Monday 10 June 2024

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

 

જીવનનું પ્રથમ અને અંતિમ સત્યઃમૃત્યુ

રાજા પરીક્ષિતને ભાગવત કથા સંભળાવતાં શુકદેવજીને છ દિવસ પસાર થઇ ગયા અને સાપ કરડીને મૃત્યુ થવામાં એક દિવસ બાકી રહ્યો હતો તેમછતાં રાજાનો શોક અને મૃત્યુનો ભય ઓછો થયો ન હતો,તે સમયે શુકદેવજીએ રાજા પરીક્ષિતને એક કથા સંભળાવી.

એક રાજા જંગલમાં શિકાર કરવા જાય છે અને રસ્તો ભુલી જાય છે.રાત્રી થઇ ગઇ હોવાથી તે રોકાવવા માટે કોઇ આશરાની શોધ કરે છે.થોડે દૂર જતાં તેમને એક ઝુંપડી દેખાય છે જે ઘણી જ દુર્ગંધયુક્ત હતી,તેમાં એક બિમાર શિકારી રહેતો હતો.તેને ઝુંપડીમાં જ મળ-મૂત્ર ત્યાગ કરવાની જગ્યા બનાવી હતી અને ખાવા માટે જાનવરોનું માંસ છત ઉપર લટકાવી રાખ્યું હતું.આ બધુ જોઇને રાજાને પહેલાં તો અહી રહેવું યોગ્ય લાગતું નથી પરંતુ વિવશતાના લીધે શિકારીની ઝુંપડીમાં રોકાવવા વિનંતી કરે છે. તે સમયે શિકારી કહે છે કે હું ક્યારેક ક્યારેક રસ્તો ભુલેલા રાહગીરીઓને અહી રોકાવવા સંમતિ આપું છું પરંતુ તેઓ જતા સમયે ઘણી જ માથાકૂટ કરે છે.આ ઝુંપડી છોડીને જવા જ ઇચ્છતા નથી એટલે હવે હું આ માથાકૂટમાં પડવા માંગતો નથી એટલે હું તમોને આશરો આપી શકું તેમ નથી.રાજાએ શિકારીને વચન આપ્યું કે હું બધાની જેમ નહી કરૂં ત્યારે રાજાને રાત્રી મુકામ કરવા શિકારી સંમતિ આપે છે પરંતુ સવાર થતાં રાજાને ઝુંપડીની ગંધ એવી પસંદ આવી જાય છે કે તે ઝુંપડી છોડવામાં તેમને ઘણું જ કષ્ટ થાય છે અને શોકનો અનુભવ થાય છે તેથી શિકારી સાથે ઝઘડો થાય છે.

આ કથા સંભળાવીને શુકદેવજી રાજા પરીક્ષિતને પુછે છે કે શું રાજાએ શિકારી સાથે લડાઇ ઝઘડો કર્યો તે યોગ્ય હતો? ત્યારે પરીક્ષિત કહે છે કે આ રાજા તો ઘણો જ મૂર્ખ કહેવાય કે જે પોતાના રાજપાટને ભુલીને પોતે શિકારીને આપેલ વચન ભંગ કરીને વધુ સમય સુધી ઝુંપડીમાં રહેવાનું ઇચ્છે છે તે રાજા કોન છે? ત્યારે શુકદેવજી કહે છે કે પરીક્ષિત આ રાજા બીજો કોઇ નહી પરંતુ તમે પોતે છો.આ મળ-મૂત્રથી ભરેલી દેહમાં જેટલો સમય જીવાત્માને રહેવાનું જરૂરી હતું તેટલો સમય રહ્યો હવે તેની અવધિ પુરી થઇ છે.હવે તેને બીજા લોકમાં જવાનું છે તેમછતાં પણ તમે ઝંઝટ પેદા કરી રહ્યા છો.મરવાનો શોક કરી રહ્યા છો,શું આ યોગ્ય છે? આવું સાંભળીને પરીક્ષિતે મૃત્યુના ભયને ભુલીને માનસિકરૂપથી નિર્વાણની તૈયારી કરી લીધી અને ભાવગતકથાના અંતિમ દિવસે મનથી કથા શ્રવણ કરી.વાસ્તવમાં આ માનવ શરીર ગમે ત્યારે નાશ થવાનું છે પરંતુ આત્મા ક્યારેય જન્મતી કે મરતી નથી.

શુકદેવજીએ સાત દિવસમાં રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતનો ઉપદેશ આપ્યો જેથી છેલ્લે રાજા પરીક્ષિતે પોતાનું ચિત્ત પરમપિતા પરમાત્મામાં જોડી દીધું.તક્ષકે આવીને તેમને ડંખ માર્યો જેના ઝેરથી તેમનો દેહ બળીને ભસ્મ થઇ ગયો.શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી પરીક્ષિત શરીરથી પર થઇ ગયા હતા.

દેહ અને આત્માને જુદા પાડવાની પ્રક્રિયા એ જ મૃત્યુ.મૃત્યુના સમયે સગાં-સબંધીઓ કોઇ જીવની સાથે જતા નથી.જીવ પોતાના સારા-નરસા કર્મો..મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મ રૂ૫ સહિત ૫હેલાંના શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે.જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કરેલા હશે તો મુક્ત થઇ જવાશે,એટલે પરીવાર તથા સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવા કર્મ ના કરવા જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ ૫છી દુઃખદાયી થાય.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.મૃત્યુના સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે.અતૃપ્ત વાસનાઓ એ પુનઃજન્મનું કારણ છે.મૃત્યુથી ભૌતિક શરીર નાશ પામે છે,પરંતુ સુક્ષ્મ સંસ્કારો ટકી રહે છે,એ સંસ્કારો જ પુનઃજન્મનું કારણ બને છે.સુક્ષ્મ શરીર અકબંધ રહે છે.જીવ પ્રારબ્ધ કર્મ અનુસાર સુક્ષ્મ શરીર દ્વારા નવો જન્મ પામે છે.

આત્મા મરતો નથી પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી ત્યાં સુધી આપણને મૃત્યુનો ભય લાગે છે.મૃત્યુના ભયથી બચવાનો ઉપાય..સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિ ના માટે કોઇ ઇચ્છા જ ના હોય તો દુઃખ થતું જ નથી. "આવું થવું જોઇએ અને આવું ના થવું જોઇએ." આવી ઇચ્છા જ તમામ દુઃખનું કારણ છે.મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કેઃ તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.જેવી રીતે શરીરની બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી વૃધ્ધાવસ્થા જેવી અવસ્થાઓ બદલાય છે તે સમયે કોઇ કષ્ટ થતું નથી.

પ્રત્યેક પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.મનુષ્ય  જ્યારે પ્ર્રવાસમાં જાય છે ત્યારે અગાઉ કેટલાય દિવસોથી તૈયારી કરે છે પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.

મૃત્યુના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કે તે જીવવા ઇચ્છે છે અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ નથી.

લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે છે તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે માટે પરમેશ્વરને મળવાનું પરમાત્મા જોડે એક થવાનું લક્ષ્ય ભૂલશો નહિ. ભલે ગમે તેટલી અડચણો આવે. મનુષ્ય જન્મનો એટલો જ લાભ છે કે જીવનને એવું બનાવી દેવામાં આવે કે મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બની રહે. ગીતામાં પણ લખ્યું છે કે જે અંતકાળે મારૂં સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે.લોકો એમ માને છે કે આખી જિંદગી કામધંધો કરીશું, કાળાં ધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું એટલે તરી જશું પણ આ વિચાર ખોટો છે એટલે સ્પષ્ટતા કરેલી છે હંમેશાં જે ભાવનું ચિંતન કરશો તે જ ભાવનું અંતકાળે સ્મરણ થશે માટે જ ભગવાને આજ્ઞા કરી છે કે સઘળા સમયમાં નિરંતર પ્રતિક્ષણ મારૂં સ્મરણ કર.

મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે.રોજ વિચાર કરવો અને મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારૂં કોઈ નથી.આ શરીર પણ એક દિવસ છોડવું પડશે એટલે તે પણ મારૂં નથી.જો શરીર જ મારૂં નથી તો પછી મારું કોણ? બાકીના સર્વ સંબંધો જે શરીરથી ઉત્પન્ન થયેલાં છે તે મારા કેવી રીતે? સમતા સિદ્ધ કરવા સર્વ સાથે મમતા રાખો પણ વ્યક્તિગત મમતા દૂર કરો. સંગ્રહથી પણ મમતા વધે છે માટે અપરિગ્રહી (સંગ્રહ વગરના) રહો.તૃપ્તિ ભોગમાં નહિ ત્યાગમાં છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment