Saturday, 22 June 2024

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

 

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ એકમ દેવર્ષિ નારદનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે.આજે નારદ મુનિ અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ..દેવર્ષિ નારદ ભક્તિના પ્રધાન આચાર્ય છે.તેમનું કાર્ય હંમેશાં શ્રીહરિના ગુણાનુવાદ કરવા તથા જીવોને શ્રીહરિના ચરણકમળોમાં પ્રેરિત કરવાનું છે.નારદજી હંમેશાં માનવમાત્રના મનમાં ભક્તિનો સંચાર કરવા માટે પોતાની વીણા ઉપર શ્રીલક્ષ્મી-નારાયણના ગુણોનું સંકિર્તન કરતાં કરતાં ત્રણે લોકોમાં વિચરણ કરે છે. તેમને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ કારણ કે તેમના મુખેથી સતત "નારાયણ" ના નામનું જ રટણ થતું રહે છે.તેઓ મહત્વની માહિતી-સંદેશાઓનું આદાન-પ્રદાન પણ કરતા રહે છે.

શ્રીમદ્ ભાગવતગીતાના દસમા અધ્યાયના ૨૬મા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણજીએ નારદજી માટે કહ્યું છે કે દેવર્ષિણામ્ ચ નારદઃ એટલે હું દેવર્ષિઓમાં નારદ છું.દેવર્ષિઓ કેટલાય છે પરંતુ દેવર્ષિ નારદ એક જ છે.એ ભગવાનના મનના અનુસાર ચાલે છે અને ભગવાનને જેવી લીલા કરવાની હોય છે,તેઓ પહેલેથી જ તેવી ભૂમિકા તૈયાર કરી દે છે એટલા માટે નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે.નારદજી ખૂબ જ જ્ઞાની હતાં તેથી તેમની વાત ઉપર મનુષ્ય દેવતા અસુર નાગ વગેરે બધા જ વિશ્વાસ કરે છે,બધા જ તેમની વાત માને છે અને તેમની પાસેથી સલાહ લે છે.મહાભારત વગેરે ગ્રંથોમાં એમના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.અહી ભગવાને એમને પોતાની વિભૂતિ ગણાવી છે આમ દેવર્ષિ નારદ સ્વયં ભગવાન વિષ્ણુનો જ અવતાર છે.

 

નારદ મુનિ બ્રહ્માના માનસ પુત્ર છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી થયેલો.તેઓ ત્રણે લોકમા મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારી તરીકે પણ પ્રસિદ્ધ છે.તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે.વળી તેમના નટખટ સ્વભાવને પરિણામે કલહ્ થતો હોવાથી તેમને કલહપ્રિયનુ બિરૂદ પણ મળેલ છે.વૈષ્ણવ સંપ્રદાયમાં નારદ મુનિનુ એક આગવું સ્થાન છે.નારનો અર્થ થાય છે જળ.નારદજી જ્ઞાન-જળ અને તર્પણ કરવાનું કામ કરે છે એટલે જ તે નારદના નામથી ઓળખાય છે.

 

 

પૂર્વ કલ્પમાં નારદજી ઉપવર્હણ નામના એક ગંધર્વ હતા.એકવાર બ્રહ્મલોકમાં તમામ ગંધર્વો અને  કિન્નરો શ્રીહરિના ગુણ-સંકિર્તન માટે એકત્રિત થયા હતા.ઉપવર્હણ પણ ત્યાં ગયા હતા પરંતુ પોતાના રૂપ સૌદર્યના અભિમાનમાં ભાન ભૂલીને તે પોતાની સુંદરીઓને પણ સાથે લઇ ગયા હતા.ભગવાનના ગુણાનુવાદમાં શારીરિક સૌદર્ય અને રૂપની શું કિંમત? આવા પ્રસંગે સ્ત્રીઓને શૃંગાર ભાવનાથી સાથે લઇ જવી બહુ મોટો અપરાધ છે તેથી ઉપવર્હણનો આ પ્રમાદ જોઇને બ્રહ્માજીએ તેને શૂદ્ર-યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો.

 

 

મહાપુરૂષોનો ક્રોધ પણ કલ્યાણકારક હોય છે એટલે આ શ્રાપના ફળસ્વરૂપ તેમનો એક એવી શૂદ્ર દાસીના પૂત્રરૂપે જન્મ લીધો કે જે વેદવાદી-સદાચારી બ્રાહ્મણોની સેવામાં લાગેલાં હતાં.દાસીના ઘેર પૂત્રરૂપે જન્મ લેવા છતાં તેમનામાં શીલ-સમાનતા વગેરે સદગુણો સ્વાભાવિક રીતે હતા.જ્યારે આ બાળકની ઉંમર પાંચ વર્ષની થઇ ત્યારે તેની માતાના કોઇ સબંધીઓ જીવીત રહ્યા નહતા.તે સમયે વર્ષાઋતુમાં કેટલાક સંતો ત્યાં ચાર્તુમાસમાં રહ્યા હતા.બાળકની માતા સંતોની સેવામાં લાગેલા હતા તથા બાળક પણ સંતોની સેવા કરતો હતો અને સંતોના મુખારવિંદથી વહેતી ભગવાનની જ્ઞાનચર્ચા સાંભળતો હતો.

 

ચાર્તુમાસ પુરો થતાં તમામ સંતો જવા લાગ્યા ત્યારે તેમને દાસીના પૂત્રની નમ્રતાને જોઇને સંતોએ તેને ભગવાનના સ્વરૂપનું ધ્યાન તથા નામ-સુમિરણ કરવાનો આદેશ આપ્યો.સાધુ સંતોના ગયા બાદ કેટલાક દિવસો બાદ એક દિવસ તેમની માતા ગાયનું દૂધ દોહી રહ્યા હતાં તે સમયે તેમને સાપ કરડે છે અને મૃત્યુ પામે છે.માતાની મમત્વમયી વત્સલતાના સાંસારીક બંધનથી છુટીને આ બાળક એક પ્રભુ પરમાત્માના ભરોસે રહેવા લાગ્યો.

 

માતાના મૃત્યુ પછી નિરાધાર બનેલ બાળક ભગવાનના ભરોસે ગામ છોડીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે.ચાલતાં ચાલતાં બાળક થાકી જતાં રસ્તામાં આવતા એક સરોવરના કિનારે રોકાઇને શિતળ જળથી પોતાની તરસ છીપાવી સરોવરના કિનારે આવેલ પિપળાના વૃક્ષની છાયામાં બેસીને સાધુ સંતોએ બતાવેલ વિધિથી પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો.અચાનક તેના હ્રદયમાં ભગવાન પ્રગટ થાય છે અને એક દિવ્ય જ્યોતિથી તેનું અંતઃકરણ પ્રકાશિત થઇ ઉઠે છે પરંતુ આ પ્રકાશ વિજળીના ચમકારાની જેમ અદ્રશ્ય થઇ જાય છે જેથી બાળક વિહ્વળ બની જાય છે.બાળકની વિહ્વળતા જોઇને આકાશવાણી તેને સાંત્વના આપતાં કહે છે કે આ જન્મમાં તૂં મને જોઇ નહી શકે કારણ કે જેનું ચિત્ત પૂર્ણ નિર્મળ છે તે જ મારા દર્શનનો અધિકારી છે.તારા ઉપર મારી કૃપા કરીને એક ઝાંકી તને એટલા માટે બતાવી છે કે જેના દર્શનથી તારૂં મન મારામાં લાગી શકે.

 

બાળકે પોતાનું મસ્તક ભૂમિ ઉપર નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને તેમના ગુણ ગાતાં ગાતાં પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યો.પ્રારબ્ધકર્મ પુરૂં થતાં તેને પોતાના શરીરનો ત્યાગ કર્યો.ત્યારબાદ તે કલ્પમાં ફરીથી તેમનો જન્મ ના થયો અને કલ્પના અંતમાં તે બ્રહ્માજીમાં પ્રવિષ્ટ થઇ ગયા.સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીના મનથી તેમની ઉત્પત્તિ થઇ.હવે ભગવાન જે કંઇપણ કરવા ઇચ્છે છે તેવી જ તેમની ચેષ્ટા થવા લાગી અને તેમનું નામ નારદ પડ્યું.

 

દેવર્ષિ નારદના કાર્યો અને ગુણોનું સંકિર્તન ભલા કોન કરી શકે? પ્રહ્લાદને ભગવદભક્તિનો ગર્ભમાં જ ઉપદેશ નારદજીએ આપ્યો હતો.માતા-પિતાનો ત્યાગ કરીને ભગવાનની શોધમાં નીકળેલ બાળક ધ્રૃવને ભગવાનને પ્રાપ્ત કરવાની ઉપાસના અને પદ્ધતિ નારદજીએ જ બતાવી હતી.પ્રજાપતિ દક્ષના પૂત્રોને ભગવાનની ભક્તિના અધિકારી સમજીને તેમને વિરક્ત બનાવનાર પણ નારદજી હતા.ભગવાનની ભક્તિમાં દિવસ-રાત રત રહેનાર નારદજીને દક્ષ પ્રજાપતિએ બે ઘડીથી વધારે કોઇપણ જગ્યાએ ના રોકાવવાનો શ્રાપ આપ્યો હતો તેને પણ પ્રભુની કૃપા માનીને તેમને વરદાન સમજ્યું હતું.

 

અઢાર પુરાણોની રચના કર્યા પછી અશાંત ચિત્ત મહર્ષિ વેદવ્યાસને પરમાનંદ સ્વરૂપ શ્રીનંદનંદનની લોક મંગલકારી દિવ્ય લીલાઓને શ્રીમદ્ ભાગવદ્ પુરાણના રૂપમાં ગાયન કરવાનો ઉપદેશ આપીને તેમને કૃતાર્થ કર્યા હતા.ભગવાન નારાયણે નારદજીને 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ.આ વીણા વડે તેઓ રૂચાઓ-મંત્રો અને સ્તુતિઓ રચે છે.તેમણે ભક્તિયોગનુ નિરૂપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.

 

દેવર્ષિ નારદ મહાનગ્રંથોને રચનારા ભગવાન વેદવ્યાસ,વાલ્મિકી અને શુક્રદેવજીના ગુરૂ છે. નારદજીએ જ પ્રહલાદ ધ્રુવ રાજા અમ્બરીષ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપીને ભક્તિ માર્ગમાં પ્રેરિત કર્યા હતા.

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો જેના લીધે જન્મ રહિત,નિર્ગુણ અને રૂપરહીત અવ્યક્ત સચ્ચિદાનંદઘન બ્રહ્મ મનુષ્યરૂપે અયોધ્યાપુરીના રાજા થયા હતા અને શ્રાપના લીધે ભગવાન  શિવગણો રાવણ અને કુંભકરણ બને છે અને શ્રીહરિના હાથે મરીને પાછા ભગવાન શિવના ગણ બને છે જેની કથા સર્વવિદિત છે અને રામાયણમાં વર્ણિત છે.

 

દેવર્ષિ નારદ ભક્તિસૂત્રોના પ્રણેતા છે તેમને ૮૪ સૂત્રોમાં ભક્તિ વિશે વર્ણન કર્યું છે.જેમાં તેમને કહ્યું છે કેઃ ઇશ્વર સિવાઇના બીજા આશ્રયોના ત્યાગનું નામ અનન્યતા છે. પોતાના બધા કર્મો ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું જો થોડું ઘણું પણ વિસ્મરણ થાય તો વ્યાકુળતા વધે એનું નામ ભક્તિ છે. જ્ઞાન વિના એટલે કે ભગવાન છે એવું જાણ્યા વિના ભગવાનને કરેલો પ્રેમ એ તો ચારીત્રહીન સ્ત્રીના પ્રેમ સમાન છે. મહાપુરૂષોનો સંગ દુર્લભ અગમ્ય અને અમોઘ છે.ભગવાનની કૃપાથી જ મહાપુરૂષોનો સંગ મળે છે.ખરાબ વ્યક્તિના સંગનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.

 

ભક્તોએ સ્ત્રી,ધન,નાસ્તિક અને વૈરીનું ચરીત્ર ના સાંભળવું જોઇએ. અભિમાન દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ. બધા કર્મો અને ક્રિયાઓ ભગવાનને અર્પણ કર્યા પછી પણ કામ ક્રોધ અભિમાન વગેરે રહી ગયા હોય તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા. સુખ-દુઃખ ઇચ્છા લાભ વગેરેનો પૂર્ણ રીતે ત્યાગ થઇ જાય તેવા સમયની રાહ ના જોતાં અડધી ક્ષણ પણ ભજન પ્રાર્થના વિના વ્યર્થ વિતાવવો ના જોઇએ. સાધકે અહિંસા સત્ય શૌચ દયા આસ્તિકતા વગેરે આચરણીય સદાચારોનું સારી રીતે પાલન કરવું જોઇએ.

 

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment