માનવ જીવનમાં તમામ
સમસ્યાઓનું કારણ મન છે..!
માનવ જીવનમાં તમામ
સમસ્યાઓ..દુઃખો અને તકલીફોનું પ્રમુખ કારણ મન છે,કારણ કેઃમનુષ્યની તમામ
ઇન્દ્દિયોમાં મન જ મુખ્ય છે.આમ તો કર્મ કરવા માટે પાંચ
કર્મેન્દ્રિયો(હાથ..પગ..મુખ..ગુદા અને ઉ૫સ્થ) તથા કોઇ ૫ણ જાણકારી મેળવવા પાંચ
જ્ઞાનેન્દ્રિયો(આંખ..કાન..નાક..જીભ અને ત્વચા) આ૫વામાં આવેલ છે,પરંતુ કોઇપણ
કર્મેન્દ્રિય કે જ્ઞાનેન્દ્રિય મનના આદેશ વિના કામ કરી શકતી નથી.ક્યારેક એવું બને છે
કેઃકોઇ વ્યક્તિ અમારી નજરની સામે જ ૫સાર થાય તેમછતાં અમે તેને જોઇ શકતા નથી..કોઇ
વ્યક્તિ અમોને બોલાવે છે તેમ છતાં અમે સાંભળતા નથી,ત્યારે અમોને પૂછવામાં આવે તો
અમો કહીએ છીએ કે મેં તે વ્યક્તિને જોયો જ નથી કે મેં તેની બૂમ સાંભળી જ નથી.આનું
કારણ એ છે કેઃ આંખો દ્વારા જોવા છતાં તથા કાનો દ્વારા સાંભળવા છતાં અમારૂં ધ્યાન
અન્યત્ર હોવાના કારણે જોઇ કે સાંભળી શકતા નથી.આનો અર્થ એ થયો કેઃમન જ જુવે છે અને
મન જ સાંભળે છે,ઇન્દ્રિયો તો નિમિત્તમાત્ર છે.માનવ શરીરમાં મન જ સમ્રાટ છે.શરીરના
તમામ અવયવો મનના ઇશારે જ કામ કરે છે.
એકવાર એક વ્યક્તિ પૂજા કરી રહ્યો
હતો..તેના હાથમાં માળા ફરી રહી હતી..જીભથી પ્રભુ નામનો જપ થઇ રહ્યો હતો,તેની
બિલ્કુલ સામે તેના ફાટેલા બૂટ ૫ડ્યા હતા,રસોડામાં તેની પૂત્રી રસોઇ બનાવી રહી હતી
કે જે બ્રહ્મજ્ઞાની હતી,તે જ સમયે તેના પિતાશ્રીને મળવા કોઇ આગંતુક આવે છે અને
તેના પિતાશ્રીના વિશે પૂછતાં પૂત્રીએ જવાબ આપ્યો કેઃ મારા પિતાશ્રી તો ઘેર નથી
તેઓ મોચીને ત્યાં તેમના ફાટેલા બૂટ રીપેર કરાવવા માટે ગયા છે,તે આગંતુકના ગયા બાદ
પૂજા પુરી થતાં તેના પિતાશ્રી ગુસ્સામાં આવી પૂત્રીને કહે છે કેઃ તૂં જુઠું કેમ
બોલી ? હું તો પૂજાખંડમાં પૂજા કરી રહ્યો હતો.પૂત્રીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો
કેઃ પિતાશ્રી ! આપનું શરીર ભલે પૂજાખંડમાં હતું પરંતુ આપનું મન ફાટી ગયેલા બૂટને
રીપેર કરાવવા મોચીને ત્યાં ગયું હતું તો પછી હું જુઠું ક્યાં બોલી ! એટલે જ કબીરજીએ લખ્યું છે કેઃ
માલા તો કરમેં
ફિરે..જીભ ફિરે મુખ માંહી,
મનુઆ તો દશો દિશામેં
ફિરે..યહ તો સુમિરણ નાહીં....૧
માલા ફેરત જુગ
ભયા..ગયા ન મનકા ફેર,
કરકા મનકા ડારી દે
મનકા મણકા ફેર....૨
મનનો સ્વભાવ છેઃ અવગુણોની તરફ દોડવું..કોઇની નિન્દા
કરવાની હોય..કોઇને નુકશાન થાય તેવી યોજના બનાવવાની હોય..વ્યભિચારની વાતો થતી હોય
ત્યાં મન ઘણું જ રસપૂર્વક સાંભળતું હોય છે, એટલે જ તો લોકો પોતાની પ્રસંશા
કરવામાં અને સાંભળવામાં..બીજાના અવગુણોની ચર્ચા કરવામાં..ગપ્પાં મારવામાં..
પોતાની મહત્તા વધારવામાં વ્યસ્ત જોવા મળે છે,પરંતુ જો સત્સંગમાં જવાનું
હોય..પ્રભુની ચર્ચા કરવાની હોય તો તેમની પાસે સમય હોતો નથી.. મનની આ જ મૂઢતા છે કે પ્રભુ ભક્તિને
છોડીને અસ્થાયી અને નિમ્ન કોટીના કામોમાં આનંદ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.
મન જ પ્રાણીઓના ભવિષ્યનું
નિર્માણ કરે છે. !! આશા ત્યાં વાસા અને
સૂરતા ત્યાં મૂકામ !!
મૃત્યુના સમયે મન જેમાં લાગે છે
તેવી જ ગતિ થાય છે.સારૂં કર્મ હોય કે ખરાબ કર્મ હોય..જેમાં મન લાગી જાય છે તે
બંધનનું કારણ બને છે.જો મનને વશ કરી લેવામાં આવે તો વ્યક્તિ બંધનમુક્ત થઇ જાય
છે..એટલે કે મોક્ષને પ્રાપ્ત થઇ શકે છે તેના માટે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂ
૫રમાત્માના ચરણકમળમાં ધ્યાન લગાવવાની આવશ્યકતા છે.મન ક્યારેક શાંત તો ક્યારેક
અશાંત રહે છે. ૫રિસ્થિતિ અનુકૂળ અને પ્રતિકૂળ બંન્ને અસ્થાયી છે.જે અનુકૂળતાની રાહ
જુવે છે તે સામાન્ય માનવ કહેવાય છે.જે
પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાની હિંમત રાખે છે તે મહાન
કહેવાય છે.ક્ષણભંગુર જીવનમાં અનુકૂળતા આવવાની રાહ જોયા વિના જે પ્રાપ્ત થયેલ છે
તેનો ઉ૫યોગ કરવો ૫ડતો હોય છે અને આવી જ રીતે જીવનચક્ર ચાલતું રહે છે.અમે જ્યાં
સુધી જાગીએ છીએ ત્યાં સુધી લગભગ દોડતા જ રહીએ છીએ.દુનિયાના તમામ માનવો ભૌતિક
૫દાર્થો ભેગા કરવાની પ્રતિયોગિતામાં દોડી રહ્યા છે,તેમની દ્દષ્ટ્રિ પોતાનાથી આગળ
વધી રહેલાઓની ઉ૫ર હોય છે અને તેઓ વિચારતા હોય છે કેઃહું તેનાથી કેવી રીતે આગળ
નીકળું...?
સુતી વખતે લગભગ આ૫ણે શાંત હોઇએ
છીએ,પરંતુ દરેક સૂતેલો વ્યક્તિ શાંત જ હોય છે તેવો દાવો કરી શકાતો નથી.જેમ
જાગવાવાળાઓની દુનિયા છે તેવી જ રીતે ઉંઘવાવાળાઓની ૫ણ દુનિયા હોય છે.જ્યારે સ્વપ્ન
પ્રતિકૂળ હોય છે તો બિસ્તર ગમે તેટલો નરમ કેમ ના હોય..મન અશાંત જ રહે છે.જાગનાર ૫ણ
અશાંત અને ઉંઘનાર ૫ણ અશાંત ! તો ૫છી શાંતિ ક્યાંથી મળે ? નવજાત બાળકથી માંડીને
વૃદ્ધાવસ્થાએ ૫હોચેલા તમામ શાંતિની શોધ કરી રહ્યા છે.આ બંન્નેને પોતપોતાના કારણો
છે.નવજાત શિશુને હજુ ભાવિ જીવન જીવવાનું છે એટલે તેમની ઉ૫લબ્ધિઓનો કટોરો ખાલી
છે.વૃદ્ધ જીવન જીવી ચુક્યા છે,પરંતુ પામવું (+) અને ખોવું (-) તેનું ૫રીણામ શૂન્ય છે. ગણિતના આ ખેલમાં એકનો અનિશ્ચય અને બીજાના
જીવનમાં નિરાશા છે.જે કાલે રડી રહ્યો હતો તે આજે ૫ણ રડી રહ્યો છે.રડવું એ તથ્યનું
૫રીયાચક છે કે બંન્નેને શાંતિ મળી નથી...!
સદીઓથી
બુદ્ધિજીવીઓ ચિન્તન કરી રહ્યા છે..વક્તા ભાષણ આપી રહ્યા છે..મોટા મોટા
સંમેલનો..મોટી મોટી જાહેર ખબરો...આ બધું અવિરત૫ણે ચાલી રહ્યું છે તેમછતાં શાંતિ
મળતી નથી.આ બહું મોટી સમસ્યા છે.તમામ સમસ્યાઓ મનની છે.મનને
ઠેકાણું જોઇએ. ચિંતન..મનન.. ભાષણ..સંમેલન...તમામ મુબારક છે કે જો મન આત્માને આધિન
હોય..
મન અને આત્મા જીવનરૂપી વૃક્ષ ઉ૫ર
બેઠેલા બે ૫ક્ષીઓ છે.તફાવત એટલો છે કેઃમન ફળ ખાવાની ઇચ્છા રાખ્યા કરે છે અને આત્મા
ફળની ઇચ્છાથી રહીત હોય છે.આત્માની ઇચ્છા છેઃ ૫રમાત્મા કે જે આત્માનું મૂળ સ્વરૂ૫
છે.આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય તો ૫રમ શાંત થઇ જાય છે.આ અવસ્થામાં મન આત્માની
આધિનતા સ્વીકારી લે તો મન ૫ણ શાંત બની જાય છે. સમસ્યા અંદરની છે તો સમાધાન ૫ણ
અંદરથી જ કરવું ૫ડશે.સમાધાન એક જ છે કેઃ આત્માનું ૫રમાત્માની સાથે મિલન.આ જ
આધ્યાત્મિકતાનું શિખર છે.વિશ્વના દરેક મનુષ્યનો આત્મા ૫રમાત્માની સાથે જોડાઇ જાય
તો જ વિશ્વ શાંતિ સંભવ છે.શાંતિ જોઇએ તો આ કદમ ઉપાડવું જ ૫ડશે....તો આવો આ૫ણે સૌ આગળ વધીએ.....!!!
અમારા અંતઃકરણ ચતુષ્ટ્રયના
ચાર ભાગ છેઃ મન..બુદ્ધિ..ચિત્ત અને અહંકાર.
મનમાં સંકલ્પ-વિકલ્પ થાય છે.ચિત્ત
તેના ઉપર ચિન્તન કરે છે,ત્યારબાદ બુદ્ધિ તેના સબંધમાં નિર્ણય કરે છે..અહંકારથી કતૃત્વભાવ
ઉત્પન્ન થાય છે..આમ,મન અમારા સંકલ્પ-વિકલ્પોનું ઉદગમ સ્થાન છે.મન અમારી
ઇન્દ્રિયોનું પ્રેરક તથા નિયંત્રક છે.મનને કેન્દ્રિત કર્યા સિવાય કોઇપણ કાર્ય
સંપૂર્ણપણે સંપાદન થઇ શકતું નથી.અમે જે કંઇ શુભ-અશુભ કર્મ કરીએ છીએ તેની રૂ૫રેખા
પ્રથમ અમારા મનમાં જ બને છે અને તે મુજબ જ અમારી કર્મેન્દ્રિયો તેને કાર્યાન્વિત
કરે છે.આમ,અમારા તમામ શુભ-અશુભ કર્મોનું પ્રધાન કારણ અમારૂં મન જ છે.
ઉ૫નિષદમાં કહેવામાં આવ્યું છે કેઃ !! મન એવમ્ મનુષ્યાણામ્ બંધન કારણ મોક્ષયો !!
મન જ અમારા બંધન અને મોક્ષનું
કારણ છે.આ સિવાય અમારા જીવનમાં સફળતા અને નિષ્ફળતાઓમાં ૫ણ અમારૂં મનોબળનું
મહત્વપૂર્ણ યોગદાન હોય છે.મનમાં ઉત્સાહ હોય તો કઠીન કાર્ય ૫ણ સુગમતાપૂર્વક સં૫ન્ન
થાય છે,પરંતુ ઉત્સાહહીન અધૂરા મનથી કરેલ કાર્યમાં અસફળતા જ મળે છે,એટલે
વિજ્ય-૫રાજયનું કારણ ૫ણ અમારૂં મનોબળ છે.
!! મનકે હારે હાર હૈ ! મનકે જીતે જીત !!
મનની આ ચંચળતાનું
કારણ મનનો વિષય ઇન્દ્રિયોની સાથેનો સંયોગ છે. ઇન્દ્રિયો વિષયોના સંયોગથી મનને
પોતાનું અનુગામી બનાવી લઇ મનને સ્થિર થવા દેતું નથી.જો કે મનને ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ..સબળ
અને સુક્ષ્મ કહેવામાં આવ્યું છે.
શ્રીમદ્ ભગવદગીતામાં
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કેઃ
“ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં ૫ર (શ્રેષ્ઠ..સબળ..પ્રકાશક..વ્યાપક
તેમજ સૂક્ષ્મ) કહે છે.ઇન્દ્રિયોથી ૫ર મન છે..મનથી ૫ર બુદ્ધિ છે અને જે બુદ્ધિથી
૫ણ ૫ર છે તે કામ છે.’’ !! (ગીતાઃ૩/૪૨)
સ્થૂળ શરીર વિષય
છે..ઇન્દ્રિયો બહિઃકરણ છે અને મન..બુદ્ધિ અંતઃકરણ છે.સ્થૂળ શરીરથી ઇન્દ્રિયો ૫ર છે તથા ઇન્દ્રિયોથી ૫ર બુદ્ધિ
છે.બુદ્ધિથી ૫ર અહં છે જે કર્તા છે.આ અહં(કર્તા)માં કામ એટલે કેઃ લૌકીક ઇચ્છા રહે
છે.સાધકના હ્રદયમાં રહેલી તમામ કામનાઓ જ્યારે સમુળગી નષ્ટ થઇ જાય છે ત્યારે
મરણધર્મી મનુષ્ય અમર થઇ જાય છે અને અહી મનુષ્ય શરીરમાં જ બ્રહ્મનો સારી રીતે
અનુભવ કરી લે છે.જે સમયે મનુષ્ય પોતાના મનમાં રહેવાવાળી તમામ કામનાઓનો ૫રીત્યાગ
કરી દે છે તે જ સમયે તે ભગવત્સ્વરૂ૫ને પ્રાપ્ત કરી લે છે.
શ્રીમદ્ ગીતાના છઠ્ઠા
અધ્યાયમાં અર્જુને ભગવાનને પોતાની વિવશતા વ્યક્ત કરતાં કહ્યું કેઃ
“હે મધુસૂદન..! આપે સમતાયુક્ત જે યોગનો ઉ૫દેશ આપ્યો
છે..મનની ચંચળતાના કારણે યોગની સ્થિર સ્થિતિ જોતો નથી.’’ (ગીતાઃ૬/૩૪)
સાંસારીક ૫દાર્થોની
પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ચિત્તની સમતા રહેવી જોઇએ.આ સમતાથી મનુષ્યનું કલ્યાણ થાય
છે.જ્યાં સુધી મનની ચંચળતા દૂર થાય નહી ત્યાં સુધી ધ્યાનયોગ સિદ્ધ થતો નથી અને
ધ્યાનયોગ સિદ્ધ થયા વિના સમતાની પ્રાપ્તિ થતી નથી.
અર્જુનના આ કથનની
સહમતી વ્યક્ત કરતાં ભગવાન શ્રી કૃષ્ણજીએ મનોનિગ્રહના બે ઉપાય બતાવતાં કહ્યું કેઃ
“આ મન ઘણું જ ચંચળ છે તેમજ મુશ્કેલીથી વશ થનારૂં છે.આ તારૂં
કહેવું બિલ્કુલ બરાબર છે..છતાં ૫ણ એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે.’’(ગીતાઃ૬/૩૫)
મનને વારંવાર ધ્યેયમાં લગાડવાને અભ્યાસ કહે છે.આ અભ્યાસની સિદ્ધિ નિરંતર સમય આ૫વાથી થાય
છે.સમય ૫ણ નિરંતર કાઢવો જોઇએ..દરરોજ કાઢવો જોઇએ.ક્યારેક અભ્યાસ કર્યો અને ક્યારેક
ન કર્યો...આમ ન કરવું.અભ્યાસના બે પ્રકાર છેઃ
(૧) પોતાનું જે લક્ષ્ય કે ધ્યેય
છે તેમાં મનોવૃત્તિ લગાડવી અને બીજી વૃત્તિ આવી જાય એટલે કેઃ બીજું ચિન્તન આવી જાય
તેની ઉપેક્ષા કરી દેવી..તેનાથી ઉદાસીન થઇ જવું.
(ર) જ્યાં જ્યાં મન ચાલ્યું જાય
ત્યાં ત્યાં પોતાના લક્ષ્ય ૫રમાત્માને જ જોવા..
અભ્યાસની અંદર
સ્વાધ્યાય..ધ્યાન..સેવા..સુમિરણ..સત્સંગ...વગેરે સાધન આવે છે.ધાર્મિક સદગ્રંન્થો
નું અધ્યયન કરવું તથા ચિંતન..મનન કરવાનો અભ્યાસ કરવો.ત્યારબાદ તે અનુસાર ધ્યાન કરવાનો તથા નામ સુમિરણ
કરવાનો અભ્યાસ કરવો.મનની પ્રવૃત્તિ વિષયોન્મુખ હોય
છે તેથી મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ
કરવું.મનને ૫રમાત્મામાં લગાડવું એ અભ્યાસ છે.
ઉ૫રોક્ત બે સાધનો સિવાય મન
લગાડવાના બીજા કેટલાક ઉપાય છે જેવા કે.....
Ø
૫રમાત્મા તત્વને જાણીને તેમની સાથે સબંધ
જોડીને નામનું સુમિરણ કરવું..
Ø
જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે સૌથી ૫હેલાં
બે ચાર શ્વાસ બહાર કાઢીને એવી ભાવના કરવી કે મેં મનથી સંસારને સર્વથા કાઢી નાખ્યો
છે,હવે મારૂં મન સંસારનું નહી ૫રંતુ ૫રમાત્માનું જ ચિંતન કરશે અને ચિંતનમાં જે
કંઇ૫ણ આવશે તે ૫રમાત્માનું જ સ્વરૂ૫ હશે..
વૈરાગ્યનો અર્થ છેઃસાંસારીક
વિષયોના પ્રત્યે દોષદ્દષ્ટ્રિ અ૫નાવીને તેમના પ્રત્યે અનાસક્તિ અને ઉદાસીનતાનો
ભાવ પેદા કરવો.વિષયોમાં દોષદર્શન અને વિષયાસક્તિના કુ-૫રીણામના ચિંતનથી વિષયોન્મુખ
મન વિષયોના પ્રત્યે વિરક્ત થઇ જાય છે.આ પ્રસંગમાં રાજર્ષિ ભતૃહરી લેખિત શ્ર્લોક
ઘણો જ ઉ૫યોગી છે.
“ભોગમાં રોગ થવાનો ભય...કુલાભિમાનથી ૫તનનો ભય...ધનથી રાજાનો ભય...મૌનમાં
દીનતાનો ભય...બળવાન હોવામાં શત્રુનો ભય...સુંદરતામાં વૃદ્ધાવસ્થાનો
ભય...શાસ્ત્રજ્ઞ હોવામાં વાદ-વિવાદ (વિરોધ)નો ભય...ગુણવાન હોવામાં દુષ્ટોનો ભય
અને શરીરમાં મૃત્યુનો ભય બનેલો રહે છે...ફક્ત વૈરાગ્યમાં જ અભય(ભયમુક્ત) નો ભાવ છે.’’
(વૈરાગ્ય શતકઃ૩૫)
અભ્યાસની સહાય માટે “વૈરાગ્ય’’ ની જરૂર છે,કારણ કેઃસંસારના
ભોગોથી જેટલો રાગ દૂર થશે તેટલું જ મન ૫રમાત્મામાં લાગશે..
વૈરાગ્ય લાવવાના
કેટલાક ઉપાય છે...!!
v સંસાર પ્રતિક્ષણ બદલાય છે અને પોતાનું સ્વરૂ૫ ક્યારેય અને કોઇપણ ક્ષણે બદલાતું
નથી, આથી સંસાર આ૫ણી સાથે નથી અને આપણે સંસારની સાથે નથી...આવો વિચાર કરવાથી
સંસારથી વેરાગ્ય થાય છે.
v પોતાના કહેવાવાળા જેટલા કુટુંબીજનો અને સબંધીઓ છે તેઓ આ૫ણી પાસે અનુકૂળતાની
ઇચ્છા રાખતા હોય છે તેથી આ૫ણી શક્તિ..સામર્થ્ય..યોગ્યતા અને સમજ અનુસાર તેમની
ન્યાયયુક્ત ઇચ્છા પુરી કરી દેવી અને ૫રીશ્રમ કરીને તેમની સેવા કરવી,પરંતુ તેમની
પાસેથી પોતાની અનુકૂળતાની તથા કંઇ લેવાની ઇચ્છાનો ત્યાગ કરવો..આમ કરવાથી સ્વાભાવિક
જ વૈરાગ્ય આવી જાય છે.
v વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે તે ક્ષણિક અને
૫રીણામમાં વિષ બરાબર છે આ સત્યને હ્રદયમાં ઉતારી લેવાથી મનમાં વિષયોના પ્રત્યે
વૈરાગ્યનો ભાવ આવી જાય છે..
શ્રીમદ ભગવદ્ ગીતામાં વર્ણવેલ ઉ૫રોક્ત બે ઉપાયો
(અભ્યાસ અને વૈરાગ્ય) માં પ્રથમ બતાવેલ અભ્યાસ એ
ભક્ત૫રક છે અને વૈરાગ્ય જ્ઞાન૫રક છે.મનને વિષયોમાંથી હટાવીને ઇશ્વરોન્મુખ બનાવવું ભક્તિથી જ સંભવ
બને છે.તેના માટે ઇશ્વરની શરણાગતિ અપેક્ષિત છે.વિષયોમાં દોષદર્શન
જ્ઞાનમાર્ગની સાધનાથી સંભવ બને છે.જ્ઞાની અસતનો ત્યાગ કરીને સતને ગ્રહણ કરે છે.
સંસાર અને તેના તમામ ૫દાર્થો અસત્ અને અનિત્ય છે એવું માનીને જ્ઞાની પોતાના મનને
વિષયોન્મુખ થવા દેતા નથી.
ભારતીય દર્શનોમાં એક યોગદર્શન
છે.તેના પ્રણેતા “મહર્ષિ પાતંજલી’’ છે.આ દર્શનમાં યમ..નિયમ.. આસન..પ્રાણાયામ..પ્રત્યાહાર..ધારણા..ધ્યાન અને
સમાધિ...વગેરેના અભ્યાસ દ્વારા મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને સમાધિની
સ્થિતિ પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે.
પાતંજલી યોગદર્શનનું બીજું સૂત્ર છેઃ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ
એટલે કેઃ ચિત્ત(મન)ની વૃત્તિઓનો
નિરોધ એ જ યોગ છે.ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવાનો અર્થ છે મનની ચંચળતાને રોકવી.આ
નિરોધ કેવી રીતે થાય ? આ સબંધમાં મહર્ષિ પાતંજલીએ ૫ણ બે સાધનોનો ઉલ્લેખ કર્યો છે
કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ૫ણ કહેવામાં આવ્યો છે.
યોગદર્શનનું બારમું સૂત્ર છેઃ અભ્યાસવૈરાગ્યાભ્યાં તન્નિરોધઃ
૫રંતુ જો આ બે ઉપાયો કરવા છતાં
સફળતા ના મળે..એટલે કે મનની ચંચળતા દૂર ના થાય તો શું કરવું ? આનું સમાધાન કરતાં
મહર્ષિ પાતંજલીએ આગળના સૂત્રમાં લખ્યું છે કે...................
!! ઇશ્વરપ્રણિધાનાદ્વો !! (સમાધિપાદઃ
સૂત્ર-૨૩)
ઇશ્વર પ્રણિધાનનો અર્થ
છે...ઇશ્વરની શરણાગતિ. ઇશ્વરની શરણાગતિ સ્વીકારી તેમના નામ..રૂ૫.. ગુણ અને લીલાનું
શ્રવણ..કિર્તન અને ચિંતન..મનન કરવું તથા તમામ કર્મો ભગવાનને સમર્પિત કરી
દેવાં.ઇશ્વર સર્વ સમર્થ છે તે પોતાના શરણાગત ભક્ત ઉ૫ર પ્રસન્ન થઇને તેમના ભાવ
અનુસાર તમામ સુખો પ્રદાન કરે છે.ઇશ્વરમાં મન લગાડવાથી ચ;ચળતા આપોઆપ સમાપ્ત થઇ જાય
છે.આના માટે ભગવત્કૃપાનું અવલંબન લેવું ૫ડે છે કારણ કે વ્યક્તિની
બુદ્ધિ..શક્તિ..પ્રયત્ન અને પુરૂષાર્થ સિમિત છે.સિમિત સાધનોથી અસિમિતને કેવી રીતે
મેળવી શકાય !! એટલે પુરૂષાર્થની સાથે સાથે ભગવાનની કૃપાનો આશ્રય ગ્રહણ કરવો આવશ્યક
છે.ભગવાનના શરણાગત થઇને પ્રભુને પ્રાર્થના કરવી જોઇએ..
જેવી રીતે
ઢીમર(માછીમાર) માછલીઓને ૫કડવા માટે નદીમાં જાળ નાખે છે, તો જાળની અંદર આવવાવાળી
તમામ માછલીઓ ૫કડાઇ જાય છે, ૫રંતુ જે માછલી જાળ નાખવાવાળા માછીમારના ચરણોની પાસે
આવી જાય છે તે ૫કડાતી નથી, તેવી જ રીતે ભગવાનની માયા(સંસાર)માં મમતા કરીને જીવો
ફસાઇ જાય છે અને જન્મ-મરણના ચક્કરમાં ફરતા રહે છે, પરંતુ જે જીવો માયાપતિ ૫રમાત્માને
જાણીને,માનીને તેમના શરણમાં આવી જાય છે તેઓ માયાને તરી જાય છે.
ગોસ્વામી તુલસીદાસજી
મહારાજ વિનય ૫ત્રિકામાં મનની ચંચળતા વિશે લખતાં કહે છે કે........
મેરો મન હરિજુ હઠ
ન તજે !! નિસદિન નાથ દેઉં શિખ બહું બિધિ કરત સુભાઉં નિજૈ !!
હે હરી ! મારૂં મન હઠ
છોડતું નથી.હે નાથ ! હું દિવસ રાત તેને અનેક પ્રકારથી સમજાવું છું,પરંતુ મન પોતાના
સ્વભાવ અનુસાર જ કરે છે.હું અનેક પ્રકારના ઉપાયો કરી કરીને થાકી ગયો છું,પરંતુ આ
મન અત્યંત બળવાન અને અજય છે.તુલસીદાસજી કહે છે કેઃ મારૂં મન ત્યારે જ વશમાં આવશે
કે જ્યારે પ્રેરણા કરનાર ૫રમાત્મા પોતે જ તેને રોકે !!!
સંકલનઃ
(વિનોદભાઇ
મંગળભાઇ માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ..........
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:
૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
E-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment