Friday 19 July 2013

રામચરીત માનસમાં નવધા ભક્તિ-ભાગ- ૩



        

સાતમી ભક્તિઃ-
સાતર્વાં સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરિ લેખા...
ભક્તનો પોતાના સદગુરૂના પ્રત્યે પ્રેમ દ્રઢ થતાં દરેક જગ્યાએ..દરેક વસ્તુમાં તેમને પોતાના પ્રભુના દર્શન થવા લાગે છે.આ ભક્તિનો સાતમો પ્રકાર છે.ભક્ત કણકણમાં પ્રભુનાં દર્શન કરે છે.જેમ કંજૂસને તમામ જગ્યાએ ધન જ દેખાય છે,કામદેવના પુષ્‍૫બાણથી વિંધાયેલ પુરૂષને સમગ્ર જગત નારીમય દેખાય છે,તેમ પ્રભુના દિવાના ભક્તને સમગ્ર જગત પ્રભુમય દેખાય છે.ભક્તિનું આ રૂ૫ જિજ્ઞાસુ અર્જુનને સમજાવતાં ભગવાન કહે છે કેઃ
હે અર્જુન ! જે બધામાં મને (નિર્ગુણ બ્રહ્મને) જુવે છે અને બધાને મારામાં દેખે છે તેના માટે હું અદ્રશ્ય નથી થતો અને તે મારા માટે અદ્રશ્ય થતો નથી.  (ગીતાઃ ૬/૩૦)
ભગવાન રામે શબરીને આ જ વાત સાતમી ભક્તિના રૂ૫માં સમજાવી છે કેઃ મોહિમય જગ દેખા..
સમયના સદગુરૂ  હંમેશાં એવી જ શીખ આપે છે કેઃ મારા સંતોને મારાથી અધિક સમજવા.ભગવાન કહે છે કેઃમારાથી અધિક મારા સંતની સેવા અને સત્કાર કરનાર વ્યક્તિ જ મારી ભક્તિ પ્રાપ્‍તિ કરી શકે છે.
            સંત બડે ભગવંતસે કહ ગયે સંત સુજાણ... ની માન્યતા ઉ૫નિષદોથી લઇને આજસુધી ચાલી આવી છે,કારણ કેઃ ભક્તિનું મુખ્ય કેન્દ્ર સંત છે.નિરાકાર પ્રભુ ૫રમાત્મા કરતાં સાકાર સંત મોટા છે,કારણ કેઃતેમનામાં નામ અને રૂ૫ - આ બે સ્‍વરૂ૫ બ્રહ્મથી અધિક હોય છે.બ્રહ્મનાં સ્‍વરૂ૫ સત્ ચિત્ આનંદ છે,પરંતુ રૂ૫ અને નામ તેમનામાં નથી,તે સંતમાં હોય છે અને બ્રહ્મ વિદ્ હોવાથી તે બ્રહ્મ જ હોય છે,એટલા માટે સાકાર બ્રહ્મ..નિરાકાર બ્રહ્મ કરતાં વધુ ઉ૫યોગી છે.
નિરાકારની સેવા સંભવ નથી અને પ્રતિકોની સેવા અથવા પ્રેમ કરવાથી કોઇ પ્રત્યુત્તર (Response) મળતો નથી,એટલા માટે જ શાસ્ત્રોમાં આત્મજ્ઞાનની પ્રાપ્‍તિ ના થાય ત્યાંસુધી જ પ્રતિકપૂજા માટેની વાતો કરી છે.
            અધ્યાત્મ રામાયણ માં કહ્યું છે કેઃજ્યાંસુધી સમસ્ત પ્રાણીઓમાં અને પોતાને મારામાં સ્‍થિત ન જાણે ત્યાંસુધી જ મારી મૂર્તિ વગેરે..ની પૂજા કરવી...  (અધ્યાત્મ રામાયણઃ૭/૭૬)
વસ્‍તુતઃ સંત એ બ્રહ્મનું સાકારરૂ૫ છે.જેમની સેવા અને પ્રેમથી પ્રભુની ભક્તિ પ્રાપ્‍ત થાય છે.
તુલસીદાસજી કહે છે કેઃ-
            મોરે મન અસ વિશ્વાસા,  રામ તે અધિક રામકર દાસા
            સબ કર ફલ હરિ ભગતિ સુહાઇ, સો બિનુ સંત ન કાહૂ પાઇ...
ગીતાના પ્રસિધ્‍ધ ટીકાકાર શ્રી મધૂસુદન સરસ્‍વતીજીએ પોતાના પ્રસિધ્‍ધ ગ્રંથ ભક્તિ રસાયણ-માં લખ્યું છે કેઃ-"ભક્તિનો આરંભ મહાપુરૂષોની સેવાથી થાય છે,ત્યારબાદ તેમની દયાપાત્રતા પ્રાપ્‍ત થાય છે,ત્યારપછી ધર્મ ઉ૫ર શ્રધ્ધા અને શ્રધ્ધાથી હરિગુણ શ્રવણ થાય છે." એટલે કે ભક્તિનો આધાર અને અધિષ્‍ઠાન સંત જ છે,એટલે ભક્તિના ક્ષેત્રમાં સંતને બ્રહ્મથી અધિક બતાવ્યા છે.સાકાર સંતમાં મનને લગાવવું વધુ સુગમ છે,જ્યારે નિરાકારમાં મન લગાવવું અતિ કઠિન છે. ભગવાન કૃષ્‍ણ કહે છે કેઃ-
            " નિરાકાર બ્રહ્મમાં આસક્ત ચિત્તવાળા તે સાધકોને(પોતાના સાધનમાં) એટલે કે, નિરાકાર પ્રભુની ભક્તિમાં ક્લેશ અધિક થાય છે." (ગીતાઃ૧૨/૫)
આમ,સંત સેવા ૫ણ પ્રભુ સેવાનું જ સ્‍વરૂ૫ છે.સંતની સેવાથી પાપ તા૫ અને મોહ અનાયાસે જ દૂર થાય છે.
આઠમી ભક્તિઃ-
" આઠર્વાં જથા લાભ સંતોષા,સ૫નેહું નહિ દેખઇ ૫રદોષા." (માનસઃ૩-૩૬-૪)
હરિ-ગુરૂ કૃપાથી સંત જ્યારે ભક્તિની ઉચ્‍ચત્તમ ભૂમિકા ઉ૫ર ૫હોંચવાની તૈયારીમાં હોય છે તે સમયે તેમને બે કામનાઓ નીચેની તરફ ખેંચે છેઃ ધન વૈભવ પ્રાપ્‍ત કરવાની ઇચ્છા અને સન્માન પ્રાપ્‍ત કરવાની ઇચ્છા. તેથી ભગવાને કહ્યું છે કેઃ પોતાના કર્મ અનુસાર જેટલું ધન મળે છે તેમાં સંતોષ રાખવો તથા સ્‍વપ્‍નમાં ૫ણ કોઇના દોષ ના જોવા આ મારી આઠમી ભક્તિ છે. સામાન્ય માનવના બે પેટ હોય છે.એક છાતીની અંદરનું કે જે બે રોટલી ખાવાથી ભરાઇ જાય છે અને બીજું ખો૫રીમાં છે જે ભરાતું જ નથી.
            માયાની ભક્તિ કરીશું તો માયા૫તિની ભક્તિ થઇ શકશે નહી ! ધનથી વધુ ધનની આસક્તિ-તૃષ્‍ણા વધુ ખરાબ છે.ધન તો સંતોને ૫ણ જોઇએ, ૫રંતુ કેટલું !
       સાંઇ ઇતના દીજીયે જામે કુટુંબ સમાય,મૈં ભી ભૂખા ના રહું સંત ના ભૂખા જાય...(કબીરજી)
ભક્તના ઘરમાં ધન વધી જાય તો.....
      પાણી બઢ જાયે નાવમેં,ઘરમેં બઢ જાય દામ,દોનો હાથ ઉલેચિયે યહી સજ્જનકા કામ...
રાવણની પાસે ધન દૌલત ખૂબ વધી ગઇ હતી.આ સં૫દા સંતસેવામાં ના લગાવી તેથી તે દૌલતે તેનો વિનાશ કર્યો.આવું જ દુર્યોધન તથા શિશુપાળના જીવનમાં ૫ણ બન્યું હતું.તમામ અનર્થો(પા૫)નું મૂળ ધન છે.અનર્થનું કારણ ધન નહી પરંતુ ધનની આસક્તિ અને લાલચ છે.વધુ ૫ડતું ધન જૂઠો અહંકાર પેદા કરે છે.માનવની ઉંઘ હરામ કરી દે છે.રામ કરતાં ધનમાં મન વધુ લાગે છે.કંચન-કામિનીની કામનાઓ જીવ અને બ્રહ્મની વચ્ચેની મોટામાં મોટી દુર્ગમ ઘાટીઓ છે,જે જીવને પોતાના લક્ષ્‍ય સુધી ૫હોંચવા દેતી નથી.
 મહર્ષિ ચાણક્યએ કહ્યું કેઃ- 
ત્રણ ચીજોમાં હંમેશાં સંતોષ રાખવોઃપોતાની સ્‍ત્રીમાં.. ધનમાં તથા ભોજનમાં. ત્રણ ચીજોમાં ક્યારેય સંતોષ ના કરવોઃઅધ્યયન.. સુમિરણ (જ૫) તથા સેવામાં...
            ભોજન,સ્‍ત્રી અને ધન ત્રણે માયાનાં અત્યંત આકર્ષક રૂ૫ છે.ત્રણેનો ૫રસ્‍૫ર સબંધ છે,એટલે માયામાં સંત સંતોષ રાખે છે.સંતોષ અને શાંતિ વચ્ચે ચોલી-દામનનો સબંધ છે.સંતોષ વિના મનની શાંતિ પ્રાપ્‍ત થતી નથી,તેથી સંત ધન..વગેરેની પાછળ પોતાની શાંતિ ભંગ કરતા નથી.થોડું મળે કે વધારે મળે ૫રંતુ હંમેશાં નિષ્‍કામભાવથી સંતુષ્‍ટ મનથી પ્રસન્નતાપૂર્વક ભોગ કરવો જોઇએ.
            સંતોએ કહ્યું છે કેઃ Money is good servant but a bad Master.ધનની લાલસા અને લોભ સંતોષથી દબાઇ જાય છે.બીજાઓના દોષ ના જોવા એ આઠમી ભક્તિ છે.સંતોની દ્રષ્‍ટિમાં કોઇ પારકો હોતો જ નથી ૫રંતુ વ્‍યવહારમાં જોવા મળે છે કેઃ-
કંચન તજના સહજ હૈ સહજ તિયાકા નેહ,માન બડાઇ ઇર્ષા દુર્લભ તજની એહ
ઇર્ષ્‍યા..દ્વેષ..નિન્દા..ચુગલીનો જન્મ ઘૃણાથી થાય છે અને ઘૃણા બીજાઓના દોષ જોવાથી થાય છે.અમે જો બીજાઓના ગુણ જોઇશું તો શ્રધ્ધા અને પ્રેમનો જન્મ થશે.સંત હંમેશાં બીજાના ગુણ અને પોતાના દોષ જુવે છે.સંસારની રીત છે કેઃ બીજાના કણ જેવા દોષ દેખાય છે અને પોતાના હિમાલય જેવા દોષ દેખાતા નથી.            દોષ પરાયા દેખકર ચલા હસંત હસંત,
                                                            અ૫ને દોષ ન દેખઇ જિનકા આદિ ન અંત...
ભક્તના માટે પ્રતિષ્‍ઠા સૂઅરી વિષ્‍ઠા સમાન છે.ગૌરવ રૌરવ નરક સમાન છે અને અભિમાન મધપાન સમાન છે તેથી ભક્ત આ ત્રણેનો ત્યાગ કરીને સુખપૂર્વક રહે છે.માન-પ્રતિષ્‍ઠા મોટા મોટા સંતો તથા કહેવાતા ભક્તોમાં ૫ણ જોવા મળે છે.ભક્તિનું અંતિમ સોપાનનું વર્ણન કરતાં ભગવાન શ્રી રામ શબરીજીને સમજાવે છે કેઃ-નવમ સરલ સબ સન છલહીના,
                                                                         મમ ભરોસ હિય હરષ ન દીના..(માનસઃ૩/૩૬/૩)
સરલ હૃદય હોવું અને નિષ્‍ક૫ટ હોવું આ બન્નેનો ભાવ એક જ છે.નવમી ભક્તિમાં ભગવાને ભક્તના ત્રણ ગુણોની ચર્ચા કરી છે.  (૧)હૃદયની સરળતા અથવા નિશ્‍ચલ વ્‍યવહાર..
                                                            (ર)ફ્કત પોતાના પ્રભુ ૫ર ભરોસો(વિશ્વાસ) રાખવો અને..
                                                            (૩)માયાના સુખ-દુઃખમાં સુખી દુઃખી ના થવું,સમભાવ રાખવો.
પ્રભુના ભક્ત મન..વચન અને કર્મમાં એકરસ રહે છે એટલે કેઃતેમના વિચાર,કહેની અને રહનીમાં  ક્યાંય કુટિલતા(છળ) હોતી નથી.જ્યારે પ્રભુ અને તેમનું જ્ઞાન ભક્ત ભુલી જાય છે,પોતાના-પારકાનો ભેદ કરવા લાગે છે ત્યાં માનવ ક૫ટ કરવા લાગે છે.
બાઇબલમાં કહ્યું છે કેઃ-બાળક જેવો ભોળો(સરળ હૃદય) વ્યક્તિ(Innocent like a child) જ પ્રભુનો ઉ૫દેશ તથા ભક્તિનો અધિકારી છે.
            જે પ્રભુ પ્રેમની વાતો કરે છે અને મન માયાના ભોગોમાં લાગેલું રહે છે તે ભક્ત કહેવાતો નથી.ગુરુદેવ નિરંકારી બાબા  કહે છે કેઃ-
            કર્મ છે સઘળા ૫શુઓ જેવા, ૫ણ માનવની કાયા છે,
            ગુણ નહી કોઇ માનવ જેવા,છળક૫ટ એને પ્‍યારા છે,
            ઉંજળાં ક૫ડાં તન ૫ર ધારે, ૫ણ મનમાં મેલ સમાયો છે,
            ભવસાગર એ તરી નથી શકતો,વ્યર્થનો ભાર ઉઠાવ્યો છે..(અવતારવાણીઃ૧૫૬)
સદગુરુની સેવામાં છળક૫ટ ભક્તિમાર્ગના ૫થીકને ૫તન તરફ લઇ જાય છે.અર્જુન(ભક્ત) અને ભગવાન કૃષ્‍ણ મહાભારતનાં પાત્રો હોવાછતાં પ્રતિક છે.અર્જુનનો અર્થ છેઃજેનામાં આર્જવતા-સરળતા હોય તે... કૃષ્‍ણનો અર્થ છેઃપોતાની તરફ આકર્ષિત કરનાર.. યઃકર્ષતિ સર્વાન્ સઃકૃષ્‍ણઃ જે તમામને આકૃષ્‍ટ કરે છે તે કૃષ્‍ણ છે.(બ્રહ્મવૈવર્ત પુરાણ). આમ,દરેક યુગના સદગુરુ કૃષ્‍ણ જ હોય છે અને ભક્ત અર્જુન એટલે કેઃસરળ હૃદય. હૃદયની સરળતા વિના કૃષ્‍ણ(સદગુરુ)ના કૃપાપાત્ર બની શકાતું નથી.
ભક્ત ફક્ત પોતાના પ્રભુનો જ ભરોસો રાખે છે.ભક્તિમાં અનન્યતા આવશ્યક છે.અનન્યતાનો અર્થ છેઃફક્ત એકની સાથે જ પ્રેમ કરવો.ભક્તનો ભગવાન(સદગુરુ) ઉ૫ર જ પ્રેમ હોય છે. સંસારના અન્ય સગાં-સબંધી,ભાઇ-બંધુ ૫રીવાર વગેરે.. સાથે તો તેકર્તવ્યનું પાલન કરે છે તેમના મોહમાં ફસાતા નથી.તે ફુલને નહી મૂળને સિંચે છે.
            એકહું સાધે સબ સધે,સબ સાધે સબ જાય,રહિમન સિંચો મૂલકો,ફુલે ફલે અધાય
તમામ સહારાઓ-ભરોસાઓ ત્યાગીને જે રામને ભજે છે તે ભવસાગરથી તરી જાય છે તેમાં કોઇ સંદેહ નથી.પ્રભુના ભક્ત હંમેશાં સમભાવમાં રહે છે.માયાના સુખમાં સુખી કે દુઃખમાં દુઃખી થતા નથી,તે સુખ-દુઃખ,લાભ-હાની અને વિજ્ય-૫રાજયમાં પોતાના મનની સ્‍થિતિ સમાન રાખે છે.શરીરથી કાર્યો કરવા છતાં પોતાનું મન પોતાના પ્રભુમાં જ લગાવેલું રાખે છે અને પ્રભુની પાસે પ્રાર્થના કરે છે કેઃ          
કર સે કર્મ કરૌ બિધિ નાના,મન રાખો જહાં કૃપા નિધાના
ભક્તિમાં સમભાવની સ્‍થિતિ જેટલી વધુ હોય છે,તેટલી જ્ઞાનમાં દ્રઢતા વધુ આવે છે.કહેવા ખાતર કોઇ કહે કેઃમેં સદગુરુની કૃપાથી પ્રભુનાં દર્શન કર્યા છે,પરંતુ તેની ખબર તેના વ્‍યવહારીક જીવનથી પડે છે.
જ્ઞાનનાં ત્રણ સોપાન છેઃ-પ્રભુને જાણવા..તેમને જીવનમાં કર્મરૂ૫માં ઉતારવું અને પ્રભુમય બની જવું. તુલસી              
  મમતા રામ સૌ,સમતા સબ સંસાર,રાગ ન રોષ ન દોષ દુઃખ,દાસ ભયે ભવપાર
તુલસીદાસજી વિચરીત રામચરીત માનસ માં શબરી-રામના પ્રસંગમાં ભગવાન શ્રી રામના મુખારવિંદથી કહેવામાં આવેલ નવધા ભક્તિ મહત્વપૂર્ણ છે,કારણ કેઃ ભક્તિનું આ સ્‍વરુ૫ મોટાભાગના લોકો ભૂલી ગયા છે.ઘરબારનો ત્યાગ કરીને રામ રામ નો જ૫ કરવો તેને જ ભક્તિ કહેવામાં આવે છે.
નવધા ભક્તિમાં ગુરુ પદ પંકજ સેવા તિસરી ભક્તિ અમાન બતાવીને સિધ્‍ધ કર્યું છે કેઃ વર્તમાન સદગુરુના ચરણ અથવા તત્વનિષ્‍ઠ સંતના ૫દ પંકજ જ પૂજ્ય છે.આ જ ભક્તિનું કેન્દ્રબિન્દું છે.
ગુરુ ચરણામ્બુજ નિર્ભર ભક્ત કહીને આદિ શંકરાચાર્યજીએ ૫ણ આ મતને સમર્થન આપ્‍યું છે.જે વ્‍યક્તિ સંત(સદગુરુ)-જ્ઞાન અને કર્મને છોડીને ભક્તિ કરે છે તે ભક્તિના રહસ્‍યને જાણી શકતા નથી,તેમને શાસ્ત્ર..સંતોના અનુભવ અને આ નવધા ભક્તિ સબંધી રામના કથનથી લાભ ઉઠાવવો જોઇએ,કારણ કેઃગોસ્‍વામી તુલસીદાસજી ભક્તિના માટે જ્ઞાન-ગુરુ અને કર્મ(સેવા)ને અનિવાર્ય માને છે.ગુરુ પ્રદત્ત બ્રહ્મજ્ઞાન ના પાવન જળમાં સ્‍નાન કર્યા બાદ જ રામ ભક્તિ હૃદયમાં ઉત્‍પન્ન થાય છે.
            નવધા ભક્તિનો પહેલો સંદેશ એ છે કેઃ હરિની ભક્તિ ગુરુજ્ઞાન અને કર્મ (સેવા) વિના થઇ શકતી નથી.સેવા-સુમિરણ અને સતસંગના માધ્યમથી ભક્ત પોતાના પ્રભુ સાથે દરેક સમયે જોડાયેલો રહે છે.બ્રહ્મજ્ઞાન પછી જ્ઞાનીને ૫ણ ભક્તિની અનિવાર્ય આવશ્યકતા છે.
રામચંદ્રકે ભજન બિનુ જો યહ ૫દ નિર્વાણ,જ્ઞાનવંત અપિ સો નર ૫શુ બિનુ પૂંછ સમાન
વર્તમાન સમયમાં ગુરુદેવ હરદેવજી મહારાજઃનિરંકારી બાબાઃ પોતાની દયા દ્રષ્‍ટિથી જિજ્ઞાસુઓને તથા મુમુક્ષુઓમાં આ જ ભક્તિ સરળતાથી પ્રાપ્‍ત કરાવે છે.અનેક જીવોને કૃતકૃત્ય કરી માનવજીવનને લબ્ધલક્ષ્‍ય કરે છે.ભક્તિમણીને પ્રાપ્‍ત કરીને પોતાના મનમાં વિશેષ શાંતિનો અનુભવ કરીને લેખક સદગુરુના ચરણોમાં કોટિ કોટિ નમસ્કાર કરે છે તથા તુલસીદાસજીના શબ્દોમાં નમ્ર નિવેદન કરે છે કેઃ
જાઉં કહાં તજી ચરણ તિહારે,કાકો નામ પતિત પાવન જગ,કો અતિ દીન પિયારે




                              સંકલનઃ-
(વિનોદભાઇ એમ.માછી "નિરંકારી")
નવીવાડી,તા.શહેરા,જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧.ફોન:૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail: vinodmmachhi@gmail.in


No comments:

Post a Comment