બોધકથા..ગુરૂનો ઉપદેશ
એક સત્સંગ
સભામાં ગુરૂજીએ ચાલુ પ્રવચનમાં એક ત્રીસ વર્ષના નવયુવાનને ઉભો કરીને પુછ્યું કે આપ
મુંબઇમાં જુહૂંની ચૌપાટી ઉપર ચાલી રહ્યા છો અને સામેથી એક સુંદરતાની મૂર્તિ પરી
જેવી સુંદર છોકરી આવી રહી છે તો આપ શું કરશો? યુવક
કહે છે કે તે છોકરી ઉપર મારી નજર જશે,તેને હું જોવા
લાગીશ.ત્યારે ગુરૂજીએ પુછ્યું કે તે છોકરી આગળ નીકળી જાય તો પણ તમે પાછું વળીને
જોશો?
ત્યારે યુવાન કહે છે કે
હા..જો ધર્મપત્ની સાથે ના હોય તો ! (સભામાં હાસ્ય ફેલાય છે)
ગુરૂજીએ
ફરીથી પુછ્યું કે આ સુંદર ચહેરો આપને ક્યાં સુધી યાદ રહેશે? ત્યારે યુવાન કહે છે કે ૫-૧૦ મિનિટ સુધી..જ્યાં
સુધી બીજો આવો જ સુંદર ચહેરો સામે ના આવે ત્યાં સુધી.
ગુરૂજીએ તે યુવકને કહ્યું
કે હવે જરા કલ્પના કરો..આપ વડોદરાથી મુંબઇ જઇ રહ્યા છો અને મેં તમોને એક ધાર્મિક પુસ્તકોનું
પેકેટ આપ્યું અને કહ્યું કે મુંબઇમાં અમુક મહાનુભાવના ઘેર જઇને આ પેકેટ તમારે
પહોંચાડવાનું છે.આપ પેકેટ આપવા માટે તેમના ઘેર ગયા.તેમનું ઘર જોયું તો તમોને ખબર
પડી કે આ તો બહુ મોટા અરબપતિ છે.તેમના ઘરની બહાર દશ ગાડીઓ ઉભી છે અને પાંચ તો
ચોકીદાર ઉભા છે.
આપે મેં
મોકલાવેલ પેકેટની સૂચના અંદર કહેવડાવી તો માલિક જાતે બહાર આવે છે.આપની પાસેથી
પેકેટનો સ્વીકાર કરે છે.તમારૂં સ્વાગત કરે છે,ઠંડું પાણી તથા ચા-નાસ્તો કરાવે છે અને ત્યારબાદ
તમારી સાથે બેસીને સરસ મજાનું ગરમાગરમ ભોજન જમાડે છે.
આપ જ્યારે તેમના બંગલામાં
વિદાય લો છો ત્યારે તે મહાશય પુછે છે કે આપ કેવી રીતે અહી સુધી આવ્યા હતા? ત્યારે આપ કહો છો કે હું લોકલ ટ્રેનના મારફતે આવ્યો છું.
તેઓ ડ્રાઇવરને
કહીને આપને જે જગ્યાએ જવાનું છે તે સ્થાન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે છે. આપ
જ્યારે આપના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચો છો ત્યારે તે મહાશયનો ફોન આવે છે કે ભાઇ ! આપ
આરામથી પહોંચી ગયા છો ને?
હવે આપ મને બતાવો કે આપને તે
મહાનુભાવ ક્યાં સુધી યાદ રહેશે? ત્યારે યુવક કહે છે કે
ગુરૂજી ! અંતિમ શ્વાસ સુધી તે વ્યક્તિને હું ના ભુલી શકું..
ગુરૂજીએ
યુવકને માધ્યમ બનાવીને સભાને સંબોધિત કરતાં કહ્યું કે આ છે જીવનની હકીકત..સુંદર
ચહેરો થોડો સમય સુધી યાદ રહે છે પરંતુ સુંદર વ્યવહાર જીવનભર યાદ રહે છે.બસ..આ જ
જીવનનો ગુરૂ મંત્ર છે.પોતાના ચહેરા અને શરીરની સુંદરતાથી વધુ પોતાના વ્યવહારની
સુંદરતા ઉપર ધ્યાન આપશો તો જીવન પોતાના માટે આનંદદાયક અને બીજાઓના માટે અવિસ્મરણીય
પ્રેરણાદાયક બની જશે.જીવન જીવવા માટે છે.જીવો ઘણું જીવો અને આપનું જીવન બીજા કોઇના
માટે પ્રેરણાસ્ત્રોત બને તેવું જીવન જીવો.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા(પંચમહાલ)
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment