વિધિનું વિધાન
ભગવાન શ્રીરામનો વિવાહ અને રાજ્યાભિષેક બંન્ને શુભ
મુહુર્ત જોઇને કરવામાં આવ્યાં હતાં તેમછતાં ના તો તેમનું વૈવાહિક જીવન સફળ થયું કે
ના તો રાજ્યાભિષેક ! જ્યારે આનો જવાબ મુનિ વશિષ્ઠ પાસે માંગવામાં આવ્યો ત્યારે
તેમને કહ્યું કે..
સુનહુ ભરત ભાવિ પ્રબળ બિલખિ કહેહું મુનિનાથ,
હાનિ-લાભ જીવન-મરણ યશ-અપયશ વિધિ હાથ..
જે વિધિએ નિર્ધારિત કર્યું હોય છે તે બનીને જ રહે છે તેને ના તો ભગવાન શ્રીરામ કે ભગવાન શ્રીકૃષ્ણ જીવનને બદલી ના શક્યા.મહામૃત્યુંજય મંત્ર મહાદેવ ભગવાન શિવજીનું આહવાન કરે છે છતાં તેઓ પણ સતીના મૃત્યુને ટાળી ના શક્યા.ગુરૂ અર્જુનદેવ,ગુરૂ તેગ બહાદુર સાહેબ અને દશ્મેશ પિતા ગુરૂ ગોવિંદસિંહજી મહારાજ પણ તેમની સાથે થયેલ વિધિના વિધાનને ટાળી ના શક્યા તેમ અમારા જીવનમાં બનનાર ઘટનાને પણ અમે ટાળી શકવા સમર્થ નથી.રામકૃષ્ણ પરમહંસ પણ પોતાની કેન્સરની બિમારીને ટાળી ના શક્યા.રાવણ અને કંસ પાસે તમામ શક્તિઓ હોવાછતાં તેઓ પોતાનું જીવન ના બદલી શક્યા.
હાનિ-લાભ જીવન-મરણ યશ-અપયશ..જગતમાં આ છ વસ્તુઓ વિધિના હાથમાં છે.આ છ વસ્તુઓ ઉ૫ર આ૫ણો
કાબુ નથી.કોઇ૫ણ કાર્યનો આરંભ કરીએ તેમાં હાની કે લાભ એ આ૫ણા કાબૂમાં નથી એ
વિધાતાના હાથની વાત છે.જીવન આ૫વું, જીવન પુરૂં કરી દેવું(મૃત્યુ) એ વિધાતાના હાથની વાત છે અને યશ-અ૫યશ..આ છ
વસ્તુઓ ભગવાનના આધિન છે.જગતમાં મૃત્યુ બે પ્રકારના હોય છે.એક મૃત્યુ રૂદન કરાવે
અને એક મૃત્યુ અફસોસ કરાવે. માણસનું મૃત્યુ રૂદન કરાવે એવું હોવું જોઇએ.મૃત્યુના
સમાચાર સાંભળે તો સામી વ્યક્તિની આંખમાં આંસુ આવી જવાં જોઇએ કે આની હજું જગતને
જરૂર હતી અને આ વ્યક્તિની વિદાય થઇ ગઇ..! ૫રંતુ ઘણા મૃત્યુ એવાં હોય છે કે
સાંભળ્યા ૫છી લોકો અફસોસ કરે કે બસ..! આને કાંઇ જ કર્યું નહી અને મૃત્યુ
પામ્યો..!! જીવનમાં કંઇ કરી શક્યો નહી..!! મારૂં-મારૂં ઇર્ષા-દંભમાં જીવન પુરૂ
કર્યું..? ઇશ્વરે આપેલું સુંદર મહામુલુ જીવન એને ધૂળમાં નાખી
દીધું..? આમ લોકો અફસોસ કરે..!! હવે નક્કી આપણે કરવાનું છે
કે આ૫ણું મૃત્યું સાંભળીને કોઇ અફસોસ કરે એવું બનાવવું છે કે મૃત્યું સાંભળીને કોઇ
રૂદન કરે એવું બનાવવું છે...?
આ વિશે એક બોધકથા જોઇએ..એક પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ ગરૂડ ઉપર
બેસીને કૈલાશ ભગવાન શિવને મળવા જાય છે.દ્વાર ઉપર ગરૂડને છોડીને શ્રીહરિ ભગવાન
શિવને મળવા માટે અંદર જાય છે.કૈલાશની પ્રાકૃતિક શોભા જોઇને ગરૂડજી મંત્રમુગ્ધ બની
જાય છે ત્યાં જ તેમની નજર એક ખુબસૂરત ચકલી ઉપર પડે છે જે બિમાર છે અને ઠંડીથી થરથર
કાંપી રહી હતી.તે સમયે જ કૈલાશ ઉપર યમદેવ પધારે છે અને કૈલાશની અંદર જતાં પહેલાં
તેમને નાનકડી ચકલીને આશ્ચર્યચક્તિ દ્રષ્ટિથી જુવે છે.ગરૂડ સમજી ગયા કે આ ચકલીનો
અંત સમય નજીક આવી ગયો છે અને યમરાજા કૈલાશથી પરત જતી વખતે તેને પોતાની સાથે
યમલોકમાં લઇ જશે.ગરૂડજીને દયા આવે છે કે આટલી નાની અને સુંદર ચકલીને હું મરતાં નહી
જોઇ શકું.ચકલીને પોતાના પંજામાં દબાવીને કૈલાશથી બે હજાર કિમી દૂર જંગલમાં એક
ચટ્ટાન ઉપર મૂકી આવે છે અને પોતે પરત કૈલાશ આવી જાય છે.
જ્યારે યમરાજા કૈલાશમાંથી બહાર આવે છે ત્યારે ગરૂડજી
તેમને પુછે છે કે તમે ચકલીને નવાઇભરી નજરે કેમ જોઇ રહ્યા હતા? ત્યારે યમદેવ કહે છે કે જ્યારે મેં
ચકલીને જોઇ ત્યારે મને ખબર પડી કે આ ચકલીનું બે કલાક બાદ અહીથી બે હજાર કિમી દૂર
એક ચટ્ટાન ઉપર એક નાગના ખાવાથી મૃત્યુ લખાયેલ છે. હું વિચારતો હતો કે બે કલાકમાં આ
બિમાર અશક્ત ચકલી બે હજાર કિમી કેવી રીતે પહોંચશે ! અત્યારે તે દેખાતી નથી એટલે
અવશ્ય તેનું મૃત્યુ થઇ ગયું હશે.
ગરૂડ સમજી ગયા કે આપણે ગમે તેટલી ચતુરાઇ કરીએ છતાં
મૃત્યુ ટાળવાથી ટળી શકવાનું નથી એટલે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે તૂં જે ઇચ્છે
છે તે જ કરે છે પરંતુ થાય છે એ જ કે જે હું ઇચ્છું છું એટલે તૂં એ જ કર કે જે હું
ઇચ્છું છું પછી એ જ થશે જે હું ઇચ્છું છું.
માનવ પોતાના જન્મની સાથે જ જીવન-મરણ યશ-અપયશ લાભ-હાનિ
સ્વાસ્થ્ય બિમારી દેહ રંગ પરિવાર સમાજ દેશ-સ્થાન વગેરે તમામ પહેલાંથી જ નિર્ધારિત
કરીને આવે છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment