Monday 10 June 2024

સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી

 

સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી

જીવનું મુક્તિમાર્ગનું મોટામાં મોટું વિઘ્ન અહંકાર છે.જે વિશાળ પ્રભુનાં દર્શન કરીને દૂર થાય છે. આપણા અહંકારનું કારણ જીવભાવ છે,જે પ્રભુદર્શનથી દૂર થાય છે.જીવભાવ દૂર થતાં જ તમામ દુઃખ દુર થાય છે.હરિ મિલન રૂપી મુક્તિ તો અહંકારનો ત્યાગ કરવાથી જ મળે છે.જીવનમાં સુખ..શાંતિ..આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે. જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.

બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃજાણવું-જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું.જ્યાં સુધી સર્વવ્યાપી પ્રભુ પરમાત્માનાં સાક્ષાત દર્શન-અપરોક્ષાનુભૂતિ ના થાય ત્યાં સુધી રામનું નિર્મલ જ્ઞાન,વિમલ વિવેક થતો નથી.રામનું જ્ઞાન અને વિશ્વાસ ત્રણ રીતે થાય છેઃશાસ્ત્ર દ્વારા, ગુરૂ દ્વારા અને પોતે પોતાના દ્વારા.જ્યાં સુધી શાસ્ત્ર કૃપા, ગુરૂકૃપા અને આત્મકૃપાના દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી લક્ષચૌરાશીનો ચક્કર સમાપ્‍ત થઇ મુક્તિ મળતી નથી અને વ્યક્તિ માયામાં અહીં તહીં ભટકતો રહે છે.જેવી રીતે મુખથી સાબુ સાબુ ઉચ્ચારવાથી કપડાં ધોવાઇ જતાં નથી તેવી જ રીતે ફક્ત રામ-નામનો જપ કરવાથી મુક્તિ મળતી નથી.

ભારતીય વિચારધારા જન્મ-મરણના ચક્રની યર્થાથતામાં વિશ્વાસ રાખે છે તેમાંથી ગુરૂ મુક્ત કરી શકે છે.ત્રણે લોકમાં ગુરૂ સિવાય કોઇ મુક્તિનું સાધન નથી.તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી જ જીવ પ્રભુ ભક્તિ કરી શકે છે તથા રાત દિવસ તેનામાં મગ્ન રહીને પોતાની માનસિક તથા આધ્યાત્મિક ભૂખ શાંત કરી શકે છે.સદગુરૂ સંપૂર્ણ માનવજાતિને મુક્તિ(મોક્ષ) અપાવવા અવતરીત થાય છે.સદગુરૂ તે જ છે જે સર્વવ્યાપી નિરાકાર પ્રભુ પરમાત્માની વાસ્તાવિકતાને અભિવ્યક્ત કરે છે.સદગુરૂ એ છે જે જિજ્ઞાસુઓને સાંસારીક મહાસાગરની પ્રજ્વલ્લિત અગ્નિ્થી બચાવીને સાંસારીક મોહ-માયાના બંધનોમાંથી છુટકારો અપાવે છે.

આજે વિશ્વમાં જાતિવાદ..પ્રાંતિયવાદ..ધર્મોની સંકિર્ણતા માનવને ભવસાગર તરવામાં વિઘ્ન બનીને અધ્ વચ્ચે જ ડુબાડી રહી છે..૫રંતુ જે માનવતાવાદી સદગુરૂની શરણાગતિ લઇ લે છે તેના માટે મુક્તિ સરળ બની જાય છે.મુક્તિ મેળવવા માટે કોઇ ખર્ચ કરવો ૫ડતો નથી..વેશભૂષા બદલવી ૫ડતી નથી.તેના માટે ગુણ-અવગુણ,ઉંચ-નીચનો પ્રશ્ન હોતો નથી.ગુરૂની શરણમાં આવીને ફક્ત ચરણોમાં શિશ ઝુકાવીને શરણાગતિ સ્વીકારવાથી સદગુરૂ આગળ આવીને શિષ્યની તમામ પ્રકારની જવાબદારીઓ નિભાવીને શિષ્યના રક્ષક બની જાય છે,એટલે કે દરેક માનવે આવા સંત (ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ)ની શરણમાં આવી મુક્તિ ૫થના રાહી બની જવું જોઇએ.

આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન ને જ માનવામાં આવ્યું છે.મન નિર્વિષય બને તો મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે પણ એ જ મન જો પરમાત્મામાં અનુરાગી બને તો મોક્ષનું કારણ બને છે.આ મન જ્યારે હું-પણા,મારા-પણાનું કારણ એવા કામ-ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.

સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે.મન જ સંસાર ઉભો કરે છે.સ્વપ્નનું જગત જેમ મન ઉભું કરે છે તેમ જાગૃત અવસ્થાનું જગત પણ મન ઉત્પન્ન કરે છે.મન બગડે એટલે જીવન બગડે છે,મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે.કોઈ કહેશે કે એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે? ઉદાહરણથી જોઈએ તો જે ચાવીથી તાળું બંધ થાય છે તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ એક જ ચાવી કરે છે.પાણીથી કાદવ થાય છે અને જે પાણીથી કાદવ થાય છે તે જ પાણીથી કાદવ ધોવાય છે.

જયારે માનવી ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વાદર્શી સદગુરૂના શરણમાં નતમસ્તક થઇને પોતાને પૂર્ણરૂપે સમર્પિત કરી દે છે તો સદગુરૂ તેને બ્રહ્મજ્ઞાન આપીને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી દે છે,ભલે પછી તે કર્મો પૂર્વજન્મોના હોય કે આ જન્મનાં હોય.સદગુરૂ જ્ઞાનરૂપી અગ્નિેથી જીવનાં તમામ કર્મો બાળી નાખે છે અને આ જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે.જીવની મુક્તિ માનવયોનિમાં જ સંભવ છે. મનુષ્ય યોનિઓમાં જ જીવ તમામ યોનિઓથી વધુ ચેતન હોય છે,બાકીની તમામ યોનિઓ ભોગ યોનિઓ છે,ફક્ત માનવ યોનિ જ એક માત્ર એવી યોનિ છે જેમાં જીવને પૂર્વજન્મના કર્મોના ફળ ભોગવવાની સાથે સાથે નવા કર્મો કરવાની ૫ણ સ્વતંત્રતા હોય છે.માનવયોનિમાં જ જીવ કર્મોના બંધનથી બંધાય છે.જેમ કીચડ પાણીથી જ બને છે અને જયારે કીચડથી ૫ગ બગડે છે ત્યા્રે પાણી દ્રારા જ સાફ કરી શકાય છે-તેવું જ માનવયોનિનું છે.

કેટલાક લોકો એવું માને છે કે મૃત્યુ  બાદ મુક્તિ મળે છે.આ વાત પૂર્ણતઃ સાચી નથી કારણ કે રાજા જનક જીવત જીવ જ વિદેહી કહેવાયા.આધ્યાત્મિક દ્રષ્ટ્રિમાં મુક્તિ શબ્દનો અર્થ થાય છેઃજીવિત અવસ્થામાં જ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને તમામ પ્રકારના બંધનોથી મુક્ત થવું.મરણ ૫છી તો આ અમૂલ્ય માનવજન્મથી જ મુક્તિ મળે છે,કોઇ૫ણ પ્રકારના બંધનથી નહી ! એકવાર આ માનવજન્મ છૂટી ગયા ૫છી પુનઃ મળતો નથી.

સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ કારણ કે વાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે,ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.

મુક્તિ પ્રદાન કરવાની શક્તિ ફક્ત સદગુરૂ પાસે હોય છે.ગુરૂ વિના જ્ઞાન અને સત્યનો સાક્ષાત્કાર થતો નથી,મુક્તિ મળતી નથી.જો જ્ઞાનની સાથે તે અનુસાર કર્મ થાય તો મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને આ જીવનકાળમાં જ જીવનમુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે.

પ્રકૃતિના આઠ પ્રકાર છે.પાંચ મહાભૂતો(પૃથ્વી,પાણી,અગ્નિ,વાયુ,આકાશ) અને મન,બુદ્ધિ,અહંકાર..આ અષ્ટધા પ્રકૃતિને કાબુમાં રાખે તેને મોક્ષ-મુક્તિ મળે છે.પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે તે કૃતાર્થ બને છે.મોક્ષ એટલે ભવભવના બંધનમાંથી મુક્ત થવું.મોહનો ક્ષય થવો એ મોક્ષ છે.મોહમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો અને આસક્તિ,મમત્વ આદિ વિકારોનો સમાવેશ થાય છે.સંસારના પાત્રો, વસ્તુઓ, ક્રિયાઓ, ઇચ્છાઓ વગેરે બંધનોથી અને દેહભાવના બંધનમાંથી નીકળી જીવનો ભગવાન સાથે બંધન થાય તે મોહનો ક્ષય થયો કહેવાય.ભગવાનની જેટલી સમીપે જવાય તેટલો જીવનો મોક્ષ થાય છે.જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષનો અર્થ જુદો જુદો થાય છે.આધ્યાત્મિક માર્ગમાં એક જ અર્થમાં સિમિત થઇ જાય છે મોક્ષ એટલે શાશ્વત આનંદ,બધા દુ:ખોમાંથી કાયમનો છૂટકારો.ટૂંકમાં કહીએ તો જેને મોક્ષ મેળવવો હોય તેમને જ્ઞાનવાન થવું જોઇએ.

કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવી તે દોષો છોડાવે છે.જો માણસ સમજે અને પ્રયત્ન કરે તો પૂર્વ જન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરૂં કરવાનું છે પણ નવું પ્રારબ્ધ ઉભું કરવાનું નથી.એવું સાદું જીવન જીવવાનું કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય.આત્મ-સ્વરૂપનું ભાન અને દેહનું વિસ્મરણ થાય તો મનુષ્યને જીવતા જ મુક્તિ મળે છે.મનુષ્યને જગત નથી એવો અનુભવ થાય છે પણ હું નથી એવો અનુભવ થતો નથી.અહમનું વિસ્મરણ જલ્દી થતું નથી.

સંસારમાં નાવ (હોડી)ની જેમ રહેવું જોઈએ.નાવ પાણી ઉપર રહે તો તે તરે છે પણ જો નાવની અંદર પાણી આવે તો તે ડૂબી જાય છે તે પ્રમાણે તમે સંસારમાં રહો પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર નાવ છે, સંસાર સમુદ્ર છે અને વિષયો તે જળરૂપ છે. વિષયો શરીરમાં આવે તો તે સંસારમાં ડૂબી જાય છે.સંસારમાં રહેવું તે ખરાબ નથી પણ સંસારને મનમાં રાખવો તે ખરાબ છે.મનમાં રહેલો સંસાર રડાવે છે.મનમાં રહેલી મમતા બંધન કરે છે, મન મરે તો મુક્તિ મળે છે.બંધન મનને છે આત્માને નથી.આત્મા તો સદા મુક્ત જ છે.

ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય તેને જ મુક્તિ કહે છે.વાસનાઓના સંપૂર્ણ વિનાશ વગર મોહનો વિનાશ થતો નથી અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.

 

વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment