બ્રહ્મજ્ઞાનનું મહત્વ
જ્યાં સુધી માનવ સૂઇ રહે છે ત્યાં સુધી તેને ખબર ૫ડતી
નથી કે સંસારમાં શું બની રહ્યું છે ! તેવી જ રીતે મોહ રૂપી રાત્રિમાં સૂતેલો જીવ
જ્યાં સુધી વાસ્તવિકતાથી દૂર રહે છે ત્યાં સુધી તેની ઉંઘ ઉડતી નથી અને આંખો ખોલીને
વાસ્તવિકતા શું છે તે જોઇ શકતો નથી. આંખો બંધ રાખવામાં અને આંખો ખોલવામાં
જેટલું અંતર છે તેટલું અંતર બ્રહ્મને જાણવા અને ન જાણવામાં રહેલું છે.આંખો ખોલવી
એટલે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી
પ્રભુ ૫રમાત્માનાં દર્શન કરવાં અને આંખો બંધ રાખવી એટલે જ્ઞાનદ્દષ્ટિથી રહિત બની
મોહ રાત્રિમાં સૂઇ રહેવું.
ક્યારેક અમને ઉંઘમાં સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં અમારી
પાછળ કેટલાક કૂતરાઓ પાછળ પડે છે.. ક્યારેક સા૫ પાછળ ૫ડે છે અને અમે જીવ બચાવવા
ભાગવાનો પ્રયાસ કરીએ છીએ તે સમયે અમે અનેક ચિન્તાઓથી રડવા લાગીએ છીએ.આવા સમયે
અમારો સાચો શુભચિન્તક એ છે કે જે અમોને જગાડીને સ્વપ્ન પુરૂ કરે..આ સ્વપ્ન પુરૂ
થતાં જ અમારા તમામ દુઃખોનો અંત આવી જાય છે. તેવી જ રીતે મોહરૂપી રાત્રિમાં જીવ ૫ણ
જગતરૂપી સ્વપ્ન જોયા કરે છે અને અનેક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. તેને પોતાની..
પોતાના ૫રીવારની..મૃત્યુની..બિમારીની વગેરે અનેક દુઃખ અને ચિંતાઓ વળગેલી રહે
છે.આવા વિ૫ત્તિના સમયે આ જીવને બ્રહ્માનુભૂતિ કરાવી તેને મોહરૂપી રાત્રિમાંથી
જગાડનાર સંત તેનો સૌથી મોટો શુભચિંતક હોય છે કે જે તેના તમામ દુઃખો..ચિંતાઓ અને
આ૫ત્તિઓને દૂર કરે છે.
ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે...
મોહ નિશા જગ સોવન હારા, દેખહિ સ૫ન અનેક પ્રકારા,
એહિ જગ જામિનિ જાગહિં જોગી, ૫રમારથી પ્રપંચ વિયોગી,
જાનિએ જબહિં જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ બિરાગા... (રામચરીત માનસઃ૨/૮૩/૧)
સમગ્ર સંસાર મોહરાત્રિમાં દેખાતું એક સ્વપ્ન છે.આ સ્વપ્ન જીવ જોઇ રહ્યો
છે.૫રમાર્થના માર્ગ ૫ર ચાલનાર જીવ ગુરૂકૃપાથી જાગે છે..તેનો આ પ્રપંચ (જગતરૂપી
સ્વપ્ન) થી છુટકારો થઇ જાય છે. જાગ્યો છે તેની ઓળખાણ એ છે કેઃ વિષય વિલાસ જે અસત્ય છે તે તેને આકર્ષિત કરતી નથી.જગત ફક્ત નામ
અને રૂ૫નો સમુહ છે. તમામ નામ કલ્પિત છે અને રૂ૫ ૫રીવર્તનશીલ છે..મિથ્યા છે..અસત્ય
છે.તન..મન..ધનને ૫રમાત્માની દેન માનનાર સાકાર સૃષ્ટિમાં ૫ણ નિરાકારનું દર્શન
કરતાં કરતાં નિર્લિપ્ત રહીને કર્તવ્યકર્મ કરતો રહે છે.
સુખ..શાંતિ અને આનંદ..આ ત્રણે સ્થિતિઓ ૫રમસુખ પ્રદાન કરનાર છે.સુખ
ઇન્દ્દિયોનું થાય છે. બ્રહ્માનુભૂતિ થયા બાદ જીવ આ ત્રણેય સ્થિતિઓથી ઉ૫ર ૫રમ શાંતિ
એટલે કે ૫રમ આનંદની સર્વ સુખદ સ્થિતિનો અનુભવ કરે છે.આ આનંદમય વિલક્ષણ સ્થિતિનું
શબ્દોમાં વર્ણન કરવું સંભવ નથી.
ચૌરાશી લાખ યોનિઓમાં ઉત્તમ માનવ દેહ મળ્યા ૫છી ૫ણ જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ
તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન
(બ્રહ્મજ્ઞાન) પ્રાપ્ત કરતા નથી તે આટલા મોટા સૌભાગ્યથી વંચિત રહી જાય છે.અનંત
જન્મોમાં વિવિધ યોનિઓમાં કષ્ટ ઉઠાવ્યા બાદ આ માનવ શરીર મળ્યું છે તેમાં જે
ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્ત કરી પ્રભુ
૫રમાત્માનાં દર્શન કરીને જીવન મુક્તિનો આનંદ લઇ રહ્યા છે તે ધન્ય છે !
બડે ભાગ્ય માનુષ તન પાવા,સુર દુર્લભ સદગ્રંથન ગાવા,
સાધન ધામ મોક્ષ કર દ્વારા,પાઇ ન જેહિ ૫રલોક સંવારા,
સો ૫રત્ર દુઃખ પાવઇ સિર ધુનિ ધુનિ ૫છિતાઇ,
કાલહિ કર્મહિ ઇશ્વરહિ મિથ્યા દોષ લગાઇ...!! રામચરીત માનસઃ૭/૪૩!!
દુર્લભ વિવેક યુક્ત મનુષ્ય દેહ મળ્યા ૫છી ૫ણ જે
બ્રહ્માનુભૂતિ માટે પ્રયત્ન કરતો નથી તેને મોટો મૂઢ અને આત્મઘાતી સમજવો જોઇએ.ભલે કોઇ શાસ્ત્રોની વ્યાખ્યા કરતો હોય..દેવતાઓનું પૂજન કરતો
હોય.. અનેક શુભ કર્મ ૫ણ કરતો હોય,પરંતુ જ્યાં સુધી તેને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ
તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી પ્રભુ ૫રમાત્માનાં દર્શન કર્યા
ના હોય તો કલ્પો સુધી જન્મમરણના ચક્કરમાં ફર્યા કરે છે તેને મુક્તિ મળતી નથી.ફક્ત
ગુરૂજ્ઞાનથી જ બ્રહ્માનુભૂતિ કર્યા ૫છી જ સંસાર સાગરમાં ડૂબેલો જીવ પોતાનો ઉદ્ધાર
કરી શકે છે.મનુષ્ય દ્વારા કરવામાં આવતાં વિવિધ કર્મકાંડ ચિત્તની શુદ્ધિ
માટે કરવામાં આવે છે પરંતુ તેનાથી પ્રભુ દર્શન થઇ શકતાં નથી.કરોડો કર્મો
કરવાથી..યોગ કરવાથી..સાંખ્ય વગેરે દર્શનોના અભ્યાસ કરવાથી.. કર્મ અને વિદ્યાથી ૫ણ
મોક્ષ મળી શકતો નથી.બ્રહ્મનો અનુભવ તેને જ થાય છે કે જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ
તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરી લે છે.
બ્રહ્માનુભૂતિ વિના ધર્મગ્રંથોનું
અધ્યયન..વ્રત..વગેરે ભવબંધનથી મુક્ત કરી શકતાં નથી અને બ્રહ્માનુભૂતિ ૫છી
ધર્મગ્રંથોનું અધ્યયન..વ્રત..વગેરેની કોઇ આવશ્યકતા રહેતી નથી.શબ્દજાળ તો મને ભટકાવવા માટેનું મહાવન
છે એટલે તર્ક વિતર્ક છોડીને કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી
બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરી લેવાની જરૂર છે.
અજ્ઞાન(માયા)ના સર્પે જે જીવને ડસી લીધો છે તેનું ઝેર
બ્રહ્મજ્ઞાનની દવાથી ઉતરે છે.વેદ..શાસ્ત્ર..મંત્ર..વગેરે થી કોઇ લાભ થતો નથી.
બ્રહ્માનુભૂતિ જ જ્ઞાન..ભક્તિ..૫રાવિદ્યા
અને મોક્ષનું એકમાત્ર સાધન અને સાધ્ય છે.દાસે સંત નિરંકારી મિશનના વડા સદગુરૂ બાબા હરદેવસિંહજી
મહારાજની કૃપાથી પોતે તેનો અનુભવ કરી એ નિશ્ચય ૫ર ૫હોચ્યો છું કે... ક્ષોત્રિય
બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંત પાસેથી જ્ઞાન દ્દષ્ટિ પ્રાપ્તિ કરવી એ જ મનુષ્ય
જીવનનો ઉદ્દેશ્ય છે.બ્રહ્મજ્ઞાન તે ફક્ત સાંભળવામાં આવે કે કહેવામાં આવે તે નહીં
૫રંતુ જે બ્રહ્મનો અનુભવ કરાવે.. જીવને બ્રહ્માનુભૂતિ કરાવે..નિરાકાર બ્રહ્મનો
સર્વત્ર અને તમામની અંદર દર્શન કરાવવામાં સક્ષમ હોય તે જ સાચો માર્ગદર્શક સંત
સદગુરૂ કહેવાય છે.
અમારા પાછલા જન્મોના ઘરબાર અને ૫રીવાર આ જન્મમાં કંઇ કામ
આવતા નથી તો ૫છી હવે પછીના આગલા જન્મમાં કામ લાગશે ખરા ? કામ આવશે ફક્ત
બ્રહ્મજ્ઞાન !
બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું
નથી.બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા-પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે તે ખરો જ્ઞાની નથી. ખરો
જ્ઞાની એ જ છે કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે છે.ઈશ્વર સિવાય સંસારના જડ પદાર્થોમાં
પ્રેમ-સ્નેહ કરે તે આત્માને શરીરથી જુદો જોઈ શકતો નથી. હું શરીર નથી..હું સર્વનો
સાક્ષીરૂપ..આનંદરૂપ..ચેતન પરમાત્મા છું.આ બ્રહ્મજ્ઞાન પછી પણ ઈશ્વરમાં જ પ્રીતિ
જરૂરી છે.
જ્ઞાનની સાત ભૂમિકાઓ યોગવશિષ્ઠ રામાયણમાં બતાવી છે.
શુભેચ્છા..સુવિચારણા..તનુમાનસા..સત્વાપતિ..અસંશક્તિ..પદાર્થભાવિની
અને તુર્યગા.
(૧) શુભેચ્છા...આત્માના સાક્ષાત્કાર
માટેની જે ઉત્કટ ઈચ્છા તે
(૨) સુવિચારણા-ગુરુનાં વચનોનો તથા
મોક્ષશાસ્ત્ર નો વારંવાર વિચાર કરવો
(૩) તનુમાનસા..વિષયોમાં અનાસક્તિ અને
સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા (સૂક્ષ્મતા) પ્રાપ્ત થાય
(૪) સત્વાપતિ...ઉપરના ત્રણથી
નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ તે (આ ભૂમિકા વાળો બ્રહ્મવિત કહેવાય છે)
(૫) અસંશક્તિ...ચિત્ત વિષે પરમાનંદ અને
નિત્ય બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર તે
(૬) પદાર્થભાવિની...પદાર્થો માં દૃઢ
અપ્રતિતી થાય તે
(૭) તુર્યગા...બ્રહ્મને જે અવસ્થામાં
અખંડ જાણે તે અવસ્થા (ઉન્મત્ત દશા)
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સાધનકોટિની
છે.બાકીની ચાર જ્ઞાનકોટિની છે.
પ્રથમ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ
બ્રહ્મનું ચિંતન કરવાનું હોય છે અને જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોચતાં જડ અને ચેતનની
ગ્રંથી છૂટી જાય છે અને એક ૫રબ્રહ્મ ૫રમાત્માનો અનુભવ થાય છે.
સંકલનઃ
|
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ,વાયાઃગોધરા
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:
vinodmachhi@gmail.com
|
આવો...આ વિશે સંતો મહાપુરૂષોના વિચારો ૫ણ જાણીએ.....!!!
જ્ઞાનની સાત ભૂમિકાઓ
પ્રશ્ન: જ્ઞાનની સાત ભૂમિકાઓ
કહે છે તે શું છે ? જ્ઞાનની શું સાચેસાચ સાત ભૂમિકાઓ છે ? એ ભૂમિકાઓ શેના પરથી પાડવામાં આવી છે ?
ઉત્તર: જ્ઞાનની સાત ભૂમિકાઓનો ઉલ્લેખ તમે કરી રહ્યા છો તે ભૂમિકાઓનું વર્ણન ભારતીય
તત્વજ્ઞાનના મહાન ગ્રંથ યોગવસિષ્ઠમાં કરવામાં આવ્યું છે. એ ગ્રંથમાં મહર્ષિ વસિષ્ઠે રામને ઉપદેશ આપ્યો છે. એ ગ્રંથમાં જ્ઞાનની જે સાત
ભૂમિકાઓ કહી બતાવવામાં આવી છે તે ભૂમિકાઓ માનવના બૌધિક અથવા તો આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ છે. એની પાછળ ચોક્કસ પ્રકારની દૃષ્ટિ છે, ફિલસૂફિ છે અથવા તો વિચારધારા સંકળાયેલી
છે તેમ જ વિકાસનો ચોક્કસ ક્રમ બતાવે છે.
પ્રશ્ન: તો તો મને એ ભૂમિકાઓ
વિશે માહિતિ મેળવવાનો આનંદ આવશે. ઘણું જાણવાનું પણ મળશે. પરંતુ એ ભૂમિકાઓનો ઊડતો ખ્યાલ આપી શકશો ? અથવા તો એ ભૂમિકાઓ કઈ કઈ છે તે
કહી બતાવશો ?
ઉત્તર: જરૂર. યોગવસિષ્ઠમાં કહેલી એ સાત ભૂમિકાઓ આ રહી. શુભેચ્છા, વિચારણા, સત્વાપત્તિ, તનુમાનસા, અસંસક્તિ, પદાર્થાભાવિની અને તુર્યગા. એ સાતે ભૂમિકાઓ જ્ઞાનમાર્ગના
વિકાસની સૂચક છે, એ એમનો વિચાર કરવાથી સહેલાઈથી સમજી શકાય છે.
પ્રશ્ન: શુભેચ્છા અને
વિચારણાની ભૂમિકાનો શો અર્થ છે ?
ઉત્તર: સંસારનું નિરીક્ષણ કરવાથી સમજાય છે કે બધા માણસોને આત્મવિકાસ અથવા
આત્મદર્શનની ઈચ્છા નથી હોતી. મોટા ભાગના માણસો સાંસારિક સંપત્તિ તેમજ સુખોપભોગની જ ઈચ્છા રાખે છે.
તેને માટે જ પરિશ્રમ કરે છે ને તૃપ્ત પણ તેમાં જ હોય
છે. જીવનને બંધનમુક્ત પૂર્ણ કે આદર્શ બનાવવાની ઈચ્છા એમના દિલમાં ઉદય નથી પામતી. એવો વિચાર જ એમને નથી થતો. એવા માણસો આત્મજ્ઞાનના માર્ગમાં કેવી
રીતે આગળ વધી શકે ? એટલે સૌથી પહેલાં તો જ્ઞાનના ઉપાર્જનની, બંધનોની નિવૃત્તિની, પરમશાંતિની પ્રાપ્તિ કે પરમાત્માના સાક્ષાત્કારની ઈચ્છાને પેદા
કરવી જોઈએ. એના વિના કશું જ ના થઈ શકે. એ ઈચ્છા જીવનનું શ્રેય કરનારી હોવાથી શુભેચ્છા કહેવાય છે. એ શુભેચ્છા પણ બે જાતની છે. મંદ અને તીવ્ર અથવા તો
ઉત્કટ. મંદ ઈચ્છા કોઈક કારણથી પ્રગટ થઈને પાછી શમી જાય છે પરંતુ ઉત્કટ ઈચ્છાનું એવું નથી. એ બધા જ સ્થળ, સમય કે સંજોગોમાં કાયમ રહે છે ને ધ્યેયની
પૂર્તિ સુધી શાંત નથી થઈ શકતી. એ ઈચ્છા પેદા થાય એટલે માણસ સત્સંગમાં રસ લે છે ને વિચારે છે કે જીવન શાના માટે છે ? એનું ધ્યેય શું ? એ ધ્યેયની સિદ્ધિ કેવી રીતે થઈ શકે ? સંસારનું રહસ્ય શું છે ? એની પાછળ કોઈ શક્તિ છે ? એ શક્તિનો આપણી સાથે કેવોક સંબંધ છે ? મોક્ષ શું છે ? બંઘ શું છે ? પૂર્ણતા શું છે ? આપણું મૂળ સ્વરૂપ શું છે ? દુ:ખોની નિવૃત્તિનો અને સુખશાંતિની પ્રાપ્તિનો માર્ગ શું છે ? એ માર્ગે કેવી રીતે આગળ વધવું જોઈએ ? એ અને એવા બીજા જીવનના શ્રેયને લગતા પ્રશ્નોના ચિંતનમનને વિચારણા કહે છે.
શુભેચ્છા પછી વિચારણાની એ ભૂમિકા આવવી જ જોઈએ.
પ્રશ્ન: શુભેચ્છા અને
વિચારણાની જ્ઞાનમાર્ગની પહેલી બે ભૂમિકાઓ તો સમજાઈ ગઈ. હવે સત્વાપત્તિની ભૂમિકાનો
અર્થ શો થાય છે તે સમજાવશો ?
ઉત્તર: સત્વાપત્તિનો અર્થ કહી બતાવું છું. જ્ઞાનમાર્ગનો સાધક શુભેચ્છા અને વિચારણાની
બંને ભુમિકામાં દ્રઢ થયા પછી દૈવી સંપત્તિથી સંપન્ન થવાની કોશિશ કરે છે. પોતાના જીવનમાંથી આસુરી સંપત્તિના સઘળા અવશેષોનો અંત આણીને, દૈવી સંપત્તિનો વિકાસ કરવા, અથવા તો પોતાના સ્વભાવની સંશુદ્ધિ કરીને, સદ્દગુણો, સદ્દભાવ ને સદ્દવિચારની મૂર્તિ બનવા માટે તે મહેનત કરે છે. એવી મહેનતને
પરિણામે એનું મન અથવા તો અંતઃકરણ નિર્મળ બની જાય છે. એમાં કોઈ ડાઘ કે દોષ નથી રહેતો. તમોગુણ તથા રજોગુણની વિઘાતક અસરમાંથી મુક્તિ મેળવીને સાધક
સત્વગુણમાં સ્થિતિ કરે છે. એ ભૂમિકાને જ્ઞાનમાર્ગમાં સત્વાપત્તિને નામે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન: અસંસક્તિની ભૂમિકાનો
અર્થ શો થાય ?
ઉત્તર: અસંસક્તિ એટલે આસક્તિ વગરની અવસ્થા, એ અવસ્થામાં આસીન થયેલા સાધકને સંસારના કે સંસારની પારના
કોઈયે પદાર્થમાં મમતા, રાગવૃત્તિ કે તૃષ્ણા અથવા તો આસક્તિ નથી
રહેતી. એની આસક્તિ
એક માત્ર ઈશ્વરમાં જ
રહે છે. ઈશ્વરની પ્રીતિ તથા પ્રાપ્તિ એ જ એના જીવનનો એકમાત્ર આનંદ, રસ કે પુરુષાર્થ બને છે. એ સિવાયના બીજા
પદાર્થો કે વિષયો
એને પ્યારા નથી લાગતા, અને એમાં એનું મન પણ નથી લાગતું. એ
ભૂમિકાની પ્રાપ્તિ પછી પરમાત્માનો સાક્ષાત્કાર બહુ
દૂર નથી રહેતો. પરમાત્માના સાક્ષાત્કારને જો સૂર્યોદય સાથે સરખાવવો હોય, તો અસંસક્તિની ભૂમિકાને ઉષા કહી શકાય. એ એટલી બધી અનિવાર્ય છે, અને એનું મહત્વ એટલું મોટું છે.
પ્રશ્ન: વ્યવહારમાં રહીને
આત્મદર્શન થઈ શકે ખરું ?
ઉત્તર: જરૂર થઈ શકે. જેને કરવું હોય તે વ્યવહારમાં રહીને પણ આત્મદર્શન, ઈશ્વરદર્શન, કે પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે અને એને પરિણામે પૂર્ણતા, મુક્તિ કે પરમ શાંતિ મેળવી શકે છે. વ્યવહાર એમાં આડો નથી આવતો.
પ્રશ્ન: પરંતુ વ્યવહારમાં તો
અનેક પ્રકારની મુશ્કેલીઓ, મુસીબતો કે પ્રતિકૂળતાઓનો
સામનો કરવો પડે છે. એ બધાની વચ્ચે રહીને, ઈશ્વરદર્શન કેવી રીતે થઈ શકે ?
ઉત્તર: ઈશ્વરદર્શન કરવાનો દૃઢ નિશ્ચય હશે, તો તમે એ બધાંની વચ્ચેથી પણ તમારો રસ્તો
કરી શકશો. વ્યવહારમાં રહીને આજ સુધી કેટલાય લોકોએ આત્મોન્નતિ કરી છે અને એમાંનાં કેટલાકે ઈશ્વરદર્શનનો લાભ પણ મેળવ્યો છે. એમનો યાત્રા માર્ગ કાંઈ
પહેલેથી જ ચોક્ખો જ હતો એવું ન હતું. એમાં કેટલાય કાંકરા અને પથરા, તથા કેટલીક જાતના ચઢાવ અને ઊતાર આવતા હતા. કેટલાકને તો ઘર ને બહારના ભારે વિરોધી વાતાવરણનો સામનો
કરવો પડ્યો હતો. છતાં પણ તે ડગ્યા કે ડર્યા નહિ.
પોતાના ગંતવ્યથાને પહોંચવા માટે તે મક્કમ હતા. તેથી તેમણે પોતાનો માર્ગ છોડી ન દીધો. પરંતુ તેને વધારે ધીરજ, હિંમત ને સહનશક્તિથી વળગી રહ્યા.
પ્રતિકૂળતામાં રહીને પણ તે માર્ગ કાઢતા રહ્યા. પરિણામે તેમનો વિજય થયો તથા તેમને ઈપ્સિત વસ્તુ મળી
શકી. તેમના જીવનને આદર્શરૂપ બનાવીને તમે આગળ વધો, તો તમારે માટે કશું અશક્ય નહિ રહે.
પ્રશ્ન: વ્યવહારની વચ્ચે
વસનારા માણસો આત્મોન્નતિની દિશામાં કેવી રીતે આગળ વધી શકે ?
ઉત્તર: વ્યવહારમાં વસનારા માણસોને માટે જે અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે, તેમાં હૃદયશુદ્ધિની શક્યતા સૌથી મોટી છે. જો તમે ધારો, તો વ્યવહારમાં રહીને, આત્મનિરિક્ષણની વૃત્તિ કેળવીને, તમારા જીવનને શીલ કે સદ્દગુણોની સુવાસથી
મહેંકતું કરી શકો છો. ગીતાના સોળમાં અધ્યાયમાં જેને દૈવી સંપત્તિની પ્રાપ્તિ કહે છે. તેને માટે તથા એથી ઉલટી અને આસુરી સંપત્તિની નિવૃત્તિ માટે, તમે ભરચક કોશિશ કરી શકો છો. બધી જાતની આધ્યાત્મિક ઉન્નતિનો એ પાયો છે અને એ
પાયાને તમે વ્યવહારમાં રહીને બનતા પ્રમાણમાં મજબૂત બનાવી શકો છો. તમે નથી જોતા કે એ પાયો આજે હાલી ગયો છે ? વ્યવહારના લગભગ નાનાંમોટાં બધાં જ
ક્ષેત્રોમાં લાંચ, રુશ્વત, કૂડકપટ, કે અનીતિ પેસી ગઈ છે ને નીતિનું નામનિશાન પણ
જવલ્લે જ રહ્યું છે. લોકોમાંના કેટલાક તો ત્યાં સુધી માને છે કે અનીતિનું ધન કમાયા વિના જીવાય જ નહિ. ભેળસેળ ને દગાફટકા વધી પડ્યા છે ને એને
લીધે પણ આવા લોકો ઈશ્વરદર્શન ક્યાંથી કરી શકે ? તે જપ કરે, ધ્યાન ધરે, તીર્થ કરે, વાંચન કે સત્સંગનો લાભ લે, દાન દે, તો પણ તેમના વ્યવહારમાં કોઈ પણ પ્રકારનો
ફેર પડે જ નહિ, તો શું વળે ? એટલે વ્યક્તિગત ને સમષ્ટિગત જીવનને જો શાંતિમય કરવું હોય, તો સૌથી પહેલાં તો શુદ્ધિની દિશામાં આગળ વધો. એ પાયો જેટલો
મજબૂત હશે, તેટલું જ આગળનું બીજું કામ સહેલું બનશે. એ વસ્તુ
સૌથી અગત્યની છે છતાં એની તરફ લોકો ઓછામાં ઓછું ધ્યાન રાખે છે, પછી આત્મોન્નતિ ક્યાંથી થાય ? ઈશ્વરનો સાક્ષાત્કાર તો થાય જ ક્યાંથી ? જે સીડી છે, તેનો જ તમે અનાદર કરો છો, અને અગાશીમાં ચઢવાની સીધી જ કોશિશ કરો છો, એટલે જ એ કોશિશ કામિયાબ નથી નીવડતી.
પ્રશ્ન: વ્યવહારશુદ્ધિના
પ્રયાસની સાથે સાથે બીજું કાંઈ કરી શકાય ખરું ?
ઉત્તર: બીજું કેમ ન કરી શકાય ? બીજા સાધનોમાં નિયમિત જપ, ધ્યાન, પ્રાર્થના, કે સત્સંગ છે. એ સાધનોનો આધાર, હૃદયશુદ્ધિની ચીવટ સાથે નિત્યનિરંતર તથા
ખંત અને ઉત્સાહપૂર્વક લેવામાં આવે, તો આત્મોન્નતિમાં મદદ મળે છે.
પ્રશ્ન: એ સિવાયનું, વ્યવહારમાં રહીને કરવાનું કોઈ
બીજું સાધન ?
ઉત્તર: સેવાભાવ. જગતના બધા જ જીવોમાં ઈશ્વરની સત્તા રહેલી છે એમ માનીને, પોતાની શક્તિ, રુચિ, કે યોગ્યતાનુસાર, સૌને મદદરૂપ થવા માટે તત્પર રહેવાથી, પવિત્ર પ્રેમ વધે છે, હૃદય વિશાળ બને છે ને છેવટે શાંતિ મળે છે. સેવાભાવથી
કરાતાં સહજ કર્મની મદદથી બધા જીવોની સાથે એક પ્રકારની ઊંડી આત્મીયતાનો અનુભવ થાય છે. આત્મદર્શનની ભૂમિકા એથી સહેલી બને છે.
પ્રશ્ન: તો પછી કેટલાક લોકોએ
વ્યવહારનો ત્યાગ કરીને એકાંતનો આધાર શા માટે લીધો છે ?
ઉત્તર: એકાંતની વિશેષ રુચિને લીધે, અથવા તો પોતાના વિકાસને માટે એમને એકાંતવાસની
જરૂર જણાઈ એટલા માટે. પરંતુ એના પરથી કોઈએ એમ નથી સમજવાનું કે વ્યવહારમાં રહીને કશું થઈ જ ન શકે. દુનિયાના મોટા ભાગના લોકો વ્યવહારને છોડી ક્યાંય જઈ
શકે તેમજ નથી. વ્યવહારમાં રહીને જ એમણે આત્મોન્નતિનાં માર્ગે આગળ વધવાનું છે. આપણે એમને વિશ્વાસ આપીએ કે એ કામ થઈ શકે છે.
પ્રશ્ન: માણસ આત્મોન્નતિમાં
આગળ વધે છે એમ શા ઉપરથી જાણવું ?
ઉત્તર: તમે પોતે એ માર્ગે આગળ વધવાનો પ્રયાસ કરો છો ? જો કે તમે કેવળ ચર્ચાને ખાતર ચર્ચા નથી
કરતા, એ વાતથી એની પ્રતીતિ મળી રહે છે. એથી હું જ તમને પૂછું
કે તમને નીતિ કે સદાચારના મૂલ્યો માટે પ્રેમ થાય છે ? તે મૂલ્યોને બધે જ સ્થળે ને બધા જ
સંજોગોમાં વળગી રહેવાનું મન થાય છે ? ગીતામાં જેને દૈવી સંપત્તિ કહેવામાં આવે
છે, તે તમારામાં મૂર્ત થઈ છે ખરી ? અથવા તો તેને મૂર્ત કરવાની ભરચક કોશિશ તમે કરી રહ્યા છો ? ટૂંકમાં કહીએ તો, સદગુણોથી સંપન્ન એક આદર્શ મનુષ્ય થવાના સફળ પ્રયત્નો તમારા જીવનમાં થઈ રહ્યા છે ખરા ? જો એ બધા પ્રશ્નોનો ઉત્તર હામાં આવતો હોય, તો તમે નક્કી માનજો કે તમે આત્મોન્નતિની સાધનામાં
ઉત્તરોઉત્તર આગળ વધો છો. નહિ તો હજુ તમારે આગળ વધવાની
વાર છે એમ ચોક્કમ રીતે સમજી લેજો.
પ્રશ્ન: એટલે તમે આત્મોન્નતિની
સાધનાનું મૂલ્યાંકન દૈવી સંપત્તિના આધાર પર કરો છો ?
ઉત્તર: જરૂર. દૈવીસંપત્તિ, હૃદયશુદ્ધિ, કે સદગુણોની પ્રાપ્તિ, જે કહીએ તે એક જ છે અને એના વિના સાધનાની
ઈમારત અઘૂરી રહી જાય છે. બધી જાતની સાધનાનો એ મૂળ પાયો
છે, એ પાયા વગર આત્મોન્નતિ અધૂરી જ રહેવાની. સાધનાના ક્ષેત્રમાં જે નક્કર
વિકાસ થાય છે, તે એ મૂળભૂત પાયાને લીધે જ થાય છે. જેટલો એ પાયો વધારે
પ્રાણવાન, તેટલો જ વિકાસ પણ વધારે કીમતી અને ઊંડો હોય છે. સાધકનું લક્ષ એના
તરફ જેટલું પણ વધારે દોરાય એટલું ઓછું છે.
પ્રશ્ન: એ સિવાયની બીજી કોઈ
નિશાની છે ?
ઉત્તર: એક નહિ, પણ અનેક નિશાનીઓ અંતરંગ છે, અને એકમાત્ર તમે જ જાણી શકો છો. જ્યારે ધ્યાન કે જપ કરવા બેસો છો, કે કોઈ સ્તોત્રપાઠ કે પ્રાર્થના કરો છો, ત્યારે તમારા મનની દશા કેવી હોય છે ? તે વખતે મન ચંચલ બનીને, બહારના પદાર્થોમાં દોડાદોડ કરે છે ખરું ? જો તમે તમારી સાધનામાં આગળ વધ્યા જશો, તો તમારું મન વિક્ષેપરહિત બનીને, કોઈ મહામૂલ્યવાન મહોત્સવમાં શામેલ થતું હોય
તેમ, એક પ્રકારની ઊંડી શાંતિ, ઊંડી સહાનુભૂતિ, તથા તલ્લીનતામાં ડૂબી જશે. તમને અનેરો આનંદ થઈ રહેશે. એ
વખતે બીજા કોઈપણ બહારના વિચારો નહિ આવે; કોઈયે સંકલ્પ-વિકલ્પ નહિ ઊઠે; અને મન બીજે ક્યાંય પણ નહિ ભટકે. આવી અવસ્થાની
અનુભૂતિ તમારે માટે દરરોજની કે સહજ બની ગઈ હોય, તો નક્કી માનજો કે તમે સારી ભૂમિકા
પ્રાપ્ત કરી છે, નહિ તો હજુ વાર છે એમ માની લેજો.
પ્રશ્ન: વ્યવહારમાં રહીને
આત્મોન્નતિની સાધના કરી શકાય કે ન કરી શકાય ?
ઉત્તર: જરૂર કરી શકાય.
પ્રશ્ન: કેવી રીતે કરી શકાય ?
ઉત્તર: આત્મોન્નતિની સાધનામાં હૃદયશુદ્ધિનું મહત્વ ઘણું મોટું છે.
હૃદયશુદ્ધિને બીજા શબ્દોમાં દૈવી સંપત્તિની પ્રાપ્તિ અથવા તો નીતિ કે સદાચારનું પાલન કહી શકાય. વ્યવહારમાં રહીને હૃદયશુદ્ધિની દિશામાં આગળ વધવાના
અથવા તો નીતિ સદાચારને માર્ગે દૃઢતાપૂર્વક પગલાં ભરવાના, પ્રયાસ થઈ શકે છે. તે ઉપરાંત પરમાત્માના સાક્ષાત્કારને માટે, નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે નિયમિત સાધના
પણ કરી શકાય છે. વ્યવહાર એમાં કોઈ રીતે વચ્ચે નથી
આવતો. જે વચ્ચે આવે છે તે તો માણસનો પોતાનો પ્રમાદ, ચંચળ અથવા અસ્થિર સ્વભાવ, સંકલ્પબળ અને નિયમિતતાનો અભાવ, કે માનસિક નિર્બળતા હોય છે. એને ખંખેરી કાઢીને, આત્મશુદ્ધિ, આત્મોન્નતિ અને આત્મસાક્ષાત્કારની ભાવના સાથે આગળ વધવામાં આવે, તો વ્યવહારમાં રહીને પણ ઘણું ઘણું કરી શકાય. આજસુધી કેટલાંય માણસો
એ રીતે વિકાસ કરી શક્યા છે. બીજા કેટલાય કરી રહ્યા છે. અને તમે પણ કરી શકો છો.
પ્રશ્ન: પણ તમને એમ નથી લાગતું
કે વ્યવહારમાં રહીને આત્મોન્નતિની સાધના કરવામાં પાર વિનાની મુશ્કેલીઓ છે ?
ઉત્તર: મુશ્કેલી તો છે જ, અને આવવાની જ, પરંતુ એમનાથી હિંમત હારી ગયે કે ડગી ને
ડરી ગયે શું વળશે ? વ્યવહારમાં જ મુશ્કેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ? વત્તા કે ઓછા પ્રમાણમાં મુશ્કેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરિણામરૂપે, ઉત્પન્ન કરેલી હોય છે. એ મુશ્કેલીઓને પાર કરવાનો પ્રશ્ન તો
બધે જ ઊભો રહેવાનો. તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસ્તીની વચ્ચે, પણ એ સમસ્યા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ક્યાંય બીજે જઈ શકો તેમ છો ? તમારાં કર્તવ્યો, તમારી વ્યવહારિક ફરજો કે જવાબદારીઓને
છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ? એટલે જ્યાં છો ત્યાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે. એ જ રસ્તો બાકી રહે છે. એ રસ્તે
ચાલીને તમે જરૂર આગળ વધી શકશો. વ્યવહારમાં વસીને અલ્પિત અથવા અનાસક્ત રહેવાની કળા તમે પણ મેળવી શકો છો.
પ્રશ્ન: આત્મોન્નતિની સાધનામાં
કોઈ આગળ વધ્યું છે કે નહિ તે બીજાને કેવી રીતે જણાય ?
ઉત્તર: આકાશમાં સૂર્યોદય થાય છે તે કાંઈ છાનો રહે છે ખરો ? બધે પ્રકાશ પથરાઈ જાય છે. કમળ ખીલે છે, પંખી ઉડે છે. વૃક્ષ, વેલી ને વનસ્પતિ નવજીવન મેળવે છે, ને બધે જ શક્તિ તથા ચેતનાનો સંચાર થઈ જાય છે. સૂર્યનો પ્રકાશ કાંઈ છાનો નથી રહેતો, એવી રીતે આત્મોન્નતિની સાધનાનું પણ સમજી લેવાનું છે. એ સાધનામાં
જે આગળ વધે છે, તેની અંદર આમૂલ પરિવર્તન થઈ જાય છે.
પ્રશ્ન: આમૂલ પરિવર્તન એટલે ?
ઉત્તર: આમૂલ પરિવર્તન એટલે ધરમૂળનું પરિવર્તન અથવા તો સમૂળી ક્રાંતિ. મહાત્મા
પ્રીતમદાસના શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે, તેનાં નેણ ને વેણ બદલાય. એટલે કે આત્મોન્નતિનો સોનેરી સૂરજ જેના જીવનમાં ઊગી નીકળે છે, તેની દૃષ્ટિમાં ફેર પડી જાય છે. મતલબ કે એ દૃષ્ટિ અહંતા, મમતા, રાગદ્વેષ તથા ભેદભાવથી રહિત બની જાય છે. જગતમાં સઘળે એ પરમાત્માની ઝાંખી કરે અથવા તો ઝાંખી
કરવાનો પ્રયાસ કરે છે. જુદાં જુદાં નામ ને રૂપની અંદર ચૈતન્ય તત્વનો એ સાક્ષાત્કાર કરે છે અને એવા સાક્ષાત્કારને પરિણામે એ દૃષ્ટિ કેવળ
દૃષ્ટિ રહેવાને બદલે, સમદૃષ્ટિ બની જાય છે, તે સર્વત્ર સમદર્શન કરે છે. સમદર્શન એટલે સર્વત્ર સમાનરૂપે
રહેલા પરમાત્માનું દર્શન. દૃષ્ટિ એવી દૈવી અથવા
તો ચિન્મયી બની જાય, પછી વાણીનું તો કહેવું જ શું ? વાણી પણ મધુમય તથા સત્યપરાયણ કે મંગલ બની
જાય છે. એ વાણીમાં એક પ્રકારની અદ્દભૂત તાકાત હોય છે
બીજાના પર તે તરત અને ધારી અસર કરે છે. એટલે જ એને અમોઘ કહેવામાં આવે છે. અમોઘ એટલે કદી પણ નિષ્ફળ ના થાય તેવી. એને જ વચનસિદ્ધિ કહેવામાં આવે છે.
વાણીનું એ બળ ક્યાંથી આવે છે ? સાધનાજન્ય મૂલ્યવાન વિકાસમાંથી. એટલે જ પ્રીતમદાસ પોતાના પદમાં કહે છે કે, નેણ તો બદલાય છે, પરંતુ વેણ પણ બદલાય છે.
પ્રશ્ન: એનો અર્થ એવો છે કે
નેણ ને વેણ જ બદલાય છે ?
ઉત્તર: નેણ ને વેણ બદલાય છે એવું કહેવાનો ભાવ એટલો જ છે કે હૃદયશુદ્ધિ થાય છે, કે હૃદય બદલાય છે. હૃદયની શુદ્ધિ થાય એટલે એનો પડઘો જીવનમાં બધે જ પડે. બધી જ
ઈન્દ્રિયો, ક્રિયાઓ, ને બધી જાતના વિષયો એની અસર નીચે આવી જાય. હૃદયશુદ્ધિ વિના તો આગળની સાધના થાય જ નહિ. હૃદયશુદ્ધિ તો આત્મિક સાધનાનો મૂળભૂત પાયો
છે. નેણ ને વેણ બદલાય છે એમ કહીને, એ પાયાનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે.
પ્રશ્ન: એ સિવાય સાધનામાં કોઈ
આગળ વધ્યું છે કે નહિ એ જાણવામાં મદદરૂપ થનારી બીજી નિશાની છે ?
ઉત્તર: બહારની નિશાનીની વાત કરતા હો, તો તેમાં સૌથી મહત્વની નિશાની શાંતિની પ્રાપ્તિની છે. જેને
સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાને પરિણામે કાંઈક નક્કર વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેની બધી જાતની ચંચલતાનો અંત આવે છે. તેને એક પ્રકારની
ઊંડી શાંતિની પ્રાપ્તિ થાય છે. તે શાંતિના પરમાણુ તેના ચહેરા પર સહેલાઈથી જોઈ શકાય છે. એ શાંતિને લીધે એક જાતની સહજ પ્રસન્નતા પણ તેનામાં જોઈ શકાય
છે. શાંતિ અને પ્રસન્નતાનું રહસ્ય એ છે કે એ સ્વયંભૂ અથવા તો આત્માની અનુભૂતિને લીધે સહજ રીતે જ ઉદ્દભવેલી હોય છે એનો કદી નાશ નથી થતો, ગીતામાં જેને પ્રસાદમધિગચ્છતિ કહીને પ્રસાદરૂપે ઓળખવામાં આવ્યો છે, તે પ્રસાદ એ જ છે. એને પ્રસાદ કહો, પ્રસન્નતા કહો, કે પરમ શાંતિ કહો, બધું એક જ છે. નામ જુદાં પણ ભાવ એક છે.
પ્રશ્ન: એ ઉપરાંત બીજી કોઈ
નિશાની ?
ઉત્તર: આટલી નિશાનીઓ ઓછી છે ? છતાં કહેવું હોય તો કહી શકાય કે સાધનામાં આગળ વધતા કે
વધેલા માણસનું વર્તન કે ચારિત્ર્ય જ બદલાઈ જાય છે.
પ્રશ્ન : ઈશ્વરદર્શનને માટે સંસારત્યાગની જરૂર ખરી ? સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન
ન થાય, અને શુદ્ધ પ્રેમ રાખી શકાય, તો ઈશ્વરદર્શન થઈ શકે ?
ઉત્તર : ઈશ્વરદર્શનને માટે સંસારનો ત્યાગ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. કોઈને માટે
એવો ત્યાગ ઉપયોગી અથવા અનિવાર્ય હોય તો તે ભલે કરે. પરંતુ બધાએ એનું આલંબન લેવું જ જોઈએ એવું નથી સમજવાનું. ઈશ્વરદર્શનની ઉત્કટ ભૂખ લાગી હોય, એવી કોઈક વિરલ, અસાધારણ, આધ્યાત્મિક સંસ્કારથી સંપન્ન વ્યક્તિ, સંસારની પ્રવૃત્તિઓમાં મનને પરોવી જ ન શકે માટે, એ પ્રવૃત્તિઓને સહજ રીતે જ મૂકી દઈને એકાંતનો આધાર લે એ
સમજી શકાય એવું છે. એવા એકાંતસેવનથી સાધના પ્રત્યેની
અભિરુચિવાળા સાચા સાધકને લાભ પણ થાય છે. પરંતુ એવી યોગ્યતા બહુ જ ઓછા સાધકોમાં હોઈ શકે છે. એટલે ઈશ્વરદર્શનની અભિલાષાવાળા બધા જ માણસોને સંસારત્યાગની
જરૂર છે એવું ન કહી શકાય. સંસારની પ્રવૃત્તિઓ કરતાં કરતાં, અને વ્યવહારિક ફરજો બજાવતાં બજાવતાં જ, એવા પ્રયાસોને પરિણામે માણસ ઈશ્વરદર્શી બની
શકે છે. એ માટે કોઈ બાહ્ય ત્યાગની એટલી આવશ્યકતા નથી, જેટલી અંદરના ત્યાગની. સંસારમાં રહીને એવો
ત્યાગ કેળવી શકાય છે. તેવા ત્યાગને કેળવવામાં વૈરાગ્ય
ભારે મહત્વનો ભાગ ભજવે છે. વૈરાગ્યને કેળવ્યા વિના શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે ? વૈરાગ્ય નહિ હોય-અલબત્ત મનનો વૈરાગ્ય-તો પ્રેમને બદલે
મોહ જ પેદા કરશે. નિર્મમતાને ઠેકાણે આસક્તિ જ વધતી જશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમ કેવી રીતે આવી શકશે. વૈરાગ્યના પાયા વગર શુદ્ધ પ્રેમની
ઈમારત ચણી શકાતી નથી, ને તે વિના ઈશ્વરદર્શન પણ શક્ય નથી-કદાપિ નહિ.
પ્રશ્ન : વૈરાગ્યનો સાચો અર્થ
શું થાય તે સમજાવવા કૃપા કરશોજી.
ઉત્તર : વૈરાગ્યને લોકો જેમ માને છે તેમ, બહારના વેશપલટા કે દેખાવ સાથે એટલો સંબંધ
નથી, જેટલો મનની ભૂમિકા સાથે છે. વૈરાગ્ય એટલે સંસારના વિષયોમાંથી રાગનો
અભાવ. એ અભાવની સિદ્ધિ ક્યારે થાય તે જાણો છો ? વિવેકની જ્યોતિ જ્યારે હૃદયમાં સંપૂર્ણપણે
પ્રકાશી ઉઠે ત્યારે વિવેકની જાગૃતિ થતાં સમજાય છે કે સંસારના બધા જ પદાર્થો નાશવંત છે. એમના ઉપભોગથી કાયમી શાંતિ નથી મળતી. કાયમી
શાંતિ તો કેવળ પરમાત્માની પ્રાપ્તિથી જ મળી શકે છે. એવો જે દૃઢ નિશ્ચય, અને એને પરિણામે ચિત્તની અખંડ જાગૃતિ તથા સાંસારિક વિષયો પ્રત્યેની ઉપરામતા થાય એને
વૈરાગ્ય કહેવામાં આવે છે. મન જ્યારે પરમાત્માને જ ચાહતું, ઝંખતું, ને પરમાત્મામાં જ રસ લેતું થાય, ત્યારે વૈરાગ્યની પૂર્ણાહુતિ થાય છે.
પ્રશ્ન : મન પર સહેલાઈથી કાબૂ
મેળવવા માટે એકાંતવાસ લાભકારક ખરો ?
ઉત્તર : અવશ્ય લાભકારક છે. પરંતુ એ એકાંતવાસ જડ નહિ પરંતુ વિવેકપૂર્વકનો હોવો
જોઈએ. ધ્યેયની સિદ્ધિને માટે સાધનરૂપ હોવો જોઈએ તથા સાધનાથી સંયુક્ત થવો જોઈએ. એ દૃષ્ટિથી વધારે, ઓછા વખતને માટે એકાંતવાસ કરો તો મનને એકાગ્ર, સ્થિર, કે સંયમી કરવામાં જરૂર મદદ મળે. વ્યવહારમાં માણસની મોટા ભાગની શક્તિ અને માણસનો મોટા ભાગનો સંયમ, પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ કરવામાં જ
વપરાઈ જાય છે. જ્યારે એકાંત વાતાવરણમાં એ સમસ્યા ઉત્પન્ન જ નથી થતી. ત્યાં તો કેવળ ધ્યેયને માટે આદુ ખાઈને સાધના કરવાની જ રહે છે. પરિણામે કામ
સરળ બને છે. વરસોની સાધના પ્રમાણમાં બહુ જ ઓછા વખતમાં સિદ્ધ થઈ શકે છે. ત્યાં વાતાવરણની સામે ઝઝૂમવાનું છે જ નહિ. ત્યાં કામ, ક્રોધ, મદ, મત્સરના પ્રસંગો જ ઊભા નથી થતા. એટલે એમની સામે મોરચો માંડવાનો પ્રશ્ન જ
નથી રહેતો. એટલા જ માટે, જેમને થોડા વખતમાં આત્મોન્નતિની સાધનામાં કોઈ
નોંધપાત્ર સફળતા મેળવવી હોય, તેમણે થોડો વધારે વખત એકાંત સેવન કરતાં શીખવું
જોઈએ. એમ કરવાથી પણ મોટો લાભ થશે. મનને વશ કરવું કે જીતવું એકાંતમાં સહેલું થઈ પડે છે. અમુક પ્રકારની ધ્યાનાદિ સાધના તો એકાંત વિના થાય જ નહિ.
પ્રશ્ન : કોલાહલમય વાતાવરણમાં
કે વધુ પ્રવૃત્તિ કરતાં મન અસ્વસ્થ બને છે તેનું કારણ ?
ઉત્તર : તેનું કારણ અંદરનું છે. સાધનાની શરૂઆતની તથા વચગાળાની દશામાં એવું થાય કરે
છે. આ દશામાં મન હજુ સંપૂર્ણપણે વશ થયું નથી હોતું ને શાંતિને ઝંખતું હોય છે. એટલે અશાંત વાતાવરણ એના પર બહુ ભારે પ્રત્યાઘાત પાડનાર બને છે. જેમ
જેમ તે શાંત ને સ્થિર થતું જશે તેમ તેમ એ સમસ્યા ઉકલતી જશે.
પ્રશ્ન: ઈશ્વરદર્શન કે
આત્મસાક્ષાત્કારને સિદ્ધિ કે ચમત્કારોની સાથે કાંઈ સંબંધ ખરો ?
ઉત્તર: તમારો પ્રશ્ન મને બરાબર સમજાયો
નહીં. તમારે શું કહેવાનું કે, પૂછવાનું છે તે મને સ્પષ્ટ રીતે કહી શકશો ખરા ?
પ્રશ્ન: મારો પ્રશ્ન એ છે કે
જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર
થઈ જાય છે, તેની અંદર સિદ્ધિઓ કે ચમત્કારો કરી બતાવવાની શક્તિ આવે છે ખરી ?
ઉત્તર: ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર એજ મોટામાં મોટી સિદ્ધિ છે. એને તમે કોઈ
સાધારણ સિદ્ધિ ન સમજતા. કેટલાય વરસોના સતત પુરુષાર્થ પછી એ સર્વોત્તમ સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. એથી વિશેષ સિદ્ધિ બીજી કઈ છે ? છતાં પણ જો તમે બીજી સિદ્ધિઓ અને ચમત્કારો
કરી બતાવવાની શક્તિ સંબંધમાં પૂછતા હો, તો કહેવું જોઈએ કે જેને ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કાર થઈ જાય છે, તેની અંદર એવી શક્તિ કે સિદ્ધિ હોવી જ
જોઈએ અથવા હોય છે જ એવું નથી. એવી સિદ્ધિ કે
શક્તિ વિના એના આધ્યાત્મિક વિકાસમાં કશો જ અંતરાય નથી આવતો. જીવનની ધન્યતાનો આનંદ પણ એના વિના એ લૂંટી શકે છે અને જીવનની પૂર્ણતા પણ મેળવી લે છે.
કેટલાય ઈશ્વરદર્શી કે આત્મસાક્ષાત્કારી પુરુષોમાં બહારની સિદ્ધિઓ નથી દેખાતી, છતાં પણ તે પરમ શાંતિને પામી ચૂકેલા, આત્મતૃપ્ત ને મુક્ત હોય છે. સિદ્ધિઓ હોય તો કાંઈ ખોટું યે
નથી અને ના હોય તો નુકસાન પણ નથી. મારો કહેવાનો
આશય એટલો જ છે કે આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ પહોંચવા માટે, સિદ્ધિઓ કોઈ અનિવાર્ય અને સર્વસામાન્ય આવશ્યકતા નથી અને આત્મિક વિકાસની પરિપૂર્ણતાએ
પહોંચ્યા પછી પણ સિદ્ધિઓ એની નિશાનીરૂપ નથી બનતી.
પ્રશ્ન: ઈશ્વરદર્શન અથવા
આત્મસાક્ષાત્કાર વિના પણ કોઈને સિદ્ધિઓ મળી શકે ?
ઉત્તર: જરૂર મળી શકે. સિદ્ધિઓ મંત્રથી, તપથી, ઔષધથી, કોઈ મેલી વિદ્યાથી અને બીજી અનેક રીતે મળી
શકે છે. દરેક વખતે
તેનું ઉગમસ્થાન કે મૂળ
આધ્યાત્મિક જ હોય છે એવું નથી હોતું. કોઈ વાર આધ્યાત્મિક વિકાસને પરિણામે પણ એમની
પ્રાપ્તિ થાય છે. કોઈ સાધારણ લૌકિક સાધનાથી, મેલી વિદ્યાથી, કે આત્મિક સાધનાથી પણ. તે તમે પોતે જ્યાં
સુધી ન જાણો ત્યાં સુધી નક્કી ન કરી શકો અને એ
વિશે અભિપ્રાય પણ ના આપી શકો.
પ્રશ્ન: શાસ્ત્રોમાં સિદ્ધિઓથી દૂર
રહેવાનું કહ્યું છે તેનું કારણ ?
ઉત્તર: તેનું કારણ બીજું તો શું હોય ? માનવમનની નિર્બળતા તથા વિષયપરતા. એ બંને
જાતની કમજોરીને લીધે માણસને માટે સિદ્ધિઓમાં ફસાઈ જવાનો તથા વિષયલોલુપ થવાનો અને એવી રીતે સાધનાના વિકાસ ને સાચા માર્ગને ભૂલી જવાનો હંમેશા ભય રહે
છે. એ ભયનો વિચાર કરીને જ સાધકોની સલામતી માટે, એમને સિદ્ધિઓથી દૂર રહેવાનું અથવા તો
સિદ્ધિઓની લાલસા નહીં રાખવાનું કહેવામાં આવ્યું છે. જેમનું મનોબળ મજબૂત છે અને જે ભોગપરાયણ કે વિષયલોલુપ નથી તેમણે સિદ્ધિઓથી ડરવાનું
કારણ નથી. તેમને સિદ્ધિઓ મળશે તો પણ તે તેમનાથી બંધાશે કે અંજાશે નહીં અને પથચ્યુત પણ નહીં થાય. સિદ્ધિઓનો ઉપયોગ તે પોતાના ને બીજાના ભલા માટે જ
કરશે.
પ્રશ્ન: સિદ્ધિઓની પ્રાપ્તિને
માટે કોઈ વિશેષ પરિશ્રમ કરવો પડે છે કે એ આપોઆપ જ આવે છે ?
ઉત્તર: તપ અને મંત્રના અનુષ્ઠાન જેવો વિશેષ પરિશ્રમ કરવો પડે છે. અથવા તો બીજી
સાધના કરવી પડે છે. પરંતુ સાધનાના માર્ગમાં અમુક અંશે આગળ વધતાં હૃદયશુદ્ધિ સધાતાં, પરમાત્માને માટેના પરમ પ્રેમનો ઉદય થતાં, અથવા તો ઈશ્વરદર્શન થતાં કેટલીક સિદ્ધિઓ
વિકાસની નૂતન ભૂમિકાની પ્રાપ્તિને પરિણામે આપોઆપ અથવા
તો સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય છે. ફૂલની પાસે જવાથી જેમ સુવાસની, નદીની પાસે જવાથી નીરની, ને સૂરજની પાસે પહોંચવાથી પ્રકાશની પ્રાપ્તિ થાય છે તેમ. એટલે મારી તો સલાહ છે કે સિદ્ધિઓની પ્રાપ્તિને માટે વિશેષ પરિશ્રમ
કરવાને બદલે, બનતો બધો જ પરિશ્રમ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને માટે જ
કરવો. જેથી જીવનનું સાચા અર્થમાં કલ્યાણ કરી શકાય અને વિકાસના ક્રમમાં જે સિદ્ધિઓ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય, એમનો અનાદર ન કરવો, એમને અપનાવી લેવી. બાકી સિદ્ધિઓનો મોહ કે
અભરખો ન રાખવો. મોહ માત્ર ઈશ્વરનો જ જોઈએ.
પ્રશ્ન: કેવળ જ્ઞાનની મદદથી
માણસ મુક્ત કે પૂર્ણ બની શકે કે કેમ ?
ઉત્તર: એ પ્રશ્નનો ઉત્તર તમે જ્ઞાન કોને કહો છો તેના પર આધાર રાખે છે. જ્ઞાનનો
અર્થ જો તમે, બીજા હજારો લોકો કરે છે તેમ, પુસ્તકો દ્વારા મેળવેલું જ્ઞાન, અથવા તો ચિંતન, મનન કે વિચારણા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન કરતાં હો, તો એવા જ્ઞાનથી મુક્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. એથી ઉલટું
જ્ઞાનનો અર્થ તમે આત્માનું અનુભવસિદ્ધ જ્ઞાન એવો કરતાં હો, તો એની મદદથી માણસ મુક્ત ને પૂર્ણ બની શકે
છે.
પ્રશ્ન: એ વાતને બીજી રીતે કહી
શકશો ?
ઉત્તર: જ્ઞાન બે જાતનું છે. એક પરોક્ષ ને બીજું અપરોક્ષ. અથવા તો અનુભવસિદ્ધ અને
અનુભવ વગરનું. તેમાં જે અનુભવસિદ્ધ જ્ઞાન છે તે જ માણસને શાંતિ, મુક્તિ કે પૂર્ણતા આપી શકે છે. બીજું જ્ઞાન નહીં. તમે જોતા નથી કે જગતમાં પોથી-પંડિતો, વાકપટુતાવાળા વિદ્વાનો, કથાકારો તથા ઉપદેશકો ઘણા છે, છતાં તેમને શાંતિ નથી, કેમ કે જે જ્ઞાન તેમની જીભ પર કે કલમમાં દેખાય છે, તે તેમના જીવનમાં ઉતર્યું નથી. જ્ઞાન
જ્યારે જીવનમાં ઊતરી જાય છે અથવા તો આપણા અસ્તિત્વનું એક
અંગ બની જાય છે ત્યારે જ શાંતિ આપી શકે છે. એ ખાસ યાદ રાખવા જેવું છે.
પ્રશ્ન: શાસ્ત્રોએ કહ્યું છે કે, જ્ઞાન વિના મુક્તિ નથી, ઋતે જ્ઞાનાન્ત મુક્તિ: - તે શું એવા જ
જ્ઞાનને માટે કહ્યું છે ?
ઉત્તર: હા, એવા જ જ્ઞાનને માટે. શાસ્ત્રો કહે છે કે પરમાત્મા આપણી અંદર છે એવી
પુસ્તકિયા માહિતી મેળવીને બેસી નથી રહેવાનું, પરંતુ એ માહિતી મુજબ આગળ વધીને સાધનાના
પ્રદેશમાં પ્રવેશ કરવાનો છે. અને પરમાત્માનો સાક્ષાત્કાર કે પ્રત્યક્ષ પરિચય કરવાનો છે. જ્ઞાનનું કામ ત્યારે જ પૂરું થાય છે એટલે શાસ્ત્રો
સ્વાધ્યાય નહીં પરંતુ સ્વાનુભવ પર જ વધારે ભાર મૂકે છે. સ્વાધ્યાયમાંથી આગળ વધીને માણસે સાધના તથા તેની મદદથી મળતા સ્વાનુભવમાં પ્રવેશ કરવો જ
જોઈએ.
પ્રશ્ન: જ્ઞાનમાં કર્મની જરૂર
ખરી કે નહીં ?
ઉત્તર: મારી અત્યાર સુધીની વાતને જો તમે બરાબર સમજી ગયા હશો તો એ પ્રશ્ન રહેશે જ
નહીં. જ્ઞાન ને કર્મને છૂટાં પાડી શકાય તેમ છે જ નહીં. કર્મ વિના જ્ઞાનનું કામ ચાલી જ ના શકે. જ્ઞાનમાં જે સ્વાધ્યાય તથા ચિંતનમનની પ્રક્રિયા છે, તે કર્મના જ વિભાગરૂપે છે. એ ઉપરાંત, જ્ઞાનમાં જે સાધનાની આગળની પ્રક્રિયા છે તે પણ કર્મ જ છે.
કર્મ ને જ્ઞાનને એ રીતે ખૂબ જ ઘનિષ્ટ સંબંધ છે.
પ્રશ્ન: જ્ઞાનના માર્ગમાં સાધનાની કયી
આગળની પ્રક્રિયાની તમે વાત કરી રહ્યા છો ?
ઉત્તર: ધ્યાનની અને એ દ્વારા પ્રાપ્ત થતી સમાધિની. સમાધિ દશામાં જ્યારે મન તદ્દન
શાંત થઈ જાય છે, અને શરીરનું ભાન પણ ભુલાઈ જાય છે, ત્યારે પરમાત્માનો અપરોક્ષ અનુભવ કે
સાક્ષાત્કાર થાય છે. ત્યારે પરમાત્મા કે સ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થયું એમ કહી શકાય છે. એવા જ્ઞાનથી બધી જાતના બંધન છૂટી જાય છે, સંશય શમી જાય છે. એક પ્રકારની ઊંડી અવર્ણનીય શાંતિનો નિરંતર અનુભવ થાય છે, અને જીવન કૃતાર્થ થાય છે. એમ કહો કે માણસ સાચા અર્થમાં સ્વતંત્ર ને સુખી થાય
છે. એટલે જ્ઞાનનો સાચો સ્વાદ લેવા માટે જ્ઞાનને આચરણમાં ઉતારતાં શીખો; ધ્યાન, ધારણા, જપ, પ્રાર્થના ને સમાધિના અભ્યાસી બનો, અને તમારી અંદર ને બહાર બધે જ રહેલા
પરમાત્માનું દર્શન તલપાપડ બનો.
No comments:
Post a Comment