Monday, 10 June 2024

હિન્દુધર્મના મહાન આઠ દાનવીરોની કથા ભાગ-૩

 

હિન્દુધર્મના મહાન આઠ દાનવીરોની કથા ભાગ-૩

 

હિન્દુધર્મમાં દાનનું ઘણું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. હિન્દુધર્મના મહાન આઠ દાનવીરો દૈત્યરાજ બલિ,મહર્ષિ દધીચિ,મહારાજ નૃગ,રાજા હરિશ્ચંદ્ર,રાજા શિબિ,રાજા રઘુ,બર્બરીક અને દાનવીર કર્ણ થઇ ગયા. આજે દાનવીર રાજા રઘુ,બર્બરીક અને દાનવીર કર્ણ વિશે જાણીશું..

જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું) ગૃહસ્થનો દાન આપવાનો ધર્મ છે.સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ થાય છે.

ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.

વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની સંસારીઓ માટે છૂટ છે.કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે,માતપિતાની સેવા કરતાં નથી.થોડું ધન હશે તો ધનના લોભે સેવા કરશે.

ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે.સાધુ-સન્યાસી અને બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થનો ધર્મ છે પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું, એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી થાય.દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉપર હોય છે.દાન આપનારો મોટો ગણાય છે.દાન આપનારમાં અભિમાન આવવું ન જોઈએ.

વામન ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો.જે દાન લે છે તે બંધનમાં પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિ રાજાને આપ્યું હતું.જે દાન લે છે તે બંધનમાં પડે છે.દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ લઇને જ આવે છે.મૃત્યુ પછી કોઇ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર કરવો એ જ જીવનનો ઉદ્દેશ્ય છે.

 

(૬) રાજા રઘુ..મહારાજ રઘુ ઇક્ષ્વાકુ વંશના રાજા દિલિપના પૂત્ર હતા.તે અયોધ્યાના સમ્રાટ અને ભગવાન શ્રીરામના પરદાદા હતા.તેમને અશ્વમેઘ યજ્ઞ કરીને સંસાર ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો અને ઇન્દ્ર સાથે યુદ્ધ કરીને તેમની પાસેથી પોતાના યજ્ઞનો અશ્વ પરત મેળવ્યો હતો,ત્યારબાદ તેમને પોતાનું તમામ ધન દાન કરી દીધું હતું. તેમના નામથી જ તેમના વંશના ક્ષત્રિયો રઘુવંશી કહેવાયા હતા.

એકવાર વિશ્વજીત યજ્ઞમાં પોતાનું તમામ ધન દાન કરી દીધું હતું.તેમના પોતાના નિત્ય વ્યવહાર માટે ફક્ત માટીના વાસણ જ રહ્યા હતા તે સમયે વરતંતુના શિષ્ય કૌત્સ પોતાના ગુરૂને દક્ષિણા આપવા માટે ચૌદ કોટિભાર સોનુ માંગવા માટે આવે છે પરંતુ રાજા પૂર્ણરૂપથી અર્થહીન તથા નિષ્કિંચન જાણીને યાચના કર્યા વિના જ પરત જાય છે ત્યારે મહારાજ રઘુ તેમને રોકે છે અને આવવાનું પ્રયોજન પુછે છે ત્યારે કૌત્સ કહે છે કે મેં આપની દાનવીરતા સાંભળી છે,આપ અદ્વિતિયદાની છો પરંતુ અહીયાં આવ્યા પછી જાણ્યું કે આપે વિશ્વજીત યજ્ઞમાં આપે તમામ ધન યાચકોને દાન કરી દીધું છે આવા સંજોગોમાં આપ મારો મનોરથ પુરો કરી શકો તેમ ન હોવાથી પરત જઇ રહ્યો હતો ત્યારે રાજા રઘુ કહે છે કે આપનો અભિપ્રાય મને બતાવો તેને પુરો કરવાનો હું પ્રયાસ કરીશ.

કૌત્સે કહ્યું કે રાજન ! ગુરૂદેવના શ્રીચરણોમાં રહીને મેં તમામ વિદ્યાઓ પ્રાપ્ત કર્યા પછી મેં ગુરૂજીને પ્રાર્થના કરી કે અન્ય શિષ્યોની જેમ મારી પાસેથી પણ ગુરૂદક્ષિણાનો સ્વીકાર કરવા કહ્યું પરંતુ મને ગરીબ સમજીને મારી ઉપેક્ષા કરી રહ્યા હતા એટલે મેં ગુરૂદક્ષિણા માટે દબાણ કર્યું.અતિશય આગ્રહ કરવાના કારણે ગુરૂજીને ક્રોધ આવે છે અને કહે છે કે ખરેખર તૂં ગુરૂદક્ષિણા આપવા ઇચ્છતો હોય તો ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા લાવીને મને આપ. રાજન ! આ ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા લેવા માટે હું આપ પાસે આવ્યો હતો.

મહારાજ રઘુએ કહ્યું કે જો ક્ષત્રિય રાજાના દરબારમાં એક વિદ્વાન બ્રહ્મચારી બ્રાહ્મણ નિરાશ પરત જાય તો મને ધિક્કાર છે.આપ થોડો સમય પ્રતિક્ષા કરો. હું કૂબેર પાસે જઇને આપની ગુરૂદક્ષિણાની વ્યવસ્થા કરૂં છું.રાજા રઘુના પરાક્રમથી ભયભીત થઇને કૂબેરે રાત્રે જ અપાર સોનાની ધન વર્ષા કરી,જેમાંથી ચૌદ કોટિ સુવર્ણ મુદ્રા કૌત્સને આપવામાં આવે છે અને બાકીના ધનને બ્રાહ્મણોને દાન કરી દેવામાં આવે છે.

આમ એક નહી પરંતુ અનેક પ્રકારથી પ્રજાજનોની મનોકામના પુરી કરીને લાંબા સમય સુધી શાસન કરીને છેલ્લે તમામ રાજ્યભાર પોતાના પૂત્ર અજને સુપ્રત કરીને ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યા જાય છે.  

 

(૭) બર્બરીક..બર્બરીકની કથા મહાભારતમાં આવતી નથી પરંતુ લોકકથાઓના રૂપમાં તે ઘણી જ પ્રચલિત છે.બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો, એની માતા મૌર્વિ હતી,તે ખુબ બળવાન હતો. બર્બરીક ગુરૂ વિજય સિદ્ધસેનનો શિષ્ય હતો જેણે આકરી તપસ્યા કરીને માતા કામાક્ષી દેવીને પ્રસન્ન કર્યા હતા.દેવીએ વરદાન સ્વરૂપે બર્બરીકને ધનુષ અને ત્રણ અજેય બાણ આપ્યા હતા.આ ત્રણ બાણો દ્વારા તે યુદ્ધને ક્ષણવારમાં પુરૂ કરી શકે તેમ હતો.

બર્બરીક પાસે ગુરૂ વિજય સિદ્ધસેને ગુરૂદક્ષિણામાં માંગ્યું હતું કે તે યુદ્ધમાં એ પક્ષ તરફથી જ લડશે જે પક્ષ યુદ્ધમાં કમજોર હશે.ભગવાન શ્રીકૃષ્ણ આ વાત જાણતા હતા અને જો આમ થાય તો મહાભારતના યુદ્ધનો વાસ્તવિક ઉદ્દેશ્ય જ પુરો થઇ જશે.જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને સામે મળે છે અને બર્બરીકને પોતાની યુદ્ધકળા અને સિદ્ધિઓ બતાવવાનું કહે છે.શ્રીકૃષ્ણે બર્બરીકને પડકાર ફંકતાં કહ્યું કે તમે જે પીપળાના ઝાડ નીચે ઉભા છો તેના તમામ પાંદડાને એક બાણથી વિંધી બતાવો તો હું તમારી સિદ્ધિને સત્ય માનું.બર્બરીકે આ પડકારનો સ્વીકાર કર્યો અને પોતાના ગુરૂનું ધ્યાન કરીને પહેલું તીર ચલાવ્યું જેણે પીપળાના દરેક પાંદડાને લક્ષ્ય બનાવ્યું.તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકની જાણ બહાર પીપળાનું એક પાંદડું પોતાના પગ નીચે દબાવી દીધું.બર્બરીકે માતા કામાક્ષી દેવીનું ધ્યાન ધરીને બીજું તીર ચલાવ્યું.તીર ચલાવતાંની સાથે જ પીપળાના તમામ પાંદડા વિંધાઇ ગયા તથા ભગવાન શ્રીકૃષ્ણના પગ અને પગ નીચેના પાંદડાને વિંધીને પાછું ભાથામાં આવી ગયું.

ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકને પુછ્યું કે તેઓ યુદ્ધમાં કોના તરફથી યુદ્ધ કરવાના છો? ત્યારે તેમને કહ્યું કે તેઓ પોતાના ગુરૂની આજ્ઞાનુસાર જે પક્ષ કમજોર હશે તેના તરફથી યુદ્ધ લડશે.હાલમાં પાંડવોનો પક્ષ કમજોર છે એટલે તે પાંડવોના પક્ષે યુદ્ધ કરશે.ભગવાને તેમને પુછ્યું કે જો કૌરવ પક્ષ કમજોર થશે તો? ત્યારે બર્બરીક કહે છે કે તો હું ગુરૂની આજ્ઞાનુસાર કૌરવ પક્ષ તરફથી યુદ્ધ લડીશ.ત્યારે ભગવાન કહે છે કે જો તૂં આમ કરીશ તો તૂં એકલો જ જીવિત રહેશે કેમકે બાકીના બધાનો તો વિનાશ થઇ જશે.

ભગવાન શ્રીકૃષ્ણ તેને પુછે છે કે તારા ગુરૂ કોન છે ત્યારે બર્બરીક કહે છે કે તમે જ મારા ગુરૂ છો. ભગવાન શ્રીકૃષ્ણ તેની પાસે ગુરૂદક્ષિણા તરીકે તેના મસ્તકનું દાન માંગ્યું.બર્બરીકને ગુરૂદક્ષિણા આપવામાં કોઇ સંકોચ નહોતો પરંતુ આ મહાયુદ્ધ જોવાની તેને ઇચ્છા વ્યક્ત કરી.ભગવાને આશ્વાસન આપતાં કહ્યું કે તમારૂં મસ્તક કપાયા પછી પણ તમે શરૂઆતથી અંત સુધી યુદ્ધ જોઇ શકશો.

બર્બરીકે તલવારથી પોતાનું મસ્તક કાપીને ભગવાનના ચરણે ધર્યું.ભગવાને તેમના મસ્તક ઉપર અમૃત છાંટીને તેને સજીવન કર્યું અને યુદ્ધના મેદાનના મધ્યમાં આવેલ વધસ્તંભ ઉપર મૂકી દીધું કે જ્યાંથી તે સમગ્ર યુદ્ધ જોઇ શકે.જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે પાંડવ પક્ષના યોદ્ધાઓ વચ્ચે વિવાદ થયો કે યુદ્ધમાં તેમનો ફાળો અગત્યનો હતો.બધાએ આ સમસ્યાના સમાધાન માટે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી ત્યારે ભગવાને કહ્યું કે બર્બરીકના મસ્તકે સમગ્ર યુદ્ધને જોયું છે તેમને આ બાબતે પુછીએ.

ત્યારે બર્બરીક કહે છે કે સંપૂર્ણ યુદ્ધમાં મેં ફક્ત ભગવાનના સુદર્શન ચક્રને જ ફરતું જોયું છે.બધા યોદ્ધાઓનો સંહાર સુદર્શન ચક્રએ કર્યો છે.આ સાંધળીને તમામ યોદ્ધાઓનો ગર્વ ઉતરી ગયો.ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે બર્બરીકના મસ્તકને ઘડ સાથે જોડીને સજીવન કર્યું અને વરદાન માંગવાનું કહેતાં બર્બરીકે કહ્યું કે આ યુદ્ધ જોયા પછી મને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો છે તેથી હવે મારે જંગલમાં જઇ  સંન્યાસી જીવન જીવવું છે, ભગવાને અમરતાના આર્શિવાદ આપ્યા.

રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં બર્બરીકની ખાટુશ્યામ નામથી પૂજા થાય છે અને ગુજરાતમાં તે બળિયાદેવ તરીકે પૂજાય છે.

 

(૮) દાનવીર કર્ણ..કર્ણની દાનવીરતાના વિષયમાં આપ બધા વાકેફ છો જ..! તેમની દાનવીરતાની ચર્ચાથી મહાભારત ભરેલું પડ્યું છે.દરરોજ સૂર્યનારાયણની પૂજા પછી યાચકો જે માંગે તેનું દાન આપતા હતા, તેમના દ્વારથી કોઇ યાચક ખાલી હાથે જતા નહોતા.કર્ણને ખબર હતી કે ઇન્દ્રદેવ અર્જુનને મદદ કરવા માટે જ કવચ-કુંડળ માંગવા આવ્યા છે છતાં હસતા મોઢે તે ઇન્દ્રદેવને આપી દીધા હતા.માતા કુંતાને દાનના રૂપમાં અર્જુન સિવાય બાકીના ચાર પાંડવોને જીવનદાન આપ્યું હતું અને આ કારણોસર યુધિષ્ઠિર ભીમ નકુળ અને સહદેવને હરાવ્યા છતાં તેમના પ્રાણ લીધા નહોતા.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

No comments:

Post a Comment