લઘુકથા..કોઇના
વિશ્વાસને ના તોડશો..
એક ડાકુ હતો જે સાધુના
વેશમાં રહેતો હતો.તે લુંટનું ધન ગરીબોમાં વહેંચી દેતો હતો.એક દિવસ કેટલાક
વ્યાપારીઓનું જુલુસ આ ડાકૂના રહેઠાણ પાસેથી પસાર થાય છે.તમામ વ્યાપારીઓને ડાકૂએ
ઘેરી લીધા.ડાકૂની નજરથી છુપાવીને એક વ્યાપારી રૂપીયાની થેલી લઇને નજીકના એક
તંબૂમાં પેસી જાય છે. ત્યાં તેને એક સાધુને માળા જપતા જોયા.વ્યાપારીએ રૂપિયા ભરેલી
થેલી તે સાધુને સાચવવા માટે આપી દીધી ત્યારે સાધુ કહે છે કે તમે નિશ્ચિંત બની જાઓ.
ડાકૂઓના ગયા
બાદ વ્યાપારી પોતાની થેલી લેવા માટે તંબૂમાં આવે છે ત્યારે તે જોઇને જ તેને નવાઇ
લાગે છે.આ સાધુ તો ડાકુઓની ટોળીનો સરદાર હતો અને લૂંટના રૂપિયા બીજા ડાકૂઓને
વહેંચી રહ્યો હતો.વ્યાપારી ત્યાંથી નિરાશ થઇને પાછો જાય છે તે સમયે સાધુ વેપારીને
જોઇ લે છે અને પુછે છે કે ઉભો રહે ! તમે જે પૈસાની થેલી મને આપી હતી તે એવીને એવી
સલામત છે.લો આ તમારી થેલી.
પોતાના રૂપિયા સલામત જોઇને
વ્યાપારી ખુશ થઇ જાય છે.ડાકૂનો આભાર માનીને તે બહાર નીકળી જાય છે.તેના ગયા બાદ
ત્યાં બેઠેલા અન્ય ડાકૂઓ સરદારને પુછે છે કે તમે હાથમાં આવેલા ધનને આ રીતે જવા
દીધું? ત્યારે ડાકૂનો સરદાર કહે છે કે તે વેપારીએ મને
ભગવાનનો ભક્ત જાણીને મારા ઉપર ભરોસો મુકીને રૂપિયાની થેલી આપીને ગયો હતો અને આ
કર્તવ્યભાવથી મેં તેને થેલી પાછી આપી છે.કોઇના પણ વિશ્વાસને તોડવાથી સત્ય અને
ઇમાનદારી હંમેશાંના માટે શંકાના ઘેરામાં આવી જાય છે એટલે ક્યારેય કોઇના વિશ્વાસને
ના તોડશો.
વિશ્વાસ વિશે એક
અન્ય કથા જોઇએ..
એક ગામની
નજીકમાં બહુ મોટું ઘનધોર જંગલ હતું જેમાં અનેક પ્રકારના પશુ-પક્ષીઓ રહેતાં હતાં. તેમાં એક સિંહ પણ રહેતો હતો.આ સિંહ ઘણીવાર ગામમાં
ઘુસીને હાહાકાર મચાવતો હતો.ગામ લોકોએ કંટાળીને આ સિંહને પકડવા રસ્તામાં એક પિંજરૂં
મુક્યું હતું.રાત્રી થતાં તમામ ગામજનો પોતપોતાના ઘરોમાં સૂઇ જાય છે.ગામમાં શાંત
વાતાવરણ છે,તે સમયે સિંહ
ગામમાં આવવા નીકળે છે તો રસ્તામાં પિંજરામાં તેનો એક પગ ફસાઇ જાય છે.શરીર ભારે
હોવાના કારણે સિંહ પિંજરામાં બંધ થઇ જાય છે.ઘણા ધમપછાડા કરવા છતાં તે પિંજરામાંથી
બહાર નીકળી શકતો નથી.
આમ સિંહ આખી રાત પિંજરામાં
વિતાવે છે.સવાર થતાં તે રસ્તા ઉપરથી એક પંડીત પસાર થાય છે અને સિંહને પિંજરામાં
જોઇને ડરી જાય છે.સિંહને કકડીને ભૂખ લાગી હતી તેથી સિંહ કહે છે કે ઓ ભાઇ ! મને મદદ
કરો..મને ઘણી જ તરસ લાગી છે, કૃપા કરીને મને પાણી પીવડાવો.ત્યારે તે પંડીત કહે
છે કે ના..ના..હું તમારી સહાયતા કરી શકું તેમ નથી.તમે એક માંસાહારી જીવ છો અને મને
આપનો શિકારી બનાવી લો તો ! ત્યારે સિંહ કહે છે કે નહી ભાઇ ! હું આવું નહી કરૂં.
સિંહની
લાચારી જોઇને પંડીતને દયા આવે છે અને નજીકના તળાવમાંથી પાણી ભરી લાવીને સિંહને
પીવડાવે છે.પાણી પીધા પછી સિંહ કહે છે કે તરસ તો મટી ગઇ પરંતુ હું ગઇકાલથી ભુખ્યો
છું કંઇક ખાવાની વ્યવસ્થા કરી આપો તો તમારી મહેરબાની કહેવાશે.પંડીત ગમે તેમ કરીને
સિંહના માટે ભોજનની વ્યવસ્થા કરીને જમાડે છે.
ત્યારબાદ સિંહ કહે છે કે ઓ
ભલા માણસ ! હું આ પિંજરામાં ખરાબ રીતે ફસાઇ ગયો છું કૃપા કરીને મને પિંજરામાંથી મુક્ત
કરવા કૃપા કરો.ત્યારે પંડીત કહે છે કે આ તમારી સેવા હું કરી શકું તેમ નથી કારણ કે
તમે માંસાહારી જીવ છો,બહાર આવીને તમે મને જ ખાઇ જાઓ તો? ત્યારે સિંહ કહે છે કે હું તમોને કંઇ જ નુકશાન નહી
પહોંચાડું.સિંહની મીઠી મીઠી વાતોમાં આવીને પેલો વ્યક્તિ પિંજરાનો દરવાજો ખોલીને
સિંહને મુક્ત કરે છે.બહાર આવતાં જ સિંહ પોતાની જાત ઉપર આવી જાય છે અને કહે છે કે
હજુ મારી ભૂખ પુરેપુરી મટી નથી અને આહાર પણ સામે જ છે એટલે હવે હું તને મારો શિકાર
બનાવીશ.
આવું
સાંભળીને પેલો વ્યક્તિ થરથર કાંપવા લાગે છે અને કહે છે કે તમે મારી સાથે આવો
વિશ્વાસઘાત ના કરશો,તમે પહેલાં જ
કહ્યું હતું કે હું તમોને કોઇ નુકશાન નહી પહોંચાડું તેમ છતાં કેમ બોલીને ફરી જાઓ છો..?
સિંહ કહે છે કે મારો જાતીય
સ્વભાવ જ આવો છે, મને ઘણી જ ભૂખ લાગી છે એટલે હવે હું તારો જ શિકાર
કરવાનો છું.સંયોગથી આ બધી ઘટના ઝાડ ઉપર બેઠેલો એક વાંદરો જોઇ રહ્યો હતો તે સિંહ
અને માણસની ચર્ચામાં વચ્ચે કૂદી પડીને કહે છે કે શું વાત છે? કયા વિષય ઉપર ઝઘડો થઇ રહી છી? ત્યારે ભલો માણસે તમામ હકીકત વાંદરાને બતાવે છે ત્યારે વાંદરો
કહે છે કે બહુ સરસ ! પણ મને એક વાત સમજમાં નથી આવતી કે આટલો મોટો સિંહ આ નાનકડા
પિંજરામાં ભરાયો કેવી રીતે? મને તો આ અશક્ય લાગે છે.
સિંહને
પોતાની બેઇજ્જતી થતી લાગે છે એટલે કહે છે કે આ પંડીત સત્ય કહે છે,આ પિંજરામાં આખી રાત બંધ હતો ત્યારે વાંદરો કહે
છે કે બધી વાતો સાચી પરંતુ હું કેવી રીતે વિશ્વાસ કરૂં..ત્યારે સિંહ કહે છે કે જુઓ
હમણાં જ હું પિંજરામાં દાખલ થઇને તમોને બતાવું છું આમ કહીને સિંહ પિંજરામાં પુરાઇ
જાય છે અને બહારથી પિંજરાનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે ત્યારે સિંહ કહે છે કે
આવી રીતે હું પિંજરામાં બંધ હતો..
વાંદરો પેલા વ્યક્તિને કહે
છે કે હવે જોઇ શું રહ્યા છો? પોતાનો જીવ બચાવીને ભાગો અહીયાંથી..! અને પંડીત
ત્યાંથી ભાગી જાય છે અને સિંહ ફરીથી પિંજરામાં કૈદ થઇ જાય છે.
આ બોધકથા
આપણને શિખ આપે છે કે કોઇની મદદ સમજી-વિચારીને કરવી.વિશ્વાસ તેની ઉપર જ કરવો કે જે
ખરેખર વિશ્વાસ કરવા લાયક હોય.ઘણા લોકો સત્ય બોલવાનો માત્ર દેખાવ કરતા હોય છે અને
સામાવાળા તેની ઉપર ભરોસો કરી લે છે,આવા દુષ્ટ
લોકોથી દૂર રહેવામાં જ ફાયદો છે.
જ્યાં સુધી પરમાત્માની અપરોક્ષાનુભૂતિ કરવામાં ના આવે ત્યાં સુધી મનમાં
વિશ્વાસ પેદા થતો નથી.જ્યાં સુધી વિશ્વાસ પેદા થતો નથી ત્યાં સુધી પ્રભુની સાથે
પ્રેમ સંભવ નથી,પ્રેમ વિના ભક્તિ થઇ શકતી નથી અને ભક્તિ વિના ભવસાગર પાર કરી શકાતો
નથી અને જેમને પ્રભુની અપરોક્ષાનુભૂતિ કરી હોય એવા ગુરૂ વિના ભક્તિ સંભવ નથી.
ફેરો ફરનારો અને
ભિખારીઓનો ક્યારેય વિશ્વાસ ના કરવો,ઠગ લોકો એવું
રૂ૫ ધરીને સ્ત્રીઓને ભરમાવી દે છે.અજાણ્યા માણસોનો ક્યારેય ભરોસો ના કરવો કે તેની
આપેલી કોઇ ચીજ ના ખાવી તથા ઘરમાં તેમને રહેવા ના દેવા.તમામની ઉ૫ર વિશ્વાસ ના કરવો
અને તમામ ઉપર શંકા ૫ણ ના કરવી. બધાનો વિશ્વાસ રાખજો પણ પોતાના મનનો વિશ્વાસ ના
રાખશો.કસમયે ફરી જાય,ફેરવી નાખે.કેટલાકને મન એ રમાડ્યા..કેટલાક મનને રમાડે.
જો અમે ભગવાનની ભક્તિ કરીએ
છીએ તો વિશ્વાસ હોવો જોઇએ કે ભગવાન હરહંમેશાં અમારી સાથે છે તેમને અમારી ચિંતા
અમારાથી વધારે છે.ક્યારેક ચિંતા સતાવે અને કોઇ રસ્તો દેખાતો ના હોય ત્યારે આંખો
બંધ કરીને વિશ્વાસની સાથે પ્રભુને યાદ કરો તો સમસ્યાનું સમાધાન મળશે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment