Monday, 10 June 2024

સંત ચરીત્ર..પરમ ભક્ત ધન્ના જાટની કથા

 

સંત ચરીત્ર..પરમ ભક્ત ધન્ના જાટની કથા

 

 

ભગવાનની ભક્તિ તમામ જાતિઓના તમામ મનુષ્ય કરી શકે છે.જેની ચિત્તવૃત્તિરૂપી સરિતાનો પ્રવાહ ભગવતરૂપી પરમાનંદના મહાસાગરની તરફ વહેવા લાગે છે તે ભક્તિનો અધિકારી છે અને તેના ઉપર ભક્તભાવન ભગવાન પ્રસન્ન થાય છે.

 

પ્રભુના પરમ ભક્ત ધન્નાજી જાટ જાતિના હતા.તેમને પ્રાથમિક શિક્ષણ પણ લીધું નહોતું.શાસ્ત્રોનું શ્રવણ પણ તેઓ કરી શક્યા નહતા પરંતુ તેમનું સરળ હ્રદય અનુરાગથી ભરેલું હતું.જગતમાં એવો કોઇ મનુષ્ય નથી કે જેના હ્રદયમાં પ્રેમનું બીજ ના હોય.ભક્તવર ધન્નાજીનું પ્રેમ બીજ નાની વયમાં જ સંત સુધા સમાગમથી જીવનશક્તિ પ્રાપ્ત કરી હતી.ધન્નાજીના પિતા ખેતીનું કામ કરતા હતા અને તેઓ ગાયો-ભેંસો ચરાવવાનું કામ કરતા હતા.તેઓ ભણેલા ન હોવા છતાં પણ તેમનું હ્રદય સરળ અને શ્રદ્ધા સંપન્ન હતું.તેઓ હંમેશાં પોતાની શક્તિ અનુસાર સંતો ભક્તો મહાત્માઓની સેવા કરતા હતા.

 

જ્યારે ધન્નાજીની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે એક દિવસ ભગવદભક્ત સાધુ બ્રાહ્મણ તેમના ઘેર પધારે છે.બ્રાહ્મણોએ પોતાના હાથોથી કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું.ત્યારબાદ સંન્ધ્યા વંદન વગેરે નિત્યકર્મ કરીને પોતાના થેલામાંથી ભગવાન શ્રીશાલીગ્રામજીની મૂર્તિ કાઢીને તેને સ્નાન કરાવી તુલસી ચંદન ધૂપ વગેરેથી તેમની પૂજા કરીને પ્રસાદ ધરાવીને પછી ભોજન કરે છે.ભક્તિનિષ્ઠ બ્રાહ્મણોની આ બધી ક્રિયાઓ કૂતુહલવશ ધન્નાજી જુવે છે.બાળકનો સરળ સ્વભાવ હતો.થોડોક સમય સાધુસંગ થયો. ધન્નાજીના મનમાં પણ ઇચ્છા થઇ કે જો મારી પાસે ભગવાનની મૂર્તિ હોત તો હું પણ આ રીતે ભગવાનની પૂજા કરતો.નાના બાળકો જેવું જુવે છે તેવું જ કરવા ઇચ્છતા હોય છે.

 

સત્સંગનું માહાત્મય સમજાવતાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે..હે ઉદ્ધવ ! તમામ સંગોથી છોડાવનાર સત્સંગ દ્વારા જેવી રીતે હું પૂર્ણરૂપથી વશ થાઉં છું તેવો યોગ સાંખ્ય ધર્મ વેદાધ્યયન તપસ્યા ત્યાગ અગ્નિહોત્ર,કૂવા ખોદાવવા,બાગ લગાવવા, દાન-દક્ષિણા વ્રત યજ્ઞ મંત્ર તિર્થયાત્રા નિયમ અને યમ વગેરે સાધનોથી થતો નથી.

 

ધન્નાજીએ મન પ્રસન્ન કરનારી વાણીથી બ્રાહ્મણદેવને કહ્યું કે પંડિતજી ! આપની પાસે જેવી ભગવાનની મૂર્તિ છે તેવી એક મૂર્તિ મને આપો તો હું પણ તમારી જેમ ભગવાનની પૂજા કરી શકું. બ્રાહ્મણોએ પહેલાં તો બાળકની વાત ઉપર ધ્યાન ના આપ્યું પરંતુ બાળક ધન્નાજીએ જ્યારે વારંવાર કરગરીને વિનંતી કરી ત્યારે બ્રાહ્મણોએ કંટાળીને એક કાળો પત્થર ધન્નાજીને આપી દીધો અને કહ્યું કે બેટા ! આ તારા ભગવાન છે. તું તેની પૂજા કરજે અને ભગવાનને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરજે.ધન્નાને તો જાણે ગુરૂદક્ષિણા મળી ગઇ.થોડા જ સમયમાં સત્સંગ અને સરળ ભક્તિના પ્રભાવથી બાળક ધન્નાજી પ્રભુને પ્રસન્ન કરવા સમર્થ બની ગયા.

 

બ્રાહ્મણોના ગયા પછી ધન્નાજીએ ભગવાનની પૂજા કરીને ભોગ લગાવ્યો પરંતુ ભગવાને ભોજન ના આરોગ્યુ.ભગવાનના ભોજન કરવાની રાહ જોઇને ધન્નાજી ત્રણ દિવસ ભૂખ્યા-તરસ્યા રહે છે.જ્યારે તેમનું દુઃખ અસહનીય બની ગયું ત્યારે ભગવાને પ્રગટ થઇને ભોજનનો સ્વીકાર કર્યો.ત્યારબાદ જ્યારે ધન્ના ગાયો ચરાવવા જાય છે ત્યારે બપોરનું ભાથું સાથે લઇને જાય છે અને જમવા બેસે છે ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થઇને તેની સાથે ભોજન કરે છે.જ્યારે બીજા વર્ષે કુલગુરૂ તેમના ઘેર આવીને શાલીગ્રામની પૂજાના વિશે પુછે છે ત્યારે ભોળા સ્વભાવના ધન્નાજીએ ભગવાન દ્વારા તેમની સાથે ભોજન કરવાની વાત કહે છે.આ સાંભળીને કુલગુરૂએ પણ ભગવાનના દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી તો ધન્ના જાટ તેમને પણ જંગલમાં લઇ જાય છે પરંતુ કુલગુરૂને ભગવાનનાં દર્શન થતાં નથી. ત્યારબાદ ભગવાનની પ્રેરણાથી તેઓ રામાનંદ સ્વામીને ગુરૂ બનાવવા માટે કાશી જાય છે અને તેમને ગુરૂ બનાવ્યા બાદ તેઓ પરત ખેરાગઢ આવીને ભક્તિભાવમાં લાગી જાય છે.

 

ધન્નાજી એક રહસ્યવાદી કવિ અને વૈષ્ણવ ભક્ત હતા જેમના ત્રણ ભજન આદિગ્રંથમાં છે.તે કૃષ્ણ ભક્ત હતા.તેમના જન્મને લઇને અનેક મતભેદ છે.એક માન્યતા અનુસાર તેમનો જન્મ રાજસ્થાનના ટોંક જીલ્લાના દૂની પાસેના ધુવા ગામમાં હિન્દુ-ઘાલીવાલ જાટ પરિવારમાં ઇસ્વીસન ૧૪૧૬માં થયો હતો.ધન્ના જાટનું નામ મુખ્ય સંતોની યાદીમાં લેવામાં આવે છે.તેઓ સંત રામાનંદના શિષ્ય હતા.

 

આજે તેમના જન્મસ્થાનની જગ્યાએ તેમનું મંદિર અને ગુરૂદ્વારા બનાવવામાં આવેલ છે.હિન્દુ અને શિખધર્મના લોકોમાં તેમના પ્રત્યે ઘણી જ ઉંડી આસ્થા છે.આ મંદિરથી થોડે દૂર જ અરવલ્લીની પહાડીયો છે જ્યાં ધન્ના ભગતજી જે ગુફામાં તપસ્યા કરતા હતા ત્યાં ભગવાન શિવનું પ્રાચિન મંદિર છે જ્યાં ધુંધલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.શિખ ધર્મના ગ્રંથોમાં પણ ધન્ના ભક્તનું વર્ણન છે.ભક્ત ધન્નાજીએ લગ્ન કર્યું નહોતું કે કોઇ પંથ પણ ચલાવેલ નથી.ધન્ના જેવી ભક્તિ સંસારમાં કોઇ વિરલાને જ પ્રાપ્ત થાય છે.જો પુરી તલ્લિનતાથી પ્રભુ પરમાત્માને પોકાર કરવામાં આવે તો પ્રભુ પણ ભક્ત પાસે આવવા માટે વિવશ બની જાય છે તેવી પ્રેરણા આપણે ધન્ના ભગતના જીવનમાંથી લેવી જોઇએ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment