Monday 10 June 2024

ઇશ્વર ક્યાં રહે છે?

 

ઇશ્વર ક્યાં રહે છે?

 

એકવાર સર્વશક્તિમાન સૃષ્ટિ નિર્માતા પરમપિતા પરમેશ્વર ઇશ્વર ઘણી જ દુવિધામાં પડી ગયા કે મનુષ્ય જ્યારે પણ કોઇ મુસીબતમાં પડી જાય છે તો દોડીને તરત જ મારી પાસે આવીને પોતાની પરેશાની બતાવવા આવી જાય છે અને કંઇને કંઇ માંગવા લાગે છે.આ સમસ્યાના નિવારણ માટે તમામ દેવતાઓની બેઠક બોલાવી અને કહ્યું કે મનુષ્યની રચના કરીને મુસીબતમાં પડી ગયો છું.દરેક મનુષ્યને તેના કર્માનુસાર સર્વકંઇ આપવા છતાં કોઇને કોઇ મનુષ્ય દરેક સમયે ફરીયાદ લઇને આવે છે જેનાથી મારી તપસ્યામાં વિઘ્ન આવે છે.મને એવું સ્થાન બતાવો કે જ્યાં મનુષ્ય નામનું પ્રાણી ત્યાં આવી ના શકે.

 

પરમેશ્વરના વિચારોનું સન્માન કરતાં દેવતાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે પ્રભુ ! આપ હિમાલય પર્વતની ટોચ ઉપર ચાલ્યા જાઓ.ત્યારે પ્રભુએ કહ્યું કે આ સ્થાન મનુષ્ય પહોંચની અંદર છે,તેને ત્યાં પહોંચતાં વધુ સમય નહી લાગે.એક દેવતાએ સલાહ આપી કે આપ સમુદ્રમાં છુપાઇ જાઓ.પ્રભુએ ના પાડી અને કહ્યું કે મનુષ્ય પાણીમાં છલાંગ લગાવવાનું અને શોધવાનું શીખી લેશે.કેટલાકે મંતવ્ય આપ્યું કે આપ અંતરિક્ષમાં ચાલ્યા જાઓ ત્યારે પ્રભુએ કહ્યું કે એક દિવસ મનુષ્ય ત્યાં પણ પહોંચી જશે.પ્રભુ નિરાશ થઇને મનોમન વિચારે છે કે શું એવું કોઇ સ્થાન નહી હોય કે જ્યાં હું શાંતિપૂર્વક રહી શકું?

 

છેલ્લે એક દેવતાએ કહ્યું કે પ્રભુ ! આપ મનુષ્યના હ્રદયમાં બેસી જાઓ.મનુષ્ય અનેક સ્થાન ઉપર આપને શોધવામાં લાગેલો રહેશે પણ પોતાના હ્રદયમાં ક્યારેય શોધ નહી કરે.ભગવાનને આ સલાહ પસંદ આવી અને પ્રભુએ મનુષ્યના હ્રદયને પોતાનું નિવાસ બનાવ્યું.તે દિવસથી મનુષ્ય પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે ઇશ્વરને ઉપર-નીચે આકાશ-પાતાળમાં શોધી રહ્યો હતો પરંતુ તેને પ્રભુ મળી રહ્યા નથી તેમછતાં મનુષ્ય ક્યારેય પોતાની અંદર હ્રદયરૂપી મંદિરમાં બેઠેલા ઇશ્વરનો અનુભવ કરતો નથી.અરે ભાઇ ! ઇશ્વર તો અમારી સ્થિત છે અને અમારી દરેક ગતિવિધિને જોઇ રહ્યા છે.અમારે ફક્ત રાગ-દ્વેષ ઘૃણા વૈમનસ્ય ક્રોધ ઉપેક્ષા ઇર્ષા અહંકાર અસહિષ્ણુતા હિંસા વગેરે ખરાબીઓને છોડીને પોતાની અંદર ઇશ્વરને જોવાની જરૂર છે.નિર્મળ મનથી જ ઇશ્વરની અનુભૂતિ કરી શકાય છે.ઇશ્વરને પ્રેમ જોઇએ,તે તો પ્રેમના ભૂખ્યા છે.જો વ્યક્તિ છળ-કપળ રાખીને ઇશ્વરને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે ક્યારેય સંભવ નથી.

 

ઇશ્વર પોતાના અંશ સ્વરૂ૫ આત્માના રૂ૫માં પ્રાણીમાત્રના હ્રદયપ્રદેશમાં વિરાજમાન છે.ઇશ્વર સમહ્રદય છે.જેવી રીતે પૃથ્વીમાં બધી જગ્યાએ જળ હોવા છતાં પણ જ્યાં કૂવો હોય છે ત્યાંથી જ જળ પ્રાપ્ત થાય છે એવી જ રીતે પરમાત્મા બધી જગ્યાએ સમાનરૂપે વ્યાપ્ત હોવાછતાં પણ હ્રદયમાં પ્રાપ્ત થાય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment