Saturday, 15 June 2024

પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગની કથા

 

પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગની કથા

બાર જ્યોતિર્લિંગ પૈકી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નવમા નંબરનું છે.વૈદ્યનાથ જ્યોર્તિલિંગ અંગે પુરાણોમાં એક કરતાં વધુ કથાઓનું વર્ણન છે.પરલી વૈદ્યનાથ જ્યોર્તિલિંગ મરાઠવાડામાં આવેલું છે.પરલી મહારાષ્ટ્રના બીડ જીલ્લામાં આવેલું પુરાણું નગર છે તે કાંતિપુર કે વૈજયંતિ તરીકે પણ ઓળખાય છે,તે મેરૂ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા,વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે.

શિવજીનાં બાર જ્યોતિર્લીંગમાંનાં ચાર તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં છે એટલે અહીં જ્યોતિર્લીંગોનું ખાસ મહત્વ છે.પરલીના જ્યોતિર્લીંગનો શિવભક્ત અહલ્યાદેવી હોલ્કરે ઈ.સ.૧૭૦૬માં જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.વૈજનાથ મંદિર પત્થરનું બનેલું છે.આગળ મોટો દીપ સ્થંભ છે.ગર્ભગૃહ ઉંડું છે.પૂજા કરતી વખતે મનમાં ખાસ સ્પંદનો અનુભવાય છે,તેમને અહીં આધ્યાત્મિક શક્તિ મળે છે.મંદિર ઘણું જ સરસ અને શાંત છે.ભીડ હોય ત્યારે પણ ભીડ જેવું લાગતું નથી.

વૈધનાથ  ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.ભારત દેશમાં પ્રભુ સ્પર્શથી પાવન થયેલ અનેક જગ્યાઓ છે.દરેક તીર્થ આપણને અલગ અલગ ભાવ સમજાવે છે તેવી જ રીતે જ્યોર્તિલિંગો પણ અલગ અલગ ભાવ સમજાવે છે.પુરાણોની કથા અનુસાર સમુદ્રમંથનથી નીકળેલ અમૃત ઉપર દેવો અને દાનવોનો સરખો હિસ્સો હતો પરંતુ દેવોના વૈદ્ય ધન્વંતરી આ લિંગના સહારે આ જગ્યાએ છુપાઇ ગયા તેથી દેવતાઓને વિજ્ય મળ્યો એટલે આ જ્યોર્તિલિંગને વૈદ્યનાથ કહે છે.અહીંનાં જળવાયુથી કોઢ રક્તપિત્ત વગેરે રોગ મટી જાય છે તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈદ્યનાથ પર ચઢાવે છે તેથી તે વૈદ્યનાથ તરીકે ઓળખાય છે.

પુરાતન સમયમાં ખાઓ પીવો અને મજા કરો..એવી વૃત્તિના લોકો વધ્યા તથા લોકોમાં નૈરાશ્યવૃત્તિના લીધે સમાજમાંથી સત્કર્મો ખલાસ થયા હતા,તે સમયે મૃતંડઋષિ અને તેમની પત્ની મનસ્વિનીથી આ સહન ના થયું.સારાં કાર્યો શારીરિક માનસિક,બૌધિક,આર્થિક વગેરે જુદા જુદા રૂપે કરવાનાં હોય છે.મૃતંડઋષિ લોકોને ભેગા કરીને સત્કાર્ય થાય તે માટે સમજાવતા હતા ત્યારે લોકો કહેતા કે અરે ભાઇ..તમે જ કહો જીવન અનિશ્ચિંત છે કે નહી? અને આપણે સત્કાર્ય કરવા લાગીએ અને પુરૂં થાય ત્યાર પહેલાં મરી જઇએ તો કાર્ય અધુરૂ રહે અને બધી મહેનત માથે પડે..લોકોમાં આવા નકારાત્મક વિચારો કરતા.

લોકોની મનોવૃત્તિ બદલવા મૃતંડઋષિ કરતાં તેમની પત્ની મનસ્વિનીએ વધુ રસ લીધો અને વિચાર કર્યો કે ભગવાન આપણને તેજસ્વી સંતાન આપે તો આપણે હાથ પર લીધેલ કાર્ય અધુરૂ રહે તો પૂત્ર આગળ ધપાવે.ભગવાને તેમની પ્રાર્થના સાંભળી અને મોટી ઉંમરે તેમને પૂત્ર થયો તેનું નામ માર્કંડેય પાડ્યું.ભગવાન અને સંતોની કૃપાથી આવેલ બાળકો હંમેશાં તેજસ્વી અને ચબરાક હોય છે.અતિશય ચાલાક અને તેજસ્વી પૂત્રને જોઇ દંપતિને પ્રસન્નતા થઇ પરંતુ ભગવાને તેનામાં એક કચાશ રાખી હતી.તે ગત જન્મારાની સાધના પુરી કરવા થોડા સમય માટે આવ્યો હતો,તેનું આયુષ્ય અલ્પ હતું.

વિધાતાની ગતિ અકળ છે,જે લોકોની સમાજને જરૂર હોય છે તેને ભગવાન જલ્દી ઉપાડી લે છે. બહુ મોટી ઉંમરે આવેલ બાળક મારો ઘડપણનો સહારો બનશે,અમોને પિંડદાન દેશે તેવો ભાવ ઋષિ દંપતિને નહોતો પરંતુ આખો સમાજ જે નિષ્કર્મણ્ય થયો છે તેને સત્કાર્ય તરફ વાળશે તેવો ભાવ હતો.ર્માં ને પગે લાગી માર્કંડેય તપ કરવા જાય છે અને પ્રભુના નામનો જપ કરવા લાગ્યો.એક દિવસ તેને સાત જણને તત્વજ્ઞાનની  ચર્ચા કરતા સાંભળ્યા,તે સપ્તર્ષિઓ હતા,તેમાં એક સ્ત્રી અરૂંધતી પણ હતી.તેઓ ચર્ચા કરતા હતા કે આ બાળક સત્કાર્ય કરશે.ઋષિઓએ માર્કંડેયને કહ્યું કે તારૂં અલ્પાયુષ્ય એ કુદરતના આધારે છે અને કુદરત નિયમો તોડતી નથી,તેના કાર્યચક્રમાં ભગવાન પણ હસ્તક્ષેપ કરતા નથી એટલે તૂં તપ છોડી ભગવાનનું કાર્ય કરવા લાગ.

એક દિવસ માર્કંડેયને વિચાર આવ્યો કે હું સમાજમાંથી મૃત્યુનો ડર કાઢી નાખું પણ લોકોમાં સદંતર મૃત્યુનો ડર ચાલ્યો જશે તો લોકો શૈતાન બનશે અને મરણથી ભયભીત રહેશે તો દુર્બળ રહેશે.તેને સપ્તર્ષિઓને પુછ્યું કે મારા જીવનમાં મૃત્યુ વિશે મોટો કોયડો છે આપ મને માર્ગદર્શન આપો ત્યારે ઋષિઓએ કહ્યું કે મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે.મૃત્યુ તરફ જોવાનો દરેકનો સ્વચ્છ,નિર્મળ,વાસ્તવવાદી દ્રષ્ટિકોણ કેમ થાય તે તારે જોવાનું છે.લોકોને તૂં એમ કહીશ કે સત્કર્મ કરવા લાગો તમોને મૃત્યુ નડશે નહી તો એ વાત લોકોના મગજમાં નહી ઉતરે કારણ કે સામાન્ય રીતે બે કારણોથી લોકો મૃત્યુથી ડરે છે.. જીવનમાં કાંઇ કાર્ય કર્યું નથી હોતું તેથી મૃત્યુનો ડર હોય છે અને જે સ્થળે જવાનું છે તે સ્થળની જાણકારી નથી તેથી ડરે છે.

સપ્તર્ષિઓએ કહ્યું કે લોકો પાસે તૂં સત્કર્મ કરાવ તેથી કાંઇ કર્યું નથી અને ઉપર જઇને શું જવાબ આપીશું તે ડર નીકળી જશે અને જે સ્થળે જવાનું છે તે પ્રભુનું ઘર છે તેના દર્શન કરાવ અને ભક્તિ કરાવ. કર્મયોગ,જ્ઞાન અને ભક્તિ સમજશે એટલે મૃત્યુનો ડર નીકળી જશે.સત્કર્મો કરતાં કરતાં એક દિવસ તે થાકીને હતાશ થઇ બેઠો હતો કેમકે તે મૃત્યુનો દિવસ હતો.જે પ્રભુનું કાર્ય કરે છે તેને પ્રભુ સંભાળે છે.મૃત્યુ જેમ જેમ તેની પાસે આવતું ગયું તેમ તેમ ભગવાન શિવજી માર્કંડેય પાસે આવ્યા અને ભગવાનના આશ્રયે બેઠેલા માર્કંડેયને મારવાની મૃત્યુની તાકાત ના ચાલી.તે જગ્યાએ ભગવાન શિવજીએ માર્કંડેયને દર્શન આપ્યા તે સ્થળ એટલે પરલ્યાં વૈદ્યનાથ જ્યોર્તિલિંગ.ભગવાને આર્શિવાદ આપ્યા કે તારા જીવનમાં વિફળતા નહી મળે,હંમેશાં સફળતા જ મળશે,તૂં જે જે ઇચ્છા કરીશ તે પુરી થશે અને તારામાં ક્યારેય અહંકાર નહી આવે.

બીજી કથા એવી છે કે એકવાર રાવણની માતા કૈકસી રાવણને કહે છે તારી પાસે ત્રૈલોક્ય વૈભવ છે પણ તે કાયમી રહેવાનો નથી.તારી સોનાની લંકામાં જો પ્રભુ ભક્તિના વૈભવનો આનંદ હશે તો તે કાયમી રહેશે અને તે માટે રાવણે કૈલાશ જઇ તપશ્ચર્યા કરી.એવું વર્ણન છે કે રાવણે ભગવાન શિવને એક એક માથું કાપીને ચઢાવ્યું.તેને દશ માથા હતા તે શંકા ઉપજાવે છે.અત્યારના રાજકારણીઓને પણ દશ મોંઢા હોય છે.સવારે બોલે કંઇક અને સાંજે કરે કંઇક.સાંજે બોલ્યો હોય તે સવારે ફેરવી તોળશે..

રાવણનું એક એક માથું કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સરથી ભરેલું હતું.બીજા ત્રણ માથાં એટલે દારેષણા,વિત્તેષણા અને પૂત્રેષણા.આ નવ માથા કાપીને ભગવાનને ચરણે ધર્યા.જ્યારે તે પોતાનું દસમું માથું કાપવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને રાવણને વરદાન માંગવાનું કહ્યું ત્યારે રાવણે કહ્યું કે મને ફક્ત તમારૂં આત્મલિંગ આપો મારે તેને લંકામાં લઇ જવું છે.શિવજીએ શરત મુકી કે હું આત્મલિંગ આપું પણ એક વાત ધ્યાનમાં રાખજે એને તૂં રસ્તામાં કોઇ જગ્યાએ મુકતો નહી,નહી તો હું ત્યાં જ સ્થિર થઇ જઇશ.શિવલિંગ લઇ રાવણ લંકા તરફ જઇ રહ્યો હતો ત્યારે દેવોએ સભા બોલાવી કે શિવજી તો ભોળા છે કોઇ અસુર તપ કરે એટલે તે માંગે તે આપે છે.રાવણે સંસ્કૃતિનો સત્યાનાશ કર્યો છે. ભગવાનનું લિંગ તે લંકામાં લઇ જશે એટલે તે બધાનો બાપ થઇને જગતમાંથી ભક્તિ અને ભગવાનના વિચારો ખલાસ કરશે એટલે ગમે તે રીતે તેને અટકાવવો પડશે.બળથી તો રાવણને હરાવી શકાય તેમ ન હતો તેથી દેવોએ બુદ્ધિ અને જ્ઞાનના દેવ ગણેશજીને આ કાર્ય સોપ્યું.

રાવણમાં અહંકારનો દોષ હતો.ગણપતિ નાના બાળક બની તેને સામે મળે છે અને પુછે છે કે તમે એકલા ક્યાં જાઓ છો અને તમારા હાથમાં આ કાળો પત્થર શેનો છે? રાવણ કહે છે કે ચૂપ..આને પત્થર ના કહેવાય.તપ કરીને હું ભગવાનને લઇ આવ્યો છું તેમાં ભગવાનનું ચૈતન્ય ભરેલું છે.ગણપતિ કહે છે કે મને શંકા થાય છે કે આમાં ભગવાન છે કે નહી? આમ કહી રાવણનો અહંકાર જાગૃત કર્યો અને રાવણના વખાણ કરવાના શરૂ કર્યા અને ’’જો કોઇને પાડવો હોય તો ખોટા વખાણ કરો.’’ હું જ્યાં જાઉં છું ત્યાં ચારેબાજુ તમારી જ વાતો થાય છે એટલે તમને મળવાની બહુ ઇચ્છા હતી તેથી તમારા દર્શન કરવા આવ્યો છું.

રાવણને મળમૂત્ર ત્યાગ કરવાનું મન થયું એટલે બાળક ગણપતિને શિવલિંગ હાથમાં આપ્યું અને કહ્યું કે હું આવું ત્યાંસુધી શિવલિંગ પકડી રાખ તેને જમીન ઉપર મુકતો નહી.બાળક ગણેશે કહ્યું કે તમે જલ્દી આવજો હું નાનો બાળક છું અને આ શિવલિંગ વજનદાર છે એટલે મને ભાર લાગશે તો ત્રણવાર તમોને બોલાવવા હાંક મારીશ અને છતાં તમે નહી આવો તો હું નીચે મુકી દઇશ.ઘણા સમય બાદ રાવણના હાથ છુટા થયા એટલે શૌચક્રિયા પરવારી તે કુદરતી વાતાવરણમાં ફરવા લાગ્યો ત્યાં જ તેને એક સુંદર સ્ત્રીને જોઇ.તે સ્ત્રીસૌદર્યનો શિકારી હતો અને તે જ તેની નબળાઇ હતી.તેના રાણીવાસમાં અનેક સ્ત્રીઓ હોવાછતાં તેને તૃપ્તિ નહોતી. ’’આ પૃથ્વી ૫ર જેટલાં ધન-ધાન્ય સુવર્ણ ૫શુ અને સ્ત્રીઓ છે તે તમામ કોઇ એક પુરૂષને મળી જાય તો ૫ણ તેને સંતોષ થશે નહી. ’’ આમ વિચારી વિદ્વાન પુરૂષે પોતાના મનની તૃષ્‍ણાને શાંત કરવી જોઇએ.આ તરફ ગણેશજીએ ત્રણવાર બુમ પાડી છતાં રાવણ તે સ્ત્રીમાં એટલો મશગુલ અને આસક્ત હતો કે તેને કંઇ સંભળાતું નથી.રાવણ ના આવ્યો એટલે ગણેશજીએ શિવલિંગ નીચે મુકી દીધું તે સ્થળ એટલે ’પરલ્યાં વૈદ્યનાથ જ્યર્તિલિંગ.જે સ્થળે માર્કંડેયની મહાન તપશ્ચર્યાથી ભગવાન શિવ પ્રત્યક્ષ મળ્યા હતા તે જ સ્થળે પાછી આ ઘટના બની અને ગણેશજીએ શિવલીંગની સ્થાપના કરી છે.

થોડીવાર પછી રાવણ આવ્યો અને જુવે છે તો શિવલિંગ ધરતી ઉપર મુકેલું હતું.તેને ગણેશજી ઉપર ગુસ્સો કર્યો ત્યારે ગણેશજીએ કહ્યું કે મેં ત્રણવાર બૂમ પાડી પણ તમે સ્ત્રીમાં તલ્લીન હતા.આજે પણ યુવાનોને સ્ત્રી સિવાય કશું દેખાતું નથી.આત્મશ્રેષ્ઠતા અને કામભાવનાના લીધે રાવણનું પતન થયું.આ બે ભાવો જીવનમાંથી જવા જોઇએ.પરમાત્માના લીધે મારી શ્રેષ્ઠતા છે આ ભાવ અંતઃકરણમાં હોવો જોઇએ.આ સ્થળ અતિ પવિત્ર છે,તપોભૂમિ છે ત્યાં ગયા પછી અંતઃકરણમાં અલગ જ ભાવ નિર્માણ થાય છે.

આલેખનઃ

શ્રી વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

 

 

વૈજુ નામનો એ ગોપબાળ વાસ્તવમાં શ્રીહરિ વિષ્ણુ જ હતાં ! જેમણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું, અને એટલે વૈજનાથ કહેવાયા!

 

    ભગવાન શિવ શંકરનાં સાકાર સ્વરૂપનું નિવાસ્થાન કૈલાસ પર્વત છે, જ્યારે નિરાકાર રુપે તે સ્મશાન માં અને કલ્યાણ ની ભાવના રાખનાર સૌમાં રહે છે. પરંતુ આપણે ત્યાં શ્રાવણ મહિનામાં ભગવાન શંકર કૈલાસ પરથી શિવાલયમાં આવીને વસે છે, એવી એક અતિ પ્રાચીન માન્યતા છે, અને એ કારણે શ્રાવણમાં શંકરનું ખૂબ જ મહત્વ હોય છે. અન્ય દેવ દેવીઓ કરતાં શંકરને ભજવો સહેલો છે, એને આમ તો ભોળા ભાવ સિવાય બીજી કોઈ વસ્તુનો ખપ હોતો નથી, પરંતુ ભાવિકો તેને પૂજનવિધીમાં બીલીપત્ર દૂધ-પાણી ધતુરો વગેરે દ્રવ્યનો ઉપયોગ કરે છે, અને રૂદ્રાભિષેક વગેરે કરી શંકરને આરાધતા હોય છે. શંકરની સ્તુતિ ઓમ નમઃ શિવાય, અને સીધાસાદા બીજા પણ નાના મંત્રો ભાવપૂર્વક સ્મરણ કરતા તે અતિ પ્રસન્ન થઈ જાય છે. એકદમ ભોળાભાવે શંકરને ભજો તો ભવસાગર પાર છે, શંકર ભગવાને દેવ અને દાનવ કે માનવ એવો ભેદ ક્યારેય જોયો નથી. ભજનારા પછી દાનવ સ્વરૂપે હોય તોપણ પ્રસન્ન થઈ અને વરદાન માગવાનું કહેતાં. આ બીલીપત્ર ચઢાવવા પાછળ એક નાનું એવું કારણ છે, કે જે કોઈ વ્યક્તિ શંકરને આરાધે અને બીલીપત્ર તેના શિવલિંગ પર અર્પણ કરે અથવા તો ચડાવે તેને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ મહાદેવ ને સમર્પિત કરી હવે નિશ્ચિંત થઈ જાઉં છું, એવું કહેવા માંગે છે. હકીકત મા સંસારી જીવ એટલું ઝડપથી નિશ્ચિત થઈ શકતો નથી, પરંતુ જે કંઇ થાય છે તે સારા માટે જ થતું હોય, એમ સમજી શકવાની ક્ષમતા તેનામાં આવી જાય છે. આજે આપણે આવા જ એક જ્યોતિર્લિંગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ઇતિહાસમાં એક દાનવ પણ સ્થાન ધરાવે છે.

 

  ભારતની ભૂમિ એ તો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનની ભૂમિ છે. અને આ બાર જ્યોતિર્લિંગમાં પાંચમું સ્થાન ધરાવે છે બાબા વૈદ્યનાથ. બાબા વૈદ્યનાથને ભક્તો વૈદ્યનાથેશ્વર, બૈદ્યનાથ તેમજ વૈજનાથ જેવાં નામોથી પણ સંબોધે છે. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર મહેશ્વરનું આ વૈદ્યનાથ સ્વરૂપ એ તો દર્શન માત્રથી ભક્તોના તમામ પાપકર્મનું હરણ કરી લેનારું છે. એટલું જ નહીં, તે તો દર્શન માત્રથી સંપૂર્ણ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરાવનાર શિવલિંગ છે, અને એટલે જ તો તેને કામના લિંગ પણ કહે છે.

          

     ભોળાનાથનું જ્યોતિર્મય વૈદ્યનાથ સ્વરૂપ ઝારખંડમાં દેવઘર નામના સ્થાન પર શોભાયમાન છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં પરલ્યાં વૈદ્યનાથં ચતરીકે વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સ્થાનનો ઉલ્લેખ મળે છે. તે સ્થાન મૂળે તો ઝારખંડનું દેવઘર જ હોવાનું મનાય છે. અલબત્, મહારાષ્ટ્રના પરલીમાં તેમજ હિમાચલ પ્રદેશના કાંગડામાં આ જ્યોતિર્લિંગ સ્થિત હોવાના દાવા થતાં રહ્યા છે, પણ, દેવતાઓનું ઘર મનાતું દેવઘર જ મુખ્ય હોવાની માન્યતા વધુ પ્રચલિત છે. એ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે. અને બાબા વૈદ્યનાથના આશીર્વાદ મેળવી પરમશાંતિની અનુભૂતિ કરે છે. 

         

  ‌      શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 27-28માં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સંબંધી કથાનું વર્ણન છે. કથા અનુસાર રાક્ષસરાજ રાવણે ભગવાન ભોળાનાથ મહાદેવ ને કે મહેશ્વરને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર  જઈ ને કેટલાય વર્ષો સુધી દુષ્કર તપ કર્યું. પણ, રાક્ષસરાજના મનોભાવોને જાણનારા શિવજી ઝડપથી પ્રસન્ન ન થયા,તો રાવણ એ બીજી રીતે ભગવાન શંકરને મનાવવા કોશિશ કરી પણ ભગવાન તો પણ પ્રસન્ન ન થયાં ત્યારે આખરે, રાવણે એક પછી એક પોતાનું મસ્તક કાપી શિવજીને અર્પણ કરવાનું શરૂ કર્યું. જ્યારે દસમું અને અંતિમ મસ્તક કાપવા રાવણ તૈયાર થયો ત્યારે મહાદેવે પ્રગટ થઈ તેને રોક્યો. કરુણાનિધાને રાવણને તેના બધાં મસ્તક પાછા આપી તેની ઈચ્છા અનુસાર તેને પરમ બળની પ્રાપ્તિના આશિષ આપ્યા.

 

     મહાદેવના વરદાનથી પ્રસન્ન થઈ રાવણ સ્વયં તેમને જ લંકા લઈ જવા હઠાગ્રહ કરી બેઠો. ત્યારે શિવજીએ તેને લંકા લઈ જવા પોતાના અંશ રૂપી એક શિવલિંગ આપ્યું. સાથે જ કહ્યું કે, “તુ તેને જમીન પર જ્યાં મુકીશ ત્યાં જ તે સ્થાપિત થઈ જશે !રાવણ હર્ષ સાથે લંકા જવા નીકળ્યો. પરંતુ, માર્ગમાં શિવજીની જ માયાથી રાવણને લઘુશંકાની ઈચ્છા થઈ. કહે છે કે દેવઘરની આ ભૂમિ પર રાવણે એક ગોપબાળને જોયો. વૈજુ નામના તે બાળકના હાથમાં રાવણે શિવલિંગ મૂકી દીધું.

 

દંતકથા એવી છે કે, વૈજુ નામનો તે ગોપબાળ વાસ્તવમાં શ્રીહરિ વિષ્ણુ જ હતા ! જેમણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું, અને પછી શિવજીના વરદાન અનુસાર તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણે પૃથ્વી પરથી શિવલિંગને ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે હલ્યું સુદ્ધા નહીં. આખરે, તે નિરાશ થઈ પરત ફર્યો. ત્યારબાદ સર્વ દેવતા અને ઋષિમુનિઓએ મળી મહાદેવના આ દિવ્ય રૂપની પૂજા કરી અને તેને વૈદ્યનાથ નામ આપ્યું. એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા. કે જેમના દર્શન માત્ર ભક્તોના સર્વ મનોરથોની પૂર્તિ કરનારા મનાય છે.

 

   રાવણ તો ભગવાન આશુતોષના દિવ્ય સ્વરૂપને મનમાં રાખી અને લંકા તરફ આગળ ચાલ્યો ગયો, પરંતુ દેવતાઓના મનમાં શંકા થઇ કે ભગવાન શંકરને અહીં સુધી લાવનાર રાવણ આગળ જઈને આ શક્તિનો કોઈ દુરુપયોગ પણ કરી શકે છે, એટલે તેમણે નારદ મુનિને લંકા મોકલ્યા અને રાવણને કહ્યું કે તે કૈલાસ પર્વત ને ઊંચકી ને તારી શક્તિનો સામર્થ્ય બતાવો તો હજી મહાદેવ વરદાનના પારખાં થઈ જાય. રાવણે કૈલાશને ઊંચો કર્યો ત્યારે ભગવાન શંકર કૈલાસમાં નિવાસ કરતા હતાં, તેથી તેઓ ક્રોધાયમાન થઈ ગયાં, અને રાવણને શ્રાપ આપ્યો કે એ દુષ્ટ તારી આ હિંમત!જાઝડપથી કોઈ દિવ્ય પુરુષ આ ધરતી પર આવશે અને તેના હાથે તારું મૃત્યુ નિશ્ચિત છે. આમ દેવતાઓના ષડયંત્રથી એ રાવણ કે જે વરદાનનો અધિકારી હતો એ જ રાવણ મહાદેવનાં હાથે શાપિત થયો.

 

   શિવપુરાણ અનુસાર આ જગ્યા સીતા ભૂમિ નજીક છે, અને સીતા ભૂમિમાં દક્ષયજ્ઞ પછી તેના અર્ધ બળેલાં શરીર માંથી સતીનું હૃદય પડયું હોવાથી, 51 શક્તિપીઠોમાં એક મુખ્ય શક્તિપીઠ એટલે કે હાર્દ પીઠ અહીં નજીકમાં સ્થિત છે.

 

    આ ઉપરાંત મંદિરના હિતિહાસમાં મંદિરના સ્થાન અને તેના કળશને લઈને પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે, મંદિરના શિખરનો મુખ્ય કળશ અત્યારે સોનાનો છે,જે અંગ્રેજોના સમયમાં આ કળશ ત્રાંબા ધાતુનો હતો, અને એકવાર સંથાળ જાતિના કેટલાક લોકો આ મંદિર પાસે આવી પહોંચ્યાં, અને તેઓ પૂર્ણપણે નાસ્તિક હતાં. તેમણે મંદિરના ધ્વંશ માટે થઈને તાંબાના કળશમાં તીરથી છેદ કર્યો, અને  કહેવાય છે કે આ કળશમાંથી અસંખ્ય ભ્રમર બહાર નીકળ્યાં, અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં, ઇજાગ્રસ્ત બનેલા આ લોકો બાબા વૈજનાથ ના શરણે આવ્યાં, અને ત્યારથી તેઓ પૂર્ણ શિવ ભક્ત થઈ ગયાં. ગિધોર નરેશની રાજમાતા ને ભગવાન વૈજનાથ એ સ્વપ્નમાં આવીને કહ્યું કે, મારો કળશ જીર્ણ થઇ ગયો છે અને તેનો જીર્ણોદ્ધાર કરો, આથી ત્યારથી મંદિરમાં સોનાના કળશની સ્થાપના કરવામાં આવી. આમ આ જ્યોતિર્લિંગની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હોય તેવું જાણવા મળે છે. ભગવાન શંકર કણકણમાં વ્યાપ્ત છે, અને આપણે આસપાસના કોઈપણ શિવાલયમાં જઇ અને જ્યોતિર્લિંગનો ભાવ ધરી તેને ભજીયે તો પણ તે ભોળાનાથ પ્રસન્ન થાય છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે,હર હર ભોલે.

 

      લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

No comments:

Post a Comment