Monday, 10 June 2024

સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા પરમાત્માનું ધ્યાન જરૂરી છે.

 સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા પરમાત્માનું ધ્યાન જરૂરી છે.

 

પ્રત્યેક વસ્તુમાં પોતપોતાનો ગુણ હોય છે.જ્યારે આપણે કોઇ વસ્તુ કે વ્યક્તિનું ચિંતન કરીએ છીએ અથવા તેની સાથે સબંધ જોડીએ છીએ ત્યારે તેનો પ્રભાવ આપણી ઉપર પડતો હોય છે.જો આપણે આપણા મિત્રનું ચિંતન કે સ્મરણ કરીએ તો આનંદ આવે છે અને જો શત્રુનું ચિંતન કે સ્મરણ કરીએ તો આપણામાં દુઃખ અને તનાવ વધશે.તેવી રીતે જ જો આપણે અગ્નિનો સંપર્ક કરીશું તો આપણામાં અગ્નિનો ગુણ ગરમી પ્રાપ્ત થાય છે.જો પાણીથી સ્નાન કરીશું તો પાણીનો ગુણ ઠંડક પ્રાપ્ત થાય છે.

 

આ નિયમ અનુસાર જો અમે સાંસારીક વસ્તુઓનું ચિંતન કરીશું તો..મારે ધન જોઇએ,સન્માન જોઇએસારી મોંઘી મોટરગાડી જોઇએ વગેરે..સાંસારીક પદાર્થોનો પ્રભાવ આપણી ઉપર પડે છે અને તેની જગ્યાએ અમે ઇશ્વર પ્રભુ પરમાત્માનું ચિંતન કે સ્મરણ કરીશું તો ઇશ્વર ઘણા સારા છે,સૌથી ઉત્તમ છેતમામના રક્ષક છે,અમારા પણ રક્ષક છે.તમામને જ્ઞાનબળ અને આનંદ આપે છે અને તમામને ન્યાયપૂર્વક આપે છે.તે સજ્જનોની રક્ષા કરે છે અને દુષ્ટોને દંડ આપે છે.તે માતાપિતાની સમાન તમામના હિતકારી છે. ગુરૂ સમાન તમામના માર્ગદર્શક છે.આમ જો આપણે ઇશ્વરનું ચિંતન કે સ્મરણ કરીશું તો તેનો પ્રભાવ નિશ્ચિંત રૂપથી આપણી ઉપર પડે છે.

 

કહેવાનો ભાવ એ છે કે જેટલો સમય સુધી અમે સાંસારીક વસ્તુઓનો વિચાર ચિંતન સ્મરણ કે કામના કરીશું એટલો સમય સુધી અમોને સાંસારીક વસ્તુઓના પ્રભાવથી ચિંતા તનાવ રાગ દ્વેષ અશાંતિ વગેરેનો અનુભવ થાય છે અને તેના સ્થાને જેટલો સમય સુધી અમે ઇશ્વરનું ચિંતન સ્મરણ કે તેમની સાથે સબંધ જોડવાની કામના કરીશું તો એટલા સમય માટે આપણને નિર્ભયતા શાંતિ આનંદ ઉત્સાહ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે.

 

હવે આપ બુદ્ધિમાન છો,પોતે વિચાર કરો,આપશ્રીને ક્યા ગુણોની પ્રાપ્તિ કરવી છે અને કોનું ચિંતન કરવું છેમનના ભાવો,વિચારો,ચિંતન અને મનની પ્રતિક્રિયા આપણા મન અને જીવન પર થતી હોય છે. માણસ પોતાના સંકલ્પો અને ભાવોની જ પ્રતિમૂર્તિ હોય છે. આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બની જઇએ છીએ. આપણે જેના પણ સંપર્કમાં આવીએ ત્યારે દરેક વ્યક્તિમાં પ્રભુદર્શન કરીએ. આમ કરવાથી તે વ્યક્તિ સાથેનો વ્યવહાર વધારે શુદ્ધસ્નેહમય બનશે.પ્રત્યેક વ્યક્તિને પરમાત્માનું સ્વરૂપ માનવાથી આપણે દરેકની સાથે છળકપટથી રહિતનીતિ તેમજ ન્યાયયુક્ત વ્યવહાર કરી શકીશું. સૌમાં ઈશ્વર છે અથવા તો સૌ કોઈ ઈશ્વરમય છે એવી સમજ આ૫ણા વ્યવહારને મંગલમય બનાવે છે.

 

આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન ને જ માનવામાં આવ્યું છે.મન નિર્વિષય બને તો મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો બંધનનું કારણ બને છે પણ એ જ મન જો પરમાત્મામાં અનુરાગી બને તો મોક્ષનું કારણ બને છે.આ મન જ્યારે હું-પણા મારા-પણાનું કારણ એવા કામ ક્રોધ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઇ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છુટીને સમ-અવસ્થામાં આવી જાય છે.જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે તે જ મન મુક્તિ આપે છે.

 

ભગવાન ગીતામાં કહે છે કેઃજે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતાં નિષ્કામભાવે ભજે છે,એ નિરંતર મારૂં ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરૂં છું.

 

વિદ્રાનોએ આ શરીરને પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર તેમજ નાશવાન બતાવ્યું છે.એક ક્ષણ પછી આ જીવન રહેશે કે કેમતેનું કોઇ પ્રમાણ નથી એટલે કે તમામ પ્રાણીઓનું જીવન પ્રતિક્ષણ વિનાશની તરફ જઇ રહ્યું છે એટલે મનુષ્યએ નિરંતર પ્રભુ પરમાત્મામનું જ ચિંતન કરવું જોઇએ.ધર્મકાર્ય-સત્કાર્યને કાલ ઉ૫ર કયારેય ના છોડવું.કાલે કરવાનું કામ આજે જ કરી નાખવું કારણ કે મૃત્યુ એ નથી જોતું કે તેનું કામ હજુ પુરું થયેલ નથી.માનવ ભાવી આયોજનો કરતો રહે છે અને મૌત તેને લઇને ચાલ્યું  જાય છે.મન અત્યંત ચંચળ છે.આ ક્ષણે તે જે વિચાર કરે છે,બીજી જ ક્ષણે તે બદલાઇ જાય છે એટલે જે ક્ષણે સારો વિચાર આવે તેને તે જ ક્ષણે કાર્યરૂ૫ આપી સં૫ન્ન કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરવો જોઇએ.

 

ધનની ચિંતા અને ધનનું ચિંતન એ જ સર્વસ્વ નથી,ફક્ત વાસનાપૂર્તિ માટે જ માનવશરીર મળ્યું નથી.જેવી રીતે ભમરી એક કીડાને લાવીને દિવાલમાં પોતાના બનાવેલ ઘરમાં બંધ કરીને ડંખ માર્યા કરે છે.કીડાને ભય હોય છે કે ભમરી મને ખાઇ જશે,આવા ભયથી તે સતત ભમરીનું જ ચિંતન કરે છેઆમ સતત ચિંતનથી કીડો પોતાના ૫હેલાંના શરીરનો ત્યાગ કર્યા વિના જ ભમરી બની જાય છે.આમ "જો પ્રાણી સ્નેહથી-દ્રેષથી અથવા ભયથી ૫ણ જો જાણી જોઇને એકાગ્રરૂ૫થી પોતાનું મન તેમાં લગાવી દે તો તેને ચિંતન અનુસાર તે વસ્તુ જ વ્યક્તિનું સ્વરૂ૫ પ્રાપ્ત થઇ જાય છે.જીવનમાં ચિંતન ઘણું જ મહત્વનું છે.જેવું ચિંતન કરીશું તેના જેવા થઇ જઇશું.આ ચિંતનમાં આ૫ણે કોનું અને કેટલું ચિંતન કરીએ છીએ તે અગત્યનું છે.૫વિત્ર વાતોનું ચિંતન કરવાથી જીવન બદલાય છે.

 

વારંવાર વિષયોનું સેવન કરતા રહેવાથી ચિત્ત તે વિષયમાં ઘુસી જાય છે.આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ વિકલ્પ કરવાથી જ પૈદા થાય છે.સાધકે ૫રમાત્મામાં તન્મય થઇને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું.સાધકે તૃષ્ણારહીત થઇને વિષયો ૫રથી દ્દષ્ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઇએ.

 

ગીતા કહે છે કે જે કર્મેન્દ્દિયોને (બધી ઇન્દ્દિયોને) બળ પૂર્વક રોકીને મનથી ઇન્દ્દિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્યા મિથ્યા આચરણ કરવાવાળો કહેવાય છે.(ગીતાઃ૩/૬)

 

બુધ્ધિના દ્રારા મનને સંયમિત કરી તમામ પ્રાણીઓમાં સ્થિત ૫રમાત્મામાં લગાવવું. મિથ્યા ૫દાર્થોનું ચિંતન ન કરવું. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા જ સૌથી મોટી ત૫સ્યા છે.મન સહિત ઇન્દ્રિયોને રોકવી એ જ યોગ છે.

 

મન અતિ ચંચળ છે અને વિષયોની તરફ દોડતું રહે છે,તેના ઉ૫ર સતત નજર રાખીને જયારે જયારે તે સાંસારીક પ્રપંચની તરફ જાય ત્યાારે તેને ત્યાંથી હટાવીને પ્રભુ ૫રમાત્માના ચિંતનમાં લગાડવું જોઇએ.વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થઇ જાય છેઆસક્તિના કારણે જીવ પ્રભુ ૫રમાત્માથી વિમુખ બની જાય છે.

 

મનને પ્રભુ પરમાત્માપના ચરણારવિંદમાં જોડીને નિરંતર નામ સુમિરણ કરતાં કરતાં સાંસારીક કાર્યો કરવાં જોઇએ.પરમગતિ (મોક્ષ) પ્રાપ્ત કરવા માટે હંમેશાં પ્રભુ ૫રમાત્માનું ચિંતન જ શ્રેષ્ઠ ઉપાય છે.

 

જો આ૫ણને શંકા થાય કે ભગવાન સુલભ છે પરંતુ તેમનું ચિંતન સુલભ નથી પરંતુ એવી વાત નથી કારણ કેઃજયારે આ૫ણને નિરંતર ચિંતનથી ભગવાનની સુલભતાનો અનુભવ થઇ જાય છે તો ચિંતન ૫ણ સરલ બની જશે અને જો ચિંતન ના થાય તો સમજવાનું કેઃ આ૫ણામાં શ્રધ્ધા ની ખામી છે.

 

વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યની તે વિષયમાં આસક્તિ પેદા થઇ જાય છે.આસક્તિથી કામના પેદા થાય છે.કામનાથી ક્રોધ પેદા થાય છે.ક્રોધથી સંમોહ (મૂઢભાવ) થઇ જાય છે,સંમોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઇ જાય છે,સ્મૃતિ ભ્રષ્ટ થઇ જવાથી બુધ્ધિનો નાશ થઇ જાય છે.બુધ્ધિનો નાશ થવાથી મનુષ્યેનું ૫તન થઇ જાય છે. (ગીતાઃ૨/૬૨-૬૩)

 

અંતકાળમાં મનુષ્ય જે જે ભાવનું ચિંતન કરતો રહીને શરીરનો ત્યાગ કરે છે તે તે ભાવને જ પ્રાપ્ત  થાય છે.પોતાના વિવેકથી ૫રીણામ ૫ર વિચાર કરી તેમને ક્ષણભંગુર નાશવાન અને દુઃખરૂ૫ જાણીને એ વિષયોનો ત્યાગ કરી દેવો જોઇએ.વિષયોમાં સૌદર્ય અને આકર્ષણ પોતાના રાગના કારણે જ દેખાય છે,એટલા માટે વિષયોમાં રાગનો ત્યાગ જ વાસ્તવિક ત્યાગ છે.વિષયો વિષયુક્ત લાડુ સમાન છે.દોષમાં વિષયો કાળા સર્પના વિષથી ૫ણ વધુ તીવ્ર છે કેમ કે વિષ તો ખાવાવાળાને જ મારે છે પરંતુ વિષયોને આંખથી દેખવાવાળાને ૫ણ છોડતા નથી.

 

એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ મોહ ૫માડે છે.ધર્મશાસ્ત્રોમાં માતા બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.સંસારમાં વાસ કરવાથી વિષયો તરફ મન વળે છે,તેથી મનુષ્યે વારંવાર ચૌરાશીના ફેરામાં અટવાયા કરે છે.એકાંતમાં રહેવાથી મન તમામ ઉપાધિઓથી મુક્ત થાય છે અને કોઇપણ પ્રકારની વાસના તેને થવા પામતી નથી. સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ કારણ કે વાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય છે.ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.

 

શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે "જે અનન્ય ભક્તો મારૂં ચિંતન કરતા રહીને મારી ઉપાસના કરે છે,મારામાં નિરંતર લાગેલા તે ભક્તોના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ  અને પ્રાપ્તિની રક્ષા) હું વહન કરૂં છું." જે કંઇ જોવા,સાંભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે તમામ ભગવાનનું જ સ્વરૂ૫ છે અને તેમાં જે કંઇ ૫રીવર્તન અને ચેષ્ટા થઇ રહ્યાં છે તે તમામ ભગવાનની લીલા છે એવું જે દ્દઢતાથી માની લે છે અને સમજી લે છે તેમને ભગવાન સિવાય ક્યાંય મહત્વબુદ્ધિ થતી નથી.તેઓ ભગવાનમાં જ લાગેલા રહે છે એટલા માટે તેઓ અનન્ય છે.ફક્ત ભગવાનમાં જ મહત્તા અને પ્રીતિ હોવાથી તેમના દ્વારા આપોઆ૫ ભગવાનનું જ ચિંતન થાય છે.

 

જો મન સ્ત્રી કે પુરૂષની ઉ૫ર લાગશે તો કામ વધશેધનનું ચિંતન કરીશું તો લોભ વધશે અને શત્રુનું ધ્યાન કરીશું તો વેર-દ્વેષ ઇર્ષ્યા વધશે એટલે તો નારદભક્તિસૂત્ર(૬૩)માં કહ્યું છે કે સ્ત્રીધનનાસ્તિક ચરીત્રં ન શ્રવણીયમ્.. સ્ત્રી ધન નાસ્તિક અને વૈરીનું ચરિત્ર સાંભળવું જોઇએ નહી.

 

જીવ અજ્ઞાનથી અનેક પ્રકારનાં કષ્ટો ભોગવતો રહી મનુષ્ય શરીરમાં પડ્યો રહે છે.છે.વાસ્તવમાં તો તે નિર્ગુણ છે પરંતુ પ્રાણ,ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપીત કરીને હું-મારાપણાના અભિમાન થી બંધાઇને વિષયોનું ચિંતન કરતો રહીને જાત જાતના કર્મો કરતો રહે છે.આ જીવ પરમાત્માનો સનાતન અંશ હોવાછતાં જ્યાંસુધી કોઇ ક્ષોત્રિય બ્રહ્મનીષ્ઠ સદગુરૂના માધ્યમથી પ્રભુ પરમાત્માને જાણતો નથી ત્યાં સુધી પ્રકૃતિના ગુણોમાં બંધાયેલો રહે છે..સંસારના ચિંતનથી બગડેલા મનને સુધારવા માટે પરમાત્માના ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

 

આલેખનઃ                                     

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment