સંત
એકનાથજી મહારાજનું જીવનચરીત્ર
બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પિતા સૂર્યનારાયણ અને માતા રૂકમણીદેવીની
કુખે સંત એકનાથનો જન્મ મહારાષ્ટના પૈઠણ ગામમાં
આજથી ૧૧૨ વર્ષ ૫હેલાં થયો હતો.જન્મથી તેઓમાં
દૈવીગુણો હતા.બાળપણથી તેઓ ઇશ્વરના પરમ ભક્ત હતા.યજ્ઞોપવિત આપ્યા બાદ એકવાર તેઓ
સ્વાધ્યાય કરતા હતા તે સમયે આકાશવાણી થઇ કે તમે દેવગઢ ગામે જઇ જનાર્દન પંત પાસે જઇ
જ્ઞાન પ્રાપ્તિ કરો.એકનાથ તુરંત જ નીકળી પડે છે અને સતત છ વર્ષ સુધી જનાર્દન પંતની
સાચા હ્દયથી સેવા કરે છે.જનાર્દન પંતે સમજાવ્યું કે સાંસારીક ભૂલો શોધવામાં આપણને
આનંદ આવે છે તો સંસારમાં આપણાથી પણ ઘણી ભૂલો થાય છે તે શોધશો તો તમારૂં જીવન ધન્ય
થઇ જશે.સાચી લગનથી પ્રભુ પરમાત્મામાં મન લગાવો.સંત આજ્ઞા માથે ચઢાવી એકનાથજીએ
ભગવાનમાં મન લગાવ્યું તો પૂર્વજન્મના સતકર્મોથી થોડા જ સમયમાં તેમને ભગવાન
દત્તાત્રેયના દર્શન થાય છે અને આ વાત તેમને જનાર્દન પંતને કહી.ગુરૂજીએ આર્શિવાદ
આપ્યા કે આજથી તમે ગુરૂ દત્તાત્રેયને પોતાના ઇષ્ટ માનજો તમારૂં કલ્યાણ થશે.
એક સમયે ધ્યાન
અવસ્થામાં ભગવાન દત્તાત્રેયે દિક્ષા આપી કહ્યું કે હે ભક્તરાજ ! પર્વત ઉપર જઇ ભજન
કરી ધર્મનો પ્રચાર કરો.તેઓ નાસિક થઇ ત્ર્યબકેશ્વર પહોંચી ચતુઃશ્લોકી ભાગવત પર વ્યાખ્યા
લખી ત્યારબાદ તેઓ ચિત્રકૂટ જાય છે ત્યાં તેમને ભગવાન
શ્રીરામના દર્શન થાય છે.ત્યારબાદ તેઓ પોતાના વતનમાં પરત આવે છે.તે વખતે
તેમની કીર્તિ ખુબ ફેલાઇ હતી.ઘરના વડીલોએ જનાર્દન પંત પાસે જઇ એકનાથજીના લગ્ન માટે
રજા માંગી.ગુરૂજીએ રજા આપતાં એકનાથજીના લગ્ન ખુબ જ
ભક્તિભાવવાળા ગિરજાદેવી સાથે કરવામાં આવે છે.એકનાથજી ભાગવતની કથા સરળ
ભાષામાં કહેતા અને જાતે ભજનો બનાવી સુંદર અવાજે ગાતા હતા.
સંત એકનાથજીને જીવમાત્ર ઉપર
દયા અને સમતાનો ભાવ હતો.બાર વર્ષની ઉંમરે તેમને રામાયણ,મહાભારત અને ભાગવતનો અભ્યાસ
કર્યો હતો.એકવાર તેઓ ક્યાંક જઇ રહ્યા હતા ત્યારે રસ્તા પર નીકળેલા સાપને લોકો મારી
રહ્યા હતા.તેમને લોકોને અટકાવીને કહ્યું કે આ સાપ ક્યાં તમોને કરડવા આવે છે તે તો
રસ્તો ઓળંગી રહ્યો છે.બસ સાપ જોયો નથી અને મારો છો,તે સાપ યોનિમાં જન્મ્યો છે
તો શું થયું? તમે
તેને મારો નહી તો તે પણ તમોને નહી મારે,એને પોતાના જાનનું જોખમ લાગે તો ડરીને ડંખ મારે છે.સંતના વચનની
અસર થઇ અને લોકોના ગળે વાત ઉતરી અને સાપને જવા દીધો.
કેટલાક દિવસ બાદ
એકનાથજી અંધારામાં નદીએ સ્નાન કરવા માટે જઇ રહ્યા હતા તે સમયે સાપ રસ્તા વચ્ચે ફેણ
ચઢાવીને ઉભો રહી જાય છે.સંત એકનાથજીએ તેને હટાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ સાપ રસ્તામાંથી
ખસ્યો જ નહી તેથી તેઓ બીજા ઘાટે સ્નાન કરવા માટે જાય છે.સ્નાન કરી તેઓ પરત આવે છે
તે સમયે અજવાળું થઇ ગયું હતું તેથી કુતુહલવશ તેઓ જ્યાં સાપ હતો તે જગ્યાએ જાય છે
તો ત્યાં સાપ નહોતો પણ જ્યાં સાપ હતો તે રસ્તાની આગળ વરસાદના લીધે મોટો ખાડો પડ્યો
હતો.એકનાથજી ખાડામાં પડી ના જાય તે માટે તેમને પાછા વાળવા માટે સાપ રસ્તા વચ્ચે
ફેણ ફેલાવી ઉભો રહી ગયો હતો.એકનાથજી સમજી ગયા કે જે સાપને લોકોના મારથી બચાવ્યો
હતો તેણે જ પરોપકારનો બદલો વાળવા મને ખાડામાં પડતો બચાવી મારૂં રક્ષણ કર્યું છે.
એકનાથ મહારાજ
પૈઠણમાં રહેતા.ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે.તે માર્ગમાંથી જે
હિન્દુઓ સ્નાન કરીને જાય તેમને તે બહુ તંગ કરતો.એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરીમાં
સ્નાન કરવા જતા હતા.પઠાણ મહારાજને પણ તંગ કરતો પણ એકનાથજી સર્વ સહન કરે.એક દિવસ
પઠાણને થયું આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ
છે.એકનાથજી
સ્નાન કરી પાછા ફરતાં હતા ત્યારે પેલો યવન મહારાજ પર થૂંક્યો.મહારાજ ફરી સ્નાન
કરવા ગયા પણ યવન પર ગુસ્સે થયા નહિ. મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન
થૂંકે.મહારાજ ગોદાવરીમાને કહે કે મા.. ફરીફરી સ્નાન કરવા બોલાવે છે તારી કૃપા
છે.યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી.મહારાજ ૧૦૮ વાર સ્નાન
કરવા ગયા છે.યવન શરમાયો, મહારાજને પગે પડી ક્ષમા માગી આપ સંત છો.આપને હું ઓળખી શક્યો
નહિ.મહારાજ કહે એમાં ક્ષમા કરવા જેવું શું છે? તારા લીધે આજ ૧૦૮ વાર
ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.
એકનાથજીએ એક આશ્રમ બનાવ્યો
હતો.તેમની સાથે આશ્રમમાં બીજા ઘણા લોકો પણ રહેતા હતા,તેમાંથી એક તેમનો અંગત સચિવ
હતો જેનું નામ પુરણ પૌડા હતું.અંગત સેક્રેટરીને આ નામ એટલા માટે આપવામાં આવ્યું
હતું કારણ કે તે ખૂબ ખાતો હતો,તેને ખૂબ ભૂખ લાગતી હતી.થોડો જાડો પણ થઇ ગયો હતો.એકનાથજી પહેલા
પુરણ પૌડા ઉઠી જતો હતો.એકનાથજી આખો દિવસ જે કંઈ કરતા હતા,પૂરણ પૌડા તેમની સાથે રહીને
તેમની સેવા કરતો હતો,તે ગુરૂના સુઈ જાય પછી જ સૂતો હતો, તે દરેક ક્ષણે ગુરૂની સેવા
માટે હંમેશા સજાગ રહેતો. એક દિવસ એકનાથજીને લાગ્યું કે હવે તેઓ આ સંસાર છોડીને
જવાના છે. તેથી તેમણે બધા શિષ્યોને બોલાવ્યા.એકનાથજીએ બધાને કહ્યું કે ‘આ દિવસોમાં હું ગ્રંથ લખી
રહ્યો છું મને એવો અનુભવ થાય છે કે જો મારી ઉંમર પૂરી થઈ જશે તો કદાચ આ પુસ્તક
પૂરૂં નહીં થાય.મારા ગયા પછી પુસ્તક અધૂરૂં રહી જાય તો પૂરણ પૌડા પાસે પૂરૂં
કરાવજો.આ સાંભળીને બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. બધા કહેવા લાગ્યા કે આ કામ માટે
તમારો દીકરો હરિ યોગ્ય છે,તે પંડિત બની ગયો છે.નિયમ પ્રમાણે ભણ્યો છે તેને તમારો અધૂરો
ગ્રંથ પૂરો કરવાનો અધિકાર છે પછી એકનાથજીએ કહ્યું ‘મારો દીકરો વિદ્વાન બની ગયો
છે પરંતુ તેના મનમાં મારા માટે પિતાની લાગણી છે પણ પુરણ પૌડા મને માત્ર ગુરૂ માને
છે તે ગુરુ-શિષ્યનો સંબંધ પૂરા દિલથી નિભાવે છે.આ પુસ્તકનું બાકીનું કાર્ય
વિદ્વતાથી નહિ પણ શ્રદ્ધાથી પૂરૂં થશે. શ્રદ્ધામાં ડૂબેલા શબ્દોની ઊંડી અસર થાય છે
બાદમાં પુરણ પૌડાએ તે પુસ્તક પૂર્ણ કર્યું હતું.
અહીં એકનાથજીએ આપણને
શીખવ્યું છે કે સંબંધોમાં લાગણીની સાથે વિશ્વાસ અને
વફાદારી પણ હોવી જોઈએ તો જ સંબંધોમાં પ્રેમ અને ગૌરવ જળવાઈ રહે છે.દરેક શિષ્યએ
હંમેશા ગુરૂની સેવા માટે તત્પર રહેવું જોઈએ.
એકવાર મધરાતના
સમયે એકનાથજીનું ઘર શોધતાં શોધતાં કેટલાક અતિથિઓ આવી ચડયા. એમના માટે રસોઈ કરવા
એકનાથજીના પત્ની ગિરિજાબાઈ પણ એ જ સમયે બેસી ગયા.ભોજનની સામગ્રી તો ઘરમાં હતી પણ
બળતણના પૂરતાં લાકડા નહોતાં.રાતના સમયે લાકડા લેવા ક્યાં જવું? અને લઈને આવે એટલો સમય
અતિથિઓને વધારે ભૂખ્યા રહેવું પડે એટલે એકનાથજીએ એમના ઘરના છાપરામાંથી વળીઓ ખેંચી
કાઢી એનો ઇંધણ તરીકે ઉપયોગ કર્યો અને તરત
ભોજન બનાવી અતિથિઓને જમાડયા.
એકવાર એકનાથજીના ઘેર કેટલાક ચોર ચોરી
કરવા આવ્યા.એક ઓરડામાંથી સામાન ચોરી એનું પોટલું બનાવી બીજા ઓરડામાં આવ્યા.ત્યાં
એકનાથજીએ ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ઘીના દીવાના આછા અજવાળામાં ભગવત્સ્મરણ કરી
રહ્યા હતા.એકનાથજીને જાગતા જોઈ તે ત્યાંથી નાસવા જતા હતા પણ એકનાથજીએ એમને ઉભા
રાખ્યા.પોતાની આંગળીએ પહેરેલી એક વીંટી કાઢીને એમને આપી.થોડા સિક્કા પણ આપ્યા અને
કહેવા લાગ્યા કે 'આ પણ લઈ જાઓ.પેલા સામાન કરતાં આ વધારે કીમતી છે.' બીજી વસ્તુઓ એક પોટલામાં ભરી
એમને આપવા લાગ્યા.ચોરોએ એકનાથજીના પગમાં પડી માફી માંગી. એકનાથજીએ એમના પત્ની
ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી અને તે જમાડી ચોરોને વિદાય કર્યા. ચોરોએ ત્યારથી
ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞા લઈ લીધી.
કાશીની યાત્રા
કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં
રસ્તામાં એક રેતાળ પ્રદેશ આવ્યો.ગરમીના દિવસો હતા.એકનાથજી અને એમની સાથે બીજા સંતો
તથા ભક્તો ત્યાંથી જઈ રહ્યા હતા.તેમણે એક ગધેડાને તરસને લીધે રેતીમાં તરફડતું
જોયું. બીજા બધાએ આ જોયું પણ કંઈ ના કર્યું. જ્યારે એકનાથજીએ તેને જોયો કે તરત
દોડી ગયા અને રામેશ્વરના શિવલિંગ પર અભિષેક રૂપે ચડાવવાનું પવિત્ર ગંગાજળ
કાવડમાંથી કાઢી એ ગઘેડાને પીવડાવી દીધું. એનાથી ગધેડાના પ્રાણ બચી ગયા.તેમને
સાથી ભક્તોએ ઠપકો આપ્યો તો તે કહેવા લાગ્યા પ્રાણીમાત્રમાં પરમેશ્વર રહેલ છે.આ
પ્રાણીના પ્રાણ સંક્ટમાં હતા એને પાણી પીવડાવી મેં શિવલિંગ પર અભિષેક કરવા જેટલું
જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે.કાવડનું ગંગાજળ જે ગધેડાએ પીધું તે સીધું રામેશ્વર
ભગવાન પર જ ચડયું છે.રામેશ્વર ભગવાને પ્રગટ થઈ એકનાથજીની વાતનું સમર્થન કર્યું અને
કહ્યું તમારી ઉદારતાની કસોટી કરવા જ મેં પોતે ગર્દભનું
રૂપ લીધું હતું.
એકનાથજીના જમાનામાં
છૂત-અછૂતની ભ્રમણા ઘણી હતી.શુદ્દ જાતિમાં જન્મેલ રાન્યા નામનો એક યુવાન એકનાથજીના
કિર્તનમાં આવીને તેમના મોઢેથી ઉપદેશ સાંભળતો કે પ્રાણીમાત્રમાં એક જ ઇશ્વરનો વાસ
છે એટલે જગતના તમામ મનુષ્યો અને પ્રાણીઓ સાથે સમાનતાથી વર્તવું જોઇએ.પ્રભુની
બનાવેલ સૃષ્ટિમાં કોઇ ઉંચ કે નીચ નથી.આવું સાંભળ્યા બાદ રાન્યાએ એકનાથજીને પોતાના
ઘેર ભજન અને ભોજન માટે આમંત્રણ આપે છે.એકનાથજીએ તેના આમંત્રણનો સ્વીકાર કરી ગામના
બીજા બ્રાહ્મણોના વિરોધ હોવા છતાં રાન્યાના ઘેર ભોજન લીધું.સંત એકનાથજીએ અનેક પતિત
લોકોનો ઉદ્ધાર કર્યો. એક દેહ વ્યાપાર કરતી પતિત સ્ત્રીને શ્રીમદ ભાગવત કથામાં
પિંગલા ચરીત્રનું આખ્યાન સાંભળી વૈરાગ્ય ઉપજ્યો અને પુર્વ જીવનનો પશ્ચાતાપ થતાં
ભગવાનની ભક્તિના માર્ગે પોતાનું જીવન બદલી પોતાનો ઉદ્ધાર કર્યો. છાસઠ વર્ષની વયે
દેહ છોડતાં પહેલાં તેમને અંતિમ ઉપદેશ આપ્યો કેઃ ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો,એક પ્રભુ પરમાત્માનું શરણું
લઇ મનુષ્ય જન્મ સાર્થક કરજો.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment