Sunday 21 July 2013

મનનો નિરોધ કરવાનો ઉપાય

એક બોધ કથા છે કેઃએક વ્યક્તિ રૂમમાં બેસીને દિવાલ ઉ૫ર લટકાવેલ ઘડીયાળમાંથી નિરંતર આવતો ટક ટક અવાજ અવાજ સાંભળી રહ્યો હતો,એટલામાં ફળીયામાંથી જ જોરશોરથી બેન્ડ વાજાંનો અવાજ કાને પડ્યો.જેથી તેમની ઘડીયાળની ટક ટક સંભળાવવાની બંધ થઇ ગઇ.ભયભીત થઇને તેમને નોકરને બોલાવીને પૂછ્યું કેઃઆ ઘડીયાળની ટક ટક સંભળાતી બંધ કેમ થઇ ગઇ છે? તપાસ કરો કે તે ચાલુ છે કે બંધ પડી ગઇ છે? નોકરે ધ્યાનથી ઘડીયાળ તરફ જોઇને કહ્યું કેઃ ઘડીયાળ તો ચાલુ છે પરંતુ બહાર ઘણો જ ઘોઘાટ હોવાથી ઘડીયાળની ટક ટક તમોને સંભળાતી નથી.
        આ બોધકથામાંનું રૂમ એ આપણું મન  છે, તેની અંદર પરમાત્માની ધ્વનિ નિરંતર ચાલુ જ છે,પરંતુ તે ધ્વનિને બહારની ઇચ્છાઓ અને વાસનાઓના વાજાંના અવાજે દબાવી દીધી છે.અંદરનાં ૫ટ ત્યારે જ ખુલે છે કે જ્યારે બહારના પટ બંધ થાય છે.બહારના પટનો અર્થ છેઃ વિષયોનો પરીત્યાગ,ઇચ્છા રહિત જીવન કે જે સહજમાં પ્રાપ્‍ત થતું નથી,કારણ કે,આ ઇચ્છાઓનો સબંધ અનેક વાસનાઓની સાથે છે.આ વાસનાઓ જ કર્મનું મૂળ છે.
ઉ૫નિષદ કહે છે કેઃ  !! જન્માન્તરશતાભ્યસ્તા મિથ્યાસંસારવાસના !!
                             !! સા ચિર અભ્યાસયોગેન વિના ન ક્ષિયતે કશ્ચિત !!
અનેક જન્મોની અધૂરી રહેલી આ સંસારની મિથ્યા વાસનાઓ લાંબા સમયના અભ્યાસ વિના ક્ષીણ થતી નથી અને જ્યાંસુધી વાસનાઓ છે ત્યાંસુધી કર્મ ચાલુ રહે છે.કર્મોને સમાપ્‍ત કરવાં હોય તો વાસનાને મારવી પડે છે અને તે ભગવાનનું નામ લેવાથી જ મરે છે.તેથી જ સુકરાત ભગવાનને પ્રાર્થના કરે છે કેઃ હું અંદરથી ખુબસુરત બનું. અંદરથી ખુબસુરત બનવાનો અર્થ છે કે-મનને નિર્વિષય બનાવવું તથા શમ-વિચાર-સંતોષ અને સત્સંગ- આ ચારનું પ્રયત્નપૂર્વક સેવન કરવું.આ ચાર મોક્ષના દ્રારપાળ છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
જેમ બધી બાજુંથી ભરપુર,અચળ,પ્રતિષ્‍ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરૂષમાં કોઇપણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઇ જાય છે તે જ પુરૂષ પરમ શાંતિને પામે છે. (ગીતાઃ૨/૭૦)
માનવીની તમામ એષણાઓ આત્મકામ આત્મસ્વરૂ૫માં વિલિન થઇ જાય છે ત્યારે જ પરમ શાંતિની પ્રાપ્‍તિ થાય છે.
અમે સંસારમાં રહીએ પરંતુ સંસાર અમારા મનમાં ના રહે તેવો પ્રયત્ન કરવો જોઇએ.
!! મન એવમ્ મનુષ્‍યાણાંમ્ કારણ બંધ મોક્ષયો !! મન જ મનુષ્‍યના બંધન અને મોક્ષનું કારણ છે.વિષયાસક્ત મન બધ્ધ અને નિર્વિષય મન જ મુક્ત માનવામાં આવે છે.
શંકરાચાર્યજી કહે છે કેઃ જેને મનને જીતી લીધું છે તેને જગતને જીતી લીધું.મનનો પૂર્ણ નિરોધ કરવામાં વિષયવિહિન મન જ સમર્થ હોય છે.મનની શક્તિ વિશ્રામ નહી,પરંતુ અભ્યાસ છે.જેવી રીતે પ્રાતઃકાળ સૂર્યોદય થતાં જ અધકાર દૂર થઇ જાય છે,તેવી જ રીતે મનની પ્રસન્નતાથી તમામ બાધાઓ શાંત થઇ જાય છે.
મનના બે પ્રકારના દોષ માનવામાં આવે છેઃ સ્થાઇ અને આવેગ જન્ય..
લોભ-મોહ-આસક્તિ અને માન મેળવવાની ઇચ્છા એ સ્થાઇ દોષ છે.તે નિરંતર મનમાં રહેલા હોય છે.વિવેક-વેરાગ્ય અને સત્સંગના દ્વારા તેને દૂર કરી શકાય છે.
કામ અને ક્રોધ આવેગજન્ય દોષ છે.રોગમાં તથા વૃધ્ધાવસ્થામાં કામવેગ સમાપ્‍ત થઇ જાય છે.જ્યાં ભય હોય ત્યાં ક્રોધ આવતો નથી.કામ અને ક્રોધ ક્યારે ઉત્પન્ન થઇ જાય તેની ખબર પડતી નથી.આવી ગયા પછી જો બુધ્ધિથી સાવધાની રાખીએ તો તેને દબાવવાનો પ્રયત્ન કરી શકાય છે.કામ-ક્રોધને આવવા જ ના દેવાય તેવી અગાઉથી કોઇ વ્યવસ્થા કરવી સંભવ નથી.આપણે જો સ્થાઇ દોષો ઉ૫ર વધુ ધ્યાન આપીએ તો તેનું ઉન્મૂલન કરી દઇએ તો આવેગજન્ય દોષો આપણું કશું જ બગાડી શકતા નથી.
વિદૂરજીએ કહ્યું છે કેઃ !! મમત્વં પરમં દુઃખમ..!! મમતા એ જ સૌથી મોટું દુઃખ છે. મહાભારતમાં મમતાનો સર્વથા ત્ગાગ કરવાનું કહ્યું છે. !! ત્યક્તોવ્યો મમકારઃ !! સાથે સાથે એવું કહ્યું છે કેઃ જો મમતા કરવી જ હોય તો તેને વ્યાપક બનાવો કે જેનાથી....
!! સિયારામમય સબ જગ જાની,કરઉં પ્રણામ જોરિ જુગ પાની !!
સંત નિરંકારી મિશનના પ્રસિધ્ધ ગ્રંથ અવતારવાણી-માં કહ્યું છે કેઃ
પૂત્ર-પત્નીની આશા ના રાખો, ના કોઇ કર્મ કમાણી પર,
રમતા રામનો રાખો ભરોસો, આ જગનો ના જરા વિશ્વાસ..
રાખ અવતાર ગુરૂ પર આશા, કણ કણમાં છે જેનો વાસ,
સમજી પ્રભુને હર ઘટ અંદર,સૌ માનવથી પ્રેમ કરો,
સમજી પ્રભુને હર ઘટ અંદર,આદર ને સત્કાર કરો,
ગુણ એ કેવળ એકના ગાયે, એક તણો આધાર ધરે..... અવતારવાણીઃ૨૨૮
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કેઃ
        જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતાં નિષ્‍કામભાવે ભજે છે, એ નિરંતર મારૂં ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું હું પોતે વહન કરૂં છું..





સંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
e-mail:vinodmachhi@gmail.com





No comments:

Post a Comment