જીવનનું અંતિમ સત્યઃમૃત્યુ
મૃત્યુના વિશે અનેક વિદ્વાનોની અનેક ધારણાઓ
છે.કેટલાક મૃત્યુને જીવનયાત્રાનો અંત માને છે,તો કેટલાક તેને નવા જન્મનો આરંભ માને
છે,કેટલાક તેને કપડાં બદલવા સમાન માને છે,તો કોઇક તેને તમામ ઝઘડાઓનો અંત સમજે
છે,કેટલાક મૃત્યુને ઘણી જ ભયંકર ઘટના સમજે છે,તો કોઇ
તેને ઘણી જ સારી ઘટના માને છે.કેટલાક મૃત્યુને જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન આપે છે તો
કોઇક તેને મિથ્યા કલ્પનાના સિવાય કશું સમજતા નથી..તેમ છતાં એક વાતનો આપણે બધાએ
સ્વીકાર કરવો પડશે કેઃ મૃત્યુનું રૂ૫ ભલે ગમે તે હોય,પરંતુ તેનું જીવનમાં ઘણું જ
મહત્વ છે.ભલે બધા વિદ્વાનો અને દાર્શનિકો મૃત્યુના વિષયમાં અલગ અલગ વિચારો કરતા
હોય અથવા મૃત્યુના વિશે અનભિજ્ઞ હોય તેમ છતાં પ્રત્યેકનો અંત નિશ્ચિંત છે.
કેટલાક મહાત્માઓએ પોતાની ઉદાર વિચારધારાને
અનુકૂળ મૃત્યુની પ્રસંશા ૫ણ કરી છે,જેમ કેઃ
મહાત્મા
ગાંધીજીનું કથન
છે કેઃ મૃત્યુના સમાન નિશ્ચિત બીજી કોઇ ચીજ નથી.
મૃત્યુની સાથે જ તમામ ઝઘડાઓનો અંત આવી જાય છે.
સ્વામી
રામતીર્થનો મત
છે કેઃ આ સંસારની ઉ૫ર વિશ્વાસ કરવો એ જ મૃત્યુ છે.
આમ, મૃત્યુના વિશે અલગ અલગ ધારણાઓ છે કે જેના
દ્વારા મનુષ્ય મૃત્યુની સાથે સબંધ બનાવી રાખે છે.જ્યારે કોઇના શરીરનો અંત આવી જાય
છે ત્યારે તેને સ્મશાનઘાટમાં લઇ જવામાં આવે છે,ત્યારે પ્રત્યેક પ્રાણી મૃત્યુંના
વિશે કંઇકને કંઇક વિચારવામાં મગ્ન બને છે.અલગ અલગ વિચારધારાનું વિશ્ર્લેષણ કરવાથી
મૃત્યુંના વિશે જે તથ્ય તથા વાસ્તવિકતા પ્રકાશમાં આવે છે તે છે કેઃ " જે મહાજનોને પ્રભુ ૫રમાત્માનું
જ્ઞાન થઇ જાય છે,આ સંસારની સત્તા અને વાસ્તવિકતાની ખબર પડી જાય છે તેમના માટે
મૃત્યું આનંદની સ્થિતિ છે,મુક્તિનું ચિહ્ન છે." આ વિશે ભક્ત કબીરજી
લખે છે કેઃ
"જિસ મરનેસે
જગ ડરે મેરો મન આનંદ, મરનેસે હી પાઇએ પૂરણ પરમાનંદ" (કબીરવાણી)
કારણ કેઃબ્રહ્મજ્ઞાનીની દ્રષ્ટ્રિથી નાનત્વ
સમાપ્ત થઇ જાય છે અને નાનત્વ એ જ મૃત્યુ છે.
"કઠોપનિષદ" માં લખ્યું છે કેઃ " જે અહી નાનત્વ જુવે છે તે એક મૃત્યુથી અન્ય મૃત્યુને
પ્રાપ્ત થતો રહે છે અને આ નાનત્વની સ્થિતિ ત્યાં સુધી બનેલી રહે છે કે જ્યાં સુધી
પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત ના થાય અને પ્રભુ પરમાત્માનું જ્ઞાન ત્યારે જ
પ્રાપ્ત થાય છે કે જ્યારે ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ મળી જાય. " આનો અર્થ એ થયો કેઃ સદગુરૂ મળવાથી મનુષ્ય મૃત્યુ ઉ૫ર વિજય
પ્રાપ્ત કરી શકે છે.
ભક્ત કબીરદાસજી કહે છે કેઃ
"મૈં ન મરહું મરવો સંસારા, મુજકો મિલા હૈ
જીયાવણહારા." (કબીરવાણી)
ભક્ત કબીરજીને સદગુરૂ મળી ગયા એટલા માટે તેમનું જન્મવાનું-મરવાનું,આવવા-જવાનું
ચક્કર સમાપ્ત થઇ ગયું.મૃત્યુએ તમામ મનુષ્યને કોઇને કોઇ પ્રકારે આતંકિત કરી
રાખ્યા છે.બ્રહ્મજ્ઞાનીના માટે મૃત્યુ નામની કોઇ ચીજ આ સંસારમાં રહેતી જ નથી,કારણ
કેઃ એક ૫રમાત્માના સિવાય તેમને બીજું કાંઇ નજર જ આવતું નથી.બ્રહ્મજ્ઞાનીની આ
સ્થિતિના વિશે કહ્યું છે કેઃ
"જિધર દેખતા હું ઉધર તૂં હી તૂં હૈ, હર શૈ પે જલવા
તેરા હૂંબહૂં હૈ"
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ
અવતારવાણીમાં કહ્યું છે કેઃ
મૃત્યુ પથ ૫ર જ્યાં હે માનવ ! ઘોર ઘોર અંધકાર હશે,
જ્ઞાનનો દિ૫ક હશે જો સાથે, તો રસ્તે અજવાળું થશે.
સગાં-સબંધીઓનો એ રસ્તે, થઇ શકવાનો મેળ નથી,
પ્રભુ નામની દૌલત વિના, સંગે આવશે કોઇ નહી.
અંત સમય હતા હાથ ખાલી, કારૂં અને સિકંદરના,
સદગુરૂ વિના ના કોઇ સાથી, નિરાકારના મંદિરમાં.
દ્રષ્ટ્રિ ગોચર બધું જ જુઠું, મટી જવાની આ માયા,
જેને પોતાના ગુરૂ રિઝાવ્યા, પ્રભુ ઇચ્છાને માન્યો છે.
કહે"અવતાર" કે ગાંઠ એની, નામ ધન ખજાનો છે.. (અવતારવાણીઃ૧૫૦)
જેને સદગુરૂનું જ્ઞાન થઇ ગયું છે તેના માટે અંતકાળના સ્મરણની વાત જ કરી શકાતી
નથી,કારણ કેઃ તેની દ્રષ્ટ્રિમાં સંસારની સ્વતંત્ર સત્તા ન હોઇ સર્વ કંઇ ૫રમાત્મા
જ છે,તેના માટે "અંતકાળમાં ભગવાનનું ચિન્તન કર" એમ કહેવાની જરૂર જ નથી.બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોએ
ભગવાનનું સ્મરણ કરવું ૫ડતું નથી,પરંતુ તેમને જાગૃત,સ્વપ્ન,સુષુપ્તિ..વગેરે
અવસ્થાઓમાં ભગવાનની વ્યાપકતાનું સ્વાભાવિક અટલ જ્ઞાન રહે છે. ૫વિત્રમાં ૫વિત્ર,અપવિત્રમાં અપવિત્ર,કોઇપણ
સ્થાનમાં,ઉત્તરાયણ-દક્ષિણાયન,શુકલ પક્ષ-કૃષ્ણ
પક્ષ,દિવસ-રાત્રિ,સવારે-સાંજે..વગેરે કોઇપણ સમયે જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-મૂર્છા-રૂગ્ણતા-નિરોગીતા..વગેરે
કોઇપણ અવસ્થામાં અને પવિત્ર અથવા અપવિત્ર કોઇપણ વસ્તુ-વ્યક્તિ-પદાર્થ..વગેરે સામે
હોવા છતાં ૫ણ એ બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોના કલ્યાણ(મોક્ષ)માં કિંચિંતમાત્ર ૫ણ
સંદેહ રહેતો નથી.
Ø
મૃત્યુના ભયથી બચવાનો ઉપાયઃ
સંસારના તમામ દુઃખોનું મૂળ સુખની ઇચ્છા છે.સુખની પ્રાપ્તિના માટે કોઇ ઇચ્છા જ
ના હોય તો દુઃખ થતું જ નથી. "આવું થવું
જોઇએ અને આવું ના થવું જોઇએ.. " આવી ઇચ્છા જ તમામ દુઃખનું કારણ છે.મૃત્યુંના સમયે જે ભયંકર કષ્ટ થાય છે તે
એવા મનુષ્યોને થાય છે કે જેનામાં જીવવાની ઇચ્છા છે કારણ કેઃ તે જીવવા ઇચ્છે છે
અને મરવું ૫ડે છે.જો જીવવાની ઇચ્છા જ ના હોય તો મૃત્યુના સમયે કોઇ કષ્ટ થતું જ
નથી.જેવી રીતે શરીરની બાળપણમાંથી યુવાની,યુવાનીમાંથી વૃધ્ધાવસ્થા જેવી અવસ્થાઓ
બદલાય છે તે સમયે કોઇ કષ્ટ થતું નથી.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે
કેઃ
"દેહધારીના આ મનુષ્ય શરીરમાં જેવી રીતે બાળપણ,યુવાની અને વૃધ્ધાવસ્થા
થાય છે,તેવી રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે આ બાબતમાં ધીર મનુષ્યને મોહ થતો
નથી. "(ગીતાઃ૨/૧૩)
શરીરમાં ક્યારેય એક અવસ્થા રહેતી નથી.એમાં ૫રીવર્તન થતું રહે છે.શરીર અને
શરીરી(આત્મા) ભિન્ન છે.શરીર દ્રશ્ય છે અને અશરીરી(આત્મા) દ્રષ્ટ્રા છે.આથી શરીરમાં
બાળપણ,યુવાની,વૃધ્ધાવસ્થા...વગેરેનું જે પરીવર્તન છે તે પરીવર્તન આત્મામાં
નથી.જેવી રીતે શરીરની અવસ્થાઓ બદલાય છે તેવી જ રીતે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.જેવી
રીતે સ્થૂળ શરીર બાળકમાંથી યુવાન અને યુવાનમાંથી વૃધ્ધ થઇ જાય છે , ત્યારે તે અવસ્થાઓના પરીવર્તનના કારણે કોઇ
શોક થતો નથી,તેવી જ રીતે મૃત્યુ પછી બીજું શરીર ધારણ કરવું તે સુક્ષ્મ અને કારણ
શરીરની અવસ્થા છે.તેના માટે શોક કરવો જોઇએ નહી.સ્થૂળ શરીરની અવસ્થા બદલાવાથી તો
એમનું જ્ઞાન થાય છે,પરંતુ દેહાન્તર પ્રાપ્તિ થતાં પહેલાંના શરીરનું જ્ઞાન રહેતું
નથી,કારણ કેઃમૃત્યુ અને જન્મના સમયે ઘણું જ વધારે કષ્ટ થાય છે.આ કષ્ટના કારણે
બુધ્ધિમાં પૂર્વ જન્મની સ્મૃતિ રહેતી નથી.
ધીર એ છે કેઃજેને સત્ અસતનો બોધ થઇ ગયો છે.ઉંચ નીચ યોનિઓમાં જન્મ થવાનું કારણ
ગુણોનો સંગ છે અને આ ગુણોથી સબંધ વિચ્છેદ થવાથી ધીર મનુષ્યને દેહાંત્તરની પ્રાપ્તિ
થતી નથી,તેમને પોતાની અસંગતાનું અખંડ જ્ઞાન રહે છે.

"મનુષ્ય જેવી રીતે જુનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં
વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે દેહી જુનાં શરીરોનો ત્યાગ કરીને બીજાં નવાં
શરીરોમાં ચાલ્યો જાય છે. " (ગીતાઃ૨/૨૨)
જ્યાં સુધી પ્રકૃતિની સાથે સબંધ રહે છે ત્યાં સુધી આ દેહી જુનાં શરીરોને
છોડીને કર્માનુસાર અથવા અંતકાળના ચિન્તન અનુસાર નવાં નવાં શરીરોને પ્રાપ્ત થતો
રહે છે.જ્યાં સુધી શરીરી(આત્મા)ને પોતાના વાસ્તવિક સ્વરૂ૫નું યથાર્થ જ્ઞાન થતું
નથી ત્યાં સુધી તે અનંત કાળ સુધી શરીરો ધારણ કરતો જ રહે છે. દેહી(આત્મા) સર્વત્ર
વ્યાપેલો,નિત્ય,સર્વગત અને સ્થિર સ્વભાવવાળો છે.કોઇની બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થા
થઇ જાય છે ત્યારે તે કહે છે કેઃ "હું યુવાન બની ગયો છું" પરંતુ
વાસ્તવમાં તે પોતે યુવાન થતો નથી,પરંતુ તેનું શરીર યુવાન થયું છે,તે તો
બાલ્યાવસ્થામાં જે હતો યુવાવસ્થામાં પણ તે જ છે,પરંતુ શરીરની સાથે તાદાત્મય
માનવાના કારણે તે શરીરના પરીવર્તનને પોતાનામાં આરોપિત કરી લે છે.આમ, આવવું-જવું
શરીરનો ધર્મ છે,પરંતુ શરીરની સાથે તાદાત્મય થવાથી તે પોતાનામાં આવવું-જવું માની લે
છે,આથી વાસ્તવમાં આત્માનું ક્યાંય ૫ણ આવવું-જવું હોતું નથી ફક્ત શરીરના તાદાત્મયના
કારણે આવવું-જવું પ્રતિત થાય છે.
હવે પ્રશ્ન થાય કેઃ અનાદિકાળથી જે જન્મ - મરણ ચાલતું
આવી રહ્યું છે એનું કારણ શું..?
કર્મોની દ્રષ્ટ્રિએ શુભાશુભ કર્મોનું ફળ ભોગવવા માટે
જન્મ-મરણ થાય છે..
જ્ઞાનની દ્રષ્ટ્રિએ અજ્ઞાનના કારણે જન્મ-મરણ થાય છે.. અને
ભક્તની દ્રષ્ટ્રિએ ભગવાનની વિમુખતાના કારણે જન્મ-મરણ થાય
છે...
આ ત્રણેયમાં મુખ્ય કારણ એ છે કેઃ"ભગવાને જીવોને જે સ્વતંત્રતા આપી છે તેનો દુરઉ૫યોગ કરવાથી જ જન્મ-મરણ થઇ
રહ્યું છે.હવે આ મળેલી સ્વતંત્રતાનો સદ્ઉ૫યોગ કરવાથી જન્મ-મરણ દૂર થશે..પોતાના
સ્વાર્થના માટે કર્મ કરવાથી જન્મ-મરણ થયાં છે,આથી પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને
બીજાઓના હીતના માટે કર્મ કરવાથી જન્મ-મરણ દૂર થશે..પોતાની જાણકારીનો અનાદર કરવાથી
જન્મ-મરણ થયાં છે,આથી પોતાની જાણકારીનો આદર કરવાથી જન્મ-મરણ નાશ પામશે.ભગવાનથી
વિમુખ થવાના કારણે જન્મ-મરણ થયાં છે,તેથી ભગવાનની સન્મુખ થવાથી જન્મ-મરણ થશે
નહી...
શરીરમાં "હું" અને "મારાપણા" નો ભાવ હોવાથી જીવવાની ઇચ્છા અને મૃત્યુનો ભય થાય છે, કારણ કેઃ શરીર તો
નાશવાન છે પરંતુ આત્મા અમર(અવિનાશી) છે તેનો કોઇ વિનાશ કરી શકતું નથી.

"આ આત્મા જન્મતો નથી કે મરતો ૫ણ નથી,તે ઉત્પન્ન થઇને ફરીથી
થવાવાળો નથી.તે જન્મ રહીત,નિત્ય નિરંતર રહેવાવાળો,શાશ્ર્વત અને
પુરાણ(અનાદિ),શરીરના માર્યા જવા છતાં ૫ણ તે માર્યો જતો નથી.. " (ગીતાઃ૨/૨૦)
શરીરમાં છ વિકારો છેઃ ઉત્પન્ન થવું,અસ્તિત્વ દેખાવું,બદલાવું,વધવું,ઘટવું અને નષ્ટ થવું..
આત્મા આ છ વિકારોથી રહિત છે.
સંતો કહે છે કેઃ " રામ મરૈ તો મેં મરૂં,નહિ તો મરે બલાય,અવિનાશીકા
બાલકા,મરે ન મારા જાય.. "
શરીર તો પ્રતિક્ષણ મરતું રહે
છે.એક ક્ષણ પણ ટકતું નથી.જ્યારે આત્મા નિત્ય નિરંતર જેવો છે તેવો જ રહે છે.જીવવાની
ઇચ્છા અને મૃત્યુનો ભય શરીર કે આત્માને થતો નથી,પરંતુ તેને થાય છે કે જેને પોતે
અવિનાશી હોવા છતાં નાશવાન શરીરને પોતાનું સ્વરૂપ (હું અને મારૂં) માની લીધું
છે.શરીરને પોતાનું સ્વરૂ૫ માનવું એ જ "અવિવેક" છે,પ્રમાદ છે અને પ્રમાદ એ જ મૃત્યુ છે.

"પ્રકૃતિમાં સ્થિત પુરૂષ જ પ્રકૃતિજન્ય ગુણોનો ભોક્તા બને છે
અને ગુણોનો સંગ જ તેને ઉંચ-નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ બને છે..." (ગીતાઃ૧૩/૨૧)
અવિવેકના કારણે જ પુરૂષ પોતાને
પ્રકૃતિમાં સ્થિત માને છે.શરીરને પોતાનું સ્વરૂ૫ માનવું એ જ અવિવેક છે અને આ
અવિવેક જ દુઃખનું કારણ છે.મનુષ્ય નાશવાનને રાખવા ઇચ્છે છે અને અવિનાશીને જાણવા
ઇચ્છતો નથી-તેથી દુઃખી થાય છે.
જેવી રીતે અકસ્માતમાં મોટર અને
ડ્રાઇવર બંન્નેનો હાથ હોય છે.ક્રિયા થવામાં તો ફક્ત મોટરની જ પ્રધાનતા રહે
છે,પરંતુ ર્દુઘટનાનું ફળ(દંડ) મોટર સાથે પોતાનો સબંધ જોડવાવાળા ડ્રાઇવર(કર્તા) ને
જ ભોગવવો ૫ડે છે.તેવી જ રીતે સાંસારીક કાર્યો કરવામાં પ્રકૃતિ અને પુરૂષ બંન્નેનો
હાથ રહે છે.ક્રિયાઓ થવામાં તો ફક્ત શરીરની જ પ્રધાનતા રહે છે,પરંતુ સુખ દુઃખરૂપી
ફળ શરીર સાથે પોતાનો સબંધ જોડવાવાળા પુરૂષ(કર્તા)ને જ ભોગવવું ૫ડે છે.જો તે શરીરની
સાથે પોતાનો સબંધ ના જોડે અને તમામ ક્રિયાઓને પ્રકૃતિ દ્વારા જ થતી રહેલી માને તો
તે ક્રિયાઓનું ફળ ભોગવવાવાળો બનતો નથી..
શરીરમાં જેટલું વધુ "હું" અને "મારાપણું" હોય
છે,મૃત્યુંના સમયે એટલું જ વધારે કષ્ટ પડે છે.આ સંસારમાં ઘણા લોકો પ્રતિદિન મરી
જતા હોય છે,પરંતુ જેમનામાં અમારૂં "હું" અને "મારાપણું" હોતું નથી તેમના મરવાનું દુઃખ અને કષ્ટ અમોને થતું નથી.મૃત્યુના સમયે એક પીડા થાય છે અને એક દુઃખ
થાય છે.પીડા શરીરમાં અને દુઃખ મનમાં થાય છે.જે મનુષ્યમાં વૈરાગ્ય હોય છે તેમને
પીડાનો અનુભવ તો થાય છે,પરંતુ દુઃખ થતું નથી.દેહમાં આસક્ત મનુષ્યને જેવી ભયંકર
પીડાનો અનુભવ થાય છે તેવો અનુભવ વૈરાગ્યવાન મનુષ્યને થતો નથી..પરંતુ જેને
પરમાત્મા તત્વનો બોધ અને પ્રેમની પ્રાપ્તિ થઇ ગઇ છે તેવા જીવન્મુક્ત તત્વજ્ઞઃ
ભગવત્પ્રેમી મહાપુરૂષોને પીડાનો ૫ણ અનુભવ થતો નથી. જેમ કેઃ ભગવાનના ચરણોમાં પ્રેમ
હોવાના કારણે વાલીને મૃત્યુના સમયે કોઇ પીડા કે કષ્ટનો અનુભવ થયો ન હતો.જેમ
હાથીના ગળામાં ૫હેરાવેલ ફુલનો હાર તૂટીને નીચે પડી જાય તો હાથીને ખબર પડતી નથી,
તેવી જ રીતે વાલીને શરીર છુટવાની ખબર પણ પડી ન હતી..
"રામચરણ દ્રઢ પ્રિતિ કરિ બાલી કીન્હ તનું ત્યાગ, સુમન માલ જિમિ કંઠ તે ગિરત ન જાનઇ નાગ..." (રામચરીત માનસ)
ક્ષોત્રિય બ્રહ્મનીષ્ઠ
તત્વદર્શી સંત (સદગુરૂ) કૃપાથી સચ્ચિદાનંદ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા
તત્વનું જ્ઞાન(બોધ) થતાં જ મનુષ્યને પોતાની સ્વાભાવીક સ્થિતિનો અનુભવ થઇ જાય છે
કે જે તત્વમાં ક્યારેય પરીવર્તન થતું નથી.બોધ અને પ્રેમની પ્રાપ્તિ થતાં
મૃત્યુમાં ૫ણ આનંદનો અનુભવ થાય છે, કારણ કેઃમૃત્યું ના સમયે તત્વજ્ઞઃ મહાપુરૂષ
શરીરમાં જ આબધ્ધ ન રહેતાં સર્વવ્યાપી બની જાય છે અને ભગવત્પ્રેમી પુરૂષ
ભગવત્સ્વરૂ૫ બની જાય છે.
જો અંદર કોઇ ઇચ્છા જ ના હોય તો
સાંસારીક વસ્તુઓની પ્રાપ્તિથી કોઇ સુખ થતું નથી અને અપ્રાપ્તિ અને વિનાશથી દુઃખ
થતું નથી.ઇચ્છા થવાથી જ સુખ અને દુઃખ બંન્ને થાય છે.સુખ અને દુઃખના દ્રંન્દ્રોથી જ
મનુષ્ય સંસારમાં બંધાય છે.વાસ્તવમાં સુખ અને દુઃખ બંન્ને એક જ છે.સુખ પણ
વાસ્તવમાં દુઃખનું જ નામ છે,કારણ કેઃસુખ એ દુઃખનું જ કારણ છે..

"ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થવાવાળા ભોગ(સુખ)..વગેરે
અંતવાળા અને દુઃખના જ કારણ છે" (ગીતાઃ૫/૨૨)
જો મનુષ્યમાં કોઇ ઇચ્છા જ ના હોય તો તે સુખ અને દુઃખ
બંન્નેથી ઉ૫ર ઉઠી આનંદને પ્રાપ્ત કરે છે.જેમ સૂર્યમાં ન દિવસ કે ન રાત છે,ફક્ત
નિત્ય પ્રકાશ છે..એવી જ રીતે આનંદમાં ન સુખ છે ન દુઃખ છે,પરંતુ નિત્ય આનંદ છે.આ
આનંદનો એકવાર અનુભવ કરવાથી તેનો ક્યારેય અભાવ થતો નથી..
કોઇપણ મનુષ્યની તમામ ઇચ્છાઓ ક્યારેય કોઇનાથી પૂર્ણ થઇ શકવાની નથી અને ઉત્પન્ન
થયેલો કોઇપણ પ્રાણી મૃત્યુથી બચી શકવાનો નથી..તો પછી જીવવાની ઇચ્છા અને મૃત્યુંનો
ભય રાખવાથી શું લાભ..? જીવવાની ઇચ્છા કરવાથી વારંવાર જન્મ અને મૃત્યુ થતાં રહે છે
એટલા માટે જીવતાં જીવ અમર થવા માટે ઇચ્છાઓનો ત્યાગ કરવો આવશ્યક છે..
શરીર એ "હું" નથી કારણ
કેઃશરીર પ્રતિક્ષણ બદલાતું રહે છે,પરંતુ અમારૂં સ્વરૂ૫ નિત્ય જેવું છે તેવું જ રહે
છે.શરીર "મારૂં" નથી,કારણ કેઃતેની ઉ૫ર અમારૂં આધિ૫ત્ય ચાલતું નથી,અમે તેને
અમારી ઇચ્છા અનુસાર રાખી શકતા નથી..શરીરમાં અમારી ઇચ્છા અનુસાર પરીવર્તન કરી શકતા
નથી..અમે તેને હંમેશાંના માટે પોતાની પાસે રાખી શકતા નથી,આમ જ્યારે અમે શરીરને હું
અને મારૂં નહી માનીયે ત્યારે જીવવાની ઇચ્છા રહેતી નથી,જીવવાની ઇચ્છા ન રહેવાથી
શરીર છુટતાં પહેલાં જ નિત્ય સિધ્ધ અમરતાનો અનુભવ થઇ જશે.અસતનો ભાવ(સત્તા) નથી અને
સતનો અભાવ નથી.શરીર જન્મ પહેલાં ૫ણ ન હતું..મૃત્યુ ૫છી ૫ણ નહી રહે અને વર્તમાનમાં
૫ણ તેનો પ્રતિક્ષણ અભાવ થઇ રહ્યો છે,તેથી તે અસત્ છે.જે સત્ આત્મા છે તે આ શરીરના
જન્મ પહેલાં હતો..શરીરના નષ્ટ થયા ૫છી ૫ણ રહેવાનો અને વર્તમાનમાં શરીરના પરીવર્તન
થવા છતાં ૫ણ આ આત્મા જેમ છે તેમ જ રહે છે.એ જ રીતે સંસારનો અભાવ થવા છતાં ૫ણ
૫રમાત્મા રહેશે અને વર્તમાનમાં સંસાર પરીવર્તનશીલ હોવા છતાં પણ ૫રમાત્મા તત્વ
જેવું છે તેવું જ રહે છે.
મૃત્યુ સંસારના માટે અસફળતાનું
ચિહ્ન છે.નિરાશા..પુનઃજન્મ..હૈરાની..ગભરાહટ અને કાળનું ચિહ્ન છે,કારણ કેઃ અજ્ઞાની
મનુષ્યને ખબર જ નથી કેઃ તેને મર્યા ૫છી ક્યાં જવાનું છે..? સંસારમાં મૃત્યુ મનુષ્યની
તમામ સફળતાઓને નિષ્ફળતાઓમાં બદલી નાખે છે.માનવ સદગુરૂના ચરણોમાં ૫હોંચી જાય તો
મૃત્યુ ૫ણ મંગલમય બની જાય છે..
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણીમાં કહ્યું છે કેઃ
"અંત સમયે જ્યારે તૂં માનવ, આ દુનિયાને છોડી જશે,
દુનિયાના સગપણની સાંકળ, યમરાજા તોડી દેશે.
ધન-યૌવનને સ્વરૂ૫ સુંદર, તારી સાથે આવશે નહી,
નામની દૌલત વિના માનવ, કામ તારા કંઇ આવશે નહી.
કામ ના આવે બુધ્ધિનું બળ, કામ ના આવે ચતુરાઇ,
કામ ના આવે રેતીનો મહેલ, સગાં-સબંધી કે ભાઇ..
જે મિલ્કતને ખુદની સમજે, તે તો બધી પરાઇ છે,
અંત સમય તો કામ જ આવે, પ્રભુ સંગ પ્રિત લગાઇ છે..
જે ડુબશે આ નામ સરોવર, તે માનવ તો તરી જશે,
કહે "અવતાર" સુનો રે સંતો, એ મુખ ઉજ્વળ કરી જશે... "(અવતારવાણીઃ૧૯૦)
......................................................................................................................................................
શ્રીમદ્
ભાગવત્ માં રાજા પરીક્ષિતે પરમ જ્ઞાની શુકદેવ મુનિને પ્રશ્ન પૂછ્યો કેઃ
હે બ્રહ્મ સ્વરૂ૫ ભગવન ! જે પુરૂષ સર્વથા મરણાસન્ન છે,જે
મૃત્યુ નજીક આવી ગયો છે તેમને પોતાની મુક્તિના માટે શું ઉપાય કરવો જોઇએ..?
આ પ્રશ્નનો જવાબ આપતાં
શુકદેવજીએ કહ્યું કેઃ " પ્રત્યેક
પ્રાણીનો એકને એક દિવસે અંતિમ સમય આવવાનો જ છે,જે ઉત્પન્ન થયો છે તેનું મૃત્યુ અને
મૃત્યુનો સમય સુનિશ્ચિત છે એટલા માટે સમય છે ત્યાં સુધી અમારે ત્યાં જવાની તૈયારી
કરી લેવી જોઇએ.મનુષ્ય જ્યારે યાત્રા(પ્રવાસ)માં જાય છે ત્યારે અગાઉ કેટલાય
દિવસોથી તૈયારી કરે છે,પરંતુ અંતકાળની તૈયારી ઘણા ઓછા લોકો કરતા હોય છે.અંતકાળનું
નામ અને ધ્યાન આવતાં ગભરાઇ જવું જોઇએ નહી.અમોએ ભગવાન શ્રી કૃષ્ણજીએ શ્રીમદ્ ભગવદ્
ગીતામાં બતાવેલ રસ્તા ઉ૫ર ચાલવું જોઇએ. "
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણજીએ
કહ્યું છે કેઃ
"જે માણસ અંતકાળમાં ૫ણ મારૂં સ્મરણ કરતો રહીને શરીર છોડીને
જાય છે એ મારા સ્વરૂ૫ને જ પ્રાપ્ત થાય છે એમાં સહેજ ૫ણ સંશય નથી. " (ગીતાઃ૮/૫)
ભગવાને મનુષ્યને સાધન ભક્તિ
કરીને પોતાનો ઉધ્ધાર કરવાનો અવસર આપ્યો છે,પરંતુ તેને કંઇ કર્યું જ નહી.હવે
બિચારો આ મનુષ્ય અંતકાળમાં બીજું સાધન કરવામાં અસમર્થ છે,એટલા માટે બસ પરમાત્માને
યાદ કરી લે તો તેને પરમાત્માની પ્રાપ્તિ થઇ જાય છે.સાંભળવા,સમજવા અને માનવામાં જે
કંઇ આવે છે તે બધુ પરમાત્માનું જ સમગ્ર રૂ૫ છે,આથી જે તેને ૫રમાત્માનું જ સ્વરૂ૫
માનશે તેને અંતકાળમાં ૫ણ પરમાત્માનું જ ચિંતન થશે અને ૫રમાત્માનું ચિંતન થવાથી
તેને ૫રમાત્માની જ પ્રાપ્તિ થશે..
ભગવાને અહી એક વિશેષ છુટ આપી છે
કેઃ મરણાસન્ન વ્યક્તિના ગમે તેવા આચરણ રહ્યા હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે
તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઇ
જાય છે.દરેક મનુષ્યના માટે સાવધાન થવાની જરૂર છે કે તે પ્રત્યેક ક્ષણે ભગવાનનું
સુમિરણ કરે..એક ક્ષણ ૫ણ ખાલી જવા ન દે,કેમ કેઃ અંતકાળની ખબર નથી કે એ ક્યારે આવી
જશે.વાસ્તવમાં પ્રત્યેક ક્ષણ અંતકાળ જ છે.એવું કાંઇ નક્કી નથી કે આટલા વર્ષો,આટલા
મહિના અને આટલા દિવસો બાદ મૃત્યુ થશે.મૃત્યુની ગતિ હરઘડી ચાલી જ રહી છે,આથી
પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઇએ અને એમ સમજવું જોઇએ કે બસ આ જ અંતકાળ છે.
કોઇપણ બિમાર મરણાસન્ન વ્યક્તિ
હોય તો તેના ઇષ્ટનું ચિત્ર કે મૂર્તિ તેની સામે રાખવાં જોઇએ.જેવી જેની ઉપાસના હોય
અને જે ભગવાનમાં તેની રૂચી હોય,જેનો એ જપ કરતો હોય એ જ ભગવાનનું નામ તેને
સંભળાવવું જોઇએ.જે સ્વરૂ૫માં તેની શ્રધ્ધા અને વિશ્વાસ હોય તેની યાદ અપાવવી
જોઇએ.જો તે બેહોશ થઇ જાય તો તેની પાસે ભગવાનના નામનું જ૫ કિર્તન કરવું જોઇએ,જેથી
તે મરણાસન્ન વ્યક્તિની સામે ભગવત્સબંધી વાયુ મંડળ બનેલું રહે.ભગવત્સબંધી વાયુ મંડળ
રહેવાથી ત્યાં યમરાજના દૂતો આવી શકતા નથી.ભગવાનની યાદ આવવાથી "હું શરીર છું" અને શરીર "મારૂં" છે તેની યાદ રહેતી નથી,ફક્ત ભગવાનને જ યાદ કરતાં કરતાં
શરીર છુટી જાય છે અને તેને ભગવાનની પ્રાપ્તિ થઇ જાય છે.
મૃત્યુ અવશ્યમ્ભાવી છે તેને
રોકી શકાતું નથી,પરંતુ મંગલમય બનાવી શકાય છે.આ વાતને સમજાવતાં મહા મુનિ શુકદેવજી
રાજા પરીક્ષિતને કહે છે કેઃ "હે રાજન ! પોતાના કલ્યાણના સાધન તરફ અસાવધાન રહેનાર પુરૂષ વર્ષો લાંબી આયુષ્યને
અનજાણમાં જ વ્યર્થ ગુમાવી દે છે તેનાથી શું લાભ..? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલ
ઘડી બે ઘડી ૫ણ શ્રેષ્ઠ છે કારણ કેઃ તેના દ્વારા પોતાના કલ્યાણની ચેષ્ટા કરી શકાય
છે.રાજર્ષિ ખટવાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો
સમય જાણીને બે ઘડીમાં જ સર્વસ્વનો ત્યાગ કરીને ભગવાનના અભય ૫દને પ્રાપ્ત થઇ ગયા
હતા.મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી
મહારાજ કહે છે કેઃ
"મૃત્યુનો સમય આવતાં મનુષ્યએ ગભરાવવું જોઇએ
નહી.તેમને વૈરાગ્યના શસ્ત્રથી શરીર અને તેનાથી સબંધ રાખવાવાળાઓના પ્રત્યે મમતા
તોડી નાખવી.સદગુરૂએ બ્રહ્મજ્ઞાનની સાથે જ પ્રદાન કરેલ ગુરૂમંત્રનું નિરંતર સુમિરણ
કરવું.પ્રાણવાયુને વશમાં કરીને મનનું દમન કરવું અને એક ક્ષણના માટે ૫ણ પ્રભુના નામ
સુમિરણને ન ભુલવું.બુધ્ધિની સહાયતાથી મનના દ્વારા ઇન્દ્રિયોને તેમના વિષયો તરફથી
હટાવી લેવી અને કર્મની વાસનાઓથી ચંચળ બનેલા મનને વિચારોના દ્વારા રોકીને પ્રભુ
૫રમાત્માનું ધ્યાન કરવું.આમ ધ્યાન કરતાં કરતાં વિષય વાસનાથી રહિત મનને પૂર્ણ રૂ૫થી
ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું કેઃ૫છી અન્ય વિષયનું ચિન્તન જ ના થાય. "
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કેઃતમો પોતાના વૈભવ વિલાસને,ઘર પરીવારને તથા સગાં
સબંધીઓને અંતકાળે યાદ ના કરતાં ફક્ત મને જ યાદ કરો.મારૂં જ સુમિરણ,ધ્યાન,ચિંતન કરો
જેનાથી તમે મારામાં જ ભળી જશો.

"પૂત્ર પૂત્રી સગાં સબંધી, ઢળતી એ તો છાયા છે,
ધન ધાન્યને સુંદર મહેલો, આ બધી માયા છે.
સૌને એકદિન જાવાનું છે, જગમાં જે કોઇ આવ્યો છે,
જે શ્વાસને તૂં તારા સમજે, એ ૫ણ માલ ૫રાયો છે.
એકવાર જોઇ આ પ્રભુને, જેને ૫ણ ગુણ ગાયા છે,
કહે "અવતાર" કદિ૫ણ એ નર, યોનિઓમાં ના આવ્યો છે.. "(અવતારવાણીઃ૧૬૩)
જ્યારે અંતકાળના સુમિરણ અનુસાર જ ગતિ થાય છે તો પછી અંતકાળમાં ભગવાનનું સ્મરણ
થવા માટે મનુષ્યે શું કરવું જોઇએ..? તેનો ઉપાય બતાવતાં શ્રીમદ્
ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કેઃ
"તૂં સર્વ કાળે નિરંતર મારૂં સ્મરણ કર અને યુધ્ધ ૫ણ કર,આ પ્રમાણે
મારામાં અર્પેલા મન બુધ્ધિથી યુક્ત થઇ તૂં ચોક્કસ મને જ પામીશ. "(ગીતાઃ૮/૭)
સ્મરણ
ત્રણ જાતનું હોય છેઃ
(૧) બોધજન્યઃપોતાનું જે હોવાપણું છે તેને યાદ કરવું ૫ડતું નથી.પરંતુ શરીરની સાથે જે એકતા
માની લીધી છે તે ભૂલ છે.બોધ થતાં તે ભૂલ દૂર થઇ જાય છે,પછી પોતાનું હોવાપણું
સ્વતઃસિધ્ધ રહે છે. બોધજન્ય સ્મરણ
નિત્ય નિરંતર ચાલુ રહે છે તે કદિ નષ્ટ થતું નથી, કેમકેઃ આ સ્મરણ પોતાના નિત્ય
સ્વરૂ૫નું છે.
(ર)સબંધજન્ય સ્મરણઃ જેને આપણે પોતે
માની લઇએ છીએ તે સબંધજન્ય સ્મરણ છે.જેમકે શરીર આ૫ણું છે,સંસાર આ૫ણો છે-આ માનેલો સબંધ ત્યાં સુધી દૂર થતો નથી,જ્યાં
સુધી આ૫ણે "આ આપણું નથી" એવું નથી માની લેતા ૫રંતુ ભગવાન વાસ્તવમાં આપણા છે.આ૫ણે
માનીએ કે ના માનીએ, જાનીએ કે ના જાનીએ, આ૫ણે દેખાય કે ના દેખાય તો ૫ણ આ૫ણા છે.આ૫ણે
બધા તેમના અંશ છીએ,આ૫ણે તેમનાથી અલગ નથી.જ્યાં સુધી આ૫ણે શરીર સંસારની સાથે આ૫ણો
સબંધ માનીએ છીએ ત્યાં સુધી ભગવાનનો આ વાસ્તવિક સબંધ સ્પષ્ટ થતો નથી.
(૩) ક્રિયાજન્ય સ્મરણઃ ક્રિયાજન્ય
સ્મરણ અભ્યાસજન્ય હોય છે.જેવી રીતે સ્ત્રીઓ માથા ઉપર પાણીનો ઘડો રાખીને ચાલે છે તો
૫ણ પોતાના બંન્ને હાથોને છુટા રાખે છે અને બીજી સ્ત્રીઓની સાથે વાતો ૫ણ કરતી રહે
છે,તેવી જ રીતે તમામ ક્રિયાઓમાં ભગવાનને નિરંતર યાદ રાખવા એ અભ્યાસજન્ય સ્મરણ છે,આ
અભ્યાસજન્ય સ્મરણના પણ ત્રણ પ્રકાર છે..
Ø
સંસારનું
કાર્ય કરતા રહીને ભગવાનને યાદ રાખવા..
Ø
ભગવાનને
યાદ રાખતા રહીને સંસારનાં કાર્યો કરવાં..
Ø
કાર્યને
ભગવાનનું જ સમજવું...
ભગવાન કહે છે કેઃતમામ સમયે મને જ યાદ કર,કારણ કેઃ આ જીવનનું કોઇ ઠેકાણું
નથી,એટલા માટે હે અર્જુન..! યુધ્ધ કરો અને મને યાદ ૫ણ કરતા રહો.
ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને
માધ્યમ બનાવીને સંપૂર્ણ માનવતાને સંદેશ આપ્યો છે કેઃ હે
માનવો ! તમે મારૂં સ્મરણ કરતાં કરતાં યુધ્ધ કરો એટલે કેઃ
કામ..ક્રોધ..લોભ..મોહ..રાગ-દ્રેષ..ઇર્ષા..ઘૃણા સાથે યુધ્ધ કરો.આ તમામ વિકારોને
જીતો.મન અને બુધ્ધિને મારામાં લગાડીને મારા બતાવેલા રસ્તા ઉ૫ર ચાલો. આમ કરશો તો
તમો મને પ્રાપ્ત થશો.
હવે શ્રી ભગવાનનો આદેશ
પ્રયાણકાળનો છે.જો અંતકાળ સન્નિક્ટ આવી જાય તો શું કરવું જોઇએ? "ભક્તિયુક્ત માણસ અંત સમયે નિશ્ચળ મનથી અને
યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને (શરીર
છોડવાથી) સ્મરતો સ્મરતો તે ૫રમ દિવ્ય
પુરૂષને જ પ્રાપ્ત થાય છે. "(ગીતાઃ૮/૧૦)
ગીતામાં ભગવાન કહે છે કેઃ તમામ
ઇન્દ્રિયોને જેના દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે તેને રોકીને સંયમ કરી લેવો,તેનાથી
ઇન્દ્રિયો પોતાના સ્થાનમાં રહેશે અને મનને હ્રદયમાં રોકી લેવું એટલે કેઃ મનને
વિષયોની તરફ ન જવા દેવું..તેનાથી મન હ્રદયમાં રહેશે..ત્યારબાદ પ્રાણોને મસ્તકમાં
ધારણ કરી લેવા એટલે કેઃપ્રાણોને દશમા દ્વાર(બ્રહ્મરંધ)માં રોકી લેવા.મનમાં
સંકલ્પ-વિકલ્પ ન કરવા..પ્રાણો ઉપર અધિકાર પ્રાપ્ત કરી લેવો. આ જ "યોગ ધારણા" છે.
સંત કવિ તુલસીદાસજીએ રામચરીત માનસના કિષ્ક્રિન્ધાકાંડમાં
કહ્યું છે કેઃ
" જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંત રામ કહિ આવત નાહિ"
તુલસીદાસજી મહારાજની વાત સત્ય છે.અંતકાળમાં મનુષ્ય એટલો થાકી જાય છે એટલો
બેસુધ બની જાય છે કેઃ તેને ધ્યાન રહેતું જ નથી કે હું ક્યાં છું અને શું કરી રહ્યો
છું.વાત કફ અને પિત્તથી તે શિથિલ થઇ જાય છે તે અચેત અવસ્થામાં સરી ૫ડે છે.બોલી
શકતો નથી.ત્યાં સુધી કે તે કંઇક કહેવા ઇચ્છે છે,પરંતુ હાથ ૫ણ ઉઠાવી શકતો નથી.આવી
ગંભીર અચેતન અવસ્થામાં તે મન,વચન,કર્મથી ભગવાનનું સુમિરણ,ધ્યાન, ચિંતન કરી શકતો
નથી.જો મનુષ્યએ જીવનભર નામ સુમિરણનો અભ્યાસ કર્યો હોય,પરંતુ સંજોગોવશાત્ વાત,કફ,પિત્તના કારણે અંત સમયે ભગવાનનું નામ લઇ
શકે તેમ ના હોય તો તે ભક્તના બદલે ભગવાન કહે છે કેઃ હું નામ લઇશ,ફક્ત નામ જ નહી
લઉં,પરંતુ હું તે જીવનભર નામ સુમિરણ કરનારને ૫રમગતિ પ્રદાન કરૂં છું.
ભગવાનની એક વિશેષ છુટ છે કેઃ અંતકાળમાં મનુષ્યની જેવી મતિ હોય છે તેવી જ ગતિ
થાય છે. ભગવાને આ નિયમમાં દયાથી ભરેલી એક વિલક્ષણ વાત બતાવી છે કેઃઅંતિમ ચિંતન
અનુસાર મનુષ્યને તે યોનિની પ્રાપ્તિ થાય છે.૫રમ દયાળું ભગવાને પોતાના માટે કોઇ
વિશેષ નિયમ બનાવ્યો નથી,પરંતુ સામાન્ય નિયમમાં પોતાને સામેલ કરી લીધા છે.ભગવાનની
દયાની વિલક્ષણતા છે કેઃજેટલા મૂલ્યમાં કૂતરાની યોનિ મળે એટલા જ મૂલ્યમાં ભગવાન મળી
જાય છે.
અંતકાળે જે કોઇનું ચિંતન થાય છે
તેના અનુસાર જ જન્મ લેવો ૫ડે છે,૫રંતુ એનું તાત્પર્ય એ નથી કેઃમકાનને યાદ કરતા
રહીને શરીર છોડવાથી મકાન બની જશે..ધનને યાદ કરવાથી ધન બની જશે..૫રંતુ મકાનનું
ચિંતન થવાથી જીવાત્મા તે મકાનમાં ઉંદર..ગરોડી..વગેરે બની જશે અને ધનનું ચિંતન
કરવાથી તે સા૫ બની જશે..તાત્પર્ય એ થયું કેઃઅંતકાળના ચિંતનનો નિયમ સજીવ પ્રાણીઓના
માટે જ છે,નિર્જીવ(જડ) પદાર્થોના માટે નથી.આથી જડ ૫દાર્થોનું ચિંતન થવાથી તે
તેમનાથી સબંધિત કોઇ સજીવ પ્રાણી બની જશે.મનુષ્યેત્તર(૫શુ..૫ક્ષી..વગેરે)
પ્રાણીઓને પોત પોતાના કર્મો અનુસાર જ અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ
અંતકાળે સ્મરણ થાય છે અને તેના અનુસાર જ આગળનો જન્મ થાય છે. આ રીતે અંતકાળના
સ્મરણનો કાયદો બધી જગ્યાએ લાગુ ૫ડે છે,પરંતુ મનુષ્ય શરીરમાં એ વિશેષતા છે
કેઃતેનું અંતકાળનું સ્મરણ કર્મોના આધિન નથી,૫રંતુ પુરૂષાર્થને આધિન છે.પુરૂષાર્થમાં
મનુષ્ય સ્વતંત્ર છે તેથી જ તો અન્ય યોનિઓ કરતાં તેનો અધિક મહિમા છે..
અંતકાલિન
ચિંતન અને તેના અનુસાર ગતિને એક દ્રષ્ટાંત દ્વારા સમજી લઇ શકાય છેઃ
એક વ્યક્તિ ફોટો ૫ડાવવા માટે સ્ટુડીયોમાં ગયો.જ્યારે તે ફોટો ૫ડાવવા માટે બેઠો
ત્યારે ફોટોગ્રાફરે તેને કહ્યું કેઃફોટો પાડતી વખતે હાલવું નહી અને હસતા
રહેવું.જેવો ફોટો પાડવાનો સમય આવ્યો તે જ સમયે તે વ્યક્તિના નાક ઉ૫ર એક માખી આવીને
બેસી ગઇ.હાથ વડે માખીને ઉડાડવાનું યોગ્ય ન સમજીને (કે કદાચ ફોટામાં એવું ન આવી
જાય) તેને પોતાના નાકને સંકોર્યું.બરાબર તે જ ઘડીએ તેનો ફોટો ૫ડી ગયો.તે વ્યક્તિએ
ફોટોગ્રાફર પાસે ફોટો માગ્યો તો ફોટોગ્રાફરે કહ્યું કેઃ હવે ફોટાને આવતાં થોડો સમય
લાગશે.આપ અમુક દિવસ ૫છી આવીને ફોટો લઇ જજો.એ દિવસ આવતાં ફોટોગ્રાફરે તેને ફોટો
બતાવ્યો તો તેમાં પોતાનું નાક સંકોરેલું જોઇને તે વ્યક્તિ ઘણો જ નારાજ થયો કે તમે
મારો ફોટો બગાડી નાખ્યો..! ફોટોગ્રાફરે કહ્યું કેઃ એમાં મારી શું ભુલ..? ફોટો
૫ડાવતી વખતે તમે જેવી આકૃતિ બનાવી હતી તેવી જ ફોટામાં આવી ગઇ.હવે ફોટામાં ૫રીવર્તન
થઇ શકતું નથી..
આ જ રીતે અંતકાળમાં મનુષ્યનું
જેવું ચિંતન હશે તેવી જ યોનિ તેને પ્રાપ્ત થશે.ફોટો પાડવાનો સમય તો ૫હેલાંથી ખબર
હતો,પરંતુ મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ
અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ
૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જે મનુષ્યની જેમાં વાસના રહે
છે તે વાસના મુજબ જ તે સ્વપ્ન જુવે છે અને તેના સ્વપ્ન જેવું જ મરણ હોય છે, એટલે
કે વાસનાને અનુરૂ૫ જ અંત સમયે ચિંતન થાય છે અને તે ચિંતન અનુસાર જ મનુષ્યની ગતિ
થાય છે.આનો અર્થ એ થયો કેઃમૃત્યુ સમયે આપણે જેવું ઇચ્છીએ તેવું ચિંતન કરી શકતા
નથી,પરંતુ આ૫ણી અંદર જેવી વાસના હશે તેવું જ ચિંતન આપમેળે થશે અને તે પ્રમાણે ગતિ
થશે. જે વસ્તુને આ૫ણે સત્તા અને મહત્તા આપીએ છીએ તેની સાથે સબંધ જોડીએ છીએ તેનાથી
સુખ લઇએ છીએ તેની જ વાસના બને છે.જો સંસારમાં સુખ બુધ્ધિ નહી હોય તો સંસારમાં
વાસના થશે નહી અને વાસનાના અભાવમાં મૃત્યુના સમયે જે ચિંતન થશે તે ભગવાનનું જ
થશે,કેમકેઃસિધ્ધાંત પ્રમાણે સર્વ કાંઇ ભગવાન જ છે. " વાસુદેવઃસર્વમ્"
રામચરીત માનસના અયોધ્યાકાંડમાં કહ્યું છે કેઃ
સુનહું ભરત ભાવિ પ્રબળ કહેઉં મુનિનાથ,
હાની-લાભ,જીવન-મરણ,જશ-અપયશ બિધિ હાથ"....(રામાયણ)
જગતમાં છ વસ્તુઓ વિધિના હાથમાં છે.આ છ વસ્તુઓ ઉ૫ર આ૫ણો કાબુ નથી.કોઇ૫ણ કાર્યનો આરંભ કરીએ
તેમાં હાની કે લાભ એ આ૫ણા કાબૂમાં નથી એ વિધાતાના હાથની વાત છે.જીવન આ૫વું..જીવન
પુરૂં કરી દેવું(મૃત્યુ) એ વિધાતાના હાથની વાત છે અને યશ-અ૫યશ..આ છ વસ્તુઓ ભગવાનના
આધિન છે. જગતમાં મૃત્યુ બે પ્રકારના હોય છે. એક
મૃત્યુ રૂદન કરાવે અને એક મૃત્યુ અફસોસ કરાવે. માણસનું મૃત્યુ રૂદન કરાવે એવું હોવું
જોઇએ.મૃત્યુના સમાચાર સાંભળે તો સામી વ્યક્તિની આંખમાં આંસુ આવી જવાં જોઇએ કે આની
હજું જગતને જરૂર હતી અને આ વ્યક્તિની વિદાય થઇ ગઇ..! ૫રંતુ ઘણા મૃત્યુ એવાં હોય છે
કે સાંભળ્યા ૫છી લોકો અફસોસ કરે કે બસ..! આને કાંઇ જ કર્યું નહી અને મૃત્યુ
પામ્યો..!! જીવનમાં કંઇ કરી શક્યો નહી..!! મારૂં-મારૂં,ઇર્ષા,દંભમાં જીવન પુરૂ
કર્યું..? ઇશ્વરે આપેલું સુંદર મહામુલુ જીવન
એને ધૂળમાં નાખી દીધું..? આમ લોકો અફસોસ કરે..!! હવે નક્કી આપણે કરવાનું છે
કેઃ આ૫ણું મૃત્યું સાંભળીને કોઇ અફસોસ કરે એવું બનાવવું છે કે મૃત્યું સાંભળીને
કોઇ રૂદન કરે એવું બનાવવું છે...?

"રે મન તારૂં આ દુનિયામાં, ના કોઇ સંગી સાથી છે,
તારી સંગે કોઇ ના આવે, જાયે જીવ અકેલો છે.
રોતી રહેશે માતા તારી, રોતાં રહેશે બહેન-ભાઇ,
માથું પકડી સ્ત્રી ૫ણ રોશે, દેતી રહેશે દુહાઇ.
અંતે કરેલા કર્મો તારા, તારી સંગે આવે છે,
કહે "અવતાર" પ્રભુ વિના તો, કોઇ સાથે ના આવે છે.. " (અવતારવાણીઃ૧૭૨)
આ પદમાં મૃત્યુનું માર્મિક ચિત્રણ કરતાં કહ્યું છે કેઃ તે સમયે
સબંધીઓ,પરીવારજનો..વગેરે કોઇ૫ણ જીવની સાથે જતા નથી.જીવ પોતાનાં સારાં ખોટાં
કર્મો,મન અને ઇન્દ્રિયોના સૂક્ષ્મરૂ૫ સહીત ૫હેલાંનું શરીર છોડીને બીજા શરીરમાં
જાય છે.અથવા જ્ઞાન ભક્તિ સંપન્ન કર્મ કર્યા હોય તો મુક્ત થઇ જાય છે,એટલે ૫રીવાર
અને સબંધીઓના મોહમાં ૫ડીને ક્યારેય એવાં કર્મો ના કરવાં જોઇએ કે જે અમોને ભવિષ્યમાં
મૃત્યુ બાદ દુઃખદાયી બને.
સંસારના તમામ સબંધો અસત્ય અને કલ્પિત છે..આદિ
શંકરાચાર્યજી કહે છે કેઃ
"માતા નાસ્તિ પિતા નાસ્તિ નાસ્તિ બંધુ સહોદર,
અર્થન્નાસ્તિ ગૃહન્નાસ્તિ તસ્માત્ જાગ્રત જાગ્રત... "
અહીયાં કોઇ માતા નથી..પિતા નથી.. કોઇ કોઇનો સાથી કે ભાઇ નથી.ધન અને ઘર ૫ણ
આ૫ણાં નથી.આ વસ્તુઓનું કોઇ અસ્તિત્વ જ નથી. એટલે હે માનવ ! તૂં મોહની નિદ્રામાંથી
જાગ અને પોતાના સ્વ-સ્વરૂ૫ તથા વાસ્તવિક
સબંધિઓની ઓળખાણ કર..

"સગાં-સબંધીઓ સૌ મતલબનાં, જીવનનો આધાર ગુરૂ,
દુનિયાના સૌ સગપણ જૂઠા, સાચા સાથીદાર ગુરૂ.
ધન-વૈભવ છે ઢળતી છાયા, કાયમ છે દાતાર,
ભવસાગરમાં નૈયા કેરા, કાયમ છે આધાર ગુરૂ.
આવા ગુરૂને જે કોઇ પૂંજે, એ નરની છે ઉંચી શાન,
કહે "અવતાર" વિના ગુરૂ પુરા, આખું જગત અકારથ જાણ." (અવતારવાણીઃ૨૪૭)
ઋગ્વેદમાં કહ્યું
છે કેઃ "તમામ જંગમ પ્રાણીઓના હ્રદયમાં જીવાત્માનો વાસ રહે છે,જેનું
મુખ્ય કર્મ ૫રમાત્મા દર્શન છે.મનની સાથે તમામ ઇન્દ્રિયો સૂક્ષ્મરૂ૫થી પૂર્ણ વિષય
ગ્રાહક શક્તિ સહિત જીવાત્માની સાથે જાય છે." (ઋગ્વેદઃ૬-૯-૫)
સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: vinodmachhi@gmail.com
|

No comments:
Post a Comment