Monday 10 June 2024

બોધકથા..કર્મની ગતિ ન્યારી છે.

 

બોધકથા..કર્મની ગતિ ન્યારી છે.

 

જેવી રીતે કર્મ જીવનનો સ્વભાવ છે તેવી જ રીતે કર્મફળનો ભોગ પણ જીવનની અનિવાર્યતા છે.મનુષ્ય જેવા પ્રકારના કર્મ કરે છે તેવું તેના ના ઇચ્છતા હોવા છતાં વહેલા-મોડું ભોગવવું જ પડે છે. જાણતાં-અજાણતાં મનુષ્યથી અનેક પાપ કર્મો થઇ જ જાય છે અને આ કર્મોના ફળસ્વરૂપ તેનું ફળ નક્કી થાય છે અને તેના દ્વારા કરવામાં આવેલ પાપ કર્મોના આધારે તેનો દંડ પણ નક્કી કરવામાં આવે છે.આ પાપ કર્મોથી બચવા માટે શાસ્ત્રોમાં જે વિધાન નક્કી કરવામાં આવ્યું છે તેને પ્રાયશ્ચિત કર્મ કહેવામાં આવે છે.દીનભાવથી પ્રભુચરણોમાં શરણાગતિ તથા પ્રભુ નામ સુમિરણનો આશ્રય લઇને ફરીથી આવા પાપ કર્મો નહી કરવાનો સંકલ્પ એ મનુષ્યનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે.

 

અમે અમારા કર્મોના લેન-દેનનો હિસાબ પુરો કરવા માટે આવીએ છીએ.સંસારમાં કોઇ માતા-પિતા અને પૂત્ર-પૂત્રી બનીને આવે છે તો કોઇ સગા-સબંધી બનીને આવે છે અને જેમ જેમ પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો થાય છે તેમ તેમ અમે એકબીજાથી જુદા પડી જઇએ છીએ અને પોત પોતાના રસ્તે ચાલ્યા જઇએ છીએ.આ દુનિયા એક ધર્મશાળા જેવી છે.જ્યાં તમામ મુસાફર રાત્રે ભેગા થાય છે અને સવાર પડતાં જ પોતાના ગંતવ્ય સ્થાને ચાલ્યા જાય છે.

 

એકવાર એક ધનિક શેઠ શિવ ભક્ત શિવાલયમાં દર્શન કરવા જાય છે.પોતાના પગમાં કિંમતી અને નવા બૂટ પહેરેલ હોવાથી તે વિચારે છે કે જો બૂટ બહાર કાઢીને જાઉં અને કોઇ તેને લઇ જાય તો ! આવા વિચારોથી મંદિરની અંદર મારૂં મન ભગવાનમાં નહી લાગે આમ વિચારીને તેમને મંદિરની બહાર બેઠેલ એક ભિખારીને કહે છે કે ભાઇ ! હું મંદિરમાં જઇ પૂજા કરીને બહાર આવું ત્યાં સુધી તમે મારા બૂટનું ધ્યાન રાખો. શેઠ મંદિરમાં પૂજા કરતાં કરતાં વિચારે છે કે ભગવાને મને આટલું બધું ધન આપ્યું છે તો હું બહાર જઇને ભિખારીને સો રૂપિયા આપીશ.

 

શેઠ બહાર આવીને જુવે છે તો નથી ભિખારી કે નથી તેમના બૂટ ! કોઇક કામે ભિખારી ક્યાંક ગયો હશે તેમ સમજી શેઠ થોડો સમય સુધી ભિખારીની રાહ જુવે છે.આખરે શેઠ દુઃખી મને ઉઘાડા પગે ઘેર જવા નીકળે છે ત્યારે રસ્તાની બાજુએ ફુટપાથ ઉપર બૂટ ચંપલ વેચતા એક ભાઇ પાસે તેઓ ચંપલ ખરીદવાના ઉદ્દેશ્યથી ઉભા રહે છે ત્યારે ત્યાં જુવે છે તો તેમના ચોરાયેલા બૂટ ત્યાં રાખેલા હતા.થોડી કડકાઇથી પુછતાં તે કહે છે કે એક ભિખારી આ બૂટને સો રૂપિયામાં વેચી ગયો છે.શેઠ મનોમન હંસે છે અને ઉઘાડા પગે જ ઘેર જતા રહે છે.તે દિવસે શેઠને તેમના પ્રશ્નનો જવાબ મળી જાય છે. સમાજમાં ક્યારેય એકરૂપતા આવી શકવાની નથી કારણ કે અમારા કર્મો ક્યારેય એકસમાન થઇ શકવાના નથી અને જે દિવસે આવું શક્ય બનશે તે દિવસે સમાજ-સંસારમાંથી વિષમતા સમાપ્ત થઇ જશે.

 

ઇશ્વરે તમામ મનુષ્યોના કર્મ દ્વારા ભાગ્ય લખેલું છે કે કોને ક્યારે અને શું મળવાનું છે પરંતુ એ નથી લખ્યું કે તે કેવી રીતે મળશે તે અમારા કર્મ નક્કી કરે છે.જેમકે ભિખારીને સો રૂપિયા આપવાનું શેઠે નક્કી કર્યું હતું પરંતુ કેવી રીતે મળશે તે ભિખારીએ નક્કી કર્યું.અમારા કર્મો જ અમારૂં ભાગ્ય, યશ-અપયશ, હાનિ-લાભ, જય-પરાજય, દુઃખ-શોક, લોક-પરલોક નક્કી કરે છે.અમે તેના માટે ઇશ્વરને દોષી ના કહી શકીએ.

 

કર્મની ગતિ ન્યારી છે તેના વિશે એક બોધકથા જોઇએ..એક અધિકારી સવાર-સવારમાં ઉતાવળમાં ઓફીસ જવા ઘરમાં બહાર નીકળ્યા અને જેવો કારનો દરવાજો ખોલીને કારમાં બેસવા જાય છે તે સમયે તેમનો પગ ગાડીની નીચે બેઠેલા કૂતરાની પૂંછડી ઉપર પડે છે.દર્દથી કણસતો કૂતરો ગુસ્સામાં તેમને બચકું ભરી લે છે.ગુસ્સામાં આવીને ઓફીસરે આસપાસ પડેલા ૧૦-૧૫ પત્થર લઇને કૂતરાને મારે છે પરંતુ સદનસીબે એક પણ પત્થર કૂતરાને વાગતો નથી અને કૂતરો ત્યાંથી ભાગી જાય છે.અધિકારી પોતાનો ઇલાજ કરાવીને ઓફીસ જાય છે કે જ્યાં તેમના તાબા હેઠળના મેનેજરોની બેઠક બોલાવી હતી.ઓફીસર કૂતરાનો ગુસ્સો પ્રબંધકોની ઉપર ઉતારે છે.આ પ્રબંધકો બહાર આવીને એકબીજાના ઉપર ગુસ્સો ઉતારે છે. હવે આખો દિવસ તેઓ પોતાના હાથ નીચે કામ કરતા લોકો ઉપર ગુસ્સો ઉતારે છે અને છેલ્લે તમામ પોતાનો ગુસ્સો ઓફીસના પટાવાળા ઉપર ઉતારે છે અને પટાવાળો બબડતો બબડતો ઘેર જાય છે.ઘેર પહોંચતાં તે દરવાજાની ઘંટી વગાડે છે અને તેની પત્ની દરવાજો ખોલે છે અને દરરોજની જેમ પુછે છે કે કેમ આજે ઓફીસથી આવતાં મોડું થયું? ત્યારે પટાવાળો ગુસ્સામાં કહે છે કે શું હું ઓફીસમાં આરામ કરવા જાઉં છું? ત્યાં કામ કરવું પડે છે.મારૂં મગજ ખરાબ ના કરીશ ! મારા માટે જમવાનું પિરસ..હવે ગુસ્સો કરવાનો વારો પત્નીનો હતો.રસોઇઘરમાં કામ કરતાં કરતાં તે પોતાનો ગુસ્સો પોતાના દિકરા ઉપર કાઢે છે અને તેને વિના કારણ બે-ત્રણ થપ્પડ મારી દે છે.હવે નાનકડો બાળક જાય તો ક્યાં જાય? તે રડતાં રડતાં ઘરની બહાર જાય છે અને હાથમાં એક પત્થર લે છે અને સામેથી આવતા કૂતરાને મારી દે છે.

 

સવારમાં ઓફીસરને કરડ્યો હતો તે જ આ કૂતરો હતો. અરે ભાઇ ! કૂતરાને કરડવાના બદલામાં પત્થર તો પડવાનો જ હતો ફક્ત સમયનો ફેર હતો અને શેઠના બદલે આ બાળકના હાથે માર ખાવાનો લખાયેલું હતું.તેનો કાર્મિક ચક્ર તો પુરૂ થવાનું જ હતું એટલે મિત્રો ! જો કોઇ આપને કરડે,ચોંટ પહોંચાડે કે નુકશાન પહોંચાડે અને આપ તેનું કંઇજ બગાડી શકો તેમ ના હો તો નિશ્ચિંત રહો.તેને કર્મના ફળના રૂપમાં નુકશાની તો ભોગવવી જ પડશે.હા,ક્યારે અને કોના હાથે તેને ફળ ભોગગવું પડશે તે તો ઉપરવાળો જ જાણે છે પરંતુ કર્મનું ફળ તો અવશ્ય ભોગવવું જ પડશે જ ! આ સૃષ્ટિનો નિયમ છે.

 

કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે તેના વિશે એક બોધકથા જોઇએ.

 

એક ગામમાં એક ખેડૂત રહેતા હતા,તેમના પરીવારમાં તેમની પત્ની અને એક પૂત્ર હતો.કેટલાક વર્ષો બાદ તેમની પત્નીનું અવસાન થાય છે તે સમયે પૂત્રની ઉંમર દશ વર્ષ હતી.પત્નીના મૃત્યુ પછી ખેડૂતે બીજા લગ્ન કર્યા અને બીજી પત્નીથી પણ એક પૂત્રરત્નની પ્રાપ્તિ થાય છે.કેટલાક સમય પછી બીજી પત્નીનું પણ મૃત્યુ થાય છે.ખેડૂતનો મોટો દિકરો ઉંમરલાયક થતાં તેનું લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતનું પણ મૃત્યુ થાય છે.ખેડૂતનો નાનો દિકરો તેના મોટાભાઇની સાથે રહેતો હતો તેની કેટલાક સમય બાદ ઓચિંતી તબિયત ખરાબ થવા લાગી.મોટાભાઇએ આસપાસના અનેક વૈદ્યો પાસે ઇલાજ કરાવ્યા છતાં કોઇ રાહત ના થઇ અને તેની સારવાર માટે ઘણો જ ખર્ચ થઇ ગયો.એક દિવસ મોટાભાઇએ તેમની પત્નીની સલાહ લીધી કે જો નાનાભાઇનું દેહાંત થાય તો તેના ઉપચાર માટે જે ખર્ચો થઇ રહ્યો છે તે બચી જાય અને મિલ્કતનો અડધો ભાગ પણ આપવો ના પડે ત્યારે પત્નીએ કહ્યું કે કોઇક વૈદ્યને ખાનગીમાં મળીને તેને ઝેર આપી દઇએ.મોટાભાઇએ પત્નીની સલાહ મુજબ વૈદ્યને મળીને નાનાભાઇને ઝેર આપી મારી નાખવામાં આવે છે.

 

મોટાભાઇ-ભાભીએ ખુશી મનાવી કેમકે તેમને તમામ મિલ્કત મળી જાય છે.કેટલાક મહિનાઓ પછી તેમના ઘેર પારણું બંધાય છે અને એક દિકરાનો જન્મ થાય છે.પતિ-પત્ની ખુશી મનાવે છે.ઘણા જ લાડ-પ્રેમથી દિકરાને મોટો કરે છે.કેટલાક વર્ષો પછી તેમનો દિકરો યુવાન થાય છે અને તેનું લગ્ન કરાવવામાં આવે છે.લગ્નના કેટલાક સમય બાદ તે બિમાર રહેવા લાગે છે.તેની સારવાર માટે અડધી મિલ્કત વેંચી દીધી તેમછતાં બાળકને આરામ થતો નથી અને તેનો મૃત્યુનો સમય નજીક આવી જાય છે.એક દિવસ તે ખાટલામાં સૂતો છે તેનો પિતા સામે બેઠા છે ત્યારે બાળક કહે છે કે ભાઇ ! આપણો હિસાબ પુરો થઇ ગયો છે.ફક્ત કફન અને લાકડાંનો હિસાબ બાકી છે તેની તૈયારી કરો.પૂત્રની આવી વાતો સાંભળીને પિતાએ વિચાર્યું કે બિમારીના કારણે તેની દિમાગની હાલત સારી નથી તેથી આવું બોલે છે.ત્યારે તે કહે છે કે હું તમારો એ જ ભાઇ છું જેને આપે ઝેર આપીને મારી નાખ્યો હતો.જે સંપત્તિની લાલચમાં મને મારી નાખ્યો હતો તે અડધી સંપત્તિ મારા સારવારમાં આપે ખર્ચ કરી દીધી છે ત્યારે પિતા માથું પછાડીને રડવા લાગે છે અને કહે છે કે મારા તો આખા કૂળનો નાશ થઇ ગયો.મેં જે કર્મ કર્યું તે જ સામે આવ્યું છે.

 

મોટાભાઇ કહે છે કે તારી પત્નીનો શું દોષ કે આ બિચારીને જીવતી સળગાવી દેવામાં આવશે? (તે સમયે સતીપ્રથા હતી જે અનુસાર પતિના મૃત્યુ પછી પત્ની તેના પતિની સાથે જ ચિત્તા ઉપર ચઢાવવામાં આવતી હતી.તે સમયે મૃત્યુ પથારીએથી યુવાન કહે છે કે પેલો વૈદ્ય ક્યાં છે? જેને તમારી પાસેથી પૈસા લઇને મને ઝેર આપ્યું હતું? ત્યારે મોટાભાઇ કહે છે કે તારા મૃત્યુના ત્રણ વર્ષ બાદ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે યુવાન અંતિમ શ્વાસ લેતાં કહે છે કે મારી પત્ની એ જ તે દુષ્ટ વૈદ્ય મારી પત્નીના રૂપમાં આવી છે હવે મારા મૃત્યુ પછી તેને પણ જીવતી સળગાવી દેજો.

 

અમારૂં જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે,તેની પાછળ અમારા પોતાના કર્મો હોય છે.અમે જેવું વાવીશું તેવું ફળ મળવાનું છે.કર્મ કરો તો ફળ આજ નહી તો કાલે મળવાનું છે,જેટલો કૂવો વધુ ઉંડો હોય છે તેટલું મીઠું પાણી મળે છે.જીવનના દરેક કઠિન પ્રશ્નોનું સમાધાન જીવનમાંથી જ મળે છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment