Saturday, 22 June 2024

મહારાષ્ટના મહાન સંત નામદેવજીની શ્રદ્ધા-ભક્તિ

 

મહારાષ્ટના મહાન સંત નામદેવજીની શ્રદ્ધા-ભક્તિ

 

એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી.મુક્તાબાઈએ ગોરા કુંભારને ભક્તમંડળીના ભક્તોની (સંતોની) પરીક્ષા કરવાનું કહ્યું. આમાં પાકા કોણ અને કાચા કોણ છે?” ગોરા કુંભાર ઉભા થયા અને માટલાને જેમ ટપલી મારી તપાસાય છે તેમ બધાના માથા પર ટપલી મારી પરીક્ષા કરે છે.ભક્તોમાં એક નામદેવ પણ હતા,તેમને અભિમાન થયેલું કે ભગવાન મારી સાથે વાતો કરે છે,હું ભગવાનનો લાડીલો દિકરો છું. ફરતા ફરતા ગોરા કુંભાર નામદેવ પાસે આવ્યા અને માથા પર ટપલી મારી.નામદેવ કંઈ બોલ્યા નહિ પણ મોં સહેજ બગડ્યું. આ રીતે કુંભારના હાંડલા પારખવાની રીતે મારી પરીક્ષા થાય?”

બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.ગોરા કુંભારે નિર્ણય જાહેર કર્યો કે એક નામદેવનું હાંડલું કાચું છે.બાકી બધાના હાંડલા પાકા છે.બુદ્ધિમાં જ્યાં સુધી અભિમાન છે,કામ છે,કપટ છે ત્યાં સુધી બુદ્ધિ કાચી છે.અભિમાન દૂર ત્યારે થાય કે જયારે બુદ્ધિ કોઈને શરણે જાય.અભિમાન હોય ત્યારે કોઈનું શરણ સ્વીકારવાનું બુદ્ધિ ના પડે છે.ભક્તિમાં અભિમાન આવે ત્યારે ગુરૂનું શરણ સ્વીકારવાનું એટલા માટે જ કહ્યું છે.શરણે જવાથી હુંનો વિનાશ થાય છે.જ્ઞાન મળે છે,સર્વમાં સર્વેશ્વરના દર્શન થાય છે.

નામદેવજી તે પછી વિઠ્ઠલદાસજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી. વિઠ્ઠલદાસજી કહે મુક્તાબાઈ અને ગોરા કુંભાર જો કહેતા હોય કે તારૂં હાંડલું કાચું છે તો તું જરૂર કાચો. નામદેવ તને વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો નથી, તેં હજુ સદગુરૂ કર્યા નથી તે માટે મંગળવેઢામાં મારા એક ભક્ત વિઠોબા ખેચર રહે છે તેમની પાસે જા તે તને જ્ઞાન આપશે. તે પાછી નામદેવ વિઠોબા ખેચરને ત્યાં જાય છે. તપાસ કરતા જાણવા મળ્યું કે વિઠોબા મંદિરમાં છે. ત્યાં જઈને જોયું તો વિઠોબા શિવલિંગ પર પગ મુકીને સુતેલા હતા. વિઠોબાને જાણ થઇ ગયેલી કે નામદેવ આવે છે તેથી તેણે શિક્ષણ આપવા પગ ભગવાન શંકરના લિંગ ઉપર રાખીને સૂતા છે. નામદેવે આ દ્રશ્ય જોયું. નામદેવને થયું આવો પુરૂષ જે ભગવાનની પણ આમન્યા રાખતાં નથી તે મને શું શિક્ષણ આપવાનો હતો? ફરીથી અહીં તેમનું અભિમાન ઉછળી આવ્યું છે. નામદેવે તેમને શિવલિંગ પરથી પગ લઇ લેવા કહ્યું.

વિઠોબા કહે છે કે તું જ મારા પગ શિવલિંગ પરથી ઉઠાવીને કોઈ એવી જગ્યાએ મુક કે જ્યાં શિવલિંગ ન હોય. નામદેવ વિઠોબાના પગ ઉઠાવીને જ્યાં પણ તે પગ મુકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે છે. આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું. નામદેવને આશ્ચર્ય થયું. આ શું? એટલે વિઠોબાએ નામદેવને કહ્યું કે ગોરાકાકાએ કહેલું કે તારી હાંડલી હજુ કાચી છે તે સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે વિઠોબા રહેલા છે. નામદેવને ગુરૂ મળ્યા. ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો. અભિમાન ઉતર્યું અને નામદેવને સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા માંડ્યા.નામદેવ ત્યાંથી પાછા ફરતા હતા. રસ્તામાં જમવાની તૈયારી કરી. એક ઝાડ નીચે બેઠા અને રોટલો કાઢ્યો ત્યાં જ રસ્તા પરથી એક કૂતરો આવ્યો અને રોટલો લઇને નાસવા લાગ્યો.

આજે નામદેવને કૂતરામાં પણ વિઠોબાના દર્શન થાય છે.રોટલો કોરો હતો હજુ ઘી લગાવવાનું બાકી હતું. નામદેવ ઘી ની વાડકી લઇ કૂતરા પાછળ દોડ્યા. વિઠ્ઠલ ઉભો રહે.. વિઠ્ઠલ ઉભો રહે.. રોટલો કોરો છે ઘી ચોપડી આપું.

વ્યાપક બ્રહ્મનો અનુભવ ન થાય ત્યાં સુધી ઉપાસના પૂરી થતી નથી.(હાંડલું કાચું છે). સગુણની સેવા કરવાની છે અને નિર્ગુણનો અનુભવ કરવાનો છે.

નામદેવ મહારાજ જયારે પંઢરપુર ગયા ત્યારે પ્રથમ પગથિયે વિઠ્ઠલ વિઠ્ઠલ જયહરી વિઠ્ઠલની ધૂન સાથે પહોંરયા. વિઠ્ઠલજીનો સાક્ષાત્કાર કર્યો અને તેઓ વિઠ્ઠલજીની મૂર્તિમાં સમાઇ ગયા. ભગવાન વિઠ્ઠલજીએ કહ્યું કે મારા દરબારમાં આવનાર દરેક ભકત પ્રથમ તને નમન કરશે અને ત્યાર બાદ મારા દર્શન કરી શકશે. આમ આજે પણ પંઢરપુરના પવિત્ર ધામમાં નામદેવ મહારાજની સમાધી જે મંદિરનું પ્રથમ પગથિયું છે તે નામદેવ પગથિયા તરીકે ઓળખાય છે.

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

 

સંત ચરીત્ર..મહારાષ્ટના મહાન સંત નામદેવજી

 

સંત ચરીત્ર..મહારાષ્ટના મહાન સંત નામદેવજી

 

પાંડુરપુર દક્ષિણમાં શિંપી દરજી પરીવારના વામદેવ ભગવાનના પરમ ભક્ત હતા.તેમની પૂત્રી લગ્નના થોડા સમયમાં જ વિધવા બને છે. તે જ્યારે બાર વર્ષની થાય છે ત્યારે પિતા વામદેવ કહે છે કે તૂં આપણા ઘરમાં વિરાજમાન ઠાકુર શ્રીપાંડુરંગનાથજીની સેવા એકાગ્ર મનથી કરો. તારા તમામ મનોરથ ઠાકોરજી પુરા કરશે. પિતાની આજ્ઞા માનીને સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને પ્રત્યક્ષ દર્શન આપે છે. ભગવાનના સુંદર રૂપને જોઇને તે દિકરીના હ્રદયમાં ભોગની ઇચ્છા જાગ્રત થાય છે અને ભગવાને તેના મનોરથને પુરો કર્યો.દિકરી ગર્ભવતી બને છે. શું આ સંભવ છે? તેને માની જ લેવાનું છે કારણ કે ભગવાનની માયાના રહસ્યને જાણી શકાતું નથી તે લૌકિક વિધિ-નિષેધથી પર હોય છે.

વિધવાને ગર્ભ રહી ગયો તેની ચર્ચા ઠેર ઠેર થવા લાગે છે.પારકી નિંદા કરવાવાળાઓને તો ચર્ચા કરવા મસાલો મળી ગયો.આ વાત ફરતી ફરતી વામદેવજી સુધી પહોંચે છે.તેમને શંકાના સમાધાન માટે પૂત્રીને પુછે છે ત્યારે દિકરી કહે છે કે ભગવાને પોતે પ્રત્યક્ષ દર્શન આપીને અનુગ્રહીત કરેલ છે.પુરા મહિને તે એક બાળકને જન્મ આપે છે,વામદેવજી તેનું નામ નામદેવ રાખે છે.

નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે.શ્રીનામદેવજીનો જન્મ કારતક વદ બીજ રવિવાર સંવત ૧૩૨૭ના રોજ સૂર્યોદયના સમયે મહારાષ્ટના પરભની જીલ્લાના નરસી બામણી નામના ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ દામાશેઠ અને માતાનું નામ ગોણાબાઇ હતું.દામાશેઠની ચાર પેઢી પહેલાં આ પરીવારના યદુશેઠ ભગવાન વિઠ્ઠલના અનન્ય ઉપાસક હતા. આવા પરીવારમાં જન્મ લીધો હોવાથી સંસ્કારી નામદેવના જીવનમાં બાલ્ય અવસ્થાથી જ ભક્તિના સંસ્કાર હતા તેથી તેઓ પોતાના મિત્રોથી અલગ રહીને ભગવાન વિઠ્ઠલજીના નામનો જપ પૂજા ગુણગાનમાં પોતાનો સમય પસાર કરતા હતા.

તે સમયે તેમના સમાજમાં બાળલગ્નની પ્રથા અમલમાં હતી એટલે તેમનું નાની ઉંમરે ગોવિંદ શેઠ સદાવર્તેની કન્યા રાજાઇની સાથે લગ્ન કરવામાં આવ્યું હતું.તેમના પિતાના સ્વર્ગવાસ પછી તેમના માતા નામદેવને વેપાર ધંધામાં જોડાઇ જવા દબાણ કરે છે પરંતુ તે સહમત થતા નથી અને એક દિવસ ગામ અને ઘર છોડીને પંઢરપુર ચાલ્યા જાય છે ત્યાં ગોરા કુંભાર,સવિતા માલી વગેરે ભક્તો સાથે તેમનો પરીચય થાય છે અને શ્રીવિઠ્ઠલજીમાં શ્રદ્ધા વધુ દ્રઢ બને છે.

એકવાર મહારાષ્ટના પ્રસિદ્ધ સંત જ્ઞાનેશ્વરજી પોતાની સાથે નામદેવજીને તીર્થયાત્રામાં લઇ જવા ઇચ્છા વ્યક્ત કરે છે ત્યારે નામદેવજી કહે છે કે જો ભગવાન પાંડુરંગજી આજ્ઞા આપે તો હું તમારી સાથે આવી શકું. સંત જ્ઞાનેશ્વરજીએ ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાને કહ્યું કે નામદેવજીને છોડવાનું અત્યંત દુઃખ છે પરંતુ જો તમે તમારી જવાબદારી ઉપર લઇ જઇ શકો છો.

તીર્થયાત્રા દરમ્યાન ગુજરાતમાં આવેલ પ્રભાસ પાટણ,દ્વારીકા વગેરે તીર્થોના દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હોય છે ત્યારે એક ઘટના બને છે.રસ્તામાં બિકાનેર પાસેના કૌલાયત ગામમાં પહોંચે છે તે સમયે તેમને તરસ લાગે છે.પાણીની શોધ કરતાં એક કૂવો જોવા મળે છે પરંતુ તેમાં પાણી નહોતું. યોગી જ્ઞાનેશ્વરે લધિમા સિદ્ધિના પ્રભાવથી કૂવાની અંદર પૃથ્વીમાં પ્રવેશ કરીને પાણી પી પાછા આવી જાય છે અને નામદેવજીના માટે પાણી લેતા આવે છે.નામદેવજી આ પાણીને પીતા નથી અને કહે છે કે મારા વિઠ્ઠલને મારી ચિંતા હોય છે તે કંઇને કંઇ ઉપાય કરશે તેવું બોલે છે ત્યાં જ કૂવો પાણીથી ઉભરાઇ જાય છે અને નામદેવ પાણી પી લે છે.જ્ઞાનેશ્વરજીના દેહાંત બાદ નામદેવજી ઉત્તર ભારત તરફ જાય છે અને પંજાબમાં ભક્તિનો પ્રચાર કરે છે. કહેવાય છે કે વિસોબા ખેચરે નામના એક સંતના માધ્યમથી તેમને પૂર્ણ જ્ઞાન મળ્યું હતું એટલે નામદેવ તેમને ગુરૂ માનતા હતા.

મહારાષ્ટમાં પ્રચલિત બારફુરી પંથના સંસ્થાપક નામદેવજી હતા.એંસી વર્ષની ઉંમરે સંવત ૧૪૦૭માં તેઓ પરલોક સિધાવી ગયા.ભક્તમાલમાં તેમને જ્ઞાનદેવજીના શિષ્ય બતાવ્યા છે.તેમને મૂર્તિપૂજાની નિંદા કરી છે પરંતુ પોતે મૂર્તિપૂજક હતા.ગુરૂદાસપુર જીલ્લાના ધોમાનમાં નમદેવજીના નામથી એક મંદિર છે.

સંત નામદેવજીનું બાળપણ તેમના મોસાળમાં વ્યતિત થયું હતું.તેમના નાના વામદેવ કે જે પરમ વૈષ્ણવ ભક્ત હતા.તેમની ભક્તિ જોઇને બાળપણથી જ તેઓ નાનાને કહેતા હતા કે ભગવાનની સેવા મને કરવા દો.એકવાર તેમના નાના કોઇ કામસર ત્રણ દિવસ માટે બહાર જતાં પહેલાં નામદેવને કહે છે કે ત્રણ દિવસ સુધી તારે ઠાકોરજીની સેવા કરવાની છે.તેમને દૂધનો ભોગ લગાવવાનો છે અને વધેલ ભોગ પોતે લેવાનો છે.નાનાજી જતાં પહેલાં ફરીથી કહે છે કે ભગવાનની સેવા કરવાની છે,ભગવાનને દૂધનો ભોગ લગાવવાનો છે દૂધ ભગવાનને પીવડાવવાનું છે.

નાનાજીના ગયા પછી સવારે તે ભગવાનની સેવા કરે છે.બે કિલો દૂધ ઉકાળીને જ્યારે એક કટોરો દૂધ રહી જાય છે ત્યારે તેમાં મેવા-મિશ્રી વગેરે નાખીને તેમાં તુલસીપત્ર મૂકી ભોગ માટે કટોરો ભગવાનની આગળ મૂકી પડદો આડો કરી દે છે.થોડો સમય પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ ! મારા ભોગનો સ્વીકાર કરો,આપની આગળ દૂધ મુક્યું છે તે પીવા વિનંતી કરૂં છું.થોડીવાર પછી પડદો હટાવીને જુવે છે તો દૂધના કટોરામાંથી દૂધ ઓછું થતું નથી.

બાળક નામદેવજી વિચાર કરે છે કે મારી શ્રદ્ધામાં કોઇ ખામી રહી ગઇ હશે કે જેથી ભગવાન દૂધ પીતા નથી.આવું બે દિવસ સુધી સતત ચાલે છે.ભગવાન ભોગ સ્વીકારતા નથી,દૂધ પીતા નથી એટલે પોતે પણ ભૂખ્યા રહે છે.ત્રીજા દિવસે નામદેવજી વિચારે છે કે આજે ત્રણ દિવસ પુરા થાય છે અને આજે પણ ભગવાન દૂધ નહી પીવે તો નાનાજી આવીને પુછશે તો શું જવાબ આપીશ.

ત્રીજા દિવસની સવારે નામદેવજી ભગવાનને સુંદર શ્રૃંગાર કરે છે,ફુલની માળા અર્પણ કરીને દૂધનો કટોરો તૈયાર કરીને ભગવાનની આગળ મુકે છે.કેટલોક સમય સુધી પ્રાર્થના કરે છે અને પછી જુવે છે તો કટોરામાં દૂધ તો ઓછું થયું નથી આ જોઇને તેમને પ્રભુની સામે આત્મસમર્પણ કરતાં હાથમાં છરી લઇને કહ્યું કે  હે પ્રભુ ! જો આજે આપ દૂધ નહી પીવો તો હું મારી જાતને તમારી આગળ મારા પ્રાણ આપી દઇશ તેમ કહીને જેવો પોતાની ગરદન ઉપર પ્રહાર કરવા જાય છે કે તુરંત જ ઠાકુરજી પ્રગટ થાય છે અને હાથમાંનો છરી પકડી લે છે અને નામદેવજીને કહે છે કે હું દૂધ પી જઇશ પણ તમે આવો અનર્થ ના કરશો. આવી રીતે ભગવાને નામદેવજીના હાથે દૂધ પીધું.બીજા દિવસે તેમના નાના ઘેર આવ્યા તો સેવાના વિશે પુછતાં નામદેવજીએ દૂધ પીવાની ભગવાનની લીલા વિશે વાત કરી તો તેમને વિશ્વાસ આવતો નથી અને કહે છે કે ભગવાન મારી હાજરીમાં દૂધ પીવે તો હું સાચું માનું.

બીજા દિવસે સવારે નામદેવ ભગવાનની પૂજા અર્ચના કરી દૂધ મુક્યું પરંતુ ભગવાન દૂધ પીવા આવતા નથી ત્યારે નામદેવજીએ ભગવાનને કહ્યું કે ગઇકાલે આપે મારી સામે આવીને દૂધ પીધું હતું તો આજે કેમ મને જૂઠો સાબિત કરો છો? આમ કહીને હાથમાં છરી લઇને જેવી ગર્દન ઉપર મુકી તેવા જ ભગવાને દિવ્ય રૂપમાં મોર મુગુટ બંસીધારી રૂપે પ્રગટ થઇને દર્શન આપી દૂધનો ભોગ ગ્રહણ કરે છે ત્યારે નામદેવજી કહે છે કે પ્રભુ ! અમારા માટે થોડો ભોગ રહેવા દેજો.વામદેવને પણ ભગવાનના દર્શન થયાં.

આમ જો પરીવારમાં બાળકોને ભક્તિના સંસ્કાર આપવામાં આવે તો ભગવાનની કૃપા,ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય છે અને જીવન ધન્ય બને છે.આ કથાના માધ્યમથી અમારે ભક્તિને દ્રઢ કરી આગળ વધી અમારા જીવનના અંતિમ ધ્યેય પરમાત્માને પ્રાપ્ત કરવાના છે.નામદેવના ચરીત્રના માધ્યમથી ભગવાન સ્પષ્ટ કરે છે કે તે ભક્તોના પ્રેમને વશ થઇને ભોગ ગ્રહણ કરે છે અને જ્યાં પ્રેમનો અભાવ હોય છે ત્યાં છપ્પન પ્રકારના વ્યજંનો હોય તો પણ સ્વીકારતા નથી.

સામાન્ય ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા નથી તેના માટે તીવ્ર ભક્તિયોગની જરૂર છે.ઉપાસના કરતી વખતે પ્રતિમા બુદ્ધિ ના રાખવી.આવા પ્રકારના વિશ્વાસની ભાવના બાળકોમાં અત્યંત સહજ હોય છે.તે પોતાનાં રમકડાંને પણ સજીવ સમજે છે.

એકવાર મુસલમાન રાજા સિકંદરે નામદેવજીને બોલાવીને પુછ્યું કે સાંભળ્યું છે કે આપને સાહેબ (ભગવાન) નો સાક્ષાત્કાર થયો છે તો અમોને પણ તેમના દર્શન કરાવો અને તમારી આશ્ચર્યજનક શક્તિનો પરીચય આપો.ત્યારે નામદેવજી કહે છે કે મારામાં એવી કોઇ કરામત હોત તો અમે દરજીનું કામ ના કરતા. આખો દિવસ પરીશ્રમ કર્યા પછી જે કંઇ મળે છે તે સંતો-ભક્તો સંગ બેસીને ગ્રહણ કરૂં છું અને સંતોના પ્રભાવથી મારી કીર્તિ દૂર સુધી ફેલાઇ છે અને તેથી આપે મને આપના દરબારમાં બોલાવ્યો છે.ત્યારે બાદશાહ કહે છે કે આપ આ મરેલી ગાયને જીવિત કરીને તમારા ઘેર ચાલ્યા જઇ શકો છો.નામદેવજીએ સહજ સ્વભાવથી એક પદ ગાઇને ગાયને જીવિત કરી હતી.

આ ચમત્કાર જોયા પછી બાદશાહે તેમને કોઇ એક ગામ કે પ્રદેશ દાનના રૂપમાં આપવા વિનંતી કરે છે ત્યારે નામદેવજી કંઇપણ લેવાનો ઇન્કાર કરે છે તેમછતાં રાજાએ પ્રસન્ન થઇને એક રત્નજડીત પલંગ ભેટ આપે છે જેને નામદેવથી માથા ઉપર મુકીને લઇ જાય છે ત્યારે રાજા પલંગને ઉચકવા કેટલાક સેવકો મોકલે છે પરંતુ નામદેવ ના પાડી દે છે.રાજા તેમની સુરક્ષા માટે પાછળ ખાનગીમાં કેટલાક સૈનિકોને મોકલે છે.

નામદેવજી તે પલંગ લઇને યમુના કિનારે જાય છે અને પલંગને ભગવાનને સમર્પિત કરી યમુનાના અગાદ્ય જળમાં ડુબાડી દે છે.સૈનિકોએ આ ઘટના જોઇને તેની જાણ રાજાને કરે છે ત્યારે રાજા ફરીથી નામદેવજીને રાજસભામાં બોલાવે છે અને કહે છે કે મેં તમોને જે પલંગ આપ્યો હતો મારે તેવો જ પલંગ બનાવડાવવો છે તેથી તે પલંગ લાવીને કારીગરોને બતાવો.નામદેવજી યમુના કિનારે જઇને યમુના જળમાંથી અનેક પલંગ બહાર કાઢીને બહાર મુકે છે અને રાજાને પોતાનો પલંગ ઓળખીને લઇ જવા કહે છે.નામદેવજીના આવા ચમત્કારથી રાજાને ઘણી જ નવાઇ લાગે છે.નામદેવજીના વિલક્ષણ પ્રભાવ જોઇ બાદશાહ તેમના પગમાં પડી જાય છે અને કહે છે કે મને પ્રભુના કોપથી બચાવો કેમકે મેં પ્રભુના લાડકા દિકરા સંત નામદેવજીની પરીક્ષા કરીને અપરાધ કર્યો છે.

નામદેવજી રાજાને કહે છે કે મારા પ્રભુની ક્ષમા માંગવા ઇચ્છતા હો તો આજપછી ક્યારેય સંત-સાધુઓને સતાવશો નહી અને મને ક્યારેય આપના રાજદરબારમાં ના બોલાવશો.નામદેવજીનું જીવન અનેક ચમત્કારોથી ભરપૂર હતું જેની વાતો આગલા લેખમાં કરીશું..

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

દેવર્ષિ નારદનું જીવનચરીત્ર

 

 

ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ વદ એકમ દેવર્ષિ નારદનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે.આજે નારદ મુનિ અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ..દેવર્ષિ નારદ ભક્તિના પ્રધાન આચાર્ય છે.તેમનું કાર્ય હંમેશાં શ્રીહરિના ગુણાનુવાદ કરવા તથા જીવોને શ્રીહરિના ચરણકમળોમાં પ્રેરિત કરવાનું છે.નારદજી હંમેશાં માનવમાત્રના મનમાં ભક્તિનો સંચાર કરવા માટે પોતાની વીણા ઉપર શ્રીલક્ષ્મી-નારાયણના ગુણોનું સંકિર્તન કરતાં કરતાં ત્રણે લોકોમાં વિચરણ કરે છે. તેમને ભગવાન વિષ્ણુના પરમ ભક્ત માનીએ છીએ કારણ કે તેમના મુખેથી સતત "નારાયણ" ના નામનું જ રટણ થતું રહે છે.તેઓ મહત્વની માહિતી-સંદેશાઓનું આદાન-પ્રદાન પણ કરતા રહે છે.

શ્રીમદ્ ભાગવતગીતાના દસમા અધ્યાયના ૨૬મા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણજીએ નારદજી માટે કહ્યું છે કે દેવર્ષિણામ્ ચ નારદઃ એટલે હું દેવર્ષિઓમાં નારદ છું.દેવર્ષિઓ કેટલાય છે પરંતુ દેવર્ષિ નારદ એક જ છે.એ ભગવાનના મનના અનુસાર ચાલે છે અને ભગવાનને જેવી લીલા કરવાની હોય છે,તેઓ પહેલેથી જ તેવી ભૂમિકા તૈયાર કરી દે છે એટલા માટે નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે.નારદજી ખૂબ જ જ્ઞાની હતાં તેથી તેમની વાત ઉપર મનુષ્ય દેવતા અસુર નાગ વગેરે બધા જ વિશ્વાસ કરે છે,બધા જ તેમની વાત માને છે અને તેમની પાસેથી સલાહ લે છે.મહાભારત વગેરે ગ્રંથોમાં એમના અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.અહી ભગવાને એમને પોતાની વિભૂતિ ગણાવી છે આમ દેવર્ષિ નારદ સ્વયં ભગવાન વિષ્ણુનો જ અવતાર છે.

 

નારદ મુનિ બ્રહ્માના માનસ પુત્ર છે કારણ કે તેમનો જન્મ બ્રહ્માના મનથી થયેલો.તેઓ ત્રણે લોકમા મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોકસંચારી તરીકે પણ પ્રસિદ્ધ છે.તેઓને પ્રથમ નાટ્યયોગી પણ માનવામાં આવે છે.વળી તેમના નટખટ સ્વભાવને પરિણામે કલહ્ થતો હોવાથી તેમને કલહપ્રિયનુ બિરૂદ પણ મળેલ છે.વૈષ્ણવ સંપ્રદાયમાં નારદ મુનિનુ એક આગવું સ્થાન છે.નારનો અર્થ થાય છે જળ.નારદજી જ્ઞાન-જળ અને તર્પણ કરવાનું કામ કરે છે એટલે જ તે નારદના નામથી ઓળખાય છે.

 

 

પૂર્વ કલ્પમાં નારદજી ઉપવર્હણ નામના એક ગંધર્વ હતા.એકવાર બ્રહ્મલોકમાં તમામ ગંધર્વો અને  કિન્નરો શ્રીહરિના ગુણ-સંકિર્તન માટે એકત્રિત થયા હતા.ઉપવર્હણ પણ ત્યાં ગયા હતા પરંતુ પોતાના રૂપ સૌદર્યના અભિમાનમાં ભાન ભૂલીને તે પોતાની સુંદરીઓને પણ સાથે લઇ ગયા હતા.ભગવાનના ગુણાનુવાદમાં શારીરિક સૌદર્ય અને રૂપની શું કિંમત? આવા પ્રસંગે સ્ત્રીઓને શૃંગાર ભાવનાથી સાથે લઇ જવી બહુ મોટો અપરાધ છે તેથી ઉપવર્હણનો આ પ્રમાદ જોઇને બ્રહ્માજીએ તેને શૂદ્ર-યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો.

 

 

મહાપુરૂષોનો ક્રોધ પણ કલ્યાણકારક હોય છે એટલે આ શ્રાપના ફળસ્વરૂપ તેમનો એક એવી શૂદ્ર દાસીના પૂત્રરૂપે જન્મ લીધો કે જે વેદવાદી-સદાચારી બ્રાહ્મણોની સેવામાં લાગેલાં હતાં.દાસીના ઘેર પૂત્રરૂપે જન્મ લેવા છતાં તેમનામાં શીલ-સમાનતા વગેરે સદગુણો સ્વાભાવિક રીતે હતા.જ્યારે આ બાળકની ઉંમર પાંચ વર્ષની થઇ ત્યારે તેની માતાના કોઇ સબંધીઓ જીવીત રહ્યા નહતા.તે સમયે વર્ષાઋતુમાં કેટલાક સંતો ત્યાં ચાર્તુમાસમાં રહ્યા હતા.બાળકની માતા સંતોની સેવામાં લાગેલા હતા તથા બાળક પણ સંતોની સેવા કરતો હતો અને સંતોના મુખારવિંદથી વહેતી ભગવાનની જ્ઞાનચર્ચા સાંભળતો હતો.

 

ચાર્તુમાસ પુરો થતાં તમામ સંતો જવા લાગ્યા ત્યારે તેમને દાસીના પૂત્રની નમ્રતાને જોઇને સંતોએ તેને ભગવાનના સ્વરૂપનું ધ્યાન તથા નામ-સુમિરણ કરવાનો આદેશ આપ્યો.સાધુ સંતોના ગયા બાદ કેટલાક દિવસો બાદ એક દિવસ તેમની માતા ગાયનું દૂધ દોહી રહ્યા હતાં તે સમયે તેમને સાપ કરડે છે અને મૃત્યુ પામે છે.માતાની મમત્વમયી વત્સલતાના સાંસારીક બંધનથી છુટીને આ બાળક એક પ્રભુ પરમાત્માના ભરોસે રહેવા લાગ્યો.

 

માતાના મૃત્યુ પછી નિરાધાર બનેલ બાળક ભગવાનના ભરોસે ગામ છોડીને ઉત્તર દિશા તરફ આગળ વધે છે.ચાલતાં ચાલતાં બાળક થાકી જતાં રસ્તામાં આવતા એક સરોવરના કિનારે રોકાઇને શિતળ જળથી પોતાની તરસ છીપાવી સરોવરના કિનારે આવેલ પિપળાના વૃક્ષની છાયામાં બેસીને સાધુ સંતોએ બતાવેલ વિધિથી પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો.અચાનક તેના હ્રદયમાં ભગવાન પ્રગટ થાય છે અને એક દિવ્ય જ્યોતિથી તેનું અંતઃકરણ પ્રકાશિત થઇ ઉઠે છે પરંતુ આ પ્રકાશ વિજળીના ચમકારાની જેમ અદ્રશ્ય થઇ જાય છે જેથી બાળક વિહ્વળ બની જાય છે.બાળકની વિહ્વળતા જોઇને આકાશવાણી તેને સાંત્વના આપતાં કહે છે કે આ જન્મમાં તૂં મને જોઇ નહી શકે કારણ કે જેનું ચિત્ત પૂર્ણ નિર્મળ છે તે જ મારા દર્શનનો અધિકારી છે.તારા ઉપર મારી કૃપા કરીને એક ઝાંકી તને એટલા માટે બતાવી છે કે જેના દર્શનથી તારૂં મન મારામાં લાગી શકે.

 

બાળકે પોતાનું મસ્તક ભૂમિ ઉપર નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને તેમના ગુણ ગાતાં ગાતાં પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યો.પ્રારબ્ધકર્મ પુરૂં થતાં તેને પોતાના શરીરનો ત્યાગ કર્યો.ત્યારબાદ તે કલ્પમાં ફરીથી તેમનો જન્મ ના થયો અને કલ્પના અંતમાં તે બ્રહ્માજીમાં પ્રવિષ્ટ થઇ ગયા.સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીના મનથી તેમની ઉત્પત્તિ થઇ.હવે ભગવાન જે કંઇપણ કરવા ઇચ્છે છે તેવી જ તેમની ચેષ્ટા થવા લાગી અને તેમનું નામ નારદ પડ્યું.

 

દેવર્ષિ નારદના કાર્યો અને ગુણોનું સંકિર્તન ભલા કોન કરી શકે? પ્રહ્લાદને ભગવદભક્તિનો ગર્ભમાં જ ઉપદેશ નારદજીએ આપ્યો હતો.માતા-પિતાનો ત્યાગ કરીને ભગવાનની શોધમાં નીકળેલ બાળક ધ્રૃવને ભગવાનને પ્રાપ્ત કરવાની ઉપાસના અને પદ્ધતિ નારદજીએ જ બતાવી હતી.પ્રજાપતિ દક્ષના પૂત્રોને ભગવાનની ભક્તિના અધિકારી સમજીને તેમને વિરક્ત બનાવનાર પણ નારદજી હતા.ભગવાનની ભક્તિમાં દિવસ-રાત રત રહેનાર નારદજીને દક્ષ પ્રજાપતિએ બે ઘડીથી વધારે કોઇપણ જગ્યાએ ના રોકાવવાનો શ્રાપ આપ્યો હતો તેને પણ પ્રભુની કૃપા માનીને તેમને વરદાન સમજ્યું હતું.

 

અઢાર પુરાણોની રચના કર્યા પછી અશાંત ચિત્ત મહર્ષિ વેદવ્યાસને પરમાનંદ સ્વરૂપ શ્રીનંદનંદનની લોક મંગલકારી દિવ્ય લીલાઓને શ્રીમદ્ ભાગવદ્ પુરાણના રૂપમાં ગાયન કરવાનો ઉપદેશ આપીને તેમને કૃતાર્થ કર્યા હતા.ભગવાન નારાયણે નારદજીને 'મહતી' નામની વીણા આપી અને સાથે વરદાન આપ્યું કે તું જયારે આ વીણા વગાડીશ ત્યારે હું પ્રગટ થઈશ.આ વીણા વડે તેઓ રૂચાઓ-મંત્રો અને સ્તુતિઓ રચે છે.તેમણે ભક્તિયોગનુ નિરૂપણ તેમના નારદ ભકિતસૂત્રમાં કરેલુ જોવા મળે છે.

 

દેવર્ષિ નારદ મહાનગ્રંથોને રચનારા ભગવાન વેદવ્યાસ,વાલ્મિકી અને શુક્રદેવજીના ગુરૂ છે. નારદજીએ જ પ્રહલાદ ધ્રુવ રાજા અમ્બરીષ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપીને ભક્તિ માર્ગમાં પ્રેરિત કર્યા હતા.

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો જેના લીધે જન્મ રહિત,નિર્ગુણ અને રૂપરહીત અવ્યક્ત સચ્ચિદાનંદઘન બ્રહ્મ મનુષ્યરૂપે અયોધ્યાપુરીના રાજા થયા હતા અને શ્રાપના લીધે ભગવાન  શિવગણો રાવણ અને કુંભકરણ બને છે અને શ્રીહરિના હાથે મરીને પાછા ભગવાન શિવના ગણ બને છે જેની કથા સર્વવિદિત છે અને રામાયણમાં વર્ણિત છે.

 

દેવર્ષિ નારદ ભક્તિસૂત્રોના પ્રણેતા છે તેમને ૮૪ સૂત્રોમાં ભક્તિ વિશે વર્ણન કર્યું છે.જેમાં તેમને કહ્યું છે કેઃ ઇશ્વર સિવાઇના બીજા આશ્રયોના ત્યાગનું નામ અનન્યતા છે. પોતાના બધા કર્મો ભગવાનને અર્પણ કરવા અને ભગવાનનું જો થોડું ઘણું પણ વિસ્મરણ થાય તો વ્યાકુળતા વધે એનું નામ ભક્તિ છે. જ્ઞાન વિના એટલે કે ભગવાન છે એવું જાણ્યા વિના ભગવાનને કરેલો પ્રેમ એ તો ચારીત્રહીન સ્ત્રીના પ્રેમ સમાન છે. મહાપુરૂષોનો સંગ દુર્લભ અગમ્ય અને અમોઘ છે.ભગવાનની કૃપાથી જ મહાપુરૂષોનો સંગ મળે છે.ખરાબ વ્યક્તિના સંગનો સર્વથા ત્યાગ કરવો જોઇએ.

 

ભક્તોએ સ્ત્રી,ધન,નાસ્તિક અને વૈરીનું ચરીત્ર ના સાંભળવું જોઇએ. અભિમાન દંભ વગેરેનો ત્યાગ કરવો જોઇએ. બધા કર્મો અને ક્રિયાઓ ભગવાનને અર્પણ કર્યા પછી પણ કામ ક્રોધ અભિમાન વગેરે રહી ગયા હોય તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા. સુખ-દુઃખ ઇચ્છા લાભ વગેરેનો પૂર્ણ રીતે ત્યાગ થઇ જાય તેવા સમયની રાહ ના જોતાં અડધી ક્ષણ પણ ભજન પ્રાર્થના વિના વ્યર્થ વિતાવવો ના જોઇએ. સાધકે અહિંસા સત્ય શૌચ દયા આસ્તિકતા વગેરે આચરણીય સદાચારોનું સારી રીતે પાલન કરવું જોઇએ.

 

 

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કેમ શ્રાપ આપ્યો હતો?

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કેમ શ્રાપ આપ્યો હતો?

 

 

 

દેવર્ષિ નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો તેની કથા જોઇએ..હિમાલય પર્વતમાં એક મોટી પવિત્ર ગુફા હતી.તેની નજીકમાં ગંગાજી વહેતાં હતાં.આ પરમ પવિત્ર સુંદર આશ્રમ નારદજીને રમણીય લાગ્યો.નારદજીને લક્ષ્મીકાંત ભગવાનના ચરણોમાં સ્નેહ થઇ ગયો.ભગવાનનું સ્મરણ કરતાં જ નારદજીને સમાધિ લાગી ગઇ.

 

 

નારદ મુનિની આ સ્થિતિ જોઇને દેવરાજ ઇન્દ્ર ડરી ગયા.ઇન્દ્રના મનમાં એવો ભય થયો કે દેવર્ષિ નારદ મારી અમરાવતી(ઇન્દ્રાસન) ઇચ્છે છે એટલે તેમને કામદેવને બોલાવીને નારદની સમાધિ ભંગ કરવા મોકલ્યા.જગતમાં જે કામી અને લોભી હોય છે તે કુટિલ કાગડાની જેમ બધાથી બીવે છે.જેમ મૂરખ કૂતરો સિંહને જોઇને સૂકું હાડકું લઇને નાસે અને તે મૂર્ખ એમ સમજે કે ક્યાંક તે હાડકાને સિંહ ઝુંટવી ના લે તેવી જ રીતે ઇન્દ્રને નારદજી મારૂં ઇન્દ્દાસન ઝુંટવી લેશે એમ વિચારતાં લાજ ના આવી.

 

 

કામદેવે પોતાની માયાથી વસંતઋતુ નિર્માણ કરી.કામાગ્નિને ભડકાવનાર શિતળ મંદ અને સુગંધી વાયુ વહેવા લાગ્યો.રંભા વગેરે દેવાંગનાઓ જે કામકળામાં પ્રવિણ હતી તે ગાવા લાગી પરંતુ કામદેવની કોઇ કળા નારદ મુનિ ઉપર કોઇ અસર ના કરી શકી.ત્યારે તે પાપી કામદેવ પોતાના નાશના ભયથી ડરી ગયા અને પોતાના સહાયકો સહિત હાર સ્વીકારી આર્તભાવે મુનિના ચરણ પકડી લીધા.

 

 

નારદજીના મનમાં સહેજ પણ ક્રોધ ના આવ્યો.તેમને પ્રિય વચનો કહીને કામદેવને સંતુષ્ટ કર્યા. કામદેવે મુનિની પ્રસંશા કરી.ત્યારબાદ નારદજી ભગવાન શિવ પાસે ગયા.તેમના મનમાં એ વાતનો અહંકાર થયો કે મેં કામદેવને જીતી લીધો.તેમને કામદેવના ચરીત્રો ભગવાન શિવને સંભળાવ્યા અને મહાદેવજીએ નારદજીને અત્યંત પ્રિય જાણીને શિખામણ આપી કે આ કથા તમે મને સંભળાવી છે તે ભગવાન શ્રીહરિને ક્યારેય ના સંભળાવશો.કદાચ ચર્ચા નીકળે તો આ વાતને છુપાવી રાખજો.શિવજીએ હિતની શિખામણ આપી પણ નારદજીને તે ઠીક ના લાગી.હરિની ઇચ્છા બળવાન છે તે સબંધી કૌતુક જોઇએ.પ્રભુ પરમાત્મા જે કરવા ઇચ્છે છે તે જ થાય છે એવો કોઇ નથી જે તેના વિરૂદ્ધ કંઇ કરી શકે.

 

 

એકવાર નારદજી હરિ ગુણ ગાતાં ગાતાં ક્ષીરસાગરે ગયા.ભગવાન ઉભા થઇને ઘણા આનંદથી તેમને મળ્યા અને નારદજી સાથે એક આસન ઉપર બેઠા.ચરાચરના સ્વામી ભગવાન ર્હંસીને કહે છે કે આપે ઘણા દિવસે દયા કરી ! ભગવાન શિવે ના પાડી હતી છતાં નારદજીએ કામદેવનું આખું ચરીત્ર ભગવાનને કહી સંભળાવ્યું.ભગવાનની માયા ઘણી જ પ્રબળ છે.જગતમાં એવું કોણ જન્મ્યું છે જેને તે મોહિત ન કરી શકે ! ભગવાન ઉદાસીનતાથી કોમળ વચન બોલ્યા કે હે મુનિરાજ ! આપનું સ્મરણ જ કરવાથી બીજાના મોહ કામ મદ અને અભિમાન મટી જાય છે તો પછી આપના માટે તો કહેવું જ શું?

 

 

હે મુનિ ! મોહ તો એના મનમાં હોય છે જેના હ્રદયમાં જ્ઞાન-વૈરાગ્ય નથી.આપ તો બ્રહ્મચર્યવ્રતમાં તત્પર અને ઘણા ધીરબુદ્ધિ છો.આપને કામદેવ શું સતાવી શકે? નારદજીએ અભિમાન સાથે કહ્યું કે ભગવાન આ બધી આપણી કૃપા છે.ભગવાને વિચાર્યું કે આમના મનમાં ગર્વના ભારે વૃક્ષનું અંકુર ઉત્પન્ન થઇ ગયું છે તેને હું ઉખાડી નાખીશ કારણ કે સેવકનું હિત કરવું એ મારૂં પ્રણ છે.હું અવશ્ય તેનો ઉપાય કરીશ જેનાથી મુનિનું કલ્યાણ થાય અને મારો ખેલ થાય.

 

 

નારદજી ભગવાનને નમસ્કાર કરી ચાલ્યા ગયા.હરિમાયાએ માર્ગમાં સો યોજનનું એક નગર રચ્યું જે વૈકુંઠથી વધુ સુંદર હતું.આ નગરમાં શિલનિધિ નામે રાજા રહેતો હતો તેને વિશ્વમોહિની નામની રૂપમતી કન્યા હતી જેના રૂપને જોઇને લક્ષ્મીજી પણ મોહિત થાય.આ બધા ગુણોની ખાણ ભગવાનની માયા જ હતી.નારદજી આ નગરમાં જાય છે.રાજાએ મુનિની પૂજા કરી.રાજાએ રાજકુમારીને બોલાવી નારદજીને પુછ્યું કે આના સર્વે ગુણ-દોષ કહો.તેના રૂપને જોઇ મુનિ વૈરાગ્યને ભુલી ગયા અને મનોમન કહેવા લાગ્યા કે જે આને વરશે તે અમર થઇ જશે અને રણભૂમિમાં તેને કોઇ જીતી નહી શકે અને તમામ ચર-અચર જીવો તેમની સેવા કરશે.

 

 

નારદજી ત્યાંથી નીકળી ગયા પરંતુ વિચારે છે કે કયો ઉપાય કરૂં તો આ કન્યા મને વરે ! અંતે નક્કી કર્યું કે ભગવાન પાસે જઇ સુંદરતા માંગુ.નારદજીએ યાદ કર્યા અને પ્રભુ ત્યાં જ પ્રગટ થયા.નારદજીએ આર્ત ભાવે આખી કથા સંભળાવી અને પ્રાર્થના કરી કે આપ આપનું રૂપ મને આપો.હે નાથ ! જે રીતે મારું હિત થાય તેવું કરો.કરો.પોતાની માયાનું વિશાળ બળ જોઇ ભગવાન મનમાં હસીને બોલ્યા કે જે રીતે તમારૂં પરમ હિત થાય તેમ કરીશ.રોગથી વ્યાકૂળ રોગી કુપથ્ય માંગે તો વૈદ્ય આપતા નથી એમ કહી ભગવાન અંતર્ધાન થઇ ગયા.

 

 

માયાને વશીભૂત થયેલ મુનિ એવા મૂઢ થઇ ગયા કે ભગવાની સ્પષ્ટ વાણીને સમજી શક્યા નહી અને સ્વયંવરના સ્થાને પહોંચી જાય છે.તમામ રાજાઓ બની-ઠનીને આસનો ઉપર બેઠા હતા.મુનિ મનમાંને મનમાં પ્રસન્ન થઇ રહ્યા હતા કે મારૂં રૂપ ઘણું સુંદર છે,મને છોડીને કન્યા ભૂલથી પણ બીજાને નહી વરે. ભગવાને મુનિના કલ્યાણના માટે એવા કુરૂપ બનાવી દીધા કે જેનું વર્ણન થઇ શકતું નથી.સભામાં બધાએ એમને નારદજી સમજી પ્રણામ કર્યા.

 

 

સ્વયંવરમાં ભગવાન શિવના ગણ પણ હતા કે જેઓ બધો ભેદ જાણતા હતા તેઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરી લીલા નિહાળતાં ફરી રહ્યા હતા.આ બંન્ને ગણો નારદજીની બાજુમાં આવીને બેસી ગયા.તેઓ બ્રાહ્મણ વેશમાં હોવાથી તેમની આ ચાલને કોઇ જાણી શક્યું નહી.તેઓ નારદજીને વ્યંગ્ય વચનો કહેતા હતા કે તમારી શોભા જોઇને રાજકુમારી તમોને જ વરશે.

 

 

ફક્ત રાજકુમારીએ નારદજીનું વાંદરા જેવું મોં અને ભયંકર શરીર જોતાં જ હ્રદયમાં ક્રોધ ઉત્પન્ન થયો અને જે લાઇનમાં નારદજી બેઠા હતા તે તરફ જોયું પણ નહી તેથી નારદજી બેચેન થાય છે.તેમની દશા જોઇ શિવજીના ગણ મલકાય છે.ભગવાન વિષ્ણુ રાજકુમારનું રૂપ લઇ ત્યાં પહોચ્યા.હોચ્યા.રાજકુમારી હર્ષિત થઇ એમના ગળામાં વરમાળા પહેરાવી દીધી.

 

 

મોહના લીધે મુનિની બુદ્ધિ નાશ પામી હતી તેથી ઘણા જ વ્યાકુળ થાય છે ત્યારે શિવજીના ગણોએ હસીને કહ્યું કે જરા દર્પણમાં મોઢું તો જુઓ ! આટલું કહી તેઓ ભયભીત થઇને નાસી જાય છે.મુનિએ જળમાં પોતાનું મોઢું જોયું તો તેમનો ક્રોધ ઘણો જ વધી ગયો.તેમને શિવજીના ગણોને ઘણો જ કઠોર શ્રાપ આપ્યો કે તમે બંન્ને કપટી અને પાપી રાક્ષસ બની જશો.મુનિએ ફરીથી જળમાં જોયું તો પોતાનું અસલી રૂપ પ્રાપ્ત થઇ ગયું હતું તો પણ તેમને સંતોષ ના થયો તેથી તે ભગવાન કમળાપતિને મળવા ચાલ્યા.

 

 

નારદજી મનમાં વિચારતા હતા કે ભગવાન પાસે જઇને શ્રાપ આપીશ કે પ્રાણ આપી દઇશ.ભગવાન શ્રીહરિ તેમને રસ્તામાં જ મળી જાય છે અને મધુરવાણીમાં કહે છે કે હે મુનિ ! વ્યાકુળની જેમ ક્યાં ચાલ્યા? આ શબ્દો સાંભળતાં જ નારદજીને ઘણો ક્રોધ આવ્યો.માયાથી વશીભૂત થયેલા મુનિને ભાન રહેતું નથી. નારદજીએ કહ્યું કે તમે અન્યની સંપદા જોઇ શકતા નથી,તમારામાં ઇર્ષા અને કપટ છે,સમુદ્રમંથન વખતે તમે શિવજીને વિષપાન કરાવ્યું હતું અને તમે સુંદર લક્ષ્મી અને કૌસ્તુભ મણિ લઇ લીધાં હતાં.તમે ઘણા દગાબાજ અને સ્વાર્થી છો.સદાય કપટપૂર્ણ વ્યવહાર કરો છો.છો.તમે પરમ સ્વતંત્ર છો.તમારા માથે તો કોઇ છે નહી એટલે જ્યારે જે મનને ગમે તે સ્વચ્છંદતાથી કરો છો.સારાને ખોટું અને ખોટાને સારૂં કરી નાખો છો. હ્રદયમાં હર્ષ વિષાદ કશું લાવતા નથી.બધાને છેતરીને છટકી ગયા છો અને અત્યંત નિડર થઇ ગયા છો. શુભ-અશુભ કર્મો તમોને વિઘ્ન કરતાં નથી.અત્યાર સુધી તમોને કોઇએ સીધા દોર કર્યા નથી,આ વખતે તમે મારા જેવા જોરાવરને છંછેડ્યો છે તેથી પોતાની કરણીનું ફળ પામશો.

 

 

મારો તમોને શ્રાપ છે કે જે શરીરને ધારણ કરીને તમે મને ઠગ્યો છે,તમારે પણ એ જ શરીર ધારણ કરવું પડશે.તમે મારૂં રૂપ વાંદરા જેવું બનાવી દીધું હતું તેથી વાંદરા જ તમારી સહાય કરશે.હું જે સ્ત્રીને ઇચ્છતો હતો તેનાથી મારો વિયોગ કરાવી તમે મારૂં મોટું અહિત કર્યું છે તેથી તમે પણ સ્ત્રીના વિયોગથી દુઃખી થશો.

 

 

નારદજીના શ્રાપને માથે ચઢાવી ભગવાને પોતાની માયાની પ્રબળતાને ખેંચી લીધી તો ત્યાં ન લક્ષ્મી રહ્યાં કે ના રાજકુમારી ! નારદજી અત્યંત ભયભીત થઇને શ્રીહરિના પગ પકડીને કહ્યું કે પ્રભુ મારી રક્ષા કરો.મારો શ્રાપ મિથ્યા થાય.ત્યારે ભગવાને કહ્યું કે આ બધું મારી ઇચ્છાથી થયું છે.નારદજીએ કહ્યું કે મેં આપને અનેક અયોગ્ય વચનો કહ્યાં છે તે મારાં પાપ કેવી રીતે મટશે? ત્યારે ભગવાને કહ્યું કે તમે શંકર શતનામનો જાપ કરો તેથી અંતરમાં શાંતિ થશે.શિવજી સમાન મને કોઇ પ્રિય નથી.આ વિશ્વાસને ભૂલથી છોડશો નહી.હવે મારી માયા તમારી સમીપ આવશે નહી આમ સાંત્વના આપી ભગવાન અંતર્ધાન થઇ ગયા અને નારદજી શ્રીહરિના ગાન કરતાં કરતાં બ્રહ્મલોકમાં ગયા.

 

 

શિવજીના ગણોએ જ્યારે મોહરહિત તથા ઘણા પ્રસન્ન થઇને માર્ગમાં જતા જોયા ત્યારે અત્યંત ભયભીત થઇને નારદજી પાસે આવ્યા અને અને તેમના ચરણ પકડી દીન વચનો બોલ્યા કે અમે બ્રાહ્મણો નથી શિવજીના ગણો છીએ.અમે મોટો અપરાધ કર્યો છે જેનું ફળ અમોને મળી ગયું છે.હે કૃપાળુ ! હવે શ્રાપ દૂર કરવાની કૃપા કરો.

 

 

નારદજીએ કહ્યું કે શ્રાપ મળ્યો છે એટલે રાક્ષસ તો થવું પડશે પણ તમોને મહાન ઐશ્વર્ય-તેજ અને બળની પ્રાપ્તિ થશે.તમે પોતાના બળથી જ્યારે આખા વિશ્વને જીતી લેશો ત્યારે ભગવાન મનુષ્યનું શરીર ધારણ કરશે અને યુદ્ધમાં શ્રીહરિના હાથે તમારૂં મૃત્યુ થશે ત્યારે તમે મુક્ત થઇ જશો અને ફરીથી તમારો સંસારમાં જન્મ નહી થાય.બંન્ને ગણો મુનિને વંદન કરી ચાલ્યા ગયા અને કાળક્રમે રાવણ અને કુંભકરણ બને છે અને જે કારણથી જન્મ રહિત,નિર્ગુણ અને રૂપરહીત અવ્યક્ત સચ્ચિદાનંદઘન બ્રહ્મ અયોધ્યાપુરીના રાજા થયા અને તેમના હાથે મરીને ભગવાન શિવના ગણ બને છે.

 

 

જ્ઞાની મુનિ જેવા પણ ભગવાનની માયાથી મોહિત થઇ જાય છે.દેવતા,મનુષ્ય અને મુનિજનોમાં કોઇ એવા નથી જે ભગવાનની મહાન બળવતી માયાથી મોહિત ના થાય.મનમાં એવો વિચાર કરીને મહામાયાના સ્વામી ભગવાનનું ભજન કરવું જોઇએ..(રામચરીત માનસમાંથી સાભાર)

 

 

આલેખનઃ

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

sumi7875@gmail.com

 

બોધકથા..આશા ત્યાં વાસા સૂરતા ત્યાં મુકામ

 

બોધકથા..આશા ત્યાં વાસા સૂરતા ત્યાં મુકામ

 

આશા ત્યાં વાસા..આ ચાર શબ્દોમાં સંતોએ જીંદગીનો સાર મુકી દીધો છે.સંતો કહે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સંતના શ્રીચરણોમાં પહોંચી પરમ પિતા પરમાત્માની પ્રત્યક્ષ અનુભૂતિ કરી તેમની સાથે સબંધ જોડવો અને આ ફક્ત મનુષ્ય જીવનમાં જ સંભવ છે.વિષય દર્શિત ચાર શબ્દોના માધ્યમથી સંતો કહે છે કે મૃત્યુ સમયે મન જેમાં લાગે છે તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય, મન જેમાં લાગી જાય છે તે બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત થઇ શકે છે.

 

દુનિયાના તમામ કામ કરતાં કરતાં પણ પોતાના મનને પરમાત્મામાં લગાવેલું રાખવાનું છે.જો અમે આખી જીંદગી દુનિયાની ચીજવસ્તુઓ,પૂત્ર-પરીવાર,કારોબાર,ધન-દૌલત વગેરેનું ચિંતન કરીશું તો મરતી વખતે આ ચીજવસ્તુઓનું ચિંતન થશે અને ફરી પાછા જન્મ-મરણના ચક્કરમાં આવવું પડશે.

 

એકવાર એક સંત પોતાના શિષ્યો સાથે જંગલમાં પોતાના આશ્રમમાં રહેતા હતા.સંતે સારી કમાણી કરી હતી.એકવાર સંત બિમાર પડે છે.શિષ્યોને વિશ્વાસ હતો કે અમારા ગુરૂજી મૃત્યુ પછી સ્વર્ગમાં જ જવાના છે.એકવાર શિષ્યોએ પોતાના ગુરૂજીને પુછ્યું કે ગુરૂજી ! આપ સંસાર છોડીને જશો તો અમોને કેવી રીતે ખબર પડે કે મૃત્ય પછી આપ સ્વર્ગમાં ગયા છો? ગુરૂજીએ કહ્યું કે મારા મૃત્યુના ત્રીજા દિવસે આકાશમાં ઢોલ વાગવાનો અવાજ સંભળાય તો સમજી લેજો કે હું સ્વર્ગમાં ગયો છું.કેટલાક દિવસો બાદ ગુરૂજીનું અવસાન થાય છે.ચાર-પાંચ દિવસો વિતવા છતાં ઢોલ વાગવાનો અવાજ ના સંભળાયો.

 

ગુરૂજીના તેરમાના દિવસે તેમના એક ગુરૂભાઇ આવે છે.શિષ્યો તેમને તમામ હકીકત કહી પ્રશ્ન પુછે છે કે ગુરૂજીના વચન અનુસાર ઢોલનો અવાજ સંભળાયો નથી.ગુરૂભાઇએ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને જોયું તો ગુરૂજીના અંત સમયે જ્યારે તેમને છેલ્લો શ્વાસ લીધો તે સમયે તેઓ એક બોરડીના વૃક્ષ નીચે સૂતા હતા.આ બોરડી ઉપર એક પાકું બોર હતું.અંત સમયે ગુરૂજીનું ધ્યાન બોરને ખાવામાં જાય છે અને તે સમયે જ તેમનું દેહાવસાન થાય છે એટલે શરીર છુટ્યા પછી તે એક કીડાનું શરીર ધારણ કરીને બોરમાં પૈદા થાય છે.ગુરૂભાઇએ તમામ વાત શિષ્યોને કરી અને કહ્યું કે આ પાકેલા બોર ઉપર ધ્યાન રાખજો.જ્યારે આ બોર પાકીને નીચે પડે અને તેમાં રહેલા કીડાનું મૃત્યુ થશે ત્યારે ગુરૂજીનો આત્મા સ્વતંત્ર થઇને સ્વર્ગમાં જશે અને તે સમયે તમોને ઢોલ વાગવાનો અવાજ સંભળાશે.શિષ્યોએ ગુરૂભાઇએ આપેલ સૂચનાઓનું પાલન કર્યું.ત્રણ દિવસ પછી બોર નીચે પડે છે અને શિષ્યોને ઢોલ વાગવાનો અવાજ સંભળાય છે.

 

આ વાર્તાના માધ્યમથી આપણે એ બોધ લેવાનો છે કે એક પૂર્ણ સંત હોવા છતાં અંત સમયે દુનિયાવી ઇચ્છાને વશીભૂત થતાં તેમને કીડાની યોનિમાં જન્મ લેવો પડ્યો એટલે અમારે પણ સંતોના વચનો અને સદગુરૂના આદેશ-ઉપદેશ અનુસાર દુનિયામાં સાક્ષીભાવે દુનિયાના તમામ કર્તવ્યકર્મો નિભાવીને પરમાત્માને હરપલ યાદ રાખવાના છે કે જેથી મૃત્યુના સમયે અમારૂં ધ્યાન દુનિયાના પદાર્થો કે સગા-વહાલાઓમાં ના જતાં એક પ્રભુ પરમાત્મામાં જોડાયેલ રહે કે જેથી અમારે ફરીથી જન્મ-મરણના ચક્કરમાં ના આવવું પડે.

 

૫રમેશ્વરને જાણીને જ મનુષ્ય મૃત્યુનું ઉલ્લંઘન કરી શકે છે એટલે કે મૃત્યુના બંધનથી છુટકારો મેળવી શકે છે તેના સિવાય ૫રમ૫દ પ્રાપ્તિેનો બીજો કોઇ માર્ગ નથી.

 

જેમ ઘણી બધી સ્ત્રીઓ(૫ત્નીઓ) એક પતિને પોતાની તરફ ખેંચે છે તેવી જ રીતે જીવને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો પોત પોતાના વિષયો તરફ ખેંચે છે.૫રમાત્માએ મનુષ્ય શરીરની રચના એવી બુધ્ધિથી કરી છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરી શકે છે.જો કે આ મનુષ્ય શરીર અનિત્ય છે પરંતુ તેનાથી ૫રમ પુરૂષાર્થની પ્રાપ્તિ ૫ણ થઇ શકે છે.મૃત્‍યુ તેનો દરેક ૫ળે પીછો કરી રહ્યું છે માટે અનેક જન્મોં ૫છી મળેલો આ અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ પામીને બુધ્ધિમાન પુરૂષોએ જેટલું બની શકે તેટલું વહેલું, મૃત્યુ ૫હેલાં મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઇએ.વિષયભોગ તો અન્ય તમામ યોનિઓમાં પ્રાપ્ત થાય છે જ પરંતુ મોક્ષ માટે ફક્ત મનુષ્ય જન્મ જ છે માટે વિષયભોગોમાં અમૂલ્ય જીવન ખોવું ના જોઇએ.

 

એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે ફોટો સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃ ફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને કે કદાચ ફોટામાં એવું ન આવી જાય તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો ૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન થઇ શકતું નથી.

 

આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્યની જેમાં વાસના રહે છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ થાય છે.આનો અર્થ એ થયો કેઃ મૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ થશે કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે.

 

મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ છે.કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે,તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને છે,કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે,તો કોઇક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે છે,કેટલાક મૃત્યુને ઘણી જ ભયંકર ઘટના સમજે છે,તો કોઇ તેને ઘણી જ સારી ઘટના માને છે.કેટલાક મૃત્યુને જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે તો કોઇક તેને મિથ્યા કલ્પનાના સિવાય કશું સમજતા નથી..તેમ છતાં એક વાતનો આપણે બધાએ સ્વીકાર કરવો પડશે કેઃ મૃત્યુનું રૂ૫ ભલે ગમે તે હોય,પરંતુ તેનું જીવનમાં ઘણું જ મહત્વ છે.ભલે બધા વિદ્વાનો અને દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિંત છે.

કેટલાક મહાત્માઓએ પોતાની ઉદાર વિચારધારાને અનુકૂળ મૃત્યુની પ્રસંશા ૫ણ કરી છે,જેમ કેઃ મહાત્મા ગાંધીજીનું કથન છે કેઃ મૃત્યુના સમાન નિશ્ચિત બીજી કોઇ ચીજ નથી. મૃત્યુની સાથે જ તમામ ઝઘડાઓનો અંત આવી જાય છે. સ્વામી રામતીર્થનો મત છે કેઃ આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.

શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી.એમાં ૫રીવર્તન થતું રહે છે.શરીર અને શરીરી(આત્મા) ભિન્ન છે.શરીર દ્રશ્ય છે અને અશરીરી(આત્મા) દ્રષ્ટ્રા  છે.આથી શરીરમાં બાળપણ,યુવાની, વૃધ્ધાવસ્થા વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.જેવી રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃધ્ધ થઇ જાય છે, ત્યારે તે અવસ્થાઓના પરીવર્તનના કારણે કોઇ શોક થતો નથી,તેવી જ રીતે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું તે સુક્ષ્મ અને કારણ શરીરની અવસ્થા છે.તેના માટે શોક કરવો જોઇએ નહી.સ્થૂળ શરીરની અવસ્થા બદલાવાથી તો એમનું જ્ઞાન થાય છે,પરંતુ દેહાન્તર પ્રાપ્તિ  થતાં પહેલાંના શરીરનું જ્ઞાન રહેતું નથી,કારણ કેઃમૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય છે.આ કષ્ટના કારણે બુધ્ધિમાં પૂર્વ જન્મની સ્મૃતિ રહેતી નથી.

 

હવે પ્રશ્ન થાય કેઃ અનાદિકાળથી જે જન્મ-મરણ ચાલતું આવી રહ્યું છે એનું કારણ શું? કર્મોની દ્રષ્ટ્રિ એ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ-મરણ થાય છે, જ્ઞાનની દ્રષ્ટ્રિ એ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે અને ભક્તિની દ્રષ્ટ્રિ એ ભગવાનથી વિમુખતાના કારણે જન્મ-મરણ થાય છે. આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કેઃ"ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે.. પોતાના સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે..પોતાની જાણકારીનો અનાદર કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે. ભગવાનથી વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે,તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે નહી.

અંત સમયે સબંધીઓ,પરીવારજનો..વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં સારાં ખોટાં કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને બીજા શરીરમાં જાય છે અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે,એટલે ૫રીવાર અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને ભવિષ્યમાં મૃત્યુ બાદ દુઃખદાયી બને.સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે.

 

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

૯૭૨૬૧૬૬૦૭૫(મો)