Saturday, 22 June 2024

સંત ચરીત્ર..મહારાષ્ટના મહાન સંત નામદેવજી

 

સંત ચરીત્ર..મહારાષ્ટના મહાન સંત નામદેવજી

 

પાંડુરપુર દક્ષિણમાં શિંપી દરજી પરીવારના વામદેવ ભગવાનના પરમ ભક્ત હતા.તેમની પૂત્રી લગ્નના થોડા સમયમાં જ વિધવા બને છે. તે જ્યારે બાર વર્ષની થાય છે ત્યારે પિતા વામદેવ કહે છે કે તૂં આપણા ઘરમાં વિરાજમાન ઠાકુર શ્રીપાંડુરંગનાથજીની સેવા એકાગ્ર મનથી કરો. તારા તમામ મનોરથ ઠાકોરજી પુરા કરશે. પિતાની આજ્ઞા માનીને સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાનના સુંદર રૂપને જોઇને તે દિકરીના હ્રદયમાં ભોગની ઇચ્છા જાગ્રત થાય છે અને ભગવાને તેના મનોરથને પુરો કર્યો.દિકરી ગર્ભવતી બને છે. શું આ સંભવ છે? તેને માની જ લેવાનું છે કારણ કે ભગવાનની માયાના રહસ્યને જાણી શકાતું નથી તે લૌકિક વિધિ-નિષેધથી પર હોય છે.

વિધવાને ગર્ભ રહી ગયો તેની ચર્ચા ઠેર ઠેર થવા લાગે છે.પારકી નિંદા કરવાવાળાઓને તો ચર્ચા કરવા મસાલો મળી ગયો.આ વાત ફરતી ફરતી વામદેવજી સુધી પહોંચે છે.તેમને શંકાના સમાધાન માટે પૂત્રીને પુછે છે ત્યારે દિકરી કહે છે કે ભગવાને પોતે પ્રત્યક્ષ દર્શન આપીને અનુગ્રહીત કરેલ છે.પુરા મહિને તે એક બાળકને જન્મ આપે છે,વામદેવજી તેનું નામ નામદેવ રાખે છે.

નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે.શ્રીનામદેવજીનો જન્મ કારતક વદ બીજ રવિવાર સંવત ૧૩૨૭ના રોજ સૂર્યોદયના સમયે મહારાષ્ટના પરભની જીલ્લાના નરસી બામણી નામના ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોણાબાઇ હતું.દામાશેઠની ચાર પેઢી પહેલાં આ પરીવારના યદુશેઠ ભગવાન વિઠ્ઠલના અનન્ય ઉપાસક હતા. આવા પરીવારમાં જન્મ લીધો હોવાથી સંસ્કારી નામદેવના જીવનમાં બાલ્ય અવસ્થાથી જ ભક્તિના સંસ્કાર હતા તેથી તેઓ પોતાના મિત્રોથી અલગ રહીને ભગવાન વિઠ્ઠલજીના નામનો જપ પૂજા ગુણગાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.

તે સમયે તેમના સમાજમાં બાળલગ્નની પ્રથા અમલમાં હતી એટલે તેમનું નાની ઉંમરે ગોવિંદ શેઠ સદાવર્તેની કન્યા રાજાઇની સાથે લગ્ન કરવામાં આવ્યું હતું.તેમના પિતાના સ્વર્ગવાસ પછી તેમના માતા નામદેવને વેપાર ધંધામાં જોડાઇ જવા દબાણ કરે છે પરંતુ તે સહમત થતા નથી અને એક દિવસ ગામ અને ઘર છોડીને પંઢરપુર ચાલ્યા જાય છે ત્યાં ગોરા કુંભાર,સવિતા માલી વગેરે ભક્તો સાથે તેમનો પરીચય થાય છે અને શ્રીવિઠ્ઠલજીમાં શ્રદ્ધા વધુ દ્રઢ બને છે.

એકવાર મહારાષ્ટના પ્રસિદ્ધ સંત જ્ઞાનેશ્વરજી પોતાની સાથે નામદેવજીને તીર્થયાત્રામાં લઇ જવા ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે નામદેવજી કહે છે કે જો ભગવાન પાંડુરંગજી આજ્ઞા આપે તો હું તમારી સાથે આવી શકું. સંત જ્ઞાનેશ્વરજીએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને કહ્યું કે નામદેવજીને છોડવાનું અત્યંત દુઃખ છે પરંતુ જો તમે તમારી જવાબદારી ઉપર લઇ જઇ શકો છો.

તીર્થયાત્રા દરમ્યાન ગુજરાતમાં આવેલ પ્રભાસ પાટણ,દ્વારીકા વગેરે તીર્થોના દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હોય છે ત્યારે એક ઘટના બને છે.રસ્તામાં બિકાનેર પાસેના કૌલાયત ગામમાં પહોંચે છે તે સમયે તેમને તરસ લાગે છે.પાણીની શોધ કરતાં એક કૂવો જોવા મળે છે પરંતુ તેમાં પાણી નહોતું. યોગી જ્ઞાનેશ્વરે લધિમા સિદ્ધિના પ્રભાવથી કૂવાની અંદર પૃથ્વીમાં પ્રવેશ કરીને પાણી પી પાછા આવી જાય છે અને નામદેવજીના માટે પાણી લેતા આવે છે.નામદેવજી આ પાણીને પીતા નથી અને કહે છે કે મારા વિઠ્ઠલને મારી ચિંતા હોય છે તે કંઇને કંઇ ઉપાય કરશે તેવું બોલે છે ત્યાં જ કૂવો પાણીથી ઉભરાઇ જાય છે અને નામદેવ પાણી પી લે છે.જ્ઞાનેશ્વરજીના દેહાંત બાદ નામદેવજી ઉત્તર ભારત તરફ જાય છે અને પંજાબમાં ભક્તિનો પ્રચાર કરે છે. કહેવાય છે કે વિસોબા ખેચરે નામના એક સંતના માધ્યમથી તેમને પૂર્ણ જ્ઞાન મળ્યું હતું એટલે નામદેવ તેમને ગુરૂ માનતા હતા.

મહારાષ્ટમાં પ્રચલિત બારફુરી પંથના સંસ્થાપક નામદેવજી હતા.એંસી વર્ષની ઉંમરે સંવત ૧૪૦૭માં તેઓ પરલોક સિધાવી ગયા.ભક્તમાલમાં તેમને જ્ઞાનદેવજીના શિષ્ય બતાવ્યા છે.તેમને મૂર્તિપૂજાની નિંદા કરી છે પરંતુ પોતે મૂર્તિપૂજક હતા.ગુરૂદાસપુર જીલ્લાના ધોમાનમાં નમદેવજીના નામથી એક મંદિર છે.

સંત નામદેવજીનું બાળપણ તેમના મોસાળમાં વ્યતિત થયું હતું.તેમના નાના વામદેવ કે જે પરમ વૈષ્ણવ ભક્ત હતા.તેમની ભક્તિ જોઇને બાળપણથી જ તેઓ નાનાને કહેતા હતા કે ભગવાનની સેવા મને કરવા દો.એકવાર તેમના નાના કોઇ કામસર ત્રણ દિવસ માટે બહાર જતાં પહેલાં નામદેવને કહે છે કે ત્રણ દિવસ સુધી તારે ઠાકોરજીની સેવા કરવાની છે.તેમને દૂધનો ભોગ લગાવવાનો છે અને વધેલ ભોગ પોતે લેવાનો છે.નાનાજી જતાં પહેલાં ફરીથી કહે છે કે ભગવાનની સેવા કરવાની છે,ભગવાનને દૂધનો ભોગ લગાવવાનો છે દૂધ ભગવાનને પીવડાવવાનું છે.

નાનાજીના ગયા પછી સવારે તે ભગવાનની સેવા કરે છે.બે કિલો દૂધ ઉકાળીને જ્યારે એક કટોરો દૂધ રહી જાય છે ત્યારે તેમાં મેવા-મિશ્રી વગેરે નાખીને તેમાં તુલસીપત્ર મૂકી ભોગ માટે કટોરો ભગવાનની આગળ મૂકી પડદો આડો કરી દે છે.થોડો સમય પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારા ભોગનો સ્વીકાર કરો,આપની આગળ દૂધ મુક્યું છે તે પીવા વિનંતી કરૂં છું.થોડીવાર પછી પડદો હટાવીને જુવે છે તો દૂધના કટોરામાંથી દૂધ ઓછું થતું નથી.

બાળક નામદેવજી વિચાર કરે છે કે મારી શ્રદ્ધામાં કોઇ ખામી રહી ગઇ હશે કે જેથી ભગવાન દૂધ પીતા નથી.આવું બે દિવસ સુધી સતત ચાલે છે.ભગવાન ભોગ સ્વીકારતા નથી,દૂધ પીતા નથી એટલે પોતે પણ ભૂખ્યા રહે છે.ત્રીજા દિવસે નામદેવજી વિચારે છે કે આજે ત્રણ દિવસ પુરા થાય છે અને આજે પણ ભગવાન દૂધ નહી પીવે તો નાનાજી આવીને પુછશે તો શું જવાબ આપીશ.

ત્રીજા દિવસની સવારે નામદેવજી ભગવાનને સુંદર શ્રૃંગાર કરે છે,ફુલની માળા અર્પણ કરીને દૂધનો કટોરો તૈયાર કરીને ભગવાનની આગળ મુકે છે.કેટલોક સમય સુધી પ્રાર્થના કરે છે અને પછી જુવે છે તો કટોરામાં દૂધ તો ઓછું થયું નથી આ જોઇને તેમને પ્રભુની સામે આત્મસમર્પણ કરતાં હાથમાં છરી લઇને કહ્યું કે  હે પ્રભુ ! જો આજે આપ દૂધ નહી પીવો તો હું મારી જાતને તમારી આગળ મારા પ્રાણ આપી દઇશ તેમ કહીને જેવો પોતાની ગરદન ઉપર પ્રહાર કરવા જાય છે કે તુરંત જ ઠાકુરજી પ્રગટ થાય છે અને હાથમાંનો છરી પકડી લે છે અને નામદેવજીને કહે છે કે હું દૂધ પી જઇશ પણ તમે આવો અનર્થ ના કરશો. આવી રીતે ભગવાને નામદેવજીના હાથે દૂધ પીધું.બીજા દિવસે તેમના નાના ઘેર આવ્યા તો સેવાના વિશે પુછતાં નામદેવજીએ દૂધ પીવાની ભગવાનની લીલા વિશે વાત કરી તો તેમને વિશ્વાસ આવતો નથી અને કહે છે કે ભગવાન મારી હાજરીમાં દૂધ પીવે તો હું સાચું માનું.

બીજા દિવસે સવારે નામદેવ ભગવાનની પૂજા અર્ચના કરી દૂધ મુક્યું પરંતુ ભગવાન દૂધ પીવા આવતા નથી ત્યારે નામદેવજીએ ભગવાનને કહ્યું કે ગઇકાલે આપે મારી સામે આવીને દૂધ પીધું હતું તો આજે કેમ મને જૂઠો સાબિત કરો છો? આમ કહીને હાથમાં છરી લઇને જેવી ગર્દન ઉપર મુકી તેવા જ ભગવાને દિવ્ય રૂપમાં મોર મુગુટ બંસીધારી રૂપે પ્રગટ થઇને દર્શન આપી દૂધનો ભોગ ગ્રહણ કરે છે ત્યારે નામદેવજી કહે છે કે પ્રભુ ! અમારા માટે થોડો ભોગ રહેવા દેજો.વામદેવને પણ ભગવાનના દર્શન થયાં.

આમ જો પરીવારમાં બાળકોને ભક્તિના સંસ્કાર આપવામાં આવે તો ભગવાનની કૃપા,ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે.આ કથાના માધ્યમથી અમારે ભક્તિને દ્રઢ કરી આગળ વધી અમારા જીવનના અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.નામદેવના ચરીત્રના માધ્યમથી ભગવાન સ્પષ્ટ કરે છે કે તે ભક્તોના પ્રેમને વશ થઇને ભોગ ગ્રહણ કરે છે અને જ્યાં પ્રેમનો અભાવ હોય છે ત્યાં છપ્પન પ્રકારના વ્યજંનો હોય તો પણ સ્વીકારતા નથી.

સામાન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા નથી તેના માટે તીવ્ર ભક્તિયોગની જરૂર છે.ઉપાસના કરતી વખતે પ્રતિમા બુદ્ધિ ના રાખવી.આવા પ્રકારના વિશ્વાસની ભાવના બાળકોમાં અત્યંત સહજ હોય છે.તે પોતાનાં રમકડાંને પણ સજીવ સમજે છે.

એકવાર મુસલમાન રાજા સિકંદરે નામદેવજીને બોલાવીને પુછ્યું કે સાંભળ્યું છે કે આપને સાહેબ (ભગવાન) નો સાક્ષાત્કાર થયો છે તો અમોને પણ તેમના દર્શન કરાવો અને તમારી આશ્ચર્યજનક શક્તિનો પરીચય આપો.ત્યારે નામદેવજી કહે છે કે મારામાં એવી કોઇ કરામત હોત તો અમે દરજીનું કામ ના કરતા. આખો દિવસ પરીશ્રમ કર્યા પછી જે કંઇ મળે છે તે સંતો-ભક્તો સંગ બેસીને ગ્રહણ કરૂં છું અને સંતોના પ્રભાવથી મારી કીર્તિ દૂર સુધી ફેલાઇ છે અને તેથી આપે મને આપના દરબારમાં બોલાવ્યો છે.ત્યારે બાદશાહ કહે છે કે આપ આ મરેલી ગાયને જીવિત કરીને તમારા ઘેર ચાલ્યા જઇ શકો છો.નામદેવજીએ સહજ સ્વભાવથી એક પદ ગાઇને ગાયને જીવિત કરી હતી.

આ ચમત્કાર જોયા પછી બાદશાહે તેમને કોઇ એક ગામ કે પ્રદેશ દાનના રૂપમાં આપવા વિનંતી કરે છે ત્યારે નામદેવજી કંઇપણ લેવાનો ઇન્કાર કરે છે તેમછતાં રાજાએ પ્રસન્ન થઇને એક રત્નજડીત પલંગ ભેટ આપે છે જેને નામદેવથી માથા ઉપર મુકીને લઇ જાય છે ત્યારે રાજા પલંગને ઉચકવા કેટલાક સેવકો મોકલે છે પરંતુ નામદેવ ના પાડી દે છે.રાજા તેમની સુરક્ષા માટે પાછળ ખાનગીમાં કેટલાક સૈનિકોને મોકલે છે.

નામદેવજી તે પલંગ લઇને યમુના કિનારે જાય છે અને પલંગને ભગવાનને સમર્પિત કરી યમુનાના અગાદ્ય જળમાં ડુબાડી દે છે.સૈનિકોએ આ ઘટના જોઇને તેની જાણ રાજાને કરે છે ત્યારે રાજા ફરીથી નામદેવજીને રાજસભામાં બોલાવે છે અને કહે છે કે મેં તમોને જે પલંગ આપ્યો હતો મારે તેવો જ પલંગ બનાવડાવવો છે તેથી તે પલંગ લાવીને કારીગરોને બતાવો.નામદેવજી યમુના કિનારે જઇને યમુના જળમાંથી અનેક પલંગ બહાર કાઢીને બહાર મુકે છે અને રાજાને પોતાનો પલંગ ઓળખીને લઇ જવા કહે છે.નામદેવજીના આવા ચમત્કારથી રાજાને ઘણી જ નવાઇ લાગે છે.નામદેવજીના વિલક્ષણ પ્રભાવ જોઇ બાદશાહ તેમના પગમાં પડી જાય છે અને કહે છે કે મને પ્રભુના કોપથી બચાવો કેમકે મેં પ્રભુના લાડકા દિકરા સંત નામદેવજીની પરીક્ષા કરીને અપરાધ કર્યો છે.

નામદેવજી રાજાને કહે છે કે મારા પ્રભુની ક્ષમા માંગવા ઇચ્છતા હો તો આજપછી ક્યારેય સંત-સાધુઓને સતાવશો નહી અને મને ક્યારેય આપના રાજદરબારમાં ના બોલાવશો.નામદેવજીનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર હતું જેની વાતો આગલા લેખમાં કરીશું..

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment