Monday, 10 June 2024

બોધકથા..ક્રોધની બે મિનિટને સાચવી લો..

 

બોધકથા..ક્રોધની બે મિનિટને સાચવી લો..

 

એક યુવક લગ્નના બે વર્ષ પછી પિતાજી સમક્ષ વ્યાપાર માટે પરદેશ જવાની ઇચ્છા વ્યક્ત કરે છે. પિતાજીએ સંમતિ આપ્યા બાદ યુવક પોતાની ગર્ભવતી પત્નીને માતાપિતા પાસે મુકીને વ્યાપાર કરવા પરદેશ જાય છે.પરદેશમાં ખુબ જ મહેનત કરીને ઘણું જ ધન કમાય છે અને એક મોટો ધનવાન શેઠ બની જાય છે.સત્તર વર્ષ પસાર થયા એટલે તેને સંતુષ્ટિ થતાં ઘેર પરત આવવાની ઇચ્છા થાય છે.ઘેર પરત આવવાની જાણ પત્નીને કહીને તે જહાજમાં બેસે છે.

 

આ જહાજમાં તેને એક વ્યક્તિ મળે છે જે મનથી દુઃખી છે.શેઠે તેની ઉદાસીનું કારણ પુછતાં તે કહે છે કે આ દેશમાં કોઇને જ્ઞાનની કદર નથી.હું અહીયાં જ્ઞાનનાં સૂત્ર વેચવા માટે આવ્યો હતો પરંતુ કોઇ તેને લેવા તૈયાર નથી.શેઠે વિચાર કર્યો કે આ દેશમાંથી મેં ઘણું બધું ધન કમાવ્યું છે અને આ મારી કર્મભૂમિ છે તેનું માન રાખવું જોઇએ તેમ વિચારીને જ્ઞાનના સૂત્ર ખરીદવાની ઇચ્છા દર્શાવી.તે વ્યક્તિએ કહ્યું કે મારા દરેક જ્ઞાનસૂત્રની કિંમત ૫૦૦ સોનામહોરો છે.શેઠને કિંમત વધારે લાગે છે પરંતુ પોતાની કર્મભૂમિનું માન રાખવા એક જ્ઞાનસૂત્ર ખરીદી લે છે.

 

તે વ્યક્તિએ જ્ઞાનનું પહેલું સૂત્ર આપ્યું કે ’’કોઇપણ કાર્ય કરતાં પહેલાં બે મિનિટ રોકાઇને વિચાર કરીને કાર્ય કરવું.શેઠે આ સૂત્ર પોતાની ડાયરીમાં લખી લીધું.સેઠ ઘણા દિવસની મુસાફરી બાદ રાત્રિના સમયે પોતાના નગરમાં પહોંચે છે અને વિચાર કરે છે કે હું ઘણા વર્ષો બાદ ઘેર પરત આવ્યો છું તો સંતાઇને કોઇને ખબર આપ્યા વિના પત્નીની પાસે પહોંચી જઇને તેને આશ્ચર્યનો ઉપહાર આપું.

 

ઘરના દ્રારપાળોને મૌન રહેવાનો ઇશારો કરીને તે પોતાની પત્નીના કક્ષમાં જાય છે અને ત્યાંનું દ્રશ્ય જોઇને તેના પગ નીચેથી ધરતી ખસી જાય છે.પલંગ ઉપર તેની પત્નીની બાજુમાં એક યુવક સૂઇ રહ્યો છે. અત્યંત ક્રોધના આવેશમાં તે વિચાર કરે છે કે હું પરદેશમાં હરઘડી પત્નીની ચિંતા કરતો હતો અને પત્ની અહીયાં અન્ય પુરૂષની સાથે સૂઇ રહી છે.આજે હું તેમને બંન્નેને જીવતા નહી મુકું એમ વિચારી તલવાર કાઢે છે અને તલવારનો ઘા કરવા જાય છે તે સમયે શેઠને ૫૦૦ સોનામહોરો આપી પ્રાપ્ત કરેલ જ્ઞાનસૂત્ર યાદ આવે છે કે ’’કોઇપણ કાર્ય કરતાં પહેલાં બે મિનિટ રોકાઇને વિચાર કરીને કાર્ય કરવું.શેઠ વિચાર કરવા રોકાય છે તે સમયે તલવાર મ્યાન કરતાં કોઇ વાસણ સાથે અથડાય છે તેના અવાજથી પત્ની જાગી જાય છે.પત્નીની નજર પતિ ઉપર પડતાં તે ઘણી જ ખુશ થાય છે અને કહે છે કે આપના વિના અમારૂં જીવન સૂનું સૂનું લાગતું હતું.આપના વિયોગમાં આટલા વર્ષો કેવી રીતે કાઢ્યા તે હું અને મારૂં મન જાણે છે.

 

શેઠ તો પલંગ ઉપર સૂતેલ પુરૂષને જોયો એટલે ક્રોધિત સ્વરે તેને જગાડવા પત્નીને આદેશ કરે છે ત્યારે શેઠાણી કહે છે કે બેટા જાગો..તારા પિતાજી આવ્યા છે.યુવક જાગીને જેવો પિતાને પ્રણામ કરવા જાય છે તે સમયે માથાની પાઘડી નીચે પડી જાય છે અને તેના લાંબા વાળ છુટા થઇ વિખરાઇ જાય છે.

 

શેઠાણી કહે છે કે સ્વામીજી..આ આપણી દિકરી છે.પિતાની ગેરહાજરીમાં તેના માનને કોઇ આંચ ના આવે તેના માટે મેં બાળપણથી તેનું પૂત્રની જેમ પાલન-પોષણ અને સંસ્કાર આપ્યા છે.આ સાંભળીને શેઠની આંખમાંથી અશ્રુધારા વહે છે.શેઠ પત્ની અને દિકરી બંન્નેને આલિંગનમાં લઇને વિચારવા લાગ્યા કે જો મેં આ જ્ઞાનસૂત્રને જીવનમાં અપનાવ્યું ના હોત તો ઉતાવળમાં કેટલો મોટો અનર્થ થતો.મારા હાથે જ મારા નિર્દોષ પરીવારનો અંત આવી ગયો હોત.જ્ઞાનનું આ સૂત્ર તે દિવસે મને મોંઘુ લાગતું હતું પરંતુ આવા જ્ઞાનસૂત્રના માટે ૫૦૦ સોનામહોરો પણ ઓછી છે.જ્ઞાન તો અનમોલ હોય છે.

 

આ બોધકથામાંથી એ જ બોધ લેવાનો છે કે જીવનમાં ક્યારેક ક્રોધ આવે તો બે મિનિટ ક્રોધને કાબૂમાં રાખીને વિચાર કરીશું તો અમારા જીવનમાં સુખોનો વરસાદ થશે અને મહાન અનર્થથી બચી જઇશું તેમાં કોઇ શંકા નથી.

 

કામ અને ક્રોધ આવેગજન્ય દોષ છે.રોગમાં તથા વૃધ્ધાવસ્થામાં કામવેગ સમાપ્ત થઇ જાય છે.જ્યાં ભય હોય ત્યાં ક્રોધ આવતો નથી.કામ અને ક્રોધ ક્યારે ઉત્પન્ન થઇ જાય તેની ખબર પડતી નથી.ક્રોધ આવી ગયા પછી જો બુધ્ધિથી સાવધાની રાખીએ તો તેને દબાવવાનો પ્રયત્ન કરી શકાય છે.કામ-ક્રોધને આવવા જ ના દેવાય તેવી અગાઉથી કોઇ વ્યવસ્થા કરવી સંભવ નથી.આપણે જો સ્થાઇ દોષો ઉ૫ર વધુ ધ્યાન આપીએ તો તેનું ઉન્મૂલન કરી દઇએ તો આવેગજન્ય દોષો આપણું કશું જ બગાડી શકતા નથી.

 

આજનો માનવ કામ ક્રોધ લોભ મોહ તથા અહંકારની જાળમાં ફસાયેલો છે તેને જે કંઇ શક્તિ પ્રાપ્ત થાય છે તેથી પોતાની કુત્સિત ઇચ્છાઓને પુરી કરવા વિનાશ તથા ૫રપીડાનો અકલ્પનીય ખેલ ખેલી રહ્યો છે.આપણા સં૫ર્કમાં આવતા દરેક મનુષ્યોની સાથે ક્રોધરહીત પ્રેમભર્યો વાર્તાલા૫ કરવો એ સુખની પ્રાપ્તિનો ઉપાય છે.ક્રોધ માત્ર ક્ષણભર ટકે છે,વિયોગ અલ્પ સમય લાગે છે પરંતુ મહાત્માઓનો પ્રેમ આજીવન ટકી રહે છે.ક્રોધ ધર્મનો નાશક છે,ક્રોધ પ્રયત્નશીલ સાધકને અત્યંત દુઃખથી ઉપાર્જિત કરેલ ધર્મનો નાશ કરી દે છે.

 

જે માનવી આ સંસારમાં પોતાનું કલ્યાણ ઇચ્છતો હોય તેને નિન્દ્રા તંન્દ્રા ભય ક્રોધ આળસ અને દીર્ધસૂત્ર૫ણું..આ છ દુર્ગુણો છોડવા જોઇએ.ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર,નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે.ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે.

 

ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઇએ.ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઇએ.હંમેશાં મધુર વાણીનો જ ઉ૫યોગ કરવો,અભદ્ર વચનો ક્યારેય ન બોલવાં.૫રમ હિતકારી સત્ય વચનો બોલવાં, કોઇના દિલને દુઃખ થાય તેવું ના બોલવું..એ વાણીની ૫વિત્રતા છે.જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઇ જાય છે.

 

ક્ષમા કરવા છતાં ૫ણ કોઇ અપકાર કરે તેમ છતાં ક્રોધ ના કરવો અને દૈવવશ ક્રોધ ઉત્પન્ન થાય તો ૫ણ તેને રોકવો,પોતાના મનોરથોમાં વિધ્ન નાખનાર પ્રત્યે ૫ણ ચિત્ત નિર્વિકાર રાખવું.જ્ઞાનમાર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે.

 

કામી-લોભીને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે.કામી કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે પણ ક્રોધ કરનારને તો કાંઇ મળતું નથી માટે ક્રોધ છોડવો જોઈએ.જે સતત બ્રહ્મચિંતન કરે તેને ક્રોધ આવશે નહિ માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂની શરણાગતિ લઇ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શ્વાસે શ્વાસે બ્રહ્મચિંતન કરી શાંતિનો અનુભવ કરીએ..આલોક અને પરલોક સુખી બનાવીએ આ જ જીવનનો ઉદ્દેશ્ય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment