Saturday, 15 June 2024

કાશી વિશ્વનાથ જ્યોર્તિલિંગની કથા

 

કાશી વિશ્વનાથ જ્યોર્તિલિંગની કથા

પૃથ્વી ઉપર જે કંઇપણ વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે તે સચ્ચિદાનંદરૂપ નિર્વિકાર અને સનાતન બ્રહ્મરૂપ છે.પોતાના કૈવલ્ય અદ્રેતભાવમાં જ રમનારા એ અદ્વિતિય પરમાત્મામાં ક્યારેક એકથી બે થઇ જવાની ઇચ્છા જાગૃત થઇ પછી તે જ પરમાત્મા સગુણરૂપે પ્રગટ થઇને શિવ કહેવાયા.એ શિવ જ પુરૂષ અને સ્ત્રી શક્તિ કહેવાયા.આ ચિદાનંદસ્વરૂપ શિવ અને શક્તિએ સ્વંય અદ્રષ્ટ રહીને સ્વભાવથી જ બે ચેતન પ્રકૃતિ અને પુરૂષની સૃષ્ટિ કરી.એ બંન્ને માતાપિતાને એ સમયે સામે ના જોઇને એ બંન્ને પ્રકૃતિ અને પુરૂષ સંશયમાં પડી ગયા.એ સમયે નિર્ગુણ પરમાત્માથી આકાશવાણી થઇ કે તમારે બંન્નેએ તપસ્યા કરવી જોઇએ પછી જ તમારાથી સૃષ્ટિનો વિસ્તાર થશે.ત્યારે પ્રકૃતિ-પુરૂષે કહ્યું કે તપસ્યાના માટે તો કોઇ સ્થાન જ નથી તો અમે ક્યાં સ્થિત થઇને તપ કરીએ?

ત્યારે ભગવાન શિવે તેજના સારભૂત પાંચ કોસ લાંબા-પહોળા શુભ અને સુંદર નગરનું નિર્માણ કર્યું. જે એમનું પોતાનું જ સ્વરૂપ-નિજ સ્વરૂપ હતું.જે બધા જ ઉપકરણોથી યુક્ત હતું.પ્રકૃતિ-પુરૂષે સૃષ્ટિની કામનાથી ભગવાન શિવનું ઘણા વર્ષો સુધી તપ કર્યું.એ સમયે પરીશ્રમના લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઇ જેનાથી આખું શૂન્ય આકાશ વ્યાપ્ત થઇ ગયું.ત્યાં બીજું કશું જ નજર આવતું ન હોવાથી ભગવાન વિષ્ણુ મનમાંને મનમાં બોલ્યા કે આ કેવી અદભૂત રચના છે ! આમ કહી તેમને પોતાનું મસ્તક હલાવ્યું જેથી તેમના એક કાનનો મણિ નીચે પડી ગયો.જ્યાં આ મણિ પડ્યો તે સ્થાન મણિકર્ણિકા નામનું મહાન તીર્થ થઇ ગયું.

જ્યારે પૂર્વોક્ત જલરાશિમાં જ્યારે આખી પંચકોશી ડૂબવા લાગી ત્યારે નિર્ગુણ નિરાકાર ભગવાન શિવે તુરંત જ તેને પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કરી લીધી.પછી ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિ સાથે ત્યાં જ શયન કર્યું.તે સમયે તેમની નાભિમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા.તેમની ઉત્પત્તિમાં પણ ભગવાન શિવનો આદેશ જ કારણ હતું.ત્યારબાદ તેમને ભગવાન શિવની આજ્ઞા લઇને અદભૂત સૃષ્ટિનો આરંભ કર્યો.બ્રહ્માજીએ પચાસ કરોડ યોજનના વિસ્તારમાં ચૌદ ભુવન બનાવ્યા.ભગવાન શિવે વિચાર્યું કે બ્રહ્માંડની અંદર કર્મપાશથી બંધાયેલા જીવો મને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? આવું વિચારી તેમને મુક્તિદાયિની પંચકોશીને આ જગતમાં છોડી દીધી.

આ પંચકોશી કાશી લોકમાં કલ્યાણદાયિની, કર્મબંધનનો નાશ કરનારી, જ્ઞાનદાત્રી તથા મોક્ષને પ્રકાશિત કરનારી માનવામાં આવે છે.અહી સ્વયં પરમાત્માએ અવિમુક્ત લિંગની સ્થાપના કરી છે.બ્રહ્માજીનો એક દિવસ પુરો થતાં જ્યારે આખા જગતનો પ્રલય થાય છે ત્યારે પણ કાશીપુરીનો નાશ થતો નથી.તે સમયે ભગવાન શિવ એને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી લે છે અને બ્રહ્મા દ્વારા પુનઃ નવી સૃષ્ટિ કરવામાં આવે છે ત્યારે એને ફરીથી ભૂતળ ઉપર સ્થાપિત કરી દે છે.કર્મોનું કર્ષણ કરવાથી જ આ પુરીને કાશી કહે છે.

જે મારો ભક્ત તથા મારા તત્વનો જ્ઞાની હોય છે એ બંન્ને અવશ્ય મોક્ષના ભાગી હોય છે તેમના માટે તીર્થની અપેક્ષા હોતી નથી.વિહિત અને અવિહિત બંન્ને પ્રકારના કર્મ એમના માટે સમાન હોય છે,તેમને જીવનમુક્ત જ સમજવા જોઇએ.એ બંન્ને ગમે ત્યાં મૃત્યુ પામે તેમનો મોક્ષ થાય છે.અવિમુક્ત તીર્થની મહિમાનું વર્ણન કરતાં ભગવાન શિવ કહે છે કે તમામ વર્ણ અને આશ્રમોના લોકો ભલે બાળક યુવાન કે વૃદ્ધ કેમ ના હોય, જો કાશીપુરીમાં મરણ પામે તો મુક્ત થઇ જાય છે.જે મનુષ્ય મારા આ મોક્ષદાયક ક્ષેત્રમાં નિવાસ કરે છે તે ગમે તે રીતે મૃત્યુ પામે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.ધર્મનો સાર સત્ય છે, મોક્ષનો સાર સમતા છે તથા તમામ ક્ષેત્રો અને તીર્થોનો સાર આ અવિમુક્ત તીર્થ કાશી છે.

કાશી વિશ્વનાથ હિંદુ ધર્મનું પ્રસિદ્ધ મંદિર છે જે પવિત્ર ગંગાનદીના જમણા કાંઠે આવેલી વારાણસી ઉત્તરપ્રદેશમાં આવેલું છે.આ મંદિરનું નિર્માણ દેવીશ્રી અહિલ્યાબાઈ હોલકરજીએ ૧૭૮૬માં કરાવ્યું હતું. ભગવાન શિવના બધા શિવાલયોમાં સૌથી મોટું શિવલિંગ આ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે.કાશી વૈદિકકાળથી ચાલી આવતી નગરી છે.કાશી તેનું સૌથી પ્રાચીન નામ છે.'કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી.' એટલે કે જ્યાં બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ થાય તેને કાશી કહેવાય એટલે હિન્દુ ધર્મની માન્યતા છે કે કાશી શિવજીના ત્રિશૂળ ઉપર વસેલી છે.ત્રિશૂળ એટલે ઇડા-પિંગળા અને સુષુમ્ણા..આ ત્રણેય નાડીઓનો ભ્રૃકુટિમાં જે સંગમ થાય તેને કાશી કહેવાય.આ ભ્રૃકુટિમાં બ્રહ્મરંધ્ર આવેલું છે.સામાન્ય માન્યતા એવી છે કે આ બ્રહ્મરંધ્રમાં એટલે કે ભ્રૃકુટિમાં ધ્યાન લગાવીને જે ઉર્ધ્વરેતા થઇને પ્રાણ છોડે તેનો મોક્ષ થાય.કાલાંતરમાં કાશીની ચડતીપડતી આવી અને બૌદ્ધોનો પ્રભાવ વધ્યો એટલે કાશી વારાણસી બની.વારાણસી એટલે 'વરૂણા અને અસી બે નદીઓની વચ્ચેનો ગંગાકિનારે આવેલો ભાગ તે વારાણસી.' એ પછી અંગ્રેજોનો પ્રભાવ વધ્યો અને તેમણે વારાણસીનું બનારસ નામ આપ્યું.ત્યારબાદ આઝાદીનો કાળ આવ્યો અને આઝાદીના કાળમાં બનારસને વારાણસી નામ આપવામાં આવ્યું.આમ સમયાંતરે નામ બદલાતા રહ્યાં છે.

કાશી એટલી પાવન ભૂમિ છે કે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો એને સીધો મોક્ષ મળે છે.ગુજરાતીમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ ભાગ્યશાળીને મળે છે.વિશ્વની સૌથી પ્રાચીન નગરી એવી કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.પ્રત્યેક શ્રદ્ધાળુ હિન્દુ ચારધામનાં દર્શનો,કૈલાસ-માનસરોવરની યાત્રા અને કાશીમાં મરણ અને ત્યાર બાદ ગંગાજીમાં અસ્થિવિસર્જનની ભાવના રાખે છે.પ્રયાગ-કાશી અને ગયા..આ ત્રણ સ્થાનોની યાત્રા ત્રિસ્થલી યાત્રા તરીકે પ્રચલિત છે.પુરાણોના કથન અનુસાર ભગવાન મનુની ૧૧મી પેઢીમાં થયેલ રાજા કાશના નામ પરથી કાશી નામ પડ્યું છે. 

૧૯૫૬માં રાજ્ય સરકારે આ શહેરનું રાજકીય નામ વારાણસી જાહેર કર્યું હતું.બનાર નામના રાજાએ આ શહેરનો વિકાસ કર્યો હોવાથી તેને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.હાલ કાશી અથવા બનારસ નામ વધારે પ્રચલિત છે.કાશી એક શક્તિપીઠ પણ છે. ત્યાં ૫૧ શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ વિશાલાક્ષી શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટ પાસે આવેલું છે.

જીવે પોતાના દ્વારા કરેલા શુભાશુભ કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે.અશુભ કર્મોથી નરક, શુભ કર્મોથી સ્વર્ગ અને શુભ-અશુભ બંન્ને કર્મોથી મનુષ્ય યોનિની પ્રાપ્તિ થાય છે.જ્યારે શુભ-અશુભ બંન્ને કર્મોનો ક્ષય થઇ જાય છે ત્યારે જીવને સાચા મોક્ષની પ્રાપ્તિ થાય છે.તેનાં ક્રિયામાન અને સંચિત કર્મોનો નાશ થઇ જાય છે પરંતુ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના નષ્ટ થતું નથી.(શિવપુરાણ)

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

મણિકર્ણિકા નગરી જળધારાનાં પૂરમાં ડૂબવા લાગી ત્યારે નિર્ગુણ શિવજીએ પોતાના ત્રિશૂળ પર તેને ધરી રાખી એ જ કર્મ નાશી કાશી કહેવાઇ !

 

      આમ તો આ સકળ વિશ્વનું નિર્માણ કેમ થયું ?અને કોણે કર્યું!? એ રહસ્ય પરથી પડદો ઉઠ્યો નથી હાં શાસ્ત્રોક્ત માન્યતા મુજબ સૃષ્ટિનું સર્જન અને વિસર્જન શિવ શક્તિ દ્વારા થયું છે, અને વિસર્જન એટલે કે મૃત્યુ ના દેવ‌ તરીકે એને માનવામાં આવે છે. એટલે ભોગી અને સંસારી જીવ યુગો યુગોથી મૃત્યુ થઇ બચવા શિવને સ્વયંભૂ શિવલિંગ કે જ્યોતિર્લિંગનાં સ્વરૂપે ભજતો આવ્યો છે. ભારતમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે. અને દરેકનો પોતાના સ્થાન સાથેનો એક અલગ ઇતિહાસ અને અલગ મહિમા પણ છે. હિન્દુ સંસ્કૃતિમાં દરેક દેવનું મહત્વ છે. પરંતુ ભક્તોની માત્રા ખૂબ જ છે, અને એને કારણે ઠેરઠેર શિવાલય જોવા મળે છે, ભક્તોની શિવ પ્રત્યે અનન્ય આસ્થાનું એક કારણ મહાદેવ સ્વભાવે ભોળા હોવાનું પણ છે, તેને શરણે આવનારની તમામ સમસ્યાનું નિવારણ તે કરે છે. ભારતમાં સૌથી વધુ શિવાલયની સંખ્યા વારાણસી, એટલે કે કાશીમાં ગણવામાં આવે છે, અને કાશીને શિવ નગરી પણ કહેવામાં આવે છે, અને ભગવાન શિવ શંકર મોક્ષના દેવ હોવાથી તેને મોક્ષની નગરી પણ કહેવામાં આવે છે. કાશી વિશ્વનાથનું મંદિર એ સ્વયં શિવ દ્રારા સ્થાપિત જ્યોતિર્લિંગ તરીકે સ્વીકારાયું છે, તો આજે આપણે એના રસપ્રદ ઇતિહાસ વિશે વાત કરીશું.

 

        હિન્દુ ધર્મની પટનગરી હોય તેવી આ વારાણસી નગરી અહીં સ્થિત છે. કાશી વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ તેના સુવર્ણ મંડિત શીખરનું ઐશ્વર્ય અને કલાત્મક સ્થાપત્ય અન્ય મંદિર કરતાં વિશેષ છે , મંદિરની ભવ્યતા કાંઈ વિશેષ નથી કે નથી તેની પાસે વિશાળ પટાંગણ પણ એથીય કાંઈક સવિશેષ છે કે આ મંદિરને અદકેરૂ સ્થાન આપે છે,અને તે છે કાશી નગરીમાં તેનું સ્થાન, સ્વયં કાશી નગરી શિવજીએ પ્રસ્થાપિત કરી હતી, અને તે પણ અંતરિક્ષમાં, શિવપુરાણ પ્રમાણે સંસારનાં પ્રારંભે પુરૂષ અને પ્રકૃતિ માત્ર હતાં , અને તેઓને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરવા તપ કરવા જણાવવામાં આવ્યું તો પુરૂષ - પ્રકૃતિ એ શિવજી સમક્ષ તપ કરવા માટેનાં સ્થાનની માંગણી કરી,તો નિર્ગુણ શિવજીએ તેજના સારરૂપ પાંચગાઉના વિસ્તારવાળી, તથા સર્વ સંપન્ન એક નગરી બનાવી અંતરીક્ષ વચ્ચે સ્થાપિત કરી.પછી તેમાં પુરૂષ એટલે કે વિષ્ણુએ તપ ધ્યાન આદર્યું ,તો તેઓનાં ભવ્ય શરીરમાંથી પરિશ્રમનાં કારણે જળધારાઓ વહેવા લાગી જે જોઈ વિષ્ણુએ અહો આશ્ચર્યમ્ કહી પોતાનું મસ્તક ધુણાવ્યું એટલે પ્રભુનાં ફર્ણમાંથી એક મણિ તેમની આગળ પડ્યો્,તે જ સ્થાન આ મણિકર્ણિકા, નામે મોટું તીર્થધામ બન્યું . હવે આ મણિકર્ણિકા તથા પાંચગાઉનાં વિસ્તારની આ નગરી જળધારાનાં પૂરમાં ડૂબવા લાગી ત્યારે નિર્ગુણ શિવજીએ તરત જ પોતાના ત્રિશૂળ પર તેને ધરી રાખી.આ દરમ્યાન સ્વયં વિષ્ણુ તો પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યા શયન કરતાં રહ્યાં,ત્યારે શિવજીની આજ્ઞાથી તેમનાં નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા,અને આ બ્રહ્માજીએ શિવજીની આજ્ઞા વડે અદૂભૂત સૃષ્ટિની રચના કરી,અને આ પાંચ ગાઉની નગરીને સૃષ્ટિનાં ઋષિમુનિઓએ પચાસ કરોડ યોજનથી અધિક ગણી. શિવજીએ ત્યારબાદ વિચાર્યું કે હવે આ અખિલ સૃષ્ટિમાં હવે મને લોકો કેવી રીતે જાણશે ? તેમ વિચારી શિવજીએ આ નગરીને ત્રિશૂલધારથી છૂટી કરી.આ નગરીમૃત્યુ લોકમાં શુભ દાયક તથા કર્મનો નાશ કરનારી માનવામાં આવી અને જ્ઞાનની દાત્રી હોઈ મોક્ષનો પ્રકાશ ફેલાવનારી ગણવામાં આવી . તેથી જ તે કાશી ' નામે પ્રસિદ્ધ બની અને પૃથ્વીલોકમાં અવતરી . જ્યાં મૃત્યુ પામનાર વ્યક્તિમાં બ્રહ્મજ્ઞાન પ્રકાશિત થાય છે તે સ્થળ કાશી છે .

 

અહીં પરમાત્મા શિવે પોતે જ મારા અંશરૂપે જ્યોતિર્લિંગ આ ક્ષેત્ર તમારે કદિ છોડવાનું નથી, એમ કહી અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ અહીં સ્થાપ્યું ! અને શિવજીએ કહ્યું કે હે મુનિઓ , બ્રહ્માનો પ્રલંબ દિવસ સંપન્ન થાય તો પણ આ મારી કાશીનગરી નાશ પામતી નથી, અને જેઓની સદ્ગતિ ક્યાંય ન થાય તેવા મનુષ્યની પણ અહીં સદ્ગતિ થાય છે. આમ મોક્ષદાત્રી પવિત્ર કાશીનગરી સાક્ષાત વિશ્વનાથ મહાદેવની નગરી છે . જ્યાં સદાકાળ વિશ્વનાથ વાસ કરે છે અને સાક્ષાત જ્યોતિલિંગરૂપે અહીં બિરાજમાન છે . જે શિવભક્ત સાધ્વી અહલ્યા દેવી હોલકરે ઈ .૧૭૮૩ માં સોમનાથનું જે નવું મંદિર અર્થાત પરિમાર્જિત સ્વરૂપ આપ્યું એ જ અહલ્યા દેવી હોલકરે આજનું કાશી વિશ્વેશ્વર મંદિર ઈ.સ. ૧૭૭૭ માં બંધાવેલું . આમેય ભારત એટલે મંદિરો , નદીઓ , સાગર અને વૃક્ષોના ચૈતન્યને પ્રણામ કરવાવાળો દેશ છે , જે આ દેશના લોકોમાં સહિષ્ણુતાના સંપન્ન સંસ્કારો છે .તો આવા જ કારણે જ અને આમાં પણ બનારસી એટલે તો મંદિરોનું જ નગર છે, અહીં સ્વયં ગંગાએ ધનુષ આકાર બનાવે છે અને ગંગા જઈને સ્પર્શે તે પુણ્યભૂમિને કોણ ના સ્મરે ? આથી કાળાંતરે કોઈક દિવ્યદાસ નામના એક મહાન રાજાએ પણ આ પવિત્ર ક્ષેત્રનો વિસ્તાર કર્યો અને સમૃદ્ધિનો વૈભવ પણ એણે અત્યંત શુભ ભાવનાથી અભિવૃધ્ધ કર્યો,જ્યોતિર્લિંગની ઉદ્દભવનગરી કાશીને વારાણસી , અવિમુક્તક્ષેત્ર , આનંદકાનન , મહાસ્મશાન , રૂદ્રાવાસ , કાશીકા , તપસ્થતી , મુક્તભૂમિ , શિવપુરી , ત્રિપુરારીરાજનગરી , આમ દ્વાદશનામથી પણ પુરાણોમાં વર્ણવી છે .

 

કાશીમાં જે લિંગ છે તે અવિમુક્તશ્વર લિંગ તરીકે ખ્યાતનામ છે . કાશીમાં જ્યોતિલિંગના સ્થળે મંદિરો પણ થયા,કાશીની ઓજસ્વિતા તો વેદકાળથી જ ચાલી આવી છે . ખાસ કરીને મરાઠાઓ , જૈન અને બૌદ્ધ ધર્મીઓ એ કાશીના વૈભવને કેમ વધારે સમૃધ્ધિ મળે એ પ્રકારના સક્રિય શુભકાર્યો પણ થયા જ . આમાં સદકાર્યોમાં અંગ્રેજો પણ આવી જાય છે . જ્યારે કેવળ મુસ્લીમ શાસકો સદા જેમ મંદિર વિરોધી રહ્યા છે, તેમ પવિત્ર વારાણસી માટે પણ તેઓ ખંડિત વ્યવહાર જ કરતા રહ્યા. તેઓએ ઈ.સ .૧૮૩૩ થી ૧૬૬૯ સુધી લાગલગાટ ત્યાંના મંદિરોને તોડતા રહ્યાં, અને એને સ્થાને મસ્જિદ ઉભી કરતા રહ્યા . આમ છતાં વિશ્વેશ્વર ભગવાન શંકરની અસીમ કૃપા ક્યારેય ઓછી ન થઈ, અને હિન્દુઓની ભક્તિથી ત્યાં જ જ્યોર્તિલિંગ વધુને વધુ સ્થાઈ અને પવિત્ર સ્વરૂપ પકડતું રહ્યું.આ કાશી વિશ્વનાથ અર્થાત શ્રી વિશ્વેશ્વર જ્યોર્તિલિંગને વધુ શોભાયમાન કરવા મહારાજા રણજિતસિંહે મંદિરની ગુંબજ , ટોચને કેવળ સોનાથી જ અલંકૃત કરાવી આપ્યું, તેમજ એક જબરદસ્ત મોટો ઘંટ નેપાળના મહારાજાએ ભેટ આપ્યો . એક નહીં પણ ત્રણ ત્રણ વારાણસી , કાશી અને બનારસી નામથી સુશોભિત આ નગરીનું એક તીર્થસ્થળ તરીકે એટલું બધું મહત્વ રહ્યું છે કે આક્રમણખોર મુસ્લિમ વિદેશી માનવો દ્વારા તો શું પણ પ્રકૃતિના વિનાશ થપ્પડોમાં પણ આને આજ સુધી આંચ નથી આવી . કહેવાય છે કે સ્વયં દંડાપિ તથા કાળ ભૈરવની અમી રક્ષાથી આ નગરી સુરક્ષિત રહી શકી છે . નારદ પુરાણમાં વારાણસી પરત્વે કહેવાયું છે કે વારાણસી તુ ભવનત્રસારભુતા , રમ્યા તૃણા સુગત્રિદાકિલ સેવ્યમાના પાપયે વિરજસ : સુપન પ્રકાશા, આમ આ વિશ્વેશ્વરનું જ્યોર્તિલિંગ સંસારનું સૌથી વિશેષ શ્રધ્ધાળુ સ્થાન ગણાવાયું છે , જ્યાં ગંગાનું જળ ધરતીનું અમૃત કહેવાયું છે . વળી મોક્ષ માટે કાશીનું મરણ પણ અંતિમ સંસ્કારનું સ્થળ કહેવાયું છે . તેમજ બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ દ્વારા નિર્માણ પામેલી આ નગરી એટલી બધી પુણ્યશાળી કહેવાઈ છે કે, આ કાશી નગરીમાં સ્વયં દેવતાઓએ પણ મરણની ઈચ્છા વ્યક્ત કરી છે.આવું ઈચ્છવું અત્યંત સ્વાભાવિક છે કે, જ્યાં સ્વયં બ્રહ્માજીએ શિવજીની આજ્ઞાથી આવી અદ્ભત નગરી બનાવી હોય તેમજ પ્રત્યેકને પોતપોતાના કર્મોથી બંધાયે છે જ

 

    પ્રત્યેકને પોત પોતાના કર્મોથી બંધાયેલા જીવોના શ્રેયાર્થે મુક્તિ અપાવવા માટે જ્યોર્તિલિંગની જાતે જ સ્થાપના કરી હોય, પછી એની ભવ્યતા કેમ ના હોય ! આથી કાશીમાં અવિમુક્તશ્વર લિંગ સ્થાઈ સ્વરૂપે સ્થાપિત કહ્યું છે . જ્યાં ભગવાન શંકર સાથે પાર્વતીજી પણ સાથે વાસ કરે જ છે . કદાચ આવા જ બધા કારણોસર કાશી નગરી, ત્યારે ને આજે પણ તપ , સાધના , આવાસ , નિવાસ , વિદ્યા , જ્ઞાન , સંપન્નતા તથા મોક્ષ માટેની ઉત્તમ સ્થળ અર્થાત મુક્તશ્વરી નગરી પણ કહેવાઈ છે .ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.

 

ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

No comments:

Post a Comment