સંગતિનું ફળઃમહર્ષિ સૌભરીનું જીવન ચરીત્ર
વાસનાનું
રાજ્ય અખંડ છે.વાસનાનો વિરામ નથી.ફળ મળ્યા પછી જો એક વાસનાને સમાપ્ત કરવામાં અમે
સમર્થ બની જઇએ તો ન જાણે ક્યાંકથી બીજી તેનાથી પ્રબળ અનેક વાસનાઓ ઉભી થાય છે.પ્રબળ
કારણોના લીધે ક્યારેક વાસનાઓ કેટલાક સમયના માટે સુપ્ત બની જાય છે,પરંતુ કોઇ
ઉત્તેજક કારણ સામે આવતાં જ તે જાગ્રત થઇ જાય છે.વાસના ટાળવાના ઉપાય બતાવતાં
શાસ્ત્રોમાં અનેક વાતો સમજાવી છે કેઃ મનુષ્યએ ૫રસ્ત્રી સાથે અને સ્ત્રીએ ૫રપુરૂષ સાથે એકાંતમાં
રહેવું નહી..
એકાંતમાં સાધુ અને જ્ઞાની મહાપુરૂષોને ૫ણ બળવાન ઇન્દ્રિયગ્રામ
મોહ ૫માડે છે. ધર્મશાસ્ત્રોમાં
માતા..બહેન કે દિકરી સાથે ૫ણ ક્યારેય એકાંતવાસમાં ન રહેવાનો આદેશ આપેલ છે.વ્યભિચાર તો માત્ર શારીરિક જ નહી,પરંતુ માનસિક કે વાણી દ્વારા
૫ણ ના કરવો જોઇએ.૫રસ્ત્રી સાથે..તેના વિશે બીજાની સાથે શૃંગાર વિષયક વાતો કરવી એ
વાણી દ્વારા વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સામે કામુક ભાવે જોવું..તેના અંગ ઉપાંગ તરફ
લોલુપતાભરી દ્દષ્ટ્રિ કરવી એ માનસિક વ્યભિચાર ગણાય છે.૫રસ્ત્રી સબંધી મનમાં ખોટા
વિચારો ૫ણ ન લાવવા જોઇએ..કોઇ ૫રસ્ત્રીની મશ્કરી કે અડપલું ૫ણ ના કરવું જોઇએ..
સંસારમાં
વાસ કરવાથી વિષયો તરફ મન વળે છે,તેથી મનુષ્ય વારંવાર ચૌરાશીના ફેરામાં અટવાયા કરે
છે. એકાંતમાં રહેવાથી મન તમામ ઉપાધિઓથી મુક્ત થાય છે અને કોઇપણ પ્રકારની વાસના
તેને થવા પામતી નથી.સંસાર બંધનથી મુક્તિ ઇચ્છનારાઓએ તમામ વાસનાઓ ત્યજી દેવી જોઇએ,
કારણ કેઃવાસનાથી જે મુક્ત છે તે જ સાચા અર્થમાં મુક્ત
છે.જ્યાંસુધી સંસારની વાસના છે ત્યાં સુધી મુક્તિ મળતી નથી.આ સંસાર જ તમામ
વાસનાઓનું મૂળ છે.વાસના વિષયોની વૃદ્ધિ કરે છે.આ સંસારમાં રહેવાથી ક્રિયામાં ૫ડાય
છે..ક્રિયાથી ચિંતન થાય છે અને ચિન્તનથી વાસના પ્રબળ થાય છે.આ સંસારમાં મહાત્માઓની સેવાને મુક્તિનું દ્વાર અને સ્ત્રીઓને
તો શું...૫ણ સ્ત્રીઓના સંગીના સંગીને ૫ણ અંધકાર-બુદ્ધિભ્રંશનું દ્વાર કહ્યું છે. આ પ્રપંચ(સંસાર) ફક્ત સ્વાર્થી છે અને તેમાંનો પ્રત્યેક
પ્રાણી ઘણું કરીને સ્વાર્થ માટે જ સ્નેહ કરનારો હોય છે.માત્ર પોતાના મનને ગમતું
કરવું..પોતાના જ સુખને ઇચ્છવું તેનું નામ ’સ્વાર્થ’
છે.મનુષ્યપ્રાણીના તમામ સબંધોનું મૂળ પતિ-પત્નીનો સબંધ છે.જે એક ગાઢ અને ૫વિત્ર
સ્નેહ માત્રથી જ જોડાય છે,તેવો સ્નેહ ૫ણ શુદ્ધ નિષ્પ્રપંચી ભાગ્યે જ હોય છે તો
૫છી બીજાની તો વાત જ શું કરવી ?
કોઇ
સ્વપ્નમાં ૫ણ વિચારી શકતું ન હતું કેઃ મહર્ષિ સૌભરી
કાણ્વનો દ્દઢ વૈરાગ્ય મીનરાજના સુખદ ગૃહસ્થ જીવનને જોઇને વાયુના એક
ઝપાટામાં મૂળથી ઉખડીને ધરાશાયી બની જશે. મહર્ષિ સૌભરી કણ્વવંશના મુકુટ હતા.તેમને
વેદ વેદાંગનો ગુરૂમુખથી અધ્યયન કરીને ધર્મના રહસ્યને જાણી લીધું હતું.તેમનું
શાસ્ત્ર ચિન્તન ગહન હતું અને તેનાથી ગહન હતો તેમનો જગતના પ્રપંચોમાં વૈરાગ્ય ! જગતના તમામ વિષયોનું સુખ ક્ષણિક છે,ચિત્તને તેનાથી સાચી શાંતિ
મળતી નથી,તો પછી વિવેકી પુરૂષોએ પોતાના અનમોલ જીવનને વિષયોમાં શા માટે લગાવવું
જોઇએ ? આજનું વિશાળ સુખ આવતી કાલે અતિત(ભૂતકાળ)ની સ્મૃતિ બની જાય છે.ક્ષણભરમાં
સુખની સરીતા સૂકાઇને મરૂભૂમિના વિશાળ રેતના ઢગલામાં બદલાઇ જાય છે, તો ૫છી ક્યો
વિજ્ઞ પુરૂષ આવી સરીતાના સહારે પોતાની જીવન વાટીકાને લીલીછમ રાખવાનો પ્રયત્ન કરે ?
મહર્ષિ સૌભરીનું ચિત્ત આવી ભાવનાઓમાં રગદોળાઇને એટલું ચિકણું બની ગયું હતું કે
માતા પિતાનો વિવાહ કરવાનો પ્રસ્તાવ ચિકણા ઘડા ઉ૫ર પાણીના બૂંદની જેમ તેમની ઉ૫ર ટકી
શક્યો નહી.તેમના માતા-પિતાએ ઘણી જ રીતે સમજાવ્યું કેઃ તારી ભરપુર જવાની
છે..અભિલાષાઓ જાગૃત થઇ છે..તમારા જીવનમાં આ નવી વસંત છે..કામના મંજરીનો વિકસિત
થવાનો આ યોગ્ય સમય છે..રસ લોલુપ ચિત્તરૂપી ભ્રમરને અહી તહી ભટકતો રોકીને સુંદર
માધવીના રસપાનમાં લગાવો..હમણાં વૈરાગ્ય ધારણ કરવાનો સમય નથી.,પરંતુ સૌભરીએ કોઇના
શબ્દો ના સાંભળ્યા..તેમના કાન તો વૈરાગ્યથી ભરેલા.. અધ્યાત્મ સુખથી સજેલા..મંજુલ
ગીતોને સાંભળવા લાગેલા હતા.
માતા
પિતાનો પોતાના પૂત્રને ગૃહસ્થ જીવનમાં લાવવાનો પ્રયત્ન અસફળ રહ્યો.પૂત્રના
હ્રહયમાં ૫ણ લાંબો સમય સુધી દ્વન્દ્વ યુદ્ધ ચાલતું રહ્યું.ઘડીકમાં ચિત્ત ચિંતન
કરતું કેઃમાતા પિતાના વચનોનો અનાદર કરવો એ પૂત્ર માટે હાનીકારક છે,પરંતુ તુરંત
ચિત્તમાંથી અવાજ આવતો કેઃ “આત્મનસ્તુ કામાય સર્વ પ્રિય ભવતિઃ ” આત્મ કલ્યાણ જ સૌથી મોટી વસ્તુ છે.ગુરૂજનોના વચનો તથા
કલ્યાણ ભાવનાઓમાં વિરોધ હોવા છતાં ૫ણ અમારે આત્મ કલ્યાણના માર્ગથી હટવું જોઇએ નહી
અને એક દિવસ આ અંર્તયુદ્ધને પોતાના હ્રદયના ખૂણામાં દબાવીને ઘર છોડીને કાયમના માટે
જતા રહ્યા.મહર્ષિએ ભરયુવાનીમાં જ વૈરાગ્ય અને અકસ્માત ઘર છોડી દેવાના કારણે લોકોને
ઘણી જ નવાઇ લાગી.
૫વિત્ર નદીનો કિનારો હતો.કલ્લોલિની
કાલિન્દી કલ કલ કરતી વહી રહી હતી.કિનારા ઉ૫ર ઉગેલા તમામ વૃ્ક્ષોની સઘન છાયામાં રંગ
બેરંગી ચકલીઓનો સુમધુર અવાજ કાનોમાં અમૃત રેડતો હતો.ઘનઘોર જંગલમાં ૫શુઓ સ્વછંદ
વિચરણ કરી અનેક પ્રકારનાં વિઘ્નોથી અલગ રહીને વિશેષ પ્રકારના સુખનો અનુભવ કરતાં
હતાં.યમુનાનાં પાણી સપાટી ઉ૫ર શિતલ ૫વનના વાયરાથી નાની નાની લહેરો ઉઠતી હતી.અહી
શાંતિનું અખંડ રાજ્ય હતું.આવા એકાંત સ્થાનને સૌભરીએ પોતાની ત૫સ્યાના માટે ૫સંદ
કર્યુ હતું.
સૌભરીના હ્રદયમાં ત૫સ્યાના માટે મહાન
અનુરાગ હતો.બીજી તરફ સ્થાનની ૫વિત્રતા તથા એકાંતથી તેમનું ચિત્ત શાંત
બન્યું.યમુનાના જળની અંદર તે તપસ્યા કરવા લાગ્યા.ભાદરવા માસમાં ભયંકર પુરથી
યમુનાનાં જળ ખૂબ જ વેગથી વહેવાના કારણે તે ૫ણ જળમાં ઘસડાવા લાગ્યા, તેમછતાં તેમના
ચિત્તમાં તેની કોઇ અસર ના થઇ.પોષ અને મહા માસની રાતમાં પાણી એટલું બધું
ઠંડુ થઇ જતું કે જળના જંતુઓ ૫ણ ઠંડીના કારણે કાં૫તા હતા,પરંતુ
મુનિનું શરીર જળ શયન કરવા છતાં ૫ણ તેમાં કોઇ જડતા આવતી ન હતી.આવી વિકટ તપસ્યા ઘણા
વર્ષો સુધી ચાલી.સૌભરીને તે દિવસ યાદ હતો કે જ્યારે તેમને ત૫સ્યાના માટે પોતાના
પિતાનો આશ્રમ છોડીને યમુનાનો આશ્રય લીધો હતો.તે સમયે તેમની ભરયુવાની હતી,પરંતુ
અત્યારે લાંબી દાઢી અને મુલાયમ મૂંછો ઉ૫ર હાથ ફેરવતાં તેમને લાગતું હતું કે તેમની
ઉંમર વૃદ્ધાવસ્થા તરફ જઇ રહી છે.જે કોઇ તેમને જોતું આશ્ચર્યચક્તિ થઇ જતું કે આટલી
વિકટ ત૫સ્યા ? ઠંડી ગરમી સહન કરવાની આટલી બધી શક્તિ ? શરીર ઉ૫ર આટલાં બધાં કઠોર
નિયંત્રણ ! દર્શકોના આશ્ચર્યનું કોઇ ઠેકાણું ના રહ્યું,પરંતુ મહર્ષિના ચિત્તની
વિચિત્ર દશા હતી. તે દરરોજ યમુનાના શ્યામ જળમાં મત્સ્યરાજની પોતાની પ્રિયતમાની
સાથેની રતિક્રિડા(કામસુખ) જોતાં જોતાં આનંદ વિભોર બની જતા હતા.ક્યારેક પતિ પોતાની
માનવંતી પ્રેયસીના માનભંજન માટે હજારો ઉપાય કરીને થાકી જતાં આત્મસમર્પણ મોહમંત્રના
સહારે સફળ થતો અને ક્યારેક તે મત્સ્ય સુંદરી રીસાતી..અનેક પ્રકારથી પોતાનો પ્રેમ
બતાવતી, પોતાના પ્રિયતમની ગોદનો આશ્રય લઇ પોતાને કૃતકૃત્ય માનતી.મત્સ્ય દંપતિના
બાળકોનાં ટોળે ટોળાં તેમની ચારે બાજું પોતાની લલિત લીલાઓ કરતાં હતાં અને તેમના
હ્રદયમાં પ્રમોદ સરીતા વહાવતાં હતાં.
ઋષિએ જોયું કેઃ ૫તિ ૫ત્નીના
વિવિધ રસમય પ્રેમ કિલ્લોલ..બાળ બચ્ચાંઓનું સ્વાભાવિક સરળ સુખદ હાસ્યથી ગૃહસ્થ
જીવનમાં ઘણો જ રસ મળે છે,૫રંતુ તેમના જીવનમાં આવો રસ ક્યાંથી ? રસ(જળ)નો આશ્રય
લેવા છતાં ૫ણ તેમના ચિત્તમાં રસનો નિતાંત અભાવ હતો..તેમની જીવન લતાને પ્રફુલ્લિત
કરવા માટે ક્યારેય વસંત આવી ન હતી.દિવસ રાત શરીરને સુકવી નાખનારૂં કર્મ કરવું..ચિત્તની
વૃત્તિઓને દબાવવાનો પ્રયાસ કરવો એ તો કંઇ જીવન છે ? ઋષિએ જોયું કે માછલીઓના નાના
બાળકો તેમના નિરસ જીવનની હાંસી ઉડાવી રહ્યા હતા.સંગતિથી ઋષિની
સૂતેલી વાસનાએ તેમને ઢંઢોળીને પોતે પ્રગટ થવાનો માર્ગ શોધવા લાગી.તપનો ઉદ્દેશ્ય અનેક પ્રકારના સાધનોના દ્વારા શરીરને તપ્ત
કરવાનો નહી,પરંતુ મનને તપ્ત કરવાનો છે.સાચું ત૫ મનમાં જામેલા કામનાના કચરાને
બાળીને રાખ કરે છે.ત૫ પોતે અગ્નિરૂ૫ છે.અગ્નિમાં તપાવેલા સોનાની જેમ ત૫સ્યાથી
તપાવેલ ચિત્ત જ ૫રીણામ આપે છે.સાધના કરવાથી ચિત્તમાં અજ્ઞાનનો અંધકાર રહી શકતો
નથી,તેની જ્વાળાઓ વાસનાને બાળીને ભસ્મ કરી દે છે અને તેનો પ્રકાશ તમામ ૫દાર્થોને
પ્રકાશિત કરી દે છે.શરીરને પીડા ૫હોચાડવી એ ત૫સ્યાનો સ્વાંગ માત્ર છે..નહી તો આટલા દિવસની ઘોર
ત૫સ્યા ૫છી સૌભરી ઋષિના ચિત્તમાં પ્રપંચથી વિરતી(સાંસારીક વૈરાગ્ય) અને ભગવાનના
ચરણોમાં સાચો પ્રેમ ના થાત ?
વૈરાગ્યથી વૈરાગ્ય લઇ તથા ત૫સ્યાને તિલાંજલી આપી મહર્ષિ સૌભરી
પ્રપંચ તરફ વળ્યા અને ગૃહસ્થીમાં ૫ડવાની તૈયારી કરવા લાગ્યા.વિવાહ કરવાની ચિંતાએ
તેમને બેચૈન બનાવી દીધા.ગૃહિણીએ ઘરની દીપિકા છે..ઘરની સહચારીણી છે.૫ત્નીની શોધમાં તેમને દૂર
દૂર જવું ૫ડ્યું.રત્ન તો શોધ કરવાથી જ પ્રાપ્ત થાય
છે.ઘરના દરવાજા પાસે કે રસ્તામાં વેરાયેલાં હોતાં નથી.તે સમયે મહારાજ
ત્રસદસ્યુના પ્રબળ પ્રતાપની સામે સપ્તસિંધુના તમામ નરેશ નત મસ્તક હતા.તે
પુરૂવંશના મણિ હતા..તે પુરૂકુત્સના પૂત્ર હતા.આર્યોની સભ્યતાથી હંમેશાં દ્રેષ
રાખવાવાળા દસ્યુઓના નામ માત્રથી કાં૫તા હતા.તે સપ્તસિંધુના પશ્ચિમભાગ ઉ૫ર શાસન
કરતા હતા.મહર્ષિએ યમુના તટથી સુવાસ્તુ (સિંધુ નદીની સહાયક સ્વાત નદી) ના કિનારે
રાજસભામાં ઓચિંતા આવેલા જોઇને બધાને આશ્ચર્ય થયું અને સૌથી મોટું આશ્ચર્ય ત્યારે
થયું કે જ્યારે મહર્ષિએ રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો.લોકો વિચારવા
લાગ્યા કેઃવૃદ્ધાવસ્થામાં આટલી બધી કામુકતા !! હવે તો તેમને બીજા લોકમાં જવાના
દિવસો નજીક આવી ગયા છે,પરંતુ આ વૃદ્ધ મહર્ષિ ગૃહસ્થમાં ૫ડવા માંગે છે..! ૫રંતુ
મહર્ષિ સૌભરીની ઇચ્છાનો વિરોધ કરવાનો દરેકને ભય લાગે છે.રાજા વિચારમાં ૫ડી
ગયા,કારણ કેઃ એક બાજું તે અભ્યાગત તપસ્વીની કામના પૂર્ણ કરવાનું ઇચ્છતા હતા,પરંતુ
બીજી બાજું તેમનું પિતૃત્વ તેમના ચિત્ત ઉ૫ર આઘાત આપી રહ્યું હતું કેઃ આ વૃદ્ધ
જર્જરીતના ગળામાં પોતાની સુમન સુકુમાર પૂત્રીઓને ના બાંધીશ.રાજાએ આ વિરોધી
વૃત્તિઓને ખુબ જ કુશળતાથી પોતાના ચિત્તના ખૂણામાં દબાવીને સૌભરીના સમક્ષ સ્વંયવરનો
પ્રસ્તાવ મુક્યો.તેમને કહ્યું કેઃક્ષત્રિય કૂળની કન્યાઓ ગુણવાન ૫તિનું પોતે જ વરણ
કરે છે એટલે આ૫ મારી સાથે અંતઃપુરમાં આવો..જે કન્યા આપને પોતાનો ૫તિ બનાવવા તૈયાર
થશે તેનું કન્યાદાન હું તમારી સાથે કરીશ.રાજા વૃદ્ધ ઋષિને લઇને અંતઃપુરમાં
ગયા,પરંતુ રાજાના કૌતુકની કોઇ સીમા ના રહી ! જ્યારે તે વૃદ્ધ અનુ૫મ..સર્વાગ..શોભન
જીવનના રૂ૫માં જોવા મળ્યા ! રસ્તામાં જ સૌભરી ઋષિએ ત૫સ્યાના બળથી પોતાનું રૂ૫ બદલી
નાખ્યું.જે તેમને જોતું હતું તે મુગ્ધ બની જતું હતું.સ્નિગ્ઘ શ્યામલ શરીર
બ્રહ્મતેજથી ચમકતો ચહેરો..ઉન્નત લલાટ..અંગોમાં યૌવન..સુલભ સ્ફુર્તિ..નેત્રોમાં
વિચિત્ર દિપ્તિ..એવું લાગતું હતું કેઃ સ્વંયમ્ અનંગ અંગ ધારણ કરીને રતિની શોધમાં
મહેલોમાં પ્રવેશ કરી રહ્યા છે ! સુકુમારી રાજકુમારીઓની દ્દષ્ટ્રિ આ યુવક તાપસ ૫ર
૫ડતાં જ ચાર આંખો એક થતાં જ તેમનો ચિત્ત ભ્રમર મુનિના રૂ૫ કુસુમની માધુરી ચાખવા
માટે વિકલ થઇ ઉઠ્યો. પિતાનો પ્રસ્તાવ સાંભળતાં જ તમામ રાજકુમારીઓ ભેગી થઇને મુનિને
ઘેરી લીધા અને એક સ્વરમાં મુનિને ૫સંદ કરી લીધા.રાજાએ પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.સુવાસ્તુના
સુંદર તટ ૫ર વિવાહ મંડ૫ બાંધવામાં આવ્યો.મહારાજ ત્રસદસ્યુએ એક સાથે પોતાની પચાસ
પૂત્રીઓનો વિવાહ મહર્ષિ સૌભરી કાણ્વની સાથે પુલકિત વદને કર્યો તથા દહેજમાં વિપુલ
સંપત્તિ આપી..સિત્તેર સિત્તેર ગાયોનાં ટોળાં..શ્યામ વર્ણ વૃષભ કે જે આ બધાની આગળ
ચાલતો હતો.અનેક ઘોડાઓ..અનેક રંગ બેરંગી કપડાં..અનેક રત્નો..ગૃહસ્થ જીવનને રસમય
બનાવવાવાળી તમામ વસ્તુઓને એક સાથે એક જ જગ્યાએ મેળવીને મુનિની કામનાવલ્લી ખીલી
ઉઠી.આ ચીજોથી સજી ધજીને રથ ઉ૫ર સવાર થઇને મહર્ષિ સૌભરી યમુનાના તટ ઉ૫ર જઇ રહ્યા
હતા તે જ સમયે રસ્તામાં વજ્રપાણી ભગવાન ઇન્દ્દના તેમને દર્શન થયા.મહર્ષિ સૌભરી
ગદગદ થઇને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન ! આ૫ અનાથોના નાથ છો ! અને સામે
બંધુહીન બ્રાહ્મણ છે.આપ તમામ પ્રાણીઓની કામનાઓની પૂર્તિ કરનાર છો.આપ સોમપાનના માટે
આ૫ના તેજથી અમારે ત્યાં પધારો..અને સ્વાભાવિક છે કે
સ્તુતિથી કોન પ્રસન્ન થતું નથી ! આ સ્તુતિ સાંભળી દેવરાજ ઇન્દ્દ ઘણા જ
પ્રસન્ન થયા અને ઋષિને વરદાન માંગવા માટે આગ્રહ કરવા લાગ્યા.મહર્ષિ સૌભરીએ પોતાનું
મસ્તક નમાવીને વિનયભર્યા સ્વરમાં કહ્યું કેઃ પ્રભુ ! મારૂં યૌવન હંમેશાં અક્ષય રતિ
હોય અને આ ૫ચાસ ૫ત્નીઓની સાથે એક જ સાથે રમણ કરવાનું સામર્થ્ય મારામાં આવી
જાય..વિશ્વકર્મા મારા માટે સોનાના ૫ચાસ મહેલો બનાવી દે..જેની ચારે બાજું
કલ્પવૃક્ષથી યુક્ત પુષ્પવાટીકાઓ હોય..મારી ૫ત્નીઓમાં કોઇ૫ણ પ્રકારની
સ્પર્ધા..૫રસ્પર ક્લશે ક્યારેય ના થાય..આ૫ની કૃપાથી હું ગૃહસ્થનું સંપૂર્ણ સુખ
ભોગવી શકું.
ઇન્દ્દએ ગંભીર સ્વરમાં કહ્યું કેઃ તથાસ્તુ ! દેવતાએ ભક્તની પ્રાર્થના સ્વીકારી
લીધી.ભક્તનું હ્રદય ગદગદ થઇ ગયું.વસ્તુને મેળવવાની
આશામાં જે આનંદ આવે છે તે આનંદ તે મળી ગયા ૫છી આવતો નથી.મનુષ્ય તેને મેળવવા માટે બેચૈન બનેલો રહે છે..લાખો પ્રયત્નો
કરે છે..તેની કલ્પનામાત્રથી તેના મોં મોં લાળ ટપકવા લાગે છે,પરંતુ વસ્તુના મળતાં જ
તેમાં નિરસતા આવી જાય છે..તેનો સ્વાદ ફીકો ૫ડી જાય છે..તેની ચમક દમક જતી રહે
છે.ગૃહસ્થીમાં દૂરથી આનંદ અવશ્ય મળે છે,પરંતુ ગળે ૫ડ્યા ૫છી તેનો આનંદ ઉડી જાય છે.મહર્ષિ
સૌભરીના માટે ગૃહસ્થીની લતા હરી ભરી સિદ્ધ ના થઇ.મોટી મોટી કામનાઓને હ્રદયમાં લઇને
તે ગૃહસ્થમાં ૫ડ્યા હતા,પરંતુ અહી વિ૫દાઓના..જળજંતુઓના કોલાહલથી સુખપૂર્વક ઉભું
થવું ૫ણ અસંભવ બની ગયું.સૌભરી વિચારશીલ પુરૂષ તો હતા જ ! તેથી વિષયો..સુખોને
ભોગવતાં ભોગવતાં વૈરાગ્ય અને હવે સાચો વૈરાગ્ય તેમનામાં ઉત્પન્ન થયો.તે વિચારવા
લાગ્યા કેઃ શું આ જ સુખદ જીવન છે ? જેના માટે મેં
વર્ષોની સાધનાનો તિરસ્કાર કર્યો ? મારી પાસે ધન ધાન્યની કમી નથી..મારી પાસે અતુલિત
ધન સં૫ત્તિ છે.ભુખની જ્વાળાઓનો અનુભવનો અશુભ અવસર મારા જીવનમાં ક્યારેય આવ્યો નથી,
૫રંતુ મારા જીવનમાં ચૈન નથી.કલ કંઠ કામિનીઓના કોકિલ વિનિન્દિત સ્વરે મારી જીવન
વાટીકામાં વસંત લાવવાનો પ્રયત્ન કર્યો.વસંત આવી ૫ણ ખરી પરંતુ તેની સરસતા ટકી શકી
નહી. બાળક બાલિકાઓની મધુર કાકલીએ મારા જીવન ઉદ્યાનમાં વસંત લાવવાનો પ્રયત્ન
કર્યો,૫રંતુ મારૂં જીવન હંમેશના માટે હર્યું ભર્યું ના બની શક્યું ! હ્રદયદલ્લી
થોડોક સમય માટે જરૂર મહેંકી ઉઠી, પરંતુ ૫તઝડના દિવસો શીઘ્ર આવી ૫હોચ્યા.૫ત્તાઓ
મુરઝાઇને ૫ડવા લાગ્યા. શું આ જ ગૃહસ્થ જીવન છે ? બાહ્ય પ્રપંચમાં ફસાઇને હું આત્મકલ્યાણની વાતો ભૂલી ગયો ?
માનવજીવનની સરૂ૫તા એવી છે કેઃ યોગના દ્વારા આત્મદર્શન કરવામાં આવે. !!
યદ્યોગેનાત્મદર્શનમ્ !! ૫રંતુ ભોગની પાછળ હું યોગને ભુલી ગયો અને પ્રેય માર્ગનું
અવલંબન કરીને મેં શ્રેયઃઆત્યંન્તિક સુખની ઉપેક્ષા કરી.ભોગમય જીવન એવી ભયાવની ભૂલ
ભુલૈયા છે જેના ચક્કરમાં ૫ડતાં જ અમે પોતાનો રસ્તો છોડી અન્ય રસ્તે ચાલવા લાગી જઇએ
છીએ અને અનેક જન્મોના ફેરા ફરવામાં વિતાવી દઇએ છીએ.કલ્યાણના માર્ગમાં જ્યાંથી
ચાલવાનું શરૂ કરીએ છીએ..ઘુમી ફરીને પુનઃ ત્યાં જ આવી જઇએ છીએ એક ડગલું ૫ણ આગળ વધી
શકતા નથી.કાચો વૈરાગ્ય હંમેશાં દગો દે છે.હું સમજતો હતો કે આ કાચી
ઉંમરમાં મારી લગની સાચી છે,પરંતુ મિથુનચારી મત્સ્યરાજની સંગતિ મને આ માર્ગમાં ખેંચી
લાવી.સાચો વૈરાગ્ય આવ્યા વિના ભગવાનની તરફ વધવું
લગભગ અસંભવ છે.આ વિરતિને લાવવા માટે સાધુ સંગતિ જ સર્વશ્રેષ્ઠ સાધન છે.આત્મદર્શન
વિના આ જીવન ભારરૂ૫ છે. હવે હું વધુ દિવસ સુધી આ બોજને ઉઠાવી શકું તેમ નથી.બીજા
દિવસે લોકોએ સાંભળ્યું કેઃ મહર્ષિ સાચા નિર્વેદથી આ પ્રપંચ છોડીને જંગલમાં ચાલ્યા
ગયા અને સાચી તપસ્યા કરતાં કરતાં ભગવાનમાં લીન થઇ ગયા.જેવી રીતે અગ્નિના શાંત થતાં
જ તેની જ્વાળાઓ ત્યાં જ શાંત થઇ જાય છે તેવી જ રીતે ૫તિની આધ્યાત્મિક ગતિને જોઇને
૫ત્નીઓએ ૫ણ તેમની સંગતિથી સદગતિ પ્રાપ્ત કરી.સંગતિનું ફળ મળ્યા
વિના રહેતું નથી.મનુષ્યએ હંમેશાં સજ્જનોની સંગતિનો લાભ ઉઠાવીને પોતાના જીવનને
ધન્ય બનાવવું જોઇએ.દુષ્ટ્રોનો સંગ હંમેશાં હાનીકારક હોય છે.વિષયી પુરૂષના સંગમાં
વિષય ઉત્પન્ન ના થાય તો શું વેરાગ્ય ઉત્પન્ન થાય ? મનુષ્યએ
આત્મકલ્યાણના માટે હંમેશાં જાગરૂક રહેવું જોઇએ.જીવનનું આ જ એક માત્ર લક્ષ્ય છે.૫શુ ૫ક્ષીઓની માફક જીવન
જીવવું..પોતાના સ્વાર્થની પાછળ લાગેલા રહેવું એ માનવતા નથી..!
શાસ્ત્રમાં આઠ
પ્રકારના મૈથુન બતાવવામાં આવ્યા છે તેનાથી દૂર રહેવું..જેવા કેઃ
સ્ત્રીનું સ્મરણ..સ્ત્રી સબંધી વાતચિત.. સ્ત્રીઓની સાથે રમવું..
સ્ત્રીઓને જોવી.. સ્ત્રીની સાથે ગુપ્ત વાતચીત કરવી.. સ્ત્રીને મળવાનો નિશ્ચય કરવો
અને સંકલ્પ કરવો અને સાક્ષાત સ્ત્રીનો સંગ કરવો.... આ વાતોથી દૂર રહેવું એ જ વાસના ટાળવાનો સાચો ઉપાય છે......!!!
સંકલનઃ
|
વિનોદભાઇ એમ.માછી (નિરંકારી)
નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ
Phone: 9726166075 (M)
e-mail: vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment