી 
-         નિષ્કુળાનંદ

દિલમાં દીવો કરો

દિલમાં દીવો કરો રે દીવો કરો,
કૂડા કામ ક્રોધને પરહરો રે ... દિલમાં દીવો કરો
દયા દીવેલ પ્રેમ પરણાયું લાવો,
માંહી સુરતાની દીવેટ બનાવો;
મહીં બ્રહ્મઅગ્નિ પ્રગટાવો રે ... દિલમાં દીવો કરો
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારુ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે .... દિલમાં દીવો કરો
દીવો અણભે પ્રગટે એવો,
ટાળે તિમિરના જેવો;
એને નેણે તો નીરખીને લેવો રે ... દિલમાં દીવો કરો
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે ... દિલમાં દીવો કરો
- રણછોડદાસ

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા

ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
મરણનો ભય તે તો મન ના આણે
સર્વ નિખર્વ દળ એક સામાં ફરે
તરણને તુલ્ય તેને જ જાણે.

મોહનું સેન મહા વિકટ લડવા સમે
મરે પણ મોરચો નહિ જ ત્યાગે,
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા
એ દળ દેખતાં સર્વ ભાગે.

કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી
લડવા તણો નવ લાગ લાગે,
જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા
મોરચે ગયે ધર્મદ્વાર માગે.

એવા એ સેનશું અડીખમ આખડે
ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી
અખંડ સુખ અટળ પદ રાજ માણે.

- મુક્ત આનંદ
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની ... ધૂણી રે ધખાવી
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની ... ધૂણી રે ધખાવી
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામ

નાથ, હું જેવો તેવો પણ તારો

નાથ, હું જેવો તેવો પણ તારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ... ટેક
સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ... નાથ હું
નિજ જન જૂઠાની જાતી લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ...નાથ હું
અવળનું સવળ કરો સુંદર-વર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ...નાથ હું
વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ...નાથ હું
વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ...નાથ હું
સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ...નાથ હું
- દયારામ
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના ઝાંખો ઝાંખો દીવો
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના ઝાંખો ઝાંખો દીવો
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના ઝાંખો ઝાંખો દીવો
પગ મને ધોવા દ્યો રઘુરાય,
મને શક પડ્યો મનમાંહ્ય ... પગ મને
રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ ... પગ મને
રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો મારા રંક જનની આજીવિકા ટળી જાયજી ... પગ મને
જોઇ ચતુરતા ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાયજી ... પગ મને
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી ... પગ મને
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારીને બોલ્યા તમે શું લેશો ઉતરાઇ ... પગ મને
નાઇની કદી નાઇ લે નહીં, આપણે ધંધા ભાઇજી,
કાગ ન માગે ખારવો કદી ખારવાની ઉતરાઇ ... પગ મને
- કવિ કાગ
પ્રભુજીને પડદામાં રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

વાયુ વીંજાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ
ભળી જાશે એ તો ખાખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં
સાત સમંદર પાર કર્યા તોયે
નથી રે ગુમાન એની આંખમાં
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

આંખનાં રતન તારા છોને હોલાય
છોને હીરા લૂંટાય તારા લાખના
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઇથી
ખોટા હીરાને ખેંચી રાખ મા
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા.

-
ઇન્દુલાલ ગાંધી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય ... પ્રેમળ જ્યોતિ
આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર ... પ્રેમળ જ્યોતિ
ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ ... પ્રેમળ જ્યોતિ
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર ... પ્રેમળ જ્યોતિ
કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર ... પ્રેમળ જ્યોતિ
રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર ... પ્રેમળ જ્યોતિ

-
નરસિંહરાવ દિવેટિયા
ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું
રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું
તારું મુખડું પ્રભુજી હું જોયાં કરું,
રાત દિવસ ગુણો તારાં ગાયા કરું,
અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું ... ભક્તિ કરતાં.
મારી આશા નિરાશા કરશો નહી,
મારા અવગુણ હૈયે ધરશો નહી,
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું ... ભક્તિ કરતાં.
મારાં પાપ ને તાપ સમાવી દેજો,
આ સેવકને ચરણોમાં રાખી લેજો,
આવી દેજો દર્શન દાન, પ્રભુ એવું માંગુ છું ... ભક્તિ કરતાં.
તારી આશાએ પ્રભુ હું તો જીવી રહ્યો,
તને મળવાને પ્રભુ હું તો તરસી રહ્યો,
મારી કોમળ કાયા ના કરમાય, પ્રભુ એવું માંગુ છું ... ભક્તિ કરતાં.
મારાં ભવોભવનાં પાપો દૂર કરો,
મારી અરજી પ્રભુજી હૈયે ધરો,
મને રાખજે તારી પાસ, પ્રભુ એવું માંગુ છું
તું રહેજે ભવોભવ સાથ, પ્રભુ એવું માંગુ છું ... ભક્તિ કરતાં.

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો ભીતરનો ભેરુ
એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજોભીતરનો ભેરુ
તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો ભીતરનો ભેરુ
- અવિનાશ વ્યાસ
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !

-
નરસિંહરાવ દિવેટિયા
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે ... મંદિર તારું
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે ... મંદિર તારું
 - જયંતીલાલ આચાર્ય

મને કહોને પરમેશ્વર કેવા હશે ?

મને કહોને પરમેશ્વર કેવા હશે ?
ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?
ગગનની ઓઢણીમાં ચાંદા સૂરજને,
તારાને ગૂંથનારા કેવા હશે ? ... મને કહોને
આંબાની ઊંચી ડાળે ચડીને,
મોરોને મૂકનાર કેવા હશે ? ... મને કહોને
મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,
કોયલ બોલાવનાર કેવા હશે ? ... મને કહોને
ઊંડા એ સાગરનાં મોજાં ઉછાળી,
ધૂ ધૂ ગજાવનાર કેવા હશે ? ... મને કહોને
મનેય મારી માડીને ખોળે,
હોંસે હુલાવનાર કેવા હશે ? ... મને કહોને
- પ્રીતમલાલ મઝમુદાર

માગું હું તે આપ, પ્રભુજી

માગું હું તે આપ, પ્રભુજી !
માગું હું તે આપ.
ના માંગુ ધન વૈભવ એવા
મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના
ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! ... માગું
ઉંચા નીચા ભેદ ન જાણું,
સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ
કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! ... માગું
કરતાં કાર્ય જગે સેવાનાં
જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે
જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી ! ... માગું
માને તો મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો જી,
માને તો મનાવી લેજો રે..
મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
વાલાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
- ભગા ચારણ


ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી
અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી
કાઢી મુખેથી કાળિયા, મોંમા દઈ મોટા કર્યા
અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહી
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કર્યા
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહી
લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહી
સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહી
ભીને સૂઈ પોતે અને સૂકે સૂવાડ્યા આપને
એની અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહી
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહી
ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી
એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.
- સંત પુનિત
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.
મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.
હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.
હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું મારા ઘટમાં.
મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો મારા ઘટમાં.
આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે મારા ઘટમાં.
મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે મારા ઘટમાં.

મારી નાડ તમારે હાથ

મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે !
મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે !
પથ્યાપથ્ય નથી સમજાતું,
દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું નાથ નિહાળજો રે !
અનાદિ આપ વૈદ્ય છો સાચા,
કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છો ટાંચા વેળા વાળજો રે !
વિશ્વેશ્વર શું હજી વિચારો,
બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે !
કેશવ હરિ મારું શું થાશે ?
ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે !
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે !
- કેશવરામ
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો,
તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં
અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી
અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત
તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને
તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
- કરસનદાસ માણેક

મારે માથે હજાર હાથવાળો

મારે માથે હજાર હાથવાળો,
અખંડ મારી રક્ષા કરે.
કદી રક્ષકના ઉગ્ર રૂપવાળો,
આવી કસોટી કપરી કરે ... મારે માથે
એની કરુણાનો સ્તોત્ર નિત્ય વહેતો,
પ્રસન્ન મને રાખ્યાં કરે;
મને ચિંતા કરવા ન જરી દેતો,
કલ્યાણ મારું ઝંખ્યા કરે ... મારે માથે
રખે ઉતરું મારગે આડે,
તો સત્ય પંથ ચાંધ્યા કરે;
કદી પડવા ન દે મને ખાડે,
સદાય સાથ આપ્યાં કરે ... મારે માથે
નાથ શ્રદ્ધાનાં પારખાં લેતો,
ને તોય શક્તિ દીધાં કરે;
ધૂળમાંથી કનક કરી દેતો,
અજબ તારી લીલા ખરે ... મારે માથે
- પિનાકિન ત્રિવેદી
તમે મારાં મનનાં માનેલા શાલિગ્રામ,
મીરાંબાઈ પાછા ઘેર જાઓ.
હે મીરાંબાઈ તમે રાજાની છો કુંવરી,
અને રોહિદાસ જાતિનો છે ચમાર …. મીરાંબાઈ પાછા
મીરાંબાઈ, નગરનાં લોક તમારી નિંદા કરે,
રાણોજી દેશે અમને આળ મીરાંબાઈ પાછાં
મીરાંબાઈ, મેવાડનાં લોકો તમારી નિંદા કરશે
એ પાપીને પૂજશે માની ભગવાન .. મીરાંબાઈ પાછાં
રામાનંદ ચરણે રોહિદાસ બોલિયાં,
મીરાં તમે હેતે ભજો ભગવાન મીરાંબાઈ પાછાં
- સંત રોહિદાસ (સંત રૈદાસ)
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં,
દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું
- મુનિ શ્રી ચિત્રભાનુ

રંગાઇ જાને રંગમાં.
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તું રંગમાં…..રંગાઇ
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવાના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ
બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ
રાખ સદા તવ ચરણે અમને,
રાખ સદા તવ ચરણે
મધુમય કમલ સમા તવ શરણે ... રાખ સદા.
અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ રવ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે ... રાખ સદા.
અગાધ એ આકાશ સમા તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકળ તવ વૈભવ ... રાખ સદા.
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં
- અવિનાશ વ્યાસ
રામબાણ વાગ્યા હોય તે જાણે.

ધ્રુવને વાગ્યાં, પ્રહલાદને વાગ્યાં, ઠરી બેઠા ઠેકાણે,
ગર્ભવાસમાં શુકદેવજીને વાગ્યાં, વેદ-વચન પરમાણે.

મોરધ્વજ રાજાનાં મન હરી લેવા, વહાલો પધાર્યા તે ઠામે,
કાશીએ જઈને કરવત મેલાવ્યાં, પુત્ર-પત્ની બેઉ તાણે.

બાઈ મીરાં ઉપર ક્રોધ કરીને, રાણો ખડગ લઈ તાણે,
ઝેરના પ્યાલા ગિરધરલાલે, અમૃત કર્યા એવે ટાણે. 
નરસિંહ મેહતાની હૂંડી સિકારી, ખેપ કરી ખરે ટાણે,
અનેક ભક્તોને એણે ઉગાર્યા, ધનો ભગત ઉર આણે.
-         ધનો ભગત
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે ... વંદન કરીએ.
પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને ... વંદન કરીએ.
ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે ... વંદન કરીએ.
પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે ... વંદન કરીએ.

વૈષ્ણવ નથી થયો તું રે

વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે ... વૈષ્ણવ
હરિજન જોઇ હૈયું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં ... વૈષ્ણવ
તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો ... વૈષ્ણવ
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વ્હાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો ... વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વાર્થ છુટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, ક્યાં લખ્યું એમ કહેણી ... વૈષ્ણવ
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જ્યાં લગી, જગત ગુરુ, તું દાસ ... વૈષ્ણવ
મન તણો ગુરૂ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
'
દયા' દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે ... વૈષ્ણવ
- દયારામ

શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો ..
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા,
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ... દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી,
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ... દયા કરી
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે,
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ... દયા કરી
હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી,
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ... દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું,
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ... દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો,
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ... દયા કરી

 

 

સંતકૃપાથી છૂટે માયા

સંતકૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને
શ્વાસોશ્વાસે સ્મરણ કરતાં, પાંચે પાતક જાય જોને.
કેસરી કેરે નાદે નાસે, કોટી કુંજર-જૂથ જોને,
હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને.
અગ્નિને ઉધઇ ન લાગે, મહામણિને મેલ જોને,
અપાર સિંધુ મહાજલ ઊંડા, મર્મીને મન સ્હેલ જોને.
બાજીગરની બાજી તે તો, જંબૂરો સૌ જાણે જોને,
હરિની માયા બહુ બળવંતી, સંત નજરમાં નાણ જોને.
સંત સેવતાં સુકૃત વાધે, સ્હેજે નજરમાં ના'વે જોને,
પ્રીતમના સ્વામીને ભજતાં, આવે અખંડ રાજ જોને.
- પ્રીતમદાસ

 સદગુરુ શરણ વિના

સદગુરુ શરણ વિના અજ્ઞાનતિમિર ટળશે નહિ રે,
જન્મ મરણ દેનારું બીજ ખરું બળશે નહિ રે.

પ્રેમામૃત-વચ-પાન વિના, સાચા ખોટાના ભાન વિના,
ગાંઠ હૃદયની, જ્ઞાન વિના ગળશે નહિ રે.

શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તન મન ઈન્દ્રિય તત્પર વારે,
વગર વિચારે વળમાં સુખ રળશે નહિ રે.

તત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં,
સેવક સુત દારામાં દિન વળશે નહિ રે.

કેશવ હરિની કરતાં સેવા પરમાનંદ બતાવે તેવા,
શોધ વિના સજ્જન એવા મળશે નહિ રે.

- કેશવ હરિ
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા (ટેક)
અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન ... સમય મારો
જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ ... સમય મારો
કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર ... સમય મારો
આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, પુનિત છોડે પ્રાણ ... સમય મારો
- સંત પુનિત
સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
વડલા નીચે ઝૂંપડી એની, નહીં માત નહીં બંધુ-બેની,
એકલડી એક ધ્યાને બેઠી ગાંડી કહે છે ગામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર નજરો ઘણી નાખી,
ફળ-ફૂલ લાવે, ભોગ ધરાવે, કરતી એનું કામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
માસ દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઈ તો ઘરડાં થયા,
એક ઝગમગે આશા જોતી, સૂક્યા હાડ ને ચામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે,
શીતળ મંદ સુગંધી વાયુ વાતો ઠામો ઠામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
આજ પધાર્યાં શબરીનાં સ્વામી, ધન્યતા આજે ભીલડી પામી,
આશાવેલી પાંગરી એની, મનડું થયું વિરામ,
એક દિન આવશે સ્વામી મારા અંતરના આ રામ.
શબરી ના ઘરે શ્રી રામ પધાર્યા, ભાવ ધરી ભગવાન પધાર્યા..

પૂજા અર્ચન મંત્ર ન જાણું, વેદ પુરાણ ની વાત ના પિછાણું
રાખી હૃદય રઘુનાથ ની મુરત, રામ રામ બસ રામ ઉચાર્યા..

આવી જરા હવે હાથ ન હાલે, દેહ રહે નાહીં મારે હવાલે
શા થી થાશે સેવા તમારી, શરીર નમ્યે સરકાર જો પધાર્યા..

આશા એક અવધેશ અમારી, ખુલ્લી રહે નયનો ની બારી
હરિ દર્શન ની આશ અમારી, ગુરુજન કેરાં વચન વિચાર્યા..

સૂણી અરજ અવિનાશી પધાર્યાં, શબરી ના સંતાપ નિવાર્યા
એઠાં ફળે મિજબાની માણી, ભીલડી કેરાં ભાગ્ય સુધાર્યા..

ભાવ થકી ભગવાન જે ભજતાં, જનમ જનમ ના ફેરા ટળતાં
દીન "કેદાર" હરી અળગો ન કરતાં, ભક્ત જનોને પાર ઉતાર્યા..

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ

સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ !
સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ
જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ
દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ
સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું


હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,
નિજ નામ ગ્રાહી નિર્માન રહેવું;
ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી,
પરહરિ પાપ રામનામ લેવું.
સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું,
આપ આધિન થઈ દાન દેવું.
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ રહેવું.
અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું,
ખોલવી ગૂજ તે પાત્ર ખોળી;
દીન વચન દાખવું, ગંભીર મતું રાખવું,
વિવેકીને વાત નવ કરવી પહોળી.
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું,
રાખવી ભક્તિ તે રાંક દાવે,
ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી
ત્રિવિધના તાપ ત્યાં નિકટ નાવે.
-         ભક્ત ભોજો

હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે ... હરિને ભજતાં
વહાલે ઊગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે ... હરિને ભજતાં
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે ... હરિને ભજતાં
વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;
પાંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે ... હરિને ભજતાં
આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે ... હરિને ભજતાં
- પ્રેમળદાસ
 હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. 
પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને. 
માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને. 
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને. 
- પ્રિતમદાસ
હાં રે મને રામનામની ધૂન લાગી,
હાં રે મેં તો જીવન જંજાળ બધી ત્યાગી ... હાં રે મને

છોડ્યાં ઘરબાર મેં તો મૂક્યા માબાપ
રૂડી રામ નીહાળી ગયો ભાગી
લખમી લટુકડાં કરતી તરછોડી હું તો
રામનો બની ગયો વિરાગી ... હાં રે મને

રાજાના રાજપાટ શાહોની બાદશાહી
એની ન ભૂખ મને લાગી,
રામબાણ વીંધે મારું હૈયું શું હરખે
રામશરણ રહ્યો માંગી ... હાં રે મને

હાથ મારો મૂકશો મા

દીનાનાથ દયાળ નટવર! હાથ મારો મૂકશો મા;
હાથ મારો મૂકશો મા, હાથ મારો મૂકશો મા.

આ મહા ભવસાગરે, ભગવાન હું ભૂલો પડ્યો છું;
ચૌદ-લોક-નિવાસ ચપલા-કાન્ત! આ તક ચૂકશો મા.

ઓથ ઈશ્વર આપની, સાધન વિષે સમજુ નહી હું;
પ્રાણપાલક! પોત જોઈ, શંખ આખર ફૂંકશો મા.

માત તાત સગા સહોદર, જે કહું તે આપ મારે,
હે કૃપામૃતના સરોવર! દાસ સારુ સૂકશો મા.

શરણ કેશવલાલનું છે, ચરણ હે હરિ રામ તારું;
અખિલનાયક! આ સમય, ખોટે મશે પણ ખૂટશો મા.

- કેશવલાલ
હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર, તારી કરુણાનો કોઈ પાર નથી
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુખ-સંપત્તિ, સુવિચાર, સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદય તમ સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

એટલું માંગી લવ

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંગી લવ
હરિનું બનાવેલું હોય મજાનું, એને સમજી લવ...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લવ
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લવ
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લવ...

દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લવ....

No comments:

Post a Comment