Saturday, 15 June 2024

બોધકથા..ઇશ્વર બધાની પ્રાર્થના સાંભળે છે.

 

બોધકથા..ઇશ્વર બધાની પ્રાર્થના સાંભળે છે.

 

જ્યારે પણ ભગવાનને યાદ કરીએ,નામ સુમિરણ કરીએ ત્યારે એવું ન વિચારવું કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે કે નહી? જે સાચા દિલથી ભગવાનને યાદ કરે છે તેમની પ્રાર્થના ભગવાન સાંભળે છે.

 

ભગવાનના એક પરમ ભક્ત એકધાર્યા વીસ વર્ષથી શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરતા હતા.છેલ્લે ભગવાને તેમની પરીક્ષા કરવા માટે કહ્યું કે હે ભક્તરાજ ! તૂં વિચારતો હશે કે હું તારા ગીતાપાઠ કરવાથી ખુશ છું તો તે તારો વહેમ છે.હું તારા પાઠથી બિલ્કુલ ખુશ નથી,આવું સાંભળતાં જ ભક્ત નાચવા લાગ્યા.

 

ભગવાન કહે છે કે અરે ! મેં કહ્યું કે હું તારા પાઠથી ખુશ નથી તો પણ તૂં નાચી રહ્યો છે? ત્યારે ભક્ત કહે છે કે ભગવાન ! આપ ખુશ છો કે નહી તેનાથી મને કોઇ ફરક પડતો નથી પરંતુ હું તો એટલા માટે ખુશ છું કે કમ-સે-કમ હું જે પાઠ કરૂં છું તેની આપને ખબર છે મારો પાઠ આપ સાંભળી રહ્યા છો તેથી હું નાચું છું.આ છે ભક્તોનો ભાવ..જરા વિચારો..! જ્યારે દ્રોપદીએ ભગવાનને પોકાર્યા તો ભગવાને તેનો પોકાર નહોતો સાંભળ્યો? ભગવાને દ્રોપદીનો પોકાર સાંભળ્યો અને તેની લાજ પણ બચાવી હતી.

 

જ્યારે ગજેન્દ્ર હાથી મગરથી બચવા માટે ભગવાનને પોકાર કરે છે તો ભગવાને પોકાર નહોતો સાંભળ્યો? બિલ્કુલ સાંભળ્યો હતો અને ભગવાન ભોજન છોડીને આવી ગયા હતા.મીરાંબાઇ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના માટે ગાતાં હતાં ત્યારે ભગવાન ઘણા જ ધ્યાનથી સાંભળતા હતા.સંત સુરદાસજી જ્યારે ગાતા હતા ત્યારે પણ ભગવાન સાંભળતા હતા અને કબીરજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે કીડીના પગમાં નૂપુર વાગે છે તે પણ સાહેબ (ભગવાન) સાંભળે છે.એક કીડી કેટલી નાની હોય છે અને તેના પગમાં ઝાંઝર બાંધવામાં આવે તો તેનો અવાજ પણ ભગવાન સાંભળે છે.

 

ગજેન્દ્ર પશુ હતો.પ્રેમથી પોકારવાથી તેને ભગવાન મળ્યા હતા.તે ક્યાં તપશ્ચર્યા કરવા કે અષ્ટાંગયોગની સાધના કરવા ગયો હતો? ધ્રુવની ઉંમર કેટલી હતી? ગજેન્દ્રમાં કઈ વિદ્યા હતી? વિદુરની કઈ જાતિ હતી? ઉગ્રસેનમાં કયું પૌરૂષ હતું? કુબ્જા પાસે કયું રૂપ હતું? સુદામા પાસે કયું ધન હતું? છતાં આ બધા ભગવાનને મેળવી શકયા છે.ભક્તિપ્રિય પ્રભુ ફક્ત ગુણોથી નહિ પણ ભક્તિથી પ્રસન્ન થાય છે.

 

કાળના મુખમાંથી,મગરના મુખમાંથી એકમાત્ર શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે.જ્ઞાનચક્ર મળે તો આ મગર (કાળ) મરે છે.હાથીને મગરથી બચાવવા હાથણીઓએ અને બચ્ચાંઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ પ્રયત્ન કામ ના લાગ્યો,મગર હાથીને ઊંડા પાણીમાં લઇ જવા લાગ્યો.આ હવે મરશે જ એમ માનીને તેના સર્વે સ્નેહીજનો તેને છોડીને નાસી ગયાં.ગજેન્દ્ર હવે એકલો પડ્યો.એકલા પડે એટલે જ્ઞાન જાગ્રત થાય છે.જીવ નિર્બળ બને એટલે તે ઈશ્વરને શરણે જાય છે.ગજેન્દ્ર નિરાધાર થયો તેને ખાતરી થઇ કે હવે મારૂં કોઇ નથી એટલે ઈશ્વરને પોકારે છે.

 

જો આપણને લાગે કે ભગવાન અમારી પ્રાર્થના નથી સાંભળતા તો તે અમારો વહેમ છે અથવા આપણને ભગવાનના સ્વભાવની ખબર નથી.ક્યારેક પ્રેમથી ભગવાનને પોકારો,ભગવાનની યાદમાં આંસુ વહાવો તો ખરા ! સંતોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ફક્ત ભગવાન જ છે જે આપણી વાતને સાંભળે છે. કબીરદાસજી, તુલસીદાસજી, સુરદાસજી, મીરાંબાઇ જેવા અનેક સંતો થઇ ગયા જે ભગવાનની સાથે વાતો કરતા હતા અને ભગવાન તેમને સાંભળતા હતા,એટલે જ્યારે પણ ભગવાનને યાદ કરો,નામ સુમિરણ કરો ત્યારે એવું ના વિચારવું કે આપણી પોકાર ભગવાન સાંભળતા હશે કે નહી..? કોઇ શંકા ના કરશો,બસ હ્રદયથી પોકાર કરો તો આપણને લાગશે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળી રહ્યા છે.

 

સાંસારીક દ્રષ્‍ટ્રિથી નાનામાં નાનો વ્યક્તિ ૫ણ જે ભક્ત છે તો પ્રભુને પ્રાણ પ્રિય બની તમામ સુખોનો ભાગીદાર બને છે.જેમ ચંદ્રમા-ચકોર, પુષ્‍પ-ભમરો, દિ૫ક-પતંગિયું, જળ-માછલી..પોતાના ગુરૂ ચરણોમાં પ્રગાઢ પ્રેમ કરે છે.જેમ માછલી પાણી વિના ક્ષણભર રહી શકતી નથી તેવી જ રીતે ભક્ત પણ પ્રભુ વિના પલભર રહી શકતા નથી.ચાતક જેમ સ્વાતિ બુંદ માટે લાલાયિત રહે છે તેમ ભક્ત ૫ણ પ્રભુદર્શનની ઝલક માટે તડપે છે.મહેંદી જેમ પોતાનો રંગ જીવનના અંત સુધી છોડતી નથી તેમ ભક્ત હરિના પ્રેમને ત્યાગ કરતો નથી.

 

દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે, ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે, વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે, દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે. માંગવું અને મરવું બરાબર છે,બીજી તરફ માંગ્યા વિના તો માં ૫ણ ના પિરસે..આ બે વિરોધાભાસી વાતો છે.મને આટલું આપો એવી ભાવનાથી વારંવાર માંગણી કરવી તેને પ્રાર્થના કહેવાય, પ્રભુ તો દયાળુ છે. જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે, આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે. ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે, આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે.સુદામાએ માગ્યું નહીં તો દ્વારકા જેવી સમૃદ્ધિ મળી.સદગુરૂ પાસેથી જ્ઞાન લેતાં ૫હેલાં તેમને તન,મન અને ધનનું સમર્પણ કરીએ છીએ.તેથી સમર્પણ કરેલ વસ્તુ આપણાથી માંગી ન શકાય.

 

પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે.પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે.પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી-શાંતિ તથા ઉન્નતિ માટે લેવાય એ આવશ્યક છે એમાં જ એની શોભા છે.

 

પ્રાર્થનાનો ક્યારે સ્વીકાર થાય છે અને ક્યારે અસ્વીકાર? આ પ્રશ્નનો જવાબ શોધતા પહેલાં અમારે અમારી પ્રાર્થનાના વિવિધ રૂપો વિશે ધ્યાન આપવું પડશે.અમારી પ્રાર્થના આવશ્યકતાઓની સાથે સાથે બદલાઇ જતી હોય છે.ક્યારેક તે અમારી શારીરિક જરૂરીયાતો સાથે જોડાયેલી હોય છે તો ક્યારેક માનસિક, આર્થિક કે સામાજીક આવશ્યકતાઓ સાથે જોડાયેલી હોય છે.

 

પ્રભુ પરમાત્મા તમામ શક્તિઓના માલિક હોય છે તેમછતાં અમે અમારા સ્વાર્થના લીધે પ્રભુના ઘરનો દરવાજો ખટખટાવીએ છીએ.જ્યારે જગતના તમામ માનવ પ્રભુ પરમાત્માના જ સંતાન છે તો તે કોની પ્રાર્થના સાંભળે? અને કોની ના સાંભળે.એક જ સમયે એક ઇંટોના ભઠ્ઠાવાળો અને એક કુંભાર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! વરસાદ ના વરસાવ નહી તો મારી તમામ મહેનત અને રોકેલ નાણાં વ્યર્થ જશે અને તે જ સમયે એક ખેડૂત વરસાદ વરસાવવા પ્રાર્થના કરે છે.

 

હવે વિચારો ! કુંભાર અને ખેડૂત બંન્નેની પ્રાર્થના અને આવશ્યકતા યોગ્ય જ છે.હવે જો વરસાદ વરસે તો કુંભાર મનથી ભગવાનને ફરીયાદ કરશે કે મારી પ્રાર્થનાનો ભગવાને અસ્વીકાર કર્યો અને વરસાદ ના વરસાવે તો ખેડૂત ફરીયાદ કરશે કે ભગવાન અમે તમારૂં શું બગાડ્યું હતું કે મારી પ્રાર્થના આપે ના સાંભળી ! આવા અસંખ્ય ઉદાહરણ છે કે જ્યાં એક માનવનું હિત(લાભ) બીજા માનવના અહિત(નુકશાન)માં બદલાઇ જાય છે.અમે પોતે પ્રાર્થનાના વિષયમાં સ્થિર નથી તો તેમાં દોષ પ્રાર્થના સાંભળનાર પ્રભુનો નહી પરંતુ અમારો છે એટલે સંતો સ્થિરતા પ્રાપ્તિના માટે પ્રાર્થના કરે છે.તેમને ફરીયાદ કરવાનો મોકો નથી મળતો કે મારી પ્રાર્થનાનો સ્વીકાર નથી થયો.

 

       આજનો માનવ શાંતિ-ચિરશાંતિ ઇચ્છે છે તે ક્યાં મળે? સંસારમાં તો અશાંતિનું સામ્રાજ્ય છે.શાંતિનો ભંડાર તો ફક્ત સંત-સદગુરૂ અને પરમાત્મા છે અને ત્યાંસુધી પહોંચવા સાચા હ્રદયથી કરવામાં આવેલ પ્રાર્થના પંખસ્વરૂપ છે.પ્રભુ પાસે કંઇ જ ના માંગો.તે તો આપણા બધાનો ર્માં-બાપ છે.તમામની આવશ્યકતાઓને તે સારી રીતે જાણે છે.જ્યારે પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ આવી જાય તો પણ ભગવાનનો ધન્યવાદ કરો.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

 

No comments:

Post a Comment