Monday, 10 June 2024

બોધકથા..આત્મ-શાંતિ તથા સંતોષ જ જીવનનું રહસ્ય છે.

 

બોધકથા..આત્મ-શાંતિ તથા સંતોષ જ જીવનનું રહસ્ય છે.

 

એક મહાન સંત હતા કે જેઓ પોતાનો એક આશ્રમ બનાવવા ઇચ્છતા હતા અને તેના માટે તેઓ અનેક લોકો સાથે મુલાકાત કરતા હતા અને તેના માટે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું.આ યાત્રા દરમ્યાન તેમની મુલાકાત એક સાધારણ લાગતી વિદુષી(વિદ્વાન) સ્ત્રી સાથે થાય છે.વિદુષીએ તેમનું સ્વાગત કર્યું અને સંતને થોડો સમય માટે પોતાની કુટીયામાં આરામ કરવા વિનંતી કરી.તેના મીઠા વ્યવહારથી પ્રસન્ન થઇને સંતે તેના આગ્રહનો સ્વીકાર કર્યો.

વિદુષી પોતાના હાથથી સ્વાદિષ્ટ ભોજન બનાવીને સંતને જમાડે છે અને ત્યારબાદ તેમના આરામ માટે એક ખાટલા ઉપર ગાદલું પાથરી પોતે જમીન ઉપર ચાદર પાથરી સૂઇ જાય છે.વિદુષીને તો તુરંત ઉંઘ આવી જાય છે.તેના ચહેરાના હાવભાવથી ખબર પડતી હતી કે વિદુષી ચૈનથી સુખદ ઉંઘ લઇ રહી હતી.બીજી તરફ સંતને ખાટલામાં મખમલ જેવા મુલાયમ ગાદલામાં પણ ઉંઘ આવતી નહોતી.સંત સમગ્ર રાત્રિ દરમ્યાન આ વિદુષીના વિશે વિચારે છે કે આવી કઠોર ધરતી ઉપર ફક્ત ચાદર પાથરીને તેના ઉપર સૂઇ રહી છે તેમછતાં કેટલી આરામથી ઉંઘી રહી છે.

બીજા દિવસે સવારે સંત વિદુષીને પુછે છે કે તમે આવી કઠોર ધરતી ઉપર કેવી રીતે આરામથી ઉંઘી શક્યા હતા? ત્યારે વિદુષીએ સરળતાથી જવાબ આપ્યો કે હે ગુરૂદેવ..મારા માટે આ મારી નાનકડી ઝુંપડી એક મહેલ સમાન છે તેમાં મારા શ્રમની સુગંધ મહેંકે છે.જો મને એક ટાઇમ જ ભોજન મળે તો પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.સમગ્ર દિવસ દરમ્યાન કામકાજથી થાકીને જ્યારે હું જમીન ઉપર સૂઇ જાઉં છું ત્યારે મને ર્માં ના ખોળાનો આત્મીય અનુભવ થાય છે.હું દિવસ દરમ્યાન મારા સત્કર્મોનો વિચાર કરીને પ્રભુ પરમાત્માના નામ સુમિરણ કરીની આરામથી સુખ-ચૈનથી ઉંધ લઉં છું.મને એવો અહેસાસ પણ નથી થતો કે હું કઠોર ભૂમિ ઉપર સૂઇ રહી છું.

આ સાંભળીને સંત જ્યારે વિદાય થાય છે ત્યારે વિદુષી પુછે છે કે હે ગુરૂદેવ..શું આપના આશ્રમના નિર્માણના માટે ધન એકત્રિક કરવા હું આપની સાથે આવી શકું? ત્યારે સંતે વિનમ્રતાથી જવાબ આપ્યો કે બાલિકા..આજે તમે મને જે જ્ઞાન આપ્યું છે તેનાથી મને ખબર પડી ગઇ છે કે ચિત્તનું સાચું સુખ ક્યાં છે? હવે મારે કોઇ આશ્રમ બનાવવાની ઇચ્છા નથી.આમ કહીને સંત પરત પોતાના દેશમાં ચાલ્યા જાય છે અને ભેગું કરેલું તમામ ધન ગરીબોમાં વહેંચી દે છે અને પોતે એક ઝુપડી બનાવીને આરામદાયક જીવન જીવે છે.

આત્મ-શાંતિ તથા સંતોષ જ જીવનનું રહસ્ય છે.જ્યાંસુધી માનવના જીવનમાં સંતોષ આવતો નથી ત્યાંસુધી તે જીવનની મોહમાયામાં ફસાયેલો રહે છે અને જે આ મોહમાયામાં ફસાય છે તેને ક્યારેય સુખ-ચૈન મળતું નથી.જીવનમાં સુખ સંતોષથી આવે છે.ભાગ્ય અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં જ ખુશીઓને શોધે તો તે જ ક્ષણે તમામ સુખોનો અનુભવ થાય છે.

જેમ વિદુષી એક ટાઇમ ભોજન મળે તો પણ તેને પોતાનું સૌભાગ્ય સમજતી હતી અને કઠોર ભૂમિ ઉપર સુખ-ચૈનથી સૂઇ રહેતી હતી અને બીજી બાજુ સંત વૈરાગી હોવા છતાં અને સુવાળી સેજ ઉપર સુવા છતાં સુખ-ચૈન અને શાંતિનો અનુભવ કરી શકતા ન હતા કારણ કે તેમને પોતાની પાસે જે હતું તેમાં સંતોષ ન હતો.સંતે જે દિવસે આ સત્યનો સ્વીકાર કર્યો તે દિવસે તેમને અપાર શાંતિનો અનુભવ થયો હતો.

લોભનો વિરોધી શબ્દ છે સંતોષ..મનુષ્ય પોતાના જીવનમાં મોહ-માયા અને લોભ-લાલચમાં એટલો ડુબી જાય છે કે તેને પરમતત્વની પ્રાપ્તિ થતી નથી. જ્યારે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ પરમાત્માનું જ્ઞાન પ્રદાન કરે છે ત્યારે સંતોષ આવે છે. સંસારમાં લોભથી તુચ્છ વિનાશકારી તત્વ બીજું કોઇ નથી,તમામ અનર્થોનું મૂળ લોભ છે, લોભથી મનુષ્યની બુદ્ધિ અને વિવેક નાશ પામે છે તેથી તે પાપકર્મમાં પ્રવૃત્ત થાય છે. ગીતામાં કામ,ક્રોધ અને લોભને નરકના દ્વાર કહ્યા છે.લોભના મોહમાં માનવને સારા નરસાનું ભાન રહેતું નથી તેથી તે ન કરવાના કાર્યો કરી બેસે છે. લોભ સમાન કોઇ દુઃખ નથી અને ત્યાગ સમાન કોઇ સુખ નથી. પ્રારબ્ધ અનુસાર જે કંઇ મળ્યું છે તેમાં સંતોષ માની જીવન જીવવું પણ લોભ ન રાખવો.

ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.જીવનમાં ગમે તે સમયે ગમે તેવી ૫રિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં સંતોષ રાખવો.મનની વૃત્તિઓ સ્થિર કરવાથી જ સંતોષ અને સુખ પ્રાપ્તિ થાય છે.

જેવી રીતે ૫ગમાં જોડા ૫હેરીને ચાલવાવાળાને કાંકરા અને કાંટાનો કોઇ ભય હોતો નથી,તેવી જ રીતે જેના મનમાં સંતોષ છે તેના માટે હંમેશાં બધી જગ્યાએ સુખને સુખ જ છે..દુઃખ છે જ નહી ! ભક્તોને મન બધી વસ્તુઓની કિંમત હોતી નથી અને યોગ્ય સમયે મને મળશે તેની ખાત્રી તેમને હોય છે તેથી તે સંતુષ્ટ હોય છે.મનુષ્યએ હંમેશાં જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો જોઇએ..વધુની ઇચ્છા ન કરવી.હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો..અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.કોઇપણ પ્રકારનું અભિમાન ન કરવું.સંસારમાં સૌથી વધુ દુઃખી અસંતોષી છે.અસંતોષના લીધે માનવ પાપ અને ખરાબ આચરણ કરે છે. જગતના તમામ પદાર્થો મળી જાય તો પણ માનવને સંતુષ્ટ કરી શકતા નથી એટલે વિષયના માટે નહી વાસુદેવના માટે જીવો.ધન જીવનની આવશ્યકતા છે ઉદ્દેશ્ય નથી.

જો આપણે બધા સુખી થવા માંગતા હોઇએ તો અમારે અમારી સરખામણી અન્ય સાથે ન કરવી જોઇએ. આપ આપ છો,આપ સમાન અન્ય કોઇ નથી તો પછી કેમ બીજા સાથે આપણી સરખામણી કરી ઇર્ષા કરવી? આ જ અમારી સમસ્યા છે.અમે અનાવશ્યક રીતે બીજાની સાથે અમારી તુલના કરીને દુઃખી અને ઉદાસ રહીએ છીએ.મનની ચંચળતાના કારણે અમોને જે મળ્યું છે તેની અમોને કદર નથી અને તેથી અમે દુઃખના વિષચક્રમાં ફસાઇ જઇએ છીએ.

તમામ મનુષ્યો સુખી બનવા ઇચ્છે છે પરંતુ તેના માટે સુખની ચાવી મેળવવી પડશે તથા બીજાઓ સાથે અમારી તુલના કરવાનું છોડી દેવું પડશે કારણ કે બીજા સાથે તુલના કરવી એટલે દુઃખને આમંત્રણ આપવા બરાબર છે.

અમે હંમેશાં બીજાઓને જોઇને ખોટી રીતે પોતાની તુલના બીજા સાથે કરીને દુઃખી થઇએ છીએ. ભગવાને આપણે સૌને અલગ અલગ બનાવ્યા છે અને દરેકને અલગ અલગ ગુણો આપ્યા છે,અમે તેના મહત્વને સમજ્યા વિના જાણ્યા વિના દુઃખના ચક્રમાં ફંસાતા જઇએ છીએ એટલે બીજાઓની પાસે જે કંઇ છે તેને જોઇને બળ્યા વિના અમારી પાસે જે છે તેનાથી ખુશ રહેવાનું શિખવાનું છે.

ખુશી બહાર શોધવાથી નથી મળવાની પરંતુ તે અમારી અંદર છુપાયેલી હોય છે.

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

 

No comments:

Post a Comment