Monday, 10 June 2024

ભીમપૌત્ર બર્બરીક એ જ ખાટુશ્યામ/બળિયાદેવ તરીકે પૂજાય છે.

 

ભીમપૌત્ર બર્બરીક એ જ ખાટુશ્યામ/બળિયાદેવ તરીકે પૂજાય છે.

 

 

બર્બરીકની કથા મહાભારતમાં આવતી નથી પરંતુ લોકકથાઓના રૂપમાં તે ઘણી જ પ્રચલિત છે. બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો, એની માતા મૌર્વિ હતી,તે ખુબ બળવાન હતો.બર્બરીક ગુરૂ વિજય સિદ્ધસેનનો શિષ્ય હતો જેણે આકરી તપસ્યા કરીને માતા કામાક્ષી દેવીને પ્રસન્ન કર્યા હતા.દેવીએ વરદાન સ્વરૂપે બર્બરીકને ધનુષ અને ત્રણ અજેય બાણ આપ્યા હતા.આ ત્રણ બાણો દ્વારા તે યુદ્ધને ક્ષણવારમાં પુરૂ કરી શકે તેમ હતો.

 

ગુરૂ વિજય સિદ્ધસેને બર્બરીક પાસે ગુરૂદક્ષિણામાં માંગ્યું હતું કે તે યુદ્ધમાં એવા પક્ષ તરફથી જ લડશે કે જે યુદ્ધમાં કમજોર હશે.ભગવાન શ્રીકૃષ્ણ આ વાત જાણતા હતા અને જો આમ થાય તો મહાભારતના યુદ્ધનો વાસ્તવિક ઉદ્દેશ્ય જ પુરો થઇ જશે.જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને સામે મળે છે અને બર્બરીકને પોતાની યુદ્ધકળા અને સિદ્ધિઓ બતાવવાનું કહે છે.શ્રીકૃષ્ણે બર્બરીકને પડકાર આપતાં કહ્યું કે તમે જે પીપળાના ઝાડ નીચે ઉભા છો તેના તમામ પાંદડાને વિંધી બતાવો તો હું તમારી સિદ્ધિને સત્ય માનું.બર્બરીકે આ પડકારનો સ્વીકાર કર્યો અને પોતાના ગુરૂનું ધ્યાન કરીને પહેલું તીર ચલાવ્યું જેણે પીપળાના દરેક પાંદડાને લક્ષ્ય બનાવ્યું.તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકની જાણ બહાર પીપળાનું એક પાંદડું પોતાના પગ નીચે દબાવી દીધું.બર્બરીકે માતા કામાક્ષી દેવીનું ધ્યાન ધરીને બીજું તીર ચલાવ્યું.તીર ચલાવતાંની સાથે જ પીપળાના તમામ પાંદડા વિંધાઇ ગયા તથા ભગવાન શ્રીકૃષ્ણના પગ અને પગ નીચેના પાંદડાને વિંધીને પાછું ભાથામાં આવી જાય છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકને પુછ્યું કે તેઓ યુદ્ધમાં કોના તરફથી યુદ્ધ કરવાના છો? ત્યારે તેમને કહ્યું કે તેઓ પોતાના ગુરૂની આજ્ઞાનુસાર જે પક્ષ કમજોર હશે તેના તરફથી લડશે.હાલમાં પાંડવ પક્ષ કમજોર છે એટલે તે પાંડવોના પક્ષે યુદ્ધ કરશે.ભગવાને તેમને પુછ્યું કે જો કૌરવ પક્ષ કમજોર થશે તો? ત્યારે બર્બરીક કહે છે કે તે ગુરૂની આજ્ઞાનુસાર કૌરવ પક્ષ તરફથી લડશે.ત્યારે ભગવાન કહે છે કે જો તૂં આમ કરીશ તો તૂં એકલો જ જીવિત રહેશે કેમકે બાકીના બધાનો તો વિનાશ થઇ જશે.

 

ભગવાન શ્રીકૃષ્ણ તેને પુછે છે કે તારા ગુરૂ કોન છે? ત્યારે બર્બરીક કહે છે કે તમે જ મારા ગુરૂ છો. ભગવાન શ્રીકૃષ્ણ તેની પાસે ગુરૂદક્ષિણા તરીકે તેના શિશનું દાન માંગ્યું.બર્બરીકને ગુરૂદક્ષિણા આપવામાં કોઇ સંકોચ નહોતો પરંતુ આ ભીષણ મહાયુદ્ધ જોવાની ઇચ્છા વ્યક્ત કરી.ભગવાને આશ્વાસન આપતાં કહ્યું કે તારૂં મસ્તક કપાયા પછી પણ તમે શરૂઆતથી અંત સુધી મહાભારતના યુદ્ધને જોઇ શકશો.

 

બર્બરીકે તલવારથી પોતાનું મસ્તક કાપીને ભગવાનના ચરણે ધર્યું.ભગવાને તેમના મસ્તક ઉપર અમૃત છાંટીને તેને સજીવન કર્યું અને કુરૂક્ષેત્રમાં આવેલ યુદ્ધના મેદાનના મધ્યમાં આવેલ વધસ્તંભ ઉપર મૂકી દીધું કે જ્યાંથી તે સમગ્ર યુદ્ધ જોઇ શકે.જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે અહંકારના કારણે પાંડવ પક્ષના કેટલાક યોદ્ધાઓ વચ્ચે વિવાદ થયો કે યુદ્ધમાં તેમનો ફાળો અગત્યનો હતો.બધાએ આ સમસ્યાના સમાધાન માટે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે બર્બરીકના મસ્તકે સમગ્ર યુદ્ધને જોયું છે જેથી આપણે તેમને આ બાબતે પુછીએ.ત્યારે બર્બરીક કહે છે કે સંપૂર્ણ યુદ્ધમાં મેં ફક્ત ભગવાનના સુદર્શન ચક્રને જ ફરતું જોયું છે.બધા યોદ્ધાઓનો સંહાર સુદર્શન ચક્રએ જ કર્યો છે.આ સાંભળીને તમામ યોદ્ધાઓનો ગર્વ ઉતરી જાય છે.ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકના મસ્તકને ઘડ સાથે જોડીને સજીવન કર્યું અને વરદાન માંગવાનું કહેતાં બર્બરીકે કહ્યું કે આ યુદ્ધ જોયા પછી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે તેથી હવે મારે જંગલમાં જઇ  સંન્યાસી જીવન જીવવું છે, ભગવાને તથાસ્તુ કહી તેને અમરતાના આર્શિવાદ આપ્યા.

 

વર્તમાન સમયમાં પણ રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં બર્બરીકની ખાટુશ્યામ તરીકે પૂજા થાય છે અને ગુજરાતમાં તે બળિયાદેવ તરીકે પૂજાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment