Monday 10 June 2024

બોધકથા..ચમત્કારીક તાવીજ

 

બોધકથા..ચમત્કારીક તાવીજ

 

એક ગામમાં સુમિત નામનો નવયુવક રહેતો હતો.તે ઘણો જ મહેનતું હતો પરંતુ તેના મનમાં હંમેશાં એક શંકા રહેતી હતી કે તે પોતાના કાર્યક્ષેત્રમાં સફળ થશે કે નહી? ક્યારેક તો આ ચિંતાના કારણે આવેશમાં આવીને બીજાઓ ઉપર ક્રોધ કરી બેસતો હતો.એક દિવસ તેના ગામમાં એક પ્રસિદ્ધ મહાત્મા આવે છે.ખબર મળતાં જ સુમિત મહાત્માના દર્શન કરવા પહોંચી જાય છે અને કહે છે કે મહાત્માજી..હું સખત મહેનત કરૂં છું,સફળતા મેળવવા તમામ પ્રયત્નો કરૂં છું તેમ છતાં મને સફળતા મળતી નથી.કૃપા કરીને આપ આનો ઉપાય બતાવો.

 

મહાત્માજીએ ર્હંસીને કહ્યું કે બેટા..તમારી સમસ્યાનું સમાધાન આ ચમત્કારી તાવીજમાં છે.મેં તેની અંદર કેટલાક મંત્ર લખીને મુક્યા છે કે જેનાથી તારી તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે,પરંતુ તેને સિદ્ધ કરવા માટે તારે એક રાત્રી એકલા સ્મશાનમાં પસાર કરવી પડશે.સ્મશાનનું નામ સાંભળીને સુમિતનો ચહેરો પીળો પડી જાય છે અને ફફડતાં ફફડતાં કહે છે કે હું આખી રાત્રી એકલો સ્મશાનમાં કેવી રીતે રહી શકીશ ? ત્યારે મહાત્મા કહે છે કે ઘભરાશો નહી..આ કોઇ મામૂલી તાવીજ નથી,આ તાવીજ તમોને તમામ પ્રકારના સંકટોથી બચાવશે.

 

સુમિતે આખી રાત સ્મશાનમાં પસાર કરી અને સવાર થતાં જ મહાત્મા પાસે આવીને કહે છે કે હે મહાત્મન્..આપ મહાન છો,ખરેખર આ તાવીજ દિવ્ય છે નહી તો મારા જેવા ડરપોક સ્મશાનમાં રાત્રે રહેવાનું તો દૂર પરંતુ સ્મશાનમાં એકલો જઇ પણ ના શકું.હવે હું નિશ્ચિંતરૂપે સફળતા પ્રાપ્ત કરી શકીશ.

 

આ ઘટના પછી સુમિત બિલ્કુલ બદલાઇ ગયો.હવે તે જે કંઇ કામ કરતો હતો તેમાં તેને વિશ્વાસ આવી જતો કેમકે તે માનતો હતો કે તાવીજની શક્તિના કારણે તે સફળ થતો હતો અને ધીરેધીરે તેની ગણતરી નગરના સૌથી  સફળ લોકોમાં થવા લાગી.આ ઘટનાના એક વર્ષ પછી તે મહાત્મા નગરમાં પધારે છે.સુમિત તુરંત જ મહાત્માના દર્શન કરવા જાય છે અને તેમના દ્વારા આપવામાં આવેલ ચમત્કારીક તાવીજના ગુણગાન કરે છે.

 

ત્યારે મહાત્મા કહે છે કે બેટા..જરા તાવીજ ખોલીને મને આપો? મહાત્માએ તાવીજ હાથમાં લઇને તેને ખોલ્યું અને ખોલતાં સુમિતના હોંશ ઉડી જાય છે કેમકે તાવીજમાં કોઇ મંત્ર-તંત્ર લખેલ ન હતા પરંતુ તે એક ફક્ત ધાતુનો ટુકડો હતો.

 

સુમિત કહે છે કે મહાત્મા આ શું છે? આ તો મામૂલી તાવીજ માત્ર છે તો મને સફળતા કેવી રીતે મળી? ત્યારે મહાત્મા કહે છે કે તું સાચું કહે છે,તને સફળતા આ તાવીજથી નહી પરંતુ તારા વિશ્વાસની શક્તિએ આપી છે.માનવને ભગવાને એક વિશેષ શક્તિ આપીને અહી મોકલ્યા છે અને તે છે વિશ્વાસની શક્તિ..ઘણીવાર તમોને પોતાની જાત ઉપર વિશ્વાસ ન હોવાથી તમારા કાર્યક્ષેત્રમાં સફળ થતા નથી કારણ કે તમોને તમારી જાત ઉપર વિશ્વાસ નહોતો પરંતુ જ્યારે આ તાવીજના કારણે તમારી અંદર વિશ્વાસ પૈદા થયો અને તેથી તમે સફળ થયા હતા એટલે હવે આ તાવીજ ઉપર વિશ્વાસ કરવાના બદલે પોતાના કર્મ ઉપર,પોતાના વિચારો ઉપર અને પોતાના નિર્ણયો ઉપર વિશ્વાસ કરતા શીખો અને એ વાતને સમજો કે જે કંઇ થઇ રહ્યું છે તે સારા માટે થઇ રહ્યું છે.આમ કરવાથી તમે નક્કી સફળતાના શિખર સુધી પહોંચી જશો.

 

સુમિત મહાત્માની વાત ગંભીરતાથી સાંભળી રહ્યો હતો અને તેને ઘણી મોટી શીખ મળી હતી કે કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે પોતાના પ્રયત્નો ઉપર વિશ્વાસ કરવો પડશે.જે પોતાની જાત ઉપર વિશ્વાસ કરી લે છે તેને સો ટકા સફળતા મળે છે.સફળતાનો સીધો સબંધ આપણી અંદરના વિશ્વાસ ઉપર આધારીત છે.જો અમોને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય તો હાથ ઉપર અલગ અલગ પત્થરની વિટીંઓ પહેરવાની જરૂરત નથી,માળા કે તાવીજ પહેરવાની જરૂર નથી.બસ મનમાં વિશ્વાસ હોવો જોઇએ કે આપ આ કાર્ય કરી શકો છો,સફળ થઇ શકો છો અને સફળ બની શકો છો.વિશ્વાસ રાખો..આગળ વધો અને સફળતા મેળવો.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

No comments:

Post a Comment