બોધકથા..ભાગ્ય વિના નર કોડી ના
પામે કોટિ કરોને ઉપાય..
એક નગરમાં એક ઘણા જ ધનવાન શેઠ રહેતા હતા.તેમની પાસે અખૂટ
ધન-સંપત્તિ તથા એશો આરામના તમામ સાધનો હતા પરંતુ તેમના જીવનમાં પૂત્ર સુખ ભાગ્યમાં
નહોતું. ઘણા જ પ્રયત્નો, પૂજા-પાઠ
કર્યા પછી શેઠાણીને એક પૂત્રી રત્ન પ્રાપ્ત થયું. શેઠ-શેઠાણીએ પોતાની પૂત્રીને ઘણા
જ વ્હાલથી એક પૂત્રની જેમ પાલન પોષણ કરી મોટી કરી. ઘણીવાર શેઠાણી કોઇ અનાથ બાળકને
ગોદ લેવાની વાત કરી ત્યારે શેઠજીએ સમજાવ્યું કે આપણા ભાગ્યમાં પૂત્ર સુખ નથી આમ
કહીને વાતને ટાળી દેતા હતા.
દિકરી લગ્ન કરવા લાયક યુવાન થતાં દરેક લોકો પોતાની
દિકરીને પરણાવે છે તેમ શેઠજીએ શુભ મુહુર્ત જોઇને એક ધનવાન શેઠના દિકરા સાથે તેનું
લગ્ન કરાવી દીધું પરંતુ દિકરીના ભાગ્યમાં ધન સુખ નહોતું. લગ્નના કેટલાક સમય બાદ
જમાઇ શરાબી અને જુગારી બની જતાં તેમની તમામ ધન-સંપત્તિ ગુમાવી દીધી.
પોતાની દિકરીને દુઃખી જોઇને શેઠ-શેઠાણી ઘણા જ દુઃખી થાય
છે. એક દિવસ શેઠાણી શેઠને કહે છે કે આપ દુનિયાના ઘણા જ લોકોને મદદ કરો છો પરંતુ
આજે અમારી દિકરી જ દુઃખી છે આપ તેને કેમ મદદ કરતા નથી?
શેઠજી પણ દિકરીના દુઃખે દુઃખી હતા પરંતુ તે જાણતા હતા કે
જેવી રીતે અમારા ભાગ્યમાં પૂત્ર સુખ નથી તેવી જ રીતે દિકરીના ભાગ્યમાં હાલ ધન સુખ નથી.તેમને શેઠાણીને સમજાવતાં કહ્યું કે ભાગ્યવાન !
હાલ દિકરીના ભાગ્યમાં સુખ નથી, જ્યારે તેના ભાગ્યનો ઉદય થશે ત્યારે ચારે બાજુથી સુખો મળશે અને ગુમાવેલ
તમામ ધન-સંપત્તિ તેઓને પુનઃ પ્રાપ્ત થશે, આમ હોવા છતાં શેઠાણીને
પોતાની દિકરીના દુઃખની ચિંતા સતાવે છે.
એક દિવસ શેઠજી કોઇ કામે બહાર ગયા હતા તે જ સમયે તેમના
જમાઇ તેમના ઘેર આવે છે. શેઠાણીજીએ જમાઇનો ઘણો જ આદર સત્કાર કરીને તેમને સ્વાદિષ્ટ
ભોજન કરાવે છે. શેઠાણીના મનમાં દિકરીને મદદ કરવાનો વિચાર આવે છે તેથી તેમને વિચાર્યું
કે મોતીચૂરના લાડું બનાવી તેની વચ્ચે એક સોનાની અશર્ફિઓ મુકીને દિકરીના ઘેર મોકલી
આપું.
શેઠાણીએ ફટાફટ મોતીચૂરના લાડુ બનાવ્યા અને દરેકમાં એક એક
સોનાની અશર્ફિઓ ભરીને જમાઇને વિદાઇ કર્યા.લાડુ લઇને જમાઇ ઘેર જવા નીકળ્યા ત્યારે
તેમને રસ્તામાં એક મીઠાઇની દુકાન જોઇને વિચાર કર્યો કે આટલું બધું વજન ઘેર લઇને
જવું તેના કરતાં આ લાડું મીઠાઇની દુકાને વેંચી દઉં. આમ વિચારીને જમાઇએ મીઠાઇ
વેંચીને રોકડા પૈસા લઇ લીધા.
શેઠ જે બહાર ગયા હતા તે ઘેર આવવા નીકળ્યા ત્યારે
રસ્તામાં મીઠાઇની દુકાન કે જ્યાં તેમના જમાઇએ મોતીચૂરના લાડું વેચ્યા હતા તે આવતાં
મનમાં વિચાર કર્યો કે આજે તો શેઠાણી માટે મોતીચૂરના લાડું લઇને જાઉં. લાડું લઇને
શેઠ ઘેર આવી શેઠાણીના હાથમાં લાડું ભરેલી થેલી આપી ત્યારે શેઠાણીએ લાડુંને તોડીને
જોયું તો તેમાં સોનાની અશર્ફિઓ જોઇને નવાઇ લાગી અને બનેલ ઘટના શેઠને કહે છે કે મેં
જ દિકરીને મદદ કરવાની ભાવનાથી મોતીચૂરના લાડું બનાવી તેમાં અશર્ફિઓ ભરી હતી.
શેઠાણીની વાત સાંભળીને શેઠે કહ્યું કે ભાગ્યવાન ! હું
કહેતો હતો કે અત્યારે દિકરી-જમાઇના ભાગ્યમાં ધનનું સુખ નથી એટલે તમે આપેલ સોનાની
અશર્ફિઓ ફરતી ફરતી પાછી આપણી પાસે જ આવી ગઇ.
સંતો અને શાસ્ત્રો કહે છે કે ભાગ્યથી મોટું
કંઇ જ નથી, માનવીના ભાગ્યમાં જે લખેલું હોય છે તે જ તેને મળે છે.
જ્યારે મૂર્ખ માનવીની ખરાબ દશા આવે છે ત્યારે તે ભાગ્યને
દોષ દીધા કરે છે પરંતુ પોતાના કર્મોમાં ભુલ થઇ હોય તેનો વિચાર કરતો નથી. ભાગ્ય
ખરાબ હોય તો સુઘડતાથી કરેલ કામ ૫ણ બગડી જાય છે. માનવીએ ભાગ્યનો વિચાર કરીને ઉદ્યમ
ના છોડવો કેમ કે ઉદ્યોગ વિના કોઇ૫ણ જાતનું ફળદાયક કાર્ય બની શકતું નથી.
જીવનમાં આપણે પણ ક્યારેય ઘમંડ ના કરવો જોઇએ કે હું
કમાઇને બીજાઓ ખવડાવું છું.આપણને ખબર નથી પરંતુ એવું પણ હોય કે અમે પોતે કોના
ભાગ્યનું ખાઇ રહ્યા છીએ..!
જો કોઇ મનુષ્ય માનરહિત,અસહાય અને દીનમાનરહિત,અસહાય અને
દીન હોય,જેની કોઇ આબરૂ ૫ણ ના હોય,ગરીબીના કારણે તેને કોઇ ઓળખતું ૫ણ ના હોય,તણખલાથી
૫ણ વધુ નિર્બળ હોય, આદર સત્કાર ૫ણ મળતો ના હોય,ઘરહીન-વસ્ત્રહીન હોય અને ખાવા માટે
અન્ન ૫ણ જેને ના મળતું હોય,ભાગ્યમાં ગરીબાઇ લખાયેલી હોવાથી જેના ભાગ્યના બદલવાની
સંભાવના ૫ણ ના હોય તેવો કંગાલ વ્યક્તિ ૫ણ સદગુરૂના શરણમાં જઇ નામધન પ્રાપ્ત કરી લે
તો ક્ષણભરમાં અમીર બની જાય છે એટલે કે ૫લભરમાં તેનું જીવન બદલાઇ જાય છે.ગમે તેવો
મહાન પાપી હોય તો ૫ણ જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિઃસંદેહ સંસારરૂપી સમુદ્દથી તરી જાય
છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
No comments:
Post a Comment