બોધકથા..સૌથી મોટું પુણ્ય કયું?
એક રાજા ઘણા જ પ્રજાપાલક હતા.તે હંમેશાં પ્રજાના હિતમાં
પ્રયત્નશીલ રહેતા હતા.તે એટલા કર્મઠ હતા કે પોતાના સુખ એશો-આરામને છોડીને પુરેપુરો
સમય જનકલ્યાણમાં ફાળવતા હતા.તેઓ મોક્ષના સાધન એટલે કે ભગવત ભજનના માટે પણ સમય
ફાળવી શકતા નહોતા.
એક દિવસ સવારના
સમયે રાજા વનમાં ભ્રમણ કરવા માટે જઇ રહ્યા હતા તે સમયે તેમને એક દેવના દર્શન થાય
છે.રાજાએ દેવને પ્રણામ કરીને તેમનું અભિવાદન કર્યું અને દેવના હાથમાં એક લાંબી
પહોળી પુસ્તક જોઇને પુછ્યું કે મહારાજ ! આપના હાથમાં આ શું છે? દેવ કહે છે કે રાજન ! આ એક
એવી ખાતાવહી છે કે જેમાં તમામ ભજન કરનારાઓનાં નામ છે.રાજાએ નિરાશાયુક્ત ભાવથી
કહ્યું કે કૃપા કરીને આ પુસ્તકમાં મારૂં નામ છે કે નહી તે જોઇને કહેવાની કૃપા કરો,દેવ મહારાજે પુસ્તકના એક
પછી એક તમામ પાન ફેરવીને જોયા પરંતુ ક્યાંય રાજાનું નામ નહોતું.
દેવને ચિંતિત જોઇને રાજાએ
કહ્યું કે મહારાજ ! આપ ચિંતા ના કરો.આપ તો શોધી રહ્યા છો પરંતુ વાસ્તવમાં મારૂં
દુર્ભાગ્ય છે કે હું ભજન-કિર્તન માટે સમય ફાળવી શકતો નથી એટલે મારૂં નામ નથી. તે
દિવસે રાજાના મનમાં ઘણી જ આત્મ-ગ્લાનિ થાય છે પરંતુ તેને નજરઅંદાજ કરીને ફરીથી તે
પરોપ્કારની ભાવનાથી બીજાઓની સેવા કરવામાં લાગી ગયા.
કેટલાક દિવસો બાદ
ફરીથી રાજા સવાર સવારમાં ફરવા માટે નીકળ્યા તો તેમને એ જ દેવ મહારાજનાં દર્શન થાય
છે.આ વખતે પણ તેમના હાથમાં એક પુસ્તક હતું.આ પુસ્તકના રંગ અને આકારમાં ઘણો જ તફાવત
હતો અને પહેલાં હતી એ પુસ્તક કરતાં આકારમાં નાની હતી.રાજાએ ફરીથી તેમને પ્રણામ
કર્યા અને પુછ્યું કે મહારાજ ! આજે કંઇ ખાતાવહી આપના હાથમાં છે? ત્યારે દેવે કહ્યું કે
રાજન ! આજની ખાતાવહીમાં એવા લોકોના નામ છે કે જે ઇશ્વરને અતિશય પ્રિય છે.
રાજાએ કહ્યું કે કેટલા ભાગ્યશાળી એ લોકો હશે? જે દિવસરાત ભગવત ભજનમાં લિન રહેતા હશે !
શું આ પુસ્તકમાં મારા રાજ્યના કોઇ નાગરીકનું નામ છે? દેવ
મહારાજે ખાતાવહી ખોલી તો તેના પહેલા પાન ઉપર જ રાજાનું નામ હતું.રાજાને ઘણી નવાઇ
લાગી અને પુછ્યું કે મહારાજ ! મારૂં નામ આમાં કેવી રીતે આવ્યું? હું તો ક્યારેક જ મંદિરમાં જાઉં છું.
દેવે કહ્યું કે રાજન ! આમાં નવાઇ પામવાની વાત
જ નથી.જે લોકો નિષ્કામ ભાવથી સંસારની સેવા કરે છે,જે લોકો સંસારના ઉપકારમાં
પોતાનું જીવન અર્પણ કરે છે,જે લોકો મુક્તિનો લોભ છોડીને
પ્રભુના નિર્બળ સંતાનોની સેવા સહાયતા કરવામાં પોતાનું યોગદાન આપે છે તેવા ત્યાગી
મહાપુરૂષોનું ભજન ભગવાન પોતે કરે છે.હે રાજન ! તમે પૂજા-પાઠ નથી કરી શકતા તેનો
પસ્તાવો ના કરશો.લોકોની સેવા કરીને તમે ભગવાનની જ પૂજા કરી રહ્યા છો.પરોપકાર અને
નિષ્કામ લોકસેવા અન્ય ઉપાસનાથી વધુ શ્રેષ્ઠ છે.
દેવે વેદોનું ઉદાહરણ આપતાં કહ્યું કે કર્મ કરતાં કરતાં
સૌ વર્ષ જીવવાની ઇચ્છા કરશો તો કર્મબંધનમાં આવી જશો.ભગવાન દીનદયાળુ છે.તેમને
ખુશામત પસંદ નથી આચરણ જ પસંદ છે. પરોપકાર કરવો એ સાચી ભક્તિ છે.દીન-દુઃખીઓના હીત
માટે સાધન કરો.અનાથ વિધવા ખેડૂત અને નિર્ધનને આજે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા
છે તેમની યથાશક્તિ સહાયતા અને સેવા કરો અને આ જ પરમ ભક્તિ છે.
રાજાને આજે દેવના માધ્યમથી જ્ઞાન મળ્યું અને
તે સમજી ગયા કે પરોપકારથી મોટું કંઇ જ નથી અને જે પરોપકાર કરે છે તે ભગવાનને સૌથી
વધુ પ્રિય છે.જે વ્યક્તિ નિઃસ્વાર્થભાવથી લોકોની સેવા કરે છે પરમાત્મા હંમેશાં
તેમના કલ્યાણ માટે યત્ન કરે છે.અમારા પૂર્વજોએ કહ્યું છે કે પરોપકારાય પુણ્યાય
ભવતિ એટલે કે બીજાઓના માટે જીવવું,બીજાઓની સેવા પૂજા સમજીને કરવી,પરોપકારના માટે પોતાના જીવનને સાર્થક બનાવવું એ સૌથી મોટું પુણ્ય છે અને
આપ પણ આવું કરશો તો આપોઆપ ઇશ્વરના પ્રિય ભક્તોની યાદીમાં આવી જશો.
સંત-મહાત્મા એ છે કે જો કોઇ તેમની સાથે નફરત કરે છે
તેમની સાથે ૫ણ પ્રેમ કરે છે.તમામની ભલાઇના માટે કામના કરે છે અને પરોપકારની ભાવના
માટે જ જીવન જીવે છે.તે સમગ્ર સંસારના કલ્યાણના માટે કામના કરે છે આ જ ભક્તની સાચી
ઓળખાણ છે.
પરોપકારનો ભાવ રાખવો એ ઘણી સારી વાત છે પરંતુ
તે પરોપકારના બદલામાં ઉપકારનો ભાવ રાખવો એ લાલસા છે.લાલસા આવતાં જ પરોપકારનું
સામર્થ્ય ઓછું થઇ જાય છે.પ્રભુ પરમાત્મા મનુષ્યનો અલગ અલગ પરીક્ષા લેતા હોય
છે.પરમાત્મા તેને જ ચમત્કારીક શક્તિઓ આપે છે જે તેનો ઉપયોગ પરમાર્થના માટે કરે છે.
પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા પહોંચાડવી એ
પાપ છે.કોઇપણ જીવમાત્રને ત્રાસ કે દુઃખ આપવાથી પાપ બંધાય છે કારણ કે દરેક
જીવમાત્રમાં ભગવાન છે તેથી કોઈ પણ જીવને સુખ આપવાથી પુણ્ય બંધાય છે.સંત
મહાપુરૂષોના સંગમાં રહેવાથી પુણ્યની પ્રેરણા મળે અને પાપથી બચી શકાય છે.માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં,પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો
અભ્યાસ કરવામાં કરવો જોઇએ.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment