બોધકથા..આશા ત્યાં વાસા સૂરતા
ત્યાં મુકામ
આશા ત્યાં વાસા..આ ચાર શબ્દોમાં સંતોએ જીંદગીનો સાર મુકી
દીધો છે.સંતો કહે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી
સંતના શ્રીચરણોમાં પહોંચી પરમ પિતા પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી તેમની સાથે
સબંધ જોડવો અને આ ફક્ત મનુષ્ય જીવનમાં જ સંભવ છે.વિષય દર્શિત ચાર શબ્દોના માધ્યમથી
સંતો કહે છે કે મૃત્યુ સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય
કે ખરાબ કર્મ હોય, મન જેમાં લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો
મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત
થઇ શકે છે.
દુનિયાના તમામ કામ કરતાં કરતાં પણ પોતાના
મનને પરમાત્મામાં લગાવેલું રાખવાનું છે.જો અમે આખી જીંદગી દુનિયાની ચીજવસ્તુઓ,પૂત્ર-પરીવાર,કારોબાર,ધન-દૌલત વગેરેનું ચિંતન કરીશું તો મરતી વખતે
આ ચીજવસ્તુઓનું ચિંતન થશે અને ફરી પાછા જન્મ-મરણના ચક્કરમાં આવવું પડશે.
એકવાર એક સંત પોતાના શિષ્યો સાથે જંગલમાં પોતાના
આશ્રમમાં રહેતા હતા.સંતે સારી કમાણી કરી હતી.એકવાર સંત બિમાર પડે છે.શિષ્યોને
વિશ્વાસ હતો કે અમારા ગુરૂજી મૃત્યુ પછી સ્વર્ગમાં જ જવાના છે.એકવાર શિષ્યોએ
પોતાના ગુરૂજીને પુછ્યું કે ગુરૂજી ! આપ સંસાર છોડીને જશો તો અમોને કેવી રીતે ખબર
પડે કે મૃત્ય પછી આપ સ્વર્ગમાં ગયા છો? ગુરૂજીએ કહ્યું કે મારા મૃત્યુના ત્રીજા દિવસે આકાશમાં ઢોલ
વાગવાનો અવાજ સંભળાય તો સમજી લેજો કે હું સ્વર્ગમાં ગયો છું.કેટલાક દિવસો બાદ
ગુરૂજીનું અવસાન થાય છે.ચાર-પાંચ દિવસો વિતવા છતાં ઢોલ વાગવાનો અવાજ ના સંભળાયો.
ગુરૂજીના તેરમાના દિવસે તેમના એક ગુરૂભાઇ આવે
છે.શિષ્યો તેમને તમામ હકીકત કહી પ્રશ્ન પુછે છે કે ગુરૂજીના વચન અનુસાર ઢોલનો અવાજ
સંભળાયો નથી.ગુરૂભાઇએ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને જોયું તો ગુરૂજીના અંત સમયે
જ્યારે તેમને છેલ્લો શ્વાસ લીધો તે સમયે તેઓ એક બોરડીના વૃક્ષ નીચે સૂતા હતા.આ
બોરડી ઉપર એક પાકું બોર હતું.અંત સમયે ગુરૂજીનું ધ્યાન બોરને ખાવામાં જાય છે અને
તે સમયે જ તેમનું દેહાવસાન થાય છે એટલે શરીર છુટ્યા પછી તે એક કીડાનું શરીર ધારણ
કરીને બોરમાં પૈદા થાય છે.ગુરૂભાઇએ તમામ વાત શિષ્યોને કરી અને કહ્યું કે આ પાકેલા
બોર ઉપર ધ્યાન રાખજો.જ્યારે આ બોર પાકીને નીચે પડે અને તેમાં રહેલા કીડાનું મૃત્યુ
થશે ત્યારે ગુરૂજીનો આત્મા સ્વતંત્ર થઇને સ્વર્ગમાં જશે અને તે સમયે તમોને ઢોલ
વાગવાનો અવાજ સંભળાશે.શિષ્યોએ ગુરૂભાઇએ આપેલ સૂચનાઓનું પાલન કર્યું.ત્રણ દિવસ પછી
બોર નીચે પડે છે અને શિષ્યોને ઢોલ વાગવાનો અવાજ સંભળાય છે.
આ વાર્તાના માધ્યમથી આપણે એ બોધ લેવાનો છે કે એક પૂર્ણ
સંત હોવા છતાં અંત સમયે દુનિયાવી ઇચ્છાને વશીભૂત થતાં તેમને કીડાની યોનિમાં જન્મ
લેવો પડ્યો એટલે અમારે પણ સંતોના વચનો અને સદગુરૂના આદેશ-ઉપદેશ અનુસાર દુનિયામાં
સાક્ષીભાવે દુનિયાના તમામ કર્તવ્યકર્મો નિભાવીને પરમાત્માને હરપલ યાદ રાખવાના છે
કે જેથી મૃત્યુના સમયે અમારૂં ધ્યાન દુનિયાના પદાર્થો કે સગા-વહાલાઓમાં ના જતાં એક
પ્રભુ પરમાત્મામાં જોડાયેલ રહે કે જેથી અમારે ફરીથી જન્મ-મરણના ચક્કરમાં ના આવવું
પડે.
૫રમેશ્વરને
જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી શકે છે એટલે કે મૃત્યુના બંધનથી છુટકારો
મેળવી શકે છે તેના સિવાય ૫રમ૫દ પ્રાપ્તિેનો બીજો કોઇ માર્ગ નથી.
જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ત્નીઓ)
એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ
કર્મેન્દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી
બુધ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે.જો
કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી ૫રમ
પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે
અનેક જન્મોં ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય
તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય
જન્મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ.
એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે ફોટો
સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું
કેઃ ફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ
સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય
ન સમજીને કે કદાચ ફોટામાં એવું ન આવી જાય તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ
ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે
કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ
દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને
તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું
કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી
તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી.
આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ
યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ
મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને
ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ
૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્યની જેમાં વાસના રહે છે
તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે
કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ
થાય છે.આનો અર્થ એ થયો કેઃ મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા
નથી,પરંતુ
આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે
વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ
છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે
નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે
કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.
મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ
છે.કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે,તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને છે,કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે,તો કોઇક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે છે,કેટલાક મૃત્યુને ઘણી જ ભયંકર ઘટના સમજે છે,તો કોઇ તેને ઘણી જ સારી ઘટના માને છે.કેટલાક મૃત્યુને જીવનમાં
મહત્વપૂર્ણ સ્થાન આપે છે તો કોઇક તેને મિથ્યા કલ્પનાના સિવાય કશું સમજતા નથી..તેમ
છતાં એક વાતનો આપણે બધાએ સ્વીકાર કરવો પડશે કેઃ મૃત્યુનું રૂ૫ ભલે ગમે તે હોય,પરંતુ તેનું જીવનમાં ઘણું જ મહત્વ છે.ભલે બધા વિદ્વાનો અને
દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ
હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિંત છે.
કેટલાક મહાત્માઓએ પોતાની ઉદાર વિચારધારાને
અનુકૂળ મૃત્યુની પ્રસંશા ૫ણ કરી છે,જેમ કેઃ મહાત્મા ગાંધીજીનું કથન છે કેઃ
મૃત્યુના સમાન નિશ્ચિત બીજી કોઇ ચીજ નથી. મૃત્યુની સાથે જ તમામ ઝઘડાઓનો અંત આવી
જાય છે. સ્વામી રામતીર્થનો મત છે કેઃ આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.
શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી.એમાં ૫રીવર્તન
થતું રહે છે.શરીર અને શરીરી(આત્મા) ભિન્ન છે.શરીર દ્રશ્ય છે અને અશરીરી(આત્મા)
દ્રષ્ટ્રા છે.આથી શરીરમાં બાળપણ,યુવાની, વૃધ્ધાવસ્થા
વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય
છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન
અને યુવાનમાંથી વૃધ્ધ થઇ જાય છે, ત્યારે તે અવસ્થાઓના પરીવર્તનના કારણે કોઇ શોક થતો નથી,તેવી
જ રીતે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું તે સુક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા
છે.તેના માટે શોક કરવો જોઇએ નહી.સ્થૂળ શરીરની અવસ્થા બદલાવાથી તો એમનું જ્ઞાન થાય
છે,પરંતુ
દેહાન્તર પ્રાપ્તિ થતાં પહેલાંના શરીરનું
જ્ઞાન રહેતું નથી,કારણ કેઃમૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય
છે.આ કષ્ટના કારણે બુધ્ધિમાં પૂર્વ જન્મની સ્મૃતિ રહેતી નથી.
હવે પ્રશ્ન થાય કેઃ અનાદિકાળથી જે જન્મ-મરણ
ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું? કર્મોની દ્રષ્ટ્રિ એ શુભાશુભ કર્મોનું ફળ
ભોગવવા માટે જન્મ-મરણ થાય છે, જ્ઞાનની દ્રષ્ટ્રિ એ અજ્ઞાનના કારણે
જન્મ-મરણ થાય છે અને ભક્તિની દ્રષ્ટ્રિ એ ભગવાનથી વિમુખતાના કારણે જન્મ-મરણ થાય
છે. આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કેઃ"ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે
તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદઉ૫યોગ
કરવાથી જન્મ-મરણ દૂર થશે.. પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ
કરવાથી જન્મ-મરણ દૂર થશે..પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે. ભગવાનથી
વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે,તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે
નહી.
અંત સમયે સબંધીઓ,પરીવારજનો..વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં
સારાં ખોટાં કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને
બીજા શરીરમાં જાય છે અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે,એટલે
૫રીવાર અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને
ભવિષ્યમાં મૃત્યુ બાદ દુઃખદાયી બને.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment