ઘેલા સોમનાથ
ઘેલા સોમનાથનું મંદિર પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ રમણીય છે અને
સોમનાથના જ્યોતિર્લિંગની જેમ જ અતિ પ્રાચીન અને રસપ્રદ ઇતિહાસ ધરાવતું મંદિર
છે.ભારતીય પ્રજા જન્મથી જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે, અને આજે તો દુનિયાના લગભગ બધા દેશમાં
હિંદુ પ્રજા વસે છે.દરેકને શ્રાવણ મહિનો અને નવરાત્રી આ બે તહેવારમાં પોતાના દેશની
સૌથી વધુ યાદ આવે છે.
ઘેલા સોમનાથનું મંદિર રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં
આવેલું છે.જસદણથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે નદીના કિનારે આવેલું ઘેલા સોમનાથનું
મંદિર પ્રાકૃતિક રીતે પણ ખૂબ જ રમણીય છે અને સોમનાથના જ્યોતિર્લિંગની જેમ જ અતિ
પ્રાચીન અને રસપ્રદ ઇતિહાસ ધરાવતું મંદિર છે. ઇતિહાસવિદોના જણાવ્યા અનુસાર આશરે ૧૫મી
સદીમાં એટલે કે ૧૪૫૭માં આ મંદિરનું નિર્માણ થયું હશે.
ઉન્મત ગંગા એટલે કે ધેલો નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો
ઇતિહાસ છે.જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન
ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નવઘણનું શાસન હતું.ચંદ્રએ પણ જેની આરાધના
કરી હતી તેવા સોમનાથ પર રા'નવઘણની પુત્રી મીનળદેવીને અનન્ય
શ્રદ્ધાને ભક્તિભાવ હતો.પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હીરણ નદીને કાંઠે
રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પૂજા કરતી હતી.
અલાઉદીન ખિલજીના સરદારના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો
જીર્ણોધાર થયો હતો.મંદીરે તેની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી.તેવા સમયે
ઝફરખાને મંદીરની કિર્તી સાંભળી અને તેના મનમાં પણ સોમનાથ મંદીર ઉપર ચડાઈ કરવાની
ઈચ્છા થઈ.જુનાગઢના રા' નવઘણને આ
વાતની પોતાના ગુપ્તચરો મારફત જાણ થઈ તેમજ સુબા ઝફરખાનની દીકરી મીનળદેવી સાથે મળેલી
હોવાથી તેણે પોતાના અબ્બાની મેલી મુરાદ વિશે મીનળદેવીને જાણ કરી.મીનળદેવી ઘેલા નામના વાણીયા સાથે સોમનાથનું શિવલિંગ પાલખીમાં લઈને ત્યાંથી
નીકળી ગયા.આ ઉપરાંત કહેવાય છે કે મીનળદેવીને પણ ભગવાન શંકરે
સ્વપ્નમાં આવી અને પોતાનું શિવલિંગ પાલખીમાં લઈ જવાની સુચના આપી હતી. રા'નવઘણે પણ સોમનાથના રક્ષણ માટે ક્ષત્રિયને આહવાન આપ્યું.ઝફરખાન સામેનાં એ
ઇતિહાસ પ્રસિધ્ધ યુધ્ધમાં ક્ષત્રિય અને શુરવીર યોધ્ધાઓએ અપ્રતિમ શૌર્ય દાખવી
શિવલીંગની રક્ષા કરી. એ સૌમાં શિરમોર રહ્યા, અરઠીલાના હમીરજી
ગોહિલ, સૌરાષ્ટ્રની રોળાઈ ગયેલી રાજપુતીને તેમણે નવું જોમ
આપ્યુ. તે સમયે દેવળના પ્રાંગણમાં છેલ્લું યુધ્ધ ખેલાઈ રહ્યુ છે, સોમૈયાના એક એક રખવાળ જીવતી દિવાલ બનીને ઝફરખાનના સૈન્ય સામે અડીખમ ઊભા છે
પણ ઝાઝા બળ સામે રાજપુતો વઢાતા જાય છે. બચવાની કોઈ આશા ન રહી, ત્યારે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી
કર્યુ. પાલખીમાં તેને પધરાવી સાથે મીનળદેવીને બેસાડી સોમનાથના મંદીર સામે છેલ્લી
નજર કરી સૌ ચાલી નીકળ્યા.
આમ ચાલતા ચાલતા પાંચાળ પ્રદેશમાં પાલખી આવી પહોંચી. ઘેલા
સોમનાથ જે સ્થળે આજે ઊભું છે તે અનુકુળ જણાતા ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા
આવી. સોમનાથમાં ઝફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના બીજે થયાની અને
મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ. સૌનિકોએ હલ્લો કર્યો પણ સંગઠીત બળ
સામે ન ફાવ્યા અને પાછા હઠવું પડયું. ત્યારબાદ ઝફરખાન પોતે શિવલિંગને ખંડિત કરવાના
ઇરાદાથી આવે છે અને શિવલિંગ ઉપર તલવારનો ઘા કરી અને તેને ખંડિત કરવાના ઇરાદાથી
જેવી તલવાર ઉગામે છે એ ભેગા જ શિવલિંગમાંથી અસંખ્ય ભ્રમર નીકળે છે અને તે ઝફરખાન
અને તેના સૈન્યનો ખાત્મો કરી દે છે. મીનળદેવીને પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર
પડી એટલે આબરૂહીન થઈ જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ઘેલા સોમનાથ સામેની ટેકરી
ઉપર ચડી જઈ ત્યાં સમાધિ લીધી. સોમનાથમાંથી લિંગ લાવ્યા હોવાથી સોમનાથ નામ તો સમજાય
પણ ઘેલો નામનો જે વાણિયો મીનળદેવીની રક્ષા કાજે પાલખી સાથે આવ્યો હતો તે સૈન્ય
સામે લડતા લડતા ઘવાયો અને તેનું મસ્તક કપાઈ ગયું છતાં મસ્તક વગરના ધડએ પણ સૈન્ય
સાથે સાત દિવસ સુધી લડાઇ કરી હતી અને આમ ઘેલો નામના વાણિયાએ આ સોમનાથના શિવલિંગને
બચાવવા પ્રાણ આપી દીધા હતાં તેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખી તેને યાદ
કરવામાં આવે છે અને નદીનું નામ પણ ત્યારબાદ ઘેલો નદી રાખવામાં આવ્યું છે અથવા તો
ઘેલો નદીનાં નામે ઓળખાય છે.
આમ સોમનાથ મંદિરથી લાવીને આ શિવલીંગની સ્થાપના થઈ છે જેનો
ઇતિહાસ સાક્ષી પુરે છે. જેમાં ઘણા ક્ષત્રિય શુરવીરોની બલીદાનની ગાથા વણાયેલી છે.
આજે પણ સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાની દેરી આવેલી છે. મંદીરના દર્શને આવનાર
યાત્રિકો દેરીને પણ જુહારે છે. મંદિરમાં જ્યારે પણ આરતી થાય ત્યારે આરતીનું
ધૂપેલ્યુ સામેની ટેકરી તરફ ન કરવાથી એ દિવસની આરતી વ્યર્થ જાય છે કારણકે
મીનળદેવીને લીધે જ આ શિવલિંગ સલામત રહી શક્યું એવી એક માન્યતા પણ આની સાથે
જોડાયેલી છે, અને ભગવાન
જેટલું જ મીનળદેવીને પણ મહત્વ આપવામાં આવે છે.
આ મંદિર આશરે ૧૪૫૭ની સાલમાં નિર્માણ પામ્યું પછી તેનો
જીર્ણોદ્ધાર પણ થયો લોકશાહી પહેલા જસદણના નામદાર સાહેબ આ મંદિરનો વહીવટ કરતા અને
આજે રાજકોટ કલેકટર કચેરી દ્વારા આ મંદિરનો વહીવટ કરવામાં આવે છે. આ મંદિરમાં
દર્શનાર્થે આવેલા આ યાત્રાળુઓ માટે ઉતારા માટે કોટેજની વ્યવસ્થા કરવામાં આવી છે
તેમજ બંને ટાઈમ પાંચ હજાર લોકોનું અન્નક્ષેત્ર પણ ચાલે છે. મંદિરના ગર્ભગૃહમાં
શિવલિંગની પ્રત્યક્ષ પૂજા કરવા માટે ધોતી અને રેશમી સાડી ફરજિયાત છે. શિવલિંગ પર
જળાભિષેક કરવા માટે શુદ્ધ પાણી અને અન્ય સામગ્રીઓ રાખવામાં આવે છે. ગુજરાત ભરમાંથી
ઘણા યાત્રાળુઓ આ મંદિરના દર્શનાર્થે આવે છે એમાં પણ શ્રાવણ મહિનામાં તો અહીં
યાત્રાળુઓની ભીડ જોવા મળે છે. શ્રાવણિયા સોમવારે તેમજ ભાદરવી અમાસને દિવસે નાનકડા
મેળા જેવું વાતાવરણ થઇ જાય છે. કુદરતી સૌંદર્ય તો હતું જ, આ ઉપરાંત સરકારે પણ તેને વધુ સુંદર
બનાવ્યું છે. ચોમાસામાં તો આ મંદિરની શોભા અનેરી હોય છે ટેકરી આખી લીલીછમ હરિયાળા
ઘાસથી છવાયેલી હોય છે, અને ઘેલો નદીમાં પણ પુષ્કળ પાણી હોય
છે. આમ સૌરાષ્ટ્રના પાંચાળ વિસ્તારનું આ ઘેલા સોમનાથનું મંદિર, એક અનન્ય ઇતિહાસ અને એક અનન્ય મહત્વ ધરાવતું મંદિર છે, કારણકે રાજપુત એટલેકે ક્ષત્રીય માતો લડવાની તાકાત હોય તે સમજી શકાય,
પણ ઘેલો નામના વાણિયાએ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના ભાવથી સાત દિવસ
મસ્તક વગર યુદ્ધમાં ઝઝુંમતા રહી બલિદાન આપ્યું, એ નોંધનીય
છે.
આમ તો રોડ માર્ગેથી સરળ પડતા આ મંદિરની મુલાકાત લેવા બસ
કે મોટર વગેરેનો ઉપયોગ થાય છે તેમજ રાજકોટ એરપોર્ટ પરથી કે રાજકોટ રેલ્વે સ્ટેશન
સુધી આવી પછી બાય રોડ આ મંદિરના દર્શન થઈ શકે છે અને કુદરતના સૌંદર્યને માણવા માટે
રહેઠાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે એક બહુ જ સારી વાત છે. મહાદેવ તો શંકર છે જ એવા છે જે સૌને ઘેલા બનાવી
દે અને એમાં પણ શ્રાવણ એટલે પછી કહેવું જ શું તો મંદિર ગમે તે હોય અને સ્થળ ગમે તે
હોય આપણે તો ફક્ત તેનું સ્મરણ કરીએ એટલે બધું જ આવી જાય.
ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
No comments:
Post a Comment