Saturday 15 June 2024

 

ઘુશ્મેશ્વર જ્યોતિલિંગની કથા

'જ્યોતિર્લિંગ' એ સર્વોચ્ચ ભિન્ન ન કરી શકાય એવું સત્ય માનવામાં આવે છે જેમાં ભગવાન શિવનો અંશ રહેલો હોય છે.આ બાર જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતાં.ઘુશ્મેશ્વર ભગવાન શિવના જ્યોતિર્લિંગમાંનું બારમું જ્યોતિર્લિંગ છે.આ મંદિર મહારાષ્ટના ઔરંગાબાદ નજીક આવેલા દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે.આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.

ઘુશ્મેશ્વર મંદિરનું પુન:નિર્માણ ૧૬મી સદીમાં વેરૂળના માલોજી રાજે ભોંસલે (શિવાજીના દાદાજી)દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૧૮મી સદીમાં અહિલ્યાબાઈ હોળકર દ્વારા તેનું પુન:નિર્માણ કરાયું.જીવનમાં એકાંતિક જ્ઞાન મુક્તિ આપતું નથી અને એકાંતિક ભોગ પણ યોગ્ય નથી તેથી આ બંન્નેનો સમન્વય જરૂરી છે.ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાગ અને ભોગનો સમન્વય પોતાના અવતારકાળમાં કરી બતાવ્યો છે.ફક્ત ભોગ અધઃપતનના માર્ગે લઇ જાય છે અને ફક્ત વિરક્તના વિચારો માનવીને શુષ્ક બનાવે છે.આ બંન્નેનો સમન્વય થયો તે સ્થળ એટલે ઘુશ્મેશ્વર..

સુશર્મા નામનો સુખી સંપન્ન જ્યોતિષ શાસ્ત્રનો વિદ્વાન બ્રાહ્મણ પોતાની પતિ પરાયણા સુંદર પત્ની સુદેહા સાથે રહેતો હતો.સુશર્મા અને સુદેહા સાધનસંપન્ન હતા પરંતુ તેમને સંતાન ન હોવાથી લોકોના વ્યંગ્ય બાણો અને અપમાન સહન કરવાં પડતાં હતાં.એકવાર પતિ પત્ની સાથે બેઠા હતા ત્યારે સુદેહા કહે છે કે તમે બધાનું ભાગ્ય જુઓ છો તો આપણે સંતાન સુખ છે કે નહી તે તો જુઓ.સુદેહાનું માતાનું હ્રદય સંતાન સુખ ઇચ્છતું હતું.

સુશર્માએ કુંડલી જોઇને કહ્યું તારા ભાગ્યમાં સંતાન સુખ નથી પરંતુ સુદેહાને સંતાન સુખની ભૂખ હતી. એક દિવસ આત્મધાતની ધમકી આપીને સુદેહાએ પોતાના પતિને બીજા લગ્ન કરવા માટે રાજી કરી લીધા. સુદેહાએ પોતાની સુંદર નાની બહેન ધુશ્માને બોલાવીને તેનો વિવાહ સુશર્મા સાથે કરાવ્યો.ઘુશ્મા રોજ ભગવાન શિવજીનું પાર્થિવ લિંગ બનાવી પૂજા કરી તળાવમાં વિસર્જન કરતી.

આનંદમાં સમય પસાર થતા ધુશ્મા પુત્રવતી થઈ પણ વિધિની ગતિ અકળ છે.ઘણી આશા અને અરમાન સાથે સુદેહાએ પોતાના પતિને પરણાવ્યો.કોઇપણ સ્ત્રી આટલી ઉદાર ના થઇ શકે છતાં હંમેશાં હસતી અને શોક્યને પ્રેમ આપતી.બાળક મોટું થતાં સુદેહા તેને જમાડવા સાથે બેસાડે ત્યારે બાળક તેના હાથનું જમે નહી, લાડ કરવા જાય તો બાળક તિરસ્કાર કરે.કોન જાણે કયા ભવનું વૈર લેતું હશે આ બાળક..! તેથી સુદેહાનું દિલ ભાંગી ગયું.

સમય અને સંજોગો બદલાતા માનવીના ગુણો પણ બદલાઇ જાય છે.ભાગ્યા મન ફરીથી સંધાતા નથી તેથી આપણે ખુબ અગમચેતી રાખી જીવન વ્યવહાર કરવો જોઇએ.ઉદાસ સુદેહાનો સદગુણો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો.ભગવાન ઉપરની શ્રદ્ધા પણ ગુમાવી દીધી.સમય જતાં છોકરો મોટો થયો અને તેના લગ્ન લેવાયાં.પરણવા જતી વખતે ઘુશ્માએ કહ્યું કે બેટા..પહેલાં સુદેહાને પ્રણામ કર.આ જગતમાં તૂં આવ્યો છે તેનું કારણ સુદેહા છે પરંતુ સુદેહા માટે પૂર્વજન્મનો અત્યંત તિરસ્કાર લઇ આવેલા આ છોકરાએ સુદેહાનું અપમાન કર્યું અને તે જ ઘડીથી સુદેહામાં રહેલી થોડીઘણી સાત્વિકત્તા પણ મરી પરવારી.આસુરી વિચારોએ તેના મન ઉપર કબજો જમાવ્યો.સુદેહા વિચારે છે કે જે સુખ માટે મેં આ બધુ કર્યું તેનું આ પરીણામ..! હું પણ જોઉં છું કે તે હવે સુખથી કેમ રહે છે? જેના માટે મેં જીવનનું સર્વસ્વ આપી દીધું,મારૂં સુખ ન્યોછાવર કર્યું તેને મારી કોઇ કિંમત નથી તો પછી હું શા માટે તેને જગતમાં રહેવા દઉં?

ઘુશ્મા રોજ સુદેહાને સમજાવતી હતી કે બહેન..તૂં તો મહાન છે.તારૂં મન ભગવાન જેવું છે.થોડી ધીરજ રાખો.ભગવાન સૌ સારૂં કરશે.ત્યારે સુદેહા સ્પષ્ટ કહેતી કે હવે મને ભગવાન સાથે કોઇ નિસ્બત નથી,મને તારા પૂજનમાં રસ નથી.ઘુશ્મા કહે છે કે બહેન તૂં તો મહાન છે.તારૂં મન ભગવાન જેવું છે તારા મોઢે ભગવાન વિશે ખરાબ શબ્દો શોભતા નથી.ખુબ પ્રેમથી,શાંતિથી તેને ભગવાન તરફ વાળવા પ્રયત્નો કર્યા પરંતુ કામનાગ્રસ્ત બુદ્ધિના લીધે તેનો ક્રોધ વધતો ગયો.

એક રાત્રે સુદેહા છોકરાને મારી નાખવાના હેતુથી તેના પલંગ પાસે જાય છે,તે સમયે તેનું મન દ્વિધામાં પડ્યું.તેને થયું કે હું આ બાળકને શા માટે મારી નાખું? તરત જ બીજું મન કહેતું કે આ બાળકે મારા સુખ-ચૈન હરી લીધા છે,તેણે મારી જીવન ઉપરની અને ભગવાન ઉપરની શ્રદ્ધા ઉડાડી છે.મારા સદગુણો અને વાત્સલ્યને ઠુકરાવ્યું છે તેથી તેને મારી જ નાખવો જોઇએ,પાછું તેનું અંતરમન કહેતું કે આવું ખતરનાક કામ ના કરતી,તારો પતિ પૂત્રહીન થશે અને તારા જીવનનું સ્વપ્ન નષ્ટ થશે.

આવેશમાં આવેલી સુદેહાએ છોકરાને મારીને તેની લાશ પાસેના તળાવમાં કે જ્યાં ઘુશ્મા રોજ શિવલિંગ વિસર્જન કરતી હતી તેમાં ફેંકી દીધી.થોડાક સમય માટે તેને હર્ષ થયો કે પોતાની નજર સામેથી પાપ ગયું પરંતુ તેને ક્યાં ખબર હતી કે હજાર આંખોવાળો પરમાત્મા આ બધું જોતો હતો.સવારે પૂત્રવધુએ પતિના પલંગમાં લોહીનું ખાબોચિયું જોયું તો ભયભીત થઇને તેને ચીસ પાડી.આખા ગામમાં આક્રંદ ફેલાયો તમામ લોકોએ શોક વ્યક્ત કર્યો.

ઘુશ્મા ભગવાન શિવજીની પૂજા કરતી હતી.કોઇકે જઇને ઘુશ્માને સમાચાર આપ્યા કે તારો દિકરો મરી ગયો છે.વાસ્તવમાં પોતાનો દિકરો મરી ગયો છે તે જાણીને કોઇપણ ર્માં આકુળવ્યાકુળ થાય પરંતુ ઘુશ્મા ભાવસ્થાનમાં હતી.તેણે કહ્યું કે મારૂં મન ચંદ્રમૌલિશ્વર પાસે પ્રસન્ન છે,શાંતિ અનુભવે છે તેથી મને કોઇ ખલેલ ના પહોંચાડશો.કોણ અને કોનો છોકરો મરી ગયો તે મારે સાંભળવું નથી, આમ કહી તે પૂજા કરતી રહી.લોકોને લાગ્યું કે તેની પાસે ર્માં નું દિલ નથી,તે ગાંડી થઇ ગઇ છે.હંમેશાં જગતનો નિયમ છે કે તે ડાહ્યાને ગાંડો કહે છે.જાણે કંઇ બન્યું જ નથી તે ભાવથી રોજની જેમ ઘુશ્મા શિવલિંગ લઇને તે તળાવ તરફ ચાલવા લાગી.સુદેહા સહિત સમગ્ર ગામલોકો પણ તેની સાથે ચાલવા લાગ્યા.તળાવ પાસે આવીને ઘુશ્મા કહેવા લાગી કે હે ભગવાન..તમારો મારી ઉપર પ્રેમ હોય તો આ લોકોને સમજાવો કે મારી શાંતિનો ભંગ ના કરે.

ભગવાન ચંદ્રમૌલિશ્વરને લાગ્યું કે આવું દુઃખ હોવા છતાં મારા ઉપર આવો અવિચળ ભાવ..! ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે ન મે ભક્ત પ્રણશ્યતિ.. તારો છોકરો મરી શકે નહી,તૂં એકવાર તેને હાંક માર,તારો છોકરો તને મળશે.ઘુશ્માએ હાંક મારી અને તળાવમાંથી છોકરો દોડતો દોડતો બહાર આવ્યો.ભગવાને આવેશમાં કહ્યું કે તમે બંન્ને બહેનો સાત્વિક છો.સુદેહાએ જીવનનો મોટાભાગનો સમય સાત્વિકતામાં પસાર કર્યો છે પરંતુ થોડીક આપત્તિ આવતાં તે ઇશ્વર વિરોધી થઇ ગઇ.તેણે ચાંડાલ જેવું કાર્ય કર્યું છે એટલે તેને મૃત્યુની સજા મળશે.ધુશ્માએ ભગવાન શિવની સ્તુતિ વંદના કરી અને સુદેહાને દંડિત ન કરવાની પ્રાર્થના કરી કે મારી બહેને કોઇ ખરાબ કામ કર્યું નથી.આવી બહેન મળવી દુર્લભ છે.પ્રભુ તમે પ્રસન્ન થાવ.તમારા દર્શન થાય તેવી સ્થિતિ સુદેહાએ જ નિર્માણ કરી છે.કદાચ તેના હાથે અઘટીત થયું હોય,પાપ થયું હોય તો ભગવાન આપ તો પતિતપાવન છો.

ગુસ્સે થવું હોય તો મારા ઉપર થાવ.મારો પૂત્ર પાછો આપવો ના હોય તો ના આપતા પણ મારી બહેનને મૃત્યુદંડ ના આપશો.જેને આવું ઉચ્ચ જીવન-ભવ્ય જીવન જીવી મને જીવતા શિખવાડ્યું તે મારી બહેનનો ઉદ્ધાર કરો.ઘુશ્માની સાથે સાથે સુદેહાનો પણ ભગવાન શિવે ઉદ્ધાર કર્યો.ઘુશ્માએ અત્યન્ત વિનીત શબ્દોમાં શિવજીની વિનંતી કરી કે જો આપ પ્રસન્ન થયા હો તો સંસારની રક્ષા માટે હંમેશને માટે અહીં જ નિવાસ કરો.ભગવાન શિવે ઘુશ્માની પ્રાર્થના સ્વીકારી અને જયોતિર્મય લિંગના રૂપમાં ત્યાં જ સ્થિત થઈ ગયા તે ઘુશ્મેશં જ્યોર્તિલિંગ.

શિવ ભક્ત સતી ધુશ્માની આરાધનાને કારણે સદાશિવ અહીં પ્રગટ થયા હોવાથી ધુશ્મેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયા.આપણે બધા જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધીએ છીએ,ઉન્નત બનીએ છીએ પરંતુ મનને પ્રતિકૂળ પરિસ્થિતિ આવતાં જ લપસી પડીએ છીએ આવા સમયે ઘુશ્મેશ્વર જ્યોર્તિલિંગ આપણને આશ્વાસન આપે છે.

આલેખનઃ

શ્રી વિનોદભાઇ માછી નિરંકારી

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment