બોધકથા..દાનની મહિમા
સત્પાત્રને દાન આપવાથી મનુષ્યને ઉત્તમ ગતિની
પ્રાપ્તિ થાય છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો
ખાનદાન છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન-ભોગ અને નાશ..દાન આ૫વામાં
આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.જે વ્યક્તિ આર્થિક
રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં,દાન આપતાં અચકાય છે તે
મૃતક સમાન છે.
એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ
ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,
કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું,
કાં તો ખોટી કમાણી મારા સંતો...
જૂના ધરમ લ્યો જાણી રે..
પ્રાણીઓની ઉ૫ર જન્મ-જન્માંરત્તરના કર્મોની વાસના ભરેલી
પડી છે,તેથી હંમેશાં સત્કર્મો
કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે,આવો નિશ્ર્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી
અંતઃકરણ નિર્મળ બની જાય છે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની
શુદ્ધિ થાય છે.
“તન પવિત્ર સેવા કિયે,ધન પવિત્ર કર દાન,
મન પવિત્ર હરિભજન કરે,હોત ત્રિવિધ કલ્યાણ.’’
જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય
તેનો તુરંત જ અમલ કરી દેવો.સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને ૫ણ
કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી ૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ
કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું પીધું ભોગવ્યું તેની કોઇ કિંમત
નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..? તેનું જ મૂલ્ય છે.આપણા ઘેર ભિખારી ભીખ માગવા
આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં કોઇને દાન આપ્યું નહિ તેથી
મારી આ દશા થઇ છે,તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં,પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ
કરવામાં કરવો જોઇએ.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.મનુષ્ય કોઈ દાન કરે તે નામના
માટે, કીર્તિ માટે કરે છે અને તેથી કરેલા પુણ્યનો ક્ષય થાય
છે એટલે દાન આપો પરંતુ તે ગુપ્ત રાખો.કામના રહિત દાન એ જ યથાર્થ દાન
છે.જ્ઞાનદાન-વિદ્યાદાન અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.સર્વને માન
આપવું,જેમાં એક પૈસાનો પણ ખર્ચો નહિ.જે કોઈ કર્કશ વાણી બોલતો
નથી,કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે તેના
જીવનમાં મિસરી જેવી મીઠાશ આવે છે.
ઘણા સમય પહેલાં એક રાજા પોતાની
ન્યાયપ્રિયતાના લીધે પ્રજામાં ઘણા જ લોકપ્રિય હતા. એકવાર તેઓ દરબારમાં બેઠા હતા તે
સમયે તેમને અચાનક એક પ્રશ્ન થાય છે કે મનુષ્યના મૃત્યુ પછી તેની શું ગતિ થાય છે? આ અજ્ઞાત પ્રશ્નનો જવાબ
મેળવવા દરબારમાં હાજર મંત્રીઓ સાથે તે ચર્ચા કરે છે.તમામ દરબારીઓ રાજાની આ
જીજ્ઞાસાથી ચિંતિત થાય છે.લાંબો સમય વિચાર-વિમર્શ પછી રાજાએ નિર્ણય જાહેર કર્યો કે
મારા રાજ્યમાં એવી જાહેરાત કરાવો કે..
જે વ્યક્તિ કબરમાં મૃતક સમાન બનીને એક રાત્રી કબરમાં સૂઇ
રહીને મૃત્યુ પછી થતી ક્રિયાઓ વિશે જાણીને તેનો વિગતવાર અહેવાલ મને સાદર કરશે તેને
પાંચસો સોનામહોરો ભેંટ આપવામાં આવશે. રાજાના આદેશાનુસાર રાજ્યમાં આવી જાહેરાત કરી
દેવામાં આવે છે.હવે સમસ્યા એ આવી કે કોન જીવીત વ્યક્તિ મરવા માટે તૈયાર થાય? છેલ્લે નગરનો એક કંજૂસ માણસ આ કામ માટે
તૈયાર થયો કે તે એટલો કંજૂસ હતો કે સુખના સાધનો ભેગા કરવા તે પોતે ખાતો-પીતો કે
ઉંઘતો જ ન હતો..
આ કંજૂસને રાજાની સામે હાજર કરવામાં આવે
છે.રાજાના આદેશ અનુસાર સુંદર ફુલોથી સુસજ્જિત એક અર્થી બનાવવામાં આવે છે તેની ઉપર
તેને સુવડાવીને તેને એક સફેદ કફન ઓઢાડીને સ્મશાનમાં લઇ જવામાં આવે છે તે જ સમયે
રસ્તામાં તેને એક સંતનો ભેટો થાય છે.સંત કહે છે કે હવે તો તમે મરવા માટે જઇ રહ્યા
છો અને ઘર-પરીવારમાં તમે એકલા જ છો.તમારે પાસે ઘણું બધું ધન છે એમાંથી થોડું ધન
તમે મને આપો.
કંજૂસે વારંવાર કંઇપણ આપવાની ના પાડી છતાં પેલા સંત તેનો
પીછો છોડતા નથી અને વારંવાર તેમને કંઇક આપવા માટે વિનંતી કરે છે.સંતથી પરેશાન થઇને
સ્મશાનમાં પડેલા બદામના છોતરાના ઢગલામાંથી એક મુઠ્ઠી છોતરા લઇને સંતને આપે
છે.ત્યારબાદ આ કંજૂસને કબરમાં સુવડાવી ઉપરથી કબરને બંધ કરી દેવામાં આવે છે અને
કબરની ઉપર એક નાનકડું કાણું રાખવામાં આવે છે જેના દ્વારા તે શ્વાસ લઇ શકે અને બીજા
દિવસે તેને કબરમાંથી કાઢીને રાજા સમક્ષ હાજર કરવામાં આવે ત્યારે તે મૃત્યુ પછી શું
થાય છે તેનો અહેવાલ રજૂ કરી શકે.
આ કંજૂસને કબરમાં સુવડાવીને તમામ લોકો જતા
રહે છે.રાત્રે ત્યાં એક સાપ આવે છે અને કબર ઉપર કાણું જોઇને અંદર જવાનો પ્રયત્ન
કરે છે તે જોતાં જ કબરમાં સૂતેલો કંજૂસ ઘણો જ ગભરાઇ જાય છે.સાપ કબરમાં ઘુસવાનો વારંવાર
પ્રયાસ કરે છે ત્યાં જ બદામનાં છાંતરા આડા આવે છે અને સાપ અંદર જઇ શકતો નથી.
સવાર થતાં જ રાજાના નોકરો મોટી જીજ્ઞાસા લઇને સ્મશાનમાં
આવી કબર ખોદી કંજૂસને બહાર કાઢી મૃત્યુ પછી શું થાય છે તેનો અહેવાસ રજૂ કરવા રાજ્ય
દરબારમાં જવા વિનંતી કરે છે પરંતુ કંજૂસ નોકરોની વાતને માનતો નથી.પહેલાં તો તે
પોતાના ઘેર જાય છે અને પોતાની તમામ સંપત્તિ ગરીબોમાં વહેંચી દે છે.નગરજનોને
કંજૂસની અચાનક દાન કરવાની આવી દયાળુતા જોઇ નવાઇ લાગે છે.તેમના મનમાં અનેક પ્રશ્ન
થાય છે.છેલ્લે કંજૂસને સમગ્ર અહેવાસ રજૂ કરવા રાજદરબારમાં હાજર કરવામાં આવે
છે.કંજૂસે ગઇ રાત્રિએ સાપ અને બદામના છોતરાના સંઘર્ષની સમગ્ર વાત સંભળાવી અને
કહ્યું કે..
મહારાજ ! મૃત્યુ પછી સૌથી વધુ આપણે કરેલ દાન
જ કામમાં આવે છે એટલે દાન કરવું એ તમામ ધર્મોમાં શ્રેષ્ઠ છે.સંસારમાં આપણે બધા
ધન-સંપત્તિ કમાઇએ છીએ,સમગ્ર જીવન દરમ્યાન તેનો ભોગ કરીએ છીએ પરંતુ અમે એ નથી જાણતા કે આપણા
મૃત્યુ પછી પણ આ સંપત્તિ અમારી સાથે કેવી રીતે આવે તેની વિધિ અમે જાણતા નથી.આ
સંપત્તિ અત્યારે જે રૂપમાં અમારી પાસે છે તે રૂપમાં મૃત્યુ પછી અમારી સાથે લઇ જઇ
શકવાના નથી.
દાન આપવું એક શુભ કર્મ છે,પુણ્ય કર્મ છે એટલે ઉત્તમ વેદોક્ત
કર્મોમાં દાન આપીએ, આસપાસના જરૂરતમંદોને દાન આપીએ, જે લોકો સમાજસેવા કરે છે,પરોપકારના કામો કરે છે,ગૌશાળા અનાથાલય ધર્માર્થ દવાખાના વૃદ્ધાશ્રમ વગેરે સંસ્થાઓ ચલાવે છે,વેદોનો પ્રચાર કરે છે તેમને દાન આપીએ.આ આપણું શુભકર્મ-પુણ્યકર્મ કહેવાશે.આ
કર્મ આગલા જન્મમાં આપણી સાથે આવશે.
જે સંપત્તિનું દાન આપણે આ જન્મમાં કરીશું
તેનું ફળ ઇશ્વર આપણને આગલા જનમમાં આપશે અને આ રીતે આપણે બધા આ જનમની ભૌતિક
સંપત્તિને આગલા જનમ માટે સાથે લઇ જઇ શકીશું અને આ જ બુદ્ધિમત્તા છે.જે વસ્તુનું
આપણે આ જન્મમાં દાન કરીએ તે આવતા જન્મમાં આપણને મળે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment