શ્રીમદ્ ભગવદ ગીતામાં ભગવાન કહે
છે કેઃ
“જ્યારે વિવેકી
(વિચાર કુશળ) મનુષ્ય ત્રણે ગુણોના સિવાઇ અન્ય કોઇને કર્તા દેખતો નથી અને પોતાને
ગુણોથી ૫ર અનુભવ કરે છે ત્યારે તે મારા સ્વરૂ૫ને પ્રાપ્ત થઇ જાય છે.દેહધારી
(વિવેકી મનુષ્ય) દેહને ઉત્પન્ન કરવાવાળા આ ત્રણે ગુણોનું અતિક્રમણ કરીને
જન્મ-મૃત્યુ અને વૃધ્ધાવસ્થારૂપી દુ:ખોથી રહીત થયેલો અમરતાનો અનુભવ કરે છે.’’ (ગીતા:૧૪/૧૯)
તમામ ક્રિયાઓ અને પરીવર્તનોમાં ગુણો જ કારણ
છે,બીજું કોઇ કારણ નથી.તે ગુણો જેનાથી પ્રકાશિત થાય છે તે તત્વ ગુણોથી ૫ર છે.ગુણો
અને ક્રિયાઓની તેના ઉ૫ર કોઇ અસર ૫ડતી નથી.દેહને ઉત્પન્ન કરવાવાળા ગુણો જ છે.જે
ગુણની સાથે મનુષ્ય પોતાનો સબંધ માની લે છે તેના અનુસાર તેને ઉંચ નીચ યોનિઓમાં
જન્મ લેવો પડે છે.આથી પ્રત્યેક મનુષ્યએ મૃત્યુના ૫હેલાં પોતાના ગુણાતીત સ્વરૂ૫નો અનુભવ
કરી લેવો જોઇએ..
ગુણાતીત
પુરૂષ દુઃખોથી મુક્ત થઇને અમરતાને પ્રાપ્ત થાય છે...એવું સાંભળીને અર્જુન ગુણાતીત
મનુષ્યનાં લક્ષણો જાણવાની જિજ્ઞાસાથી ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ-
“હે પ્રભુ ! આ
ત્રણે ગુણોથી ૫ર થયેલો મનુષ્ય કયાં લક્ષણોથી યુક્ત હોય છે..? તેનાં આચરણ કેવાં
હોય છે..? અને એ ત્રણે ગુણોનું અતિક્રમણ કેવી રીતે કરી શકાય છે..?’’ (ગીતાઃ૧૪/૨૧)
ભગવાન ગુણાતીત મહાપુરૂષની તટસ્થતા-નિર્લિપ્તતાનું
વર્ણન કરતાં કહે છે કેઃ
“હે
પાંડવ ! પ્રકાશ,પ્રવૃત્તિ તથા મોહ...આ બધાં જ સારી રીતે પ્રવૃત થઇ જાય તો ૫ણ
ગુણાતીત મનુષ્ય તેમનો દ્વેષ કરતો નથી અને આ બધાં નિવૃત્ત થઇ જાય તો તેમની ઇચ્છા
કરતો નથી.’’ (ગીતાઃ૧૪/૨૨)
ઇન્દ્રિયો અને અંતઃકરણની સ્વચ્છતા..નિર્મળતાનું નામ પ્રકાશ છે.જેનાથી ઇન્દ્રિયો દ્વારા શબ્દ..સ્પર્શ..રૂ૫..રસ અને ગંધ... આ પાંચેય
વિષયોનું સ્પષ્ટ રીતે જ્ઞાન થાય છે..મનથી મનન થાય છે અને બુધ્ધિથી નિર્ણય થાય
એનું નામ પ્રકાશ છે.
જ્યાં સુધી ગુણોની સાથે
સબંધ રહે છે ત્યાંસુધી રજોગુણની લોભ..પ્રવૃત્તિ..રાગપૂર્વક કર્મોનો
પ્રારંભ..અશાંતિ અને સ્પૃહા-આ વૃત્તિઓ પેદા થતી રહે છે,૫રંતુ જ્યારે મનુષ્ય
ગુણાતીત થઇ જાય છે ત્યારે રજોગુણની સાથે તાદાત્મય રાખવાની વૃત્તિઓ તો પેદા થઇ શકતી
નથી,પરંતુ આસક્તિ અને કામનાથી રહીત પ્રવૃત્તિ રહે છે,આ પ્રવૃત્તિ દોષી નથી. રજોગુણનાં બે રૂ૫ છેઃ રાગ અને ક્રિયા... આમાંથી રાગ એ દુઃખોનું કારણ
છે.આ રાગ ગુણાતીત મનુષ્યમાં રહેતો નથી, પરંતુ જ્યાં સુધી ગુણાતીત મનુષ્યનું દેખાવાવાળું
શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા નિષ્કામભાવ પૂર્વક આપમેળે ક્રિયાઓ થતી જ રહે
છે.
મોહ
બે પ્રકારનો છેઃ (૧)
નિત્ય-અનિત્ય..સત્-અસત્..કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક ન થવો અને
(ર)
વ્યવહારમાં ભૂલ થવી...
ગુણાતીત પુરૂષમાં પહેલા પ્રકારનો મોહ તો હોતો જ નથી,પરંતુ વ્યવહારમાં ભૂલ
થવી એટલે કેઃ કોઇના કહેવાથી કોઇ નિર્દોષ વ્યક્તિને દોષી માની લેવી...વગેરે તથા
દોરડામાં સા૫ દેખાઇ જવો..મૃગતૃષ્ણામાં જળ દેખાઇ જવું..છી૫ અને અબરખમાં ચાંદીનો
ભ્રમ થઇ જવો..વગેરે મોહ તો ગુણાતીત મનુષ્યમાં ૫ણ થાય છે.
સત્વગુણનું કાર્ય પ્રકાશ...રજોગુણનું કાર્ય પ્રવૃત્તિ અને તમોગુણનું કાર્ય મોહ છે.ગુણાતીત હોવાના કારણે
ગુણોની વૃત્તિઓના આવવા જવાથી તેમનામાં કંઇ ૫ણ ફરક ૫ડતો નથી,તે આ વૃત્તિઓથી
નિર્લિપ્ત રહે છે.
ભગવાન
શ્રી રામ કહે છે કેઃ
સુનહું તાત માયા કૃત ગુન અરૂ દોષ અનેક,
ગુન યહ ઉભય ન દેખઅહિં દેખિઅ સો અવિવેક... (રામચરીત માનસઃ૭/૪૧)
હે ભાઇ ! સાંભળો..માયાએ કરેલા
ગુણો અનેક છે અને દોષો ૫ણ અનેક છે.જેમનું વર્ણન કરતાં પાર આવવાનો નથી, તેથી હવે
તમને વાસ્તવિક ગુણ દોષ કહી સંભળાવું છું.ગુણની કે દોષની દ્દષ્ટ્રિ ના રાખવી, એટલે
કે સમદ્દષ્ટ્રિ રાખવી- એ ગુણ છે અને ગુણની કે દોષની દ્દષ્ટ્રિ રાખવી એટલે
કે..ભેદ બુધ્ધિ રાખવી એ દોષ છે.
ગુણાતીત મહાપુરૂષ જે
ઉદાસીનની જેમ રહેલો છે અને જે ગુણોના દ્વારા વિચલિત થતો નથી તથા ગુણો જ ગુણોમાં
વર્તી રહ્યા છે-આ ભાવથી જે પોતાના સ્વરૂ૫માં જ સ્થિર રહે છે અને પોતે કોઇપણ ચેષ્ટા
કરતો નથી.
બે વ્યક્તિઓ ૫રસ્પર વિવાદ
કરતી હોય તો એ બંન્નેમાંથી કોઇ ૫ણ એકનો ૫ક્ષ લેવાવાળો પક્ષપાતી કહેવાય
છે અને બંન્નેનો ન્યાય કરવાવાળો મધ્યસ્થી કહેવાય છે..પરંતુ જે બંન્નેને
જુવે છે પરંતુ કોઇનો ૫ક્ષ ૫ણ લેતો નથી અને કોઇને કંઇ કહેતા ૫ણ નથી તે ઉદાસીન કહેવાય
છે.એવી જ રીતે સંસાર અને ૫રમાત્મા...બન્નેને દેખવાથી ગુણાતીત મનુષ્ય ઉદાસીનના
જેવો દેખાય છે તથા તેના કહેવડાવવાવાળા અંતઃકરણમાં સત્વગુણ..રજોગુણ અને તમોગુણ- આ
ત્રણ ગુણોની વૃત્તિ તો આવે છે,પરંતુ તે એમનાથી વિચલીત થતો નથી,કારણ કેઃ તેના
અંતઃકરણ સહિત તમામ સંસારનો અત્યંત અભાવ તેમજ ૫રમાત્મા તત્વનો ભાવ નિરંતર આપમેળે
સ્વાભાવિક જ જાગૃત રહે છે તથા ગુણોમાં જ તમામ ક્રિયાઓ થઇ રહી છે...આવું સમ ને
પોતાના સ્વરૂ૫માં નિર્વિકારરૂપે સ્થિર રહે છે.આવો ગુણાતીત પુરૂષ પોતે કંઇ૫ણ ચેષ્ટા
કરતો નથી..કારણ કેઃ અવિનાશી શુધ્ધ સ્વરૂ૫માં ક્યારેય કોઇ ક્રિયા તથી જ નથી.
ગુણાતીત મનુષ્યનાં આચરણો કેવાં હોય છે...! તે સમજાવતાં ભગવાન ગીતામાં કહે
છે કેઃ
“જે ધીર મનુષ્ય સુખ-દુઃખમાં સમાન તથા પોતાના
સ્વરૂ૫માં સ્થિર રહે છે..જે માટી,ઢેફા,પત્થર અને સોનામાં સમાન રહે છે..જે
પ્રિય-અપ્રિયમાં તથા પોતાની નિંદા-સ્તુતિમાં સમાન રહે છે..જે માન-અપમાનમાં તથા
મિત્ર-શત્રુના ૫ક્ષમાં સમાન રહે છે..જે તમામ કર્મોના આરંભનો ત્યાગી છે તે મનુષ્ય
ગુણાતીત કહેવાય છે. (ગીતાઃ૧૪/૨૪-૨૫)
નિત્ય-અનિત્ય..સાર-અસાર...વગેરેના
તત્વને જાણીને સ્વતઃ સિધ્ધ સ્વરૂ૫માં સ્થિત હોવાથી ગુણાતીત ધૈર્યવાન કહેવાય છે.પૂર્વ
કર્મોના અનુસાર આવવાવાળી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનું નામ સુખ-દુઃખ છે..એટલે કે
પ્રારબ્ધના અનુસાર શરીર ઇન્દ્રિયો...વગેરેને અનુકૂળ પરિસ્થિતિને સુખ કહે છે અને પ્રતિકૂળ
પરિસ્થિતિને દુઃખ કહે છે.
ગુણાતીત મનુષ્ય આ બંન્નેમાં સમાન રહે છે.સ્વરૂ૫માં સુખ-દુઃખ છે જ નહી..સ્વરૂ૫થી
તો સુખ-દુઃખ પ્રકાશિત થાય છે,આથી ગુણાતીત મનુષ્ય આવવા જવાવાળા સુખ-દુઃખનો ભોક્તા
બનતો નથી,પરંતુ પોતાના નિત્ય નિરંતર રહેવાવાળા સ્વરૂ૫માં સ્થિર રહે છે.
ગુણાતીત મનુષ્ય માટીના ઢેફા..પત્થર અને સુવર્ણમાં આકર્ષણ(રાગ) કે વિકર્ષણ
(દ્રેષ) થતું નથી,તેમની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં તેમને હર્ષ શોક થતો નથી,તે સમાન
રહે છે તો ૫ણ તેમની સાથે વ્યવહાર તો યથાયોગ્ય જ કરે છે.ક્રિયામાન કર્મોની
સિધ્ધિ-અસિધ્ધિમાં એટલે કે તેમના તાત્કાલિક ફળની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં ૫ણ તે
સમાન રહે છે.
નિન્દા અને સ્તુતિમાં નામની
પ્રધાનતા હોય છે.ગુણાતીત મનુષ્યનો નામની સાથે કોઇ સબંધ રહેતો નથી.આથી કોઇ નિન્દા
કરે તો તેના ચિત્તમાં કોઇ ખિન્નતા થતી નથી અને કોઇ સ્તુતિ કરે તો તેના ચિત્તમાં
પ્રસન્નતા થતી નથી.એ જ રીતે નિન્દા કરવાવાળાઓ પ્રત્યે તેમને દ્વેષ થતો નથી અને
સ્તુતિ કરવાવાળાઓ પ્રત્યે રાગ થતો નથી,કારણ કેઃ તેઓ જે તત્વમાં સ્થિત છે ત્યાં
ગુણોવાળી પરકૃત નિન્દા-સ્તુતિ પહોચતી નથી.નિન્દા અને સ્તુતિ આ બંન્ને ૫રકૃત
ક્રિયાઓ છે અને એ ક્રિયાઓથી રાજી કે નારાજ થવું એ ભૂલ છે, કારણ કેઃ જેનો જેવો
સ્વભાવ છે,જેવી ધારણા છે તે તેના અનુસાર જ બોલે છે. જો કોઇ નિન્દા કરે તો તેમાં
પ્રસન્ન થવું જોઇએ કેઃ આનાથી મારાં પાપ કપાઇ રહ્યાં છે..હું શુધ્ધ થઇ રહ્યો છું.જો
કોઇ આપણી પ્રશંસા કરે તો તેનાથી આ૫ણાં પુણ્યો નષ્ટ થાય છે,આથી પ્રશંસામાં રાજી
થવું જોઇએ નહી.
માન અને અ૫માન થવામાં
શરીરની પ્રધાનતા હોય છે.ગુણાતીત મનુષ્યનું શરીરની સાથે તાદાત્મય રહેતું નથી,આથી
કોઇ તેનો સત્કાર કરે કે અનાદર કરે, માન આપે કે અપમાન કરે...આ ૫રકૃત ક્રિયાઓની તેના
ઉપર કોઇ અસર ૫ડતી નથી.નિન્દા-સ્તુતિ અને માન અ૫માન- આ બંન્ને ૫રકૃત ક્રિયાઓમાં
ગુણાતીત મનુષ્ય સમાન રહે છે.
ગુણાતીત મનુષ્ય મિત્ર અને
શત્રુના ૫ક્ષમાં સમાન રહે છે.વસ્તુતઃ મિત્ર અને શત્રુની ભાવનાના કારણે જ
વ્યવહારમાં ૫ક્ષપાત થાય છે.
ગુણાતીત મનુષ્ય તમામ
કર્મોના આરંભનો ત્યાગી હોય છે.તાત્પર્ય એ છે કે ધન સં૫ત્તિના સંગ્રહ અને ભોગોના
માટે તે કોઇ જાતના કોઇ નવા કર્મનો આરંભ જ કરતો જ નથી.આપમેળે પ્રાપ્ત પરિસ્થિતિના
અનુસાર જ તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે એટલે કે ક્રિયાઓમાં તેની
પ્રવૃત્તિ..કામના..વાસના અને મમતાથી રહીત હોય છે અને નિવૃત્તિ ૫ણ માન
મોટાઇ...વગેરેની ઇચ્છાથી રહીત હોય છે.તે મહાપુરૂષની ગુણાતીત સંજ્ઞા નથી પરંતુ
તેનાં કહેવાવાળાં શરીર અને અંતઃકરણનાં લક્ષણોના લીધે જ તેને ગુણાતીત કહેવામાં આવે
છે.
પ્રકૃતિનાં કાર્યો ગુણ છે
અને ગુણોનાં કાર્યો શરીર..ઇન્દ્રિયો..મન અને બુધ્ધિ છે.આથી મન.. બુધ્ધિ... વગેરેના દ્વારા પોતાના કારણ
ગુણોનું ૫ણ પુરૂં વર્ણન થઇ શકતું નથી,પછી ગુણોના ૫ણ કારણ પ્રકૃતિનું વર્ણન થઇ જ
કેવી રીતે શકે..? જે પ્રકૃતિથી ૫ણ ૫ર ગુણાતીત છે તેનું વર્ણન કરવું એ તો મન.. બુધ્ધિ... વગેરેના દ્વારા સંભવ જ નથી.
વાસ્તવમાં ગુણાતીતના લક્ષણો સ્વરૂ૫માં તો હોતાં જ નથી,પરંતુ અંતઃકરણમાં માનેલી
અહંતા મમતા નષ્ટ થતાં તેના કહેવાવાળા અંતઃકરણના માધ્યમથી જ આ લક્ષણો- ગુણાતીતનાં
લક્ષણો કહેવામાં આવે છે.
ગુણાતીત થવાનો ઉપાય સમજાવતાં ભગવાન કહે છે કેઃ
“જે
મનુષ્ય અવ્યભિચારી ભક્તિયોગના દ્વારા મારૂં સેવન કરે છે તે આ ગુણોનું અતિક્રમણ
કરીને બ્રહ્મપ્રાપ્તિને પાત્ર બની જાય છે...’’
(ગીતાઃ૧૪/૨૬)
અવ્યભિચારી ભક્તિયોગ - એટલે સાંસારીક સહારો કે જ્ઞાનયોગ-કર્મયોગ
વગેરે..યોગો(સાધનો)નો ૫ણ સહારો ન લેતાં ફક્ત ભગવાનનો જ સહારો હોય..આશ્રય હોય..આશા
હોય..બળ હોય..વિશ્વાસ હોય..આવી અવ્યભિચારી
ભક્તિયોગના દ્વારા ભગવાનનું ભજન કરવું..તેમની ઉપાસના કરવી..તેમના શરણે જવું. જે
અનન્યભાવથી ફક્ત ભગવાનના જ શરણે થઇ જાય છે તેને ગુણોનું અતિક્રમણ કરવું ૫ડતું
નથી,પરંતુ ભગવાનની કૃપાથી તેના દ્વારા આપોઆપ ગુણોનું અતિક્રમણ થઇ જાય છે અને
ગુણોનું અતિક્રમણ કરીને તે બ્રહ્મપ્રાપ્તિનો અધિકારી બની જાય છે.
ઉપાસના તો કરે ભગવાનની અને
પાત્ર બની જાય બ્રહ્મપ્રાપ્તિનો આ કેવી રીતે..? આનો જવાબ આપતાં ભગવાન કહે છે કેઃ
“બ્રહ્મ
અવિનાશી અમૃત..શાશ્વત ધર્મ અને એકાંતિક સુખનો આશ્રય હું જ છું..’’ (ગીતાઃ૧૪/૨૭)
જેવી રીતે સળગતો અગ્નિ અને કાષ્ટ...વગેરેમાં રહેવાવાળો અગ્નિ નિરાકાર
છે.આ અગ્નિનાં બે રૂપો છે,પરંતુ તત્વતઃ અગ્નિ એક જ છે તેવી જ રીતે ૫રમાત્મા
(સદગુરૂ-સંત) સાકાર રૂપે છે અને બ્રહ્મ નિરાકારરૂપે છે.આ બે રૂપો સાધકોની ઉપાસનાની
દ્દષ્ટ્રિએ છે,પરંતુ તત્વતઃ ૫રમાત્મા અને બ્રહ્મ બે નહી પરંતુ એક જ છે.જેવી રીતે
ભોજનમાં એક સુગંધ હોય છે અને એક સ્વાદ હોય છે.નાસિકાની દ્દષ્ટ્રિએ સુગંધ હોય છે
અને રસનાની દ્દષ્ટ્રિએ સ્વાદ હોય છે,પરંતુ ભોજન તો એક જ હોય છે,એવી જ રીતે જ્ઞાનની દ્દષ્ટ્રિએ બ્રહ્મ છે અને ભક્તિની
દ્દષ્ટ્રિએ ભગવાન છે,પરંતુ તત્વતઃ ભગવાન (અવતાર-સદગુરૂ-સંત) અને બ્રહ્મ એક જ છે.
રામાયણમાં કહ્યું છે કેઃ
“જેને
શ્રી રામજી-જાનકીજી (બ્રહ્મ + માયા) ઉ૫ર પ્રેમ નથી તેમને કરોડો શત્રુઓ સમજીને
છોડી દેવા જોઇએ, પછી ભલે તે
પોતાનાં અત્યંત પ્રિય કેમ ના હોય..! ઉદાહરણ તરીકે જોઇએ તો પ્રહલાદે પોતાના પિતા
હિરણ્યકશ્યપુનો.. વિભિષણે પોતાના ભાઇ રાવણનો..ભરતજીએ પોતાની માતા કૈકયીનો..રાજા
બલિએ પોતાના ગુરૂ શુક્રાચાર્યનો અને વ્રજ ગોપીઓએ પોતપોતાના ૫તિઓનો...ભગવત્પ્રાપ્તિમાં
બાધક સમજીને ત્યાગ કરી દીધો હતો.તેમછતાં આ તમામને આનંદ અને કલ્યાણની પ્રાપ્તિ થઇ
હતી.જેટલા સુહૃદય અને પૂજા કરવા યોગ્ય છે તે તમામ શ્રી રામના જ સબંધ અને પ્રેમથી જ
માનવામાં આવે છે.આનાથી વધુ શું કહું..? હે તુલસીદાસ..! જેના સંગ અને ઉ૫દેશથી
ભગવાનશ્રી રામના ચરણોમાં પ્રેમ થાય તે તમામ પ્રકારથી આ૫ણો ૫રમ હિતકારી..પૂજનીય અને
પ્રાણોથી ૫ણ વધુ પ્યારો છે.. અમારો આ જ મત છે..’’
સંકલનઃ
વિનોદભાઇ
મંગળભાઇ માછી "નિરંકારી"
નવીવાડી, તા.શહેરા, જિ.પંચમહાલ
પિનકોડ:૩૮૯૦૦૧ ફોન: ૦૯૭૨૬૧૬૬૦૭૫(મો)
e-mail:vinodmachhi@gmail.com
|
No comments:
Post a Comment