Monday, 10 June 2024

બોધકથા..ઇશ્વરનું ગણિત

 

બોધકથા..ઇશ્વરનું ગણિત

એકવાર બે વ્યક્તિ મંદિરના ઓટલા ઉપર બેસીને ગપ્પાં મારતા હતા એટલામાં અંધારૂ થઇ જાય છે અને આકાશમાં વાદળો આવી જાય છે.થોડીવાર પછી ત્યાં ત્રીજો એક વ્યક્તિ આવે છે અને તે પણ બંન્નેની સાથે બેસીને ગપ્પાં મારવા લાગી જાય છે.

થોડીવાર વાતચીત કર્યા પછી નવા આવેલ વ્યક્તિએ કહ્યું કે મને ખુબ જ ભૂખ લાગી છે.પેલા બે વ્યક્તિઓને પણ ભૂખ લાગી હતી.પહેલા વ્યક્તિએ કહ્યું કે મારી પાસે ૦૩ રોટલી છે,બીજાએ કહ્યું કે મારી પાસે ૦૫ રોટલી છે,આપણે ત્રણે ભેગા મળીને રોટલી વહેંચીને ખાઇ લઇએ.

હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે આઠ રોટલી ત્રણ વ્યક્તિઓ વચ્ચે કેવી રીતે વહેંચવી? પહેલા વ્યક્તિએ કહ્યું કે આપણે દરેક રોટલીના ત્રણ ટુકડા કરીએ એટલે આઠ રોટલીના ૨૪ ટુકડા થશે જેથી દરેકના ભાગમાં આઠ-આઠ ટુકડા ભાગમાં આવશે.ત્રણેને આ સલાહ યોગ્ય લાગી એટલે આઠ રોટલીના ચોવીસ ટુકડા કરીને દરેકના ભાગે આવતા આઠ ટુકડા ખાઇને પોતાની ભૂખ શાંત કરી અને વરસાદ આવી જવાથી ત્રણે મંદિરના ઓટલા ઉપર જ સૂઇ ગયા.

સવારમાં ઉઠીને ત્રીજા આવેલ ભાઇએ બંન્નેનો ઉપકાર માનીને આભાર વ્યક્ત કર્યો અને પ્રેમથી રોટલીના આઠ ટુકડાના બદલામાં ઉપહારના રૂપમાં સોનાની આઠ લગડી(ગિન્ની) આપીને પોતાના ઘેર ચાલ્યો ગયો, તેના ગયા પછી બીજા વ્યક્તિએ પહેલા વ્યક્તિને કહ્યું કે આપણે આઠ-આઠ ગિન્નીઓ વહેંચી લઇએ ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે મારી ત્રણ રોટલી હતી તમારી પાંચ એટલે હું ત્રણ ગિન્ની લઇશ અને તમે પાંચ ગિન્ની રાખી લો.આઠ ગિન્ની વહેંચવામાં બંન્ને વચ્ચે વાદવિવાદ થયો પણ તેનું કોઇ સમાધાન ન થતાં તેઓ બંન્ને મંદિરના પૂજારીની પાસે જાય છે અને સમસ્યાનું સમાધાન કરવા માટે વિનંતી કરે છે.

પૂજારી પણ વિચારમાં પડી ગયા.બંન્ને મિત્રો એકબીજાને વધુ આપવા માટે લડી રહ્યા હતા.પૂજારીએ કહ્યું કે આપ આઠ ગિન્ની મારી પાસે મુકીને જાઓ અને મને વિચારવાનો થોડો સમય આપો.હું કાલે સવારે જવાબ આપીશ.પૂજારીને પણ એકને ત્રણ અને બીજાને પાંચ ગિન્ની આપવાની વાત યોગ્ય લાગતી હતી.આ વિશે ઉંડાણપૂર્વક વિચાર કરતાં કરતાં પૂજારીને ગાઢ નિંદ્રા આવી જાય છે.ઉંઘમાં સ્વપ્ન અવસ્થામાં ભગવાન પ્રગટ થાય છે ત્યારે પૂજારી તમામ હકીકત બતાવે છે અને ન્યાયિક માર્ગદર્શન કરવા માટે  પ્રભુને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન હસીને કહે છે કે પહેલા વ્યક્તિને એક ગિન્ની અને બીજાને સાત ગિન્ની મળવી જોઇએ.

ભગવાનની વાત સાંભળીને પૂજારીને નવાઇ લાગે છે અને ભગવાનને પુછે છે કે આવું કેવી રીતે બને? ત્યારે ભગવાન હસીને કહે છે કે એમાં કોઇ શંકા નથી કે પહેલા વ્યક્તિએ પોતાની ત્રણ રોટલીના નવ ટુકડા કર્યા પરંતુ તેને નવ ટુકડામાંથી ફક્ત એક જ ટુકડો બીજાને આપ્યો છે અને બાકીના આઠ ટુકડા તેને પોતે આરોગ્યા છે એટલે તેનો ત્યાગ ફક્ત એક રોટલીના ટુકડાનો છે એટલે તે ફક્ત એક ગિન્નીનો હક્કદાર છે.

બીજા વ્યક્તિએ પોતાની પાસેની પાંચ રોટલીના પંદર ટુકડા કર્યા હતા અને તેમાંથી આઠ ટુકડા પોતે આરોગ્યા છે અને સાત ટુકડા વહેચ્યા છે એટલે ન્યાય અનુસાર તે સાત ગિન્નીનો હક્કદાર છે.આવું મારૂં ગણિત છે અને આ જ મારો ન્યાય છે.

પ્રભુ પરમાત્માના આવા સટીક ન્યાયનું વિશ્લેષણ સાંભળીને પૂજારી નતમસ્તક થાય છે.આ બોધકથાનો સાર એ છે કે અમારી વસ્તુસ્થિતિને જોવાની,સમજવાની દ્રષ્ટિ અને ઇશ્વરનો દ્રષ્ટિકોણ એકદમ ભિન્ન છે.ઇશ્વરીય લીલાને જાણવા સમજવામાં અમે અજ્ઞાની છીએ.

અમે કરેલ સેવા અને ત્યાગના ગુણગાન કરીએ છીએ પરંતુ ઇશ્વર અમારા ત્યાગની તુલના અમારા સામર્થ્ય અનુસાર યથોચિત નિર્ણય કરતા હોય છે.અમે કેટલા ધન સંપન્ન છીએ તે મહત્વપૂર્ણ નથી પરંતુ અમે જે સેવા કરીએ છીએ તેમાં અમારી ત્યાગભાવના કેટલી છે તે મહત્વનું છે..

     સેવા કાર્ય ફક્ત સેવા ભાવથી જ કરો.સેવા કાર્યમાં જ્યારે અહમ તથા કર્તાભાવ આવી જાય છે ત્યારે સુખ-આનંદ મળતાં નથી.તન મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment