Monday, 10 June 2024

બોધકથા..કર્મોનો હિસાબ

 

બોધકથા..કર્મોનો હિસાબ

 

જેની સાથે અમારૂં પૂર્વજન્મનું લેણદેણ હોય છે તે અમારે ત્યાં પૂત્ર,પૂત્રી,જમાઇ અને વહુ બનીને આવે છે.એક ફૌજી કે જેના માતા-પિતા કે કોઇ ભાઇ બહેન ન હતા.લગ્ન કરેલ ન હોવાથી પત્ની કે બાળકો નહોતા.જે કંઇ ૫ગારની આવક થતી તેમાંથી જે બચત થતી તે રકમ ભેગી કરતા હતા. એકવાર એક શેઠ કે જે સૈન્યમાં માલ સપ્લાય કરતા હતા,તેમના સં૫ર્કમાં આવે છે અને મિત્રતા થાય છે.એકવાર શેઠ કહે છે કે તમારી પાસે જે પૈસા પડ્યા છે તે મને કારોબાર માટે આપો, હું તમોને બેન્ક કરતાં વધુ વ્યાજ આપીશ. ફૌજીએ પોતાની તમામ બચતની રકમ શેઠને કારોબાર માટે આપે છે.થોડા જ દિવસોમાં શેઠનો કારોબાર ખુબ વધી ગયો અને ખુબ કમાણી થવા લાગી.એકવાર પાડોશી દેશે આક્રમણ કર્યું અને આ લડાઇમાં ફૌજીનું મોત થાય છે.

 

લડાઇમાં ફૌજી ઘોડી ઉપર સવાર થઇને ગયા હતા.ઘોડી એટલી ખરાબ હતી કે જેટલી જોરથી લગામ ખેંચવામાં આવે તેટલી તેજ ભાગતી હતી.ભાગતાં ભાગતાં આ ઘોડી દુશ્મનના દળમાં જઇને ઉભી રહી જાય છે અને દુશ્મનોએ એક જ વારમાં ફૌજી અને ઘોડીને મારી નાખે છે.શેઠને ખબર પડી કે ફૌજી મરી ગયો છે અને તેનો કોઇ વારસદાર ન હોવાથી હવે મારે લીધેલ પૈસા પાછા નહી આપવા પડે તે વાતથી બહુ ખુશ થાય છે.કેટલાક દિવસ બાદ શેઠના ઘરમાં બાળકનો જન્મ થાય છે.પૈસા પણ ઘણા થઇ ગયા,ધંધો સારો ચાલે છે અને જેની પાસેથી પૈસા લીધા હતા તે પણ મરી ગયો તેથી શેઠ ઘણા ખુશ થાય છે.બાળક ભણી ગણીને મોટો થાય છે,ધંધો સંભાળી શકે તેવો સમજદાર થતાં તેનું લગ્ન કરાવવામાં આવે છે.

 

કેટલાક દિવસો બાદ શેઠના પૂત્રને ગંભીર પ્રકારની અસાધ્ય બિમારી થાય છે.નિષ્ણાત ર્ડાકટરના દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે,અનેક ઉપચાર કરવા છતાં અને લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં બિમારીમાં કોઇ ફાયદો થતો નથી અંતે ર્ડાકટરે કહી દીધું કે અનેક ઉપચાર કરવા છતાં બિમારીમાં કોઇ ફાયદો થતો નથી હવે તમારો પૂત્ર બે દિવસનો મહેમાન છે.

 

અંતિમ શ્વાસ લઇ રહેલ પૂત્રને લઇને શેઠ ઘેર જઇ રહ્યા હતા ત્યારે એક ભાઇ રસ્તામાં મળે છે અને પુછે છે કે શેઠજી..આપ આટલા બધા દુઃખી કેમ છો? શેઠ કહે છે કે આ મારો પૂત્ર અમારા વૃદ્ધાવસ્થાનો સહારો બિમાર છે અને લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં હવે બચવાની કોઇ આશા નથી તેથી તેને ઘેર લઇને જઇ રહ્યો છું ત્યારે પેલા ભાઇ કહે છે કે મારી પડોશમાં રહેતા એક વૈદ્યની દવાથી ભલભલા અસાધ્ય રોગમાં સારૂં થયાના દાખલા છે.આપ તેમની પાસે જાઓ.શેઠ વૈદ્ય પાસેથી દવા લઇને આવે છે અને જેવી દવા ખવડાવે છે કે તુરંત જ શેઠ પૂત્ર મરી જાય છે.થોડું લેણદેણ બાકી હતું તે વૈદ્યની દવાના ખર્ચથી પુરૂ કરે છે.

 

શેઠ-શેઠાણી અને પૂત્ર ચોધાર આંસુએ રડે છે.સમગ્ર ગામમાં શોક ફેલાય છે ત્યારે ગામમાં એક મહાત્મા આવે છે અને પુછે છે કે બધા કેમ રડે છે? ત્યારે લોકો કહે છે છે શેઠના યુવાન પૂત્રનું મૃત્યુ થયું છે એટલે બધા રડે છે.મહાત્મા શેઠને કહે છે કે તમે કેમ રડો છો? શેઠ કહે છે કે મહારાજ જેનો યુવાન પૂત્રનું મૃત્યુ થાય તે રડે ના તો શું કરે?

 

ત્યારે મહાત્મા કહે છે કે તે દિવસે તો આપ ઘણા ખુશ હતા કે જ્યારે ફૌજીનું મૃત્યું થયું હતું અને વિચારતા હતા કે હવે ઉછીના પૈસા હવે પાછા નહી આપવા પડે અને તે દિવસે આખા ગામમાં મીઠાઇ વહેંચી હતી જ્યારે તમારા ઘેર બાળકનો જન્મ થયો હતો અને જ્યારે પૂત્રને પરણાવ્યો ત્યારે તમો ખુશીથી નાચતા હતા અને આજે રડી રહ્યા છો?

 

મહાત્મા કહે છે કે તે ફૌજી જ પોતાના પૈસા લેવા,હિસાબ પુરો માટે તમારો દિકરો બનીને આવ્યો હતો અને કર્મોનો હિસાબ,લેણદેણ પુરૂ થતાં તમને છોડીને ચાલ્યો ગયો છે, ત્યારે શેઠજી કહે છે કે તેનું મારી સાથે લેણદેણ હતું એટલે તેને પુરૂ કર્યું પરંતુ મારી યુવાન વહુ ઘરમાં છે તેને દગો કરીને વિધવા બનાવીને ચાલ્યો ગયો તેનો શું વાંક? ત્યારે મહાત્મા કહે છે કે તમારી વહું એ ગયા જન્મમાં ઘોડી હતી અને ફૌજી સાથે દગો કરી મરાવી નાખ્યો હતો તેનું ફળ તે ભોગવી રહી છે.

 

અમે જે વાવ્યું હોય છે એ જ અમોને મળે છે એટલે કોઇને દોષ ના આપશો,અમારા પોતાના દોષ જોજો.ઇન્દ્રિયોની તમામ ક્રિયાઓમાં તથા મનના સંકલ્પ-વિકલ્પોના વહેતા પ્રવાહમાં માત્ર દ્રષ્ટા બનીને સ્વભાવ અનુસાર કર્તવ્ય કર્મો કરવા એ અમારૂં કર્તવ્ય છે.આગમ,વેદ,શાસ્ત્ર,પુરાણો તથા તમામ સંત મહાપુરૂષોનું કહેવું છે કે..આ સંસાર કર્મોના લેખા-જોખા આધારીત છે તેમાં જીવ ચૈતન્ય આત્માને,પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણી લે છે તે સમજદાર છે અને તે જ ભવસાગર પાર ઉતરી શકશે.

 

જ્યાંસુધી આત્મજ્ઞાન ના થાય ત્યાંસુધી કર્મોનું ઋણાનુંબંધ ચુકવવું જ પડે છે એટલે નિષ્કામ કર્મ કરી ઇશ્વરને સંતુષ્ટ કરીએ. ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂથી પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી આલોક અને પરલોક સુખી કરીએ.

 

ભવસાગરમાં ગોથાં ખાવા કરતાં સત્યબોધ પ્રાપ્ત કરી અલૌકિક આનંદ પ્રાપ્ત  કરવો તથા જીવતાં રહીને પોતાનાં પ્રારબ્ધ કર્મોનો હિસાબ પુરો કરી નવેસરથી સદવિચારી,સમવ્યવહારી તથા કલ્યાણકારી જીવન વિતાવવું એ જ વાસ્તવમાં મનુષ્ય જીવનનું લક્ષ્ય છે ૫રંતુ આ ક્યારે શક્ય બને? સંસારમાં જન્મ લેતાં જ મનુષ્ય માયાવી ગોરખધંધામાં એવો ફસાઇ જાય છે કે આધ્યાત્મિક જ્ઞાનનો દિ૫ક અવિવેકરૂપી ભયંકર અંધકારમાં પોતાનો પ્રકાશ ફેલાવી શકતો નથી.

 

જ્ઞાનરૂપી દિ૫કને ગુરૂની સહાયતાથી પ્રકાશિત કરી સર્વપ્રથમ મનુષ્યએ પોતાના જીવનલક્ષને પ્રાપ્ત કરવા,જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવા કોઇ સાચા સદગુરૂની શોધ કરવી જોઇએ.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment