Saturday, 22 June 2024

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કેમ શ્રાપ આપ્યો હતો?

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કેમ શ્રાપ આપ્યો હતો?

 

 

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો તેની કથા જોઇએ..હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી.તેની નજીકમાં ગંગાજી વહેતાં હતાં.આ પરમ પવિત્ર સુંદર આશ્રમ નારદજીને રમણીય લાગ્યો.નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઇ ગયો.ભગવાનનું સ્મરણ કરતાં જ નારદજીને સમાધિ લાગી ગઇ.

 

 

નારદ મુનિની આ સ્થિતિ જોઇને દેવરાજ ઇન્દ્ર ડરી ગયા.ઇન્દ્રના મનમાં એવો ભય થયો કે દેવર્ષિ નારદ મારી અમરાવતી(ઇન્દ્રાસન) ઇચ્છે છે એટલે તેમને કામદેવને બોલાવીને નારદની સમાધિ ભંગ કરવા મોકલ્યા.જગતમાં જે કામી અને લોભી હોય છે તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે છે.જેમ મૂરખ કૂતરો સિંહને જોઇને સૂકું હાડકું લઇને નાસે અને તે મૂર્ખ એમ સમજે કે ક્યાંક તે હાડકાને સિંહ ઝુંટવી ના લે તેવી જ રીતે ઇન્દ્રને નારદજી મારૂં ઇન્દ્દાસન ઝુંટવી લેશે એમ વિચારતાં લાજ ના આવી.

 

 

કામદેવે પોતાની માયાથી વસંતઋતુ નિર્માણ કરી.કામાગ્નિને ભડકાવનાર શિતળ મંદ અને સુગંધી વાયુ વહેવા લાગ્યો.રંભા વગેરે દેવાંગનાઓ જે કામકળામાં પ્રવિણ હતી તે ગાવા લાગી પરંતુ કામદેવની કોઇ કળા નારદ મુનિ ઉપર કોઇ અસર ના કરી શકી.ત્યારે તે પાપી કામદેવ પોતાના નાશના ભયથી ડરી ગયા અને પોતાના સહાયકો સહિત હાર સ્વીકારી આર્તભાવે મુનિના ચરણ પકડી લીધા.

 

 

નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ના આવ્યો.તેમને પ્રિય વચનો કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. કામદેવે મુનિની પ્રસંશા કરી.ત્યારબાદ નારદજી ભગવાન શિવ પાસે ગયા.તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો.તેમને કામદેવના ચરીત્રો ભગવાન શિવને સંભળાવ્યા અને મહાદેવજીએ નારદજીને અત્યંત પ્રિય જાણીને શિખામણ આપી કે આ કથા તમે મને સંભળાવી છે તે ભગવાન શ્રીહરિને ક્યારેય ના સંભળાવશો.કદાચ ચર્ચા નીકળે તો આ વાતને છુપાવી રાખજો.શિવજીએ હિતની શિખામણ આપી પણ નારદજીને તે ઠીક ના લાગી.હરિની ઇચ્છા બળવાન છે તે સબંધી કૌતુક જોઇએ.પ્રભુ પરમાત્મા જે કરવા ઇચ્છે છે તે જ થાય છે એવો કોઇ નથી જે તેના વિરૂદ્ધ કંઇ કરી શકે.

 

 

એકવાર નારદજી હરિ ગુણ ગાતાં ગાતાં ક્ષીરસાગરે ગયા.ભગવાન ઉભા થઇને ઘણા આનંદથી તેમને મળ્યા અને નારદજી સાથે એક આસન ઉપર બેઠા.ચરાચરના સ્વામી ભગવાન ર્હંસીને કહે છે કે આપે ઘણા દિવસે દયા કરી ! ભગવાન શિવે ના પાડી હતી છતાં નારદજીએ કામદેવનું આખું ચરીત્ર ભગવાનને કહી સંભળાવ્યું.ભગવાનની માયા ઘણી જ પ્રબળ છે.જગતમાં એવું કોણ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી શકે ! ભગવાન ઉદાસીનતાથી કોમળ વચન બોલ્યા કે હે મુનિરાજ ! આપનું સ્મરણ જ કરવાથી બીજાના મોહ કામ મદ અને અભિમાન મટી જાય છે તો પછી આપના માટે તો કહેવું જ શું?

 

 

હે મુનિ ! મોહ તો એના મનમાં હોય છે જેના હ્રદયમાં જ્ઞાન-વૈરાગ્ય નથી.આપ તો બ્રહ્મચર્યવ્રતમાં તત્પર અને ઘણા ધીરબુદ્ધિ છો.આપને કામદેવ શું સતાવી શકે? નારદજીએ અભિમાન સાથે કહ્યું કે ભગવાન આ બધી આપણી કૃપા છે.ભગવાને વિચાર્યું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઇ ગયું છે તેને હું ઉખાડી નાખીશ કારણ કે સેવકનું હિત કરવું એ મારૂં પ્રણ છે.હું અવશ્ય તેનો ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ થાય અને મારો ખેલ થાય.

 

 

નારદજી ભગવાનને નમસ્કાર કરી ચાલ્યા ગયા.હરિમાયાએ માર્ગમાં સો યોજનનું એક નગર રચ્યું જે વૈકુંઠથી વધુ સુંદર હતું.આ નગરમાં શિલનિધિ નામે રાજા રહેતો હતો તેને વિશ્વમોહિની નામની રૂપમતી કન્યા હતી જેના રૂપને જોઇને લક્ષ્મીજી પણ મોહિત થાય.આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી.નારદજી આ નગરમાં જાય છે.રાજાએ મુનિની પૂજા કરી.રાજાએ રાજકુમારીને બોલાવી નારદજીને પુછ્યું કે આના સર્વે ગુણ-દોષ કહો.તેના રૂપને જોઇ મુનિ વૈરાગ્યને ભુલી ગયા અને મનોમન કહેવા લાગ્યા કે જે આને વરશે તે અમર થઇ જશે અને રણભૂમિમાં તેને કોઇ જીતી નહી શકે અને તમામ ચર-અચર જીવો તેમની સેવા કરશે.

 

 

નારદજી ત્યાંથી નીકળી ગયા પરંતુ વિચારે છે કે કયો ઉપાય કરૂં તો આ કન્યા મને વરે ! અંતે નક્કી કર્યું કે ભગવાન પાસે જઇ સુંદરતા માંગુ.નારદજીએ યાદ કર્યા અને પ્રભુ ત્યાં જ પ્રગટ થયા.નારદજીએ આર્ત ભાવે આખી કથા સંભળાવી અને પ્રાર્થના કરી કે આપ આપનું રૂપ મને આપો.હે નાથ ! જે રીતે મારું હિત થાય તેવું કરો.કરો.પોતાની માયાનું વિશાળ બળ જોઇ ભગવાન મનમાં હસીને બોલ્યા કે જે રીતે તમારૂં પરમ હિત થાય તેમ કરીશ.રોગથી વ્યાકૂળ રોગી કુપથ્ય માંગે તો વૈદ્ય આપતા નથી એમ કહી ભગવાન અંતર્ધાન થઇ ગયા.

 

 

માયાને વશીભૂત થયેલ મુનિ એવા મૂઢ થઇ ગયા કે ભગવાની સ્પષ્ટ વાણીને સમજી શક્યા નહી અને સ્વયંવરના સ્થાને પહોંચી જાય છે.તમામ રાજાઓ બની-ઠનીને આસનો ઉપર બેઠા હતા.મુનિ મનમાંને મનમાં પ્રસન્ન થઇ રહ્યા હતા કે મારૂં રૂપ ઘણું સુંદર છે,મને છોડીને કન્યા ભૂલથી પણ બીજાને નહી વરે. ભગવાને મુનિના કલ્યાણના માટે એવા કુરૂપ બનાવી દીધા કે જેનું વર્ણન થઇ શકતું નથી.સભામાં બધાએ એમને નારદજી સમજી પ્રણામ કર્યા.

 

 

સ્વયંવરમાં ભગવાન શિવના ગણ પણ હતા કે જેઓ બધો ભેદ જાણતા હતા તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરી લીલા નિહાળતાં ફરી રહ્યા હતા.આ બંન્ને ગણો નારદજીની બાજુમાં આવીને બેસી ગયા.તેઓ બ્રાહ્મણ વેશમાં હોવાથી તેમની આ ચાલને કોઇ જાણી શક્યું નહી.તેઓ નારદજીને વ્યંગ્ય વચનો કહેતા હતા કે તમારી શોભા જોઇને રાજકુમારી તમોને જ વરશે.

 

 

ફક્ત રાજકુમારીએ નારદજીનું વાંદરા જેવું મોં અને ભયંકર શરીર જોતાં જ હ્રદયમાં ક્રોધ ઉત્પન્ન થયો અને જે લાઇનમાં નારદજી બેઠા હતા તે તરફ જોયું પણ નહી તેથી નારદજી બેચેન થાય છે.તેમની દશા જોઇ શિવજીના ગણ મલકાય છે.ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઇ ત્યાં પહોચ્યા.હોચ્યા.રાજકુમારી હર્ષિત થઇ એમના ગળામાં વરમાળા પહેરાવી દીધી.

 

 

મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી હતી તેથી ઘણા જ વ્યાકુળ થાય છે ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું કે જરા દર્પણમાં મોઢું તો જુઓ ! આટલું કહી તેઓ ભયભીત થઇને નાસી જાય છે.મુનિએ જળમાં પોતાનું મોઢું જોયું તો તેમનો ક્રોધ ઘણો જ વધી ગયો.તેમને શિવજીના ગણોને ઘણો જ કઠોર શ્રાપ આપ્યો કે તમે બંન્ને કપટી અને પાપી રાક્ષસ બની જશો.મુનિએ ફરીથી જળમાં જોયું તો પોતાનું અસલી રૂપ પ્રાપ્ત થઇ ગયું હતું તો પણ તેમને સંતોષ ના થયો તેથી તે ભગવાન કમળાપતિને મળવા ચાલ્યા.

 

 

નારદજી મનમાં વિચારતા હતા કે ભગવાન પાસે જઇને શ્રાપ આપીશ કે પ્રાણ આપી દઇશ.ભગવાન શ્રીહરિ તેમને રસ્તામાં જ મળી જાય છે અને મધુરવાણીમાં કહે છે કે હે મુનિ ! વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતાં જ નારદજીને ઘણો ક્રોધ આવ્યો.માયાથી વશીભૂત થયેલા મુનિને ભાન રહેતું નથી. નારદજીએ કહ્યું કે તમે અન્યની સંપદા જોઇ શકતા નથી,તમારામાં ઇર્ષા અને કપટ છે,સમુદ્રમંથન વખતે તમે શિવજીને વિષપાન કરાવ્યું હતું અને તમે સુંદર લક્ષ્મી અને કૌસ્તુભ મણિ લઇ લીધાં હતાં.તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો.સદાય કપટપૂર્ણ વ્યવહાર કરો છો.છો.તમે પરમ સ્વતંત્ર છો.તમારા માથે તો કોઇ છે નહી એટલે જ્યારે જે મનને ગમે તે સ્વચ્છંદતાથી કરો છો.સારાને ખોટું અને ખોટાને સારૂં કરી નાખો છો. હ્રદયમાં હર્ષ વિષાદ કશું લાવતા નથી.બધાને છેતરીને છટકી ગયા છો અને અત્યંત નિડર થઇ ગયા છો. શુભ-અશુભ કર્મો તમોને વિઘ્ન કરતાં નથી.અત્યાર સુધી તમોને કોઇએ સીધા દોર કર્યા નથી,આ વખતે તમે મારા જેવા જોરાવરને છંછેડ્યો છે તેથી પોતાની કરણીનું ફળ પામશો.

 

 

મારો તમોને શ્રાપ છે કે જે શરીરને ધારણ કરીને તમે મને ઠગ્યો છે,તમારે પણ એ જ શરીર ધારણ કરવું પડશે.તમે મારૂં રૂપ વાંદરા જેવું બનાવી દીધું હતું તેથી વાંદરા જ તમારી સહાય કરશે.હું જે સ્ત્રીને ઇચ્છતો હતો તેનાથી મારો વિયોગ કરાવી તમે મારૂં મોટું અહિત કર્યું છે તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો.

 

 

નારદજીના શ્રાપને માથે ચઢાવી ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી તો ત્યાં ન લક્ષ્મી રહ્યાં કે ના રાજકુમારી ! નારદજી અત્યંત ભયભીત થઇને શ્રીહરિના પગ પકડીને કહ્યું કે પ્રભુ મારી રક્ષા કરો.મારો શ્રાપ મિથ્યા થાય.ત્યારે ભગવાને કહ્યું કે આ બધું મારી ઇચ્છાથી થયું છે.નારદજીએ કહ્યું કે મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યાં છે તે મારાં પાપ કેવી રીતે મટશે? ત્યારે ભગવાને કહ્યું કે તમે શંકર શતનામનો જાપ કરો તેથી અંતરમાં શાંતિ થશે.શિવજી સમાન મને કોઇ પ્રિય નથી.આ વિશ્વાસને ભૂલથી છોડશો નહી.હવે મારી માયા તમારી સમીપ આવશે નહી આમ સાંત્વના આપી ભગવાન અંતર્ધાન થઇ ગયા અને નારદજી શ્રીહરિના ગાન કરતાં કરતાં બ્રહ્મલોકમાં ગયા.

 

 

શિવજીના ગણોએ જ્યારે મોહરહિત તથા ઘણા પ્રસન્ન થઇને માર્ગમાં જતા જોયા ત્યારે અત્યંત ભયભીત થઇને નારદજી પાસે આવ્યા અને અને તેમના ચરણ પકડી દીન વચનો બોલ્યા કે અમે બ્રાહ્મણો નથી શિવજીના ગણો છીએ.અમે મોટો અપરાધ કર્યો છે જેનું ફળ અમોને મળી ગયું છે.હે કૃપાળુ ! હવે શ્રાપ દૂર કરવાની કૃપા કરો.

 

 

નારદજીએ કહ્યું કે શ્રાપ મળ્યો છે એટલે રાક્ષસ તો થવું પડશે પણ તમોને મહાન ઐશ્વર્ય-તેજ અને બળની પ્રાપ્તિ થશે.તમે પોતાના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન મનુષ્યનું શરીર ધારણ કરશે અને યુદ્ધમાં શ્રીહરિના હાથે તમારૂં મૃત્યુ થશે ત્યારે તમે મુક્ત થઇ જશો અને ફરીથી તમારો સંસારમાં જન્મ નહી થાય.બંન્ને ગણો મુનિને વંદન કરી ચાલ્યા ગયા અને કાળક્રમે રાવણ અને કુંભકરણ બને છે અને જે કારણથી જન્મ રહિત,નિર્ગુણ અને રૂપરહીત અવ્યક્ત સચ્ચિદાનંદઘન બ્રહ્મ અયોધ્યાપુરીના રાજા થયા અને તેમના હાથે મરીને ભગવાન શિવના ગણ બને છે.

 

 

જ્ઞાની મુનિ જેવા પણ ભગવાનની માયાથી મોહિત થઇ જાય છે.દેવતા,મનુષ્ય અને મુનિજનોમાં કોઇ એવા નથી જે ભગવાનની મહાન બળવતી માયાથી મોહિત ના થાય.મનમાં એવો વિચાર કરીને મહામાયાના સ્વામી ભગવાનનું ભજન કરવું જોઇએ..(રામચરીત માનસમાંથી સાભાર)

 

 

આલેખનઃ

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

sumi7875@gmail.com

 

No comments:

Post a Comment