Monday 10 June 2024

ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા દુઃખના સમયે થાય છે.

 

ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા દુઃખના સમયે થાય છે.

 

ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી,આપદ કાલ પરખિએ ચારી..રામાયણમાં આ ચોપાઇના માધ્યમથી સંસારને સમજાવ્યું છે કે ધીરજ ધર્મ મિત્ર અને નારીની પરીક્ષા વિપત્તિના સમયે થાય છે કે કોન કેવી રીતે પોતાની ફરજ નિભાવે છે,સુખમાં તો તમામ સાથ આપે છે, જે દુઃખમાં સાથ આપે એ જ આપણો સાચો હિતૈષી છે. કળિયુગમાં થોડું દુઃખ પહાડ જેવું લાગે છે તેથી મનુષ્યોનો ધર્મ અને ધીરજનો સાથ છુટી જાય છે તેથી ખરાબ સમયની શરૂઆત થાય છે.આવા દુઃખના સમયે મિત્ર અને પત્નીનો સાથ મળે તો તે બચી શકે છે.

 

વર્તમાન સમયમાં થોડું દુ:ખ પણ પહાડ સમાન લાગે છે અને દુ:ખના લીધે ધર્મ અને ધીરજનો સાથ છુટી જાય છે અને તે છુટતાં જ આપણા ખરાબ સમયની શરૂઆત થાય છે.દુ:ખ કે વિપત્તિના સમયે કોઈપણ પ્રકારના અધર્મનું આચરણ ન કરવું.

 

દુઃખ કે વિપત્તિના સમયે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છતાં રિશ્વત,બેઇમાની,દુરાચાર, વ્યભિચાર જેવા અધર્મના માર્ગનું અનુસરણ ન કરવું જોઇએ.અધાર્મિક અને નૈતિક પતનના રસ્તે ના જવું જોઇએ.અમારી ધીરજ જ અમોને સમાજમાં માન-સન્માન અપાવી શકે છે.જીવનમાં કોઇ વિપરીત પરિસ્થિતિ આવે તો ધીરજ ધારણ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઇએ,ગુસ્સામાં આવીને અન્ય લોકો ઉપર દોષારોપણ ન કરવું જોઇએ.

 

ધીરજ-સંયમને સમદૃષ્ટિ સંતોનાં આભૂષણ છે અને શૃંગાર હરિના જનનો હરિ ઇચ્છામાં જીવન છે. જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્ત થાય છે.સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.

 

બહુત ગઇ થોડી રહી વ્યાકુલ મન મત હોય, ધીરજ સબકો મિત્ર હૈ કરી કમાઇ ન ખોય..

 

એકવાર એક રાજાની સેવાથી પ્રસન્ન થઇને એક સાધુએ તેમને તાવીજ આપે છે અને કહ્યું કે રાજા.. આ તાવીજ તમારા ગળામાં બાંધી લો અને જીવનમાં જ્યારે કોઇ એવી કોઇ પરિસ્થિતિ આવે અને તમોને લાગે કે હવે મારૂં સર્વસ્વ ગુમાવી દેવાનો છું,પરેશાનીઓ અને દુઃખના ચક્રાવામાં ફંસાઇ જાઓ,પ્રકાશની કોઇ કિરણ ના દેખાય,ચારે બાજું નિરાશા અને હતાશામાં ઘેરાઇ જાઓ ત્યારે આ તાવીજ ખોલીને તેમાં મૂકેલ કાગળમાંનું લખાણ વાંચવું ત્યાર પહેલાં તેને ખોલવું નહી.

 

રાજાએ તાવીજ પોતાના ગળામાં પહેરી લીધું.એકવાર રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા જાય છે.એક સિંહનો પીછો કરતાં કરતાં રાજા પોતાના સૈનિકોથી છુટા પડી જાય છે અને દુશ્મન રાજાની સીમામાં પ્રવેશ કરે છે. ઘનઘોર જંગલ અને સાંજનો સમય રાજાને દુશ્મનના સૈનિકોના ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. રાજા આગળ અને દુશ્મન સૈનિકો પાછળ છે. ઘણા જ દૂર નીકળી જવા છતાં દુશ્મન સૈનિકો તેમનો પીછો કરે છે.

 

ભૂખ તરસથી બેહાલ રાજાને એક ઘટાદાર વૃક્ષોની વચ્ચે એક ગુફા દેખાય છે.રાજા પોતે ઘોડા સહિત તે ગુફામાં સંતાઇને શ્વાસ રોકીને બેસી જાય છે. દુશ્મન સૈનિકોના ઘોડાઓના ડાબલાનો અવાજ તેમની નજીક આવતો સંભળાય છે. રાજાને લાગે છે કે કેટલીક ક્ષણોમાં દુશ્મનના સૈનિકો તેમને પકડીને મારી નાખશે.રાજા જીંદગીથી નિરાશ થઇ જાય છે તે સમયે તેમનો હાથ સાધુએ આપેલ તાવીજ ઉપર જાય છે અને સાધુની વાત યાદ આવે છે.રાજા તાવીજને ખોલીને અંદરનો કાગળ કાઢીને વાંચે છે જેમાં લખ્યું હતું કે આ સમય પણ પસાર થઇ જશે.

 

થોડા સમયમાં રાજાને અચાનક અંધકારમાં સૂર્યની કિરણો દેખાય છે, ડૂબતાને સહારો મળી જાય છે. પોતાનામાં અકથનિય શાંતિનો અનુભવ થાય છે, તેમને લાગે છે કે આ ભયાનક સમય પણ પસાર થઇ જશે અને બન્યું પણ એવું જ! થોડા સમયમાં દુશ્મન સંનિકોના ઘોડાના ડાબલાઓનો અવાજ દૂર જતો સંભળાય છે.ત્યારબારદ રાજા ગુફામાંથી બહાર નીકળીને પોતાના રાજ્યમાં પરત જાય છે.

 

આ ફક્ત રાજાની જ કથા નથી.આપણા બધાની કથા છે. ક્યારેક અમે પરિસ્થિતિ, કામ અને તનાવના દબાણમાં આવીને એટલા બધા ચિંતામાં આવી જઇએ છીએ કે અમોને કશું સુઝતું નથી, અમારી ઉપર ડર કબ્જો જમાવી લે છે,કોઇ રસ્તો કે સમાધાન દેખાતું નથી ત્યારે અમોને લાગે છે કે હવે મારૂં જીવન પુરૂં થઇ જશે.આવા સમયે બે મિનિટ શાંતિથી બેસીને,ઉંડા શ્વાસ લઇ પોતાના ઇષ્ટદેવને સદગુરૂ પરમાત્માને યાદ કરીએ અને પોતે પોતાને કહીએ કે આ સમય પણ પસાર થઇ જશે.આપ અનુભવ કરશો કે આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે.

 

પ્રતિકૂળ પ્રસંગોમાં ગમે તેવી પરીસ્થિતિ નિર્માણ થાય તો ૫ણ ગભરાયા વિના ધીરજ રાખવી.સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.

 

ધીરજ-સંયમને સમદૃષ્‍ટિએ સંતોનાં આભૂષણ છે અને શૃંગાર હરિના જનનો હરિ ઇચ્છામાં જીવન છે. જેવી રીતે ધીરજ ગુમાવીને છોડને વારંવાર ઉપાડી નાખવાથી તેનો વિકાસ થતો નથી તેવી જ રીતે ભક્તિમાં ધીરજ ના રાખવાથી વિકાસ રૂંધાય છે.ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે. ધીરજ અને સંતોષની અવસ્થા ધારણ કરનારના જીવનમાં આનંદ પ્રાપ્‍ત થાય છે.જ્યારે પ્રભુ હ્રદયમાં વસી જાય તો વિનમ્રતાનો ભાવ સહજમાં જ આવી જાય છે.જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે.આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે.ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે.આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે. દુઃખને પણ પ્રભુનો પ્રસાદ માનજો.જીવનમાં પાપથી કોઈ વખત દુઃખનો પ્રસંગ આવે તો ધીરજ રાખી પ્રભુની સ્તુતિ કરજો.

 

સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે અને અસત્ય એ જ સૌથી મોટુ પા૫ છે એટલે મન વચન અને કર્મથી હંમેશાં સત્ય વ્યવહાર કરવો જોઇએ.ધૈર્ય ક્ષમા દમ અસ્તેય શૌચ ઇન્દ્રિય નિગ્રહ બુધ્ધિ વિદ્યા સત્ય અને અક્રોધ..આ ધર્મનાં દશ લક્ષણો છે.સ્વધર્મને જાણીને તે પ્રમાણે વર્તવું તથા અહિંસા એ જ ૫રમધર્મ છે.

 

ઇશ્વર એક છે તથા એક જ ધર્મ છેઃમાનવતા..આ ધર્મનું મૂળ છેઃપ્રેમ અને નમ્રતા.સદભાવના તેનાં પુષ્પો છે.સદગુરૂ વાસ્તવિક સત્યને અભિવ્યક્ત કરે છે.પ્રત્યેક માનવને સાર્થક જીવન જીવવાની કળા શિખવાડીને તેની વૃત્તિ આધ્યાત્મિક બનાવે છે.ધર્મની ઓળખાણ માનવતા છે.માનવમાં માનવતા છે તો જ તે ધાર્મિક કહેવાય છે.અનેક પ્રકારના કર્મકાંડમાં ફસાયેલો માનવ કર્મકાંડોને જ ધર્મ માને છે પરંતુ તેનામાં માનવતાના ગુણ નથી તો તે ધાર્મિક કહેવાતો નથી.ધર્મનું કામ જોડવાનું છે તોડવાનું નહી..આ ફક્ત સૂત્ર નથી પરંતુ વર્તમાન સમયની આવશ્યકતા છે.

 

મિત્ર અમોને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢે છે.મિત્ર સુખી અને ખુશીઓથી ભરેલ અમૂલ્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે.આપત્તિના સમયે જે સહયોગ કરે છે તે જ સાચો મિત્ર કહેવાય છે. રામાયણમાં ભગવાનશ્રી રામે કહ્યું છે કે અમારે મિત્રોના નાના દુઃખને પહાડ સમાન સમજવું જોઇએ.

 

નારી..શક્તિની જનેતા છે.નારી એક ર્માં હોવાના કારણે સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે.સંસારનો મોટામાં મોટો મહાપુરૂષ ભલે તે યોદ્ધો હોય કે દાનવીર,રાજા હોય કે દરવેશ, સંત હોય કે ગુરૂ..માતાની સામે નતમસ્તક થાય છે.આ ઉંચી ૫દવીનો અધિકાર નારીને એટલા માટે માટે મળ્યો છે કારણ કે તેનામાં મમતા,સહનશીલતા અને બલિદાન જેવા મહાન ગુણો સર્જનહારે તેને સંસારમાં વહેંચવા માટે આપ્યા છે. સ્નેહ શીલ સદાચાર,ધનથી રહીત,કામી, આંધળો લૂલો રોગી દેવાદાર દરિદ્ર અને મુરખ ૫તિ હોય તો ૫ણ તે નારીના માટે પૂજ્ય દેવતા સમાન છે પરંતુ મનના ભાવોથી વિ૫રીત ચાલનારી નારી મળી જાય તો તે સ્થાઇ ઉપાધિ જ સમજી લેવી.

 

પોતાના સામાજીક વ્યવહાર અને સેવા-સત્કારની સાથે સાથે પોતાનો ૫તિ પોતાનાથી સંતુષ્ટ હોવો જોઇએ.ભગવાનની કૃપા તે જ નારીઓને પ્રાપ્ત થાય છે કે જે યોગ્ય મર્યાદાનું પાલન કરતાં કરતાં પોતાના પતિને પ્રસન્ન કરે છે.નારી પૂર્ણ રીતે ૫તિવ્રતા તથા આદર્શ ર્માં હોવી જોઇએ.

 

એવું કહેવામાં આવે છે કે પત્ની જો સારી હોય તો પતિને સફળતાના શિખર સુધી પહોંચાડે છે અને તેનાથી ઉલ્ટું પત્ની ખરાબ મળે તો પતિ રાજા હોય તો ભિખારી જેવું જીવન જીવવા મજબૂર કરે છે એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જે પત્ની પોતાના પતિ પગલે પગલે ચાલે છે,પતિનું મનોબળ તૂટવા દેતી નથી.ગરીબીના સમયમાં પણ જે સાથ આપે છે તેવી પત્ની પૂજનીય છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

No comments:

Post a Comment